૮મી નવેમ્બરે નોટબંધીની બીજી સંવત્સરીને એવી રીતે ભૂલવાડવામાં આવી કે જાણે એવી કોઈ ઘટના જ ન બની હોય; પણ જેને ડામ લાગ્યો હોય એ દરદ કેમ ભૂલે! આખો દિવસ અને હજુ પણ સોશ્યલ મીડિયા પર એ વસમા દિવસોને યાદ કરવામાં આવે છે. કોઈ વડા પ્રધાનની ઠેકડી ઉડાડે છે અને કોઈ પૃથક્કરણ કરે છે. કોઈકે નોટબંધીની નિષ્ફળતાનું પ્રમાણ આપતો મેસેજ વાયરસ કર્યો હોત કે જો નોટબંધી સફળ નીવડી હોત તો આઠમી નવેમ્બરનાં અખબારોમાં આખું પાનું ભરીને નરેન્દ્ર મોદીના મોટા ફોટા સાથે પહેલે પાને અને ટીવી-ન્યુઝ ચેનલોમાં એડવર્ટાઈઝમેન્ટ આપવામાં આવી હોત. પ્રજા-કલ્યાણનાં મહાન પગલાંને લોકો ભૂલે નહીં, એ માટે સોએક કરોડ રૂપિયા એડવર્ટાઈઝમેન્ટ પાછળ ફૂંકી માર્યા હોત. એમ તો વડા પ્રધાને તેમના ૧૫મી ઓગસ્ટના ૮૫ મિનિટ લાંબા પ્રવચનમાં નોટબંધીનો ઉલ્લેખ નહોતો કર્યો. તેમણે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ‘હમ મખ્ખન પર નહીં, પથ્થર પર લકીર કરતે હૈ.’ કવિ રમેશ પારેખના આલા ખાચરની જેમ મોળી વાત જ ન નહીં કરવાની.
દુર્ભાગ્યે પથ્થર એટલો કડક નીકળ્યો કે પથ્થર તો તુટ્યો નહીં, પરંતુ એમાં સીણી – હથોડી બન્ને ભાંગી ગયાં. સીધે પાટે દોડતું અર્થતંત્ર પાટા પરથી ઊતરી ગયું. એ દુ:સાહસ હતું એમાં તો હવે કોઈને શંકા રહી નથી; પરંતુ કેટલાક લોકો એમ કહે છે કે એ દુ:સાહસ નહોતું, કૌભાંડ હતું. સાચી વાત આ સરકાર જશે અને તેની જગ્યાએ ગેર-એન.ડી.એ. સરકાર આવશે ત્યારે બહાર આવશે. નોટબંધી અને રાફેલનું સત્ય એક દિવસ બહાર આવશે જ એમાં કોઈ શંકા નથી.
આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ રાતે આઠ વાગે વડા પ્રધાને પાંચસો અને હજારની નોટ રદ્દ કરી, એના ચાર કલાક પહેલા રિઝર્વ બેન્કના બોર્ડની બેઠક મળી હતી. કાનૂની જરૂરિયાત માટે એ બેઠક ખાસ બોલાવવી પડી હતી, જેમાં કેન્દ્ર સરકારના નોટબંધી કરવાના નિર્ણયને માન્ય રાખવામાં તો આવ્યો હતો, પરંતુ નોટબંધી કરવાં પાછળ જે ત્રણ કારણ આપવામાં આવ્યાં હતાં, એમાંથી બે કારણ રિઝર્વ બેન્કને ગળે ઊતર્યાં નહોતાં. નોટબંધી કરવા પાછળનું મુખ્ય કારણ આપવામાં આવ્યું હતું, કાળાં ધનને પસ્તીમાં ફેરવી નાખવાનું. રિઝર્વ બેન્કના બોર્ડે સરકારને સલાહ આપી હતી કે જે લોકો કાળું ધન ધરાવે છે એ ઘરમાં નોટની થપ્પી લગાડીને નથી રાખતા. ભારતમાં કાળું નાણું રીઅલ એસ્ટેટમાં અને કિંમતી ધાતુમાં રોકાયેલું હોય છે અને એ નોટબંધીથી નિરસ્ત થવાનું નથી.
બીજું કારણ નકલી નોટોને પસ્તી બનાવવાનું આપ્યું હતું તો એ વિષે રિઝર્વ બેન્કના બોર્ડે સરકારને કહ્યું હતું કે જેટલી ધરવામાં આવે છે એટલી નકલી નોટો બજારમાં ફરતી નથી. ત્રાસવાદીઓને નાણા વિનાના કરી દેવાનું ત્રીજું કારણ કોઈ ખાસ વજૂદ નહોતું ધરાવતું એટલે રિઝર્વ બેન્કે તેની ખાસ નોંધ નહીં લીધી હોય. આજ સુધી કોઈ ત્રાસવાદી જૂથ પાસેથી કરોડો રૂપિયા હાથ લાગ્યા હોય એવી ઘટના જોવામાં નથી આવી. તેમની નાણાકીય વ્યવસ્થાની મોડસ ઓપરેન્ડી જુદા પ્રકારની હોવી જોઈએ. રિઝર્વ બેન્કના બોર્ડની એ સાંજની ખાસ બેઠકની મિનિટસ ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ પ્રકાશિત કરી છે, અને નથી તેને નાણા ખાતાએ રદિયો આપ્યો કે નથી રિઝર્વ બેન્કે. બીજું એ બેઠકમાં રિઝર્વ બેન્કે સરકારને એવી પણ ચેતવણી આપી હતી કે તેને પરિણામે થોડા સમય માટે અર્થતંત્રને નુકસાન પહોંચશે.
ટૂંકમાં ફાયદો તો કોઈ થવાનો નથી, ભલે થોડા સમય માટે પણ નુકસાન થવાની શક્યતા છે એવી રિઝર્વ બેન્કના બોર્ડે ચેતવણી આપી હોવા છતાં ચાર કલાક પછી નોટબંધી જાહેર કરવામાં આવી હતી. કાં તો આજ સુધી કોઈએ વિચાર્યું નથી કે કર્યું નથી એવું કરીને સોપો પાડી દેવાનો ઈરાદો હતો અને કાં મની લોન્ડરિંગની નેશનલ સ્કીમ હતી, જેમાં સરકાર દેશને ફદિયાની પણ આવક કરાવ્યા વિના કાળાં નાણાં ધરાવનારાઓને મદદરૂપ થઈ હતી. પહેલા પાંચ દિવસ દરમ્યાન ગુજરાતની કોઓપરેટિવ બેન્કોમાં પૈસા ઠલવાતા હતા. આમાં સામાન્ય પ્રજાએ કારણ વિના હાલાકી ભોગવી હતી.
રિઝર્વ બેન્કના બોર્ડની મિનિટ્સ બહાર આવી એ પછી રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધીના નિર્ણયની ટીકા કરી છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયામાં એક વ્યાખ્યાન આપતા ડૉ. રઘુરામ રાજને કહ્યું છે કે નોટબંધી તથા ખરાબ રીતે લાગુ કરવામાં આવેલા જી.એસ.ટી.એ ભારતનાં અર્થતંત્રની દશા બગાડી નાખી છે. વૈશ્વિક આર્થિક સંકટની વચ્ચે ૨૦૧૨ થી ૨૦૧૬ના વરસોમાં ભારતનું અર્થતંત્ર ઝડપભેર પાટે ચાલી રહ્યું હતું, તેને ખોરવી અનાખવામાં આવ્યું. તેમણે કહ્યું હતું કે જ્યારે દેશને દર મહિને દસ લાખ રોજગારીની જરૂરિયાત હોય ત્યારે સાત ટકાનો વિકાસદર કાંઈ ન કહેવાય. આ દરે ભારત પાછળ ધકેલાતું જશે અને સાત ટકાનો વિકાસદર નવા યુગનો નવો હિન્દુ રેઈટ ઓફ ગ્રોથ ગણાશે.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પણ ટીકા કરી હતી. સત્તાનું એટલું બધું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ કોઈ કામ જ નથી કરી શકતી. સંકટનો સામનો એક વ્યક્તિ ન કરી શકે, તેને માટે સંઘબળ જોઈએ. અનેક લોકો સમિધા બને ત્યારે યજ્ઞ સફળ નીવડે. તેમણે મજાકમાં સરદાર પટેલનાં પૂતળાનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જ્યારે વડા પ્રધાન ઈચ્છે છે ત્યારે નિશ્ચિત કરેલા સમયમાં પરિણામ બતાવી શકે છે. જો પૂતળું સમયસર બંધાવી શકે તો બીજાં કામ કેમ ન કરી શકે? ડૉ. રઘુરામ રાજને બેન્કોના એન.પી.એ.ના કારણે જવું પડ્યું હતું એ તો જાણીતી હકીકત છે. એન.પી.એ. વિષે ફરી તેમણે કહ્યું હતું કે બેન્કોમાં, બેન્કિંગ વ્યવસ્થામાં અને એકંદર વ્યવસ્થામાં વ્યવસ્થાકીય સુધારાઓ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ જાદુ થવાનો નથી.
હવે પછી અરવિંદ સુબ્રમણ્યમ બોલશે અને બીજા બોલશે. તઘલખી નિર્ણયોને ખુદ્દારી ધરાવનારા બધા થોડા અનુમોદન આપે!
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 નવેમ્બર 2018
![]()


રૈયતને અભણ રાખવામાં ફાયદો છે. ન રહે બાંસ ન બજે બાંસુરી. તેઓ તેમનાં પ્રાચીન શાસ્ત્રોમાં અને રીતિરિવાજોમાં મશગૂલ છે. તેઓ પોતાને શ્રેષ્ઠ સમજે છે એટલે આપણાથી છેટા રહે છે, અને તેમનાં પોતાનાં ભાંડુઓને હલકા ગણીને છેટા રાખે છે. આ જગતમાં આવી પણ કોઈ પ્રજા હોય એ હિન્દુસ્તાનમાં જોવા મળ્યું. આવડો મોટો દેશ, વિપુલ કુદરતી સંપદા, ગ્રાહક તરીકે ખપમાં આવે એવી બહોળી વસતી અને એ પણ આપસ-આપસમાં ટાપુ બનીને જીવનારી. આવી અનુકૂળતા ભાગ્યે જ જોવા મળે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકોએ અને બ્રિટિશ સરકારે કહેવાતાં ઈંગ્લિશ મૂલ્યો અને ખ્રિસ્તી મૂલ્યોને વચ્ચે લાવીને ભાવનાશીલ બનવાની જરૂર નથી. એ મૂલ્યો જો વચ્ચે લાવીશું અને એક માણસ તરીકેના તેમના અધિકારો માન્ય રાખશું અને માનવી સાથેની વર્તણૂકની મર્યાદા આપણે આપણા ઉપર લાદીશું તો ભારતમાંથી જલદી ઉચાળા ભરવા પડશે.
સંઘપરિવારના હિન્દુ રાષ્ટ્રવાદીઓ રામચન્દ્ર ગુહાને ગુજરાતમાં આવીને વિદ્યાર્થીઓને ભણાવવા નથી દેતા, એનો શું અર્થ કરશો? કોઈ વિદ્વાન આવી ચડે તો વિદ્યાર્થીઓ વિચારતા થાય, વિચારતા થાય તો શંકા કરતા થાય, શંકા કરતા થાય તો પ્રશ્ન પૂછતા થાય અને પ્રશ્ન પૂછતા થાય તો શ્રેષ્ઠત્વનો વરખ ઉખડી જાય એ વાતનો ડર છે? આ સિવાય કોઈ કારણ હોય તો ભક્તજનો મારું ધ્યાન ખેંચે. અંગ્રેજોએ તો કમસેકમ સ્વીકારી લીધું હતું કે એક દિવસ આપણો શ્રેષ્ઠત્વનો વરખ ઉખડી જવાનો છે અને આપણે જવું પડશે; પરંતુ એ છતાં ય આપણે પાશ્ચાત્ય આધુનિક શિક્ષણ આપવું જોઈએ. એનું કારણ રાજધર્મ પણ હોઈ શકે છે અને મજબૂરી પણ હોઈ શકે છે કે પછી બન્ને હોઈ શકે છે. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે તેમણે જાગૃતિ આણનારું અને પ્રશ્નો પૂછનારું શિક્ષણ ભારતમાં દાખલ કર્યું. આપણા રાષ્ટ્રપ્રેમીઓ કઈ પ્રેરણાથી ગુજરાતના વિદ્યાર્થીઓને વિચારથી વંચિત રાખવા માગે છે એ સ્પષ્ટ કરવું જોઈએ, જે રીતે અંગ્રેજોએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. અંગ્રેજો પ્રામાણિક હતા. જે અંગ્રેજો આધુનિક શિક્ષણનો વિરોધ કરતા હતા, તેઓ કહેતા હતા કે તેમનો ઉદ્દેશ શોષણનો છે. સૂતેલાને સહેલાઈથી લૂટી શકાય.