ચંપારણમાં જેને ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડતું હતું અને જે ગાંધીજીને આગ્રહ કરીને ચંપારણ તેડી લાવવા પ્રયત્ન કરતા હતા એ રાજકુમાર શુક્લ નામના ખેડૂત ૨૭ ફેબ્રુઆરી ૧૯૧૭ના દિવસે ચંપારણ આવવા વિનંતી કરતા પત્રમાં લખે છે:
‘માન્યવર મહાત્મા,
કિસ્સા સુનતે હો રોજ ઔરોં કે,
આજ મેરી ભી દાસ્તાન સુનો.
આપને ઉસ અનહોની કો પ્રત્યક્ષ કર કાર્યરૂપ મેં પરિણત કર દિખલાયા, જિસે ટલ્સટૉય જૈસે મહાત્મા કેવળ વિચાર કરતે થે. ઇસી આશા ઔર વિશ્વાસ કે વશીભૂત હોકર હમ આપ કે નિકટ અપની રામકહાની સુનાને કે લીએ તૈયાર હૈ.’
રામકહાનીના અંતે લખે છે : ‘ચંપારણ કી ૧૯ લાખ દુઃખી પ્રજા શ્રીમાન કે ચરણ-કમલ કે દર્શન કે લિયે ટકટકી લગાયે બૈઠી હૈ; ઔર ઉન્હેં આશા હી નહીં, બલ્કી પૂર્ણ વિશ્વાસ હૈ કિ જિસ પ્રકાર ભગવાન શ્રી રામચન્દ્ર જી કે ચરણસ્પર્શ સે અહિલ્યા તર ગયી, ઉસી પ્રકાર શ્રીમાન કે ચંપારણ મેં પૈર રખતે હી હમ ૧૯ લાખ પ્રજા કા ઉદ્ધાર હો જાયેગા.’
શ્રીમાન કા દર્શનાભિલાષી
રાજકુમાર શુક્લ’
દેશમાં એકથી એક દિગ્ગજ નેતાઓ હતા તો આ માણસ ગાંધીજીની પાછળ શા માટે પડ્યો હતો? ગાંધીજીએ હજુ સુધી તો ભારતમાં કોઈ કામ આરંભ્યું પણ નહોતું, ત્યાં લડત તો બહુ દૂરની વાત છે. વળી પાછા ખાતરીથી કહે છે કે ચંપારણમાં પગ મુકતાની સાથે જ ચંપારણની ૧૯ લાખ પ્રજાનો ઉદ્ધાર થઈ જશે.
આ પ્રશ્નનો ઉત્તર ચંપારણ આપે છે. ગાંધીજી ૧૦મી અપ્રિલે પટના પહોંચે છે. ત્યાંથી ૧૧મી તારીખે મુઝફ્ફરપુર જાય છે. બિહારના કેટલાક નેતાઓ તેમને મળવા જાય છે અને વિસ્મય સાથે ગાંધીજીની કાર્યશૈલી નિહાળે છે. સૌ પહેલા ગળીનું વાવેતર કરનારા ગોરા કોઠીવાળાઓની સંસ્થા બિહાર પ્લાન્ટર્સ એસોસિયેશનનના મંત્રીને મળીને તેમને જણાવે છે કે તેઓ અહીં શા માટે આવ્યા છે અને તેમાં તેમની મદદ માગે છે. પ્લાન્ટર્સ એસોસિયેશનનો મંત્રી કહે છે કે ચંપારણમાં બધાં રૂડાં વાનાં છે, ખેડૂતો રાજી છે અને કોઈ પ્રકારનું શોષણ કરવામાં આવતું નથી. એવી જો કોઈ એકલદોકલ ઘટના બને છે તો તેની સરકાર તપાસ કરે છે માટે તમારે ચંપારણ જવાની જરૂર નથી. ગાંધીજી આમ છતાં ચંપારણ જવાનો અને સગી આંખે સત્ય જાણવાનો પોતાનો ઈરાદો જણાવી દે છે. એ પછી ગાંધીજી વહીવટી રીતે જેમાં ચંપારણ આવતું હતું તે તિરહુત ડિવિઝનના કમિશનરને મળવા જાય છે અને તેમને પણ આવવાનું કારણ અને હવે પછી શું કરવાના છે એનું કારણ જણાવી દે છે. કમિશ્નરનું વલણ જોતાં ગાંધીજીને સમજાઈ ગયું હતું કે તેઓ કદાચ ચંપારણમાં પ્રવેશ પ્રતિબંધ લાદશે. ગાંધીજી ઉતારે આવીને જેલમાં લઈ જવા માટેનો સામાન અલગ પોટલીમાં બાંધે છે.

આ નવું. જેની સાથે લડવાનું છે એને જ મળીને અને આંખમાં આંખ પરોવીને કહી આવવાનું કે હું જરૂર પડ્યે તમારી સામે લડવાનો છું. પાછી એ જ ક્ષણે જેલ જવાની પણ તૈયારી. બિહારના નેતાઓ માટે આ નવો અનુભવ હતો. કમિશનરે કોણે તમને ચંપારણ આવવાં બોલાવ્યા છે એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ગાંધીજીએ બિહારના ચાર મોટા નેતાઓએ ગાંધીજીને લખેલો પત્ર રજૂ કર્યો હતો જેમાં સંબોધન હતું, પ્રિય મિ. ગાંધી’. રાજકુમાર શુક્લના સંબોધનમાં અને નેતાઓના સંબોધનમાં જે ફરક છે એ ધ્યાનમાં આવ્યો હશે.
ગાંધીજી ૧૫મી તારીખે બપોરની ટ્રેનમાં ચંપારણના વડા મથક મોતીહારી જવા નીકળે છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેમના ‘ચંપારણ મેં મહાત્મા ગાંધી’ નામના પુસ્તકમાં લખે છે મુઝફ્ફરપુરથી લઈને મોતીહારી સુધી દરેક સ્ટેશને દર્શનાર્થીઓની મોટી ભીડ જોવા મળતી હતી. ખબર નહીં કઈ રીતે લોકોને તેમની ભૂમિમાં કોઈ અનોખો માનવી આવ્યો હોવાની જાણ થઈ હતી! મોતીહારી પહોંચીને આખી રાત જાગીને ગાંધીજીએ લડતની તૈયારી કરી હતી. તેમને સમજાઈ ગયું હતું કે બિહારના નેતાઓ લોકો વચ્ચે ભળી શકે એમ નથી. તેમણે પત્રો લખીને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કેટલાક સાથીઓને બોલાવ્યા હતા. તેમના મિત્ર સી.એફ. એન્ડ્રુઝને કલકતાથી બોલાવ્યા હતા.
તેમણે બીજા દિવસે બિહારના નેતાઓને કહ્યું હતું કે તેમણે કારકુનનું કામ કરવાનું છે. લોકોની દાસ્તાન સાંભળીને તેમનાં નિવેદનો નોંધવાનાં. એ સમયનાં ધુરંધર નેતાઓ અને એ પછીના યુગમાં ધુરંધર નેતા તરીકે આગળ આવનારા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓ સહિત પચાસેક જણ સ્ટૂલ પર બેસીને કારકુનનું કામ કરતા હતા. બે દિવસમાં હજારો નિવેદનો નોંધાઈ ગયાં. વીસ વીસ કિલોમીટર દૂર આંતરિયાળ ગામોમાંથી લોકો પગે ચાલીને આવતા હતા. ખબર નહીં કોણે તેમના સુધી વાત પહોંચાડી અને કોણે તેમને મોતીહારી મોકલ્યા હતા. બે દિવસમાં ગાંધીજી પાસે એટલી નક્કર માહિતી હતી જેટલી સરકાર પાસે પણ નહોતી. હા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદના કહેવા મુજબ સરકારી કર્મચારીઓ દૂર ઊભા રહીને ગાંધીજીને પ્રણામ કરતા જોવા મળતા હતા.
ગાંધીજીને ચંપારણ છોડી જવાની નોટિસ મળી. ગાંધીજીએ આદેશનો અસ્વીકાર કર્યો. હવે મુકદમો ચલાવવો પડે એમ હતો. ૧૮મી એપ્રિલે ગાંધીજીને મોતીહારીની અદાલતમાં હાજર રહેવાનું હતું. `ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લખે છે: ’૧૮ એપ્રિલનો દિવસ માત્ર ચંપારણના ઇતિહાસમાં નહીં, વર્તમાન ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વનો દિવસ છે, જેમાં જગવિખ્યાત તપસ્વી ન્યાયકર્તા અને પ્રતાપી રાજર્ષિ જનકના દેશમાં આવીને ગરીબ, દુઃખી અને જીવનરહિત પ્રજાના હિતમાં મહાત્મા ગાંધી જેલ જવાની તૈયારી કરતા હતા. એ દિવસે ભારતના વર્તમાન ઇતિહાસમાં સત્યાગ્રહનું એક પવિત્ર અને જ્વલંત ઉદાહરણ દ્વારા સમસ્ત ભારત વર્ષની આંખ ખુલવાની છે. ‘સાંચ કો આંચ નહીં’ એવી આપણે ત્યાં કહેવત છે તો ખરી પણ તેને ચરિતાર્થ કરીને સંસારમાં એની સત્યતા એ દિવસે સિદ્ધ કરવાના હતા. દુઃખ દેનારાઓને દુઃખી કર્યા વિના ચંપારણની દુ:ખી પ્રજાનું દુઃખ દૂર કરવા માટે જાણે કે મહાત્મા ગાંધીના પવિત્ર આત્માએ મનુષ્ય દેહ ધારણ કર્યો છે. આવા મહાપુરુષ સામે કોઈ બાધાઓ ટકી શકે?’
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચંપારણમાં ગાંધીજીની સાથે હતા. ઘટી રહેલી ઘટનાઓના અને ઘટનાઓ દ્વારા પેદા થઈ રહેલા વિસ્મયના સાક્ષી હતા. તેમણે તેમનું પુસ્તક ચંપારણના સત્યાગ્રહ પછી તરત લખ્યું હતું અને ૧૯૨૨માં પ્રકાશિત થયું હતું. દેશમાં નેતૃત્વની જે નવી પેઢી પેદા થઈ એમાં એક રાજેન્દ્રબાબુ પણ હતા. તેમણે ઉપર લખ્યું છે કે ૧૮મી એપ્રિલે ભારતના વર્તમાન ઇતિહાસમાં સત્યાગ્રહના એક પવિત્ર અને જ્વલંત ઉદાહરણ દ્વારા સમસ્ત ભારત વર્ષની આંખ ખુલવાની છે.
તેમણે આમ કેમ લખ્યું? અને એ પણ ૧૯૧૮-૧૯ની સાલમાં લખ્યું. તો શું ત્યાં સુધી ભારત વર્ષની આંખો બંધ હતી? તેમણે શબ્દ બહુ સૂચક વાપર્યો છે. ‘ભારત વર્ષની’. એ દ્વારા તેઓ શું કહેવા માગે છે?
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 નવેમ્બર 2020
![]()


આદર રળવાનો હોય કે માગવાનો હોય? સર્વોચ્ચ અદાલતના વકીલ પ્રશાંત ભૂષણે એક ટ્વીટ કરીને સર્વોચ્ચ અદાલતની અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિની ટીકા કરી ત્યારે આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આદર અધિકાર છે કે સામેની વ્યક્તિ દ્વારા જાળવવામાં આવતો વિવેક છે? એ સમયે આ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો.
પ્રશાંત ભૂષણને ટીકાનું વાજબીપણું સાબિત કરવાનો મોકો આપવામાં ન આવ્યો એને કારણે, હું ફરી કહું છું કે એને કારણે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા ટીકા કરવામાં એક ડગલું આગળ ગયા છે. તેમણે ટ્વીટ કરીને સર્વોચ્ચ અદાલતની આકરી ટીકા કરી છે, સર્વોચ્ચ અદાલતના મકાનને ભગવા રંગે રંગ્યું છે અને ઉપર દેશના રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભા.જ.પ.નો ઝંડો લહેરાવ્યો છે. તેમણે કહ્યું છે કે હું ટીકાનું વાજબીપણું સાબિત કરવાનો નથી, માફી માગવાનો નથી, દંડ ચૂકવવાનો નથી. મારી સામે ખટલો ચલાવવાનું નાટક કર્યા વિના સજા કરીને જેલમાં મોકલી દો. તેમણે સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે મારી પાછળ જે સમય તમે ખર્ચ કરવાના છો એ સમય એવા ખટલા હાથ ધરવામાં ખર્ચો જ્યાં ન્યાયબુદ્ધિ અને રહેમદિલીની તાત્કાલિક જરૂર છે. જે ન્યાયબુદ્ધિ અને રહેમદિલી અર્ણવ ગોસ્વામી માટે બતાવી છે એ ત્યાં બતાવો. પ્રશાંત ભૂષણ કરતાં એક ડગલું આગળ. ટીકા કરી છે, તેની જવાબદારી લઉં છું, જેલ જવા તૈયાર છું; તમે સાબિત કરો કે તમે ખરા અર્થમાં ન્યાયની ખુરશી ઉપર બેસવાને લાયક ‘ન્યાયાધીશ’ છો. આટઆટલા કેસ તમારી પાસે પડ્યા છે જે ખરા અર્થમાં પ્રાથમિકતા ધરાવે છે, જાહેર હિતના છે અને ન્યાયબુદ્ધિની કસોટી કરનારા છે. ઉઠાવો ધનુષ અને આપો પરીક્ષા. મને તમે ખુશી ખુશી જેલમાં મોકલી દો.
કનૈયાલાલ મુનશીએ તેમના ‘પિલ્ગ્રીમેજ ટુ ફ્રિડમ’ નામના ગ્રંથના પહેલા ભાગમાં લખ્યું છે કે ભારતીય નેતાઓએ મોરલે-મિન્ટો સુધારા તરીકે વધારે જાણીતો ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ-૧૯૦૯’નો સ્વીકાર કર્યો એ સાથે ભારતનાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં. એ કાયદાકીય સુધારા હેઠળ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓને ધારાસભાઓમાં સ્થાન મળ્યું હતું, પણ ચૂંટણીનું સ્વરૂપ કોમી હતું. મુસલમાનો માટે અલગ મતદાર સંઘ આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર મુસલમાનો જ મતદાન કરી શકે. ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં કૉન્ગ્રેસ તરફથી અથવા એમ કહો કે હિંદુઓ તરફથી લોકમાન્ય તિલકે અને મુસ્લિમ લીગ તરફથી અથવા કહો કે મુસલમાનો તરફથી મહમદઅલી ઝીણાએ વિભક્ત મતદાર સંઘની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી હતી. મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં ઘણી વધુ બેઠકો અલગ મતદાર સંઘ તરીકે મંજૂર રાખીને ફાળવવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી તેમના ગ્રંથમાં લખે છે કે એ સમજૂતી આગળ જતા દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં પરિણમશે એની ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી. માત્ર મદનમોહન માલવિયાએ લખનૌ કરારનો વિરોધ કર્યો હતો.