શિવસેનાની સ્થાપના આજની વાણિજ્ય પરિભાષામાં કહીએ તો સ્પેશિયલ પર્પઝ વેહિકલ (એસ.પી.વી.) તરીકે કૉન્ગ્રેસે કરી હતી. આ ૧૯૬૦ના દસકાની વાત છે જ્યારે મુંબઈના ઉદ્યોગજગતમાં સામ્યવાદીઓનાં મજૂર સંગઠનોનો દબદબો હતો. ગુજરાતી ઉદ્યોગપતિઓ તાજા સ્થપાયેલા ગુજરાતમાં ઉદ્યોગધંધા ન ખસેડે એ માટે તેમને મજૂરોની અશાંતિથી મુક્ત કરી આપવા જોઈએ એમ એ સમયના મહારાષ્ટ્રના શાસકોને લાગ્યું હતું. મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ તક જોઈને આવી માગણી કરતા હતા.
એ સમયના શાસકો હજુ શાસક તરીકે મર્યાદાધર્મ પાળતા હતા એટલે કાયદાની ઐસીતૈસી કરવા જેટલે આગળ નહોતા જતા. આજે તો વડા પ્રધાન પોતે ચૂંટણી વખતે આચાર સંહિતા તોડીને કાયદાની ઐસીતૈસી કરે છે. આમાં મર્દાનગી જોવામાં આવે છે. એ સમયે વિકૃતિ આટલી હદે નહોતી ફેલાઈ, પણ વાત તો એ જ હતી. તમે પોતે કરો કે કરાવો એનાથી પરિણામમાં કોઈ ફરક નથી પડતો.
કૉન્ગ્રેસે સામ્યવાદી મજૂર સંગઠનોની તાકાત તોડવા માટે એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે શિવસેનાની સ્થાપના માટે રસ્તો કંડારી આપ્યો હતો. મહારાષ્ટ્ર હજુ તાજું તાજું અલગ રાજ્ય બન્યું હતું એટલે શિવાજીને મરાઠી અસ્મિતાના દૈવત બનાવાયા, મરાઠીઓને ન્યાયનો ધ્યેયધર્મ અપનાવ્યો. મુખ્ય ધ્યેય તો આગળ કહ્યું એ હતું. સેનાએ કાયદાની ઐસીતૈસી કરવાની હતી પણ માફકસર. એમાં કૉન્ગ્રેસનો વિરોધ કરવાની, ગાળો દેવાની, કૉન્ગ્રેસના નેતાઓની ઠેકડી ઊડાડવાની માફકસરની છૂટ હતી.
આ માફકસરે આ દુનિયામાં ભલભલાને છેતર્યા છે. આ જ કૉન્ગ્રેસીઓને, કહો કે તેમની આગલી પેઢીના કૉન્ગ્રેસીઓને અને એ પણ દિગ્ગજ કૉન્ગ્રેસી નેતાઓને મુસલમાનોના કોમવાદને ખાળી શકાય એ માટે ગાંધીજીની હત્યા પછી પ્રતિબંધિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરનો પ્રતિબંધ ઊઠાવીને બચાવી લીધો હતો. એ સમયે આર.એસ.એસ. કેટલાક હિંદુ પક્ષપાત ધરાવનારા કૉન્ગ્રેસીઓનું સ્પેશિયલ પર્પઝ વેહિકલ હતું. તેમને ત્યારે એમ લાગ્યું હતું કે મુસલમાનોના કોમવાદનું સંતુલન કરવા માફકસરનો હિંદુ કોમવાદ જરૂરી છે. સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવવામાં મદદ કરનારાઓ હિન્દુત્વવાદી નહોતા, પણ હિંદુ પક્ષપાતી હતા.
માટે માફકસરે એ લોકોને છેતર્યા છે જેમણે માફકસરની કલ્પના કરી હતી, માફકસરનું પ્રમાણ નક્કી કર્યું હતું અને માફકસરની લાલચ અનુભવી હતી. સનાતન સત્ય એ છે કે ખોટું માફકસરનું હોતું નથી. ખોટું એ ખોટું હોય છે અને એ ગમે ત્યારે, તમારી અનિચ્છાએ પણ મર્યાદા ઓળંગી શકે છે. બીજું, આપણે ખાદીના ધોળા બાસ્તામાં ફરીએ અને ખોટાં કામ બીજાં પાસે કરાવીએ એ એરેન્જમેન્ટ કાયમ માટે ટકતી નથી.
મહારાષ્ટ્રમાં એવું જ બન્યું. શિવસેનાનું માફકસરનું રાજકારણ કૉન્ગ્રેસને માફક ન આવે એવું બનતું ગયું. કૉન્ગ્રેસનું વિભાજન થયું, શરદ પવાર જેવા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ કૉન્ગ્રેસમાંથી બહાર આવ્યા અને કૉન્ગ્રેસની સામે પડ્યા, મહારાષ્ટ્રનું ઝડપભેર શહેરીકરણ થવા લાગ્યું, દેશમાં મોટી સંખ્યામાં મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો જે નોકરીધંધા માટે મુંબઈમાં ઠલાવાતો ગયો તો સામી બાજુએ મહારાષ્ટ્રમાં પણ મધ્યમવર્ગ પેદા થયો જેને પરપ્રાંતિયો માટે અસૂયા પેદા થવા લાગી. લાંબા સમયનાં શાસનના કારણે ભ્રષ્ટાચાર, તુમાખી અને પરિવારવાદ દિલ્હીથી લઈને રાજ્યો સુધી વકરતો ગયો. આ ઉપરાંત કૉન્ગ્રેસે શાહબાનો કેસનો ચુકાદો ઉલટાવવા જેવી કેટલીક ગંભીર ભૂલો પણ કરી હતી. ટૂંકમાં એસ.પી.વી. તરીકે શિવસેનાની સ્થાપના કરવામાં આવી એ પછીના બે દાયકામાં સ્થિતિ એવી બની કે સેનાએ તેના પરની માફકસરની મર્યાદા ધીરેધીરે ફગાવવાનું શરૂ કર્યું.
શિવસેનાએ કૉન્ગ્રેસના અને મુંબઈના ઉદ્યોગપતિઓના એસ.પી.વી. બની રહેવાની જગ્યાએ ગંભીર રાજકીય પક્ષ તરીકે દાવેદારી કરી. જો કે આમાં બાળ ઠાકરે તેમના સ્વભાવની અને રાજકીય શૈલીની મર્યાદાઓના કારણે પાછળ હતા. બીજાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ કૉન્ગ્રેસની વિરુદ્ધમાં બહુ ઝડપથી કાઠું કાઢ્યું હતું, પણ બાળ ઠાકરે જેટલી જોઈએ એટલી ગંભીરતા અને જદ્દોજહદ સાથે રાજકારણ નહોતા કરતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર બિન કૉન્ગ્રેસી પક્ષો માટે બહુ અનુકૂળ ભૂમિ નથી એ પણ ખરું. આમ છતાં ય સેના માટે જગ્યા બનતી ગઈ. કેટલીક વાર તો વગર માગ્યે અને વગર મહેનત કર્યે પણ જગ્યા બનતી ગઈ.
કૉન્ગ્રેસના હવે વળતાં પાણી થવાનાં છે અને તેની જગ્યા ધીરે ધીરે જમણેરી પરિબળોને મળી શકે એમ છે એમ ભારતમાં સૌ પ્રથમવાર ભાખનાર બાળ ઠાકરે હતા એમ બી.જે.પી.ના નેતા પ્રમોદ મહાજને પચીસ વરસ પહેલાં એક દિવાળી અંકમાં લખેલા લેખમાં લખ્યું હતું. બાળ ઠાકરેએ મરાઠી પ્રાંતવાદને બાજુએ કરીને હિંદુ કોમવાદનું રાજકારણ કરવાનું શરૂ કર્યું હતું. બી.જે.પી. કરતાં પણ આક્રમક રીતે. ૧૯૯૦ સુધીમાં શિવસેના કૉન્ગ્રેસના હાથમાંથી નીકળી ગઈ હતી. તે હવે કૉન્ગ્રેસની એસ.પી.વી. રહી નહોતી. માફકસરનું તત્ત્વ તો ક્યારનું જતું રહ્યું હતું.
એક સમયે શિવસેના કૉન્ગ્રેસની સ્પેશિયલ પર્પઝ વેહિકલ હતી. આજે એસ.પી.વી. કૉન્ગ્રેસ પાસે સરકાર રચવા મદદ માગી રહી છે અને કૉન્ગ્રેસના નેતાઓ એ વિષે વિચારણા કરી રહ્યા છે. શ્વાન પૂછડી હલાવે, પણ ક્યારેક વખત આવ્યે પૂછડી શ્વાનને હલાવે એ આનું નામ. જો કૉન્ગ્રેસ સેનાના નેતૃત્વવાળી સરકારને ટેકો આપશે અથવા સરકારમાં જોડાશે તો એમ માનવું રહ્યું કે વર્તુળ પૂરું થયું. અન્ય રાજકીય પક્ષો માટે પણ આમાં ધડો છે, પરંતુ સત્તાની લાલચ એટલી પ્રબળ હોય છે કે કોઈ રાજકીય પક્ષ કાંઈ શીખતો નથી. તાત્કાલિક સ્વાર્થ પ્રબળ હોય છે.
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 નવેમ્બર 2019
![]()


ભારતમાં મુઘલ વંશના શાસનની સ્થાપના બાબરે ૧૪૮૩માં કરી હતી. તેમના પૌત્ર અકબરનો જન્મ ૧૫૪૨માં ભારતમાં જ થયો હતો અને મૃત્યુ ૧૬૦૫માં થયું હતું. તેણે ૧૫૫૬માં શાસનની ધૂરા સંભાળી હતી અને ૪૯ વરસ શાસન કર્યું હતું. આમ અકબર બાદશાહ બન્યો એ પહેલાં મુઘલ સામ્રાજ્યને ૭૩ વરસ થઈ ગયાં હતાં અને ભારતમાં મુસલમાનોનું શાસન આવ્યું એને સાડા ત્રણસો વરસ કરતાં વધુ વરસ થઈ ચૂક્યાં હતાં. પોતાના વંશના શાસનના ૭૩ વરસ અને વિદેશી મુસલમાનોના શાસનના સાડા ત્રણસો કરતાં વધુ વરસ એ કોઈ નાનોસૂનો સમયખંડ નથી.
૧૧મી મે ૧૯૫૧ના દિવસે પ્રભાસ પાટણમાં સોમનાથના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે મંદિરમાં ભગવાન શિવજીની પ્રતિષ્ઠા કર્યા પછી તેમના ભાષણમાં કહ્યું હતું કે સોમનાથનું મંદિર બાંધવાનું કામ પૂરું થયું, હવે આપણે લોકોનાં સુખ અને સમૃદ્ધિનાં મંદિરો બાંધવાનાં છે. રાષ્ટ્રપતિએ પહેલાં તેમના ભાષણમાં સોમનાથનું મંદિર શા માટે બાંધવું જરૂરી હતું એ સમજાવ્યું હતું. ભગવાન સોમનાથનું મંદિર તોડવામાં આવ્યું ત્યારે ભારતીય પ્રજા પર વજ્રાઘાત થયો હતો. ત્યારથી લઈને આજ સુધી સોમનાથનું મંદિર પાછું બંધાય એ દરેક ભારતીયનું સ્વપ્ન હતું. “This faith and creative energy are more powerful than all arms, all the armies and all the emperors of this world.” એ પછી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સોમનાથની ઘટનામાં ઇતિહાસનો અમૂલ્ય પાઠ સમાયેલો છે અને તે ધાર્મિક અસહિષ્ણુતા અંગેનો છે. “Consequence but to produce bitterness and immorality among men. This is the lesson of history and I would like all my countrymen to grasp it firmly.” એ પછી તેમણે કહ્યું હતું કે સોમનાથ દ્વારા રાષ્ટ્રીય સન્માન સ્થાપિત કરી લીધા પછી હવે આપણે પ્રજાની સુખાકારીનાં મંદિરો બાંધવાનાં છે.