
પ્રીતમ લખલાણી
મારા કરતાં કુણાલને અક્ષર દેરીનાં દર્શન કરવામાં વઘુ રસ હતો. મુંબઈમાં દાદર ખાતે આવેલા સ્વામીનારાયણના મંદિરમાં જ્યારે કુણાલને અમે લઈ ગયાં હતાં, ત્યારે ત્યાં દર્શનાર્થે આવતા હરિભકતોને દંડવત્ પ્રણામ કરતા જોઈ તેને ઘણી જ રમૂજ થતી હતી.
અક્ષર દેરીમાં એકાવન વખતથી પણ વઘુ પોતે કરેલી પ્રદક્ષિણા અને પ્રણામનું વર્ણન મા સમક્ષ કરવા તે જેવો દોડ્યો કે અચાનક તેના જમણા પગના ચપ્પલની એક પટ્ટી તૂટી પડતાં તે જરા અચકાયો, પરંતુ પોતે માણેલા આનંદનું વર્ણન કરવાની તેની પ્રબળ ઉત્કંઠાએ તેને નિરાશ થતો રોક્યો. ચપ્પલ હાથમાં લઈ ઉઘાડા પગે તે પોતાની મા તરફ દોડ્યો.
‘મમ્મી, મેં એકાવન વખત દેરીને ફરતે આંટા માર્યા’, અને પછી રમેશભાઈને પોતાનું ચપ્પલ બતાવતાં તેણે પૂછ્યું, ‘અહીં કયાં ય મારું ચપ્પલ સમું કરવાવાળું કોઈ મળી શકશે?”
‘ચાલ દીકરા, આપણે ગામમાં જઈને કોઈ મોચીને શોઘી લઇએ.”
મોચીની ભાળ મેળવવા અમારી કાર ગોંડલ ગામમાં પ્રવેશી. બે-ચાર માણસોને પૂછતાં એકે જણાવ્યું કે થોડેક દૂર ગામમાં જશો, એટલે બેકાર ચોક આવશે. ત્યાં આગળ આર.એસ.પી.નો ડેપો છે. તેના જમણે ખૂણે એક મોચી આવીને હમણાં રોજ બેસે છે.
બેકાર ચોક પાસે અમારી કાર આવતાં ખૂણામાં લીમડાના શીતળ છાંયડા હેઠે એક વૃદ્ઘ મોચીને મગ્ન બની કામ કરતો જોયો. ગાડી ઊભી રહેતાં જ પોતાનું તૂટેલું ચપ્પલ લઈને કુણાલે મોંચી તરફ હડી કાઢી. ફાટેલી થીંગડથાગડ ચોળણી તેમ જ બાંડિયું તેની ગરીબાઈની ચાડી ખાતાં હતાં, તેમ છતાં તેના ચહેરા પર સંતોષ ડોકાઈ રહ્યો હતો. હું પણ કારમાંથી ઊતરી એમની પાસે ગયો.
કુણાલે ભાંગીતૂટી અંગેજી-ગુજરાતી મિશ્ર વાણીમાં એમને તેમનું નામ પૂછયું. કુણાલની ત્રૂટક ત્રૂટક શબ્દોમાં બોલાયેલી એ અગડમ્ બગડમ્ ભાષાને મોચી સમજી ન શકયો કે તે શું પૂછવા માગે છે. તેની મૂંઝવણ જોતાં મે મારો પ્રશ્ન દોહરાવ્યો.’એ તમારું નામ પૂછે છે.”
કુણાલના હાથમાંથી તૂટેલ ચપ્પલ લેતા કહ્યુંઃ ‘મારું નામ જમાલ છે, અહીં બઘા મને જમાલ કાદરી તરીકે ઓળખે છે. પણ દીકરા, તમે અહીં ગોડલના ઘૂળિયા ગામમાં કયાંથી આવો છો?”
કાઠિયાવાડી તળપદી બોલીમાં પુછાયેલો જમાલ ચાચાનો સવાલ કુણાલને ન સમજાયો; તેણે મારી સામે જોયું. કુણાલે જ્યારે મોચી ચાચાનો સવાલ મારા મોઢેથી સાંભળ્યો એટલે તેણે ફરી પોતાની એ જ અગડમ વાણીમાં કહ્યુંઃ ‘અમે અમેરિકાથી અહીં ફરવા તેમ જ યાત્રા કરવા આવ્યા છીએ.’
કુણાલની કાલીઘેલી ભાષા પર તે આફરીન થઈ ગયા. તરત જ એમણે કુણાલનું ચપ્પલ મજબૂત રીતે સીવી તો આપ્યું, પરંતુ બંને ચપ્પલને પાલીસ કરી ચકચકિત બનાવી આપ્યા, કુણાલના પગમાં ચપ્પલ પહેરાવતાં તેમણે અંતઃકરણપૂર્વક દુઆ આપતાં કહ્યુંઃ “જાઓ દીકરા, ભગવાન સ્વામીનારાયણ તમને સદા સુખી રાખે.”
બીનાએ પોતાના પર્સમાંથી દસ રૂપિયાની નોટ કાઢી, તેમને આપવા હાથ લંબાવ્યો. જમાલ ચાચાએ તરત જ પૂછ્યુંઃ ‘બે’ન, તમે મને શેના પૈસા આપો છો?”
‘ચાચા, તમે અમારા કુણાલનું ચપ્પલ સાંઘી આપ્યું તેનું આ મહેનતાણું.”
મારા દીકરા, તમે આટલા છેટેથી – છેક અમેરિકાથી અહીં મારા વતનમાં ભગવાન સ્વામીનારાયણની યાત્રા કરવા આવ્યાં છો, અલ્લાતાલા તમારી આ યાત્રા સુખરૂપ પૂરી કરે, ભગવાન સ્વામીનારાયણ તમને ખૂબ જ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપે.”
પછી થોડીવાર અટકી એક ઊંડો શ્વાસ લઈ આગળ બોલ્યાઃ ‘તમે જેને યાત્રા કહો છો તેને અમે હજ કહીએ છીએ. અમારે જો હજ કરવી હોય તો દરિયો ખેડીને અરબસ્તાન જવું પડે. તેના માટે નાણાં જોઈએ, સખાદાતાઓ તરફથી નાણાં તો કદાચ મળી પણ જાય, પરંતુ રસૂલની દરગાહ સુઘી તથા કાબા શરીફના દ્વાર સુઘી પહોંચવાનું તકદીર પણ હોવું જોઈએ! ક્યારે હું વિચારું છું કે મક્કા અને મદીના જો ભારતમાં હોત તો? પરંતુ આજે અફસોસ નથી. મને લાગે છે આજે મારી હજયાત્રા પૂરી થઈ”.
e.mail :preetam.lakhlani@gmail.com
પ્રગટ : “અખંડ આનંદ”, જૂન 2023; પૃષ્ઠ 50 – 51
![]()


આજે મોટા ભાગના સર્જકો અને પ્રાઘ્યાપક મિત્રોને ખબર નથી કે ડાયસ્પોરા એટલે શું? ડાયસ્પોરાનો અર્થ સમજ્યા વગર આપણે ડાયસ્પોરાના નામે ઢોલ નગારા જોર જોરથી પીટ્યે રાખીએ છીએ તે ખરેખર કેટલું યોગ્ય છે?
કે વાતાવરણ માફક ન આવતાં, તેમનો પરિવાર પાછો હિંદુસ્તાનમાં અમદાવાદ આવી ગયો અને ભારતમાં બીજા ભારતીય મુસ્લિમ પરિવારની જેમ ખુશી સાથે રહેવાં લાગ્યો. તે ગાળામાં નાગરિકતાની કે પાસપોર્ટ જેવી કોઈ માથાઝીક હતી નહીં. ૧૯૬૫માં ભારત પાકિસ્તાનનું ફરી એકવાર યુદ્ધ થયું, અને બને દેશની પ્રજા વચ્ચે તણાવ વઘવા માંડયો. ભારતમાં બિન કાયદેસર વસતા પાકિસ્તાની પરિવારોને તાત્કાલિક ભારત છોડવાનું ફરમાન થયું. તેમાં આદિલ મન્સૂરી તેમ જ તેના પરિવારને ભારત છોડવો પડે તેવી હાલતનું નિર્માણ થયું. આદિલ અને તેના પરિવારને ભારત છોડી બીજા પરાયા દેશમાં જવું પડશે તેનું દુઃખ દર્દ આદિલ તેમ જ તેના પરિવારને રાત દિવસ સતાવતું હતું. આદિલને ભારત દેશ રાખવા તૈયાર નહોતો, કારણ કે તેઓ ભારતના કાયદેસરના નાગરિક નહોતા, અને સરહદ પારનો દેશ આદિલને તેમ જ તેનાં પરિવારને સંઘરવા તૈયાર નહોતો કારણ કે આદિલ અને તેનો પરિવાર ભારત પાછા આવ્યા ત્યારે પાકિસ્તાનનું નાગરિકત્વ મેળવ્યા વિના પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા હતા. હવે કરવુ શું? આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે જે દેશ તેમને રાખવા તૈયાર થાય તે દેશમાં તેમને જવું પડે તેવી હાલત તેમના માટે કારણ વિના સર્જાણી, અને તેઓ બીજું કશું કરી શકે તેમ પણ નહોતા.