હૈયાને દરબાર
પૂનમની રાત એ દિવ્ય રાત્રિ. કુદરતની કવિતાનું નિતાંત સૌંદર્ય. શરદ પૂનમ હજુ બે દિવસ પહેલાં જ ઉજવાઈ, એટલે ચંદ્ર-તારા મંડિત રાતનું વર્ણન કરતાં ગીતોની જ વાત કરાય ને!
ચંદ્રનું મને જબરજસ્ત આકર્ષણ છે. પૂનમની રાતે ચાંદને ટગર ટગર જોયા કરવાનું ખૂબ ગમે. એમાં ય કોઈ અદ્ભુત કુદરતી સ્થળે પૂનમનો ચાંદ સત્સંગ કરવા આવી જાય, એ તો સોને પે સુહાગા! એવું કેટલી ય વાર બન્યું છે કે ભારતનું લેહ-લદાખ હોય કે સ્વિટ્ઝર્લેન્ડનો આલ્પ્સ પર્વત, યોગાનુયોગે જે બેસ્ટ જગ્યાએ હું હોઉં ત્યાં ચાંદો ગુફ્તગૂ કરવા આવી જ ગયો હોય. યાદ આવે છે ભેડાઘાટની. મધ્ય પ્રદેશનું એ અપ્રતિમ સ્થળ છે. આરસની ચટ્ટાનો વચ્ચેથી વહેતી નર્મદા અને માથે પૂર્ણ ચંદ્રનું અજવાળું હોય એનાથી સર્વોત્તમ રાત્રિ કોઈ હોઈ શકે?
એવી જ એક સુંદર મજાની ચાંદની રાતે અમે નર્મદામાં નૌકા વિહાર કરી રહ્યાં હતાં અને એક સુંદર ગીત યાદ આવી ગયું. એ ગીત હતું રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત. સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત રે …! પછી તો ચાંદ પરનાં ગીતોની મહેફિલ જામી. આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાયે તેરી મેરી બાત આધી, તૂ ચંદા મૈં ચાંદની, દેખો વો ચાંદ છૂપ કે કરતા હૈ ક્યા ઈશારે જેવાં કેટલાં ય ચંદ્ર ગીતો ચાંદની રાતને ઓર રંગીન બનાવી ગયાં. ચાંદની રાત ખાસ કરીને સ્ત્રી હૃદયમાં અનોખા ભાવ સ્પંદનો જગાવે છે. પ્રિયજનનો સાથ હોય, તો પૂનમની રાત જાણે મધુરજની જ બની જાય!
પૂર્ણ ચંદ્રનું અજવાળું નર્મદાનાં નીરમાં પ્રકાશ પાથરી રહ્યું હતું અને એ રોમાંચક ઘડીઓમાં આ અત્યંત રોમેન્ટિક ગીતો મન પર સવાર હતાં, પરંતુ આપણે અહીં મુખ્ય વાત કરવાની છે એવાં જ પ્રણયભીનાં ગુજરાતી ગીતોની. ગુજરાતી સુગમ સંગીતનાં સર્વોત્તમ રોમેન્ટિક ગીતોમાં અગ્રક્રમે આવી શકે એવા રાગ મિશ્ર પહાડી પર આધારિત આ ગીત, રૂપલે મઢી છે સારી રાત…માં નારી સંવેદનાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.
લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.
કાકાસાહેબ કાલેલકરે એક સ્થાને લખ્યું છે કે, "ચાંદની રાતે ગરીબ-તવંગરનો ભેદ કર્યા વિના કુદરત વૃક્ષોની નીચે એના ગાલીચા પાથરી દે છે. ઝાડનાં પાંદડાં હાલવા માંડે ત્યારે જમીન પર પથરાયેલા ગાલીચા જીવતાં થઈને વધારે જ શોભી ઊઠે છે. એક રસિક સંસ્કૃત કવિએ તો ચાંદરણાનું વર્ણન કરતા કમાલ કરી હતી. બિલાડીના ગાલ-મૂછ પર ચાંદની રાતનો પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરી ફરી ચાટવાનો સપાટો ચલાવ્યો હતો. પૂનમને દિવસે આકાશ ધોવાઈ-લૂછાઈને સાફ થયેલું હોય છે. ચંદ્ર વિશેષ પ્રસન્ન હોય છે અને પાગલ મનને વધુ ઘેલું બનાવે છે. ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો ઉત્સવ. ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ અને પાગલોર્મિનો મુશળધાર વરસાદ!”
ચાંદની વાત આવે ત્યારે ગુલઝાર સાહેબ યાદ આવ્યા વિના રહે નહીં. વાત ભલે અહીં ગુજરાતી ગીતોની જ કરીએ છીએ, પરંતુ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં ગુલઝારનાં ચાંદ ગીતો અપવાદરૂપે આજે યાદ કરવાં જ પડે. ગુલઝારની કવિતામાં ચાંદ વગર કામ ના ચાલે. ચાંદ અને ચાંદની વિના એમની કવિતા અધૂરી. ગુલઝારે ચાંદને અનેક વાર યાદ કર્યો છે. જાણે એમની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનું એ પ્રતિબિંબ છે. ગુલઝારનો ચાંદ બહુરૂપી છે. ચાંદ દ્વારા એમણે અગણિત સંભાવનાઓ અને બહુઆયામી વ્યક્તિત્વ ઉજાગર કર્યા છે. બેસબબ મુસ્કુરા રહા હે ચાંદ કોઈ સાઝિશ છૂપા રહા હૈ ચાંદ, જાને કિસ કી ગલી સે નિકલા હૈ, ઝેપા ઝેપા સા રહા હૈ ચાંદ ….! ઉપરાંત, કોસા કોસા લગતા હૈ, તેરા ભરોસા લગતા હૈ, રાતને અપની થાલી મેં, ચાંદ પરોસા લગતા હૈ … તો સર્વોત્તમ છે. ગુલઝારનાં ગીતો યાદ કરો, મુખડા-અંતરામાં ક્યાંક તો ચાંદ છુપાયો જ હોય છે. જેમ કે, એમનું સૌપ્રથમ ફિલ્મી ગીત મોરા ગોરા અંગ લઈ લે..ની પંક્તિ છે, બદરી હટા કે ચંદા, ચૂપકે સે ઝાંકે ચંદા …, તેરે બિના જિંદગી સે શિકવા તો નહીં ગીતમાં એક પંક્તિ આવે છે : તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં, રાત કો રોક દો …! બીતી ના બિતાઈ રૈના..ની એક પંક્તિ છે ચાંદ કી બિંદી વાલી, બિંદી વાલી રતિયા … તથા મેરા કુછ સામાન … ગીતની અકલ્પનીય તુલના તો જુઓ! એકસો સોલહ ચાંદ કી રાતેં ઓર તુમ્હારે કાંધે તિલ..! વાહ, કયા બાત હૈ! ગુલઝારે તેમના બે કાવ્યસંગ્રહનાં શીર્ષકોને પણ એક સુંદર પંક્તિમાં ખૂબસૂરત રીતે સમાવ્યા છે : એક સબબ મરને કા એક તલબ જીને કી, ચાંદ પુખરાજ કા, રાત પશ્મીને કી..!
ચાંદનાં ચાંદરણામાં વહી જવાય એવાં સુંદર કાવ્યો અને ગીતો આપણા સાહિત્યનું અભિન્ન અંગ છે. ચાંદની રાતે સ્ત્રી-પુરુષનું મન એકબીજાંને મળવા આતુર થઈ જાય છે. સ્ત્રી માટે પ્રેમસંબંધ ડાયરીના અંગત પાનાં જેવો છે. એને એ સાચવી, સંગોપી રાખે છે અને મન થાય ત્યારે પ્રેમનું પાનું ઉઘાડીને ચૂમી લઈ, વહાલ વરસાવી અને ક્યારેક આંસુનો છંટકાવ કરીને પાછું મનના કબાટમાં મૂકી દે છે. વિરહિણી માટે પૂનમનો ચાંદ હૃદયમાં વિરહ વેદના જગાવે છે. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી નથી. પ્રેમી જે જુએ એટલું જ જોઈ શકાય.
રૂપલે મઢી છે ગીતમાં નાયિકા એટલે જ કહે છે કે રૂપાળી, ટપકિયાળી ભાત સમી રાત છે એટલે સવાર, તું જરા આઘી જ રહેજે. પ્રિયતમ સાથેના પ્રલંબ પ્રેમાલાપને મારે અધવચ્ચે નથી અટકાવી દેવો. શરદપૂનમની જ વાત નીકળી છે તો અન્ય એક સુંદર ગીતનો ઉલ્લેખ જરૂરી છે. લોકગીત અને ગરબાની કક્ષાએ પહોંચી ગયેલું અવિનાશ વ્યાસનું ગીત, આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો .. લાજવાબ ગીત છે. લતા મંગેશકરના મીઠા અવાજમાં આ ગીતનું માધુર્ય વધુ નિખરી ઊઠે છે. તારા રે નામનો છેડ્યો એકતારો, હું તારી મીરાં તું ગિરધર મારો .. પંક્તિઓ દ્વારા નારી હૃદયની સમર્પિતતા પૂર્ણપણે અહીં પ્રગટ થઈ છે. અન્ય સુંદર ગીત છે રૂપા મઢેલ રાતડી ને ટમ ટમ ટમ તારા ..! રાત અને ચાંદની જુગલબંદી રાતભર ચાલી શકે એમ છે.
સાહિર લુધિયાનવીનું એક એવું જ રોમેન્ટિક ગીત અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં ..ને પણ આ પ્રકારનાં ગીતોની સમકક્ષ મૂકી શકાય. સિતારે ઝિલમિલા ઊઠે, ચરાગ જગમગા ઊઠે, બસ અબ ના મુઝ કો ટોકના, ન બઢ કે રાહ રોકના, અગર મૈં રૂક ગઈ અભી, તો જા ન પાઉંગી કભી, જો ખત્મ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહીં …! અહીં પણ અધૂરી આસ અને અધૂરી પ્યાસ છોડીને ન જવાની પ્રિયજનની વિનંતી જ છે.
આવાં સુંદર ગીતોનો ફાયદો એ છે કે જે લાગણી પ્રિયજન સમક્ષ વ્યક્ત ન કરી શકાતી હોય એ આ ગીતોની અદ્ભુત પંક્તિઓ દ્વારા વ્યક્ત થઈ જાય છે. અને છેલ્લે, સુપ્રસિદ્ધ ગીતકાર-સંગીતકાર નિનુ મઝુમદારની શરદ ઋતુની રાતની અદ્ભુત કાવ્યમય અભિવ્યક્તિના ઉલ્લેખ વિના લેખ અધૂરો જ ગણાય. ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં શાશ્વત સ્થાન પામેલી આ રચના એમનાં દીકરી મીનળ પટેલના અવાજમાં સાંભળવી એ અદ્ભુત લ્હાવો. એ કાવ્યના અંશ સાથે લેખ પૂરો કરી શારદીય ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ:
ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ :
એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.
એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહેરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો.
https://www.youtube.com/watch?v=JCFLgPuipKU
—————————
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો
હજી આદરી અધૂરી વાત
રૂપલે મઢી છે સારી રાત રે સજન
વેળા આવી તો જરા વેણ નાખો વાલમા
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર .. દૂર દૂર ..
એની મોરલીના સૂરે કરું વાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં
મારા કિનારા રહો દૂર નિત દૂર દૂર .. દૂર દૂર ..
રહો મજધારે મારી મુલાકાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત
• ગીત : હરીન્દ્ર દવે • સંગીત : દિલીપ ધોળકિયા • સ્વર : લતા મંગેશકર
https://www.youtube.com/watch?v=MPAO8mgfFr4
—————————
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 અૉક્ટોબર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=441555
![]()


આયંગર અટક વાંચીને તમને નવાઈ લાગશે પણ હા, આ તમિળભાષી એટલે કે એક બિનગુજરાતીએ આ લાજવાબ ગરબાની રચના કરી છે. આમ તો એ પોતે બહુ સારા વાયોલિનવાદક છે પરંતુ, સિત્તેરના દાયકામાં રાગ આહિર ભૈરવમાં એમણે આ ગરબાની ધૂન બેસાડી. આ કલાકારે એવી જાદુઈ ધૂન સર્જી કે પ્રગટ થતાં જ હજારોના દિલમાં દીવો કરી ગઈ.
છ-સાત મહિના પહેલાં અમદાવાદની મુલાકાત વખતે સ્વભાવે, દેખાવે અને કંઠે ખૂબ સુંદર એક વ્યક્તિને મળવાનું નક્કી કર્યું હતું. ગુજરાત કોલેજ પાસેના એમના ઍપાર્ટમેન્ટમાં સાંજે સાડાપાંચે ડોર બેલ વગાડતાં જ એ સૂરમલિકા સદેહે પ્રત્યક્ષ થાય છે. એમને જોતાં જ હું ૪૦ વર્ષ પહેલાંની યાદોમાં ખોવાઈ જાઉં છું. કોલેજકાળની શરૂઆતનાં વર્ષો. અમારી એચ.કે. આર્ટ્સ કોલેજ સાંસ્કૃિતક રીતે અગ્રેસર ગણાય. એટલે શહેરમાં યોજાતા કાર્યક્રમોની ખબર પડવા માંડી હતી. એ દરમિયાન જ સાંભળ્યું કે કોઈક શ્રુતિ વૃંદનો કાર્યક્રમ યોજાયો છે. સંગીતમાં પહેલેથી જ ખૂબ રસ હોવાને લીધે કુતૂહલવશ એ કાર્યક્રમ સાંભળવા ગઈ અને જે આનંદ પડ્યો એ કેટલાં ય વર્ષો સુધી બરકરાર રહ્યો હતો. પછી તો શ્રુતિ વૃંદના પ્રોગ્રામ જ્યાં થાય ત્યાં અમે પહોંચી જઈએ. એમાં એક યુગલ આંખે ઊડીને વળગે એવું અનોખું હતું. એ યુગલ એટલે સંગીતજ્ઞ રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ. રાસબિહારી દેસાઇનો ધીર-ગંભીર, ઘેઘૂર અવાજ તથા વિભા દેસાઈની ઊંચી-પાતળી કાયા, ગૌર વર્ણ, સુંદર ચહેરો અને લલાટે શોભતો મોટો ચાંદલો એ અમારું એમના પ્રત્યેનું પ્રથમ દૃષ્ટિનું આકર્ષણ. વિભાબહેનનો કામણગારો કંઠ એ વખતે તો સ્પર્શી જ ગયો હતો, પરંતુ આજે પણ એમના અવાજની મીઠાશ, તાજગી અને વૈભવ જરા ય ઓછાં નથી થયાં. આ વિભા દેસાઇ સાથે સંગીત સત્સંગ કરવા હું પહોંચી ગઈ હતી. પછી તો સ્મૃિતઓ ધોધમાર વરસી. એકાદ કલાકની ગોષ્ઠિ પછી જતાં જતાં એમણે કવિ માધવ રામાનુજનું અમર ભટ્ટે સ્વરબદ્ધ કરેલું એક અદ્ભુત ગીત કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની … સંભળાવ્યું ત્યારે માની શકાતું નહોતું કે આટલો તાજગીપૂર્ણ અવાજ અને રેન્જ ઉંમરના આ પડાવે વિભાબહેને કેવી રીતે જાળવી રાખ્યો હશે!
એવો જ બીજો સુંદર ગરબો, હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત … પુરુષોત્તમ ઉપાધ્યાયના બુલંદ કંઠે સાંભળવો એ અપ્રતિમ લહાવો છે. યોગાનુયોગે આ ત્રણેય સર્વોત્તમ ગરબા અવિનાશ વ્યાસે રચ્યાં છે. અવિનાશ વ્યાસ અંબા માના પરમ ભક્ત હતા. દર વર્ષે અંબાજી જવાનો તેમનો ક્રમ હતો. માતાજીની મૂર્તિ સામે ગીત રચે, ગાતા જાય અને રડતા જાય. માડી તારા મંદિરિયે ગીત વિશેનો ૧૯૭૭નો એક પ્રસંગ વર્ણવતાં વિભા દેસાઈ કહે છે, "શ્રુતિ વૃંદની એલ.પી. ‘શ્રવણમાધુરી’નું મુંબઈમાં રેકોર્ડિંગ હતું. સુપ્રસિદ્ધ સંગીતકાર હૃદયનાથ મંગેશકરના સહયોગમાં રેકોર્ડિંગ યોજાયું હતું. લીડ રાસબિહારી દેસાઈ કરવાના હતા. એવામાં હૃદયનાથજીને શું સૂઝયું કે એમણે રાસભાઈને કહ્યું કે આ છોકરી પાસે આ ગીત ગવડાવો. મારે એને સાંભળવી છે. હું તો અવાક્ થઈ ગઈ. અમારે તો કોરસમાં ગાવાનું હતું એટલે મેં સોલો ગીત તરીકે તૈયારી કરી જ નહોતી. રેકોર્ડિંગ પૂરું થયાં પછી બધાં આ ગીત સાંભળવાં બેઠાં. શ્રોતાઓમાં પૂજ્ય ભાઇ એટલે કે અવિનાશ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા, ગૌરાંગ વ્યાસ પણ હતા. અવિનાશભાઈ એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા. ગીતમાં સમગ્રપણે ખોવાઈ ગયા, વિહ્વળ થઈ ગયા. એ જ અજંપાની અકળામણ. આંખો વધુ લાલ અને એ જ અસલ મૂર્તિ જે અંબાજીના ગર્ભદ્વારની અંદર માતાજીના ગોખ-યંત્ર સમક્ષ અમે જોઈ હતી. એમને સ્વસ્થ થતાં જરા વાર લાગી પણ પછી બોલ્યા, "આવું મનેે અંબાજીના મંદિરની બહાર કદાચ પહેલી જ વાર થયું. છેવટે ગીત મારા જ અવાજમાં રેકોર્ડ થયું. આ ઘટના હું જીવનમાં ક્યારે ય ભૂલી શકું નહીં.
વિભા વૈષ્ણવ જે લગ્ન પછી વિભા દેસાઇ બન્યાં અને એડિશનલ ઈન્કમટેકસ ઓફિસર તરીકે નિવૃત્ત થયાં એમને માતા-પિતા બન્ને તરફથી સંગીતનો વારસો મળ્યો હતો. પિતા આગ્રા ઘરાનાના ગાયક હતા. શરૂઆતમાં સંગીતની તાલીમ ગુલામ અહમદખાં સાહેબ પાસેથી એમણે મેળવી હતી. જીવનમાં સંગીતની શરૂઆત કયારે અને કેવી રીતે થઈ એ વિશે જણાવતાં વિભાબહેન કહે છે, "જીવનમાં સંગીતનાં તાણાવાણા વણાવાની ઘટના એટલી સૂક્ષ્મ છે કે એ ક્યાં, ક્યારે અને કઈ રીતે ઘટી એ વર્ણવવું મુશ્કેલ છે. સંગીત મને પિતા પાસેથી વારસાગત મળ્યું. સંગીતનું વાતાવરણ ઘરમાં જ અને સ્કૂલ-કોલેજના કાર્યક્રમો તથા યુવા મહોત્સવોમાં હું ગાતી હતી. આકાશવાણી પર ચાન્સ મળ્યો ત્યારે તો ખૂબ ખુશ થઈ ગઈ હતી, પરંતુ સંગીતને સમજીને ગાતાં શીખી રાસભાઈ પાસેથી. મારો અવાજ મોટો અને ખુલ્લો. ફેંકીને ગાવાની ટેવ. પણ અવાજને અપ્લાય કેવી રીતે કરવો, ગીતના શબ્દો સમજીને સ્વરરચનાને કેવી રીતે ન્યાય આપવો એ બધી સમજણ મને એમની પાસેથી મળી. વારસામાં મળેલા સૂરના પ્રવાહને રાસભાઈના સાયુજ્યે વેગ-પ્રવેગ મળ્યો. શ્રુતિ વૃંદમાં કોરસમાં ગાવાને લીધે અહમ્ ઓગાળીને માત્ર સૂરમાં એકાકાર થઈ જવાની સઘન તાલીમ મળી. મારો અવાજ બુલંદ હોવાથી વૃંદ ગાનમાં મારે તો હંમેશાં બીજી હરોળમાં જ બેસવાનું કે ઊભા રહેવાનું આવતું. રાસભાઈની પત્ની છું એટલે મને આગળ ઊભા રહેવા મળે એવું કંઈ નહીં. આ એક પ્રકારની તાલીમ જ હતી.