હૈયાને દરબાર
ભક્તોના રખવાલા કીધા હુતા …
પલ્લાદના પપ્પાએ પલ્લાદને પર્વત પરથી ફેંક્યો હુતો
અમે જલ્દી જઈને એવનના કેચ દરાની માફક કીધા હુતા
મીરાના હસબન્ડે મીરાને ઝેરનો પ્યાલો મોકલ્યો ઉતો
અમે ટ્રીક કરીને ઝેરના અમૃત કીધા હતા
નરસીહ મેતાને છોકરીના લગનમાં ફાયનાન્સનો પ્રોબલેમ નડ્યો હુતો
અમે જલદી જઈને એવનના ચેક ચૂકવ્યા હુતા
ભરી સભામાં દુશાસને દ્રોપદીનાં ચીર ખેંચ્યા હુતા
અમે જલ્દી જઈને ટાટાના ટાકા સપ્લાય કીધાં હુતા
અમે ભક્તોના રખવાલા કીધા હુતા …!
——————————
અંગ્રેજી ધૂન ધરાવતાં પારસી ગુજરાતી ગીતો ક્રિસમસ દરમ્યાન સાંભળ્યા કે નહીં? હજુયે મોડું નથી થયું. મૌકા ભી હૈ, દસ્તુર ભી હૈ! ગતાંકમાં આપણે જૂની પારસી રંગભૂમિનાં ગીતોની રમૂજી વાતો જાણી હતી એ હવે આગળ વધારીએ. પારસીઓનું સંગીત અને નાટક ક્ષેત્રે પ્રદાન નોંધનીય છે. એમનાં હજુ કેટલાંક હાસ્ય સ્વરૂપ ગીતો વિશે જાણીને આવતા અંકે નવા ગીતની કથા માંડીશું.
ગુજરાતીના આદ્ય એકાંકીકાર કૈખુશરુ કાબરા દેશી સંગીતના પિતામહ કહેવાયા છે. નાટકમાં આજે જે સંગીત જોવા મળે છે એનો શોખ ઉત્પન્ન કરવાનું અને તેનો પ્રચાર કરવાનું માન કૈખુશરુ કાબરાજીને જાય છે. કાબરાજીએ પોતાની ‘ગાયન ઉત્તેજક મંડળી’ના સભ્યોને હિંમત આપીને જાહેરમાં ગાવા તૈયાર કર્યા હતા. કાબરાજી પૂર્વેના એટલે ૧૮૭૦ પહેલાંનાં નાટકોમાં સંગીતનું પ્રાધાન્ય નહોતું. કાબરાજીનું સંગીત જ્ઞાન, નાટકમાં ગવાતાં ગીતોનું આયોજન, ગાયક, સંગીત અને નાટકમાં તેના સ્થાન વિશેની તેમની સભાનતા પાછળથી સ્થપાયેલી નાટક મંડળીઓને ખૂબ ઉપકારક નીવડી હતી. એ વખતે સંગીતને અલગ પ્રયોગ તરીકે નાટકની વચ્ચે અથવા છેલ્લે રજૂ કરવામાં આવતું હતું. પાંચ-છ અદાકારો સીધી હરોળમાં ખુરશી પર બેસી પાંચ-છ ગીતો એકસાથે ગાઈ જતા. ડૉ. રતન માર્શલે એ વખતના નાટકો વિશે લખ્યું છે એ મુજબ તેમાં વાસ્તવિકતાઓ ઓછી પણ અનેક દૃશ્યો, ધડાકા-ભડાકા અને લાંબાંલચક ગીતો નાટકમાં ભરી દેવાતાં અને જાણે મરતાં મરતાં ગાતો હોય એમ અદાકાર લાંબું ગીત લલકારે અને પાછું એ વન્સ મોર પણ થાય! સ્ટેજની બરાબર વચ્ચે હાર્મોનિયમ, તબલાં અને સારંગીવાળા પ્રેક્ષકો તરફ પીઠ કરીને બેઠા હોય. નાટક શરૂ થતાં પહેલાં મોટો ધડાકો થાય ને પહેલો પડદો ઊંચકાય ત્યારે કૃત્રિમ રંગરોગાન કરેલી બાળાઓના વેશમાં બાળકો તખ્તા ઉપર આવે ને ગાયન શરૂ થાય.
પારસી નાટકોનાં ગીતોમાં સમાજજીવન, ચિંતન, ધાર્મિક અંધશ્રદ્ધા, કન્યાવિક્રય, રૂઢિચુસ્તતા તેમ જ સુધારાવાદી સ્ત્રીઓમાં પ્રચલિત ફેશન, એ વખતનું પારસીઓનું ક્લબ જીવન, લગ્ન અને છૂટાછેડા જેવી સમસ્યાઓ પણ આવરી લેવાતી હતી. ‘વિક્ટોરિયા નાટક કંપની’ના ‘ગોપીચંદ’ નાટકનું ગીત દુનિયા સારી સમજો જૂઠી … કદાચ સૌથી પહેલું નાટ્ય ગીત હોવાની સંભાવના છે કારણ કે, લગભગ એ વખતે જ નાટકમાં ગીતોની શરૂઆત થઇ હતી. ભાષાની દૃષ્ટિએ એમાં પારસી ઉચ્ચારો અને પારસી લઢણ જોવા મળે છે.
૧૯૧૧ની સાલમાં ફેશનેબલ અને સમાજમાં આગળ પડતી નારીઓને સંબોધીને ‘કાંટાનું કટેસર’ નાટક માટે એક ગીત લખાયું હતું. સો વર્ષ પહેલાં લખાયેલું ગીત આજે ય પ્રસ્તુત લાગે છે :
ફેશનનો આજે જમાનો છે યાર
નાર સૌ વાતેે મરદોની સરદાર
મેમબર સૌ નાર થઈ, કરશે કાઉનસીલનો કારભાર
બચ્ચાં રમાડવા, નવાડવા, જમાડવા
મરદોને સોંપ્યું એ કામ
હમે તો પહેડીએ ઓઢીયે ફરીએ
લટકાંથી દરયા કીનાર …!
કોઈ ગીતમાં કવિ પ્રિયતમાના દિલને પથ્થર કરતાં કઠોર કહે છે તો કોઈ ચાતક પ્રીતની પ્યાસીની ઉપમાથી નવાજે છે. એક કવિ ઈશ્કને આતશ કહે છે તો બીજો ચાંદની કહે છે. એક કલેજામાં લાગેલું કારમું તીર કહે છે તો બીજા કવિ એને અમીરસ કહે છે. એક કવિ જાણે રે …ને કાફિયા બનાવી લખે છે :
મુફલેશની મુફલેશી તવંગર શું જાણે રે
લયલાની કીસની મજાહ મજનુ જ જાણે રે
તેમ ઘોટાલો આ દોલીનો સોલી શું જાણે રે …
ઘણા પારસીઓ કુંવારા રહેવાનું પસંદ કરે છે આ સ્થિતિ ઉલ્લેખ કરતું એક ગીત જુઓ :
કુંવારી જિંદગીમાં તો ખરી મજા છે યાર
ફરશો પોતે ખુશાલ નચિંતે સાંજ ને સવાર
કુંવારા ને મજા ઘણી, પોતાની મરજીનાં ધણી
મેરીડ લાઈફ છે કંગાળ, ચ્યાઉમ્યાઉની જંજાળ …!
તો કોઈ કવિ વળી એમ પણ કહે છે :
બઈરાં વગર દુનિયામા કંઈ મજજાહ નથી
લાગે છે હયા બધું ફીકું ફચ્ચ
બૈરાંઓ આવશે તેને વેલકમ કરશું
બેધરક સાથે ફરશું ને નઈ કોઈથી ડરશું
મજાની વાત એ છે કે આ ગીતોમાં માઝા, તુલા, ચાંગલા, કસાકાય જેવા મરાઠી શબ્દો પણ વપરાયા છે તો પારસીઓમાં અંગ્રેજી શિક્ષણના પ્રભાવને કારણે કોર્ટશિપ, વેલકમ, લેડીઝ, બ્રાઈડ ગ્રૂમ તથા બૂત, ગોયા અને લબ્ઝ જેવા ઉર્દૂ શબ્દો પણ જોવા મળે છે.
રીતરિવાજો સંબંધી દહેજનું એક કટાક્ષમય ગીત આવું છે :
જમાનો આયો જમાઈ સસરાને માઠે પરશે
કમાઈ ત્રીસની, રીત પાંચ હજારની કરશે
હોય પોતે કાલો વાંદર, કાણો ને ખોડે બુઢ્ઢો
ગોરી પરણી ને ફાંકડી છોકરીની માંગણી કરશે …!
જૂની પારસી રંગભૂમિનાં ગીતો ભલે જોડકણાં જેવાં હોય પરંતુ નાટક અને નાટ્ય સંગીત, શાસ્ત્રીય અને સુગમ સંગીત ક્ષેત્રે પારસીઓનું પ્રદાન નોંધનીય છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઝુબિન મહેતા ઉપરાંત શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પારસીઓમાં જેમનો સમાવેશ કરી શકાય એવાં સ્વ. ઝરીન દારૂવાલા વિખ્યાત સરોદવાદક હતાં, પં. કેકી જીજીના જાણીતા સિતારવાદક તો આબાન મિસ્ત્રી સૌપ્રથમ મહિલા તબલાંવાદિકા તરીકે સુવિખ્યાત હતાં. પં. ફિરોઝ દસ્તુર શાસ્ત્રીય કંઠ્ય સંગીતના કલાકાર હતા. ઉપશાસ્ત્રીય તથા ગઝલ, વાદ્ય સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ છે એ નામોમાં પીનાઝ મસાણી, કેરસી મિસ્ત્રી, કેરસી લોર્ડ, ફ્રેની દલાલ, સોલી કાપડિયા મુખ્ય છે.

સમગ્ર વિશ્વમાં યઝદી કરંજિયા ગ્રુપે પારસી રંગભૂમિને જીવતી રાખી છે, ટકાવી રાખી છે. એની ખ્યાતિ ગુજરાત કે ભારત પૂરતી સીમિત નથી પણ સમગ્ર વિશ્વમાં એમનાં નાટકો અને કલાકારો જાણીતા છે એ તથા મણિ મુલ્લા સાથેની રસપ્રદ વાતો પણ આપણે અગાઉ જાણી. પારસી રંગભૂમિ બાદ ગુજરાતી રંગભૂમિનો વિકાસ અને વિસ્તાર થયો.
વર્ષ ૧૯૨૦ પછીના સમયમાં નાટ્યગૃહો તહેવારોના દિવસોનો એક અભિન્ન ભાગ બની ગયા હતાં. વિશાળ રંગમંચ અને વેશભૂષા તે સમયનાં ઉચ્ચ બિંદુ બન્યાં હતાં અને તે યુગના મહત્ત્વપૂર્ણ અભિનેતાઓ બાપુલાલ નાયક અને જયશંકર ભોજક ‘સુંદરી’ (૧૮૮૯-૧૯૭૫), જે બંન્ને કલાકારોએ જૂની શૈલી તેમ જ ઊભરતાં પ્રયોગાત્મક કલાકારો તરીકે નાટ્યગૃહો માટે કામ કર્યું અને મરાઠી રંગભૂમિના બાલ ગાંધર્વની માફક એક દંતકથા બની ગયા હતા. વર્ષ ૧૯૩૭માં અમદાવાદ ખાતે રંગભૂમિ પરિષદની રચના કરવામાં આવી હતી, જેના દ્વારા તે સમયગાળાના મુખ્ય નાટ્યોને સામાન્ય પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બાળક જયશંકરનો નાટક પ્રત્યેનો અત્યંત પ્રેમ જોઈને એક પારસી નાટક કંપનીના દાદાભાઈ ઠુઠ્ઠી નામના શેઠે જયશંકરના માતા-પિતા સામે પ્રસ્તાવ મૂક્યો કે તમારો છોકરો મને સોંપી દ્યો. તેનામાં રહેલ હીર હું પારખી ગયો છું અને તેને હું કલાકાર બનાવીશ. ઊંચી રકમની ઓફર જોઈને આખરે માતાપિતા માની ગયા અને જયશંકર કલકત્તા માટે રવાના થયા. જયશંકરજીએ આગળ વધીને ‘સુંદરી’ નામે ગુજરાતી રંગભૂમિ ઉપર સ્ત્રી પાત્રો ભજવીને ગરવી ગુજરાતણને રંગભૂમિ ઉપર એટલી સુંદર રીતે સજીવ કરી કે તેમનાં સ્ત્રી પાત્ર પાછળ પ્રેક્ષકો પાગલ થઇ જતા હતાં. ગુજરાતી રંગભૂમિનાં પણ કેટલાં ય સદાબહાર ગીતો છે એની વાત ફરી ક્યારેક. પારસી રમૂજી ગીતોની વાત અહીં પૂરી થાય છે. એક પારસી મિત્રે મજેનું ગીત સંભળાવ્યું હતું એ અહીં મૂક્યું છે. ભરપૂર આનંદ માણજો. જો કે એના કવિ કોણ છે એ ખ્યાલ નથી. કોઈ વાચકમિત્રને ખબર હોય તો લખીને જણાવજો.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 જાન્યુઆરી 2019
——————————————
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=456543
![]()



સંગીત-નૃત્યનાં અમારા ગુરુ હતાં મિસ લાકડાવાલા. એમણે અમને એક પારસી ગરબો શિખવાડ્યો; વડલાની છાયે હીંચકો બાંધ્યો રે મારા નંદાના લાલ, હીંચકા પર સાસુ બેઠાં મારાં, નંદાના લાલ …! આ ગરબો અમે એવો સરસ તૈયાર કર્યો કે ફર્સ્ટ પ્રાઈઝ લઈ આવ્યાં. તેથી મને મારાં મમ્મી-પપ્પા અને શાળા તરફથી પ્રોત્સાહન મળવા માંડ્યું. એ વખતે ફ્રેની કામા, ફિરોઝા દસ્તૂર વગેરેએ ભેગાં મળીને ‘ગાયન ઉત્તેજક મંડળી’ની સ્થાપના કરી હતી. પારસીઓનું એક પ્રોગ્રેસિવ ગ્રુપ પણ હતું જે લોકો ઘણી સ્પર્ધાનું આયોજન કરતા. આમ છતાં, પારસી સમાજમાં નાચવા-ગાવા પ્રત્યે અણગમો હતો. રૂઢિચુસ્ત સમાજ હતો. પરંતુ, ૧૯૬૯માં હાઇ કોર્ટના જજ ગિબ્સના નેતૃત્વ હેઠળ ‘ફિલ હાર્મોનિક સોસાયટી’ની સ્થાપના થઈ. જો કે આ સંસ્થા અંગ્રેજી મ્યુઝિકને જ પ્રોત્સાહન આપતી હતી. તેથી વિષ્ણુનારાયણ ભાતખંડેના શિષ્ય કેખશરૂ કાબરાજીને વિચાર આવ્યો કે ભારતીય સંગીતની સ્થાપના અને પ્રચાર કેમ નહીં કરવાનાં? એમના મિત્રો સોરાબજી બંગાલી, દાદાભાઈ નવરોજી, ફરામજી ભરૂચા, દિનશા પિટીટ ઇત્યાદિએ ભેગાં મળીને ગાયન ઉત્તેજક મંડળીની સ્થાપના કરી. આ મંડળી દ્વારા ધ્રુપદ-ધમાર, ખ્યાલ, હોરી, ચૈતી જેવા પ્રકારોના શાસ્ત્રીય સંગીતના વર્ગો શરૂ થવા લાગ્યા. એમ કરીને પારસીઓ ફક્ત અંગ્રેજી ગાયનોને બદલે શાસ્ત્રીય સંગીત શીખવા તરફ વળ્યા. મેં પણ સંગીત-નૃત્યની તાલીમ લેવા માંડી હતી. અમારું કુટુંબ પંથકી પરિવાર ગણાય. મારાં મમ્મી-પપ્પાને પણ સંગીતનો ઘણો શોખ હતો. એ વખતે ચાવીવાળા ગ્રામોફોનનો જમાનો હતો. મારાં મમ્મીને જુથિકા રોયનાં ગીતો ખૂબ ગમે. રેડિયો પર એમનાં જ ગીતો સાંભળે. રેડિયો પરથી એ વખતે રેકોર્ડના નંબર પણ અનાઉન્સ થતાં હતાં, તેથી પપ્પા એમને ગમતાં નંબરની રેકોર્ડ લઈ આવે ત્યારબાદ લગભગ ૧૯૮૧-૮૨માં મંડળીને સમેટી લઈને એની બધી વસ્તુઓ મરાઠી રંગમંચના મશહૂર કલાકાર અને સંગીતકાર સુધીર ફડકેને સોંપી દઇને ગાયન ઉત્તેજક મંડળીએ છેલ્લા શ્વાસ લીધા હતા.
પારસી રંગભૂમિનાં ગીતો એટલે ખડખડાટ હાસ્ય, રમૂજવૃત્તિ અને નિખાલસતા. એમાં ઠઠ્ઠા-મશ્કરી પણ ભળે. પારસી રંગભૂમિના જ્ઞાતા ડૉ. રતન માર્શલ નોંધે છે એમ પારસીઓની રમૂજવૃત્તિનું કારણ એમના ધર્મમાં પલાયનવાદ(એસ્કેપિઝમ)નો અભાવ. એમનો ધર્મ સંસારનો ત્યાગ ન કરતા સંસારમાં જ રહીને સીધા માર્ગે, મર્યાદામાં રહી જીવનનો આનંદ માણવાનું કહે છે. તેઓ માને છે કે જે જીવ યોગ્ય માર્ગે જીવન જીવે એ ઈશ્વર-અહુરમઝદની સૃષ્ટિ રચના અને એના સંચાલન કાર્યમાં સહાય કરે છે. કદાચ આથી જ પારસીઓમાં જીવનનો સાચો આનંદ અને પોતાના આનંદ તેમ જ સુખસાધન સંપત્તિમાં બીજાને ભાગીદાર બનાવીને માણવાની વૃત્તિ સવિશેષ જોવા મળે છે.
યઝદીભાઈએ પારસી રંગભૂમિને અઢળક નાટકો આપ્યાં છે. ૮૨ વર્ષની વયે પણ નાટ્ય ક્ષેત્રે કાર્યરત યઝદીભાઈ ૬૦-૭૦ વર્ષ પહેલાંના જમાનાની વાત કરતાં કહે છે, "એ વખતે મનોરંજનના કોઈ સાધનો ન હોવાથી લોકો નાટક-ચેટક પ્રત્યે ખૂબ આકર્ષાતા. નાટ્યક્ષેત્રે મારો પ્રવેશ પણ બહુ નાટકીય હતો. મારા પિતા કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ નામની વાણિજ્ય સંસ્થા ચલાવે, જેમાં એકાઉન્ટ્સ, ટાઈપ રાઇટિંગ બધું શીખવાડે. એનું વાર્ષિક સ્નેહ સંમેલન એકવાર યોજાયું હતું, જેમાં એમણે એક નાટક કરવાનું હતું. રિહર્સલ તો ઘરમાં જ ચાલે. એ જોવા અમે બધા બેસીએ. પિતાજીએ એમના ફાધર એટલે કે મારા દાદાને આ સ્નેહ સંમેલનમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. દાદાને મારા ઉપર ખૂબ પ્રેમ એટલે એમણે કહ્યું કે આ નાલ્લા યઝદીને નાટકમાં ઊતારો તો હું જોવા આવીશ. પપ્પાને હવે છૂટકો નહોતો એટલે નાટકમાં આવતા રાસલીલાના એક દૃશ્યમાં મને કૃષ્ણ તરીકે ઊભો રાખી દીધો. મારે બીજું કંઈ કરવાનું નહોતું. કૃષ્ણની જેમ ફક્ત પગ ક્રોસ કરીને ઊભા રહેવાનું અને હાથમાં વાંસળી ઝાલી રાખવાની. રાસલીલામાં બધા હૃષ્ટપુષ્ટ છોકરાઓ હતા. છોકરીઓનો વેશ પણ છોકરાઓ જ ભજવે ને એવી ધમધમાટી બોલાવે કે દાંડિયા તૂટી જાય. એટલે એમને બાવળના દાંડિયા પકડાવવામાં આવ્યા હતા. બસ પછી તો એ બધા એવા ધમ ધમ પગ પછાડી ગોલ ગોલ ફરીને રાસલીલા કરવા માંડ્યા કે મારા તો ક્રોસ કરેલા પગ ખૂલી ગયા અને હું તો વાંસળી પકડીને ઊભો જ રહી ગયો. રાસ પૂરો થયો ને બધાં સ્ટેજ પરથી જતાં હતાં ત્યારે એમના પગ ભીના થયા. બધા સમજી ગયા અને મશ્કરી કરી બોલવા લાગ્યા કે આ કૃષ્ણે જ ‘લીલા’ કરી લાગે છે. ખરે જ હું એવો ડરી ગયો હતો કે પૂછો નહિ! આવો હતો મારો પહેલો પરફોર્મન્સ!