આનંદયાત્રા: ‘ગુર્જરી ડાયજેસ્ટ’નાં પચીસ વર્ષ / સં. કિશોર દેસાઈ. મુખ્ય વિક્રેતા રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ. ૧ આવૃત્તિ, ૨૦૧૨. ૩૫ + ૫૯૩ પાનાં, રૂ. ૨૦૦
નારીવાદી સાહિત્ય અને દલિત સાહિત્ય પછી આપણી ભાષામાં આગળ આવેલી ત્રીજી ધારા તે વિદેશવાસી લેખકોના સાહિત્યની ધારા, જેને માટે સાચી-ખોટી રીતે ‘ડાયસ્પોરા સાહિત્ય’ સંજ્ઞા રૂઢ થતી જાય છે. આ ત્રણે નવી ધારાઓને પહેલાં તો સ્થાપિત સાહિત્યના સર્જકો-વિવેચકોની અવગણનાનો, અને પછી ઉપહાસનો સામનો કરવો પડ્યો. પણ પછી આપબળે – અને થોડી આપકળે – તેમનો સ્વીકાર થયો. અમેરિકાવાસી ગુજરાતીઓનાં લખાણો પ્રગટ કરવા માટે ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રિમાસિક પ્રગટ થાય છે. સહેલું નહીં એવું
આ કામ કિશોર દેસાઈ છેલ્લાં પચ્ચીસ વર્ષથી કરતા રહ્યા છે. અહીંનાં સામયિકોના સંપાદકોને પણ સતત એક સરખી ઊંચી ગુણવત્તાવાળાં લખાણો મેળવવામાં મુશ્કેલી પડે છે, અને તેમણે બાંધછોડ કરવી પડે છે. તો અમેરિકામાં રહીને આવું સામયિક પ્રગટ કરવાનું તો વધારે મુશ્કેલ હોય. પણ એવી મુશ્કેલીઓ વટાવીને જ્યારે ગુર્જરી ડાયજેસ્ટે પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેના બધા અંકોમાંથી ચૂંટેલાં લખાણો પુસ્તકરૂપે પ્રગટ થયાં છે. ‘આનંદયાત્રા’ નામના આ પુસ્તકનાં ૫૯૩ પાનાંમાં આ સામયિકમાંથી સારવેલું નવનીત મળી રહે છે. સામયિકનું સંપાદન ભલે એક હાથે થતું હોય, પણ પુસ્તક અંગે એક સારી વાત એ થઈ છે કે કિશોરભાઈએ સંપાદનના કાર્યમાં બીજાઓનો સાથ પણ લીધો છે. વાર્તા વિભાગમાં રજની પી. શાહ અને હરનિશ જાનીનો, કવિતા વિભાગમાં નવીન શાહ અને પન્ના નાયકનો, નિબંધ વિભાગમાં અશોક વિદ્વાંસ, નિયતિ પંડ્યા, નીતા દવે, અને જયંત મહેતાનો સાથ-સહકાર લીધો છે. અલબત્ત, છેવટની પસંદગીમાં પોતાનો અવાજ રાખ્યો છે. પહેલા વિભાગમાં ૩૬ વાર્તાઓ છે. કવિતા વિભાગમાં સૌથી વધુ કૃતિઓ છે – બાવન ગીત-ગઝલ, સાત છંદોબદ્ધ કાવ્યો, ૩૨ અછાંદસ કાવ્યો, અને નવ હાઈકુ/મુક્તક. નિબંધ વિભાગમાં ૩૧ લખાણો છે, જેમાંના કેટલાક નિબંધો છે તો કેટલાક લેખો છે. આ ઉપરાંત ‘અભ્યાસીલેખો’ એવા મથાળા નીચે છપાયેલા આઠ લેખોમાં ઉમાશંકર જોશી, ધવલ મહેતા, નિરંજન ભગત, અને રઘુવીર ચૌધરી જેવા વિદેશવાસી નહીં તેવા લેખકોના લેખો પણ સમાવ્યા છે. છેલ્લા ‘પ્રતિભાવ વિભાગ’ માટેની પસંદગી કિશોર દેસાઈ ઉપરાંત મનુ નાયક અને શૈલેશ દેસાઈએ કરી છે. તેમાં પણ વિદેશવાસી નહીં એવા પંદરેક લેખકોનાં લખાણો જોવા મળે છે.
આખું પુસ્તક વાંચતાં પહેલી વાત એ ધ્યાનમાં આવે છે કે વિદેશમાં વસવાટ કરતા હોવા છતાં એકંદરે આ લેખકોનાં લખાણોનાં પોત અને ભાત સ્વદેશવાસી લેખકોનાં લખાણોનાં પોત અને ભાત કરતાં બહુ જૂદાં નથી. ગીત, ગઝલ, અછાંદસ કવિતાની જેમ સ્વદેશમાં અતિરેકી બોલબાલા છે તેમ ત્યાં પણ છે. વાર્તાને નામે કિસ્સાઓને હુલાવીફુલાવીને રજૂ કરવાનું વલણ ત્યાં પણ જોવા મળે છે. અહીંના ઘણા લેખકો જેમ સ્વેચ્છાએ પાછળ છોડેલા ગામડાનાં ગુણગાન ગાવામાંથી ઊંચા આવતા નથી તેમ આ લેખકો સ્વેચ્છાએ પાછળ છોડેલા દેશનાં ગુણગાન ગાવામાંથી ઊંચા આવતા નથી. મોટે ભાગે આ લેખકો અમેરિકન જીવનથી અળગા રહે છે અને પોતાના ન્યાત-જાતના વાડાઓમાં જ સલામતી શોધે છે એટલે અમેરિકન જીવનનો હાડોહાડનો અનુભવ તેમના લખાણોમાં ભાગ્યે જ જોવા મળે છે. તેવું જ ભાષાનું.
આટલાં બધાં વર્ષોના અંકોમાંથી પસંદગી કરતાં નડેલી પાનાંની મર્યાદાનો પુસ્તકમાં એક કરતાં વધારે વાર ઉલ્લેખ થયો છે. આખું પુસ્તક વાંચ્યા પછી લાગે છે કે ધાર્યું હોત તો આ સંપાદનને વધારે ચુસ્ત બનાવી શકાયું હોત. પહેલું તો, અનુવાદિત વાર્તાઓ અને કાવ્યો લેવાનું ટાળી શકાયું હોત. બીજું, એક વિભાગમાં એક લેખકની એક કરતાં વધારે કૃતિ ન જ લેવી એવું ધોરણ અપનાવી શકાયું હોત. ભલભલાં સંપાદનોમાં આમ કરવું પડતું હોય જ છે. ‘અભ્યાસીલેખો’ વિભાગમાં સ્વદેશવાસી ચાર લેખકોના લેખો સમાવવાનો મોહ ટાળી શકાયો હોત – અલબત્ત એમ કરવા જતાં સાહિત્યનાં ચાર મોટાં માથાંનાં નામ પુસ્તકમાંથી બાદ થયાં હોત. છેલ્લા ‘પ્રતિભાવ વિભાગ’ને સમાવવા વિષે તો ફરીથી વિચારણા કરવા જેવું હતું. કંઈ નહીં તો તેમાંથી પણ સ્વદેશવાસી લેખકોનાં અભિનંદન કે શુભેચ્છાના સંદેશા જેવાં લખાણો દૂર રાખી શકાયાં હોત. કોઈ સામયિક પચ્ચીસ વર્ષનો વિશેષાંક કાઢે ત્યારે તેમાં આવી બધી સામગ્રી સમાવવી પડે. પણ જ્યારે કાયમી મૂલ્ય ધરાવતું પુસ્તક તૈયાર કરવાનું હોય ત્યારે આવું કેટલુંક ભારે હૈયે પણ જતું કરવું પડે. સંપાદકીયમાં જણાવ્યું છે કે પચ્ચીસ વર્ષમાં પ્રગટ થયેલાં લખાણોની સૂચિનાં જ ૧૨૫ પાનાં થયાં છે. આ સૂચિ પણ પ્રગટ કરવાનું વિચારી શકાય. પુસ્તકનું મુદ્રણ અને નિર્માણ સ્વચ્છ અને સુઘડ છે.
(સૌજન્ય : 'અક્ષરની અારાધના', "ગુજરાતમિત્ર", 13 મે 2013)
e.mail : deepakbmehta@gmail.com
![]()


‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’
ઓગણીસમી સદીના સાહિત્યના વિવેચન વિશે વાત કરતાં સૌથી પહેલી જરૂર જણાય છે તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પર સવિશેષ ધ્યાન આપીને એ સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકો અને સામયિકોના મહત્ત્વને સમજવાની અને સ્વીકારવાની. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત નર્મદ-દલપતનાં લખાણોથી જ થઈ એવી માન્યતા આપણા વિવેચનમાં ઘર કરી ગઈ છે. નર્મદ અને દલપત એ આપણા સાહિત્યના અર્વાચીન યુગના બે મુખ્ય અને મહત્ત્વના પુરસ્કર્તા ખરા, પણ સમય દૃષ્ટિએ પહેલા પુરસ્કર્તા નહીં. અર્વાચીનતાનાં વૃત્તિવલણોનો સીધો સંબંધ બે સાહિત્યેતર ઘટનાઓ સાથે રહેલો છે. કાળક્રમે જોતાં આમાંની પહેલી ઘટના તે મુદ્રણનું આગમન અને બીજી ઘટના તે બ્રિટીશ પદ્ધતિના શાળા-શિક્ષણની અને પછી ઉચ્ચ શિક્ષણની શરૂઆત. આ શરૂઆત ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ. ૧૮૦૮માં પહેલવહેલું છપાયેલું ગુજરાતી પુસ્તક મુંબઈમાં છપાઈને પ્રગટ થયું ત્યારથી ૧૮૫૨ સુધીમાં આપણી ભાષામાં ઓછામાં ઓછાં ૩૦૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પદ્યમાં નહીં, ગદ્યમાં લખાયેલાં હતાં. અને છતાં અર્વાચીન ગુજરાતી ગદ્યની શરૂઆત ૧૮૫૦માં પ્રગટ થયેલા દલપતરામના ‘ભૂત નિબંધ’થી કે ૧૮૫૧માં પ્રગટ થયેલા નર્મદના નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’થી થઈ, એમ આપણે વર્ષોથી માનતા-મનાવતા આવ્યા છીએ. વાત જો સર્જનાત્મક ગદ્યની જ કરવાની હોય તો તો આ બંને કૃતિઓનું ગદ્ય પણ સર્જનાત્મક ગદ્ય નથી જ. હકીકતમાં અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ ૧૮૫૦ કરતાં ઘણો વહેલો પારસીઓ, પાદરીઓ, અને પરદેશી અમલદારોને હાથે થઈ ચૂક્યો હતો. અલબત્ત, તેમાંનું ઘણુંખરું ગદ્ય કાં અનુવાદ માટે, કાં ધર્મપ્રચાર માટે, કાં શાલેય શિક્ષણ માટે પ્રયોજાયું હતું, પણ તેથી એ અર્વાચીન ગદ્ય નહોતું એમ કેમ કહી શકાય? પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં થોડા અપવાદોને બાદ કરતાં આપણે પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓના પ્રદાનની તો અવગણના જ કરી છે. ૧૮૪૪માં સુરતથી પ્રગટ થયેલા ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના અનુવાદ ‘યાત્રાકરી’નો અને અનુવાદક ફાધર વિલિયમ ફ્લાવરનો ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. ચાલો, એ તો અનુવાદ હતો, પણ ૧૮૪૪માં જ પૂરાં સાતસો પાનાંમાં કાવસજી સોરાબજી કાવસજી પટેલે ‘ચીનનો અહેવાલ’ નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક મુંબઈથી પ્રગટ કરેલું. તેની વાત કોઈએ કરી છે? કરીએ તો તો પછી નર્મદ-દલપતનો ગદ્યના પ્રારંભક હોવાનો હક્ક લૂંટાઈ જાય ને? પણ ખુદ નર્મદે પોતે ગુજરાતી ગદ્યને જન્મ આપ્યાનું માન કેપ્ટન જર્વિસને આપ્યું છે અને ૧૮૨૮ના વરસથી ‘ગદ્યમાં લખવાનું શરૂ થયું’ એમ કહ્યું છે. પણ આ કેપ્ટન જર્વિસ કોણ હતો, એણે શું શું લખેલું એની ભાળ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? ૧૮૬૭માં પ્રગટ થયેલા અભિજ્ઞાન શાકુંતલ નાટકના ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના બે અનુવાદ સંસ્કૃતમાંથી થયેલા પહેલા અનુવાદ તરીકે ઓળખાવાતા આવ્યા છે. પણ એ બંને મહાનુભાવોનો જન્મ પણ નહોતો થયો ત્યારે, છેક ૧૮૨૪માં સંસ્કૃતમાંથી પંચતંત્રનો અનુવાદ ‘પંચોપાખીઆંન’ નામે ફરદુનજી મર્ઝબાનજીએ કર્યો હતો એ વાત સાહિત્યના ઇતિહાસ કે વિવેચનમાં કોઈએ નોંધી છે? ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પછી કેટલાંક વર્ષો સુધી આ ‘પંચોપાખીઆંન’ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું અને ૧૮૮૨ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેનાથી પણ પહેલાં, ૧૮૨૧માં બાયબલના નવા કરારનો અનુવાદ સુરતમાં છપાઈને પ્રગટ થયો હતો. જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાઈવી નામના લંડન મિશનરી સોસાયટીના બે પરદેશી પાદરીઓ ગુજરાતી ભાષા શીખીને બાયબલનો અનુવાદ ગુજરાતી ગદ્યમાં કરે, જ્યારે નર્મદનો જન્મ પણ થયો નહોતો અને જ્યારે દલપતરામની ઉંમર માંડ દોઢેક વર્ષની હતી ત્યારે કરે, એ હકીકત આપણા વિવેચને કે ઇતિહાસે નોંધી પણ છે? પણ આ બે પાદરીઓ પણ પહેલા ગદ્યકાર નથી. તેમના પહેલાં ‘કમતરીન ખાકસાર મુનશી ડોશાભાઈ મોબેદ શોહરાબજી ભરવચી’એ કરેલો ‘મોગલાઈ ઊનાની હકીમ લોકોનો ઊહવાલ તથા તે લોકોની નશીહતો’ નામનો અનુવાદ ૧૮૧૮માં મુંબઈના ફરદુનજી મર્ઝબાનજીના છાપખાનામાં છપાઈને પ્રગટ થયો હતો. અને આ જ ફરદુનજી મર્ઝબાનજીએ ૧૮૧૫ના ડિસેમ્બરની ૨૫મી તારીખે પોતે કરેલા અનુવાદનું ૪૧૦ પાનાંનું પુસ્તક પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કર્યું હતું. એનું નામ ‘દબેસ્તાનુલ મઝાહેબ.’ કોઈ પુસ્તકનો અનુવાદ પ્રગટ કરતાં પહેલાં કોઈ જાણકાર પાસે તેની ચકાસણી કરાવવાનું આજે પણ આપણને બહુ જરૂરી લાગતું નથી, અને પરિણામે કઢંગા અનુવાદો ખડકાતા જાય છે. ફરદુનજી પોતે ફારસીના સારા જાણકાર હતા, ગુજરાતી તો તેમની માતૃભાષા હતી, છતાં પોતે ફારસીમાંથી કરેલા આ અનુવાદની ચકાસણી તેમણે ત્રણ-ત્રણ જાણકારો પાસે કરાવી હતી અને તેમનાં પ્રમાણપત્ર પ્રસ્તાવનામાં આમેજ કર્યાં હતાં. અને છતાં ગુજરાતી ગદ્યલેખન અંગે આટલી સભાનતાભરી કાળજી રાખનારનું નામ પણ આપણે લેતા નથી. અર્વાચીન મરાઠી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં પરદેશીઓ અને પાદરીઓએ આપેલા ફાળા અંગે સંશોધન કરી, અભ્યાસપૂર્વક લખાયેલાં પુસ્તકો પ્રગટ થયાં છે. પણ આપણે પુસ્તકો લખવાની વાત તો દૂર રહી, પરદેશીઓ અને પાદરીઓના ફાળાની નોંધ પણ કેટલી લીધી છે? પારસીઓની ભાષાને ‘અશુદ્ધ’નું લેબલ લગાડીને આપણે પહેલાં તેમના સાહિત્યને મુખ્ય પ્રવાહથી અલગ માનવાનું અને પછી એ અલગ પ્રવાહની અવગણના કરવાનું શરૂ કર્યું. આ વલણની શરૂઆત પોતાની કૃત્રિમ રીતે સંસ્કૃતમય ભાષાનો ફાંકો ધરાવતા પંડિત યુગના કેટલાક લેખકોથી થઈ અને ભાષાશુદ્ધિના આગ્રહી એવા ગાંધી યુગના કેટલાક લેખકોએ એ વલણને વધુ દૃઢ બનાવ્યું. એક ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ : ‘૧૮૨૨માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું … ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું.’ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા બહુખંડી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગની ભૂમિકામાં યશવંત શુકલે આ શબ્દો લખ્યા છે. બીજે ક્યાંય નહીં ને સાહિત્યના આવા વિસ્તૃત ઇતિહાસમાં પણ આમ નામ વગર મભમ વાત થાય એ કેવું? ‘૧૮૬૪માં એક નાગર નબીરાએ ‘ડાંડિયો’ નામે સામયિક કાઢવા માંડ્યું’ એમ કોઈ લેખક લખે ખરો? ૧૯૭૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં આમ છપાયું. ૨૦૦૫માં બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે પણ એ પારસી નબીરાનું નામ આપવાનું ન તો બીજી આવૃત્તિના વિદ્વાન સંપાદક કે પરામર્શકને જરૂરી લાગ્યું, કે ન તો પ્રકાશક સંસ્થાને જરૂરી લાગ્યું.
નર્મદે પોતાનો પહેલો ગદ્યલેખ ભાષણ રૂપે મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં રજૂ કર્યો હતો એટલા પૂરતી આપણે એ સભાને યાદ કરીએ છીએ, પણ આ સભાની પણ વિગતે વાત આપણે કેટલી કરીએ છીએ? હકીકતમાં, ૧૮૫૧માં, લગભગ એક જ વખતે, લગભગ સરખા નામવાળી બે સંસ્થાઓ શરૂ થઈ હતી. તેમાંની એક તે નર્મદે શરૂ કરેલી ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’. કોલેજનો અભ્યાસ પડતો મૂકીને નર્મદને સુરત જવું પડ્યું અને તેની દોરવણી વગર આ સભા ઝાઝો વખત ચાલી શકી નહીં. બીજી બાજુ ગંગાદાસ કિશોરદાસે એલ્ફિનસ્ટન કોલેજના પ્રોફેસર પાટન સાથે મસલત કરીને ૧૮૫૧ના આરંભમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપન કરી. તેના પહેલા પ્રમુખ હતા પ્રાણલાલ મથુરાદાસ, સેક્રેટરી હતા મોહનલાલ રણછોડદાસ ઝવેરી, જ્યારે ગંગાદાસ પોતે હતા ખજાનચી. ૧૮૫૧ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં નર્મદ મુંબઈ છોડી સુરત ગયો તે પછી ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખથી તેણે સ્થાપેલી મંડળી પ્રાણલાલ મથુરાદાસવાળી ‘બુદ્ધિ વર્ધક સભા’માં ભળી ગઈ. લગભગ ૧૮૭૦ સુધી આ સભા અને તેનું સામયિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ વધતે ઓછે અંશે કાર્યરત રહ્યાં હતાં. ૧૮૯૪-૯૫માં થોડા વખત માટે તે સંસ્થા ફરી સક્રીય બની ત્યારે તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો. છેવટે ૧૯૩૪ના જુલાઈની ૨૯મી તારીખે તે ફાર્બસ ગુજરાતી સભામાં વિલીન થઈ ગઈ. આજે ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે એટલા પૂરતું હજી એ સંસ્થાનું નામ રહ્યું છે. પણ આ સંસ્થાના ઇતિહાસ અને કામગીરીની આપણે ઝાઝી ચિંતા કરી નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ની લગભગ આખી ફાઈલ મુંબઈની કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાઈ છે. એકના એક ચવાઈ ગયેલા વિષયો પર પીએચ.ડી. માટે ‘શોધનિબંધ’ લખનારાઓની નજર આજ સુધી તેમાં દટાયેલા ખજાનાને શોધી શકી નથી.