૧૮૫૯માં પહેલવહેલી મેટ્રિકની પરીક્ષા લેવાઈ તેમાં ફક્ત ૨૨ છોકરા પાસ!
મુંબઈમાં શરૂ થઈ એશિયા ખંડની પહેલી કોમર્સ કોલેજ
આયકા બંધુ ભગિનીનો, આયકા. મારા નાંવ ગિરગાંવરાવ. આડનાંવ મુંબઈકર. દેશને આઝાદી મળી તે પહેલાં દસેક વરસે મારા જન્મ થયા, ગિરગામમાં. મારા વડીલ (પિતા) શીખેલા મેટ્રિક સુધી, પણ ઇંગ્લિશ એકદમ પાવરફૂલ, આજના ગ્રેજ્યુએટ કરતાં પણ ચડે. પૂણેની સ્કૂલમાં લોબો સર પાસે અંગ્રેજી શિકેલા અને દેશપાંડે સર પાસે મેથ્સ શીકેલા. કોલેજમાં ભણવા જવાના પૈસા નહોતા એટલે બોમ્બે હાઈ કોર્ટમાં નોકરીએ લાગી ગયા. અવ્વલ કારકૂન સુધી પહોંચેલા. રિટાયર થયા ત્યારે હાઈ કોર્ટના રજિસ્ટ્રારે મળવા બોલાવેલા. સ્ટાફે જર્મન સિલ્વરની પ્લેટ અને રિસ્ટ વોચ ભેટ આપેલા તે મેં હજી સાચવી રાખેલા છે. જો કે એ ઘડિયાળ હવે ચાલતા નથી. પણ એમ તો ગિરગામના રસ્તા પર હવે ટ્રામ પણ ચાલતા નથી. અને મુન્સીપાલ્ટીએ નમૂનાના એકાદ ટ્રામ પણ સાચવ્યા નહિ, એટલે ઠેઠ કલકત્તાથી એક ટ્રામ મગાવવા પડ્યા છે. પણ મેં મારા વડીલના રિસ્ટ વોચ હજી બરાબર સાચવીને મારા સ્ટીલના કબાટમાં રાખ્યા છે.

બોમ્બે હાઈકોર્ટ – ૧૯મી સદીમાં
મારી આઈ પાંચ ચોપડી ભણેલી. પછી આગળ ભણવા માટે તેના ગામડામાં સ્કૂલ નહિ હતા. ભણતી ત્યારથી તેને ડ્રોઈંગના ઘણા શોખ હતા. દિવાળીમાં રાતે રંગોળી બનાવતી હોય ત્યારે પડોશની બાઈઓ તે જોવા આવતી. અને તે સોલ કઢી બનાવતી ત્યારે એના સોડમ આખા મકાનમાં ફેલાઈ જતા. એને ભરતકામનો પણ શોખ. એક દિવાળીએ મારા વડીલ આઈ માટે સિંગર કંપનીનો સિવવાનો સંચો લઈ આવેલા. પછી તો આખા દિવસ એ સંચા પર એમ્બ્રોયડરી કર્યા કરે. ચાલીસ-પચાસ તો એમ્બ્રોયડરીવાળા ટેબલ ક્લોથ બનાવેલા. પણ આજે મારા ઘરમાં એક જ સચવાયો છે. કારણ જેવો એક ટેબલ ક્લોથ તૈયાર થાય કે કોઈ ને કોઈ નાતેવાઇકને કે પડોશીને આપી દે. નાગપુર રહેતી મારી નાની બહેનની સાસરીમાં તો એવા ડઝનેક આપ્યા હશે. એની દીકરીના ફરાક પર લગાડવા ‘એપ્લિક’ પણ બનાવીને મોકલતી. આઈ-બાબા તો હવે નથી, પણ એ સંચો ઘરના એક ખૂણામાં હજી મેં રાખ્યો છે. જો કે હવે એને વાપરતું કોઈ નથી.

શીવવાનો સંચો
આઈ-વડીલ બહુ ભણેલાં નહિ, પણ ઘરમાં કરકસર કરીને પણ મારી બહેનને અને મને ભણાવેલાં. બહેન કર્વે કોલેજમાં ભણીને બી.એ. થઈ. શું? આવી કોઈ કોલેજનું નામ તમે નથી સાંભળ્યું? હા, હા, હવે એને એસ.એન.ડી.ટી. કહે છે. મહર્ષિ ધોન્ડો કેશવ કર્વેએ વાવેલું બીજ આજે તો મોટું વૃક્ષ બની ગયું છે. લગન પછી નાગપુર જઈને બહેને બી.એડ.નું કર્યું અને ત્યાંની એક નિશાળમાં ઘણાં વરસ કામ કર્યું. છેવટે વાઈસ પ્રિન્સિપાલ બનીને રિટાયર થઈ. મને ધોબી તળાવ પરની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણવા મૂકેલો. એક જમાનામાં આ સ્કૂલની મુંબઈ શહેરમાં જ નહિ, આખા મુંબઈ ઇલાકામાં મોટી નામના હતી.આઝાદી પહેલાં એના પ્રિન્સિપાલ ગોરા જ હોય. તેમાં એક ગુજરાતીના માસ્ટર હતા. નામ રામપ્રસાદ બક્ષી. ૧૯૨૭માં એક દિવસ ગોરા પ્રિન્સિપાલ પાસે રાજીનામું ધરી દીધું. કેમ? સાંતાક્રુઝના પરામાં નવી શરૂ થતી પોદાર હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નિમણૂક થઈ હતી. પેલા ગોરાના તો માનવામાં જ ના આવે આ વાત. કહે, આગળ ઉપર સરકારી કેળવણી ખાતામાં સારો હોદ્દો અને મોટો પગાર મળી શકે તેમ છે. સમજાવ્યા, પણ માન્યા નહિ, રામભાઈ. ગોરો કહે, ‘થોડા વખત પછી અહીં પાછા આવી શકાય એ પ્રમાણે કાગળિયાં કરું?’ રામભાઈએ નમ્રતાથી પણ દૃઢતાથી જવાબ આપ્યો: ‘હવે તો સાંતાક્રુઝમાં બીજી એલ્ફિન્સ્ટન સ્કૂલ ઊભી કર્યા પછી જ અહીં પાછો આવીશ.’ આવા હતા અમારા જમાનાના માસ્તરો. જો કે હું બક્ષી સર પાસે શીખ્યો નથી, પણ અમારા મરાઠીના દાતે સર આ વાત ઘણી વર કહેતા. પછી તો આ રામભાઈ સર સંસ્કૃત અને ગુજરાથીના મોટા વિદ્વાન બન્યા. અમારા મરાઠી પંડિતો સાથે સંસ્કૃતમાં વાતચીત પણ કરતા. ગુજરાથીમાં ઘણી ચોપડીઓ પણ લખેલી. મને યાદ છે, તેઓ કૈલાસવાસી થયા ત્યારે એક ગુજરાથી છાપાએ લખેલું કે ‘દેવી સરસ્વતી જેની પર આરૂઢ થયેલી છે તે શ્વેતપદ્મની એક પાંખડી જેવા હતા રામભાઈ.’

ધોબી તળાવ પાસેની એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલ
મારે કોમર્સના લાઈન લેવાના છે એમ મારા વડીલે પહેલેથી જ નક્કી કરેલું. એ વખતે હજી એસ.એસ.સી.ની પરીક્ષા શરૂ નહોતી થઈ. મેટ્રિકની પરીક્ષા આખા મુંબઈ ઇલાકામાં બોમ્બે યુનિવર્સિટી લેતી. આજની જેમ ૯૯ ટકા રિઝલ્ટ આવતા નહિ. ૩૦-૩૫ ટકા આવતા. ૭૦ ટકા માર્ક મળે તો તો વિદ્યાર્થી અને તેના આઈ-વડીલ હવામાં ઊડવા લાગે. મારા વડીલ કહેતા કે ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ તે પછી ૧૮૫૯માં પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠેલા, પણ તેમાંથી પાસ તો ફક્ત ૨૨ જ થયેલા! છેક ૧૮૮૩ સુધી છોકરીઓ મેટ્રિકની પરીક્ષામાં બેસી શકતી નહોતી, કારણ યુનિવર્સિટીના કાયદામાં વિદ્યાર્થી માટે ફક્ત ‘હિ’ શબ્દ વપરાયો હતો. શરૂઆતથી કેટલાંક વરસ આ પરીક્ષા ટાઉન હોલમાં લેવાતી. લેખિત પરીક્ષા પછી ટાઉન હોલમાં જ જાહેર ઓરલ પરીક્ષા પણ દરેક છોકરાની લેવાતી. મુંબઈનો કોઈ પણ રહેવાસી એ પરીક્ષા વખતે હાજર રહીને કોઈ પણ છોકરાને સવાલો પૂછી શકતો! છેક ૧૯૪૮ સુધી યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા જ ચાલી. પછી આવી એસ.એસ.સી.ની પરીક્ષા. એ જમાનામાં કોચિંગ ક્લાસ હતા નહિ. પૈસાદાર મા-બાપ ઘરે ટ્યૂશન રાખતા. પણ મારા વડીલને તેમ કરવું પોસાય તેમ નહોતું. અંગ્રેજી સુધારવા માટે રોજ રાતે ૯ વાગે ઓલ ઇન્ડિયા રેડિયોના અંગેજી ન્યૂસ ફરજિયાત મને ને બહેનને સંભળાવતા. એ ઉપરાંત અમે મરાઠી નાટક, ભાવગીત, વાર્તાલાપ સાંભળતા. અડોશપડોશનાં બૈરાંને લીધે આઈને ગુજરાતી પણ આવડતું. એટલે કેટલાંક બૈરાં બપોરે અમારે ઘરે ભેગાં થઈ ‘મહિલા મંડળ’ પ્રોગ્રામ સાંભળતાં. એ વખતે ઘરમાં મનોરંજન માટેનું એકમાત્ર સાધન હતું રેડિયો – મોટો, ભારે ખમ. પછી આવ્યા તે ટ્રાન્ઝિસસ્ટર નહિ, વાલ્વવાળા રેડિયો. એને માટે ઘરની બહાર એરિયલ લગાડવું પડતું.
હું મેટ્રિક્માં આવ્યો ત્યારે અમારાં એક પડોશી ગુજરાથી બહેન એક જોડકણું મને ચીડવવા વારંવાર ગાતાં:
મેટ્રિકમાં માંદા પડ્યા, બીએમાં બેહાલ,
એમએ મરણપથારીએ, એ વિદ્યાના હાલ.
મેટ્રિકની પરીક્ષાના ત્રણ મહિના પહેલેથી ઘરમાં વડીલે લોક-ડાઉન જાહિર કરી દીધેલું. તે પહેલાં અમને એક ફિલ્લમ જોવા લઈ ગયેલા, પૃથિવી વલ્લભ. ગુજરાથીના મોઠા લેખક કનૈયાલાલ મુનશીની કાદમ્બરી (નવલકથા) પરથી એ પિક્ચર બનેલું. મારી મેટ્રિકની પરીક્ષા પહેલાં ઘણી વાર તેના એક ગીતની પંક્તિ વડીલ ગણગણતા:
તૈલપ કી નગરી મેં ગાના નહિ હૈ, બજાના નહિ હૈ,
જીવન કી ખુશિયાં મનાના નહિ હૈ.

કાણાવાળો પૈસો અને ઢબુ
પણ ગુરુ દત્તાત્રેયની કૃપાથી બંદાનો ફર્સ્ટ ક્લાસ આવી ગયો. એ વખતે કોલેજમાં એડમિશન લેવાના આજ જેવા અઘરા નહોતા. ચર્ચગેટ પાસેની સિડનહામ કોલેજમાં એડમિશન મળી ગયું. પછી જ મારા વડીલે પડોશીઓ અને નાતેવાઈકને પેંડા વહેંચેલા – મેજેસ્ટિક સિનેમા નજીક આવેલ પણશીકરની દુકાનના કેસરી પેંડા. કોલેજમાં ગયો પછી વડીલ દર મહિને હાથખર્ચી માટે દસ રૂપિયા આપતા. એટલે ક્યારેક ત્યાં જઈને ગરમાગરમ સાબુદાણા વડા કે મિસળ ખાતો અને ઉપ્પરથી ગરમ ગરમ કેસરી દૂધ. આઠ આનામાં તો પેટ ભરાઈ જાય. હા, એ વખતે હજી દેશમાં રૂપિયા, આના પાઈનું ચલણ હતું. બાર પાઈનો એક આનો, ૧૬ આનાનો એક રૂપિયો. રૂપિયો, આઠ અને ચાર આનાના સિક્કા ઉપરાંત બે આની, એક આનો, ઢબુ (બે પૈસા), કાણાવાળો પૈસો, અને પાઈના સિક્કા વપરાતા. વરસને વચલે દહાડે ઘરમાં સો રૂપિયાની નોટ આવે તો તો ઘરના બધા વારાફરતી હાથમાં લઈને જોતાં, અને પછી વડીલ સાચવીને મૂકી દેતા.

એશિયાની પહેલી કોમર્સ કોલેજ – સિડનહામ કોલેજ
કોલેજના પહેલા દિવસે બધા નવા વિદ્યાર્થીઓને કોલેજના હોલમાં પ્રિન્સિપાલે ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ૧૯૧૩માં શરૂ થયેલી આપણી આ કોલેજ ફક્ત મુંબઈની નહિ, ફક્ત હિન્દુસ્તાનની નહિ, પણ આખા એશિયા ખંડની જૂનામાં જૂની કોમર્સ કોલેજ છે. તે વખતના મુંબઈ ઈલાકાના ગવર્નર લોર્ડ સિડનહામ ઓફ કોમ્બેના નામ પરથી કોલેજનું નામ પડ્યું છે. કોલેજની શરૂઆત એલ્ફિન્સ્ટન કોલેજના મકાનમાં થઈ હતી. પછી ૧૯૧૪થી ૧૯૨૨ સુધી ફ્લોરા ફાઉન્ટન નજીકના વ્હાઈટવે લેડલો બિલ્ડિંગમાં ખસેડાઈ. ત્યાં નીચે વ્હાઈટવે લેડલોનો મોંઘો દાટ સ્ટોર હતો જેમાં ગોરાઓ અને ખૂબ પૈસાદાર ‘દેશી’ઓ ખરીદી કરવા જતા. આજે એ જગ્યાએ ખાદી ગ્રામોદ્યોગનો સ્ટોર આવેલો છે. પછી ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિક્ટોરિયા ટર્મિનસની સામે આવેલા જે.જે. કોલેજ ઓફ આર્ચિટેકચરના મકાનમાં ગઈ. છેક ૧૯૫૫માં ચર્ચગેટ સ્ટેશન પાસેના આજના લાલ રંગના મકાનમાં કોલેજ ગઈ.
કોલેજનાં બધાં વરસ ચોટલી બાંધીને ભણ્યો, પણ બી.કોમ.માં ક્લાસ ન જ આવ્યો. જો કે ત્યારે ફર્સ્ટ ક્લાસ તો બે-પાંચ વર્ષે કોઈ એક-બેનો આવતો અને દર વરસે સેકન્ડ ક્લાસ મેળવનારની સંખ્યા બે આંકડાની ભાગ્યે જ થતી. બપોરે બરાબર બાર વાગે યુનિવર્સિટી રિઝલ્ટ જાહેર કરતી. કાળો સૂટ પહેરેલા રજિસ્ટ્રાર પોતે બે પટાવાળા સાથે યુનિવર્સિટીના ગાર્ડનમાં આવતા. પટાવાળા લાલ યુનિફોર્મ પહેરતા અને છાતી પર પિત્તળનો ચકચકતો બિલ્લો પહેરતા. પટાવાળા જરૂર પ્રમાણે લાકડાનાં પાટિયાં મકાનની ભીંતને અઢેલીને મૂકતા. રજિસ્ટ્રાર સાહેબના હાથમાં સીલ કરેલા મોટા કવરમાં રિઝલ્ટના છાપેલા કાગળ રહેતા. હાજર રહેલા સૌની હાજરીમાં એ સીલ તોડીને કાગળો કાઢતા અને પટાવાળાને આપતા. પટાવાળા તેની પાછળ લાહી લગાડીને પાટિયા પર ચોડતા. બધા કાગળ ચોડાઈ જાય એટલે રજિસ્ટ્રાર ફલાણું રિઝલ્ટ ડિકલેર્ડ એટલું બોલી ઓફિસમાં પાછા જતા. પછી વિદ્યાર્થીઓ પોતાનો નંબર શોધવા પડાપડી કરતા.
બી.કોમ.નું રિઝલ્ટ આવે તે પહેલાં જ મારા વડીલ કૈલાસવાસી થયા હતા એટલે તરત નોકરીએ લાગવું પડે તેમ હતું. સારે નસીબે પી.એન્ડ ઓ. નામની એ વખતની જાણીતી બ્રિટિશ શિપિંગ કંપનીમાં નોકરી મળી ગઈ. ૧૯મી સદીમાં તેની શરૂઆત થઈ હતી અને ગ્રેટ બ્રિટન અને દુનિયાના ઘણા દેશો વચ્ચે તેની સ્ટિમરો મુસાફરો અને માલસામાન લઈ જવા આવ-જા કરતી. થોડાં વરસ પછી મુંબઈની ઓફિસના હેડ સ્ટોર કીપરની જગ્યા પર બઢતી મળી. કંપનીની સ્ટિમરો મુંબઈના બારામાં નાંગરે ત્યારે ટાંકણીથી માંડીને તિજોરી સુધીની નાનીમોટી અનેક વસ્તુઓ પૂરી પાડવી પડે તે બધી ગોડાઉનોમાં ભરી રાખવાની. ખાવા-પીવાનો સામાન તો જરૂર પ્રમાણે તાજો ખરીદીને સ્ટીમર પર પહોંચાડવો પડે. આ બધું ખરીદવાનું કામ કંપની આડતિયાઓ મારફત કરે. ઘણુંખરું આડતિયા પારસી જ હોય. કારણ બીજા બધા સામાન સાથે દરેક સ્ટીમરને માંસ-મચ્છી પણ પૂરાં પાડવાં પડે. એટલે આડતિયાનું કામ વાણિયાબ્રાહ્મણ કે જૈન ન કરે. ઘણાં વરસ સુધી પારસીઓ સાથે કામ કર્યું એટલે ધીમે ધીમે ગુજરાથી બોલતાં આવડી ગઈ. પણ હજી માયબોલી મરાઠીના શબ્દો વચમાં વચમાં ઘૂસી જાય. આખ્ખી જિંદગી ગિરગામમાં ગઈ છે એટલે વાતો તો ખૂટે એમ નથી. પણ ગિરગામ અને મુંબઈના રહેવાસીઓ એક ઘટના તો ક્યારે ય નહિ ભૂલે. આવતે શનિવારે એને બરાબર એક સો વરસ પૂરાં થશે. એટલે આવતે અઠવાડિયે એ ઘટનાની વાત.
(અહીં મરાઠીમાણુસની આપકથા હોવાથી લેખના કેટલાક ભાગમાં મરાઠી ભાષાની છાંટ રાખી છે.)
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 જુલાઈ 2020
![]()


‘મુંબઈ વિષે’ નામનો દલપતરામનો લેખ ‘બુદ્ધિપ્રકાશ’ના ઓગસ્ટ ૧૮૬૩ના અંકમાં પ્રગટ થયો હતો તેમાં તેમણે મુંબઈ વિષે ઉપર પ્રમાણે લખ્યું છે. (કોણ જાણે કેમ પણ ‘દલપત ગ્રંથાવલિ’ના પાંચ ભાગમાં આ લેખ સમાવાયો નથી.)
અગાઉ ગુજરાતમાં જ્યાં જ્યાં ફાર્બસની બદલી થયેલી ત્યાં ત્યાં તેઓ દલપતરામને સાથે લઈ ગયા હતા. એટલે દલપતરામના મનમાં એવી આશા હતી કે ફાર્બસ પોતાને મુંબઈ પણ લઈ જશે. પણ ફાર્બસ મુંબઈ ગયા ત્યારે દલપતરામને સાથે નહોતા લઈ ગયા, પણ તેમને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંનું કામ ચાલુ રાખવા જણાવ્યું હતું. પણ મુંબઈમાં ઠરીઠામ થયા પછી ફાર્બસે દલપતરામને મુંબઈ તેડાવ્યા. એટલે ૧૮૬૩ના એપ્રિલમાં દલપતરામ સોસાયટીની નોકરીમાંથી બે મહિનાની રજા લઈ મુંબઈ ગયા. ફાર્બસે તે વખતે ‘પૃથુરાજ રાસો’નાં બે પ્રકરણનો અનુવાદ દલપતરામ પાસે કરાવ્યો. તે વખતે ઇંગ્લન્ડ જતી એક સ્ટીમરમાં ‘ફાર્બસનો એક નવ વર્ષનો દીકરો’ ભણવા માટે સ્વદેશ જઈ રહ્યો હતો. ૧૮૪૩માં પહેલી વાર હિન્દુસ્તાન આવ્યા પછી ૧૮૪૬ના માર્ચની ૨૫મી તારીખે ફાર્બસનાં લગ્ન માર્ગારેટ મોઈર ફોર્બ્સ-મિચેલ સાથે મુંબઈમાં થયાં હતાં. તેમને છ સંતાનો હતાં : માર્ગારેટ થિયોડોરા લોરેન્સ ફોર્બ્સ-મિચેલ (અવસાન ૧૯૩૯), એમેલાઇન મારિયા એલિઝાબેથ ફોર્બ્સ-મિચેલ (અવસાન ૧૯૩૨), રેવરન્ડ જોન ફ્રેઝર ફોર્બ્સ-મિચેલ (૧૮૪૭-૧૮૮૭), હેન્રી ડેવિડ અર્સકિન ફોર્બ્સ-મિચેલ (૧૮૪૯-૧૯૨૦), એલેક્ઝાન્ડર એબરનેથી ફોર્બ્સ-મિચેલ (૧૮૫૧-૧૮૮૨), અને રેવરન્ડ એડવર્ડ એસ્મે ફોર્બ્સ-મિચેલ (૧૮૫૫-૧૯૨૦). દલપતરામ ‘ફાર્બસનો નવ વર્ષનો દીકરો’ એમ લખે છે અને ફાર્બસના છેલ્લા સંતાન રેવરન્ડ એડવર્ડ એસ્મે ફોર્બ્સ-મિચેલનો જન્મ ૧૮૫૫માં થયો હતો એટલે એ વખતે ભણવા માટે ઇન્ગ્લન્ડ જતો છોકરો તે હોવો જોઈએ. ત્યારે એ સ્ટીમર બતાવવા ફાર્બસ દલપતરામને પોતાની સાથે લઈ ગયા હતા. સ્ટીમર પર ચડતી વખતે ફાર્બસે દલપતરામનો હાથ બહુ ઉષ્માપૂર્વક પકડ્યો હતો. પછી ફરીને આખી સ્ટીમર બતાવી. પરિચિતો સાથે દલપતરામની ઓળખાણ કરાવી. પાછા ફરતાં દરિયાનાં મોજાં જોઈને ફાર્બસ ખુશ થતાં બોલ્યા કે આ મોજાં જોઈને મને વિલાયત સાંભરી આવે છે. પણ પછી ઉમેર્યું કે હજી આ દેશમાં ઘણાં કામ કરવાનાં બાકી છે. પછી કહ્યું કે હજી મારા વિચાર બહુ લાંબા છે, અને માણસની આવરદા ટૂંકી છે.



