[પુસ્તક : મહાત્મા – સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો, લેખક – ગંભીરસિંહ ગોહિલ, સંપાદક : કેતન રુપેરા; પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૧૯; સોફ્ટ કવર, સાઇઝ ૫.૫ x ૮.૫; પૃષ્ઠ : ૮ + ૧૭૬; પ્રકાશક : 3s પબ્લિકેશન; મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠ; કિંમત – ₹ ૨૨૦/-]
હિંદની સ્વાતંત્ર્ય ચળવળ, ગાંધીજીએ આદરેલા સત્યાગ્રહો અને ભારતીય રજવાડાંઓના ઇતિહાસમાં રાજકોટ સત્યાગ્રહ અપૂર્વ અને અજોડ સ્થાન ધરાવે છે. તેનાં એકથી વધુ કારણો છે. એક તો, ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બોરસદ કે બારડોલી સત્યાગ્રહની જેમ આ સત્યાગ્રહ પ્રજાજનો પરના આકરા કરવેરાની નાબૂદી માટે હોવા છતાં તે અંગ્રેજ સલ્તનત સામે નહીં, પણ એની સામે લડવા પ્રજાને ખરેખર જેનો સાથ મળી રહેવો જોઈતો હતો એવાં રજવાડાં સામે હતો. બીજું, આ સત્યાગ્રહ દરમિયાન રાજ્યને પ્રારંભમાં પડદા પાછળ અંગ્રેજ સરકાર, એટલે કે એમની નીમેલી ઍજન્સીનો ટેકો છતાં, અંતે એ જ સરકારના પ્રતિનિધિએ આપેલો ચુકાદો રાજ્યની તરફે નહીં, પણ પ્રજાજનોની તરફેણમાં આવ્યો હતો. ત્રીજું અત્યાર સુધી એટલે કે ૧૯૩૮-૩૯ સુધી, ગાંધીજીએ આદરેલા સત્યાગ્રહો કાં તો સફળ થયેલાં અથવા એવા મુકામે પહોંચેલા કે તેના આખરમાં તેમને આશ્વાસન રહેતું, જ્યારે અહીં, આ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી પોતાનાથી થતું બધું જ – સલાહ, મસલત, લાંબી લાંબી બેઠકોનો દોર, નિયમિત પત્રવ્યવહાર અને ફોન, પ્રવાસ, અનેક મુલાકાતો, ઉપવાસ, કોર્ટનું શરણ અને પ્રાર્થના તો ખરી જ – કરી છૂટ્યા ને કેસ જીત્યા છતાં ‘હું હાર્યો’ એમ કહેવાની ફરજ પડી હતી. વળી, ‘હાર’ના કારણમાં બીજા કોઈનો દોષ નહીં જોતાં, પોતાની જ નૈતિક ત્રુટીઓ જોઈ હતી. પોતાની ‘અહિંસાની આવી કસોટી કદી થયેલી’ જાણી નથી તેમ કહ્યું હતું અને એની ચરમાવસ્થા “દરબાર વીરાવાળા(રાજકોટના દીવાન)ને જીતવા એ જનરલ સ્મટ્સને જીતવા કરતાં વધારે અઘરું છે.” રૂપે વ્યક્ત થઈ હતી.
તો કેવો હતો આ સત્યાગ્રહ, ક્યાં રોપાયાં હતાં એનાં બીજ, કોઈ વટવૃક્ષની જેમ ક્યાં ક્યાંથી નીકળતી હતી એની શાખાઓ અને આખરે તેનાં ફળરૂપી ચુકાદો પ્રજાની તરફેણમાં આવ્યા છતાં ગાંધીજી કેમ ‘ખાલી હાથે, ભાંગેલ દેહે અને આશાઉમેદ બધી દફનાવીને’ રાજકોટથી મુંબઈ ભણી નીકળી પડ્યા?!
આ પહેલાં થોડી પૃષ્ઠભૂ જાણવી ઉપયોગી થઈ પડશે. રાજકોટ કાઠિયાવાડનું એક નાનું દેશી રાજ્ય હતું. ભાવનગર, જૂનાગઢ અને જામનગર જેવાં પ્રમાણમાં મોટા રજવાડાંને પણ અંગ્રેજ સરકારની નારાજગી વહોરવી પાલવે તેમ ન હતું ત્યારે રાજકોટના રાજવી લાખાજીરાજે (૧૮૮૫•૧૯૩૦) આ ખફગી વહોરીને ૧૯૨૧માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું પહેલું અધિવેશન રાજકોટમાં યોજવા માટે કૉન્ગ્રેસને પરવાનગી આપી હતી. રાજકોટના રાજવી લાખાજીરાજ અને ગાંધીજીને ઘણા સારા સંબંધો હતા. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી એક વખત રાજકોટના દીવાન હતા અને ગાંધીજી તથા કસ્તૂરબાએ પણ પોતાનાં જીવનનાં આરંભનાં વર્ષો ત્યાં વિતાવ્યાં હતાં. આ વાતનું પણ લાખાજીરાજને ગૌરવ હતું. રાજકોટમાં ગાંધીજીના વિચાર મુજબની રાષ્ટ્રીય શાળા સ્થાપવામાં જમીન આપવાથી લઈને રચનાત્મક કાર્યોમાં તેમનો ઉદાર હાથે ફાળો રહેતો.
પરંતુ લાખાજીરાજના અકાળે અવસાન પછી, તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ ગાદી પર આવ્યા. રાજ્ય ચલાવવાની એમની અણઆવડત, દીવાન તરીકે દરબાર વીરાવાળાની નિમણુક, રાજા પર એમનો વધતો જતો પ્રભાવ, રાજાના નામે કારભાર વીરાવાળા જ ચલાવે, એ પછી, ઉત્તરોત્તર રાજ્યમાં ગેરવહીવટની શરૂઆત, આવક કરતાં ખર્ચ વધુ, એમાં ય રાજકુટુંબનો ખર્ચ વધારે, એને સરભર કરવા પ્રજા પર આકરા કરવેરા નાંખવા, જુગારને કાયદેસર કરવો, રાજ્યની માલિકીની મિલમાં મજૂરો જોડે ૧૦થી ૧૨ કલાક કામ લેવું, આગેવાનોએ હાથ ઘરેલા એક સર્વેના રિપોર્ટ પ્રમાણે ખેડૂતોની માથાદીઠ આવક કેદી પર થતાં ખર્ચ કરતાં પણ ઓછી થઈ જવી, મોંઘવારી વધતી જવી, તેને કારણે મજૂરો-ખેડૂતો અને સામાન્ય પ્રજામાં વધતો જતો અસંતોષ, એને ડામવા વીરાવાળાની વાતમાં આવીને ઠાકોરસાહેબે પોલીસને છૂટો દોર આપવો, પોલીસનો પ્રજાજનો પર લાઠીચાર્જ અને ગિરફ્તારી, રાજ્યના આગેવાન નેતાઓ દ્વારા લડત ચલાવવી, અગ્રણી યુવાનેતા ઉછરંગરાય ઢેબર દ્વારા લેખો લખીને રાજ્યની દમનકારી નીતિને દેશભરમાં પ્રસરાવવી, મુંબઈમાં સરદાર પટેલ સુધી આ વાત પહોંચવી, સરદારે લડતનો દોર હાથમાં લેવો. અને એ પછી … નવા જોશ સાથે ફરી લડતનાં મંડાણ. સરઘસ, સભા, સૂત્રોચ્ચાર, ભાષણ, લાઠીચાર્જ, જેલ, ગિરફ્તારી અને આખરે ફતેહ હાંસલ થવી. આટલા લાંબા સંઘર્ષ પછી રાજકોટ આખામાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો. રાજ્ય તથા પ્રજાજનો વચ્ચે સમાધાન થયું હતું. જેમાં સરદાર પટેલની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી હતી. રાજકોટ સત્યાગ્રહની સફળ પૂર્ણાહુતિ થયેલી જણાઈ હતી.
ચોથી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં ગાંધીજી, (ડાબે) અબ્બાસ તૈય્યબજી અને (જમણે) રાજકોટના ઠાકોરસાહેબ લાખાજીરાજ સાથે
એ વખતના સરદારના ઉદ્દગારો હૃદયસ્પર્શી છે : “હું ઘણા વખતથી મારા ઉપરનું કરજ ચુકવવા ઇચ્છતો હતો, રાજકોટે-કાઠિયાવાડે એક એવા પુરુષની હિંદને ભેટ આપેલી છે, જેણે આખા દેશની સિકલ ફેરવી નાખી છે, જેણે સેંકડો વર્ષથી સૂતેલા દેશને સત્ય અને બલિદાનના પાઠ ભણાવી જાગ્રત કર્યો છે. એ પુરુષનો હું એક અદનો સિપાઈ છું. મારા ઉપર એનું ઋણ ચડેલું છે. આજે એ ઋણનો કંઈક બદલો વાળ્યાનો મને થોડોક સંતોષ થાય છે …. આજે રાજા સાથે સમાધાન થયું છે. આવા રાજા-પ્રજાના ઝગડામાં રાજા-પ્રજા બન્નેને નુકશાન થાય છે તેથી હું રાજા-પ્રજા બન્નેને અભિનંદન આપું છું.”
પણ અફસોસ … કે આ હર્ષ અને આનંદોલ્લાસ લાંબુ રહેવાનાં ન હતાં. સમાધાન થોડા દિવસો પણ ટકવાનું ન હતું. પ્રજાજનોની હાલાંકીનો અંત હજુ ઘણો દૂર હતો. સત્યાગ્રહની લાંબી સફર ખેડવાની હજુ બાકી હતી. રાજ્યના આગેવાનો અને કાર્યકરો તો ઠીક, કસ્તૂરબા અને મણિબહેનને પણ જેલ જવાનું હતું. ગાંધીજીએ આ લડતમાં સીધા દરમિયાન થવું પડે ને દિલ્હી છોડીને તાબડતોબ રાજકોટ આવવું પડે એવા દિવસો આવવાના હતા. આવીને અનિશ્વિત મુદ્દતના ઉપવાસ આદરવા, એવો ‘અંતરાત્માનો અવાજ’ આવવાનો હતો. અને આ બધાંના કારણોમાં રાજ્યને ઉધઈને જેમ કોરી ખાનાર દરબાર વીરાવાળા સાથે થાકી જવાય એટલી હદે મસલતો કરવાની હતી. એ ત્યાં સુધી કે હિંદુસ્તાન જેવા મોટા દેશમાં ‘ટપકાં જેવડાં’ કહેવાતા રાજ્યમાં હિંદના ઉચ્ચ ન્યાયાધીશે કેસ હાથમાં લેવો પડે એવી મડાગાંઠ સર્જાવાની હતી.
૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા જતાં પહેલાં જ બારિસ્ટર ગાંધીને કાઠિયાવાડની ખટપટનો ‘કંઈક અનુભવ’ મળી ગયો હતો. આત્મકથામાં તે આમ પ્રગટે છે : “રાજ્યો વચ્ચે ઝીણી ખટપટ, હોદ્દો જમાવવા સારુ ખટપટ, રાજાના કાચા કાન, રાજા પરવશ, સાહેબોના પટાવાળાની ખુશામત; શિરસ્તેદાર એટલે દોઢ સાહેબ, કેમ કે શિરસ્તેદાર એ સાહેબની આંખ, તેના કાન, તેનો દુભાષિયો. શિરસ્તેદાર ધારે એ જ કાયદો …”
સરદારને એ અનુભવ થવાનો બાકી હતો. આ રહ્યો રાજકોટ સત્યાગ્રહનો એ અનેક ચઢાવઉતાર, કાવાદાવા, વચનભંગ, કોર્ટકચેરી, પોલીસ, લાઠીચાર્જ, ગિરફ્તારી … અને અંતે એક મહાત્માનું મહાત્માપણું વધુ સિદ્ધ થતા એ ઘટનાક્રમનો આરંભ.
• સરદાર પટેલની આગેવાની હેઠળની લડતના અંતે સરદાર અને રાજકોટના રાજવી ધર્મેન્દ્રસિંહજી વચ્ચે તા. ૨૬-૧૨-૧૯૩૮ના રોજ થયેલી બેઠક અને તેમાં થયેલા ઠરાવ મુજબ પ્રજાને જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના થશે એવું નક્કી થયું.
• આ બેઠકમાં નક્કી થયા મુજબ પ્રજાવતી ૧૦ સભ્યોની સમિતિ બને, તેમાં સાત નામો સરદારે સૂચવ્યા મુજબના અને ત્રણ નામ રાજકોટના ઠાકોરસાહેબે નક્કી કર્યા મુજબના રાજ્યના અમલદાર હોય એમ ઠરાવાયું.
• આ સમિતિ જાન્યુઆરી, ૧૯૩૯ના અંત સુધીમાં રાજા તરીકેના વિશેષ અધિકારોને બાધ ન આવે અને પ્રજાને વધારેમાં વધારે સત્તા આપી શકાય એવી સુધારાની યોજના નક્કી કરશે એમ પણ સમાધાનની શરતોમાં નક્કી થયું.
• આ સાથે રાજકોટ રાજ્ય તરફથી પ્રજા પર કરાયેલાં ‘દમનના સર્વ પગલાં પાછા ખેંચી લેવાનું’ પણ જાહેર કરવામાં આવ્યું.
• સરદાર અને ઠાકોરસાહેબ વચ્ચે થયેલી બેઠકના દિવસે જ દરબારી ગેઝેટ કાઢીને સમાધાનની જાહેરાત કરવામાં આવી.
• સરદારે સ્થાનિક આગેવાનો સાથે સલાહ-મસલત કરીને ચોથી જાન્યુઆરી, ૧૯૩૯ના દિવસે સાત સભ્યોના નામ ઠાકોરસાહેબને મોકલી આપ્યા.
રાજકોટની શાક માર્કેટમાં પ્રજાજનોને પૂરી દેવામાં આવ્યા તે પ્રસંગની તસવીર
બસ, અહીંથી સત્યાગ્રહે વળાંક લીધો. ‘વીરાવાળાએ સાત નામોનો અસ્વીકાર કરીને સમાધાન તોડવાનો આબાદ પેંતરો રચ્યો.’ :
• ‘સરદારે સૂચવેલા નામો ઠાકોરસાહેબને મળે એ પહેલાં જ છાપાંમાં બહાર પડી ગયા છે તેથી ઠાકોરસાહેબ બહુ કફોડી દશામાં મુકાયા છે.’ બીજું, ‘ઠાકોરસાહેબની ઘણી ઇચ્છા છે કે તમારાં સૂચવેલાં નામો તેઓ પસંદ કરે પણ’ રાજ્યના ભાયાતો, મુસલમાનો તથા દલિતવર્ગ તરફથી એમને અરજી મળી છે કે તેમનું પ્રતિનિધિત્વ પણ આ સમિતિમાં હોવું જોઈએ. તેથી એ અરજીઓને પણ ઠાકોરસાહેબે ધ્યાનમાં લેવી જોઈએ. … નં. ૬ અને ૭ની બાબતમાં ઠાકોરસાહેબને લાગે છે કે તેઓ રાજ્યના પ્રજાજનની વ્યાખ્યામાં આવી શકે તેમ નથી. એટલે તેમને બદલે બીજાં નામો સૂચવવાં.
• ‘મુસ્લિમોની માગણી એવી છે કે સમિતિ ઉપર તેમના ત્રણ પ્રતિનિધિ હોવા જોઈએ. ઠાકોરસાહેબને લાગે છે કે નં. ૩ને બદલે મુસ્લિમ કાઉન્સિલે સૂચવેલા બે માણસોને સમિતિ ઉપર રાખવા.’
• વળી, એમ પણ લખી મોકલ્યું કે ‘૧, ૨, ૪ અને ૫ ઠાકોરસાહેબ પસંદ કરે છે’… પણ તેમાં ‘ભાયાતો વગેરેની લાગણી લક્ષમાં લઈ તમે નામો સૂચવશો ત્યાર પછી ઠાકોરસાહેબ એ બહાર પાડશે.’
સુધારાને નામે આટલાં બધાં સૂચનો પછી આમાં સરદારની ભલામણોને સ્વીકાર્યાની વાત જ કયાં રહી?! વીરાવાળા તરફથી તદ્દન ઊલટી દિશાના આવા વળાંકથી વલ્લભભાઈને આંચકો લાગ્યો. એમણે ગાંધીજી સાથે મસલત કરીને પત્રનો જવાબ લખી મોકલ્યો. રાજા-પ્રજા બંનેનું હિત શેમાં રહેલું છે તે સ્પષ્ટ કરતાં નામો પહેલાં પ્રગટ થઈ ગયા તેનું તેમણે દુઃખ પ્રગટ કર્યું. સાથોસાથ ‘જે વહેવારમાં ઘણાં માણસો સંકળાયેલા હોય તે વાત હંમેશાં ઢંકાયેલી રહેતી નથી’, તે વાસ્તવિકતાનો પણ ખ્યાલ આપ્યો. આ પછી એમણે લખી જણાવ્યું કે
• આ કમિટી અમુક પ્રકારના હેતુ પાર પાડવાને સારુ થઈ છે અને એ હેતુ તો અમુક પ્રકારના મત ધરાવતા હોય તેવા પ્રામાણિક માણસોથી જ સિદ્ધ થઈ શકે. … જે સાત સભ્યોના નામ મેં સૂચવ્યા છે તેઓ ભાયાતોનાં અને બીજાઓના હિત નજરમાં રાખીને જ કામ કરશે.
• ‘કેટલાક સભ્યો રાજ્યોની રૈયત ન હોવા વિશે તમે જે ઉલ્લેખ કર્યો છે તે દુઃખદ છે પણ તેમ કરવાનો તમને અધિકાર હતો. ઢેબરભાઈ તે વ્યાખ્યામાં નથી જ આવતા એમ તમે ફરી વિચાર કરતા નિર્ણય કરશો તો એ નામ ખેંચી લેવા હું તૈયાર છું.’ આ રીતે અન્ય નામો અંગે પણ લખી મોકલ્યું. અને તે નામોનાં વિકલ્પો પણ સૂચવ્યા. ગાંધીજીએ પણ તે જ દિવસે કાગળ લખી મોકલ્યો ને વલ્લભભાઈના પત્રના સંદર્ભમાં લખ્યું કે “તે પ્રમાણે વર્તવામાં તમારા વચનનું પાલન છે ને તમારું હિત છે. જે ઉદાર નિર્ણય કર્યો છે તેને વળગી રહેવાની મારી ભલામણ છે.”
જો કે, સરદારના આ સ્પષ્ટ કથન પછી પણ વીરાવાળા પ્રજાને જવાબદાર એવા રાજ્યતંત્ર માટે પોતે વર્તે કે ઠાકોરસાહેબને વર્તવા દે એ દીવાસ્વપ્ન સમાન હતું. તેમણે અને કેટલાક મિત્રોએ મળીને ‘સમાધાન તોડ્યાના દોષનો ટોપલો’ વલ્લભભાઈને માથે આવે એમ ગોઠવ્યું. એવા તાર અને પત્રવ્યવહાર કર્યા કે સમાધાન સાવ ભાંગી પડ્યું. સરદાર કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ હતા અને પ્રજાએ સામેથી આવીને તેમની પાસે મદદ માગી હતી. એવા સંજોગોમાં સમાધાન ભાંગી પડતા તેમને વિશેષ દુઃખ થયું. તેમણે સંધિભંગની વિગતો આપતું નિવેદન પ્રગટ કર્યું અને પ્રજાજનોને ફરી લડત માટે હાકલ કરી. સરદારે કહ્યું કે “રાજકોટ સત્યાગ્રહની સુખદ પૂર્ણાહુતિ થઈ લાગતી હતી પણ … રાજ્યની પ્રતિષ્ઠાને ખાતર તેમ જ રાજકોટની પ્રજાના સ્વમાનની રક્ષાને ખાતર લડત ફરી શરૂ કરવાનો ધર્મ થઈ પડ્યો છે.”
તા. ૨૬-૧૨-૩૮ના રોજ રાજ્ય તરફથી જાહેર થયેલા ગેઝેટ અંગે, તે ૨૫મીની સાંજે તથા રાત્રે લગભગ આઠ કલાક ઠાકોરસાહેબ અને અન્યો જોડે કરેલી ને રાત્રે પોણા બે વાગ્યા સુધી ચાલેલી વાટાઘાટનું એ પરિણામ હતું તે પણ યાદ કર્યું. હવે સરદારે એક ભાષણમાં પોતાનો અસલ મિજાજ પ્રગટ કર્યો.
રાજકોટમાં પાશવી બળનું પ્રદર્શન
• રાજકોટના સમાધાનની વાટાઘાટ કરવા ઠાકોરસાહેબના આમંત્રણથી ગયો હતો.
• મારે ખેદપૂર્વક જણાવવું પડે છે કે જેમણે ઠાકોરસાહેબનું લૂણ ખાધું છે એમણે જ એમની ભારે કુસેવા કરી છે. આવા સલાહકારોમાં દરબાર વીરાવાળા સૌથી નપાવટ નીવડ્યા છે. તેમણે રાજ્યને પાયમાલ કર્યું છે અને ભયાનક ગેરવહીવટથી રાજ્યની તિજોરી તળિયાઝાટક કરી છે.
• ઠાકોરસાહેબ પર એમણે એવું કામણ કર્યું છે કે તેમાંથી તેઓ ઇચ્છે તો પણ છૂટી શકે નહીં.
• સમાધાનની શરતો પ્રમાણે … સમિતિ નીમ્યાની જાહેરાત વગર વિલંબે થવી જોઈતી હતી પણ દિવસો વીત્યા છતાં કશું થયું નહીં.
• એમ જણાય છે કે ઠાકોરસાહેબે પોતાની પ્રજાને પ્રજાને આપેલી ખોળાધરીનો ભંગ કરવામાં રેસિડેન્ટ તથા દરબાર વીરાવાળા જ જવાબદાર છે. … અગાઉના જાહેરનામામાં એમ કહેવામાં આવ્યું હતું કે સમિતિનો રિપોર્ટ ૩૧મી જાન્યુઆરી પહેલાં બહાર પડશે અને ઠાકોરસાહેબ તરફથી અમલ થશે, જ્યારે હાલના જાહેરનામામાં રિપોર્ટ બહાર પાડવાની બાબતમાં કશી મુદ્દત ઠરાવવામાં આવી નથી.
• પ્રતિજ્ઞાપૂર્વક કરેલા સમાધાનના રાજ્ય તરફથી થયેલા આ ભંગ પછી રાજકોટ રાજ્યની પ્રજાને માટે એક જ માર્ગ ખુલ્લો રહે છે – સ્વેચ્છાપૂર્વકના કષ્ટસહન અને આત્મબલિદાનનો માર્ગ ફરી એકવાર ગ્રહણ કરીને પોતાની આઝાદી સ્થાપિત કરવાનો અને રાજકોટ રાજ્યને તથા ઠાકોરસાહેબને પૂરી પાયમાલીમાંથી ઉગારી લેવાનો.
આમ સરદારે, ફરી સત્યાગ્રહના એંધાણ આપી દીધા. મુસ્લમાનો, ભાયાતો તથા દલિતોના પ્રતિનિધિત્વની વાતો ઊભી કરાવીને પ્રજામાં અંદરોઅંદર ઝઘડાવવાની વીરાવાળાની મુરાદ બર ન આવવા દેવા અંગે સરદાર કટિબદ્ધ હતા. તેમણે ભાષણમાં કહ્યું કે “પ્રજા સમજી જાય, સંગઠિત થાય, ગમે તેટલાં અને લાંબો સમય દુઃખો ખમવાની તાકાત દેખાડી આપે, અને માલમતાની નુકશાની છતાં અહિંસક અસહકાર ચલાવ્યે જવાની શક્તિ બતાવે, તો તે કદી હારવાની નથી.” આ સાથે એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે “કાઁગ્રેસે દેશી રાજ્યોના પ્રશ્નોમાં સીધો ભાગ ન લેવાની નીતિ એટલા સારુ અખત્યાર કરી હતી કે તેને પોતાની શક્તિની મર્યાદાનું ભાન હતું, પણ જ્યારે દેશી રાજ્યોની પ્રજાને પોતાની શક્તિનું ભાન થયું છે અને કષ્ટો સહન કરવાની તેમની તૈયારી છે, ત્યારે કાઁગ્રેસે પોતાની શક્તિના પ્રમાણમાં પ્રજાને વધુમાં વધુ સાથ આપવામાં જો પાછી પાની કરે તો તે પોતાના સિદ્ધાંતને બેવફા નીવડી ગણાય.”
સરદારનું નિવેદન પ્રગટ થતાની સાથે જ રાજકોટની સમગ્ર પ્રજા લડત માટે ફરી તત્પર બની. રાજ્યે પણ લડતને દાબી દેવા વધુ સખ્તાઈ વર્તી.
• ઍજન્સી પોતાનાં તમામ હથિયારો સાથે મદદમાં આવીને ઊભી રહી. વટહુકમો બહાર પાડવામાં આવ્યા. વર્તમાનપત્રોને રાજ્યમાં દાખલ થવાની મનાઈ ફરમાવવામાં આવી.
• ઢેબરભાઈ, વજુભાઈ શુક્લ જેવા આગેવાનોની ધરપકડ કરવામાં આવી.
• ઘોડેસવાર અને હથિયારબંધ પોલીસ નાકે નાકે ગોઠવી દેવામાં આવી.
• આગેવાનોની ધરપકડના વિરોધમાં શહેર આખામાં હડતાળ પડી.
• સભાબંધી કરવામાં આવી, સભામાં બોલવા ઊભા થાય તેમની ગિરફ્તારી કરાતી, લાઠીચાર્જ કરાતો. તેમ છતાં સભા ભરાઈને રહેતી.
• રાજ્યના જુલમો જેમ જેમ વધતા ગયા, પ્રજાનું જોશ તેમ તેમ વધતું ગયું.
• અમદાવાદ અને મુંબઈથી ય સત્યાગ્રહ ટુકડીઓ આવવા માંડી. ગામડામાં છાવણીઓ થવા માંડી.
રાજ્ય અને પોલીસના આ જુલમનો ઉલ્લેખ કરતાં નાગપુર ઝંડા સત્યાગ્રહ વખતથી સાથીદાર એવા રામનારાયણ ના. પાઠક વર્ણવે છે, “સ્વયંસેવકોને દૂરના અજાણ્યા સ્થળે લઈ જવામાં આવતા. એકેકને જુદા જુદા ઉતારી તેની ઉપર ચાર-પાંચ પોલીસો તૂટી પડતા અને ગડદાપાટનો મૂઢ માર મારી કાંટાઝાંખરામાં ફેંકી આવતા. કોઈ વાર તો તેમને ઘસડવામાં આવતા. આમ રાજ્યના અમલદારોએ જુલ્મ કરવામાં માઝા મુકી તેની સામે સૈનિકોએ અને સામાન્ય પ્રજાએ અડગ રહીને લડતું જોમ ટકાવી રાખ્યું.” રાજકોટમાં ચાલતા આ જુલમની વાત કસ્તૂરબા સુધી પહોંચી. તેમનાથી ના રહેવાયું. તેમણે ગાંધીજીને વાત કરી. ગાંધીજીએ કહ્યું, “વલ્લભભાઈ હા પાડે તો જાઓ.” વલ્લભભાઈએ પહેલાં ના, પછી ઇચ્છા હો તો ભલે જાઓ ‘પણ સાથે મણિબહેનને લઈ જાઓ’, એમ કહ્યું. કસ્તૂરબા અને મણિબહેન પહોંચ્યાં તો ઍજન્સીની હદ ને રાજકોટ રાજ્યની હદ વગેરે બહાના હેઠળ એમની પણ ધરપકડ કરાઈ. બંનેને પકડીને રાજકોટ નજીકના સણોસરા ગામે, જે દરબારી ઉતારો કહેવાતો એવું ‘એક જૂનું, નાનું, અવાવરું મકાન’ હતું ત્યાં નજરકેદ કરાયાં. મકાનમાં ગંદકી, પાણી, રહેવા-ખાવાની તકલીફ ઓછી ન હતી. ‘દરબારી મહેમાન’ કહીને રસોઈયો અપાયો પણ એ ય માથે પડે એવો. થોડા દિવસ પછી મણિબહેનને કસ્તૂરબાથી અલગ કરાયાં. એટલે એમણે ખાવાનું છોડ્યું. બાની તબિયત જોતાં તેમને અથવા કોઈ જાણીતી વ્યક્તિને બા સાથે રહેવા દેવા કહ્યું. આખરે બે દિવસ પછી રાજકોટથી દસેક માઇલ દૂર એવા ત્રંબાના ગેસ્ટહાઉસમાં બંનેને સાથે રખાયાં. આ સાથે આગલા દિવસે ધરપકડ કરીને લવાયેલાં મૃદુલાબહેન સારાભાઈને પણ રાખ્યાં.
આમ, લડત જામતી જતી હતી. વીરાવાળાએ ધાર્યું હતું કે લડત આઠ દિવસમાં કચડી નંખાશે પણ જેમ જેમ રાજ્યનાં જુલમો વધતા ગયા તેમ તેમ પ્રજાજનોનો જોશ પણ વધતો ગયો. આ બધા વચ્ચે એક ઘટનાએ ગાંધીજીનો પ્રવેશ અનિવાર્ય બનાવી દીધો.
કેટલાક સત્યાગ્રહીઓને રાજકોટ નજીક સરધારની જેલમાં પૂરવામાં આવ્યા હતા. જે હકીકતે જૂનો રાણીવાસ હતો. ત્યાં તેમના પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો. વર્ષોથી અવાવરૂ અને અઘારની દુર્ગંધથી માથું ફાટી જતું હોય; ચામાચીડિયાં, મચ્છર, ચાંચડે ઘર કર્યાં હોય, એવા આ નિવાસના ભંડકિયામાં વીસેક કેદીઓને રાખવામાં આવ્યા હતા. તેમણે હવે વધુ દિવસો ત્યાં રહેવાની ના પાડી એટલે ખૂબ માર મારવામાં આવ્યો. એની સામે સત્યાગ્રહીઓએ ઉપવાસ શરૂ કર્યા. આ સમાચાર રાજકોટ પહોંચ્યા અને ત્યાંથી સેવાગ્રામમાં ગાંધીજીને મળ્યા. સમાચાર સાંભળીને ગાંધીજી કંપી ઉઠ્યા. તેમણે રાજ્યની કાઉન્સિલના પ્રથમ સભ્યને આ બાબતે પ્રકાશ પાડવા તાર કર્યો. પણ વળતા તારવ્યવહારથી ગાંધીજીને સંતોષ ન થયો. તેમને પત્રોથી મળતી માહિતી અને સત્તાવાર મળતા તાર-ટપાલમાં ઘણો વિરોધાભાસ રહેતો. એટલે લખી મોકલ્યું કે “મારો આત્મા રોજ કહે છે કે મારે પોતે આમાં ઝંપલાવવું પડશે.” થોડા આવા પત્રવ્યવહાર પછી ગાંધીજીએ “બધી હકીકત હું નજરે જોવા આવું છું.” લખીને એક પરિચારક દાકતર, સેક્રટરી, અને ટાઇપિસ્ટને સાથે લઈને મિત્ર અને ‘શાંતિદૂત’ તરીકે રાજકોટ જવા નીકળી પડ્યા. એ ૨૬ ફેબ્રુઆરી, ૧૯૩૯નો દિવસ હતો. આ અગાઉ તા. ૨૪ અને ૨૫નો તેમનો પત્રવ્યવહાર બહુ સૂચક છે. રાજકોટનાં પ્રજાજનો માટેની તેમની લાગણી તીવ્રપણે પ્રગટે છે. એક આશ્રમવાસીને પત્રમાં લખે છે, “લોકો કહેશે મારી સાઠે બુદ્ધિ નાઠી છે કે રાજકોટ જેવા ટપકાં જેવડાં રાજ્યને હું આવડું મહત્ત્વ આપવા નીકળ્યો છું.” તત્કાલીન વાઇસરૉય લૉર્ડ લિનલિથગોને લખે છે, “મારે મન રાજકોટ અત્યંત મહત્ત્વનો નૈતિક પ્રશ્ન બની ગયો છે.” મણિલાલ ગાંધીને લખે છે, “ઈશ્વરનો પ્રેર્યો જાઉં છું. તે કરાવશે તે કરીશ.” અને આમ તા. ૨૬ના રોજ ગાંધીજી રાજકોટ પહોંચે છે.
ગાંધીજીનું રાજકોટ આવવું એ ઠાકોરસાહેબના સલાહકારોને ગમ્યું નહિ, પણ જૂના સંબંધના કારણે ઠાકોરસાહેબે ગાંધીજીને પોતાના મહેમાન થવાનું આમંત્રણ આપ્યું. એ માટેનો પત્ર પણ આવતાની સાથે એમને પહોંચાડવામાં આવ્યો. ગાંધીજીએ તેનો આભાર માન્યો પણ અગાઉથી નક્કી કર્યા મુજબ રાષ્ટ્રીય શાળાના મહેમાન બન્યા. માનવમહેરામણ એમને જોવા એટલો ઉમટ્યો હતો કે સ્ટેશનથી રાષ્ટ્રીય શાળા પહોંચતા પોણા બે કલાક થઈ ગયા. પહોંચ્યા પછી ગાંધીજી અને વીરાવાળા વચ્ચે બે તબક્કામાં કુલ મળી ચારેક કલાક વાતો ચાલી. એ પછી ગાંધીજી તબક્કાવાર ઢેબરભાઈ, મુસ્લિમ કોમના આગેવાનો, ભાયાતો, ખેડૂતો, રેસિડેન્ટ મિ. ગિબ્સન – આ લડતથી વાકેફ શક્ય એટલા વધુ ને વધુ લોકોને મળ્યા. જેમ જેમ વિગતો મળતી ગઈ તેમની વેદના વધતી ગઈ. સરધારની જેલમાં તો એમણે જોયું એ સાંભળેલી વાતો કરતાં ય વધારે ત્રાસદાયક લાગ્યું. અને એની આંતરવ્યથા આમ પ્રગટે છે : કસ્તૂરબાને ત્રંબા મળવા ગયા ત્યારે બાએ પૂછ્યું કે “તમારો કાર્યક્રમ શું છે?” બાપુનો જવાબ હતો, “મારું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી હું રાજકોટ છોડવાનો નથી.”
એ પછીનો ઘટનાક્રમ રાજકોટ સત્યાગ્રહનો સૌથી કરુણ ઘટનાક્રમ બની રહ્યો. “જો હું સત્યાગ્રહ ચાલુ રહેવા દઉં તો માનવી પશુતાના બૂરામાં બૂરા વિકારો ફાટી નીકળશે.” એવા ભયથી તેમણે અંતિમ ઓજાર ઉપાડ્યું.
• ઠાકોરસાહેબને પત્ર લખ્યો. તેમાં જણાવ્યું કે જો વલ્લભભાઈ સાથે થયેલા સમાધાનની શરતોને માન્ય રાખવામાં ન આવે તો ત્રીજી તારીખે બપોરે બાર વાગ્યાથી પોતે ઉપવાસ આદરશે.
• વીરાવાળાને લખેલા પત્રમાં તો ગાંધીજીની વેદના ભારોભાર વર્તાઈ : “આપના વચનમાં મેં એકતા નથી ભાળી. પ્રત્યેક વચનમાંથી નીકળી જવાની તૈયારી સિવાય હું બીજું જોઈ જ ન શક્યો. … પ્રજાજન આપથી કેમ થથરે છે તે હું સમજી શક્યો છું. … મને દુઃખ અને શરમ થાય છે કે આપનું હૃદય જીતવા અસમર્થ નીવડ્યો છું. મારો સત્યાગ્રહ લાજે છે. … હું માનું છું કે ઠાકોરસાહેબ ઉપર આપ સામ્રાજ્ય ભોગવો છો. એમાં એમનું હિત નથી સમાયું. એમની માનસિક અપંગતા જોઈ પરમ દિવસે રાત્રિએ મારું હૈયું રડ્યું. એની જવાબદારી હું આપના પર ઢોળું છું.”
• ઠાકોરસાહેબ પરના પત્રની નકલ તેમણે મિ. ગિબ્સનને પણ મોકલી આપી. સાથે સાથે સરદારને પણ ફોનથી બધી વિગતોથી વાકેફ કર્યા.
સરદાર એ દિવસોમાં ત્રિપુરીમાં હતા. ગાંધીજીની ‘તમારી જગ્યાથી ચસશો નહીં’ એવી આજ્ઞા હોવાના કારણે સરદાર સમસમી બેસી રહ્યા પણ ત્યાંથી જ તેમણે સમાધાનની સિલસિલાબંધ વિગતો નિવેદન પ્રગટ કરીને મોકલી આપી તેનાથી દેશભરમાં રાજકોટ સત્યાગ્રહ અંગે વધુ સંવેદનામય વાતાવરણ બન્યું. આ બાજુ મિ. ગિબ્સન વાઇસરૉયનો સંદેશો લઈને આવ્યા. તેણે સત્યાગ્રહને નવો વળાંક આપ્યો. આ સંદેશાના પાલને રાજ્ય વિરુદ્ધ સત્યાગ્રહનું પલડું ફરી ભારે કર્યું.
• વાઇસરૉયના સંદેશામાં રાજકોટ રાજ્ય વતી એટલે કે ઠાકોરસાહેબ-વીરાવાળા અને રાજ્યના પ્રજાજનો વતી ગાંધીજી-સરદાર પટેલ વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા હિંદના વડા ન્યાયાધીશની નિમણૂકનું સૂચન કરવામાં આવ્યું હતું.
• સંદેશામાં જણાવાયું હતું કે આ પ્રકરણમાં વચનભંગ થયાનો અને જ્યાં પણ સમાધાનના ‘અર્થ વિશે શંકાને સારુ અવકાશ હોઈ શકે છે’ ત્યાં ‘દેશના સૌથી વડા ન્યાયાધીશ પાસે તેનો અર્થ કરાવવો’.
• કમિટી બાબતે પણ ન્યાયાધીશનો અભિપ્રાય લેવો અને પછી ‘તેમણે આપેલા નિર્ણય મુજબ કમિટી નીમવામાં આવે.’
• ભવિષ્યમાં પણ જો આ અંગે કોઈ પણ ‘મતભેદ ઊભો થાય તો તે સવાલ પણ એ જ વડા ન્યાયાધીશ પાસે રજૂ કરવામાં આવે અને તેમનો નિર્ણય છેવટનો ગણવામાં આવે.’
આ રીતે ગાંધીજીની ચિંતા કંઈક અંશે દૂર થાય એવો આ પ્રસ્તાવ હતો. ગાંધીજીએ પણ ગિબ્સન મારફત વાઇસરૉયને સંદેશો મોકલી આપ્યો અને તેમનો આભાર માન્યો. જો કે, સાથે એ સ્પષ્ટ કરવાનું ચુક્યા નહીં કે સંદેશામાં “સ્વાભાવિક રીતે ઘણી વસ્તુઓનો ઉલ્લેખ બાકી રહ્યો છે, છતાં અનશન છોડવાને સારુ અને જે લાખો લોકો મારા ઉપવાસની પાછળ રહેલા સમાધાનને સારુ પ્રાર્થનાઓ અને બીજા પ્રયત્નો કરી રહ્યા છે તેમની ચિંતા દૂર કરવાને સારુ આપના ભલા સંદેશાને હું પૂરતું કારણ ગણું છું.” ઉપવાસ છોડતાં પહેલાં ગાંધીજીએ વાઇસરૉય સાથેનો પત્રવ્યવહાર પ્રગટ કરવાની મંજૂરી માગી. એ મળી ગઈ પછી પ્રાર્થના કરી. ૭મી માર્ચનો એ દિવસ હતો. ‘વૈષ્ણવજન’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ના સંગીતમય સૂર રેલાયા. પથારીમાંથી ટેકો આપીને બાએ બાપુને બેઠા કર્યા. થોડો નારંગીનો રસ પીને પારણું કર્યું. રાષ્ટ્રીય શાળાના ચોગાનમાં જયનાદ ગાજી ઉઠ્યા. સત્યાગ્રહીઓને છોડવામાં આવ્યા હતા તેઓ એકબીજાને ઉમળકાથી ભેટવા માંડ્યા. પણ ખુશીની આ ઊર્મિઓ ક્ષણવારમાં જ શમી ગઈ. પ્રથમ લડતની જીત અને અત્યારની જીતમાં ‘આસમાન જમીનનું અંતર’ હતું. એ વખતના વાતાવરણમાં વિજયનો ઉન્માદ ને હર્ષોલ્લાસ હતાં, આ વખતના વાતાવરણમાં શાંત ગંભીરતા હતી. ‘એક તપસ્વીની અગ્નિપરીક્ષા સૌના હર્ષને રોકી દેતી હતી.’
૬ માર્ચ ૧૯૩૯ – ઉપવાસના ચોથા દિવસે પ્યારેલાલ, રળિયાતબહેન, કસ્તૂરબા અને અન્ય કાર્યકરો સાથે
ઉપવાસ છૂટ્યા પછી ગાંધીજીની તબિયત સુધારા પર આવવા માંડી હતી. ગાંધીજીએ સત્યાગ્રહીઓને, પ્રજાજનોને તેમનો ધર્મ સમજાવ્યો. પ્રજાના ઉત્થાન માટે પાયાના સિદ્ધાંતો સમજાવતી પત્રિકા બહાર પાડી. તેમાં વિશેષપણે જણાવાયું કે “ઈશ્વરકૃપાથી જે હેતુથી અહીં આવ્યો હતો તે સફળ થયો છે. … તા. ૨૬મી ડિસેમ્બરની જાહેરાતને અનુસરતું રાજ્યતંત્ર સ્થપાશે અને તેમ કરવાની ખોળાધરી ઠાકોરસાહેબ વતી તેમની સંમતિથી વડી સરકારે મને આપી છે.” ગાંધીજીએ આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે “આમાં આપણે ફુલાઈ જવાનું કશું કારણ નથી. પ્રજાજને ખરું કામ તો હવે કરવાનું છે. રાજતંત્ર મળશે તો ખરું, પણ પ્રજા તેને ઝીલશે? શોભાવશે? આનો જોઈતો જવાબ આપવા સારુ પ્રજજનોએ આજથી તૈયારી કરવી પડશે. સભાઓ અને ભાષણોની હવે જરૂર થોડી હોવી જોઈએ. અને જોઈએ તો તેનો ઉપયોગ લોકોને શિક્ષણ આપવા પૂરતો થશે. સફળતા માટે દરેક સ્ત્રી-પુરુષે ફાળો આપવો પડશે.”
હવે ગાંધીજી અને વાઇસરૉય વચ્ચે થયેલી સમજૂતી મુજબ વડા ન્યાયમૂર્તિ સમક્ષ બંને પક્ષોએ પોતપોતાનો કેસ રજૂ કરવાનો હતો. ૧૭મી માર્ચે સરદારે પોતાની કેફિયત દાખલ કરી. ૨૬મી માર્ચે ઠાકોરસાહેબે તેનો જવાબ આપ્યો. કેસની દલીલ માટે વીરાવાળા જાતે જ દિલ્લી પહોંચ્યા. વડા ન્યાયમૂર્તિ મોરિસ ગ્વાયરે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ૩ એપ્રિલ, ૧૯૩૯ના રોજ ચુકાદો આપ્યો.
ચુકાદો પૂરેપૂરો સરદાર વલ્લભભાઈ પટેલની તરફેણમાં હતો. જે બાબતને લઈને વીરાવાળાએ મહત્તમ દાવપેચ ખેલ્યા હતા તે – વલ્લભભાઈએ કમિટીમાં ભલામણ કરેલા નામોને લઈને. આ મુદ્દે વીરાવાળાની દલીલો ફગાવી દઈને, બીજી કેટલીક ટિપ્પણી સાથે ચુકાદામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે “ગેઝેટમાં પ્રગટ થયેલા જાહેરનામાની રૂએ જે નામો હવે પછી જાહેર થવાનાં હતાં તે જાહેરનામાના મુસદ્દામાં જણાવ્યા પ્રમાણે શ્રી વલ્લભભાઈ પટેલની ભલામણ મુજબ જ થવાનાં હતાં.” ચુકાદાના આ શબ્દો સાથે રાજકોટનાં પ્રજાજનોનો વિજય થયો. ગાંધીજી દિલ્હીમાં વાઇસરૉયને મળીને રાજકોટ પાછા ફર્યાં. સરદાર મુંબઈથી રાજકોટ આવી પહોંચ્યા. પ્રજાજનોમાં ફરી આનંદ-ઉમંગ છવાયાં. હવે તો ‘સાર્વભૌમ સત્તા’ના વડા ન્યાયધીશે ચુકાદો આપ્યો હતો એટલે ઠાકોરસાહેબ અને વીરાવાળાએ તેને માથે ચડાવ્યા સિવાય છૂટકો જ નથી, એવી લાગણી ગાંધીજી અને સરદાર સહિત સૌ પ્રજાજનોમાં પ્રગટી. પ્રજાને જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના આડેનાં દ્વાર હવે ખુલ્યાં જ સમજો એવું વાતાવરણ નિર્માયું. પણ, આ લાગણી ય લાંબો સમય ટકવાની ન હતી. ગાંધીજીનો પ્યારેલાલ સાથેનો સંવાદ અહીં યાદ કરવા જેવો છે. રાજકોટમાં ગાંધીજીની સાથે અંગત સચિવ તરીકે પ્યારેલાલ આવ્યા હતા. પ્યારેલાલે જ્યારે વીરાવાળા સાથેની એક બેઠક પછી આશાવાદભર્યા ઉદ્ગાર કાઢ્યો કે “આપણે હવે આવતી કાલે જ ત્રિપુરા કાઁગ્રેસમાં જવા નીકળી શકીશું.” ત્યારે ગાંધીજીએ જવાબ વાળતા કહ્યું હતું, “આ પંજાબ નથી, કાઠિયાવાડ છે”. એટલી હદે ગાંધીજી રાજ્યના કાવાદાવાને સમજી શક્યા હતા. વીરાવાળા હજુ વાજ આવ્યા ન હતા. એમણે જુદા જ દાવપેચ ખેલવા શરૂ કર્યા હતા.
• રાજકીય કેદીઓ છૂટ્યા હતા પરંતુ જેમનો જપ્ત કરાયેલો માલ પરત કરાયો ન હતો.
• વસૂલેલા દંડ પાછા મળ્યા ન હતા.
• સરદાર તરફથી જે કમિટી નિમાવાની હતી તેમાં આંતરિક ડખો ઊભો કરવાના પ્રયાસ શરૂ થઈ ગયા હતા. આ કમિટીની સામે વિરોધ માટે મુસલમાનો અને ભાયાતોને ઊભા કરવામાં આવ્યા હતા.
• આટલું ઓછું હોય તેમ, ઠાકોરસાહેબ પોતે જે મુસલમાન અને ભાયાત સભ્યને કમિટીમાં ઇચ્છે તે નામો તેઓ સરદાર તરફથી ભલામણમાં આવે તેમ ઇચ્છતા હતા!
ચુકાદો આવ્યા પછી હજુયે રાજય તરફથી થતી આ પેંતરાબાજી ગાંધીજી અને સરદાર માટે આઘાતજનક હતી. આખરે ગાંધીજીએ સરદાર તરફથી મોકલવાનાં સાત સભ્યોના નામો ઠાકોરસાહેબને મોકલી આપ્યા. કમિટીના સભ્યોનાં નામો અંગે ઠાકોરસાહેબની અવ્યવહારુ મંછા અંગે ગાંધીજીએ લખી જણાવ્યું કે “આપ એ ભાઈઓના નામ રાખવા ઇચ્છો તો સરદારનાં નામ બહુમતીમાં હોય એ શરતે મારે સરદારની વતી મદદ કરવી રહી. આથી વધારે અર્થ મારી દૃષ્ટિએ અસંભવિત છે. કમનસીબે આપે અણધાર્યું પગલું ભર્યું છે. આપે નીમેલાં નામ સરદારનાં નામમાં ઉમેરવાનો બોજો મારી ઉપર ઢોળ્યો છે. આમ સરદારને મળેલા અધિકારની ઉપર પાણી ફેરવાય એવો અનર્થ આપ મારા વચનમાંથી કાઢો એ દુઃખદ છે. … છતાં મેં મજકૂર ચારભાઈઓમાંથી ત્રણને સરદારના નામમાં દાખલ થવા અને સાતની એક ટીમ તરીકે કામ કરવા વીનવ્યા. એ વિનવણીમાં હું છેક નિષ્ફળ ગયો છું. અહીં આપના નામોને માન આપવાના બને તેટલા પ્રયત્નોની હદ આવે છે.” મુસ્લિમો, ભાયાતો અને દલિતોના હિતની ઠાકોરસાહેબે દર્શાવેલી ચિંતા બાબતે ગાંધીજીએ લખી જણાવ્યું કે “આ ભાઈઓ પાસે આ કમિટી પરત્વે અને સામાજિક સેવાની દૃષ્ટિએ જાતપાંત નથી, તેઓની સામે તો રાજકોટની સમસ્ત પ્રજા જ છે.” વળી, ફરી કોઈ ગાંઠ ન સર્જાય કે વીરાવાળા કોઈ રમત ન રમી જાય, એ બાબતે ગાંધીજી હવે બહુ સજાગ હતા. વીરાવાળાના દાવપેચ માટે એક પણ બારી ખૂલી ન રહી જાય એની અગમચેતીરૂપે ગાંધીજીએ હવે બાકીના ત્રણ સભ્યો સાથે પ્રમુખ પણ ઠાકોરસાહેબને જ નીમવા જ જણાવ્યું. ને ખાસ ઉમેર્યું કે “હવે કમિટીમાં દસના અગિયાર ન થાય આ મુદ્દો બરાબર નથી. દસ જ હોઈ શકે એવો પ્રતિબંધ વડા ન્યાયધીશના નિર્ણયમાં નથી. બન્ને પક્ષ મળીને ગમે તે ફેરફાર કરી શકે છે …. શરત આટલી જ છે કે જે વધારો થાય તેમાં પરિષદની બહુમતી રહે. અત્યારે એટલે વડા ન્યાયાધીશના નિર્ણય પ્રમાણે એની બહુમતી ચારની છે તેને બદલે આપને ખાતર, કંકાસ ટાળવા ખાતર, ફક્ત એકની બહુમતી રાખવા સરદાર તૈયાર છે.” છેલ્લે છેલ્લે એમ પણ લખ્યું કે લડત દરમિયાન જે જપ્તીઓ અને દંડ થયા, દમન ગુજાર્યા, એ બધાં ‘રદ્દ કરવાની આવશ્યકતા છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.’
ઉપવાસના દિવસો દરમિયાન રાષ્ટ્રીય શાળામાં પ્રાર્થનાસભામાં
ઠાકોરસાહેબને લખેલો આવો જડબેસલાક પત્ર વાંચતા જ વીરાવાળા ઉશ્કેરાઈ ગયા. એમના ખુરાફાતી દિમાગે ફરી નવા પેંતરા રચ્યા.
• ગાંધીજી સામે ભાયાતો અને મુસલમાનોને તૈયાર કર્યા.
• ગાંધીજીને એવા સમાચાર મળ્યા કે સાંજની પ્રાર્થના વખતે ગિરસાદારો અને કેટલાક મુસ્લિમો તેમના વિરૂદ્ધ સરઘસ કાઢવાના છે.
• ગાંધીજીએ સ્વયંસેવકોને સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ વ્યક્તિને તેમની પાસે આવતા રોકવી નહીં.
• હંમેશના ઠરાવેલા સમયે રાષ્ટ્રીય શાળામાં પ્રાર્થના શરૂ થઈ.
• પાંચસો છસો માણસોનું ટોળું સૂત્રોચ્ચાર કરતું આવી પહોંચ્યું, પ્રાર્થના ચાલી ત્યાં સુધી તેમના સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા.
• ગાંધીજી ઉતારે જવા નીકળ્યા ત્યારે દેખાવકારો ધક્કામુક્કી કરતા પ્રાર્થનાભૂમિ તરફ ધસી આવ્યા.
• સ્વયંસેવકોએ ગાંધીજીના રક્ષણ માટે તેમની આસપાસ હાથસાંકળ બનાવી.
• ગાંધીજી સૌને ખસી જવાનું કહી પોતે ટોળાં સામે એકલા જશે તેમ જણાવ્યું ને એકલા આગળ વધ્યા.
• દરમિયાનમાં કોઈક કારણસર આંખે તમ્મર આવ્યા પણ શરીર પરનો કાબૂ ન ગુમાવ્યો. બંધ આંખે ને લાકડીને ટેકે બેએક મિનિટ ઊભા રહ્યા.
• આંખો ઊઘાડી જોયું તો સામે વિરોધ કરનાર ભાયાત ઊભા હતા. ગાંધીજીએ કહ્યું, “મારે મારા સાથીઓનું નહીં, પણ તમારું રક્ષણ લઈને બહાર જવું છે.”
• ગાંધીજીની આ ઉદ્ગારની ધારી અસર થઈ. ભાયાત મદદ માટે આગળ આવ્યા. ટોળું સ્થિર થઈ ગયું. ‘ગિરાસદાર અગ્રણીને ખભે હાથ મુકીને ગાંધીજી મોટર સુધી પહોંચ્યા. આ અહિંસાનો ચમત્કાર હતો.’
“… આ બાબતમાં હવે ફક્ત એટલું જ કહેવાનું રહે છે કે મુખ્ય ન્યાયાધીશના ચુકાદાને લક્ષમાં લઈને ઠાકોરસાહેબ અને શ્રી પટેલ વચ્ચે થયેલા કરાર અનુસાર રચાયેલી સમિતિએ કામ શરૂ કરી દેવું” – રાજકોટ સત્યાગ્રહ અંગે વડા ન્યાયાધીશના ચુકાદા પછીની કામગીરી માટે આવેલા વાઈસરોયના પત્રને વાંચી સંભળાવતા મહાદેવ દેસાઈ
૧૬મી એપ્રિલ, ૧૯૩૯નો એ દિવસ હતો. તે દિવસે વલ્લભભાઈ અમરેલી ગયેલા હતા. એક વિગત પ્રમાણે વિરોધીઓનું મુખ્ય નિશાન તો સરદાર જ હતા. તેઓ અમરેલીથી રાજકોટ ક્યારે ને કયે રસ્તે નીકળવાના છે એ તપાસ પણ તેમણે કરાવેલી. પરંતુ એમનો ભળતો જ જવાબ મળ્યો ને સરદાર કાવતરામાંથી ઉગરી ગયા.
‘આવું કલુષિત વાતાવરણ જોઈને ગાંધીજી ખૂબ અકળાયા. એમણે સરદાર તથા સાથીઓ પાસે પોતાની વેદના રજૂ કરી અને વડા ન્યાયાધીશના ચુકાદા અનુસાર પ્રજા પરિષદને કમિટી નીમવાનો જે અધિકાર મળ્યો હતો તે જતો કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. સરદારે એક પણ શબ્દ બોલ્યા વિના એ નિર્ણય સ્વીકારી લીધો.’ આ અંગે ૧૭મીની સાંજે છાપાંજોગું નિવેદન આપીને ગાંધીજીએ પ્રજાની તરફેણમાં આવેલો ચુકાદો સ્વેચ્છાએ જતો કર્યો. ‘હરિજનબંધુ’માં આ નિવેદન લેખરૂપે ‘માફીનો એકરાર’ મથાળા હેઠળ પ્રગટ થયું.
રાજકોટ સત્યાગ્રહમાં ચુકાદા પછી : રાજકોટ રાજ્યના પેલેસ ગાર્ડનમાં, (ડાબેથી પહેલી હરોળમાં) ગાંધીજી, ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહજી, કસ્તૂરબા, ઠાકોરસાહેબના નાના ભાઈ પ્રદ્યુમનસિંહજી. (પછીની હરોળમાં ડાબેથી) દીવાન વીરાવાળા, મહાદેવ દેસાઈ અને અન્યો સાથે
૨૩મીએ રાજકોટ પ્રજા પરિષદના કાર્યકરોની સભામાં ભાષણ દરમિયાન ગાંધીજીએ કહ્યું કે “મારા હૃદયમંથનને પરિણામે મેં જે શોધ કરી છે તે આ છે : રાજ્યની સામે ઝૂઝીને ગમે તે હકો તમે મેળવો પણ તમે તેટલે જ અંશે પચાવી શકશો જેટલે અંશે તમે રાજ્યના હૃદયમાં પરિવર્તન કરાવી શક્યા હશો. એથી વધારે અંશે નહીં.” રાજકોટની પ્રજાને અજ્ઞાન, આળસ વગેરે ત્યજીને પોતાનામાં સતત જાગ્રતિ લાવવાની વાત કરી ને પછીના દિવસે મુંબઈ ભણી ચાલી નીકળ્યા. મુંબઈ જતા રસ્તામાં છાપાંજોગું નિવેદન આપ્યું. તેમાં તેમની વેદના ભારોભાર ટપકે છે : “રાજકોટે મારી જુવાની હરી લીધી છે. ઘડપણ મેં કદી જાણ્યું નહોતું. આજે હું અપંગ અખ્ખમ છું એનું મને ભાન થયું છે. નિરાશા શી ચીજ છે એની મને કદી ઓળખ નહોતી. આજે રાજકોટમાં આશાની ટાઢી ઠારીને હું નીકળ્યો છું. મારી અહિંસાની આવી કસોટી અગાઉ કદી થયેલી મેં નથી જાણી. … રાજકોટ મારે સારુ જીવનની અણમોલ પ્રયોગશાળા નીવડ્યું છે. કાઠિયાવાડની રાજ ખટપટે મારી ધીરજની બૂરી કસોટી કરી છે.હું કાર્યકર્તાઓને કહીને આવ્યો છું : દરબારશ્રી વીરાવાળા જોડે મંત્રણા કરો. મને અને સરદારને ભૂલો. જો તમને તમારી ઓછામાં ઓછી હાજતો પણ મળી રહે તો અમારા બેમાંથી એકેને પૂછવા વાટ ન જોતાં તે સ્વીકારી શકો છો.”
રાજકોટના પ્રશ્નમાં ગાંધીજીને વચ્ચે પડવું પડ્યું અને ઉપવાસ કરવા પડ્યા તેનું સરદારને પારાવાર દુઃખ થયું હતું. વઢવાણમાં સપ્ટેમ્બર ૧૯૪૦માં મળેલી એક સભામાં રાજકોટ સત્યાગ્રહ અંગેની વાત કરતા ગાંધીજીને યાદ કરીને તેમણે કહ્યું : “રાજકોટમાં સંતને જે અપવાસ કરાવ્યા છે, જે રીતે સંતને દુભવ્યા છે, તેનો તો ઈશ્વર ઇન્સાફ કરશે. અને ઇન્સાફ કરી જ રહ્યો છે. સંતને દુભવેલા કદી સુખી થયેલ નથી.” સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર જયમલ્લ પરમાર આલેખે છે, “રાજકોટ સત્યાગ્રહ જેમની સામે લડાયો તે બંને માનવીઓ લડત પૂરી થયાના એક વર્ષમાં મૃત્યુ પામ્યા તેને જોગાનુજોગ માનવો રહ્યો.” દરબાર વીરાવાળાને ડાયાબિટીસ અને બ્લડપ્રેશર હતા. તેના કારણે તેઓ મૃત્યુ પામ્યા જ્યારે ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહજી સિંહનો શિકાર કરવા ગીરના જંગલમાં ગયા હતા, કમનસીબે ત્યાં તેઓ જ સિંહના શિકાર બની ગયા.
જો કે આ બીના બનતાં પહેલાં સત્યાગ્રહી ગાંધીજીનો આત્મા વલોવાવા માંડ્યો હતો. અને તેમાં જે મંથન થયું તેણે પોતે કરેલા ઉપવાસ, હિંદના વડા ન્યાયાધીશની દરમિયાનગીરી જેવા અહિંસક હથિયારો પણ તેમને હિંસક જણાવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે “આ અહિંસાનો કે હૃદયપરિવર્તનનો માર્ગ નહોતો, એ માર્ગ હિંસાનો અથવા દબાણનો હતો. મારું અનશન શુદ્ધ હોત તો તે કેવળ ઠાકોરસાહેબને જ અનુલક્ષીને લેવાવું જોઈતું હતું. અને જો એનાથી ઠાકોરસાહેબનું, અગર કહો કે એમના સલાહકાર દરબારશ્રી વીરાવાળાનું, હૈયું ન પીગળત તો મારે મરીને સંતોષ માનવો જોઈતો હતો.” ૧૯૧પમાં જે કાઠિયાવાડે સૌ પ્રથમ વખત જેમને ‘મહાત્મા’નું માનપત્ર આપ્યું હતું તે કાઠિયાવાડનાં રજવાડાની આટલી રંજાડ પછી પણ ગાંધીજીની આ આત્મીયતા હતી.
“સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.” એવા પોતાની આત્મકથાના કથનનું મહાત્માએ કરેલું નખશિખ પાલન હતું. અને એનું માત્ર આધ્યાત્મિક નહીં વહેવારુ ઉદાહરણ પણ પૂરું પાડ્યું. ઠાકોરસાહેબે ૨૦મીએ રાજ્યના દરબારગઢમાં સમારંભ યોજ્યો હતો. તેમાં પધારવા આમંત્રણ અપાયું. ‘મહાત્મા’ને મન ઠાકોરસાહેબ અને વીરાવાળા બંનેના ‘માથા ઉપરવટ ચુકાદો મેળવીને તેમને દુભવ્યા હતા. એે દોષ ધોવાને સારુ’ સાંપડેલી તકનો તેમણે હૃદયપૂર્વક અમલ કર્યો. કસ્તૂરબા અને મહાદેવભાઈ સમેત આ સમારંભમાં હાજર રહીને તેમણે ‘અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે સંપૂર્ણ પ્રેમ’નો વધુ એક દાખલો પૂરો પાડ્યો.
(પૃ. 61 થી 78)
-.-.-