ડિસેમ્બર ૧૯૭૩ની વાત છે. “મોરબીની ઇજનેરી કૉલેજની હૉસ્ટેલમાં ફૂડબિલમાં ભારે વધારો થયો ત્યારે અમુક વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો. આ વિરોધને ચોતરફી પ્રતિસાદ સાંપડ્યો અને તેમાંથી સરકાર સામે રાજ્યવ્યાપી વિરોધની ચિનગારી ફૂંકાઈ. રાજ્ય અને કેન્દ્ર સરકારો તમામ પ્રયત્નો પછી પણ ચળવળને ડામવામાં નિષ્ફળ ગઈ … ૧૯૭૩ સુધીમાં નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યમાં ઊંડો રસ કેળવ્યો હતો અને ભાવવધારા અને ફુગાવા જેવા આમઆદમીને સ્પર્શતા મુદ્દાઓ પર અનેક ચળવળોમાં ભાગ લીધો હતો. (સંઘના) યુવાન પ્રચારક અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહયોગી તરીકે તેઓ નવનિર્માણ આંદોલનમાં જોડાયા અને તેમને આપવામાં આવતી જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું.”
વડાપ્રધાનની સત્તાવાર વેબસાઇટમાં તેમના સંઘર્ષોની ગાથાના ભાગ રૂપે જે લખ્યું છે, તેનો આ સાદો ગુજરાતી અનુવાદ છે. મોરબી વત્તા એલ.ડી. વગેરે કૉલેજના યુવાનોના વિરોધમાંથી નવનિર્માણ-આંદોલનનો જન્મ થયો, ત્યાંથી જ તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ, એમ એ વેબસાઇટ પર લખ્યું છે. તેને અત્યારે યાદ કરવાનું કારણ એ છે કે દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં હમણાં એવા જ વિરોધો થઈ રહ્યા છે. જે.એન.યુ.માં હૉસ્ટેલની વિવિધ સેવાઓ માટેના દર રાતોરાત વધારવામાં આવ્યા, તેના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા છે. વડાપ્રધાને જે આંદોલનમાં ભાગ લીધો હતો, તે અને આજે જેના પર તેમની સરકાર લાઠી ચલાવી રહી છે તે, આ બેમાં સમાનતાઓ પણ છે અને ફરક પણ.
ગુજરાતના યુવાનોએ વિરોધ કર્યો, ત્યારે તેમાં જેમ અ.ભા.વિ.પે. ઝંપલાવ્યું હતું, તેમ જે.એન.યુ.ના આંદોલનમાં પણ ભા.જ.પ.ની સરકાર હોવા છતાં અ.ભા.વિ.પ. સક્રિય છે, અને તેણે ફીવધારાનો વિરોધ કર્યો છે, એ સમાનતા – ૧. એ વાત કદાચ બહોળા વાચકવર્ગ સુધી ન પહોંચી હોય તો, એ સમયનાં અખબારો અને આજનાં અખબારો વચ્ચે એટલો ફરક – ૧. તોંત્તેરી યુવાનો અને આજના વડીલોની માફી માંગીને ઉમેરવાનું કે તે સમયનું આંદોલન હિંસક પણ રહ્યું, બૅન્ચો અને બસો બાળવાના કિસ્સા બન્યા, પણ ફરક -૨ એ કે જે.એન.યુ.નું આંદોલન સંપૂર્ણ અહિંસક છે અને છતાં એક અંધ વિદ્યાર્થી પર પણ લાઠી ઝીંકાઈ છે. તમામ પુરાવા નજર સામે હોવા છતાં પણ દિલ્હી પોલીસ દાવો કરે છે કે તેણે લાઠી નથી ચલાવી. (માટે જ પુરાવાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જે સ્પષ્ટ જોઈ શકાય છે તે બન્યું નથી અને જે જોઈ નથી શકાતું તે, જેમ કે, કનૈયા કુમારના તથાકથિત રાષ્ટ્રદ્રોહી સૂત્રોચ્ચાર, તે ચોક્કસ બન્યું છે.)
એ વખતે મેસબિલનો વધારો કેટલા ટકા હતો તે માહિતી નથી, પણ જે.એન.યુ.માં વધારો ત્રીસ ગણો છે, જેના મહિને વીસ રૂપિયા હોય તે વસ્તુના હવે છસો રૂપિયા. કાંદા કે પેટ્રોલના ભાવમાં અમુક ટકા વધારો થાય તો ય વિરોધ થાય છે, અને વિપક્ષમાં હોય તો ભા.જ.પ. પણ જોડાઈ જાય છે. આ તો ત્રીસ ગણો વધારો છે. (આટલો વધારો તો રાફેલના ભાવમાં પણ નહોતો થયો.) વધારો થયો, એટલી સમાનતા – ૨. પણ ફરક – ૩. એ કે તોંત્તેરના યુવા નેતાઓને એન્ટી-નેશનલ તો ઈન્દિરા ગાંધી કે ચિમનભાઈએ પણ નહોતા કહ્યા. જે.એન.યુ.માં ફીવધારાનો વિરોધ એ રાજદ્રોહ બરાબર છે. એ યુવાનેતાઓની સામે સરકારે પ્રોપેગેન્ડા-સરઘસ નહોતું છોડ્યું, આ યુવાનોને વગોવવા ટીવી-ટિ્વટર ચારેકોરથી પ્રચાર- અભિયાન ચલાવી રહ્યું છે.
તોંત્તેરના યુવાનોને એમ નહોતું કહેવાયું કે તમે કરદાતાના પૈસે જલસા કરો છો. તોંત્તેરમાં શિક્ષણનું પોતાનું મહત્ત્વ છે અને સરકારે તે માટે ભંડોળ ફાળવવું જોઈએ, એવી સમજ રહી હશે. અત્યારે માનવવિદ્યાઓને માટે સરકારે કેમ પૈસા ખરચવા જોઈએ, તે પૂછવામાં આવે છે. આ જ જે.એન.યુ.માં અભિજિત બેનર્જી ભણેલા અને આજના વિદ્યાર્થીઓની જેમ જ સરકારના વિરોધમાં એક રાત માટે જેલમાં રહેલા. તેમને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે તેઓ કૉંન્ગ્રેસવાળા છે અને મોદીની ટીકા કરે છે એવી બાળસહજ સમજ સાથે ભા.જ.પ.ના ઇ-કાર્યકર્તાઓએ તેમના પર કીચડ ઉછાળવાનું શરૂ કર્યું. પછી મોડી સાંજે વડાપ્રધાને તેમને અભિનંદન પાઠવ્યા, ત્યારે કાર્યક્રમ રદ્દ થયો. એ અભિજિત બેનર્જીએ ‘પ્રથમ’ સંસ્થા સાથે મળીને વડોદરા જિલ્લામાં શાળાઓમાં ભણતર વધુ અસરકારક બનાવવાના પ્રયોગો કર્યા અને તેનાં સારાં પરિણામ મળ્યાં, તેમાં જે.એન.યુ.નો પણ ફાળો ખરો.
તોંત્તેરી યુવાનોને સમાજનો પણ ટેકો મળ્યો, કારણ કે એ વખતે ભાવવધારા, ભ્રષ્ટાચાર અને કુશાસનનું રાજ હતું અને પ્રજા એનાથી થાકી ગઈ હતી. આજે શું છે કે, ભ્રષ્ટાચાર અને કુશાસન હોય, તો ખબર પડે એમ નથી. ગયા અંકમાં સંખ્યાબંધ આર્થિક શોકસમાચાર વિશે લખ્યું હતું, તેમાં જગ્યા અને સમય ખૂટ્યાં પણ સમાચાર ઓછા ના પડ્યા. ગ્રામીણ વિસ્તારોમાં લોકોના ખર્ચ ઘટી રહ્યા છે, એવો સરકારનો પોતાનો સર્વે સરકાર જાહેર નથી કરી રહી. પહેલાં નોકરીઓ ઘટી રહી છે, એવો પણ સરકારનો પોતાનો સર્વે દબાવવામાં આવ્યો હતો. ઓ.એન.જી.સી.ની રોકડ અનામતો ઐતિહાસિક તળિયે ગઈ છે. ભ્રષ્ટાચાર-નાબૂદી માટે સરકારે લેવા લાયક પગલાં અને ન લેવાં લાયક પગલાંની ભેળસેળ કરી નાંખી, તેમાં ઇલેક્ટોરલ બોન્ડની યોજના લાવવામાં આવી. સૌ નિષ્ણાતોએ કહ્યું કે આનાથી પક્ષો માટે ફંડ આપવાની વિધિ પારદર્શક નહિ પણ ઊલટી વધારે છૂપી થઈ રહી છે. હવે નીતિન સેઠી નામના પત્રકારે વિગતવાર અને સરકારના પોતાના દસ્તાવેજો ટાંકીને બતાવ્યું છે કે બોન્ડયોજનાનો ભારે દુરુપયોગ થયો છે. સરકારે રાજ્યસભામાં તેની ચર્ચા થવા દીધી નથી. ટૂંકમાં, સમાનતા – ૩ એ કે ત્યારની જેમ ભાવવધારા, ભ્રષ્ટાચાર અને કુશાસનનું રાજ હોઈ શકે છે, પણ ફરક – ૪ એ કે પ્રજા અથવા તો પ્રજાનો બોલકો વર્ગ તેનાથી વ્યથિત જણાતો નથી.
જો પ્રજાનો આગળ પડતો વર્ગ ભ્રષ્ટાચાર અને કુશાસનના પુરાવા સહિતના આક્ષેપોમાં રસ લેવા ન માગતો હોય, તો તેનું એક કારણ કદાચ અમુક પ્રકારના રાષ્ટ્રવાદનો, વધારે ચોકસાઈથી કહીએ, તો બહુમતીવાદનો, નશો હશે. તો વધુ એક ફરક – ૫. નોંધીએ કે, ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ભાગલા કર્યાનાં બે વરસ પછી આ કળ નહોતી અજમાવી, જે આજે અજમાવાઈ છે. તેમણે એ રસ્તો લીધો હોત, તો આજની જેમ, કદાચ કટોકટી લાદવાની જરૂર પણ પડત નહિ.
વિરોધના બીજા-ત્રીજા દિવસે સરકારે બી.પી.એલ. વિદ્યાર્થીઓને વધારો લાગુ નહિ પડે તેવી જાહેરાત કરી, એટલે કે વધારો વગરવિચાર્યે કરાયો હતો, અને સરકારે જ વિરોધ-પ્રદર્શનોને વાજબી ઠરાવી આપ્યાં. આ લખાય છે ત્યારે એક્સપ્રેસના સમાચાર છે કે સમીક્ષાસમિતિ પૂરો વધારો કદાચ પાછો ખેંચી આપશે. તો પછી આ પગલાંનો મૂળ હેતુ શું હતો, એનો જવાબ કોઈ ભક્તગણમાંથી કોઈ આપવા તૈયાર નથી.
હેતુ એટલો જ છે કે વિરોધ, અસહમતિ દર્શાવે તેવી વ્યક્તિઓ અને સંસ્થાઓને દબાવવાં. રાષ્ટ્રવાદના સૂત્રોચ્ચારની ટાર્ગેટ પ્રૅક્ટિસ માટે જે.એન.યુ. પસંદ કરવામાં આવી છે. કોઈ પ્રોફેસર ઇનામ સ્વીકારવા માટે ક્યાંક જવા માટે અંગત રજા માગે તો પણ તેના વાઇસ ચાન્સેલર રજા આપતા નથી. વિચાર કરી શકે કે વિરોધ કરી શકે તેવી તેવી બધી જગ્યાઓની એવી જ હાલત છે. કોઈ મુસ્લિમ સંસ્કૃતનો જાણકાર હોય, તો સંઘની સંસ્થાઓ તેનું સમ્માન કરવા દોડતી હોય છે, પણ મદન મોહન માલવિયાના બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં હિંદુત્વ વિચારધારાવાળા દ્વારા તેને ભગાડવામાં આવે છે. વિશ્વભારતીના વાઇસ-ચાન્સેલર કૅમ્પસ પર પરમેનન્ટ સી.આઈ.એસ.એફ.ની ટુકડી રાખવા માગે છે. આ વિદ્વાન સામે સેક્સુઅલ હેરેસમેન્ટના આક્ષેપોની કાર્યવાહી બાકી હોવા છતાં તેમને ગયા વર્ષે આ મહાન સંસ્થાના વડા બનાવાયા, તેમાં સરકારે મહાત્મા અને ગુરુદેવ બંનેને એકસાથે અંજલિ આપી. એ આક્ષેપો ૨૦૦૭માં બહાર આવ્યા, ત્યારે તેઓશ્રી દિલ્હી યુનિવર્સિટીમાં ગાંધીભવનના વડા હતા.
૨૨-૧૧-૨૦૧૯
નવી દિલ્હી
E-mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 03-04