તાજેતરનાં દિલ્હીનાં પરિણામો અને પ્રચારમાં શાહીનબાગ છવાયેલું રહ્યું. આ શાહીનબાગ દિલ્હીથી નોઇડા જવાના રસ્તા ઉપર આવેલું છે. દિલ્હીમાં ઘણાં બાગ છે એમાં આ શાહીનબાગ પણ છે. આ શાહીનબાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદા(સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ – CAA)ના વિરોધમાં મહિલાઓ ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯થી ૨૪ x ૭ ધરણાં પર બેઠી છે. અને પોતાનું CAA વિશેનું મંતવ્ય જાહેર કરી રહી છે કે અમને એ નામંજૂર છે કારણ કે એ NPR અને NRC સાથે જોડાયેલ છે.
આ શાહીનબાગ ખાતે એક સાંજ પસાર કરવાનો મને મોકો મળ્યો.
એ દિવસ હતો ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦. એ પહેલાં ૨૧ જાન્યુઆરીએ, કોલકાતામાં પાર્ક સર્કસ ખાતે પછી ૨૬ જાન્યુઆરીએ અમદાવાદમાં અજીત મિલ, રખિયાલ ખાતે શાહીનબાગ ચળવળમાં જોડાવાનું બન્યું હતું. ૫ ફેબ્રુઆરીએ, શાહીનબાગના મંચ પરથી, સેક્યુલર લોકશાહી આંદોલન અને વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ ઍન્ડ ફ્રિડમ (WILPF) તરફથી, ગુજરાતના પ્રતિનિધિ તરીકે આ ચળવળને ટેકો જાહેર કર્યો જેને હાજર સૌએ વધાવી લીધો. મંચ પરથી, પંજાબથી લઈને, મુંબઈ સુધીના પ્રતિનિધિઓએ આવીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. એટલા પ્રતિનિધિઓ ઉમટ્યા હતા કે એમને ઓળખવાનું અને ગણવાનું અસંભવ હતું.
શાહીનબાગના પ્રવેશ દ્વાર ઉપર જ એક મોટો લોખંડથી બનાવેલો ભારતનો નકશો છે. એ નકશા પર લખાયેલું છે કે અમને CAA નામંજૂર છે. ફૂટ ઓવરબ્રિજ પર ત્રિરંગા રંગે રંગાયેલા મોટા પોસ્ટર પર લખ્યું છે – જિન્હેં નાઝ હે હિંદ પર વો કહાં હૈ, યહાં હૈ! યહાં હૈ!’ આમ, એકદમ નવીન રીતે ધરણાં પ્રદર્શનનો એક નવો ચિતાર આપણી સામે આવ્યો. માત્ર દિલ્હીવાસીઓ માટે નહીં પરંતુ દેશમાં પણ શાહીનબાગ લોકોના પ્રતિરોધનું એક પ્રતીક બની ગયું. ઘણા બધા માટે તો જાણે કે એક યાત્રાધામ બની ગયું છે. દિલ્હી જનારા, દિલ્હી નહીં જનારા સૌને એમ થતું હતું કે ચાલો! એક વાર તો શાહીનબાગ જઈએ. મને પણ થતું હતું કે ચાલો! શાહીનબાગ. તો, આ શાહીનબાગ એટલે શું જલિયાંવાલા બાગ છે? ના, એ જલિયાંવાલા બાગનો જવાબ છે. તો, આ શાહીનબાગ ખાતે બેઠેલી મહિલાઓ કોઈ મોટાં ડિગ્રીધારી કે મોટા હોદ્દા પર બેઠેલાં બહેનો કે નારીવાદી ચળવળના કર્મશીલો નથી. એ સાવ આર્થિક રીતે પછાત કહેવાતા તબક્કામાંથી આવતી બહેનો છે. પરંતુ, એમણે CAAના ભયને પીછાણ્યો છે. CAAની પાછળ રહેલી આખીયે વ્યવસ્થાને એ સમજી રહ્યાં છે. અને એટલે એ પોતે પોતાનું ઘરબાર, પોતાની રોજબરોજની તકલીફો, પોતાનાં બાળકો, પોતાની બધી જવાબદારીઓ – આ બધાંને નિભાવતાં નિભાવતાં એ આવીને ધરણાં-પ્રદર્શનમાં જોડાઈ રહ્યાં છે. દિલ્હીની કડકડતી ઠંડીને વેઠી રહ્યાં છે. તેઓ પોતાનાં બાળકો સહિત જાણે કે લોકશાહી માટેની પરીક્ષા આપવા બેઠાં છે.
દેશની આઝાદીની ચળવળ પછી અને અન્ના હઝારેજીના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન તથા નિર્ભયા ઘટના વખતે મહિલાઓનાં સ્વમાન અને સન્માન માટે ઊઠેલો એક અવાજ – પ્રતિરોધનો અવાજ આ દેશ માટે એક વિશિષ્ટ અનુભવ હતો. પરંતુ આજ સુધી થયેલાં આંદોલનોમાં શાહીનબાગ એક વિશેષ ભાત ઉપસાવે છે તે એ છે કે આટલાં બધાં આંદોલનોમાં, મહિલાઓએ આગેવાની લીધી હોય તેવું આ એક માત્ર આંદોલન છે. અને આ આંદોલન ન તો કોઈ વ્યક્તિ-સમૂહ-જૂથ કે મહિલાઓની માંગણીઓ માટે છે – એ સમગ્ર દેશના નાગરિકો માટે, એ ધર્મને આધારે વિભાજિત કરતી રાજનીતિ સામે, એક સ્વસ્થ લોકશાહી સમાજ માટેનું આંદોલન છે. શાહીનબાગ જેવી દેશમાં ૨૦૦ જેટલી ચળવળો ચાલી રહી છે. દિલ્હીમાં જ ૧૨ કરતાં વધુ સ્થળોએ શાહીનબાગ જેવી ચળવળો ચાલી રહી છે. કલકત્તામાં પણ, અમદાવાદમાં પણ. દેશમાં એકેય શહેર બાકી નહીં હોય જે પોતાનું શાહીનબાગ ઊભું કરવામાં પાછું પડ્યું હોય.
આ શાહીનબાગ ચળવળે દેશનાં કર્મશીલોમાં અને મહિલા કર્મશીલોમાં એક વિશેષ જોશ-જુસ્સો ભર્યો છે એ વિશે શક નથી. આ બહેનોએ એવી મિસાલ કાયમ કરી છે – જે આપણને સહુને યાદ દેવડાવે છે કે દેશની આઝાદીનાં ૭૦ વર્ષ પછી, દેશની આઝાદીને નાત-જાત-ધર્મ-ભાષા-પ્રદેશને આધારે વહેંચતી રાજનીતિ સામે અવાજ ઊઠાવવો એ સમયનો તકાજો છે.
છેલ્લે એટલું જ કે, ‘તેરે ગુરૂર કો જલાએગી વો આગ હૂં, આકર દેખ મુજે, મૈં શાહીન બાગ હૂં!’
E-mail : meenakshijoshi1962@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 07