સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ – લંડન (SOAS) દ્વારા, સાઉથ એશિયન હેરિટેજ મન્થના નેજા હેઠળ, ગઈ તારીખ 15 અને 16 જુલાઈના, ગ્રીષ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ખાદી લંડનનાં સક્રિય સભ્ય તરીકે તેમાં ભાગીદાર થવાનું સદ્દભાગ્ય સાંપડ્યું.
આ કાર્યક્રમના આયોજનના કેન્દ્રમાં બ્રિટિશ સામ્રાજ્યના દક્ષિણ એશિયાના વતનીઓ, કે જેઓ પોતાના મૂળ વતનથી વિખુટા પડીને દુનિયાના અન્ય વિસ્તારોમાં જઈને સ્થાયી થયા, તેમની અસ્મિતા ઉપર થયેલી અસરો અને સામે પક્ષે તેઓએ જે તે દેશોને શું શું પ્રદાન કર્યું છે તેની કહાણી ગૂંથવાનો પ્રયાસ રહ્યો છે. આ વર્ષે ભારતની આઝાદીનાં 75 વર્ષ થયાં તેમ જ અખંડ ભારતના ભાગલાની સાથે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાને પણ 75 વર્ષ થયાં; અને યુગાન્ડાના એશિયનોની ઇદી અમીને કરેલી હકાલપટ્ટીને 50 વર્ષ થયાં તે બે મહત્ત્વની દૂરગામી અસરો છોડી જનાર ઘટનાઓનું પણ આ ઉત્સવમાં પ્રતિબિંબ ઝીલાયું હતું.
ગ્રીષ્મ ઋતુ દરમ્યાન, બે દિવસ માટે, આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાંસ્કૃતિક સંગઠનો દ્વારા સંગીત, નૃત્ય, નાટક, દસ્તાવેજી ફિલ્મ, પ્રદર્શન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે કળા, હસ્ત ઉદ્યોગો અને સાહિત્ય કૃતિઓનું પઠન વગેરે પીરસવામાં આવે છે. બ્રિટનના ભૂતપૂર્વ સામ્રાજ્યના નાગરિકો અલગ અલગ દેશોમાં સ્થાયી થયા. યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાયી થયેલાં એશિયન લોકોનાં સ્થળાંતર સમયના અનુભવોનો હજુ આજે પણ તેમના જીવન પર શો પ્રભાવ પડ્યો છે તે દર્શાવવાનો હેતુ આ વાર્ષિક કાર્યક્રમનો રહે છે. સ્થળાંતર અને દેશવટાનો ભોગ બનેલાઓને બે કે ત્રણ પેઢી સુધી પોતાની અસ્મિતા જાળવી રાખવા માટે ઝઝૂમવું પડતું હોય છે; પરંતુ એવા ઇતિહાસના અંશો પ્રત્યે આપણે જોઈએ તેટલું ધ્યાન નથી આપતા; જેની રજૂઆત આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાના માધ્યમથી સુંદર રીતે રજૂ થાય છે.
સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ – લંડન (SOAS)ના પ્રવેશ દ્વાર પર તમિલના પ્રખ્યાત કવિ થિરુવલ્લુવરની પ્રતિમા દૃષ્ટિગોચર થાય છે. આ ગ્રીષ્મોત્સવના પ્રથમ દિવસે છ દાયકાઓ દરમ્યાન ભરતનાટ્યમ્ નાટ્યકલા દ્વારા ભારતના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસની કથા કેવી રીતે લોક માનસ સુધી પહોંચાડી તેની વાત શ્રીકલા ભારતે રજૂ કરી. આપણા ભૂતકાળને ઉજાગર કરતી, વર્તમાનને સમજવા સક્ષમ બનાવતી અને ભાવિને અલગ દૃષ્ટિથી જોવા પ્રેરતી કવિતાઓ પણ રજૂ કરાઈ. ભારતના ભાગલા અને તેની અનેકવિધ અસરોને વિભાજનના હત્યાકાંડોમાંથી બચી જવા પામેલા અને તેમના પછીની પેઢી પાસેથી સાંભળેલી કહાણીઓનું સ્ક્રીનિંગ પણ બતાવવામાં આવ્યું.
ગુજરાતથી આફ્રિકા ખંડના અલગ અલગ દેશોમાં સ્થાયી થયેલા અને ત્યાર બાદ યુ.કે.માં સ્થળાન્તર કરીને વસેલા પ્રજાજનોએ બ્રિટિશ સંસ્થાનના સમયથી ચાલતા આવેલા વ્યાપાર અને વ્યવસાય તેમ જ નવરાશના સમયમાં કેળવેલી કલાકારીગરીની કુશળતાને કેવી રીતે સાચવી અને આ દેશમાં પણ બે ત્રણ પેઢી સુધી જીવંત રાખી છે તેનું પ્રદર્શન કર્યું. ગુજરાતની સંસ્કૃતિ અને સમાજનું પોત આફ્રિકા, યુરોપ અને ભૂમધ્ય પ્રદેશના જાણ્યા અજાણ્યા દેશોના અનેક ઉત્પાદકોએ પેદા કરેલ કપાસ જેવા કાચા માલ અને કારીગરોએ બનાવેલ હાથે કાંતેલાં અને વણેલાં કાપડ તેમ જ મોતીભરત, આભલાભરત અને મહેંદીની કલાના આદાન-પ્રદાનના તાણાવાણાથી વણાયું છે.
બ્રુનાઈ ગેલેરીના એક ખંડમાં એક ગામના ચોતરા જેવો માહોલ ખડો કરવામાં આવ્યો હતો, જ્યાં મોતીભરત, આભલાભરત, મહેંદી કલા, ઊનનું કાંતણ, ચરખા પર સૂતરનું કાંતણ અને નાની શાળ પર વણાટનું પ્રદર્શન સતત ત્રણ કલાક સુધી ચાલતું રહ્યું અને મુલાકાતીઓ દરેક કલાના જાણકારો પાસેથી જે તે કલાનો ઇતિહાસ, તેની ખૂબીઓ, તેના ઉપયોગ, આજના સમયમાં તેની પ્રસ્તુતિ વગેરે વિષયો ઉપર સંવાદ કરતા હતા. ગુજરાતની હસ્તકલાની ધરોહરને સંગોપીને આગળ વધારનારાઓનો ટૂંક પરિચય અહીં પ્રસ્તુત.
મૂળે રાજકોટ – સૌરાષ્ટ્રના નયનાબહેન છત્રાલિયા બહુ નાની વયે મોતીનું ભરતકામ કરતાં શીખેલાં. વર્ષોના અનુભવે તેઓએ તેમાં ઘણું પ્રભુત્વ હાંસલ કર્યું છે. અનેક પ્રદર્શનો અને વર્ગો દ્વારા બીજાને આ કલા શીખવી છે. એમના કલાના નમૂનાઓ પ્રતિષ્ઠિત કલા કેન્દ્રોમાં પ્રદર્શિત થયા છે. તેમના હાથમાંથી રાઈના દાણા જેવાં મોતી સરતાં જાય અને મિનિટોમાં એક હાથ કે ગાળામાં પહેરવાનું ઘરેણું તૈયાર થાય એ જોવાનો લ્હાવો લેવા જેવો.
પ્રિયા પટેલ ભરતકામમાં ખૂબ કુશળતા ધરાવે છે. આણંદ એમનું વતન. હોમ સાયન્સની ઉપાધિ ભારતમાં મેળવી. ત્યાં જ તેમણે ભરતકામની તાલીમ લીધી. તેમના અને અન્ય મહિલાઓને હાથે ભરેલા નમૂનાઓ પરથી આંખ ન ખસે એવો નજારો હતો. પ્રિયા બહેન દરેક ટાંકા પાછળની ખૂબી, કઈ કોમ તેમાં માહેર છે, આભલા ભરત કઈ રીતે આરબ લોકો પાસેથી શીખીને કચ્છની ભરવાડ કોમે પોતાની આગવી શૈલીમાં અપનાવી લીધું તેનો તમામ ઇતિહાસ કહેતાં રહ્યાં. પ્રિયાનું ભરતકામ કરતાં જોવા મુલાકાતીઓના પગ થંભી જતા.
મહેંદીની કલા હવે જાણે વિશ્વ આખામાં લોકપ્રિયતા મેળવી ચૂકી છે. તેનાં મૂળમાં જવાને બદલે હવે માત્ર એ કલાની ખૂબી પારખીને શરીરને શોભાવવા દરેક ઉંમર અને દરેક કોમના લોકો હોંશે હોંશે તેનો લાભ લે છે. આણંદનાં સોનલબહેન પટેલ નાની વયે મહેંદી મુક્ત શીખ્યાં, અસંખ્ય પ્રસંગોએ મહેંદી મૂકીને પોતાનો વ્યવસાય ટકાવી રાખ્યો. આજે પણ પ્રદર્શનો અને વર્ગો ચલાવીને બીજી પેઢીને તૈયાર કરે છે.
સૌમ્યા સિંઘ યુ.કે.સ્થિત કાપડ ડિઝાઈનર તરીકે કાર્યરત રહે છે. તેઓ પુનર્જીવન આપતાં કાપડના રેસાઓનો ઉપયોગ કરે છે કેમ કે તેઓ તમામ પ્રકારના વસ્ત્રોનાં ઉત્પાદનમાં પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે માટે નિસબત ધરાવે છે. સૌમ્યાએ ચરખા ઉપર ઊનનું કાંતણ કઈ રીતે થઇ શકે તેનું નિદર્શન કર્યું.
અર્ના જનીન સ્કેન્ડિનેવિયા અને જાપાનમાં વણાટની તાલીમ લઈને લંડનમાં ફ્રી વિવર સ્ટુડિયો ખાતે વણાટકામનું નિદર્શન અને તાલીમ આપી રહ્યાં છે. તેઓ અવારનવાર ભારત, ખાસ કરીને ઓડીશા, જયપુર અને નાગાલેન્ડની મુલાકાત લઈને ત્યાંની વિશિષ્ટ પ્રકારની વણાટ કારીગરીની તાલીમ મેળવતાં રહે છે.
અર્ના જનીન જાપાનમાં જેનાં મૂળ છે તે સાઓરી વણાટ પદ્ધતિ, કે જેને હવે દુનિયા ભરમાં માનભેર સ્વીકારવામાં આવી રહી છે તેની તાલીમ આપે છે. વણનારની કારીગરીની શક્તિને સહજતાથી વ્યક્ત કરતી આ એક અનોખી વણાટ પદ્ધતિ છે જે તેને અપનાવનારને નાની એવી સાદી શાળ ઉપર સુંદર કાપડ તૈયાર કરવાની સહુલત કરી આપે છે. આ ઉપરાંત અર્ના છેલ્લાં થોડાં વર્ષોથી ફેસ્ટિવલ ઓફ નેચરલ ફાઇબર્સનું આયોજન કરે છે જેમાં ઊન, શણ, નેટલ અને સૂતરના તારથી હાથે કંતાઈ અને વણાઈને તૈયાર થયેલ કાપડ અને તેના પર કરેલી ડિઝાઇનના નમૂનાઓનું પ્રદર્શન, કાંતણ-વણાટના નિદર્શન અને વર્કશોપ પણ યોજાય છે.
SOASના આ કાર્યક્રમમાં અર્નાએ મુલાકાતીઓને સાઓરી વણાટ પદ્ધતિનો ઇતિહાસ, તેની ખૂબી અને આજના સમયમાં તેની ઉપયુક્તતા વિષે વાત કરતાં કરતાં વણાટ કરી બતાવ્યું.
કાપડ ઉદ્યોગની વાત આવે અને ચરખા કાંતણનો ઉલ્લેખ ન થાય તે શક્ય જ નથી. ચરખા કાંતણનું નિર્દેશન મારે ભાગે આવ્યું. ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયાં તે પહેલાં આપણા પૂર્વજો રાજાથી માંડીને રસ્તો વાળનારાઓ માટે અને દરેક પ્રસંગે પહેરાય તેવાં રોજબરોજના જીવન ઉપયોગી તેમ જ અત્યંત મૂલ્યવાન કપડાં હાથથી જ બનાવતાં એ હકીકત તરફ ધ્યાન દોર્યું. કાપડની બનાવટનો ઇતિહાસ, તેની ચડતી પડતી, ભારતમાં વિદેશી શાસનના પરિણામે ઉપજેલી બેકારી અને કાંતણ-વણાટની કુશળતા પર પડેલ ફટકા વિષે વાત કરી. સાથે સાથે ગાંધીજીની સ્વદેશ વાપસી, સ્વાતંત્ર્ય સંગ્રામની જોડાજોડ રચનાત્મક કાર્યોની મહત્તા સમાજાયાનાં પગલે ખાદીનું મુક્તિ ચળવળના મુખ્ય પ્રતીક તરીકે સ્થાપિત થવું વગેરે મુદ્દાઓ પણ ચર્ચાયા. આ દરમ્યાન કાંતણ સતત ચાલતું રહ્યું. મુલાકાતીઓ રસપૂર્વક, અહોભાવથી જોતા, સવાલો પૂછતા અને એકવીસમી સદીમાં પણ આર્થિક-સામાજિક અસમાનતા દૂર કરવા અને પર્યાવરણને નેસ્તનાબૂદ થતું અટકાવવા આવા હસ્ત ઉદ્યોગો અને વિકેન્દ્રિત ઉત્પાદન તથા વ્યાપારની મહત્તા વિષેના વિચાર બીજ રોપાયાં એ લઈને વિદાય થયા, જેનો મને સંતોષ છે.
SOASના આ કાર્યક્રમની સફળતાની પાછળ જે બે વ્યક્તિઓની જહેમત છે તેમનો પરિચય ઉલ્લેખનીય છે.
સબરંગ – દક્ષિણ લંડન વિસ્તારના સાઉથ એશિયન સંગઠનના સૂત્રધાર લતાબહેન દેસાઈએ સરકારી અને સ્વૈચ્છિક સંગઠનોના સથવારે અનેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતની કલા સંસ્કૃતિના વારસાને રજૂ કરતા અનેક પ્રકલ્પોના આયોજન અને પ્રસ્તુતિનું સુપેરે વહન કર્યું છે. આવા કાર્યક્રમો દ્વારા છેવાડાના સમાજના હાથે સચવાયેલી કલાને પ્રોત્સાહન આપવાનો હેતુ હોય છે. લતાબહેને કલાના વિવિધ રૂપની ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કસબીઓને એકસૂત્રે બાંધીને જે કાર્યક્રમો આપ્યા છે તેને કારણે બ્રિટનમાં વસતી ગુજરાતી સમાજના સાંસ્કૃતિક પ્રદાનની અન્ય સમૂહોને જાણ થઇ છે જેનાથી ગુજરાતી સમાજને પણ લાભ થયો છે. કારકિર્દીના બહોળા અનુભવે તેમને એક નિષ્ઠાવાન કમ્યુનિટી આર્ટનાં અગ્રણી તરીકે ઓળખ આપી છે.
જસવીર સિંઘે સાઉથ એશિયન હેરિટેજ મન્થના શ્રીગણેશ કરવામાં અગ્રીમ ભાગ ભજવેલો. મૂળ વ્યવસાય બારિસ્ટરનો, સાથે સાથે ફેઈથ ફોરમ અને સિટી સીખ ઉપરાંત અન્ય ઘણા સામાજિક સંગઠનોમાં પણ સક્રિય રહે છે.
ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અને યુગાન્ડાના એશિયનોના બ્રિટનમાં આગમનની અર્ધ શતાબ્દીની આ ઉચિત ઉજવણી SOASના આંગણે થઇ જેના આપણે આભારી.
e.mail : 71abuch@gmail.com