
ચંદુ મહેરિયા
પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે તાજેતરમાં રાજદ્રોહ કાયદાને ગેરબંધારણીય ઠેરવ્યો છે. જસ્ટિસ શાહિદ કરીમે તેમના ચુકાદામાં પી.પી.સી.(પાકિસ્તાની પિનલ કોડ)ની રાજદ્રોહ સંબંધિત ધારા ‘૧૨૪-એ’ને મનમાની અને રાજકીય ઉદ્દેશ ધરાવનારી દર્શાવી તેને અમાન્ય અને ગેરકાયદે ઠેરવી છે. ઓકટોબર ૨૦૨૨માં ભારતની સુપ્રીમ કોર્ટે પણ રાજદ્રોહને લગતી ઇન્ડિયન પિનલ કોડ(આઈ.પી.સી.)ની કલમો હેઠળ કોઈ ગુનો ન નોંધવા અને રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરવા સરકારને આદેશ આપ્યો હતો. ભારતને રાજદ્રોહનો કાયદો જેની દેન છે તે બ્રિટને ઈ.સ. ૨૦૦૯માં તેને રદ્દ કર્યો હતો .. હવે પાકિસ્તાનમાં તે રદ્દ થતાં ભારત સરકાર પર તેને રદ્દ કરવાનું દબાણ વધશે.
રાજદ્રોહના કાયદાનો આરંભ સાંસ્થાનિક કાળમાં થયો હતો. ભારતમાં જ્યારે બ્રિટિશ રાજવટ હતી ત્યારે તેમણે આ કાયદો ભારતના લોકો તેમની સામે અવાજ ના ઉઠાવે એટલે ઘડ્યો હતો. ૧૮૯૮માં લોકમાન્ય ટિળક અને ૧૯૨૨માં ગાંધીજી સામે રાજદ્રોહના કાયદા હેઠળ અંગ્રેજોએ ખટલો ચલાવી સજા સુણાવી હતી. ઈ.સ. ૧૮૬૦માં ઇન્ડિયન પિનલ કોડ આવ્યો ત્યારે તેમાં રાજદ્રોહની કલમ નહોતી. પરંતુ ૧૮૭૦માં સુધારો કરીને કલમ ‘૧૨૪-એ’ જોડી હતી. એટલે આ કાયદો દોઢસો વરસ જૂનો ગણાય, પણ વાસ્તવમાં તો અંગ્રેજ કાયદામાં તે આઠસો પચાસ વરસ પહેલા, ઈ.સ. ૧૨૭૫માં, દાખલ થયો હતો. તે સમયે રાજા સર્વેસવા હતા. રાજ અને તાજ સામે બોલનારને રાજદ્રોહી ગણવામાં આવતા હતા.
અંગ્રેજો તરફથી વારસામાં મળેલો રાજદ્રોહ કાનૂન આઝાદ ભારતમાં પણ અમલમાં છે. ભારતીય ફોજદારી ધારાની કલમો ૧૨૧, ૧૨૧-એ, ૧૨૨, ૧૨૩, ૧૨૪ અને ૧૨૪-એમાં રાજદ્રોહની જોગવાઈ છે. પરંતુ સૌથી આકરી જોગવાઈઓ કલમ ‘૧૨૪-એ’માં છે. બોલાયેલા, લખાયેલા, ઈશારા કે પ્રદર્શનમાં વપરાયેલા શબ્દો દ્વારા સરકાર વિરુદ્ધ નફરત ફેલાવવી કે તે માટે ઉશ્કેરવા કે સરકારનું અપમાન કરવું તે ૧૨૪-એ હેઠળ રાજદ્રોહ ગણાય છે. આ ગુનો બિનજામીનપાત્ર તો છે જ તેની સજા આજીવન કારાવાસ સુધીની છે. એટલે સરકાર ટીકાકારોને ચૂપ કરવા, પરેશાન કરવા અને ડરાવવા રાજદ્રોહ કાયદાની આ કલમોનો મનમાન્યો અર્થ કરીને વિપક્ષના નેતાઓ, પત્રકારો, કલાકારો, કર્મશીલો, વિધાર્થીઓ અને સરકાર સામે અસંમત એવા ઘણા બધા સામે ગુનો નોંધે છે. પોલીસ દ્વારા સરકારો રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કે દુરપયોગ કરે છે અને જુઠ્ઠા કેસ નોંધે છે.
અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને અસંમતિનો અવાજ તો લોકતંત્રનું અનિવાર્ય અંગ છે. પરંતુ સરકારો તેમની એટલી જ આલોચના સહન કરે છે જે તેના પ્રત્યે ઉગ્ર અંસંતોષ ના જન્માવે. સરકારને જે વ્યક્તિ કે વાત અસહજ હોય છે તેને દેશદ્રોહી અને ગુનેગાર ઠેરવવા આ કાયદાનો મોટાપાયે ઉપયોગ થાય છે. છેલ્લા દાયકામાં આ કાયદા હેઠળની ફરિયાદોમાં આશરે પચીસ ટકાની વૃદ્ધિ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની માહિતી પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ના નાગરિકતા સંશોધન કાયદા વિરુ્દ્ધના આંદોલન દરમિયાન ૧૯૪ લોકો સામે રાજદ્રોહના કાયદા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
કાયદાનો દુરપયોગ થાય છે તે એ હકીકતથી પણ જણાય છે કે ૨૦૧૯માં રાજદ્રોહના કેસમાં ૯૬ ધરપકડો થઈ હતી. પરંતુ માત્ર બે જ દોષિત સિદ્ધ થઈ શક્યા હતા. ૨૦૧૪થી ૨૦૨૦માં રાજદ્રોહના માત્ર ચાર જ કેસ સાબિત થઈ શક્યા છે. એટલે સરકાર દંડિત કરવાના બદલે આલોચકો અને વિરોધીઓને વધુ તો પરેશાન કરવા માંગતી હોવાનું જણાય છે.
જે કાયદાનો ઉપયોગ બ્રિટિશરોએ ગાંધી અને ટિળક સામે કર્યો હોય તે સ્વતંત્ર ભારતમાં કઈ રીતે અસ્તિત્વમાં હોઈ શકે ? તેવો સવાલ થવો સહજ છે. પરંતુ નહેરુએ જેટલા જલદી આ કાયદાથી મુક્તિ મેળવીએ એટલું સારું છે એમ કહ્યા પછી પણ તેને દૂર કર્યો નહોતો. પંચોતેર વરસની આઝાદી અને ચૌદ વડા પ્રધાનો છતાં દરેક્ને જાણે કે આ કાયદાનો ઉપયોગ કે દુરપયોગ કરવાની સત્તા અને શક્તિ છોડવા નથી. એટલે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કાયદો આજે પણ કાયદાપોથીમાં છે.
સર્વોચ્ચ અદાલતે ૧૯૬૨ અને ૧૯૯૫માં રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરીને તેને ચાલુ રાખ્યો છે. પરંતુ હવે તેનું વલણ બદલાયેલું જણાય છે. આ કાયદા હેઠળ પોલીસને નવી કોઈ એફ.આઈ.આર. (ફર્સ્ટ ઈન્ફરમેશન રિપોર્ટ) નોંધવા પર પ્રતિબંધ લાદીને તેણે તેનું વલણ જણાવી દીધું છે. જો કે સુનાવણી દરમિયાન એટર્ની જનરલની દલીલો મારફત કેન્દ્ર સરકાર કાયદો રદ્દ કરવાના પક્ષમાં ના હોવાનું જણાયું હતું. લાહોર હાઈકોર્ટના ચુકાદા અને બ્રિટને સવા દાયકા પૂર્વે તેને રદ્દ કર્યા પછી કે પત્રકારોના કિસ્સામાં તેમની સ્વતંત્રતા રક્ષિત હોવાના ચુકાદા પછી તો તેની કાયદેસરતા કે બંધારણીયતા ચકાસવાની રહેતી નથી.
બીજા ઘણા કાયદાની જેમ રાજદ્રોહનો કાયદો પણ આપણને અંગ્રેજો તરફથી વારસામાં મળ્યો છે. એટલા માટે જ તે રદ્દ ન કરાય એવી દલીલ સ્વીકારી એ તો અંગ્રેજોએ ભારતીયો પર દમન માટે ઘડેલા કાયદાની લોકતાંત્રિક દેશમાં હવે શું જરૂર ? શા માટે સરકારો પોતાના લોકોથી જ સલામતી ચાહે છે અને ડર અનુભવે છે ? તેવો પ્રતિપ્રશ્ન થઈ શકે છે.
ના માત્ર સરકાર લોકો પણ કેટલાક કાયદાઓનો ખોટો ઉપયોગ કે દુરપયોગ કરે જ છે. એટલે કાયદાનો દુરપયોગ તેની નાબૂદીનું કારણ બની શકે ખરું ? મીસા અને પોટા જેવા કાયદા તેના વ્યાપક દુરપયોગને કારણે જ સંસદે રદ્દ કર્યા હતા. સેડિશન લૉ પણ એ જ શ્રેણીનો કાયદો છે એટલે દુરપયોગના કારણે પણ તે રદ્દ થવો ઘટે. આ કાયદાના ઉપયોગ પાછળની સત્તાધીશોની માનસિકતા સાંસ્થાનિક છે. તે લોકોને રૈયત સમજે છે. તેથી પણ તે નાબૂદ થવા પાત્ર છે.
કેન્દ્રના સત્તાપક્ષે અને કેન્દ્રના વિપક્ષ એવા કેટલાક રાજ્યોના સત્તાપક્ષોએ પણ આ કાયદાનો પોતાની સત્તાના લાભમાં ઉપયોગ કર્યો છે. એટલે રાજકીય પક્ષો કદાચ તેની નાબૂદીનું પગલું ભરશે નહીં. હાલના વડા પ્રધાન અને ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્ય મંત્રી વિરુદ્ધ અપમાનજનક કે ટીકાત્મક બાબતોને લઈને અનુક્રમે ૧૪૯ તથા ૧૪૪ રાજદ્રોહના કેસો નોંધાયા હોય ત્યારે સરાકારો રાજદ્રોહ કાયદો રદ્દ કરે તે શક્ય નથી.
અદાલતોએ સરકારની ટીકા તે દેશદ્રોહ નથી તેવું વારંવાર કહ્યા છતાં કોઈ સુધારો થતો નથી. વળી રાજદ્રોહ એ સરકારની ટીકા છે. સરકારની ટીકા કરવી કોઈ દેશ વિરુદ્ધનું કે દેશદ્રોહનું કૃત્ય નથી, તેમ સ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહને ઈરાદાપૂર્વક સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દો ગણી લેવાયા છે. એટલે આ કાયદાના ભાવિ માટે હવે તો એક માત્ર આશરો ન્યાયતંત્ર જ છે.
e.mail : maheriyachandu@gmail.com