
રવીન્દ્ર પારેખ
સૌ પ્રથમ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન થવા બદલ અને રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જે.પી.નડ્ડા … સહિતના મંત્રીમંડળને સત્તામાં આવવા બદલ હૃદયપૂર્વક અભિનંદનો આપીએ અને આ સરકાર નિર્વિઘ્ને તેની ટર્મ પૂરી કરે તેવી શુભેચ્છાઓ પાઠવીએ. એ સાથે જ એ જોઈએ કે ભા.જ.પ. પૂર્ણ બહુમતની સરકાર બનાવવાથી આ વખતે વંચિત કેમ રહ્યો?
ભા.જ.પ.ને લોકસભા ચૂંટણીમાં 240 સીટ મળી જે પૂર્ણ બહુમતથી 32 ઓછી હતી. 272 સીટ મળી હોત તો કોઈ પણ પક્ષના ટેકા વગર ભા.જ.પ.ની સરકાર બની હોત. એવું થયું હોત તો ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારની પાર્ટીને મળેલ અનુક્રમે 16 અને 12 સીટ પર આધાર રાખવાનો આવ્યો ન હોત, જેમને માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જોરશોરથી (અગાઉ) પ્રવેશબંધી જાહેર કરેલી, તો સામે પક્ષે ચંદ્રાબાબુએ મોદીને આતંકવાદી અને નીતીશકુમારે પણ ‘મર જાના કબૂલ હૈ, પર ઉનકે સાથ જાના કબૂલ નહીં,’ જેવું પણ કહી દીધેલું ને હવે બંને એન.ડી.એ.ની સરકારમાં કિંગ મેકરની ભૂમિકામાં છે. આમ તો જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવવાનું ભા.જ.પ.ને ફાવે છે ને બીજી તરફ નાયડુ અને નીતીશે પણ મોદીને ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો છે, એટલે એન.ડી.એ.ની સરકાર ચાલશે એવું લાગે છે. ગઠબંધનની સરકારમાં વાજપેયીની જે સ્થિતિ થયેલી તે મોદી પોતાની ન થવા દે એટલા સક્ષમ તો તેઓ છે જ !
એટલું ચોક્કસ છે કે અયોધ્યા / ફૈઝાબાદની સીટ ભા.જ.પ.ને મળવી જોઈતી હતી, પણ ત્યાં હાર થઈ છે. બીજી વાત એ પણ કે વારાણસીમાં વડા પ્રધાનની લીડ ત્રણેક લાખથી ઘટી છે. આ આઘાતજનક છે, પણ તેને માટે ભક્તજનો મતદારોને દોષિત ગણે / ગણાવે છે એ બરાબર નથી. એ ખરું કે મતદારોએ મત ન આપ્યા, પણ કેમ ન આપ્યા એ વિચારાવું જોઈએ. અયોધ્યામાં 14 કિલોમીટરનો રામપથ બનાવવામાં જે રીતે આડેધડ મકાનો-દુકાનોની તોડફોડ થઈ છે તે કોઈ પણ પ્રજાને શાસકો માટે તિરસ્કાર જન્માવવા પૂરતી છે. ભા.જ.પ.ને હતું કે રામમંદિરનો પ્રારંભ અયોધ્યાની પ્રજાને પોતાની તરફ આપોઆપ જ વાળી લેશે, પણ ત્યાંની પ્રજાને રામનો આનંદ હતો, એટલો ત્યાં ઊભી કરાયેલી હકૂમતનો ન હતો. ભા.જ.પ. પોતે એવા વિશ્વાસે રહ્યો કે અયોધ્યાની સીટ તો ગજવામાં જ છે ને એવા વધુ પડતા વિશ્વાસને લીધે લોકો પાસેથી મત મેળવવાની કોશિશો જ ન થઈ. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે જીત્યા પછી કોઈ ઉમેદવાર ન ડોકાય, અયોધ્યામાં તો જીત્યા પહેલાં જ કોઈ ન ડોકાયું ને એ બધું પછી પરિણામમાં ડોકાયું. વારાણસીમાં પણ તોડફોડ જ વડા પ્રધાનની લીડ ઘટવાનું કારણ બની. કાશી કોરિડોર વિકસાવવા હજાર-પંદરસો વર્ષ પુરાણી દેવમૂર્તિઓને કાટમાળ ગણીને ફગાવાઈ, એ ખોટું થયું, એવું ખુદ શંકરાચાર્યને લાગ્યું હોય, તો પ્રજા એ બધું ચૂપ થઈને ક્યાં સુધી જોઈ રહે? એ પણ પછી એના હાથમાં જે હોય તે કર્યા વગર ન રહે …
સાચું તો એ છે કે મોદીથી માંડીને કેટલા ય મંત્રીઓ એવા ખ્યાલમાં જ રહ્યા કે ‘અબ કી બાર ચારસો પાર …’ને વાંધો નહીં આવે, એટલે જ તો એક્ઝિટ પોલમાં પણ એન.ડી.એ.ને 400 સીટ મળવાની આગાહી થયેલી, ખરેખર તો એ ભાટાઈ જ હતી. એને કારણે ત્રીજી જૂને શેર માર્કેટ ખૂલ્યું ત્યારે સેન્સેક્સ 2,500 પોઈન્ટ ઊછળીને 75,000ને પાર ગયેલો. આ સ્થિતિએ રાજકીય સ્થિરતા તરફ પણ અંગુલિનિર્દેશ કરેલો. એના વીસેક દિવસના ગાળામાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારામને પણ માર્કેટમાં તેજીની આગાહીઓ કરેલી. અમિત શાહે તો 13 મેને રોજ એન.ડી.ટી.વી.ને આપેલા ઇન્ટરવ્યૂમાં લોકોને ચાર જૂન, 2024 પહેલાં શેર ખરીદી લેવાની ભલામણ કરેલી. આ સૌને એમ જ હતું કે 4 જૂને આવનારાં પરિણામોમાં ભા.જ.પ.ને ક્લીયર મેજોરિટી મળી જશે, પણ પરિણામો આવતાં, ભક્તોને અને શેરબજારને માથે આભ તૂટવા જેવું થયું. ભા.જ.પ. 240 સીટ પ્રાપ્ત કરનારા સૌથી મોટા પક્ષ તરીકે બહાર તો આવ્યો, પણ પૂર્ણ બહુમત માટે 272 સીટ જોઈએ ને તેમાં 32 સીટ ખૂટતી હતી ને તેને માટે સાથી પક્ષો પર આધાર રાખવાનો આવ્યો, પરિણામે, એક જ દિવસમાં 6,100 પોઈન્ટનો કડાકો બોલી ગયો ને રોકાણકારોના 30 લાખ કરોડ ધોવાઈ ગયા. આ બધું ઘણાંને જીરવવાનું અઘરું થઈ પડ્યું.
એમાં ઇન્ડિયા ગઠબંધનને વધારે સીટો મળતાં ઘણાંને મતદારો દેશદ્રોહી લાગ્યા. કેટલાંક કવિઓએ તો જોડકણાં જોડી મતદારોને ‘આવું કેમ કર્યું’ કહીને ઠપકાર્યા પણ ખરા. કેટલાકે વિપક્ષોની મજબૂત સ્થિતિ સંદર્ભે લેખો લખ્યા તો ભક્તજનોએ તેમની પણ ધોલાઈ કરી. કેટલાકે વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો તો તેઓને લીધે જ વિપક્ષ સારી સ્થિતિમાં આવ્યો હોય તેમ, માથે ધોવાય એટલાં માછલાં ધોયાં. વળી જે શરૂથી જ પક્ષપાતી હતા, એવા ભક્તોએ પત્રકારોને તટસ્થતાથી લખવાનો આદેશ-કમ-ઉપદેશ પણ આપ્યો.
એ સાચું કે જેની કંઠી બાંધી હોય તેમને પોતાના પક્ષનું અહિત ન ખપે, એટલું જ નહીં, તેને કોઈ નુકસાન થાય તો તે સામેના પક્ષ દ્વારા જ થયું છે, એવો આરોપ મૂકવાનું પણ સહેલું થઈ પડે. વારુ, જે તે પક્ષ તરફથી કૈં ન મળવાનું હોય, તો પણ કોઈ પત્રકાર પૂરી તટસ્થતાથી કોઈ લેખ લખે, તો તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાને બદલે, તે કોઈ ભાટ ચારણ હોય તેમ તેને માથે પસ્તાળ પડે કે ભાવિકો ધમકી આપે તે ઠીક નથી. બને છે એવું કે હકીકત સમજવાની તેમની બહુ તૈયારી હોતી નથી, બાકી, એ વિચારવા જેવું છે કે જે પ્રજાએ 2019માં ભાજપને 303 સીટ આપી હોય તે 2024માં 240થી આગળ જવા દેતી નથી. કેમ? પ્રજાને 400 પારનો નારો સંભળાયો ન હતો એવું ન હતું, પણ 200થી વધુ રોડ શોમાં, રેલીઓમાં, ભા.જ.પી. નેતાઓએ જે પ્રકારનો પ્રચાર કર્યો, તેણે મતદારોને મત આપવા અંગે પુનર્વિચાર કરવાની ફરજ પાડી.
હિન્દુ-મુસ્લિમ વચ્ચેની ગેરસમજો વધે એવો પ્રચાર થયો. રિચાર્ડ એટનબરોએ ‘ગાંધી’ ફિલ્મ ન બનાવી હોત, તો ગાંધી વિશ્વ વ્યાપી બન્યા ન હોત, જેવું વડા પ્રધાન કહે ત્યારે તે કરમુક્ત મનોરંજન જ બને કે બીજું કૈં? એ જ વડા પ્રધાન એક વિદેશી નેતા સાથે હસ્તધૂનન કરે, ત્યારે તેમની પાછળ જે સ્ટેચ્યૂ હતું, તે ગાંધીનું હતું ને તે વડા પ્રધાન કરતાં વર્ષો પહેલાં ત્યાં પહોંચ્યું હતું. તો ગાંધી વિષે ‘આવું’ જ્ઞાન વઘારવાનો કોઈ અર્થ ખરો? એ પણ ખરું કે ભા.જ.પ.ને આર.એસ.એસ.ની ઉપેક્ષા ભારે પડી હોય. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનું સંઘની હવે જરૂર નથી-જેવું કહેવું પક્ષને નડ્યું હોય તો નવાઈ નહીં. આ ઉપરાંત મટન, મંગલસૂત્ર જેવી વાતોએ લોકોની શંકાઓ વધારી ને સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, 80 કરોડ લોકોને મફત અનાજ યોજના જેવી સરકારની તરફેણમાં જતી વાતોની અસરો ઓછી કરી. એ સાથે જ ભા.જ.પ.ની રીતિનીતિએ પણ ભા.જ.પ.ના કાર્યકરોનો પક્ષમાં વિશ્વાસ ઘટાડયો. પક્ષપલટુઓને અછોવાનાં અને પાયાના કાર્યકરોની ઉપેક્ષાને કારણે કાર્યકરો નિષ્ક્રિય રહ્યા. જે તે વિસ્તારના ઉમેદવારો, જીતી જવાશે એવા વધુ પડતા આત્મવિશ્વાસને કારણે મતદારોને મતદાન મથક સુધી લાવવામાં ઉદાસીન રહ્યા.
એ સારું છે કે ભા.જ.પે. આત્મનિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે, પણ તેના ભક્તોને એ જરૂરી લાગતું નથી અને હિન્દુઓ જ હિન્દુઓની વિરુદ્ધ પ્રચાર કરીને, તેમની વિરુદ્ધ કવિતાઓ કરીને, તેમને આડુંતેડું સંભળાવીને સનાતની હોવાનો, ભા.જ.પી. હોવાનો દાવો કરે છે. એનાથી ખરેખર કોઈ કામ થતું નથી. યાદ રહે, મોટે ભાગની લઘુમતીએ ભા.જ.પ.ને મત આપ્યો નથી. વડા પ્રધાનનાં મુસ્લિમ વિરોધી ભાષણોએ પોતે જ ભા.જ.પ. તરફી મતો કાપવાનું કામ કર્યું, એટલે હિન્દુઓના મત પર જ ભા.જ.પે. આગળ વધવાનું હતું. એ મત પડ્યા હોત તો ભા.જ.પ.ને બહુમતની સરકાર બનાવવાનું મુશ્કેલ ન થયું હોત, પણ હિન્દુઓએ પણ ભા.જ.પ.ને મત આપવાને બદલે, વિપક્ષને મત આપવાનું સ્વીકાર્યું, કારણ વિપક્ષમાં પણ ઘણા હિન્દુ ઉમેદવારો હતા, દલિત ઉમેદવારો હતા ને કાઁગ્રેસે ભારત જોડો, ન્યાય યાત્રાઓ કરી લોક સમ્પર્કનું કામ વધાર્યું. એનો સ્થાનિક ભા.જ.પ.માં અભાવ વર્તાયો. ત્રીજા નંબરની વૈશ્વિક ઈકોનોમી, વિદેશમાં વડા પ્રધાનની બોલબાલા વગેરે બાબતોથી ભારત બહાર કદ જરૂર વધ્યું, પણ સામાન્ય માણસ પર એનો જોઈએ એવો પ્રભાવ ન પડ્યો. એનું મોંઘવારી અને બેરોજગારીથી પીડાવાનું ઓછું થતું ન હતું. એ બાબતે રાહતની વાતો આવી નહીં. એની સામે કાઁગ્રેસે આર્થિક લાભ ખટાવવાના જે વાયદાઓ કર્યા એટલા માત્રથી પણ સાધારણ માણસને આશ્વાસ્ત થવાનું કારણ મળ્યું. વધારામાં કાઁગ્રેસે એ ચેતવણીઓ આપી કે ભા.જ.પ. જો 400 પાર જશે તો તે સંવિધાન અને અનામત બંધ કરશે. આનો સારો એવો પ્રભાવ મતદારો પર પડ્યો ને ભા.જ.પ.ની સીટો કપાઈ.
ભક્તોએ પણ આ મામલે વિચારવાની જરૂર હતી ને છે. ભા.જ.પ.ની સ્થિતિ ભક્તોએ જ મત આપવામાં આળસ કરીને વણસાડી હોય એવું તો નથીને? હિન્દુત્વની વાતો કરીને ને માત્ર વાતો કરીને, ખરાખોટા વીડિયો વાઇરલ કરીને ભા.જ.પ.ને વિજયી બનાવી દેવાશે એમ માનવું ઠીક ન હતું. જો કે, એ સૌને ય ખબર હતી કે કેવળ વાણી વિલાસથી ભા.જ.પ. જીતે એમ નથી. ભા.જ.પ. તો શું કોઈ જ એ રીતે જીતી ન શકે.
હજીય કૈં બગડયું નથી. ભા.જ.પ.ના વર્ચસ્વવાળી એન.ડી.એ.ની સરકાર તો આવી જ છે. નરેન્દ્ર મોદી જ ત્રીજી વખત વડા પ્રધાન પણ બન્યા છે, એટલે મૂળમાંથી જ ભક્તો ને કાર્યકરો નક્કર ભૂમિકાએ સક્રિય થાય તો પ્રજા તો સ્થિર અને મજબૂત શાસન ઈચ્છે જ છે એની કોણ ના પાડે એમ છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જૂન 2024