જૂન મહિનાના આ દિવસો નવા શૈક્ષણિક વરસના આરંભના છે. પરિણામો અને પ્રવેશનો માહોલ સર્વત્ર જોવા મળે છે. ૧૫ થી ૧૮ વરસના તરુણો જીવનમાં પ્રથમ વખત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણની પરીક્ષારૂપી વૈતરણી પસાર કરે છે. જે એક બાબત આ દિવસોમાં અધોરેખિત કરીને કહેવી જોઈએ તે એ છે કે દસમી-બારમીના પરિણામોમાં નાપાસ થયેલા છાત્રો નવા શૈક્ષણિક વરસે વર્ગખંડોમાં ‘યસ સર’, ‘પ્રેઝન્ટ મેડમ’, ‘જય હિંદ’ કે ‘જય ભારત’ બોલીને તેમની હાજરી પુરાવતા જોવા નહીં મળે . ગુજરાતમાં અને દેશમાં આવા નાપાસ વિધ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે. એસ.એસ.સી. અને એચ.એસ.સી.માં નાપાસ થયેલા આપણા આ લાખો તરુણો વિધાર્થી મટીને અસંગિઠત ક્ષેત્રના મજૂરો બની જતા હોવાની પ્રબળ સંભાવના છે. એમની સરકાર કે સમાજને જ્યારે ઝાઝી દરકાર નથી ત્યારે તાજેતરમાં રાજકોટના રામકૃષ્ણ આશ્રમે નાપાસ વિધાર્થીઓનું જાહેર સન્માન કર્યું અને પરીક્ષામાં નિષ્ફળતા વિધાર્થીઓની નહીં આપણી શિક્ષણ પદ્ધતિની છે તેમ જાહેર કર્યું તે ટાણાસરનું છે.
સરકારોને પોતાની નિષ્ફળતા છૂપાવવાની કે સિદ્ધિઓની રાઈને પહાડ બનાવી દર્શાવવાની આદત હોય છે. એટલે જાહેર પરીક્ષાઓના પરિણામોમાં માત્ર નિયમિત વિધાર્થીઓની સફળતા ચીતરી ઉત્તીર્ણ વિધાર્થીઓની મોટી ટકાવારી દર્શાવી વાહવાહી મેળવી જાતેને જાતે ખુદની પીઠ થપથપાવે છે. આ વરસના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમિત, રિપિટર અને ખાનગી એમ કુલ વિધાર્થીઓનું સરેરાશ પરિણામ અને માત્ર નિયમિત વિધાર્થીઓના પરિણામમાં ૧૦ થી ૧૫ ટકાનો તફાવત જોવા મળે છે. ૧૦મા ધોરણમાં કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા ૧૧,૦૦,૫૧૪ હતી. તેમાંથી ૫,૯૭,૧૦૧ વિધાર્થીઓ પાસ થતાં અને ૫,૦૩,૪૧૩ નાપાસ થતાં પરિણામ ૫૪.૨૫% આવ્યું છે. પરંતુ માત્ર નિયમિત ૮,૨૨,૮૨૩ પરીક્ષાર્થીઓમાંથી ૫,૫૧,૦૨૩ પાસ થતાં ટકાવારી ૬૬.૯૭% થાય છે.એટલે ૧૨ %નો તફાવત છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ પરીક્ષાર્થીઓ ૫,૧૦,૫૧૦ હતા. તેમાંથી ૨,૯૮,૯૪૦ પાસ થયા છે એટલે નિયમિત, રિપિટર અને ખાનગી એમ ત્રણેય પ્રકારના કુલ વિધાર્થીઓનું રિઝલ્ટ ૫૮.૫૫ ટકા છે પરંતુ માત્ર નિયમિત પરીક્ષાર્થીઓનું રિઝલ્ટ ૭૩.૨૭ % એટલે કે કુલ વિધાર્થીઓના પરિણામની તુલનામાં ૧૫ % વધુ છે. આ આંકડાઓ એ પણ ઈંગિત કરે છે કે દસમા ધોરણમાં સફળ થયા પછી પણ તમામ વિધાર્થીઓ આગળ અભ્યાસ ચાલુ રાખતા નથી. જો તેમ થતું ન હોત તો ૧૦મા કરતાં ૧૨માના પરીક્ષાર્થીઓની સંખ્યામાં લાખોની ઘટ ન હોત.
ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ અને તેની સફળતા નિષ્ફળતાની કહાની તો વળી કંઈક ઓર જ છે. ગત વરસોના રિઝલ્ટની તુલનામાં આ વરસનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વધ્યું છે પરંતુ દસમા ધોરણનું અને ૧૨ સાયન્સનું રિઝલ્ટ ઘટ્યું છે. વળી આ ઘટાડો પ્રતિ વર્ષ વધતો રહે છે તે મોટી ચિંતાનો વિષય બનવો જોઈએ. બાર સાયન્સમાં સૌથી વધુ ૩૩,૫૫૬ વિધાર્થીઓ કેમેસ્ટ્રી વિષયમાં નાપાસ થયા છે. સાયન્સ સ્ટ્રીમના વિધાર્થીઓમાં સરળ મનાતા કેમેસ્ટ્રી વિષયમાં આ વરસે મોટી સંખ્યા નાપાસની છે તેનું રહસ્ય, અટપટુ અને અઘરું પ્રશ્નપત્ર મનાય છે. ધોરણ ૧૨ સાયન્સમાં ત્રણ વિષયમાં નાપાસ થનારાની સંખ્યા ૧૭,૮૦૩ છે. પર્સન્ટાઈલ અને પર્સન્ટેજના ખેલમાં પણ રહસ્યમય સફળતાની કહાનીઓ છૂપાયેલી હોય છે. જે વિધાર્થી પર્સન્ટાઈલમાં અગ્ર હોય તે પર્સન્ટેજમાં પાછળ હોય તેવું બને છે. ૯૧% પર્સન્ટાઈલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬.૭% છે પરંતુ ૯૧% પર્સન્ટેજવાળા ૦૦.૨% જ છે. આ વરસના બાર સાયન્સના પ્રમાણમાં ઓછા રિઝલ્ટથી તબીબી વિદ્યા શાખાઓમાં પ્રવેશ સરળ બનશે, સ્પર્ધા ઘટશે તો ઈજનેરી વિદ્યાશાખાઓની હજારો બેઠકો ખાલી રહેશે.
તેજસ્વીતામાં અસમાનતા ગામ અને શહેર વચ્ચે કે મોટા શહેર અને નાના નગર વચ્ચે હોય છે તેવી માન્યતા ઘણેઅંશે આ પરિણામો તોડે છે. એજ્યુકેશન હબ ગણાતો રાજ્યની રાજધાનીનો જિલ્લો ગાંધીનગર શિક્ષણમાં પછાત છે તેવું આ પરિણામોએ પુરવાર કર્યું છે. સમગ્ર રાજ્યના જિલ્લાવાર પરિણામોમાં ધોરણ ૧૨ સાયન્સમાં ગાંધીનગર ૧૪મા ક્રમે છે. એટલું જ નહીં કચ્છ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જેવા પછાત મનાતા જિલ્લા તેના કરતાં પરિણામમાં આગળ છે. આદિવાસી વિસ્તારોના રિઝલ્ટ હજુ સુધર્યા નથી. ધોરણ ૧૨ સામાન્યમાં અમદાવાદ શહેરના પરિણામમાં નવરંગપુરા કેન્દ્ર મોખરે છે. પરંતુ નવાઈ લાગે તેવી હકીકત એ છે કે દસમા ધોરણનું અમદાવાદનું સૌથી ઓછું પરિણામ બોપલ કેન્દ્રનું છે ! પરીક્ષાર્થીઓની કુલ સંખ્યામાં કન્યાઓનું પ્રમાણ ઓછું છે અને તે રીતે આપણી પિતૃસત્તા બરકરાર છે અને બેટીઓને ઓછી જ ભણાવાય છે પરંતુ પરિણામોમાં તે છોકરાઓ કરતાં અવ્વલ છે. ગુજરાતના બોર્ડ કરતાં સી.બી.એસ.સી. બોર્ડનું પરિણામ ઊંચું છે. તો વળી ગુજરાત બોર્ડના એન.સી.આર.ટી.ના સિલેબસનું પરિણામ ઊંચું છે. ત્રણેય જાહેર પરીક્ષામાં અંગ્રેજી માધ્યમનું પરિણામ જ વધુ છે. આ બાબતો દર્શાવે છે કે આપણે કેટકેટલી અસમાનતા અને ભેદભાવ ભાંગવાના છે.
પરિણામોના સબળા નબળા હોવાના મૂળમાં તો ખાડે ગયેલું પ્રાથમિક શિક્ષણ છે. સરકારી શાળાઓની ગુણવત્તા હવે સ્તરહીન બની ગઈ છે. ખાનગી શિક્ષણની સર્વત્ર બોલબાલા છે. ‘ધ ઈકોનોમિસ્ટ”ના એક સર્વે મુજબ ભારતીય માબાપ તેમની આવકનો ૪% ખર્ચ બાળકોના ખાનગી શિક્ષણ પાછળ ખર્ચે છે. જે અમેરિકા (૨.૫ %) અને યુરોપ (૧%) કરતાં ઘણો વધારે છે. ચીન એના રૂ.૩.૯૫ લાખના કુલ શિક્ષણ બજેટમાંથી રૂ. ૧.૨૧ લાખ હાયર એજ્યુકેશન માટે તો ભારત રૂ. ૮૭,૦૦૦ કરોડમાંથી રૂ. ૩૧,૫૦૦ કરોડ હાયર એજ્યુકેશન માટે વાપરે છે. એટલે સરકારની પ્રાયોરિટી ક્યા શિક્ષણ તરફ વધુ છે તે જણાય છે. નોકરી અને ડિગ્રીના વિચ્છેદની વાતો ખૂબ કહેવાય છે પણ હાલનું શિક્ષણ રોટલો કમાવી આપે તેવું નથી. નેશનલ સ્ટેસ્ટિસ્ટિક ઓફિસના એક સર્વે મુજબ ૨૦૧૭-૧૮ના વરસમાં શહેરોમાં અભણ બેરોજગાર ૨.૧ % હતા. પણ ભણેલા બેરોજગાર ૯.૨% હતા. શાયદ એટલે જ ગુજરાત સરકાર હવે શિક્ષિત બેરોજગારને રોજગારલક્ષી કૌશલ્ય પૂરું પાડતા શિક્ષણ સંબંધી કાયદો ઘડવા વિચારી રહી છે.
જાહેરજીવનના કવિ ઉમાશંકર જોશીએ તેમના આત્મકથનાત્મક લખાણોના પુસ્તક “થોડુંક અંગત”માં લખ્યું છે : “જીવન ઘડતરમાં માધ્યમિક શાળાના શિક્ષકોનો પ્રભાવ ઘણો વધારે પડે છે એવું મને હંમેશાં લાગ્યા કર્યું છે. પ્રાથમિક શાળાનો અનુભવ કેટલોક વીસરાઈ જાય છે અને કોલેજ વખતે પાકા ઘડા જેવા હોઈએ છીએ. માધ્યમિક શાળામાં જેને સારા શિક્ષક મળ્યા તે સદ્દભાગી.” (પૃષ્ઠ-૧૦) માધ્યમિક – ઉચ્ચતર શાળાંત પરીક્ષાના પરિણામોને ઉમાશંકર જોશીના અનુભવનિરીક્ષણ સાથે મૂલવતાં ચિંતા થવી સહજ છે.
e.mail : maheriyachandu@gmail.com
(પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 12 જૂન 2019)