Question-Poems – પ્રશ્નકાવ્યો
૧૪
હું હતો જે બાળક તે ક્યાં છે?
હજી યે મારામાં? કે ગૂમ?
૧૫
જો મારો આત્મા જ ચાલી ગયો છે દૂર,
તો પછી આ હાડપિંજર શું લેવા મારો પીછો કરે છે?
૧૬
મેઘધનુષ્ય ક્યાં આથમે છે,
તારા આત્મામાં કે ક્ષિતિજ પર?
૧૭
તું ઊંઘતો’તો ત્યારે તારા સ્વપ્નમાં
તને ભોગવી ગયું એ કોણ હતું?
૧૮
ક્યાં જતી રહે છે સ્વપ્નમાં આવેલી ચીજો,
શું એ બીજાના સ્વપ્નમાં સરકી જાય છે?
૧૯
તારા સ્વપ્નમાં જીવન્ત પિતા
તું જાગે પછી શું ફરીથી મરી જાય છે?
૨૦
કોણ ભલા સમજાવી શકે સાગરને
માપમાં રહેવાનું?
૨૧
મોજાંઓ મને એ-ના-એ સવાલો
કેમ કર્યા કરે છે, જે મેં એમને કરેલા?
૨૨
જે ચુમ્બનો ખીલીને કદી મ્હૉરવાનાં નથી,
એ બતાવીને શું વસન્ત છેતરતી નથી?
૨૩
હું ક્યારેક જ દુષ્ટ કે પછી
હમેશાં સજ્જન?
૨૪
એવું નહીં કે દુરિતનાં ગુલાબ શ્વેત
અને શુભનાં પુષ્પ શ્યામ?
૨૫
પ્રેમ પેલાનો પ્રેમ પેલીનો બધું પ્રેમ પ્રેમ
છતાં જો એ લોકો ચાલી ગયાં, તો ક્યાં ચાલી ગયાં?
૨૬
ગઈ કાલે મેં મારી આંખોને પૂછ્યું
આપણે એકમેકને ક્યારે નીરખીશું?
= = =
(Sep2001 – 03Feb25USA)
•••••••
૨૭
અને, હું ઊંઘતો હતો કે બીમાર હતો,
ત્યારે મારા વતી જીવવા કોણ નીકળી પડેલું?
૨૮
આટલા બધા વ્યર્થ આવેશથી
મોજાં શાને પછડાય છે ખડક જોડે?
૨૯
ઝૂમખામાં દ્રાક્ષ છે બાર
એવું તેઓ કયા અધિકારથી કહે છે, ભલા?
૩૦
ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચે પણ હોય છે
એક મહિનો, એનું તમે શું નામ પાડશો?
૩૧
બધી નદીઓ જો છે મીઠી,
તો સાગર પોતાની ખારાશ લાવે છે ક્યાંથી?
૩૨
મકાઈનાં ખેતરોનું સોનું,
તેઓએ તોલ્યું હોય છે ખરું?
૩૩
ધાતુનું ટીપું શું મારા કોઈ
ગીતની શ્રુતિ સમું ચમકી શકે છે?
૩૪
તારા હૃદયમાં સરકી ગયું એ નામ
નારંગી જેવું ન્હૉતું?
૩૫
સૂસવતા ચક્રવાત-પવનો ઊભા રહી જાય
ત્યારે એને શું ક્હૅશો?
૩૫
જોડણીકોશ કશી કબર છે
કે પછી સીલ કરેલો મધપૂડો?
૩૬
મારી કરુણગાન કવિતા કદી મારી નજરે
કશું જોશે ખરી?
૩૭
મારા રક્તનો કદી કશો જેમને સ્પર્શ નથી,
એ લોકો મારી કવિતા વિશે શું ક્હૅવાના?
૩૮
શું એ સાચું છે કે આપણી ઇચ્છાઓને
આપણે ઝાકળ પાઈને ઊછેરવી જોઈએ?
૩૯
આ ચાંદરણાંની જાળમાં છે
એ પંખીઓ છે કે માછલાં?
૪૦
છેવટે હું મને મળ્યો, શું એ એ જ જગ્યા છે
જ્યાં એ લોકોએ ગુમાવ્યો’તો મને?
૪૧
પાબ્લો નેરુદા તરીકે ઓળખાવા જેવું
જીવનમાં કશું ય મૂરખામીભર્યું ખરું?
= = =
(From William O’Daly’s English translation of Pablo Neruda’s “Book of Questions”. It was first published in 1991)
(09Feb25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર