વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં વન નેશન, વન ઇલેક્શન-નું વચન આપેલું તે દિશામાં એક દાયકે આગળ વધવાના સંકેતો મળી રહ્યા છે, તે એટલે કે પી.એમ.ની આગેવાની હેઠળની કેબિનેટે ‘એક દેશ, એક ચૂંટણી’ના પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતાં કહ્યું કે 2029માં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજી શકાશે અને તેના 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પણ કરાવવાની રહેશે. આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં અને રાજ્યસભામાં એ પસાર થાય તો પણ આ બિલને ઓછામાં ઓછી 15 રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી પણ મળવી જોઈએ ને એ પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળે તો જ તેનો અમલ શક્ય બને.
15 ઓગસ્ટ, 2024ની સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આપેલાં ભાષણમાં વન નેશન, વન ઇલેક્શન-ની હિમાયત કરતાં કહ્યું હતું કે વારંવારની ચૂંટણી દેશની પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી છે. આમ તો ‘વન નેશન, વન ઇલેક્શન’ અંગે વિચારણા કરવા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ને રોજ 8 સભ્યોની કમિટી રચવામાં આવી હતી, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્યો હતા. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવાયા હતા. આ સમિતિએ 191 દિવસનાં રિસર્ચને અંતે 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 18,626 પાનાંનો રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી તૈયાર કરવામાં આવ્યો છે. કોવિંદ કમિટીએ 7 દેશની ચૂંટણી પ્રક્રિયા પર સંશોધન કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં 2029માં એક સાથે ચૂંટણી કરાવવાનું લક્ષ્ય છે. એને આધારે વિધાનસભા અને શહેરી સંસ્થાઓનું ચૂંટણીનું મોડેલ આપવામાં આવ્યું છે. એ મુજબ કેટલાં ય રાજ્યોનું ચૂંટણી કેલેન્ડર બદલાય એમ બને. ગુજરાત સહિત 6 રાજ્યોનો કાર્યકાળ સત્તરેક મહિના સુધી ઘટે એવી શક્યતા છે. બને કે ગુજરાતમાં ચૂંટણી એકાદ વર્ષ વહેલી આવે.
આમ તો એક સાથે ચૂંટણી યોજવાનું મુશ્કેલ છે, પણ તે થાય તો તેનાં લાભ પણ છે. પહેલો લાભ તો એ જ કે એક સાથે ચૂંટણી થશે તો કરોડોના ખર્ચમાં રાહત થશે. નિષ્ણાતોનું માનવું છે કે એક સાથે ચૂંટણીઓ થશે તો 30 ટકા ખર્ચ ઓછો થશે. એક જ તબક્કે દેશભરમાં ચૂંટણી થતાં થોડે થોડે વખતે થતી ચૂંટણીઓમાંથી પણ મુક્તિ મળશે. આર્થિક વિશેષજ્ઞોનું કહેવું છે કે એક સાથે ચૂંટણી યોજાય તો જી.ડી.પી.માં 1.5 ટકા સુધીની વૃદ્ધિ થઈ શકે. વડા પ્રધાન કહે છે તેમ એક સાથે ચૂંટણી પછી વિકાસ પર ફોકસ કરી શકાશે. આ બિલ લાગુ થશે તો સરકાર ખરેખર સાડા ચાર વર્ષ કામ કરી શકશે. વારંવાર લાગુ થતી આચારસંહિતાથી કેટલાં ય કામો ખોરંભે ચડતાં હતાં એ કામો ટલ્લે ચડવાનું અટકશે, કાળાં નાણાં પર નિયંત્રણ આવશે, એવું સમિતિનું માનવું છે. આનો લાભ નાની પાર્ટીઓને પણ થશે. એક સાથે ચૂંટણી યોજાતાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ માટે અલગ અલગ પ્રચાર નહીં કરવો પડે, પરિણામે ખર્ચ ઘટશે. સમિતિએ આ મુદ્દે 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો ને તેમાંથી 32 પક્ષોએ વન નેશન, વન ઇલેક્શન-ને સમર્થન આપ્યું હતું અને 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. (બાકીના 15 પક્ષોની કોઈ પ્રતિક્રિયા જ ન હતી) 15 પક્ષોને ખરેખર વાંધો કઈ બાબતનો હતો એ વાત ત્યારે જાણવા મળી ન હતી.
જો કે, વન નેશન, વન ઇલેક્શનનો પ્રસ્તાવ મોદી કેબિનેટમાં પસાર થતાં જ વિપક્ષોએ પસ્તાળ પાડી છે. કાઁગ્રેસ, ‘આપ’ અને અન્ય પક્ષોએ વાંધો એ રીતે ઉઠાવ્યો છે કે જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી નજીક છે. આ વિધાનસભાઓની ચૂંટણી એક સાથે ન કરાવી શકાતી હોય તો આખા દેશની લોકસભાની અને વિધાનસભાની એક સાથે ચૂંટણી કેવી રીતે શક્ય છે? કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે અને અન્ય વિપક્ષો તો વન નેશન, વન ઇલેક્શનને જ ચીપ સ્ટંટ ગણાવે છે ને મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા જ સરકાર આવાં ગતકડાં કરે છે એમ માને છે. ખડગેને એક સાથે ચૂંટણી કરાવવાનો આખો મુદ્દો જ અવ્યવહારુ લાગે છે. તેમનું માનવું છે કે આમ કરવું બંધારણની અને સંઘવાદની વિરુદ્ધ છે. દેશ એ ક્યારે ય નહીં સ્વીકારે. તૃણમૂલ કાઁગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા સહિત ઘણી વિપક્ષી પાર્ટીએ આ મુદ્દે ભા.જ.પ.ની નિયત પર શંકા કરી છે. સ.પા. પ્રમુખ અખિલેશ યાદવે તો આમાં પણ ચૂંટણીનું ખાનગીકરણ જોતાં સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટણીનાં પરિણામો બદલવાનો આ કારસો તો નથીને? આ સવાલ એટલે પણ થાય છે કે કાલ ઊઠીને સરકાર એમ કહી શકે કે સાધનોની ટંચાઈને કારણે ચૂંટણીનું કામ પણ ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપીએ છીએ. આવું થવાની શંકા વિપક્ષોને છે. તેમનું માનવું છે કે એક દેશ, એક ચૂંટણીની વાત જ બંધારણનાં ઢાંચાની વિરુદ્ધ છે ને તે રાજ્યના અધિકારો પર પણ તરાપ મારનારી છે.
બીજી તરફ વડા પ્રધાનનું માનવું છે કે કેબિનેટે એક સાથે ચૂંટણીની વાતને મંજૂરી આપીને લોકશાહીની મજબૂતાઈનું અને વિવિધતાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. તેમણે તો પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના પ્રયાસોનો આભાર પણ માન્યો છે.
સમિતિએ કેટલાંક સૂચનો પણ કર્યાં છે, જેમ કે, લોકસભાની ચૂંટણી 2029માં આવે ત્યાં સુધી તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ લંબાવવો પડે. ચૂંટણી પંચે એક જ મતદાર યાદી અને વૉટર્સ આઈ કાર્ડ તૈયાર કરવા પડે. કોવિંદ કમિટીએ એક સાથે ચૂંટણી યોજી શકાય તે માટે જરૂરી સાધનોની, સુરક્ષાની અને મેન પાવરની વ્યવસ્થા કરવાનું પણ સૂચન કર્યું છે. નવી દિલ્હી ચૂંટણી પંચના મતે 2024ની લોકસભાની ચૂંટણીમાં 12 લાખ પોલિંગ સ્ટેશન બનાવાયાં હતાં. 2029માં એ આંકડો વધીને સાડા તેર લાખનીયે પાર જઈ શકે. વારુ, લોકસભા-વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાય તો ઇ.વી.એમ.નાં સાડા છવ્વીસ લાખથી વધુ બેલેટ યુનિટ, 17.78 લાખ કંટ્રોલ યુનિટ અને અંદાજે 17.80 લાખ વી.વી.પેટની ઘટ પડે. આ મશીનો પાછળ 7,951 કરોડનો વધારાનો ખર્ચ કરવાનો થશે. ચૂંટણી પંચે એ પણ ઉમેર્યું કે ઇ.વી.એમ. માટે વેરહાઉસ પણ ઓછાં છે. તે ઉપરાંત ચૂંટણીકર્મીઓની સંખ્યા પણ વધારવી પડે. લોકસભાની 2024ની ચૂંટણીમાં 70 લાખ કર્મચારીઓની જરૂર પડી હતી. વળી દર પાંચ વર્ષે 15 ટકા ચૂંટણી કર્મચારીઓ વધારવા પડે છે એ હિસાબે 2029ની લોકસભાની ચૂંટણીમાં 80 લાખથી પણ વધુ કર્મચારીઓની જરૂર પડે એમ બને.
હાલના સંજોગોમાં વન નેશન, વન ઇલેક્શન લાગુ કરવાનું થાય તો કેટલાંક રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ ઘટાડવાનો થાય, તો જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 2024નાં ડિસેમ્બર સુધીમાં યોજાવાની છે, તેનો કાર્યકાળ લંબાવવાનો પણ થાય. રિપોર્ટમાં એમ પણ છે કે બધા પક્ષો લૉ કમિશનના પ્રસ્તાવ પર સંમત થશે તો એક સાથે ચૂંટણી 2029માં જ આપવામાં આવશે. એને માટે 25 રાજ્યોમાં ડિસેમ્બર 2026 સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની થશે. પ્રથમ તબક્કામાં નવેમ્બર, 2025માં બિહાર, આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, અને પુડુચેરીમાં ચૂંટણી યોજવી પડે. બિહારમાં કાર્યકાળ પૂરો થશે ને તે પછી સાડાત્રણ વર્ષ જ ચાલશે. એ સિવાયનાં પાંચ રાજ્યોમાં વર્તમાન કાર્યકાળમાં 3 વર્ષ 7 મહિનાનો ઘટાડો થશે. એ પછીનો કાર્યકાળ પણ સાડાત્રણ વર્ષનો જ હશે. બીજા તબક્કામાં 11 રાજ્યોમાં ડિસેમ્બર, 2026માં મતદાન આવે. એ બધાં રાજ્યોનો કાર્યકાળ 13થી 17 મહિનાથી માંડીને 3થી 5 મહિના સુધી ઘટી શકે. આ બે તબક્કા પછી દેશની તમામ વિધાનસભાનો કાર્યકાળ જૂન, 2029માં પૂરો થશે.
વન નેશન, વન ઇલેક્શનની વાત કોઈને નવી લાગે, પણ ભારતમાં 1952, 1957. 1962 અને 1967માં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઇ હતી. એ શિડ્યુલ એટલે તૂટયું કે 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ ભંગ કરવામાં આવી. એ પછી 1970માં લોકસભા પણ ભંગ કરવામાં આવી જેને લીધે એક દેશ, એક ચૂંટણીનો ક્રમ ખોરવાયો. 1983માં પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધી સામે પણ એક દેશ, એક ચૂંટણીનો પ્રસ્તાવ આવ્યો હતો, પણ તેમણે તે ફગાવી દીધો હતો ને હવે ફરી એ મુદ્દો ચર્ચામાં છે. સરકારનો હેતુ એક સાથે ચૂંટણી યોજીને ખર્ચ, સમય અને વારંવાર એકથી વધુ સ્થળોએ યોજાતી વિવિધ ચૂંટણીઓને કાબૂ કરવાનો હોય તો પણ, બંધારણમાં સંશોધન વગર એ શક્ય નથી, એટલું જ નહીં, વિપક્ષો આ બિલ કાયદા સુધી ન પહોંચવા દે એમ પણ બને.
છતાં શિયાળુ સત્રમાં બિલ રજૂ થાય ત્યારે ખરેખર શું થાય છે તેની પ્રતીક્ષા કરવાની રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 સપ્ટેમ્બર 2024