ડિમાઈ કદનાં લગભગ ૪૬૦ પાનાં. તેમાં દોઢ સો જેટલાં ચિત્રો, ઘણાં તો બહુરંગી. ૧૮૬૬માં એ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ. બીજે જ વર્ષે, ૧૮૬૭માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. એ વખતે ‘ગુજરાતી ભાષા બચાવો’નું આંદોલન ચાલતું નહોતું, છતાં અંગ્રેજી અખબારો અને મેગેઝીનોમાં ગુજરાતી પુસ્તકોનાં અવલોકનો પણ પ્રગટ થતાં. ૧૮૬૬ના જુલાઈની ૧૬મી તારીખે “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા”માં અને અને ચોથી ઓગસ્ટના “બોમ્બે સેટરડે રિવ્યુ”ના અંકમાં એ પુસ્તકનું અવલોકન પ્રગટ થયેલું. “બોમ્બે સેટર ડે રિવ્યુ”એ લખેલું કે છાપકામની દૃષ્ટિએ આના કરતાં વધુ સુંદર હોય તેવું બીજું કોઈ પુસ્તક મુંબઈના કોઈ પણ છાપખાનામાં આજ સુધીમાં છપાયું નથી. આ પુસ્તકનો મરાઠી અનુવાદ પણ પ્રગટ થયેલો, ૧૮૬૬માં જ.
એ પુસ્તકનું નામ ‘ઇંગ્લન્ડમાં પ્રવાસ’. એના લખનાર હતા કરસનદાસ મુલજી (પુસ્તકના ટાઈટલ પેજ પર આ રીતે નામ છાપ્યું છે). ૧૮૩૨ના માર્ચની ૨૫મી તારીખે મુંબઈમાં જન્મ. ફક્ત ૩૯ વર્ષની ઉંમરે ૧૮૭૧ના ઓગસ્ટની ૨૮મી તારીખે લીમડી ગામમાં અવસાન. કરસનદાસ એટલે ૧૯મી સદીના આપણા અગ્રગણ્ય સમાજ સુધારક, ત્રણ ત્રણ સામયિકોના તંત્રી. મહારાજ લાયબલ કેસને કારણે તેમનું નામ દેશમાં અને દેશની બહાર પણ ગાજેલું. બીજાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, પણ તેમની લેખક તરીકેની સિદ્ધિ અને પ્રસિદ્ધિ મુખ્યત્ત્વે આ પુસ્તકને પ્રતાપે. તેમને ઇંગ્લન્ડનો પ્રવાસ બે વખત કરેલો. પહેલો ૧૮૬૩માં. આ પુસ્તકમાં તેમણે એ પ્રવાસની વાત કરી છે. એ વખતે દરિયો ઓળંગવો એટલે મહાપાતક. પાછા આવ્યા પછી જ્ઞાત બહાર મુકાયેલા. મહીપતરામ નીલકંઠને પણ તેમણે કરેલા ઇન્ગ્લન્ડના પ્રવાસને કારણે ન્યાત બહાર મૂકેલા. પણ તેમણે નાકલીટી તાણી, દંડ ભરી, પ્રાયશ્ચિત્ત કરેલું અને ન્યાતમાં પાછા દાખલ થયેલા. જ્યારે કરસનદાસ મરતાં સુધી અડીખમ રહેલા. પોતાને માથે આફત આવશે એની કરસનદાસને પહેલેથી ખબર હતી. એટલે આ પુસ્તકને અંતે તેઓ લખે છે : ‘વિલાયત જનારા પહેલા થોડા એક ગૃહસ્થો ઉપર દુઃખ પડ્યાથી વિલાયતનો રસ્તો બંધ પડશે એમ તમે કદી માનશો ના. ભાઈ મહીપતરામ ઉપર આ બાબતમાં દુઃખ પડ્યું તે જોઇને જેમ હું અટક્યો નહિ, તેમ મને જોઈને બીજાઓ અટકશે નહિ તેમ હું માનું છું.’
કરસનદાસનું પુસ્તક જોતાં જણાય છે કે તેમણે અત્યંત વ્યવસ્થિત રીતે, આયોજનપૂર્વક આખું પુસ્તક લખ્યું છે. પુસ્તક બાર પ્રકરણમાં વહેંચાયેલું છે અને પ્રત્યેક પ્રકરણમાં બાર-બાર ‘બાબત’ વિષે લખ્યું છે. પહેલા પ્રકરણમાં વિલાયતની સમગ્ર છાપ, તેની મુસાફરીથી થતા લાભ, પ્રાચીન સમયના હિંદુઓમાં વિદેશ પ્રવાસનો ચાલ, અને પછીથી એ ચાલ બંધ પડવાનાં કારણો, વગેરેની લેખકે ચર્ચા કરી છે.
૧૮૬૩ના માર્ચની ૧૩મી તારીખે સવારે કરસનદાસે મુંબઈનું બારું છોડ્યું ત્યારે તેમની આગબોટ પર ત્રણ દક્ષિણી (મહારાષ્ટ્રી) હિંદુ અને તેમના ત્રણ નોકરો, ચાર પારસીઓ અને તેમના ત્રણ પારસી નોકરો, પોતે અને પોતાનો નોકર, એમ કુલ ૧૫ હિંદીઓ હતા એમ તેમણે નોંધ્યું છે. (મુસાફરી દરમ્યાન રસોઈ કરવા માટે સાથે નોકર લઈ જવાનો એ વખતે ચાલ હતો, જેથી ‘ધરમ’ સચવાય!) આગબોટનું નામ હતું જેદ્દો. બીજા પ્રકરણમાં લેખકે દરિયાઈ મુસાફરીની અને રસ્તામાં આવેલાં એડન, કેરો, માલટા, માર્સેલ્સ, પારિસ વગેરે વિષે ટૂંકમાં લખ્યું છે. નવમી એપ્રિલે સાંજે પાંચ વાગે કરસનદાસે લંડનની ભૂમિ પર પહેલી વાર પગ મૂક્યો. ડોવરથી લંડન-બ્રિજ રેલવે સ્ટેશન સુધીની મુસાફરી તેમણે ‘આગની ગાડી’માં કરેલી. એ સ્ટેશન પર ઉતરતાં વેંત કરસનદાસની નજરે સૌથી પહેલું શું પડે છે? બહુ જ મોટા અક્ષરે લખેલું પાટિયું : ‘બીવેર ઓફ પિકપોકેટસ.’ ચોર-લૂંટારા તો ફક્ત હિન્દુસ્તાનમાં જ હોય એવું નથી, અહીં પણ છે – કરસનદાસ વિચારે છે. જો કે પોતે ઇન્ગ્લન્ડમાં છ મહિના રહ્યા તે દરમ્યાન પોતાને ચોરી-ચપાટીનો એક પણ અનુભવ થયો નહિ એમ તેઓ ઉમેરે છે.
કેવું હતું એ વખતનું લંડન? ઘરો ઉપર ધૂમાડિયાં(ચીમની)નાં લાલ ભૂંગળાં છાપરાંની બહાર ડોકાતાં ચોતરફ દેખાય છે. તેમાંથી નીકળતો ધૂમાડો આખા શહેરમાં પ્રસરે છે. આથી ઘણાંખરાં ઘરોનો રંગ બહારથી કાળો પડી ગયો છે. શહેરમાં એટલો ધૂમાડો હોય છે કે આખો દિવસ બહાર ફરીને સાંજે ઘરે પાછા આવીએ ત્યારે હાથ-પગ-મોં કાળાં થઇ ગયાં હોય ! તો ત્રીજા પ્રકરણમાં લેખકે શહેરનાં વસ્તી, વિસ્તાર, રસ્તા, ચોક, ગાડી અને ઘોડા, દુકાનો અને બજાર, અખબારો અને જાહેર ખબરો, બગીચા, પૂતળાં, ફુવારા, નદી, પૂલો, અને રાતે આખા શહેરને ઝગમગાવતા ગેસના દીવા – આ બધાં વિષે લખ્યું છે. તો પછીના એક પ્રકરણમાં બ્રિટીશ મ્યુિઝયમ, પોલિટેકનિક ઇન્સટીટ્યૂટ, ઝુઓલોજિકલ ગાર્ડન, “લંડન ટાઈમ્સ”નાં ઓફિસ અને છાપખાનું, થેમ્સ ટનલ અને ટાવર ઓફ લંડન, વેસ્ટ મિન્સ્ટર એબી, હાઉસ ઓફ પાર્લામેન્ટ, વગેરે વિષે પણ વિગતે લખ્યું છે. છઠ્ઠા પ્રકરણમાં લંડનની નાટકશાળાઓ, માદામ તુસેનું વેક્સ મ્યુિઝયમ, નેશનલ ગેલેરી, વગેરે વિષે વાત કર્યા પછી સાતમાં પ્રકરણમાં લંડનના લોકો, તેમની સામાજિક-આર્થિક સ્થિતિ, તેમના રીત રિવાજો, અને જીવનશૈલીની ચર્ચા કરી છે. એટીકેટ, ગુણો, વગેરેની વાત કર્યા પછી ઇન્ગ્લન્ડની મોટાઈનાં બાર કારણો તેમણે આપ્યાં છે : વિદ્યા, હુન્નર, કોલસો, લોઢું, કારખાનાં, રેલવે, એક ભાષા, વેપાર, દયાળુ સરકાર. લંડન ઉપરાંત માન્ચેસ્ટર, લિવરપૂલ, એડીનબરા, ગ્લાસગો, વગેરેની મુલાકાત પણ લેખકે લીધેલી તેની વાતો પણ અહીં સમાવી છે.
ચિત્રો એ આ પુસ્તકનું એક આગવું અંગ છે. પહેલી આવૃત્તિ મુંબઈમાં નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાયેલી અને તેમાં પણ ઘણાં ચિત્રો મૂક્યાં હતાં. પણ ૧૮૬૭ની બીજી આવૃત્તિમાં તેમણે ઘણાં ચિત્રો ઉમેર્યાં હતાં, લખાણમાં સુધારા-વધારા કર્યા હતા. આ આવૃત્તિ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છાપી હતી. એ જમાનામાં તેની કિંમત બાર રૂપિયા હતી ! તેની ૭૦૦ જેટલી નકલો તે વખતની મુંબઈ સરકારે આગોતરી ખરીદી હતી. પુસ્તકમાં જેટલાં ચિત્રો મૂક્યાં છે તેની અત્યંત વ્યવસ્થિત સૂચિ પુસ્તકને આરંભે ‘ચિત્રની ટીપ’ એવા મથાળા હેઠળ મૂકી છે. તેમાં ખાસ વાત એ છે કે આ સૂચિ ચિત્રો છાપવાની પદ્ધતિ પ્રમાણે વહેંચીને આપી છે. ‘સ્ટીલ પ્લેટ તથા લીથોગ્રાફ’ મથાળા હેઠળ નોંધાયેલાં ૩૬ ચિત્રો બહુરંગી છે અને તે ઇન્ગ્લન્ડમાં છપાવેલાં છે. આપણને થાય કે તેમણે તૈયાર ચિત્રો – સ્ટોક ઈલસ્ટ્રેશન્સ – ખરીદીને પુસ્તકમાં આમેજ કરી દીધાં હશે. (એ વખતે એમ કરવું અસામાન્ય નહોતું.) પણ આ બધાં જ ચિત્રો તેમણે ખાસ પોતાના પુસ્તક માટે જ છપાવ્યાં હતાં. લંડનના ‘મેક-ડોનાલ્ડ એન્ડ મેકગ્રેગોન લીમીટેડ’માં આ ચિત્રો છપાયાં છે અને દરેક ચિત્ર નીચે સાવ ઝીણા અક્ષરે છાપ્યું છે : ‘સ્પેિશયલી પ્રીપેર્ડ ફોર કરસનદાસીઝ ટ્રાવેલ્સ ઇન ઇન્ગ્લન્ડ.’ આ ઉપરાંત ઈલેક્ટ્રોપ્લેટ પદ્ધતિથી ૧૯ ચિત્રો છાપ્યાં છે. ત્રીજો પ્રકાર છે વૂડ કટ અને નાની ઇલેક્ટ્રો પ્લેટનો. આવાં બધાં જ ચિત્રો લખાણની સાથે, વચમાં, કે એક બાજુએ છાપ્યાં છે. તે મુંબઈના પ્રેસમાં જ છપાયાં હોય.
થોડાં વર્ષો પહેલાં ગુજરાત સાહિત્ય અકાદેમીએ કરસનદાસનું આ પુસ્તક ફરી છાપ્યું, પણ તેમાંનાં ઘણાંખરાં ચિત્રો કાઢી નાખ્યાં. એ જમાનામાં એક વ્યક્તિ જે કરી શકી તે આજે સગવડો, સાધનો, પ્રિન્ટ ટેકનોલોજી વગેરે ઘણાં વધ્યાં હોવા છતાં એક સરકારી સંસ્થા ન કરી શકી. આજે તો આપણી ભાષામાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોની નવાઈ રહી નથી, પણ આજથી લગભગ ૧૫૦ વર્ષ પહેલાં પ્રગટ થયેલા આ પુસ્તકની તોલે આવે એવાં બહુ ઓછાં પુસ્તક આપણી પાસે છે.
સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’ નામક દીપક મહેતાની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 03 અૉગસ્ટ 2014