“સિંધીઓ અરધા પારસીઓ જેવા દેખાય છે. પણ તીર્થક્ષેત્રમાં અત્યંત ભાવિકતા બતાવનારા અને ભક્તિથી ગળગળા થનારા યાત્રાળુઓમાં સિંધનો નંબર પહેલો આવે. મહારાષ્ટૃીઓ થોડા વખતમાં અને થોડે ખર્ચે વધારે કેટલું જોવાય અને કેટલા પુણ્યનો સંચય થાય એ તરફ જ નજર રાખનારા હોય છે. ગુજરાતીઓ હંમેશાં ખાવાપીવાની સગવડની શોધમાં ફરતા દેખાય છે, અને બંગાળીઓ પોતાની ભક્તિનો ઊભરો આખી દુનિયાની નજરે બરાબર પડે એ વિષે વધારે ઈન્તેજાર દેખાય છે.”
ના, આ શબ્દો આજકાલના કોઈ બટકબોલા લેખકે નથી લખ્યા છે. એ લખ્યા છે કાકાસાહેબ કાલેલકરે, ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકની છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવનામાં. આ હિમાલયનો પ્રવાસના લેખનની પોતાની પણ લાંબી પ્રવાસકથા છે. આ પ્રવાસ કાકા સાહેબે કરેલો ૧૯૧૨-૧૩ના અરસામાં. લગભગ ચાલીસ દિવસના આ પ્રવાસમાં તેમના બે સાથીઓ હતા અનંત બુવા મર્ઢેકર અને સ્વામી આનંદ. જન્મે મરાઠીભાષી કાકાસાહેબે પોતે કરેલા હિમાલયના પ્રવાસનું વર્ણન ગુજરાતીમાં લખ્યું, જ્યારે ગુજરાતીભાષી સ્વામી આનંદે મરાઠીમાં લખ્યું. જાહેરમાં જેની ક્યારે ય ચર્ચા નથી થઈ એવી એક વાત આ પ્રવાસ પછી બની. બે મિત્રો કાકાસાહેબ અને સ્વામી આનંદ વચ્ચે કોઈક કારણસર અબોલા થયા, જે જીવનભર ટક્યા. પ્રવાસ કર્યા પછી કાકાસાહેબે સાબરમતી આશ્રમના હસ્તલિખિત સામયિક માટે આ વર્ણન લખેલું. તે પછી ૧૯૨૪માં તે પહેલી વાર પુસ્તક રૂપે પ્રગટ થયું. એ વાતને આ વર્ષે નેવું વર્ષ થયા. નવ દાયકા પછી હવે મળે છે અશોક મેઘાણી જેવા નિષ્ઠાવાન અનુવાદક પાસેથી આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ.
કાકાસાહેબે પુસ્તકના નામમાં ભલે ‘પ્રવાસ’ શબ્દનો ઉપયોગ કર્યો. હકીકતમાં એ ‘પ્રવાસ’ કરતાં વધુ તો ‘યાત્રા’ હતી. અનુવાદકે પુસ્તકના નામમાં ઉચિત રીતે જ ‘પિલગ્રિમેજ’ શબ્દ પ્રયોજ્યો છે. પણ આ યાત્રા કેવળ ધાર્મિક ઉદ્દેશથી નથી થઈ. તેની પાછળ ભારતની સંસ્કૃિતને જાણવાની નેમ પણ હતી. ઉમાશંકર જોશી સંપાદિત “સંસ્કૃિત”ના નવેમ્બર ૧૯૪૭ના અંકમાં પ્રગટ થયેલા એક પત્રમાં કાકાસાહેબે જણાવ્યું છે : “ભારત ભૂમિ અને ભારતીય સંસ્કૃિતનું ઉઘાડી આંખે અને જાગરુકપણે ધ્યાન કરવાના પ્રયત્નમાં ‘હિમાલયનો પ્રવાસ’ લખાયો હતો.” અહીં અનુવાદકે સુયોગ્ય રીતે જ ‘પિલગ્રિમેજ’ સાથે ‘કલ્ચરલ’ વિશેષણ ઉમેર્યું છે. માત્ર ‘પિલગ્રિમેજ’ રાખ્યું હોત તો અંગ્રેજીના વાચકને ધાર્મિક પ્રવાસનો આભાસ ઊભો થાત. એક તો ગુજરાતી પુસ્તકોના અંગ્રેજી અનુવાદ થાય જ થોડા. અને જે થાય તેમાંના મોટા ભાગના એવા રેઢિયાળ અંગ્રેજીમાં થયા હોય કે અંગ્રેજીના વાચકે તેનો ફરી જાતે અંગ્રેજીમાં અનુવાદ કરતા જવો પડે. આવી સ્થિતિમાં આ અનુવાદ ઊડીને આંખે વળગે તેવો થયો છે. કોઈ પુસ્તકનો અનુવાદ કરવો એટલે શું, એ જાણવા માટે વાંચવો જોઈએ એવો આ અનુવાદ છે. મૂળ પુસ્તકને કેન્દ્રમાં રાખીને અનુવાદકે ચકાસણી, પૂરવણી, સમજૂતી, સ્પષ્ટતા ખાતર આસપાસમાં કેટલા આંટા માર્યા છે એનો ખ્યાલ અનુવાદકની પ્રસ્તાવના વાંચતાં આવે છે.
ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને ‘કાકાસાહેબની કવિતા’ એવું લેબલ લગાડેલું. આવા, કાવ્યગંધી ગદ્યનો અંગ્રેજી અનુવાદ કરવાનું સહેલું નથી. કારણ સંસ્કૃત અને તેમાંથી ઉદ્દભવેલી ગુજરાતી, મરાઠી જેવી ભાષાઓમાં આલંકારિક ગદ્ય જેટલું સાહજિક લાગે છે તેટલું અંગ્રેજીમાં ન જ લાગે, કારણ એ ભાષાની તાસીર જુદી છે. બીજું, આપણા દેશનાં ધર્મ, સંસ્કૃિત, ઇતિહાસ, સમાજ, વગેરેના અનેક સીધા તેમ જ આડકતરા સંદર્ભો પુસ્તકમાં સતત આવતા રહે છે. આ બધા સંદર્ભો સચવાય એટલું જ નહિ, સમજાય પણ ખરા, એવી રીતે અંગ્રેજી અનુવાદ કરવાનું કામ જરા ય સહેલું નથી. લેખકે ધીરજ અને સમજપૂર્વક એ કામ પણ કર્યું છે. કાકાસાહેબનાં બીજાં લખાણોની જેમ આ પુસ્તકમાં પણ સંસ્કૃત અને મરાઠી સાહિત્યમાંથી અવતરણો ઘણી જગ્યાએ જોવા મળે છે. સીધાં અવતરણો હોય તે એક વાત. પણ ઘણી વાર તો આ અવતરણો ગુજરાતી લખાણના પ્રવાહમાં ભળી ગયેલાં હોય છે, અને અવતરણ રૂપે જુદાં તારવ્યાં હોતાં નથી. આવાં પ્રગટ કે અર્ધપ્રગટ અવતરણો અંગ્રેજીના વાચકને સમજાય એ રીતે રજૂ કરવાં એ પણ સૂઝ માગી લે છે. બીજી એક ખાસ મુશ્કેલી આ પુસ્તકના અનુવાદકને નડે તેમ છે. પ્રવાસ કર્યા પછી ઠીક ઠીક લાંબે ગાળે આ પુસ્તક લખાયું હતું એટલે કેટલીક વાર વિગતોની બાબતમાં અસ્પષ્ટતા રહી ગઈ છે. આ માટે અનુવાદકે સ્વામી આનંદના પુસ્તક ઉપરાંત ‘વિકિપીડિયા’ જેવાં નવાં સાધનોનો પણ ઉપયોગ કર્યો છે. તો કાકાસાહેબના પોતાના ‘યમુનારાણી’ લેખમાંથી પણ કેટલોક ભાગ આમેજ કર્યો છે. અનુવાદકે કેટલી ઝીણી નજરે મૂળ પુસ્તક વાંચ્યું છે તેનો એક જ દાખલો : ચાલીસમાં પ્રકરણમાં કાકાસાહેબે કેદારનાથ અને બદરીનાથ વચ્ચેનું સીધી લીટીનું અંતર પાંચ માઈલ હોવાનું લખ્યું છે. મૂળ લખાણ એમ ને એમ રાખી અનુવાદકે નીચે ફૂટ નોટ ઉમેરી છે : “સ્થાનિક લોકોના કહેવા પરથી લેખક ગેરમાર્ગે દોરવાયા લાગે છે. બંને જગ્યાના અક્ષાંશ-રેખાંશ પરથી ગણતરી કરતાં આ બંને જગ્યા વચ્ચેનું અંતર ૨૨.૫ માઈલ જેટલું હોવાનું જણાય છે.” જ્યાં જરૂરી જણાય ત્યાં આ રીતે ફૂટ નોટ આપવા ઉપરાંત અનુવાદકે પુસ્તકને અંતે ‘ગ્લોસરી’ આપીને તેમાં ધર્મ, સંસ્કૃિત, સમાજ વગેરેને લગતા કેટલાક શબ્દોની સમજૂતી આપી છે, જે વાચકને ઉપયોગી થાય તેમ છે. આ રીતે ઉપયોગી થવાના આશયથી જ અનુવાદકે ગ્લોસરીમાંના શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ન ગોઠવતાં પ્રકરણવાર ગોઠવ્યા છે.
આ જમાનો વેલ્યુ એડિશનનો છે. મૂળમાં કશુંક ઉમેરીને તેનું મૂલ્ય વધારો નહિ તો તમારી જરૂર શી છે? અનુવાદકે પણ અહીં મૂળ પુસ્તકનાં મૂલ્યમાં ઉમેરો થાય તેવું વેલ્યુ એડિશન અહીં કર્યું છે. તેમણે પહેલું કામ કર્યું છે પ્રવાસના માર્ગની સ્પષ્ટતા કરતા બે નકશા ખાસ બનાવડાવીને પુસ્તકમાં ઉમેરવાનું. બીજું કામ કર્યું છે લખાણને અનુરૂપ કેટલાક બહુરંગી ફોટા ઉમેરવાનું. (જો કે આ ફોટા સળંગ લખાણ સાથે છાપવાને બદલે અલગથી અને આર્ટ પેપર પર છાપ્યા હોત તો વધુ દીપી ઊઠ્યા હોત.) ત્રીજું કામ કર્યું ઉપર જણાવ્યા પ્રમાણેની ફૂટ નોટ્સ અને ગ્લોસરી ઉમેરવાનું. પણ આ અનુવાદ અંગેની સૌથી વધુ નોંધપાત્ર વાત તો એ છે કે તેની ભાષા ખરા અર્થમાં અંગ્રેજી લાગે છે, ગુજરેજી લાગતી નથી. ઘણા લાંબા સમયથી અમેરિકામાં વસવાટ કરતા અશોકભાઈ પાસેથી અગાઉ આપણને પિતા ઝવેરચંદ મેઘાણીનાં બે પુસ્તકો ‘સંત દેવિદાસ’ અને ‘વેવિશાળ’ના અંગ્રેજી અનુવાદો મળ્યા છે. હવે આ અનુવાદ મળે છે. અને એ પણ અગાઉના અનુવાદોની જેમ મૂળ પુસ્તકને વફાદાર રહીને પણ પરભાષાને ય કઈ રીતે વફાદાર રહી શકાય એના ઉદાહરણરૂપ. પરિણામે આ પુસ્તક જેટલું લેખક કાકાસાહેબનું છે તેટલું અનુવાદક અશોક મેઘાણીનું પણ બની રહે છે.
દિલ્હીની સાહિત્ય અકાદમીએ કરેલું પુસ્તકનું મુદ્રણ, પ્રોડક્શન, અને પ્રકાશન સ્વચ્છ અને સુઘડ છે. પણ કોઈ વ્યવસાયી પ્રકાશકે તેને ઘણું વધુ રૂપકડું અને આકર્ષક બનાવ્યું હોત. પણ તો લગભગ ૩૦૦ પાનાંનું આ અંગ્રેજી પુસ્તક માત્ર ૨૦૦ રૂપિયામાં સુલભ ન થયું હોત. આનંદથી આવકારવા જેવો એક અનુવાદ.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2014