‘ખામોશી’ની વાર્તા મનની ગહન ગતિવિધિઓ આસપાસ ઘૂમે છે. હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર સાબિત કરવા માગે છે કે એક્યુટ મેનિયાના દર્દીઓ અતિભારે દવાઓ કે ઈલેક્ટ્રિક શૉક વગર સાજા થઈ શકે – જો એમને વિશ્વાસ, હૂંફ, પ્રેમ અને રક્ષણ આપવામાં આવે. નર્સ રાધાએ પ્રેમમાં છેતરાઈને એક્યુટ મેનિયાનો ભોગ બનેલા દેવને માની કાળજી અને પ્રિયતમાનો પ્રેમ આપીને સાજો કર્યો છે. દેવ સહિત બધા એમ સમજે છે કે રાધાએ જે કર્યું તે ટ્રીટમેન્ટનો એક ભાગ છે. પણ રાધા? એ તો સાચે જ દેવને ચાહી બેઠી છે …
‘યુદ્ધના દિવસો હતા. હૉસ્પિટલોમાં ન પૂરતા બેડ હતા, ન પૂરતી સાધનસામગ્રી હતી. કડકડતી ઠંડીમાં એક નર્સ પોતાનો કામળો એક ઘાયલ સૈનિકને ઓઢાડી એને વળગીને બેઠી હતી. બીજે દિવસે એ મરી ગયો. મેં આંસુ લૂછતી નર્સને પૂછ્યું, “તુમ્હારા અપના કોઈ થા?” એણે કહ્યું, “નહીં ડૉક્ટર, હમારે હી જવાનો મેં સે એક થા” આ જવાબ સાંભળીને મને ખાતરી થઈ કે સ્ત્રીમાં એવી શક્તિ છે કે એ પોતાનાં દુ:ખો ભૂલીને બીજાની તકલીફ દૂર કરી શકે છે. રાધા, તને જોઈ મને એ સ્ત્રી, એ નર્સ યાદ આવી જાય છે. દેવને તેં સાજો કર્યો, અરુણનો કેસ કેમ નથી લેતી?’ મેન્ટલ હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર નર્સને પૂછે છે.
આ નર્સ રાધા એટલે વહીદા રહેમાન. ફિલ્મ 1969ની ‘ખામોશી.’ દિગ્દર્શક અસિત સેન, નિર્માતા-સંગીતકાર હેમંતકુમાર, ગીતકાર-સંવાદલેખક ગુલઝાર, કલાકારો રાજેશ ખન્ના, વહીદા રહેમાન, નાસીર હુસેન અને સુંદર સહાયક ટીમ. સાથે અતિથિ કલાકાર ધર્મેન્દ્ર. આપણી રાષ્ટ્રીય આદત મુજબ આપણે આ ક્લાસિક ફિલ્મને અવગણી કાઢી હતી. આજે એની જ વાત કરવી છે કેમ કે ‘ખામોશી’ની ખામોશ વહીદા મળવા જેવી વ્યક્તિ છે.
‘ખામોશી’ની વાર્તા મનની ગહન ગતિવિધિઓ આસપાસ ઘૂમે છે. હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટર (નસીર હુસેન) સાબિત કરવા માગે છે કે એક્યુટ મેનિયા(તીવ્ર ઉન્માદ)ના દર્દીઓ અતિ ભારે દવાઓ કે ઈલેક્ટ્રિક શૉક વગર સાજા થઈ શકે – જો એમને વિશ્વાસ, હૂંફ, પ્રેમ અને રક્ષણ આપવામાં આવે. નર્સ રાધા(વહીદા)એ પ્રેમમાં છેતરાઈને એક્યુટ મેનિયાનો ભોગ બનેલા દેવ(ધર્મેન્દ્ર)ને માની કાળજી અને પ્રિયતમાનો પ્રેમ આપીને સાજો કર્યો છે. સાજો થયેલો દેવ ખૂબ આભાર માનીને ઘેર ગયો છે અને એનાં લગ્ન થવાનાં છે.
દેવ સહિત બધા એમ સમજે છે કે રાધાએ જે કર્યું તે ટ્રીટમેન્ટનો એક ભાગ છે. પણ રાધા? એ તો સાચે જ દેવને ચાહી બેઠી છે. પણ એ એવું કોને કહે? કેવી રીતે કહે? એની ખામોશ વેદના માત્ર એની ડાયરીમાં વ્યક્ત થાય છે – અપની આગ મેં જલના હોગા, મુઝે અકેલે ચલના હોગા …
હવે બીજો એવો જ કેસ આવ્યો છે. ડૉક્ટર કહે છે કે એક કેસનું ઠીક થવું યોગાનુયોગ હોઈ શકે. માટે આપણે આ કેસ અને બીજા આવા કેસ પણ સાજા કરીશું, તો જ મારી થિયરી સાબિત કરવી છે. રાધા કારણ જણાવી શકતી નથી, પણ કેસ લેવાની ચોખ્ખી ના પાડે છે.
આ કેસ એટલે અરુણ (રાજેશ ખન્ના). કવિતા લખતો તેથી ઘરના નારાજ હતા. અરુણ ઘર, જમીનજાયદાદ બધું છોડી શહેરમાં આવ્યો. સુલેખા(સ્નેહલતા)ના પ્રેમમાં પડ્યો. પણ સુલેખા તરત એનાથી ધરાઈ ગઈ ને એને છોડી ગઈ. અરુણ એક્યુટ મેનિયાનો શિકાર બન્યો. હૉસ્પિટલમાં એ કોઈના કાબૂમાં નથી આવતો એ જોઈ રાધા કેસ લે છે. એના સંબંધીને મળી સુલેખાના પત્રો મેળવે છે. સુલેખાને પણ મળે છે. સુલેખાને અરુણની પરવા નથી, પણ અરુણે લખેલું ગીત ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખુશબૂ’ એ ગાય છે કેમ કે એ પ્રોફેશનલી હીટ છે. ગુલઝારની આ સુંદર કવિતામાં બે વાર ખામોશી શબ્દ આવે છે, આ ખામોશી અવ્યક્ત પ્રેમની મધુર સ્થિતિ છે. એની સમાંતરે રાધાના અવ્યક્ત વિયોગની પીડા સચોટ રીતે દર્શાવાઈ છે.
રાધા સુલેખાને કહે છે, ‘કિસી કો ઝહર દેના ઔર કિસી કી ઝિંદગી મેં ઝહર ઘોલના એક હી બાત હૈ’ અને સુલેખા પર દબાણ લાવી એને અરુણ પાસે લઈ આવે છે કે અરુણ પોતાનો ગુસ્સો એના પર કાઢી લઈ હળવો થાય – પણ અરુણ સુલેખા પર હિંસક હુમલો કરે છે, ડૉક્ટરો એને શૉક આપવા લઈ જાય છે પણ રાધા એમ કરવા નથી દેતી. તે દિવસે એ ડૉક્ટરને કહે છે, ‘તમારો પ્રયોગ ફરી સફળ થશે, અરુણનો વિશ્વાસ મેં જીતી લીધો છે.’
હવે અરુણ ઝડપથી સારો થતો જાય છે, રાધા થાકતી જાય છે. અરુણ રાધાને ચાહવા લાગ્યો છે, રાધા પોતાનાથી, અરુણથી, પ્રેમથી ભાગતી જાય છે. દેવે આપેલો જખમ દૂઝવા લાગ્યો છે. વિફળ પ્રેમની તીવ્ર પીડા એને ઘેરી વળી છે – ‘અરુણનો કેસ કેમ નથી લેવો એ મારે ડૉક્ટરને કહેવું જોઈતું હતું. મૈં અપની હી ખામોશી મેં ઘુટકર મર ન જાઉં …’
… અને રાધા માનસિક સંતુલન ખોઈ બેસે છે. એનું બેફામ હાસ્ય અને કરુણ રુદન સાંભળીને ડૉક્ટર કહે છે, ‘હું એને નર્સ જ સમજતો રહ્યો, એનામાં રહેલી સ્ત્રીને જોઈ ન શક્યો.’ રાધા ડૉક્ટરના પગ પકડી ભાંગી પડે છે, ‘મૈંને કભી ઍક્ટિંગ નહીં કી. મૈં ઍક્ટિંગ નહીં કર સકતી …’ દેવ ગાતો એ ગીત તેના કાનમાં ગુંજવા લાગે છે, ‘તુમ્હારા ઈન્તઝાર હૈ’ ખામોશ ઈન્તઝાર જેવું અસ્તિત્વ લઈ રાધા ચાલવા લાગે છે, કોણ જાણે ક્યાં જવા. પાછળ અરુણ બૂમ પાડે છે, ‘રાધા, મૈં ઝિંદગીભર તુમ્હારા ઈન્તઝાર કરુંગા’ અને ફિલ્મ પૂરી થાય છે.
મેલોડ્રામાની પૂરી તક છતાં પૂરા સંયમથી વહીદા રાધાના પાત્રને તન્મયતાથી જીવી છે. આ ફિલ્મ દસ વર્ષ પહેલા અસિત સેને જ બનાવેલી બંગાળી ફિલ્મ ‘દીપ જ્વલે જાઈ’ પરથી બની હતી. એમાં નર્સનો રોલ સુચિત્રા સેને કર્યો હતો. એ વહીદા કરતાં ઘણી વધારે સુંદર લાગે છે, પણ અભિનયમાં વહીદા મેદાન મારે છે.
10 ઑક્ટોબરે મેન્ટલ હેલ્થ ડે ગયો. પોતાના કે અન્યના મનને આપણે કેટલું ઓછું સમજીએ છીએ! મનોવિજ્ઞાન કહે છે કે એક્યુટ મેનિયા બાયપોલાર ડિસઓર્ડરનો એક પ્રકાર છે. એમાં દર્દી અત્યંત આનંદ, અતિશય સ્ફૂર્તિ, તીવ્ર વેદના જેવા આત્યંતિક આવેગો વચ્ચે ફંગોળાય છે. અકારણ હસવું, રડવું, કોઈ કામ સરખી રીતે ન થવું, ઝઘડવું, ખૂબ બોલવું કે ચૂપ થઈ જવું, સૂઈ ન શકવું – વિચારો, વર્તન, ઊંઘ-ભૂખ કશું એના કાબૂમાં નથી રહેતું. એ કોઈને મારી નાખી શકે, પોતે આત્મહત્યા કરી શકે. યોગ્ય ઉપચાર ન થાય તો રોગ વધતો જાય, ઊથલો મારે.
વર્ષો પહેલા આવા ઉન્માદનું કારણ ભૂતપ્રેત મનાતું અને ભૂવા-ડાકલાથી એનો ઈલાજ થતો, પણ આનું ખરું કારણ મગજમાં થતું રાસાયણિક અસંતુલન, જીવન પર ઊંડી અસર કરનારી ઘટના કે માનસિક તાણ છે. દર્દીને સમજાવવાની કોશિશ નકામી જાય છે, કેમ કે એ કશું સમજવાની સ્થિતિમાં હોતો નથી. એનું સાંભળો, એનું ધ્યાન રાખો, એને પ્રેમ, માન, કાળજી આપો તો એ શાંત થાય છે. જાણકારોની સલાહ જરૂર લેવી જોઈએ.
‘ધ અનક્વાયેટ માઈન્ડ: અ મૅમ્વાર ઑફ મૂડ એન્ડ મેડનેસ’ નામના પુસ્તકમાં લેખિકા કે રેડફિલ્ડ જેમિસને પોતાના બાયપોલાર ડિસઓર્ડરનું વર્ણન કર્યું છે. કેવી રીતે એ તેના પર હાવી થતો ગયો, કેવી રીતે એના પારિવારિક, રોમેન્ટિક, વ્યાવસાયિક વિશ્વને ખતમ કરતો ગયો અને કેવી રીતે મહામહેનતે એ તેમાંથી બહાર નીકળી એ વાંચીને મનની અજાણ અને અજાયબ દુનિયાની ઝાંખી થાય. જેમિસન પોતે અમેરિકન ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને બાયપોલાર ડિસઓર્ડર રિસર્ચર છે. આ પુસ્તક 1995માં પ્રગટ થયેલું, બેસ્ટસેલર છે. તેના પરથી ફિલ્મ અને વીડિયોઝ બન્યાં છે.
વહીદા રહેમાન એટલે સમયાતીત, ગરિમાપૂર્ણ સૌંદર્ય અને ‘ખામોશી’ એટલે એ સૌંદર્યનો આગવો, ઊંડો આવિષ્કાર. નિદા ફાજલી લખે છે, ‘હમ લબોં સે કહ ન પાયેં ઉનસે હાલ-એ-દિલ કભી; ઔર વો સમજે નહીં યે ખામોશી ક્યા ચીજ હૈ …’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑક્ટોબર 2023