નહેરુને વખોડવાની કસરત જેમને ભારતના ઇતિહાસની કોઈ સમજણ કે દૃષ્ટિ નથી તેઓ કર્યા કરે છે. એ લોકો અનાયાસ કેટલાકને સારા અને કેટલાકને ખરાબ ઠેરવતા રહે છે. સામાજિક કર્મશીલોને કોઈકને કાળા, કોઈકને ધોળા ચીતરવાનું ગમતું હોય છે. અગાઉ આ લક્ષણ માકર્સવાદીઓનું હતું, હવે દુ:ખ સાથે કહેવું પડે છે કે તે પ્રબુદ્ધ પર્યાવરણવાદીઓનું પણ બન્યું છે. વ્યક્તિઓના વિચારો અને કાર્યોને સાચા સંદર્ભમાં રજૂ કરવાં જોઈએ. આ કામ ઇતિહાસકારનું છે. એવું કરતી વખતે ઇતિહાસકાર પણ ઓછાવત્તા અંશે કર્મશીલની માન્યતાઓ મુજબ કરી બેસતો હોય છે. આ અર્થમાં જ પર્યાવરણવાદીઓએ નહેરુનું ચિત્રણ કાળા રંગે કર્યું છે, જેનો હું પ્રતિવાદ કરું છું.
એ જ ભાવના સાથે ગાંધીનું જે ચિત્રણ કર્યું છે તેની પણ વાત કરી રહ્યો છું. મેં અગાઉ જણાવ્યું છે તેમ ગાંધીનું ઐતિહાસિક વ્યક્તિત્વ વિચારવૈભવથી ભરેલું છે, એમાં અન્યાયી કાયદાઓ સામેનો વિરોધ પણ છે. આ વાત પર્યાવરણ ચળવળને અંગે પણ મહત્ત્વની સાબિત થાય છે. આટલી વાત તો બિનવિવાદાસ્પદ છે. પણ હવે કદાચ એ પૂછવાનું રહે છે કે ગાંધીનો વિચાર-વારસો એવું કંઈ ધરાવે છે, જે આ ચળવળને મર્યાદિત કરે ? અથવા એથી સરળ રીતે એવું પૂછી શકાય કે આજે પર્યાવરણ અને સમાજ પુનર્નિર્માણના બધા સવાલોના જવાબ ગાંધી આપી શકે એમ છે ? કેટલાક પર્યાવરણવાદીઓ દૃઢપણે માને છે કે ગાંધીમાં બધા સવાલોના જવાબ છે. તાજેતરમાં એક મિત્રે દાવો કરેલો કે, “પ્રત્યેક પર્યાવરણ ઘટના, કટોકટી કે પડકાર સમયે ગાંધીમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે તેમ છે.” એમણે ભલે જે કહ્યું હોય તે, મારું માનવું છે કે ગાંધીમાં બધા સવાલોના જવાબ મળતા નથી અને ક્યારેક તો તેમણે સાચા પ્રશ્નો પણ ઊભા કર્યા નથી.
હવે હું મારી સ્પષ્ટતા કરું છું. પર્યાવરણ ચળવળ બાબતે મહાત્મા ગાંધીનો વારસો ખાસ કરીને બે બાબતોએ ઘણો મર્યાદિત રહ્યો છે. મોટાભાગના આપણા પર્યાવરણવાદીઓની નજર ખાસ કરીને ગ્રામીણ ક્ષિતિજો તરફ કેન્દ્રિત છે. ગાંધીની માફક તેમના આજના અનુયાયીઓને નગરના સંદર્ભની ઓછી ખબર છે. નગરના સામાજિક અને પર્યાવરણીય પ્રશ્નો વિશે તેઓ બહુ સ્પષ્ટ નથી. તેઓ જ્યારે ઉગ્રતાપૂર્વક શહેરી-ઔદ્યોગિક જીવનશૈલીની ટીકા કરે છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે સમય બદલાતાં ભારત પણ બહુ મોટી શહેરી વસતિ ધરાવતું થયું છે. જે નગરના મિત્રોના આમંત્રણથી હું અહીં આવીને બોલી રહ્યો છું તેણે આપણને આ અંગેના ઘણા પ્રશ્નોથી સભાન પણ કર્યા છે.
ઝડપી અને આડેધડ થતા શહેરીકરણને કારણે જે પર્યાવરણીય સમસ્યાઓ પેદા થાય છે તે આપણે બધા જાણીએ છીએ : ભયંકર પ્રદૂષણ, એની સાથે વધતી ગીચતા અને પેદા થતો રોગચાળો, પાણીની તીવ્ર અછત, આરોગ્ય અને ગૃહનિર્માણ અંગેની અત્યંત અપૂરતી સુવિધાઓ, ભારે બિનકાર્યક્ષમ વાહનવ્યવહાર વ્યવસ્થા – આ બધું જ ઊર્જા બચાવ, ઊર્જા સંચયન અને પર્યાવરણની દૃષ્ટિએ જોવાનું રહે છે. આ સમસ્યાઓ સામે સક્રિયતાથી ઝૂઝવામાં અને આપણાં શહેરો અને કસબાઓને સારી રીતે રહેવા યોગ્ય બનાવવામાં આપણા પર્યાવરણવાદીઓને ગાંધીમાંથી મદદ મળી શકે એમ નથી. કારણ એટલું જ કે એમની નજર ગામ તરફ હતી અને પીઠ શહેર તરફ.
નગરની માફક જંગલનું પણ ગાંધીને કોઈ આકર્ષણ નથી. પરિસર વ્યાખ્યાનમાળાના ગત વર્ષના વ્યાખ્યાનમાં બિટ્ટુ સહેગલે વિચારવંત રીતે કહેલું કે આપણા કેટલાક પર્યાવરણીય કર્મશીલો પાસે પ્રકૃતિના સંવર્ધન માટે કોઈ સમય નથી. તેઓ તે બાબતને અગ્રવર્ગની ઘેલછા તરીકે જુએ છે. વક્રોક્તિ કહી શકાય તે હદે ગાંધીને આવા ઉજ્જડ પ્રદેશ કે જંગલોની કશી પડી નથી. એ ખરું કે એમના શાકાહારીપણા અને અહિંસાની જીવનશૈલીને કારણે એમને બધા જીવો પ્રત્યે સન્માન હતું. પણ વણખેડાયેલા કુદરતી પ્રદેશોની ભવ્યતા તરફ તેમની કોઈ નજર ન હતી. એવું એ કારણે પણ હોઈ શકે કે ગાંધી અત્યંત વ્યવહારુ માણસ છે. એમને રોમેન્ટિક બાબતો સાથે ભાગ્યે જ કંઈ લેવાદેવા છે. બીજી તરફ નહેરુ બંનેમાં સૌથી વધુ રોમેન્ટિક છે. ભારતના કુદરતી સૌંદર્યથી અભિભૂત મુદ્રામાં છે. નહેરુના મૃત્યુ પૂર્વેના પોતાની ઇચ્છા દર્શાવતા લખાણમાં પણ એમને અહીંની ભૂમિ, પર્વતો, નદીઓ વગેરે સાથે કેવો અનન્ય લગાવ છે એ સુપેરે વ્યક્ત થયો છે.
ગાંધી અને નહેરુ વચ્ચેના વિરોધાભાસ દર્શાવતો એક ટુચકો એડવર્ડ થોમ્સનનો છે. તેઓ અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી અને લેખક હતા. ગાંધી અને નહેરુના ગાઢ મિત્ર પણ હતા. જ્યારે ૧૯૩૭ના અંગ્રેજ ભારતમાં જુદા જુદા પ્રાંતોમાં કૉંગ્રેસનાં મંત્રી મંડળો રચાઈ રહ્યાં હતાં ત્યારે થોમ્સને ખૂબ પ્રયત્ન કરેલો કે આ રાષ્ટ્રવાદી નેતાઓ નાશના આરે આવેલી વન્ય પ્રજાતિઓ બાબતે પણ કંઈક રસ લે. જ્યારે આ મુદ્દે થોમ્સને ગાંધી સાથે વાતચીત કરી ત્યારે મહાત્માએ એને મજાક ગણી હસી કાઢતાં કહેલું : “અમારે તો કાયમ બ્રિટિશ સિંહ જ જોઈશે.” પછી થોમ્સન તરફ જોતાં લાગ્યું કે તે નિરાશ થયા છે તેથી આગળ ઉમેર્યું કે તમે જવાહરલાાલને વાત કરો. એમને એમાં રસ પડશે. નહેરુએ ખરેખર રસ લીધો. કૉંગ્રેસશાસિત બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે એની ચર્ચા પણ કરી. વળી નહેરુએ કંઈક ગૌરવ સાથે થોમ્સનને થોડા સમય બાદ અહેવાલ આપતાં કહ્યું પણ ખરું કે મદ્રાસ પ્રાંતના મુખ્ય પ્રધાન સી. રાજગોપાલાચાર્યે હમણાં જ પેરિયાર નેચર રીઝર્વની યોજના અમલમાં મૂકવા વિચાર્યું છે.
આમ, કુદરતપ્રેમીઓ અને શહેરી પર્યાવરણવાદીઓને મહાત્મા ગાંધી તરફથી કોઈ સીધી સહાય મળે તેમ લાગતું નથી. પણ ગાંધી જંગલો અને શહેરો વચ્ચેનાં સાત લાખ ગામોમાં ખૂબ ફર્યા છે અને એ વિશે ખૂબ બોલ્યા પણ છે. એમના જીવનમાં વિચાર કરતાં અમલ વધુ મહત્ત્વનો રહ્યો છે. ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ અર્થતંત્ર અને કુદરતી પર્યાવરણ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા અને પર્યાવરણનો નાશ કરતી વિનાશક યોજનાઓનો તેમણે પ્રતિકાર પણ કર્યો છે. આમાંથી આપણે શીખવા જેવું એ છે કે આપણે શહેરમાં રહેતા હોઈએ કે જંગલમાં પણ વ્યક્તિગત રીતે આપણે સાદગીપૂર્ણ જીવન જીવીએ. તે માટે પ્રયત્ન કરીએ અને ધરતી પાસેથી શક્ય તેટલું ઓછું લઈએ. આમ એક અર્થમાં પર્યાવરણની ચળવળે મહાત્મા ગાંધી તરફ હંમેશ માટે પાછા ફરવાપણું છે. તો બીજી રીતે એમનાથી આગળ પણ જવાનું છે.
સંદર્ભો વિશે નોંધ –
ગાંધીજીનો સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથાવલીના ૯૦ જેટલા ગ્રંથો અભ્યાસપૂર્ણ છે અને પાયાની વિગતો પૂરી પાડનાર છે. મારા ગાંધીના પર્યાવરણવાદી તરીકેના પુનર્મૂલ્યાંકનના મર્યાદિત હેતુ અર્થે મેં ત્રણ મૂલ્યવાન સંપાદનો પર આધાર રાખ્યો છે.
૧. ઇન્ડસ્ટ્રીયલાઈઝ એન્ડ પેરિશ ! – સંપાદન : આર.કે. પ્રભુ (નવજીવન, ૧૯૬૬)
૨. વિલેજ સ્વરાજ – સંપાદન : એચ.એમ. વ્યાસ, (નવજીવન-૧૯૬૨)
૩. માય પિક્ચર ઓફ થ્રી ઇન્ડિયા. સંપાદન : આનંદ ટી. હિંગોરાની (પર્લ પબ્લિકેશન્સ-૧૯૬૫)
જે.સી. કુમારપ્પાનાં બે મહત્ત્વનાં પુસ્તકો :
૧. વ્હાઈ ધ વિલેજ મુવમેન્ટ ? બીજી આવૃત્તિ, હિન્દુસ્તાન પબ્લિશિંગ, ૧૯૩૮.
૨. ધ ઈકોનોમી ઓફ પરમેનન્સ, બીજી આવૃત્તિ અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ, ૧૯૪૮
કુમારપ્પાના વિચારો વિશે મેં વિગતે ઈકોનોમીક એન્ડ પોલિટિકલ વીકલીના ૪-૧૧-જાન્યુઆરી, ૧૯૯૨ના અંકમાં લખ્યું છે.
અંતે મીરાંબહેનનાં લખાણોનું એક સુંદર પુસ્તક એમનાં સાથીદાર કૃષ્ણામૂર્તિ ગુપ્તાએ સંપાદિત કર્યું છે, જેનો મેં આધાર લીધો છે. તે વિશે ખાદી ગ્રામોદ્યોગ સામયિકના નવેમ્બર ૧૯૯૨ના અંકમાં મેં લખ્યું છે.
મીરાંબહેનના લેખોમાંથી અને અંજલિ લેખોમાંથી ચયન કરેલું પુસ્તક કૃષ્ણામૂર્તિ ગુપ્તાએ સંપાદિત કર્યું છે, જેનું શીર્ષક છે – મીરાંબહેન : જન્મ શતાબ્દી ગ્રંથ (હિમાલય સેવા સંઘ, ૧૯૯૨)
ઉપસંહાર
આ આખું વ્યાખ્યાન ૧લી ઑક્ટોબર ૧૯૯૩ના રોજ પૂણે ખાતે પરિસર વ્યાખ્યાનમાળામાં અપાયેલ, જેમાં તે પછી બહુ ઓછા ફેરફાર કરવામાં આવ્યા છે. વ્યાખ્યાને તે સમયે પણ સારી ચર્ચા જગવેલી. શ્રોતાગણમાંથી ઘણાએ વેધક ટિપ્પણીઓ – ટીકાઓ કરેલી. આ ચર્ચાઓના સંદર્ભે મેં લેખિત વ્યાખ્યાનમાં ચર્ચા સંદર્ભે કોઈ ફેરફાર કરવાનું યોગ્ય માન્યું નથી. તેમ છતાં આગળ પણ એ મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલતી રહે તે માટે ચર્ચામાં ઉપસ્થિત થયેલા મહત્ત્વના મુદ્દા નીચે રજૂ કરું છું.
સૌથી પહેલો પ્રશ્ન વસતિનો છે. એવું સૂચવાયેલું કે વસતિ વધારો નાથવામાં આપણે પૂરા સફળ થતા નથી, એ મુદ્દા પર જરૂરી ભાર મૂકી શકતા નથી. આપણી પર્યાવરણ ચળવળને તેથી પણ ઘણી અસર થાય છે. તેથી તે નિષ્ફળ રહે છે. તેનું એક કારણ એ છે કે ગાંધી પોતે જન્મદર અટકાવવાની આધુનિક પદ્ધતિઓ બાબતે ઘણું સંકુચિત વલણ ધરાવતા હતા. જો કે આ વાતનો શ્રોતાગણમાંથી જ અન્ય સભ્યોએ વિરોધ કરેલો. કહેલું કે ગાંધી જિંદગીની પવિત્રતામાં માનતા હતા. એ અર્થમાં માનવ-શરીરનું કુદરતી સન્માન જળવાવું જોઈએ તેવું માનતા હતા. તેથી જ ગર્ભનિરોધના વિરોધી હતા. આજે હોર્મોન શરીરમાં દાખલ કરવા અને ફળદ્રુપતા પેદા થાય તેવી સર્જનાત્મક ટેકનોલોજી જે પ્રમાણમાં વધી છે, તેનાથી આખરે તો મહિલાઓના અધિકારની અવગણના થાય છે. એ બધું તેમણે જોયું હોત તો ગાંધીને પોતાનો વિરોધ બળવત્તર જણાયો હોત.
વસતિના પ્રશ્નને હું સ્પર્શ્યો ન હતો. પણ મેં નગર અને ગ્રામીણ જીવનની જે વિસંવાદિતાની વાત કરી હતી તેને કેટલાકે ગાંધીના વિચારોનું અતિસરલીકરણ ગણાવ્યું હતું. એક મિત્રે ખૂબ સુંદર રીતે કહ્યું કે ગાંધીએ નગર પ્રત્યે પીઠ નહોતી કરી. તેઓ માત્ર ગામના પ્રશંસક ન હતા. પણ તેઓ પેલી વિસંવાદિતાથી ઉપરનું વિચારતા હતા, જેમાં ગામ અને શહેર બંનેનું એવું સંયોજન થાય કે ગામ અને શહેરના ભેદ ઓગળી જાય.
નહેરુ અને કુમારપ્પા વચ્ચેના મતભેદ અંગે અને સ્વતંત્ર ભારતના તે બંનેના આયોજન વિશેના વિચારો અંગે એક મિત્રે સરસ સૂચવ્યું કે તમે વિનોબા ભાવેના વિચારોની ઉપેક્ષા કરી છે. આયોજનને પેલા બે ઉપરાંત વિનોબાની નજરે પણ જોવાની જરૂર છે. એવું પણ સૂચવાયું કે કુમારપ્પા ચોખલિયા હતા અને એમની ગાંધી વિશેની સમજ ઘણી સંકીર્ણ હતી. એમાંથી એમનું એક આગવું કલ્પનાજગત ઊભું થયેલું હતું. જેને પરિણામે તેઓ નહેરુના આધુનિક વિકાસના વિચારોને સ્વીકારી નહિ શકેલા. વિનોબા આ વાત બરાબર સમજેલા. ૧૯૫૦ના દસકમાં ભારત વ્યાપક રીતે નહેરુના વિચારોની તરફેણમાં હતું તે સમજી શકેલા. પરિણામે વિનોબાએ આર્થિક વિકાસની તરાહને સમયોચિત માનીને તેનો ઇન્કાર પણ નહોતો કર્યો અને તેની ઉપેક્ષા પણ નહોતી કરી. પરંતુ વિનોબાનો પ્રયાસ વિકાસને ઊંચે લઈ જવાનો અને તીવ્રતાને મૃદુ બનાવવા તરફનો રહ્યો. આ અર્થમાં એવું પણ કહી શકાય કે વિનોબા ગાંધી અને નહેરુના વિચારોની વચ્ચે કડીરૂપ બની રહ્યા.
એકંદરે મને મિત્રો દ્વારા એ યાદ દેવડાવવામાં આવ્યું કે નહેરુની સાથે જે વ્યાપક બૌદ્ધિક સર્વસંમતિ હતી એ વધુ પડતા મોટા ઔદ્યોગિકીકરણની આવશ્યકતા સંદર્ભે જ ન હતી. પણ ખાસ તો વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંદર્ભે એ સર્વસંમતિ હતી. બૌદ્ધિકો માનતા હતા કે માનવને જ્ઞાનમાં અમર્યાદ રીતે આગળ વધવામાં આધુનિક વિજ્ઞાન જરૂરી છે. આધુનિક ટેકનોલોજીથી જ વ્યાપક સમાજનું કલ્યાણ શક્ય બનશે. એટલે નહેરુ મોડેલને વિકાસના મોડેલ તરીકે જોવાય છે ત્યારે તેના પાયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સંયોજનની સ્વીકૃતિ પડેલી છે. વિકાસ પ્રક્રિયાનો એ માર્ગ છે. જો કે આજે બની એવું આવ્યું છે કે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના દાવાઓ પોકળ પુરવાર થયા છે. કારણ કે તે બે દ્વારા વ્યાપક પ્રજાનું વ્યાપક કલ્યાણ થયું નથી. પણ કેટલાક અગ્ર વર્ગના હાથમાં સત્તા અને સમૃદ્ધિ કેન્દ્રિત થયાં છે. એ વર્ગ પર્યાવરણના સામૂહિક વિનાશ માટે જવાબદાર છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ફેબ્રુઆરી 2025; પૃ. 09-10