
રાજ ગોસ્વામી
2016માં, અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘પિંક’ રિલીઝ થઇ ત્યારે એ વાતની બહુ ચર્ચા હતી કે બોલીવુડમાંથી પહેલી વાર એક એવી ફિલ્મ આવી છે જે જાતીય અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીને ન્યાય મળવાનો તો બાજુએ રહ્યો, તેને તેની સાથે થયેલો અન્યાય સાબિત કરવા જતાં કેવી રીતે પુરુષપ્રધાન વ્યવસ્થામાં સહન કરવું પડે છે તેનું સટીક ચિત્રણ કરે છે.
રસપ્રદ વાત એ છે કે 40 વર્ષ પહેલાં આવેલી ઝીનત અમાનની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાઝુ’માં પણ આ જ બાબત ઉજાગર કરવામાં આવી હતી. તે બતાવે છે કે ભારતીય સમાજમાં સ્ત્રીઓ અનેક ક્ષેત્રોમાં અનેક પ્રકારની પ્રગતિ કરી છે છતાં ‘સારી’ સ્ત્રી કોને કહેવાય તે પુરુષોની દૃષ્ટિએ નક્કી થાય છે.
જેમ ‘પિંક’ ફિલ્મમાં જાતીય સતામણીનો ભોગ બનેલી યુવતીને અદાલતમાં ખુદના વર્તન અંગે સવાલોના જવાબો આપવા પડે છે, તેવી રીતે ‘ઇન્સાફ કા તરાઝુ’માં વકીલ પુરવાર કરે છે કે ટૂંકા કપડાં પહેરેલી સ્ત્રી ‘ચાલુ’ હતી અને તેની સાથે જે થયું હતું તે પરસ્પર સહમતીથી થયું હતું.
‘ઇન્સાફ કા તરાઝુ’ની ગણતરી 1980ના દાયકાની સફળ ફિલ્મોમાં થાય છે. બળાત્કાર જેવા સામાજિક મુદ્દા પર લાંબી અદાલતી ચર્ચા દર્શાવતી તે ભારતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મનું નિર્દેશન બી.આર. ચોપરાએ કર્યું હતું. ફિલ્મની પ્રેરણા 1976માં આવેલી હોલીવુડની ફિલ્મ ‘લિપસ્ટિક’ હતી, જેમાં અસલ જીવનમાં બે સગી બહેનોએ કામ કર્યું હતું.
ફિલ્મમાં, રમેશ ગુપ્તા (રાજ બબ્બર) નામનો ઉદ્યોગપતિ મોડેલ ભારતી સક્સેના (ઝીનત અમાન) સાથે મિત્રતા કરે છે અને એ નિકટતાનો ફાયદો ઉઠાવીને એક દિવસ તેના પર બળાત્કાર કરે છે. ભારતી તેની ફરિયાદ લઈને કોર્ટમાં જાય છે, પરંતુ કોર્ટ રમેશને છોડી મુકે છે કારણ કે તેનો વકીલ મિ. ચંદ્રા (શ્રીરામ લાગૂ) ભારતીને બદચલન સાબિત કરે છે અને કહે છે તેની સહમતીથી સેક્સ થયો હતો.
ન્યાયાધીશ ઇફ્તેખાર પણ એવું કહીને એ દલીલ માન્ય રાખે છે કે કાયદો હંમેશાં પુરાવો માંગે છે, અને આ કિસ્સામાં બળાત્કારનો કોઈ પુરાવો નથી, એટલે આરોપી દોષિત ઠરે તેમ નથી. ભારતી, અલબત્ત, કોર્ટને પૂછે છે કે બંધ રૂમમાં થઈ રહેલા આવા ઘોર ગુનાનો કોઈ સાક્ષી કેવી રીતે હોઈ શકે, પરંતુ કોર્ટ પર તેની કોઈ અસર થતી નથી.
તે પછી, લોકોની ટીકા સહન કરવામાં અસમર્થ ભારતી તેની નાની બહેન નીતા (પદ્મિની કોલ્હાપુરી) સાથે શહેર છોડી દે છે, અને નવેસરથી જીવન પાટે ચડાવાનો પ્રયાસ કરે છે. એકાદ વર્ષ પછી, નાની બહેન નોકરીની શોધમાં બહાર જાય છે અને નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં તેનો સામનો એ જ ઉદ્યોગપતિ રમેશ સાથે થાય છે, જે તેની બહેનનો બળાત્કારી છે.
‘નિર્દોષ’ છૂટેલો ઘમંડી રમેશ નીતાને ભારતીની બહેન તરીકે ઓળખી જાય છે, કારણ કે તેને પણ સાક્ષી તરીકે કોર્ટમાં ઊભી કરવામાં આવી હતી. રમેશ હવે નીતાને તેની હવસનો શિકાર બનાવે છે અને નિર્દયી રીતે તેના પર બળાત્કાર કરે છે.
જ્યારે ભારતીને આ કૃત્યની જાણ થાય છે, ત્યારે તે નિર્ધાર કરે છે કે તે તેની બહેનને તેની જેમ ફરીથી અપમાનિત થવા દેવા માટે કોર્ટમાં નહીં જવા દે. બહેન પર થયેલા અત્યાચારથી આઘાત પામેલી અને ગુસ્સે થયેલી ઝીનત, જે દેખીતી રીતે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ગુમાવી ચૂકી છે, રાજ બબ્બરની ઓફિસમાં જાય છે અને તેના શરીરમાં છ ગોળીઓ ચલાવે છે. તેનો ગુસ્સો એવો છે કે ગોળીઓ પૂરી થયા પછી પણ તે ખાલી પિસ્તોલ ચલાવતી રહે છે.
આ ફિલ્મથી ઝીનત અમાન એક મજબૂત એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઈ હતી, પણ સાથે સાથે રાજ બબ્બર માટે પણ ફાયદાકારક પુરવાર થઇ હતી. રાજ બબ્બર નાટકની દુનિયાથી આવ્યા હતા, અને તેમને મુંબઈમાં ખાસ કામ મળતું નહોતું.
આ ફિલ્મમાં તેમનું પાત્ર જોખમી પણ ખૂબ જ મજબૂત હતું. કોઈ અભિનેતા આ ભૂમિકા માટે તૈયાર નહોતા. બી.આર. ચોપરાએ ‘ઇન્સાફ કા તરાઝુ’ની પટકથા લઈને તે સમયના તમામ મોટા અભિનેતાઓ પાસે ગયા, પરંતુ નકારાત્મક ભૂમિકાને કારણે બધાએ ના પાડી દીધી.
રાજ બબ્બર કહે છે, “કિસ્સા કુર્સી કા પછી ત્રણ વર્ષ સુધી મારે ઘરે બેસવું પડ્યું. કોઈ કામ નહોતું. જો બી.આર. ચોપરા મને ‘ઇન્સાફ કા તારાઝુ’ આપવા આગળ ન આવ્યા હોત તો મારી કારકિર્દી પણ દાવ પર લાગી ગઈ હોત. જ્યારે તેમણે કહ્યું કે તે બળાત્કાર કરનારની ભૂમિકા છે, ત્યારે હું અચકાતો હતો.
‘ઇન્સાફ કા તરાઝુ’ મારી બીજી ફિલ્મ હતી અને મહિલા સંગઠનો મારી નિર્દયી ભૂમિકા માટે મારી પર ચઢી બેઠાં હતાં. પણ આ ફિલ્મ મારી કારકિર્દી માટે વરદાન સાબિત થઈ હતી.”
દીપક પરાશરને (જેમણે ભારતીના બોયફ્રેન્ડની ભૂમિકા કરી હતી) આ ભૂમિકા કરવી હતી, પણ બી.આર. ચોપરા તેને સકારાત્મક પાત્રમાં લેવા માંગતા હતા અને ના પાડી દીધી હતી. જ્યારે રાજ બબ્બરને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, ત્યારે તેમની પાસે કોઈ મોટા પ્રોડક્શન હાઉસ સાથે કોઈ ફિલ્મ નહોતી. ઉપરાંત, તેને એક અલગ પાત્ર ભજવવાની તક મળી રહી હતી. તેથી તેમણે આ ફિલ્મ કરવાનું નક્કી કર્યું.
મજાની વાત એ છે કે બી.આર. ચોપરાએ રાજ બબ્બર અને દીપક પરાશરને હા પાડતાં ઝીનતને વિશ્વાસમાં લીધી હતી. ઝીનત તૈયાર થઇ, પછી તેમણે રાજ બબ્બરને કહ્યું હતું કે ઝીનત સાથે વાત થઇ છે અને તે નવા કલાકાર સાથે કામ કરવા માટે તૈયાર છે, હું તમને તેની સાથે મુલાકાત કરાવીશ.
રાજ બબ્બરે એક ઇન્ટરવ્યુમાં મજાક કરતાં કહ્યું હતું કે એ પછી તે અને દીપક ઝીનતને મળવા ગયા હતા અને એ મુલાકાત એવી હતી જાણે છોકરી છોકરાને પસંદ કરવા આવવાની હોય તેવી હતી.
ફિલ્મમાં, ભારતી અને નીતાના બળાત્કારનાં દૃશ્ય બહુ વિવાદાસ્પદ સાબિત થયાં હતાં અને અનેક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો. આ મામલો ન્યાયમૂર્તિ ભગવતી પાસે ગયો હતો. તેઓ ફિલ્મની પડખે ઊભા રહ્યા હતા. તેઓ ફિલ્મના નિર્દેશક બી.આર. ચોપરાના મિત્ર હતા અને ફિલ્મ જોવા માટે સંમત થયા હતા. ફિલ્મ જોયા પછી તેમણે કહ્યું હતું કે આ વાર્તા બળાત્કાર વિરોધી છે અને સૌએ જોવી જોઈએ. તેમણે આ ફિલ્મનું સમર્થન કરતો પત્ર પણ લખ્યો હતો.
બી.આર. ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું અગાઉ પત્રકાર હતો, એટલે હું જ્યારે નિર્માતા-નિર્દેશક બન્યો ત્યારે મને લાગ્યું હતું કે સમાજ પ્રત્યે મારી અમુક જવાબદારી છે, એટલે હું જે ફિલ્મો બનાવું તે મનોરંજક તો હોવી જોઈએ, પણ લોકો માટે તેમાં સંદેશ પણ હોવો જોઈએ. મારી ફિલ્મોમાં સ્ત્રીઓની વાત પ્રમુખ હોય છે, પણ હું તેમને ‘સેક્સની વસ્તુ’ તરીકે નથી બતાવતો. આપણા સમાજમાં મોટા ભાગની સમસ્યાઓ સ્ત્રીઓને લગતી જ છે. મેં જાતે તે અનુભવ્યું છે.”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર