Opinion Magazine
Number of visits:
10166662
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈબ્ન ખલદૂનનું ઇતિહાસ-ચક્ર અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રસનું પતન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 November 2025

રાજ ગોસ્વામી

ઈબ્ન ખલદૂન નામના મધ્યકાલીન આરબ ઇતિહાસકાર અને વિદ્વાને 14મી સદીમાં ‘મુકદ્દિમા’ નામનો એક નોંધપાત્ર ગ્રંથ લખ્યો હતો. તેમાં તેમણે આરબ વિશ્વના તેમના અભ્યાસ પરથી, શક્તિ અને વંશવાદનાં ચક્રોનું ઊંડું વિશ્લેષણ પ્રસ્તુત કર્યું હતું. તેમાં તેમણે નિરીક્ષણ કર્યું હતું કે વંશની પ્રતિષ્ઠા, શક્તિ અને સામૂહિક એકતા (ખલદૂને તેના માટે ‘અસાબીય્યાહ’ નામનો શબ્દ આપ્યો હતો) ચાર પેઢી સુધી ટકી રહે છે, તે પછી તેનો પ્રભાવ કે વિશ્વસનીયતા ઘટવા લાગે છે. 

ખલદૂનની દલીલ એવી છે કે શરૂઆતમાં જે સમૂહમાં ગહન એકતા, ત્યાગ અને સંઘર્ષની ભાવના હોય છે (પ્રથમ પેઢી), સમય સાથે તેનો વૈભવ અને આરામ વધે છે, પરંતુ અસાબીય્યાહ ઘટે છે. અને લગભગ ચોથી પેઢી સુધી તેમાં એવો ઘટાડો થાય છે કે સત્તાનું માળખું વિખરાવા લાગે છે, અને પછી નવા શાસક અથવા રાજકીય ચક્રનો ઉદય થાય છે.

આ વાતને પરિવારના સંદર્ભમાં જોઈએ તો, એક પિતા તેના સંઘર્ષ અને સમજદારીથી કીર્તિની સ્થાપના કરે છે. તેના પછીની પેઢી, એટલે કે સંતાનો, પિતા સાથે નિજી સંપર્કમાં હોય છે અને તેમને પિતાના સંઘર્ષ અને સફળતામાંથી સીધું શીખવાનું મળે છે, પણ તેઓ પિતા કરતાં એક ડગલું નીચે છે કારણ કે એ સંઘર્ષ કે સફળતા ઉછીની છે, ખુદની નહીં. જેમ કે એક પુસ્તકમાંથી ડહાપણ શીખવા તો મળે પણ તે ઉછીનું હોય છે, અનુભવનું નહીં. 

બીજી પેઢી જો કે સફળતાપૂર્વક એ ઉછીની કીર્તિના જોરે તરી જાય છે, પણ તેનાં સંતાનો, એટલે જે ત્રીજી પેઢી પાસે કેવળ અનુકરણ અને પરંપરા જ હોય છે. પહેલી પેઢી (પિતા) સાથે તેનો પ્રત્યક્ષ સંપર્ક નથી, કેવળ વાતો સાંભળી છે. એટલે તે માન્યતાઓના આધારે એ કીર્તિને જાણે છે અને જીવે છે. બીજી પેઢીથી તે ઔર એક ડગલું નીચે છે; તે એક અંધશ્રદ્ધાળુ ભક્ત છે અને એ ‘ગુરુ’ની વાતોને અનુસરે છે, જેમણે ‘ભગવાન’ જોયેલા છે.

ચોથી પેઢી તો આગલી પેઢીથી બધી રીતે ઉતરતી છે. તેને સન્માન તો મળે છે, પણ એ સન્માન ક્યાંથી જન્મ્યું છે કે ક્યા કારણથી મળે છે તેની તેને ખબર નથી. એને લાગે છે કે એ તો એને વારસામાં મળ્યું છે. તે પોતાને એ પરંપરા અથવા કીર્તિનો હકદાર માને છે અને એવું પણ માને છે કે એ આદર્શોને આગળ લઇ જવાની તેની ‘દૈવી’ ફરજ છે. 

ખલદૂનના અસાબીય્યાહની આ કહાની ભારતની કાઁગ્રેસ પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધીની કહાનીમાં ફિટ બેસે છે. કાઁગ્રેસ પાર્ટીનો વંશ ચોથી પેઢીમાં આવીને ખતમ થવા આવ્યો છે. જનતાએ પણ ચોથા હાથમાંથી આવેલી કીર્તિ માટે સન્માન ગુમાવ્યું છે, અને તેની પાસેથી તે નેતૃત્વને લઈ લઈને બીજા નેતા કે વંશજને સોપ્યું છે; ખલદૂનની ભાષામાં, અહીંથી ભા.જ.પ. નામના નવા વંશ ચક્રનો ઉદય થયો છે. 

કાઁગ્રેસ પાર્ટી, જે સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલાંના વૈચારિક મંથનમાંથી ઉભરી હતી, આજે તેના અસ્તિત્વ સામે એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે, અને ચોથી પેઢીના રૂપમાં રાહુલ ગાંધી તેના આ પતનમાં કેન્દ્રીય ભૂમિકામાં છે.

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી અને તે સ્વાતંત્ર્ય ચળવળમાં સૌથી આગળ રહી. આઝાદી પછી પણ નેહરુ-ગાંધી પરિવારનો પાર્ટીમાં ઘણો ઊંડો પ્રભાવ રહ્યો. જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને પછી સોનિયા ગાંધી સુધી બધા તેના ભાગ રહ્યાં. પરંતુ ઇબ્ન ખલદૂનની દૃષ્ટિએ જોઈએ તો આ વંશવાદ પ્રથમ પેઢીથી બીજી પેઢી સુધીની યાત્રા જેવી છે : એક નવી શક્તિ, મોટી આશા, સામૂહિક ઊર્જા. પરંતુ સમયની સાથે, વૈભવ, આરામ અને શક્તિનું કેન્દ્રિકરણ વધ્યું – અને અસાબીય્યાહ ધીરે-ધીરે નબળું થતું ગયું.

જવાહરલાલ નહેરુની પહેલી પેઢી પાસે સ્વતંત્રતા યુગ, સંઘર્ષ અને આદર્શવાદની તાકાત હતી. ઇન્દિરાની બીજી પેઢી પાસે ઉચ્ચ સત્તા અને રાજકીય દૃઢતાની મજબૂતાઈ હતી. રાજીવ-સોનિયાની ત્રીજી પેઢી પાસે વૈશ્વિક ઓળખ, સંસદીય રાજનીતિ અને સત્તાનો વૈભવ હતો. આ બધો અસાબીય્યાહ રાહુલ અને પ્રિયંકાની ચોથી પેઢીમાં આવીને ખતમ થઇ ગયો છે. રાહુલ ગાંધી એ ‘ચોથી પેઢી’ના પ્રતીક બન્યા છે, જેના સમય દરમ્યાન પક્ષનું સામૂહિક બંધુત્વ કમજોર થયું છે અને સત્તા સંતુલન, સંગઠનાત્મક મજબૂતી અને જનસંવાદમાં ઘટાડો થયો છે.

કાઁગ્રેસે વર્ષોનાં વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે; તે માર ખાઈ-ખાઈને તગડા બનેલા મહોમ્મદ અલી જેવી હતી, પણ આજે પાર્ટીની અંદર કોઈ મજબૂત ‘લડાયક ભાવના’ નથી રહી. 2014થી લગાતાર કાઁગ્રેસનો ગ્રાફ ઘટી રહ્યો છે. બિહાર તેનું તાજું ઉદાહરણ છે. તેના એક સમયના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીની સમીક્ષા કરતાં લખ્યું છે કે પાર્ટીમાં હવે નિર્ણયો સુરક્ષા ગાર્ડ અથવા પી.એ. દ્વારા લેવામાં આવે છે, ન કે લોકશાહી પ્રક્રિયાથી.  

રાહુલ ગાંધીના નેતૃત્વને ‘વંશવાદ’ની ટીકાનો પણ સતત સામનો કરવો પડ્યો છે. પાર્ટીમાં અન્ય મુખ્ય અને યુવાન નેતાઓનો વિકાસ ઓછો રહ્યો છે કારણ કે પાર્ટીમાં દરેક બાબતમાં ગાંધી પરિવારનું પ્રભુત્વ બરકરાર રહ્યું છે. બીજા શબ્દોમાં કહી તો કાઁગ્રેસ પાર્ટી એટલી વજનદાર હતી કે હવે તેને જ તેનો ભાર લાગવા માંડ્યો છે. 

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ જેવી પ્રવૃત્તિઓ સાચા અર્થમાં જનસંપર્કની પહેલ હતી, પરંતુ તેની અસર પાર્ટીની સ્થાયી પુનર્રચના પર મર્યાદિત રહી. ઇબ્ન ખલદૂનના અનુસાર, જ્યારે વૈભવ વધે છે અને સંઘર્ષની ભાવના ઘટે છે, ત્યારે શક્તિનો સાચો આધાર ધ્વસ્ત થઇ જાય છે. આવી જ કંઇક સ્થિતિ કાઁગ્રેસ સાથે થઇ રહ્યું છે. 

એ દૃષ્ટિએ કાઁગ્રેસની સ્થિતિ જોવામાં આવે, તો એવું કહેવું કદાચ અતિશયોક્તિ નથી કે પાર્ટી સંગઠાત્મક ચક્રના અંત તરફ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી જનતા અને મતદાતાઓમાં પકડ ગુમાવી રહી છે, વરિષ્ઠ નેતાઓમાં નારાજગી અને વિદ્રોહ વધી રહ્યા છે, આર્થિક સંસાધનો સંકુચિત થઇ રહ્યાં છે અને સંગઠાત્મક પુનરુત્થાનની રણનીતિમાં તે નિષ્ફળ જઈ રહી છે. 

ઇબ્ન ખલદૂનનું ચિંતન કહે છે કે સત્તાનો ક્ષય સ્વાભાવિક છે, પરંતુ તેનું પુનરુત્થાન પણ શક્ય છે – તેના માટે નવી પેઢીઓ, નવી વિચારધારાઓ અને નવી અસાબીય્યાહની રચના કરવી પડે. ગાંધી પરિવારે બહારના નવા, યુવા અને સક્ષમ નેતાઓને આગળ કરવા પડે. નેતૃત્વમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓ મજબૂત કરવી પડે, પાર્ટીને સ્થાનિક સ્તરે લોકો સાથે જોડવી પડે, ચૂંટણીના અર્થતંત્રને પુનઃસ્થાપિત કરવું પડે અને એક સ્પષ્ટ, આધુનિક તેમ જ પ્રગતિશીલ વિચારધારા પ્રસ્તુત કરીને યુવા અને મધ્યમ વર્ગને સાથે જોડવો પડે. 

કાઁગ્રેસનું હાલનું પતન અનિવાર્ય અંત નથી. જો કાઁગ્રેસ પુનરુત્થાનની નીતિ અપનાવે – નવી અસાબીય્યાહ, નવું નેતૃત્વ અને સંસ્થાકીય સુધારા અપનાવે – તો તે ઇતિહાસના આ ચક્રને નવી રીતે ફેરવી શકે છે. નહીં તો, ઇબ્ન ખલદૂનની આગાહી અનુસાર, કાઁગ્રેસ તેની ચાર પેઢીઓનાં વારસામાં ‘પતન’નો સામનો કરી શકે છે અને રાજકીય પરિદૃશ્યમાં તેનો મહિમા ધીમે ધીમે ગુમાવી શકે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 23 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

23 November 2025 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—316 
નિવૃત્ત એટલો જ ઉપયોગી છે તો તેને નિવૃત્ત કરો છો શું કામ? →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—357
  • The Times of India, ફડિયા ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ – આવજો, ટાટા, બાય બાય! 
  • વૃદ્ધાશ્રમ
  • બોલ કાન્હા ….
  • થેપલાં ગુજરાતીઓના જીવનમાં ક્યારથી વણાઈ ગયાં? શું છે ઇતિહાસ?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved