૩
ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના વારસાની જાળવણી કરવાનું કામ એકલે હાથે થઇ શકે તેમ નથી, એ વાત ફાર્બસને સમજાઈ જતાં તેણે સમાનધર્મી વ્યક્તિઓનો સાથ લઈને એક સંસ્થા ઊભી કરવાનું વિચાર્યું. આવી સંસ્થા પુસ્તકો, સામયિકો, અને વર્તમાન પત્રો પ્રગટ કરી શકે, નિશાળો શરૂ કરી શકે, પુસ્તકાલયો સ્થાપી શકે. આથી કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા તેમણે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બોલાવી. સાધારણ રીતે નાતાલના અરસામાં બ્રિટિશ અફસરો નોકરીમાંથી છુટ્ટી લઇ મોજમજા કરવા ઊપડી જાય. પણ તેને બદલે કેટલાક અંગ્રેજો તે દિવસે ભેગા થયા, અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. આ બેઠકમાં હાજર રહેનારા બધા અંગ્રેજો જ હતા, એક પણ ‘દેશી’ માણસ તેમાં હાજર નહોતો. સોસાયટીની મૂડી માટે જે ફાળો એકઠો કર્યો તેમાં પણ બધી રકમ આ અંગ્રેજ અધિકારીઓએ જ આપી હતી. ફાર્બસે પોતે પોતાની અંગત આવકમાંથી પચાસ રૂપિયા આપ્યા હતા અને ભવિષ્યમાં દર વર્ષે પચ્ચીસ રૂપિયા આપવાની બાંહેધરી આપી હતી. બોમ્બે પ્રેસીડેન્સીના ગવર્નર લોર્ડ ફોકલેન્ડને સોસાયટીના ‘ચીફ પેટ્રન’ બનવા આમંત્રણ અપાયું, અને ફાર્બસને મંત્રીપદ સંભાળવા વિનંતી કરાઈ હતી.
ત્યાર બાદ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આ સોસાયટીના ઉદ્દેશો અંગે સ્પષ્ટતા કરીને ‘દેશી’ લોકો પાસેથી ફાળો માંગવામાં આવ્યો હતો. સોસાયટીના ઉદ્દેશો હતા : મૌલિક તેમ જ અનુવાદિત ગુજરાતી પુસ્તકો પ્રગટ કરવાં, સામયિકો પ્રગટ કરવાં, અમદાવાદમાં એક પુસ્તકાલય શરૂ કરવું, વગેરે. પહેલી મિટિંગમાં અંગ્રેજ અધિકારીઓ પાસેથી કુલ ૨,૯૫૦ રૂપિયા જેટલી રકમ મળી હતી. પછી તેમણે કરેલી અપીલના જવાબમાં ‘દેશી’ઓ પાસેથી બીજા ૬,૬૫૧ રૂપિયા મળ્યા હતા. આવા કોઈ કામ માટે પૈસા ભેગા કરવા હોય ત્યારે અંગ્રેજ અધિકારીઓ સામાન્ય રીતે દેશી રાજ્યોના રાજાઓ તરફ સૌથી પહેલાં નજર દોડાવતા. અને આ રાજાઓ પણ અંગ્રેજ સાહેબોને ખુશ રાખવા પોતપોતાની શક્તિ પ્રમાણે પૈસા આપી દેતા. સોસાયટી માટે પણ ગુજરાત-કાઠિયાવાડના ઘણા રાજવીઓએ ફાળો આપ્યો હતો. પહેલા વર્ષ દરમ્યાન ૨૩ અંગ્રેજો અને ૧૫ ‘દેશી’ઓ સોસાયટીના આજીવન સભ્યો બન્યા હતા. આ ઉપરાંત પાંચ વાર્ષિક સભ્યો હતા જેમાંના ચાર અંગ્રેજો હતા.
કોઈ મિશનરી જેવી ધગશથી ફાર્બસે સોસાયટીનું કામ હાથમાં લીધું. સોસાયટીના પહેલા વાર્ષિક અહેવાલમાં લખ્યું છે : “આપણે જેમને જવાબદાર છીએ તેવા આપણા માનવ અધિષ્ટતાઓ આપણને દેશના ભલા માટે જે કામ સોંપે તે કરવાની તો આપણી ધાર્મિક ફરજ છે જ, પણ તે ઉપરાંત પણ હિન્દુસ્તાનના ભલા માટે આપણા સૌથી બની શકે તે અને તેટલું કરવાની પણ આપણી એવી જ ફરજ છે અને તેમાં જ આપણા પરમ અધિષ્ઠાતા જીસસ ક્રાઇસ્ટનું પણ ભલું છે. અલબત્ત, પોતે આ કામ માટે કેવો અને કેટલો ફાળો આપી શકે તેમ છે, તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય.૨
આગળ ઉપર કહ્યું છે : “આ રીતે અમે કેટલાક લોકોએ સાથે મળીને સામાજિક કામની શરૂઆત કરી છે. આપણે જ્યારે ખ્રિસ્તી ધર્મના કામોમાં સહભાગી થઈએ છીએ ત્યારે આપણે આપણી ફરજ બજાવીએ છીએ. તેવી જ રીતે જ્યારે આપણે કોઈ પ્રદેશની ભાષાને તેની આજની દરિદ્ર અવસ્થામાંથી બહાર કાઢીને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પણ આપણી ફરજ બજાવીએ છીએ. એ ભાષા સાથે સંકળાયેલાઓમાંથી જે વધુ પ્રતિભાવાન છે તેમને પ્રોત્સાહન આપીને ભાષાને વધુ વિસ્તૃત, વધુ સૂક્ષ્મ, વધુ નિયંત્રિત, કરીએ જેથી જે વધુ સુંદર અને વધુ સત્ય છે તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવામાં તે ભાષા સક્ષમ બને.”૩
સોસાયટીની સ્થાપના થઇ ત્યાં સુધીમાં ફાર્બસ ગુજરાતી ભાષા સહજ રીતે બોલી શકતા થયા હતા. રાસમાળાના પહેલા ભાગની ૧૯૨૪માં પ્રગટ થયેલી આવૃત્તિમાં એચ.જી. રોલિંગસને ફાર્બસ વિશેનાં સ્મરણો લખ્યાં છે. તેમાં તેમણે કહ્યું છે : “ફાર્બસ અસાધારણ શુદ્ધિપૂર્વક અને અસ્ખલિત રીતે ગુજરાતી ભાષા બોલી શકતા હતા. આથી યુરોપિયનો માટે અસાધારણ કહેવાય તેવી સહેલાઈથી તેઓ લોકોનો વિશ્વાસ જીતી શકતા અને સાધારણ રીતે જે માહિતી સહેલાઈથી ન મળી શકે તે મેળવી શકતા.”૪
સોસાયટીએ પહેલું કામ કર્યું અમદાવાદમાં લાયબ્રેરી ઊભી કરવાનું. ૧૮૪૯ના જાન્યુઆરીની પાંચમી તારીખે સોસાયટીની બીજી બેઠક મળી હતી. તેમાં ઠરાવવામાં આવ્યું હતું કે શક્ય તેટલી વહેલી તકે અમદાવાદમાં એક લાયબ્રેરી શરૂ કરવી. તેના સભ્ય થવાનું ‘દેશી’ઓને પોસાય એવા હેતુથી વાર્ષિક લવાજમ માત્ર એક રૂપિયો ઠરાવવામાં આવ્યું હતું. માત્ર અમદાવાદમાં જ નહિ, આખા ગુજરાતમાં શરૂ થયેલી આ પહેલી જાહેર લાયબ્રેરી હતી. શરૂઆતમાં તેમાં ૪૫૩ પુસ્તકો હતાં. તેમાંનાં ૨૫૦ અંગ્રેજી, ૧૨૪ ગુજરાતી, ૪૪ મરાઠી, અને ૯ અન્ય ભાષાઓનાં હતાં. આ ઉપરાંત તેમાં ૨૬ હસ્તપ્રતોનો પણ સમાવેશ થતો હતો. આમાંનાં ઘણાંખરાં પુસ્તકો સોસાયટીના શુભેચ્છકોએ ભેટ રૂપે આપ્યાં હતાં. તેનું નામ ‘નેટિવ લાયબ્રેરી’ રાખવામાં આવ્યું હતું, પણ તેના સભ્યોમાં મોટા ભાગના અંગ્રેજો હતા! એટલું જ નહિ, બહુ ઓછા ‘નેટિવ’ લોકોએ તેની મુલાકાત લેવાની પણ દરકાર કરી હતી. ૧૮૫૪-૫૫ના સોસાયટીના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે : “ગુજરાતમાં જ્ઞાનના ફેલાવા માટે જે સોસાયટીએ આટલું બધું કામ કર્યું છે તે સોસાયટીના ‘દેશી’ સભ્યોની સંખ્યા ઘણી ઓછી છે તે આશ્ચર્યની વાત છે.”૫
જેલની બાજુમાં આવેલા એક મકાનના પહેલા માળે એક નાનકડા ઓરડામાં આ લાયબ્રેરી શરૂ થઇ હતી. પણ જેલની સલામતીની દૃષ્ટિએ વાંધાજનક લાગતાં જેલના સત્તાવાળાઓએ લાયબ્રેરી બીજે ખસેડવા સોસાયટીને જણાવ્યું હતું. સોસાયટીની કારોબારી સમિતિના સભ્યોનું માનવું હતું કે આ લાયબ્રેરી માત્ર અમદાવાદના જ નહિ, પણ આખા ગુજરાતના ‘દેશી’ઓના લાભ માટે છે. તેથી લાયબ્રેરી માટે મકાન બાંધવાનો ખર્ચ એ લોકોએ ઉપાડી લેવો જોઈએ. જો લોકો આગળ ન આવે તો સોસાયટીએ લાયબ્રેરી બંધ કરી દેવી જોઈએ. આવી વિચારણા ચાલતી હતી ત્યારે ફાર્બસ હિન્દુસ્તાનમાં નહોતા. ‘રાસમાળા’ લખવા માટે લાંબી રજા લઇ સ્વદેશ ગયા હતા. પોતાની ગેરહાજરીમાં દલપતરામને અગવડ ન પડે એટલા માટે ફાર્બસે તેમને સાદરાના પોલિટિકલ એજન્ટને ત્યાં નોકરી અપાવી હતી. એટલે દલપતરામ પણ અમદાવાદમાં નહોતા. સોસાયટીના સેક્રેટરી ટી.બી. કર્ટીસે ફાર્બસને પત્ર લખી જણાવ્યું કે તમારી ગેરહાજરીમાં સોસાયટી ભાંગી પડવાની દશામાં છે. આમ ન થાય તે માટે શું કરવું જોઈએ એ અંગે કર્ટીસે ફાર્બસ પાસે સલાહ પણ માગી. ફાર્બસે જવાબમાં લખ્યું કે સોસાયટીને જો કોઈ બચાવી શકે તેમ હોય તો તે એક માત્ર દલપતરામ છે. માટે વહેલામાં વહેલી તકે તેમને સોસાયટીની નોકરીમાં રાખી લેવા. ફાર્બસે દલપતરામને પણ પત્ર લખ્યો અને કહ્યું કે સરકારી નોકરી છોડીને તમે વહેલામાં વહેલી તકે અમદાવાદ જઈ સોસાયટીની નોકરીમાં જોડાઈ જાવ. ૧૮૫૫ના એપ્રિલની ૨૩મી તારીખે પત્ર લખીને કર્ટીસે દલપતરામને સોસાયટીમાં જોડાઈ જવા જણાવ્યું. પણ મહીકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર વ્હીટલોક દલપતરામને છૂટા કરવા રાજી નહોતા. પોતાની નામરજી જણાવતો એક અનૌપચારિક પત્ર તેમણે કર્ટીસને લખ્યો. પણ છેવટે દલપતરામને સરકારી નોકરીમાંથી મુક્ત કર્યા. અમદાવાદ જઈ ૧૮૫૫ના જૂનની પહેલી તારીખથી દલપતરામ સોસાયટીમાં મહીને ૩૦ રૂપિયાના પગારે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. ત્યાર બાદ એ જ વર્ષના સપ્ટેમ્બરની આઠમી તારીખે દલપતરામે એક જાહેર સભા બોલાવી. લાયબ્રેરી માટે દાન આપવા તેમણે ‘દેશી’ઓને અપીલ કરી. એ જ વખતે ૫૩૦ રૂપિયાનો ફાળો થયો અને નગર શેઠ હિમાભાઈએ લાયબ્રેરીના મકાન માટે ત્રણ હજાર રૂપિયા આપવાનું જણાવ્યું. મકાન માટે જરૂરી જમીન આપવાની તૈયારી અમદાવાદના કલેકટરે બતાવી. થોડા વખત પછી મકાન બંધાઈ રહેતાં મુંબઈના ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને ૧૮૫૭ના ડિસેમ્બરની ૨૪મી તારીખે તેનું ઉદ્ઘાટન કર્યું. તે સાથે ‘નેટીવ લાયબ્રેરી’ નામ બદલી ‘હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ નામ રાખવામાં આવ્યું. એટલું જ નહિ, તેનો કારભાર એક અલાયદી સમિતિને સોંપવામાં આવ્યો. મકાન બાંધવાનો કુલ ખર્ચ ૭,૦૦૦ રૂપિયા જેટલો થયો હતો. હિમાભાઈએ અગાઉ ત્રણ હજારનું વચન આપ્યું હતું પણ તેમણે ઉદારતાપૂર્વક બધો ખર્ચ પોતે ઉપાડી લીધો.
૪
ફાર્બસે ગુજરાતી અખબાર શરૂ કરવા તરફ પણ નજર દોડાવી. ‘વર્તમાન’ નામનું આ અખબાર અમદાવાદથી પ્રગટ થનારું પહેલું અખબાર હતું એટલું જ નહિ, બોમ્બે પ્રેસિડન્સીના ગુજરાતીભાષી પ્રદેશમાંથી પ્રગટ થનારું પણ તે પહેલું અખબાર હતું. મુંબઈ અને સુરતની સરખામણીમાં અમદાવાદમાં મુદ્રણ ઘણું મોડું આવ્યું – છેક ૧૮૪૫માં. એ વર્ષે બાજીભાઈ અમીચંદે અમદાવાદમાં પોતાનું લિથોગ્રાફિક પ્રેસ શરૂ કર્યું. ‘વર્તમાન’ની માલિકી સોસાયટીની હતી, પણ તે છપાતું બાજીભાઈના છાપખાનામાં. તે દર બુધવારે પ્રગટ થતું હોવાથી લોકોમાં ‘બુધવારિયું’ તરીકે જાણીતું થયું હતું. તેનો પહેલો અંક ૧૮૪૯ના એપ્રિલની ચોથી તારીખે પ્રગટ થયો હતો. શરૂઆતમાં તેની માત્ર ૧૨૫ નકલ ખપતી હતી. પહેલા વાર્ષિક અહેવાલમાં ફાર્બસ લખે છે : “વર્તમાનમાં કોઈ લખાણ પ્રગટ કરવું કે નહિ એ અંગે સોસાયટીના સેક્રેટરી પાસે વીટોની સત્તા છે ખરી, પણ એનો અર્થ એવો નથી કે સેક્રેટરી તેનો તંત્રી પણ છે. જો કે છતાં તંત્રીને સામનો કરવો પડે તેવી ઘણી મુશ્કેલીઓનો સામનો તેણે અગાઉ કર્યો છે અને અત્યારે પણ કરી રહ્યો છે.”૬
જો કે આ અખબાર સાથેનો સોસાયટીનો સંબંધ ઝાઝો ટક્યો નહિ. સ્થાનિક જેલમાં અને અદાલતમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેના સમાચાર ‘વર્તમાન’ના ૧૮૫૧ના બીજી જુલાઈના અંકમાં છપાયા. આ અખબારનો ફેલાવો ઘણો ઓછો હોવાથી આમ તો એ વાત બહુ લોકોના ધ્યાનમાં ન આવી હોત. પણ મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર ‘બોમ્બે ટેલિગ્રાફ એન્ડ કુરિયરે’ ‘વર્તમાન’માંથી આ સમાચાર ઉપાડીને ચગાવ્યા. જેલના કે અદાલતના સંબંધિત અધિકારીઓનાં નામ ‘વર્તમાન’માં છાપ્યાં નહોતાં, પણ કુરિયરે તે નામ છાપ્યાં. આથી વાત ચગી. ન્યાયાધીશે સોસાયટીને અદાલતમાં ઘસડી જવાની ધમકી આપી. સોસાયટીના મેમ્બરોએ લેખિત રદિયો આપ્યો, જેમાં ફાર્બસની પણ સહી હતી. પણ મુંબઈ સરકારે સોસાયટીની રજૂઆત સ્વીકારી નહિ. એટલું જ નહિ, સરકારે હુકમ કર્યો કે હવે પછી સોસાયટીએ કે કોઈ સરકારી નોકરે ‘વર્તમાન’ સાથે સંબંધ રાખવો નહિ. એટલે બાજીભાઈ અમીચંદે આ અખબારની બધી જવાબદારી ઉપાડી લીધી. ૧૮૬૪ સુધી તેમણે આ અખબાર ચલાવ્યું.
સોસાયટીની સ્થાપના થઇ તે પહેલાં પણ કરુણાશંકર દયાશંકર નામના શિક્ષક અમદાવાદમાં એક નિશાળ ચલાવતા હતા. તેમાં છોકરાઓ તેમ જ છોકરીઓ, બંને ભણવા આવતાં. ૧૮૪૯ના જુલાઈની ચોથી તારીખે તેમણે એક પત્ર લખીને આ નિશાળની જવાબદારી લઇ લેવાની સોસાયટીને વિનંતી કરી. કારણ સરકારી સહાય વગર નિશાળ ચલાવવાનું તેમને માટે મુશ્કેલ હતું. અને આઠમી જુલાઈથી તો સોસાયટીએ એ નિશાળની જવાબદારી લઇ લીધી. એ વખતે તેમાં ૪૭ છોકરા અને એક છોકરી ભણતાં હતાં. પણ સોસાયટીએ નિશાળ લઇ લીધી તે પછી એક વર્ષમાં જ આ સંખ્યા વધીને ૧૦૦ છોકરાઓ અને ૨૦ છોકરીઓની થઇ ગઈ. આ નિશાળ અંગે કવિ નાનાલાલે એક પ્રસંગ નોંધ્યો છે. હિન્દુઓની મનોદશાને ફાર્બસ કેવી તો સાંગોપાંગ જાણતા હતા તે આ પ્રસંગ પરથી જણાય છે. ૧૮૫૦ના જાન્યુઆરીમાં સોસાયટીના સેક્રેટરીપદે ફાર્બસને સ્થાને ડો. જી. સીવર્ડ આવ્યા. તેમને ત્યાં ‘અસ્પૃશ્ય’ ગણાતી જાતિનો એક નોકર કામ કરતો હતો. સોસાયટીની નિશાળમાં પોતાનો દીકરો ભણવા જાય એવી એ નોકરની ઈચ્છા હતી. ડો. સીવર્ડે માસ્તર કરુણાશંકરને ચિઠ્ઠી લખી અને જણાવ્યું કે આ છોકરાને નિશાળમાં દાખલ કરજો. પોતાના ઉપરી તરફથી આ ચિઠ્ઠી આવી હતી એટલે એ છોકરાને દાખલ કર્યા સિવાય માસ્તરનો છૂટકો નહોતો. પણ જેવો એ છોકરો નિશાળમાં દાખલ થયો કે તરત બીજા બધા છોકરાઓ નિશાળમાંથી ચાલતા થયા. કરુણાશંકર ડો. સીવર્ડને મળવા ગયા અને બધી વાત જણાવી. ડો. સીવર્ડે કહ્યું કે તો તમારા ઘરે આ છોકરાને ભણાવો. માસ્તરે જવાબ આપ્યો કે તો તો મારા ન્યાતીલાઓ મને ન્યાત બહાર મૂકે અને મારો અને મારા કુટુંબનો બહિષ્કાર કરે. આ સાંભળી ડો. સીવર્ડ રાતાપીળા થઇ ગયા અને કહ્યું કે તમારા જેવા માસ્તરની અમને જરૂર નથી. આવતી કાલથી નિશાળે ન જતા. તમારી જગ્યાએ અમે કોઈ મુસ્લિમ શિક્ષકને રાખી લેશું. નાસીપાસ થયેલા કરુણાશંકર ફાર્બસ પાસે ગયા અને બધી વાત જણાવી. ફાર્બસે ડો. સીવર્ડ પર એક ચિઠ્ઠી લખીને તે કરુણાશંકરને આપી. તેમાં લખ્યું હતું કે આદર્શની દૃષ્ટિએ તમારી વાત સાચી છે, પણ આ વાતને આ દેશમાં અમલમાં મૂકતાં હજી બીજાં સો વર્ષ લાગશે. તેમણે કરુણાશંકરને કહ્યું કે તમતમારે કાલે સવારે નિશાળે જજો અને રોજની જેમ ભણાવવાનું કામ કરજો. આનો અર્થ અલબત્ત, એવો નથી કે ફાર્બસ અસ્પૃશ્યતાની તરફેણમાં હતા. પણ તેઓ આ દેશને સારી રીતે જાણી શક્યા હતા અને એટલે તેમને ખબર હતી કે આવા સુધારા રાતોરાત થઇ શકતા નથી, પણ ધીમે ધીમે કરવા પડે છે.
થોડા વખત પછી ખ્યાલ આવ્યો કે છોકરા-છોકરીઓ સાથે ભણતાં હોય તેવી નિશાળમાં પોતાની છોકરીઓને મોકલવા ઝાઝાં માબાપ તૈયાર થતાં નથી. આથી એક અલાયદી કન્યાશાળાની જરૂરિયાત જણાઈ. શેઠ હઠીસિંગ કેસરીસિંગનાં વિધવા હરકુંવરબાઈએ એક વર્ષ માટે આવી નિશાળનો બધો ખર્ચ ઉપાડી લીધો અને જો આ પ્રયોગ સફળ થાય તો તેના નિભાવ માટે પણ સારી એવી રકમ આપવાનું વચન આપ્યું. એટલે ૧૮૫૦માં સોસાયટીએ અલગ કન્યાશાળા શરૂ કરી અને અગાઉની નિશાળમાં ભણતી વીસ છોકરીઓની બદલી આ નવી નિશાળમાં કરી. માત્ર અમદાવાદમાં જ નહિ, આખા ગુજરાતમાં શરૂ થયેલી આ પહેલવહેલી કન્યાશાળા હતી. જો કે પછીથી સોસાયટીની કાર્યવાહક સમિતિએ છોકરાઓ માટેની નિશાળ બંધ કરવાનું નક્કી કર્યું. ૧૮૫૪ના વાર્ષિક અહેવાલમાં આમ કરવા માટેનાં ત્રણ કારણ આપ્યાં છે. એક, તેમાં ભણતા છોકરાઓ અભ્યાસમાં સંતોષકારક પ્રગતિ કરતા નહોતા. બીજું, આ નિશાળ માટેનો ખર્ચ કરવાનું સોસાયટીને પોસાય તેમ નહોતું. અને ત્રીજું, અમદાવાદમાં છોકરાઓ માટેની બીજી ચાર સરકારી નિશાળો હતી, એટલે સોસાયટીની નિશાળ બંધ થાય તો ઝાઝી ખોટ વર્તાય તેમ નહોતું. પણ છોકરીઓ માટેની નિશાળ પ્રગતિ કરતી રહી. તેને માટેના નવા મકાનનું ખાત મૂરત બરોડાના રેસિડન્ટ સર રિચમન્ડ શેક્સપિયરે (કેટલાક તેઓ વિલિયમ શેક્સપિયરના વંશજ હતા એમ જણાવે છે, પણ હકીકતમાં આ બે શેકસપિયર વચ્ચે કશું સગપણ નહોતું. હકીકતમાં રિચમન્ડ શેક્સપિયર પ્રખ્યાત નવલકથાકાર વિલિયમ ઠેકરેની દીકરીના દીકરા હતા.) ૧૮૫૮ના એપ્રિલની ૩૦મી તારીખે કર્યું હતું. પણ જ્યારે નવું મકાન તૈયાર થયું ત્યારે સોસાયટીએ આ કન્યાશાળાનો વહીવટ સર થિયોડોર હોપના વડપણ હેઠળની એક અલાયદી સમિતિને સોંપી દીધો.
e.mail : deepakbmehta@gmail.com