‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ..’ જેવી પંક્તિ આદિ કવિ નરસિંહ મહેતાએ આપી ને તેણે સેંકડો વર્ષ પહેલાં ‘અખિલ બ્રહ્માંડ’ની કલ્પના ગુજરાતીમાં કરી એ ગુજરાતી, ગુજરાતની માતૃભાષા જ ન રહે એની મહેનત ગુજરાતનો શિક્ષણ વિભાગ કરી રહ્યો છે. આમ પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો વિદ્યાર્થી નથી મળતા એવા બહાને બંધ થઈ રહી છે ને અંગ્રેજી માધ્યમની સ્કૂલો માટે વિદ્યાર્થીઓની ખોટ નથી, એટલે નવી સ્કૂલો ખૂલતી જાય છે. પરપ્રાંતીયોનાં આક્રમણને નામે, ગુજરાતી ભૂંસાતી જઈ રહી છે એવી ફરિયાદ છે, પણ મૂળ ગુજરાતીઓને પણ ગુજરાતી પારકી અને અંગ્રેજી પોતાની ભાષા લાગતી હોય તો અન્યોનો શો વાંક કાઢવો? આજકાલ તો ગુજરાતી ન બોલવાની ફેશન થઈ પડી છે, તેવામાં ગુજરાતીની આવરદા ઘટે તે સમજાય એવું છે. એવે વખતે ગુજરાતીનું મહત્ત્વ ઓછું આંકવાનું શિક્ષણ વિભાગનું વલણ અત્યંત ઘાતક છે.
અમદાવાદની વાત કરીએ તો 1 લાખ બાળકોએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો છે ને 89 હજાર ક્યાં છે તેની ખબર નથી. રાજ્યની વાત કરીએ તો ગુજરાતનાં 6.58 લાખ બાળકોએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો છે. એમાં પણ 6.17 લાખ વિદ્યાર્થીઓની કોઈ માહિતી નથી. સરકાર એવા અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો સરવે કરવાની છે, પણ એ ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવા જેવું છે. શિક્ષણમાં અનેક અખતરા કરીને સરકારે ખતરા જ વધાર્યા છે. એને લીધે થવાં જોઈતાં કામ થતાં નથી. પરિપત્રો અને ડેટા પર જીવતો શિક્ષણ વિભાગ વાસ્તવિક ચિત્ર પામી શકે એમ નથી. પામવાની કદાચ ઈચ્છા પણ નથી. તેને તો ખરો-ખોટો ડેટા મળે એટલું પૂરતું છે. આ સ્થિતિ હોય ત્યાં નવી શિક્ષણ નીતિ-2020નો શો મતલબ રહે તે વિચારવાનું રહે. ભારતના 18 ટકા લોકો અભણ છે ને ગુજરાતનાં 15 ટકા બાળકોને સાદા સરવાળા-બાદબાકી પણ આવડતાં નથી. ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે, પણ બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં હજારો વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આર્થિક સ્થિતિ નબળી હોય ને બાળકોનો અભ્યાસ છૂટે એ એક કારણ ખરું, પણ આજે તો સ્થિતિ સંપન્ન બાળકો પણ ભણવા બહુ રાજી નથી. મોબાઈલ અને સોશિયલ મીડિયાનાં ઓડિયો-વિઝ્યુઅલ્સનું ખેંચાણ એવું છે કે ભણવાની ઈચ્છા ભાગ્યે જ થાય. બીજી તરફ ભણવાનું કૌટુંબિક દબાણ એવું હોય છે કે બાળક આ અને તે ટ્યૂશન ક્લાસ વચ્ચે જ ખપતું રહે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલે તેવું ઓછું જ થાય છે ને નાનેથી જ સ્માર્ટનેસને નામે બાળક કોઈને મૂર્ખ બનાવી શકે કે ગણતરીબાજ બને કે કમાણી સિવાય કશું વિચારી જ ન શકે એવી વાતોનો મહિમા ઘરમાં કે બહાર વધારે થાય છે. આવું હોય ત્યાં સંવેદનાનું નહીં, પણ વેદનાનું જ મહત્ત્વ વધે એમ બને. આવામાં શિક્ષકોની ઘટ હોય તો શિક્ષણ કે ભાષાનો દાટ વળે તેમાં નવાઈ નથી.
ગુજરાત સરકાર ને તેની સ્કૂલો માતૃભાષા દિન તો રંગેચંગે ઊજવે છે, પણ એ ઊંજણ એ દિવસ પૂરતું પણ માંડ રહે છે. શિક્ષણમાં નવી નીતિ કેટલી ઘૂસી તે તો નથી ખબર, પણ રાજનીતિ ને રાજકારણ તો ઠેર ઠેર ઘૂસી ગયાં છે ને અંગત લાભ અને સ્વાર્થ સિવાય કશાનું મહત્ત્વ રહ્યું નથી. સાચું તો એ છે કે માતૃભાષા મરવા નથી માંગતી, પણ તેને મારવા અનેક રાજકીય ધુરંધરો મેદાને પડ્યા છે, ત્યારે એ કેટલું ટકશે તે પ્રશ્ન જ છે.
નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાને વધારે મહત્ત્વ આપવાની વાત છે. એ સાચું હોય તો 100 ટકા શિક્ષક ભરતી થાય તો પણ, ગુજરાતીમાં 817 જગ્યાઓ ખાલી રહે એમ છે. ગુજરાતીના શિક્ષકોનો જ દુકાળ રહેવાનો હોય તો માતૃભાષાનો કેટલો ને કેવો મહિમા થશે તે પ્રશ્ન જ છે. ખરેખર તો ભરતીનું સમય પત્રક જ એવું જાહેર થયું છે કે એમાં માતૃભાષાનું મહત્ત્વ વધવાને બદલે ઘટે. રાજ્યમાં 1,603 વિદ્યા(નિ)સહાયકોની ભરતી સામે ઉચ્ચતર માધ્યમિકમાં 467 અને માધ્યમિકમાં 319 જેટલી ખૂબ જ ઓછી જગ્યાઓ અન્ય વિષયની તુલનામાં ફાળવવામાં આવી છે. ગુજરાતીના વિષયમાં બોર્ડમાં લાખેક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, ત્યારે ગુજરાતી ભાષા ભણાવનારા શિક્ષકો જ પૂરતી સંખ્યામાં ન હોય તો માતૃભાષા મરવા વાંકે જ જીવે કે બીજું કૈં? માતૃભાષાના શિક્ષકોની પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં સરકારને ક્યાં ચૂંક ઊપડે છે એ નથી સમજાતું. આ અંગે માતૃભાષાના ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે, પણ આ ઉમેદવારોનો જન્મારો રજૂઆતો કરવામાં જ જાય એમ બને.
વાત શિક્ષકોની ભરતીની જ નથી, GPSCની ભરતી પરીક્ષાને મામલે પણ એ જ દરિદ્રતા દેખાય છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી-સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-વર્ગ-2ની પોસ્ટ માટેની ભરતીની જાહેરાત મે, 2023માં થઈ. તેની પરીક્ષાનું આયોજન 6 ઓગસ્ટ, 2023 ને રોજ થયું. 22 એપ્રિલ, 2024 ને રોજ પાત્રતા ધરાવતા 150 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી. એ પછી કોઈ કાર્યવાહી આગળ થઈ નથી. ભરતીની જાહેરાતને દોઢ વર્ષ થવા આવ્યું છતાં ઇન્ટરવ્યૂ નીકળ્યા નથી. નોકરી માટે મહિનાઓની સખત મહેનત પછી પણ, નોકરીની રાહ જોતાં ઉમેદવારોને GPSC જેવામાં પણ સમયસર પરિણામ ન મળે એ કેવું? 2023ની ભરતીનું ઠેકાણું પડ્યું નથી, ત્યાં GPSCએ વર્ગ 1 અને 2ની 605 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. તેમાં જણાવ્યું છે કે 2025થી પ્રાથમિક કસોટી શરૂ થશે ને તેનાં અંત સુધીમાં ભરતી પૂરી કરવાનો આયોગનો અંદાજ છે, મતલબ કે 2025નાં અંત સુધીમાં પણ ભરતી પૂરી થાય જ એની ખાતરી નથી. 605 જગ્યાની ભરતી માટે પંદરેક મહિના પણ ઓછા પડે તો સવાલ એ થાય કે આયોગ એવા તે કેવા વેદ ભણે છે કે વરસ દોઢ વરસ સુધી હજારો ઉમેદવારોને આશા પર ટાંગી રાખવા પડે? ને આટલા લાંબા સમય પછી થતી ભરતી યોગ્યતાને ધોરણે જ થાય છે એવું પણ ક્યાં છે?
આ અને આવી પરીક્ષાઓ છાશવારે લેવાતી રહે છે. તેની પરીક્ષાઓનું આયોજન મફત તો નહીં જ થતું હોય. એ ખર્ચ પરીક્ષાર્થીઓ પાસેથી જ વસૂલાતો હશે. એમાંથી એજન્સીઓ કમાતી હશે, પણ લૂંટાવાનું તો ઉમેદવારોને જ થાય છે. આવી લૂંટ માટે જ આયોજનો થતાં હોય તો નવાઈ નહીં ! શિક્ષણ ને નોકરીની બાબતમાં સરકાર દ્વારા થતી આવી ઉપેક્ષા અસહ્ય છે. રજૂઆત, વિરોધ, હડતાળ, આંદોલન વગર સરકાર સમજી જાય તો કેવો આનંદ થાય ! પણ આનંદી સરકાર બીજાની ચિંતા કરે એવું બહુ બનતું નથી.
વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે ગુજરાતી ઉચ્ચતર માધ્યમિકમાં 836 શિક્ષકોની ભરતી સામે 467ની અને માધ્યમિકમાં 767 જ્ઞાન સહાયકની સામે 319 જગ્યા જ મંજૂર થઈ છે. બીજા શબ્દોમાં 1,603 જ્ઞાન સહાયકોની સામે 817 જગ્યાઓ ખાલી રહે તેમ છે. વળી ગુજરાતીના જૂના શિક્ષકોની બદલી થતાં ઉચ્ચતર માધ્યમિકમાં 483 અને માધ્યમિકમાં 418 જગ્યાઓ ખાલી પડી છે. આ 901 જગ્યાઓનો પણ ભરતીમાં સમાવેશ કરવાનો રહે. 31 ઓક્ટોબરે ધોરણ 9થી 12માં ગુજરાતીના શિક્ષકો નિવૃત્ત થતાં તેમની જગ્યાએ પણ શિક્ષણ સહાયકોની ભરતી કરવાની રહે. શિક્ષકો સંદર્ભે ભરતી કરવાને મુદ્દે શિક્ષણ વિભાગ ઓટ અને ખોટમાં જ રહેતો આવ્યો છે. 2017થી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઊઠ્યો છે, પણ 2024 નવેમ્બર સુધીમાં પણ એનો સંતોષકારક ઉકેલ આવતો નથી તે શરમજનક છે. વાત શિક્ષકોની જ નથી, ગુજરાતની ચારેક યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂકનાં પણ ઠેકાણાં નથી ને ઇન્ચાર્જ કુલપતિઓથી કારભાર ચાલે છે. આવું હોય તો કેટલા ય મહત્ત્વના નિર્ણયો લેવાય જ નહીં ને ત્યારે પરિસ્થિતિ કેવી કથળે તેની કલ્પના જ કરવાની રહે.
અત્યારે શિક્ષણ વિભાગમાં કામ કરતાં મંત્રીઓ, તેના અધિકારીઓ, તેનો સ્ટાફ, તેના શિક્ષણાધિકારીઓ, તેની શિક્ષણ સમિતિઓનો સરવે કરવા જેવો છે કે એના કેટલા સભ્યો કાયમી નોકરીમાં છે ને નિવૃત્તિ પછી પેન્શન વગેરેના લાભો લેવાના છે? મોટેભાગના કાયમી હોય ને નિવૃત્તિ પછીના લાભો મેળવવાના હોય તો 42 હજાર કાયમી શિક્ષકોની ઘટ પૂરવાને બદલે જ્ઞાન સહાયકોની નિમણૂક 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર એટલા માટે જ થાય છેને કે તેમને ઇન્ક્રિમેન્ટ કે નિવૃત્તિના લાભો આપવા ન પડે? આ બધી રીતે અન્યાયી છે. આ રીતે વર્તીને શિક્ષણ વિભાગ ગુજરાતની પ્રજાને એવો મેસેજ આપવા માંગે છે કે નોકરિયાતોને કાયમી કોઈ લાભ બને ત્યાં સુધી ન આપવા ને તેમનું ફિક્સ પગારે સૂક્ષ્મ રીતે શોષણ કરવું. એ ખરું કે નોકરીમાં છે તેઓ પણ સંસ્થાઓને કેમ ચૂનો લગાવવો તે જાણે છે. એવાઓને સરકારે શું કામ મદદ કરવી જોઈએ એવું કોઈ કહે તો તે સાવ ખોટું છે એવું નથી. ઘણાં શિક્ષિતો કામ ચોર હોઈ શકે છે, પણ એવું તો સરકારમાં ય ક્યાં નથી?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 નવેમ્બર 2024