કમ્મરતોડ ફી માગતી ખાનગી શાળાઓ આપણા જીવનમાં આટલી અગત્યની કેમ છે? સરકારી શાળાઓમાં પાંગરતી પ્રતિભાઓ તરફ લોકો, અધિકારીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ સૌ આંખો મીંચી કેમ રાખે છે? શા માટે કારકિર્દી મટીને બિઝનેસ બની ગયેલું શિક્ષણ તગડા નફા સિવાય બીજો વિચાર કરતું નથી? ફિલ્મનું એક પાત્ર જ્યારે કહે છે, ‘ઇસ દેશ મેં ઇંગ્લિશ ભાષા નહીં, ક્લાસ હૈ’ ત્યારે આપણને આપણી જ દયા આવે છે. બાલદિન નજીક આવી રહ્યો છે ત્યારે સવાલ થાય છે, આ ગાંડપણ દેશના ભાવિ નાગરિકોને ક્યાં લઇ જશે?
પ્રતિમાબહેનને 60 વર્ષ થયાં એટલે વિચાર આવ્યો કે થોડું સામાજિક કામ કરીએ. અનાથાલય, મૂંગા-બહેરાની સંસ્થા, બ્લાઇન્ડ સ્કૂલ બધે જઈ આવ્યાં કે ક્યાં થોડી સેવા આપી શકાશે. મોટા શહેરમાં હતાં એટલે સંસ્થાઓની ખોટ ન હતી. તેમણે સીધી સંચાલકો-ટ્રસ્ટીઓ સાથે જ વાત કરી અને બધે એક સામાન્ય તત્ત્વ જોઈ જરા ચોંકી ગયાં. એમાંના દરેક સ્થાનિક ભાષા અને હિન્દી જાણતા જ હોય છતાં વાતો ઇંગ્લિશમાં જ ચાલી – એક વાક્ય પણ બીજી ભાષાનું નહીં. પ્રતિમાબહેનને ફરી એક વાર પ્રતીતિ થઈ કે આપણે માતૃભાષા દિન – રાષ્ટ્રભાષા દિન ઊજવીએ છીએ અને ત્યારે પોતાની ભાષાના ગૌરવગાન ગાઈ લઈએ છીએ, પણ મનમાં તો ઇંગ્લિશ શ્રેષ્ઠ છે એવું ગુલામ કન્ડિશનિંગ ખાસ્સું ઘર કરી ગયું છે.
બાલદિન નજીક છે ત્યારે બાળકો અને માબાપો ‘ઇંગ્લિશ મીડિયમ એજ્યુકેશન’ને કારણે જે તાણ અને દબાણનો ભોગ બને છે તેનો વિચાર આવે છે. બધું જોતાં છતાં માબાપો બાળકને એ ચક્કીમાં ઓરી દે છે અને પછી તેનો ભુક્કો થતો જોઈ સંતોષ પામે છે. જે એમ નથી કરી શકતા તેમણે પોતાના બાળકનું શું થશે તેની ભયંકર ચિંતાઓ થાય છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, શહેરો અને ગામડાઓ સૌ આ દોડમાં અને આ હોડમાં સરખાં જ સામેલ છે.
મોટી ગણાતી ઇંગ્લિશ મીડિયમની ખાનગી શાળામાં પ્રવેશ મળે તો જ પોતાનો અને પોતાના સંતાનનો ઉદ્ધાર થાય એવું માનતાં માબાપો માનવતાને નેવે મૂકે છે, કોઈના હક પર પાટુ મારતાં ને સાચુંખોટું કરતાં અચકાતાં નથી. શાળાઓ દેશના ગરીબ બાળકોના ભાવિનો વિચાર સરખો કર્યા વિના પોતાની તિજોરીઓ ભરે છે. આવી શાળાઓમાં ભણેલાં બાળકોમાં બહુ નાની ઉંમરથી સુપિરિયારિટી કૉમ્પ્લેક્સ આવી જાય છે. શિક્ષણ દરેક પ્રકારની અસમાનતાથી પર હોવું જોઈએ તેને બદલે આજનું શિક્ષણ સૌથી પહેલી અસમાનતા શીખવે છે. આ બધું બધા જાણે જ છે, છતાં બધું ચાલે છે.
આજે શિક્ષણના નામે ધમધોકાર ધંધો ચાલે છે. નીચલા મધ્યમ વર્ગનાં બાળકો ફાઇવસ્ટાર હોટેલો જેવી શાળાઓમાં પ્રવેશ મેળવી શકે એ માટે ‘રાઇટ ટુ એજ્યુકેશન’ અંતર્ગત એક ખાસ ક્વોટા છે, તેમાં પણ ઘાલમેલના ખેલ ચાલે છે. માતપિતાનું ગાંડપણ આવા ગોરખધંધાને પોષે છે. ભારતમાં શિક્ષણ એક અંતહીન વિવાદનો વિષય છે. તેને કેન્દ્રમાં રાખી ‘જાગૃતિ’ અને ‘બુંદ જો બન ગઈ મોતી’થી માંડી ‘પાઠશાલા’, ‘ફાલતુ’, ‘ત્યારે જમીં પર’, ‘ચોક એન્ડ ડસ્ટર’ જેવી ફિલ્મો બની છે. 2017માં આ વિવાદાસ્પદ વિષય પર આવેલી ‘હિન્દી મિડિયમ’ ફિલ્મમાં બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાના ક્રેઝની વાત હળવાશથી છતાં પ્રભાવશાળી રીતે રજૂ થઈ હતી. 2020માં એની સિક્વલ ‘અંગ્રેજી મીડિયમ’ પણ આવી જેમાં વિદેશ જઈ ભણવાના ક્રેઝ પર કટાક્ષ હતો. વાત કરીએ ‘હિન્દી મિડિયમ’ની.
‘આઈ ફાયર કેન્ડલ ઓન એવરી સન્ડે’ રાજ બત્રા (ઈરફાન ખાન) બહુ નિર્દોષતાથી આ વાક્ય ઉચ્ચારે છે ત્યારે હસાહસ કરતાં પ્રેક્ષકોને એ ઘરનો લાગે છે. હાઈ સોસાયટીમાં ફિટ થવાની તેની મથામણ પ્રેક્ષકોને જાણીતી લાગે છે. ક્યારેક ઉમ્મીદ, ક્યારેક ઉપહાસ, ક્યારેક ભાગવું, ક્યારેક જાગવું – કહાણી જાણે પોતાની જ છે.
જૂના દિલ્હીના ચાંદની ચોકમાં રાજ બત્રાની લગ્નમાં પહેરવાના બ્રાન્ડેડ વસ્ત્રોની રેપ્લિકાની મોટી દુકાન છે જેને એ ગર્વથી ફેશન સ્ટુડિયો કહે છે અને પોતાને લોકલ ટાયકૂન માને છે. એ પોતાની જિંદગીથી ખુશ છે, પણ તેની પત્ની મીતા દિલ્હીના ‘શરીફ’ લોકોમાં સામેલ થવા આતુર છે. તેના આગ્રહથી રાજ દિલ્હીના પૉશ વિસ્તારમાં રહેવા જાય છે. નાકનું ટેરવું ચડાવીને ફરતાં અને પટપટ અંગ્રેજી બોલતાં આધુનિક માતાપિતાઓ સામે બંને પાછાં પાડે છે. જો દીકરી પિયાને ઇંગ્લિશ મિડિયમની પ્રતિષ્ઠિત શાળામાં પ્રવેશ મળે તો પોતાના અપર ક્લાસ પર સ્ટેમ્પ લગી જાય.
પણ સહેલું નથી. એડમિશનના ઈન્ટરવ્યૂમાં માબાપ તરીકે બરાબર દેખાવ કરી શકાય તે માટે બંને એક મોંઘી ઇન્સ્ટ્રક્ટરને મળે છે જે ગર્વથી કહે છે, ‘સાતમો મહિનો ચાલતો હોય ત્યારથી લોકો મને બૂક કરી લે છે’. આ ઇન્સ્ટ્રક્ટરની તાલીમ છતાં એડમિશન મળતું નથી ત્યારે બંને ‘રાઇટ ટુ એજ્યુકેશન’ ક્વૉટાનો લાભ મેળવવા ગરીબ હોવાનો દેખાવ કરવા ગરીબોના મહોલ્લામાં ચાલ્યા જાય છે. ત્યાં તેમને શ્યામ મળે છે. રોજરોજનું કમાતા શ્યામે પણ પોતાના દીકરા માટે આ ક્વૉટાનું ફોરમ ભર્યું છે. પછી શું થાય છે? પિયાને એડમિશન મળે છે કે રાજ અને મીતા પોતે જ ગૂંથેલી જાળમાં ફસાઈ જાય છે?
‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ અને ‘શાદી કે સાઈડ ઈફેક્ટ્સ’ પછીની સાકેત ચૌધરીની આ ત્રીજી ફિલ્મમાં આધુનિક શિક્ષણની સાઈડ ઈફેક્ટ્સ એટલે કે માતાપિતાની ઘેલછા અને તેઓ જેમને ઉદ્ધારક ગણે છે એ શાળાઓની અંદરની દુનિયા પર તીખો કટાક્ષ કરવામાં આવ્યો છે. ચાચા નહેરુ બાળકમાં આવતીકાલની આશા જોતા હતા. તેમનો જન્મદિન નજીક છે ત્યારે ફરી એક વાર વિચારી જોવા જેવું છે કે આજનાં માબાપ અને આજની શિક્ષણપદ્ધતિ કેવા નાગરિકોને તૈયાર કરવાના છે.
ફિલ્મ દિલ્હીમાં આકાર લે છે પણ આ દરેક એવી જગ્યાની વાત છે જ્યાં ક્લાસ વૉર હંમેશાં ચાલતી હોય. અને ક્લાસ વૉર ક્યાં નથી ચાલતી? ‘ઇંગ્લિશ ઈઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઈઝ ઇંગ્લિશ’ એ આજનું સૂત્ર છે. સંતાન માટે ‘ફેમસ’ સ્કૂલ શોધવા માટે માણસ વિચિત્ર લાગતાં રસ્તા પણ બહુ નિષ્ઠાપૂર્વક અપનાવવા તૈયાર હોય છે! ફિલ્મ છે એટલે નાટ્યાત્મકતા અને અતિરેક તેમાં છે, પણ સવર્ણ હોવા છતાં દલિત હોવાનું ખોટું સર્ટિફિકેટ મેળવનાર લોકો આપણી વચ્ચે નથી? એડમિશન ફોર્મ મેળવવાની કતારમાં કલાકો સુધી ઊભેલા સમદુખિયાઓ વચ્ચે થતી મૈત્રીથી માંડીને સ્વીમિંગ પૂલ અને ટેનિસ કોર્ટ ધરાવતી ફાઇવસ્ટાર હોટેલ જેવી શાળાઓમાં પ્રવેશ સુધીના બનાવો રોજિંદી જિંદગીના સંદર્ભમાં રસપ્રદ રીતે બતાવાયા છે. રોજની હાડમારીઓ વચ્ચે પણ એક ગરીબ માણસ પોતાની સરળતા અને માનવતા કેવી રીતે સાચવી શકે છે અને ઓછાં સાધનો છતાં સરકારી શાળાઓનાં બાળકોની ચેતના કેવો સુંદર આવિષ્કાર પામી શકે છે એ પણ બતાવાયું છે. આ બધું વાસ્તવમાં કદાચ આ જ રીતે ન બનતું હોય છતાં એમાં ભરપૂર સચ્ચાઈ છે. શ્રીમંતોના પૈસા સીધી નહીં તો આડકતરી રીતે ગરીબોને કચડવાનાં સાધન બને જ છે. કઠોર વાસ્તવને એવાં જ કઠોર આક્રોશથી જોવું જોઈએ.
કમ્મરતોડ ફી માગતી ખાનગી શાળાઓ આપણા જીવનમાં આટલી અગત્યની કેમ છે? સરકારી શાળાઓમાં પાંગરતી પ્રતિભાઓ તરફ લોકો, અધિકારીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ સૌ આંખો મીંચી કેમ રાખે છે? શા માટે કારકિર્દી મટીને બિઝનેસ બની ગયેલું શિક્ષણ તગડા નફા સિવાય બીજો વિચાર કરતું નથી? એક પાત્ર જ્યારે કહે છે, ‘ઇસ દેશ મેં ઇંગ્લિશ ભાષા નહીં ક્લાસ હૈ’ ત્યારે આપણને આપણી જ દયા આવે છે. ‘હિન્દી મિડિયમ’ એ મનોરંજક ફિલ્મ છે છતાં એક વિચાર, એક અનુભૂતિ બનીને દરેક વર્ગને સ્પર્શી શકે છે.
તમે સંવેદનશીલ હશો તો થિયેટરમાંથી બહાર આવતી વખતે આંખોમાં પ્રસન્ન ભીનાશ હશે અને મનની ઊઘડી ગયેલી બારીમાંથી તાજી હવાની લહેરખી હળવેથી પ્રવેશી હશે. ઝાકળ જેવી આ અનુભૂતિનું આયુષ્ય કેટલું એ વાત જુદી. આપણને વિચારવું ખાસ ગમતું નથી અને મૌલિકતાને તો નવ ગજના નમસ્કાર કરીએ છીએ. પણ આ ટેવ સરવાળે ભારે પડે એવી છે એટલું યાદ રહે તો બસ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 નવેમ્બર 2024