Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9330519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક મંદિરની શોધમાં

સુરેશ જાની|Opinion - Opinion|6 December 2024

[પુરાતત્ત્વની એક સત્યકથા પર આધારિત]

હેન્રી મુહોત

શનિવારની એક સાંજે, જંગલમાંથી આવીને તે થાક ઊતારી રહ્યો હતો; અને ભેગા કરેલા અવનવી વનસ્પતિના નમૂના વિભાગવાર જુદા પાડી રહ્યો હતો. વિષુવવૃત્તીય વિસ્તારના એક દેશના એક તળાવની થોડે દક્ષિણે આવેલા એક નાના-શા શહેરમાં તે હજુ બે એક અઠવાડિયા પહેલાં જ આવ્યો હતો. હેન્રી મુહોતને પેરિસથી એ દેશના વિષુવવૃત્તીય જંગલોની વનસ્પતિઓની શોધખોળ કરવા, એક વર્ષ પહેલાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ નાના’શા ગામમાં તે સાવ કંટાળી ગયો હતો. આમ તો તે ધાર્મિક ન હતો, પણ બીજાં ફ્રેન્ચ ભાષા બોલતાં લોકોને મળાશે, તે આશાએ તેણે રવિવારની ચર્ચની સભામાં જવાનું નક્કી કર્યું.

બીજા દિવસે તે ચર્ચમાં ગયો. પીટર નામનો પાદરી મોટે ભાગે તો સ્થાનિક ભાષામાં જ બાઈબલમાંથી વાંચી રહ્યો હતો; પણ થોડાએક શબ્દો, થોડાં ઘણાં ફ્રેંચ સાંભળનારાં માટે પણ બોલી રહ્યો હતો. સભા પતી ગઈ, પછી પીટરે બીજી ઔપચારિકતા પતાવી, બધા ફ્રેન્ચ લોકોને પોતાના કમરામાં આવવા નિમંત્ર્યાં. સ્વાભાવિક રીતે જ તેનું ધ્યાન નવાગંતુક મુહોત પર વધારે રહ્યું. ઘણી બધી વાતો થઈ. મુહોતને સ્થાનિક ઇતિહાસ, ભૂગોળ, રીતરિવાજ વગેરે વિશે જાણવાની ઘણી ઉત્કંઠા હતી. કાળી ગરમાગરમ ચા અને સ્થાનિક બનાવટના બિસ્કિટની સાથે વાતોના ગપાટા પણ ખાસ્સાં ચાલ્યાં.  વાતવાતમાં પીટરે એક લોકવાયકાની વાત કરી. ગામથી પચાસેક માઈલ દૂર, તળાવની ઉત્તરે ભયંકર જંગલની વચ્ચે ઘણાં જૂનાં ખંડેરો છે; પરંતુ દુર્ગમ જંગલને કારણે કોઈ ત્યાં જઈ શકતું નથી. તે કોણે બનાવ્યાં અને શા કારણે તૂટી ગયાં તે પણ કોઈ જાણતું ન હતું.

મુહોત ઘેર ગયો, પણ આ વાત તેના મગજમાં ઘૂમરાતી રહી. તેને વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત ઇતિહાસમાં બહુ જ રસ હતો. આ પ્રદેશ વિશે તેને આવું બધું જાણવાની બહુ ઈચ્છા હતી, પણ સ્થાનિક લોકોમાં ભણેલા ગણેલા લોક ખાસ ન હતા. જે હતા તે પણ આવી વાયકાઓ સિવાય કશું જ જાણતા ન હતા. તે આ દેશના પાટનગરમાં આવ્યો ત્યારે તેને એટલું  જાણવા મળ્યું હતું કે, ઈ.સ. ૧૫૦૦ના અરસામાં પહેલવહેલા પોર્ચુગિઝ લોકો આ બાજુ આવ્યા હતા અને  તેના સો એક વરસ પહેલાં, અહીં બહુ જ જાહોજલાલી વાળી સંસ્કૃતિ અને સામ્રાજ્ય હતાં, પણ દુ:શ્મનોના આક્રમણમાં તે સામ્રાજ્યનો અંત આવ્યો હતો. અહીંની સ્થાનિક પ્રજા બહુ જ ગરીબ હતી. પીટર પણ વર્ષો પહેલાં આવી ગયેલા પોર્ચુગિઝ લોકોના અહેવાલો, લોકવાયકાઓ વગેરે સિવાય કાંઈ જાણતો ન હતો.

મુહોતને તે રાત્રે સપનાંમાં ચિત્રવિચિત્ર પહેરવેશ પહેરેલા, કો’ક અજાણ્યા લોકો કોઈક સાવ અજાણ્યા ભગવાનની અવનવી મૂર્તિની પૂજા કરતાં, ઢોલના ધબકારે નાચતાં અને તેની તરફ ધસી આવતાં દેખાયાં. પસીને રેબઝેબ તે ઝબકીને જાગી ગયો. સવારની ચા પીતાં તેણે સંકલ્પ કર્યો કે, તે ખંડેરોની ભાળ ગમે તે ભોગે કરવી જ.

બીજા રવિવારે ફરી પાછો આ જ ક્રમ ચાલ્યો. મુહોતે કહ્યું –“ પાદરી સાહેબ, મારે ગીચ જંગલોમાં, છેક અંદરના ભાગમાં મારાં કામ અંગે જવું છે. જો તમે તૈયાર હો તો, આપણે તે જ વિસ્તારમાં મારી શોધખોળ માટે જઈએ. ખંડેરોની તલાશ પણ થશે, અને મારી વનસ્પતિની પણ. એક સાથે બે કામ થશે.”

પીટરે કહ્યું, “ચર્ચ માટે બીજી કોઈ વ્યવસ્થા થાય તો હું આવું. મને પણ આવું સાહસ કરવાનું ગમે. આવાં કામમાં એકાદ બે અઠવાડિયા તો થઈ જ જાય ને.”

બન્ને યુવાન હતા, અને બહુ આસાનીથી મિત્રો બની ગયા હતા. આ કામ અંગે સાથે રહેવાની તક મળશે, તેવું બન્નેને મન થયું.

 પછીના અઠવાડિયે તે દેશના પાટનગરમાં આવેલી, દેવળની મોટી કચેરીમાંથી આ માટેની વ્યવસ્થા થઈ ગઈ. બીજા પાદરીને એક મહિના માટે નીમવામાં આવ્યો. આમ ૧૮૬૦ના માર્ચ મહિનામાં બન્ને મિત્રો પૂરતી સાધન સામગ્રી, અને માણસોનું હાઉસન જાઉસન બે ગાડાંઓમાં ભરીને  ઊપડ્યા. સાથે સ્થાનિક જંગલના બે ભોમિયાઓને  પણ લઈ લીધા.

ગામ અને ખેતરો પૂરાં થયાં, અને ભયંકર જંગલની શરૂઆત થઈ. ઉત્તર દિશા જાળવી રાખી, કાફલો આગળ વધ્યો. અડાબીડ મોટાં વૃક્ષોની વચ્ચે બકરાં ચરાવનાર ગોવાળિયાઓએ બનાવેલી, નાનીશી કેડી તેમણે પકડી. બે ત્રણ માઈલ તો મુસાફરી ઠીક ઠીક ચાલી. પણ પછી એકાએક કેડી બંધ થઈ ગઈ. હવે શું કરવું?

હવે તો જંગલને કાપીને જ રસ્તો કરવો પડે તેમ હતું. યાહોમ કરીને ઓછાં ઝાડ કાપવા પડે તે રીતે, તેમણે આવાં કામના જાણકાર, સ્થાનિક મુખિયાની મદદથી રસ્તો કરવા માંડ્યો. ગીચ ઝાડી કાપવી પણ કાંઈ રમત વાત ન હતી. નીચે ઘણી જગ્યાએ છીછરા પાણીનાં ખાબોચિયાં કે કાદવ પણ હતાં. ઘણીવાર તેમની સાથેનાં ગાડાંઓનાં પૈડાં કાદવમાં અડધા ખૂંપી જતાં હતાં. માંડ માંડ મજૂરો ગાડાંને ઘાંચમાંથી બહાર કાઢતા.

હવે રસ્તો સીધો ઉત્તર તરફ ન રહ્યો. વાંકાંચૂંકા થતાં, મંથર ગતિએ તેઓ આગળ વધતા ગયા. રાતે વાઘોની ડરામણી ત્રાડો અને દિવસે જંગલી હાથીઓની ચિંઘાડો હૈયું વિદારી નાંખતી હતી. ખાવાપીવામાં ય રસ્તામાં જે કાંઈ મળે, તેનાથી ચલાવી લેવાનું હતું, કારણ કે લોટ વગેરે, સામગ્રી બહુ મર્યાદિત હતી. સ્થાનિક રસોઈયાની સમજ અને આવડત સ્વીકારી લીધા વિના બીજો કોઈ વિકલ્પ ન હતો. રસ્તે ચાલતાં સ્થાનિક મજૂરો તેમની કર્ણપ્રિય પણ સમજ ન પડે તેવી ભાષામાં ગીતો ગાઈ રહ્યા હતા. પીટરે સમજાવ્યું કે તેમની જૂની વાયકાઓની કથાઓ, અને યુદ્ધમાં કામ આવી ગયેલા યોદ્ધાઓની શૂરાતન કથાઓનાં આ ગીતો હતાં. મુહોતને તો હવે દિવસે પણ પેલાં સ્વપ્નો દેખાવાં માંડ્યાં!

ઘણી જગ્યાઓએ તો મોટાં ઝાડ એટલાં અડાબીડ ઉગેલાં હતાં કે, બે ચાર ઝાડ કાપ્યાં સિવાય છૂટકો જ ન હતો. આમ થાય ત્યારે કાફલો સાવ રોકાઈ જતો. માત્ર એક બે ભોમિયા જ આગળ જાત માહિતી મેળવવા જઈ આવતા. મેલેરિયામાં પટકાઈ ન જવાય તેનો હમ્મેશ ભય પણ માથે સવાર રહેતો.

પીટરને થતું કે ‘ક્યાં આ જંજાળ વહોરી?’  પણ મુહોતના જ્ઞાનથી તે બહુ જ પ્રભાવિત થયો હતો. તેમની નવી દોસ્તી બરાબર જામી ગઈ હતી. એકલા પાછા જવામાં વધારે મોટાં જોખમો હતાં. હવે તો આગળ ધપવા સિવાય બીજો કોઈ જ આરો ન હતો. મુહોત તેની અજાણ એવી જાતજાતની વનસ્પતિઓની જાણ પેલા ભોમિયા અને દુભાષિયા પીટરની સહાયથી લઈ રહ્યો હતો. તેની સ્કેચબુક સુંદર વનસ્પતિ ચિત્રોથી ભરાવા માંડી હતી.

આમ સફરને ત્રણ અઠવાડિયાં તો જોતજોતામાં થઈ ગયાં. જંગલ તો ક્યાં ય ટસનું મસ થતું ન હતું. ક્યાંક હાથીઓએ કરેલા રસ્તા મળતા, પણ તેમની દિશા ભાગ્યે જ અનુકૂળ આવતી. આશાનો દીપક બુઝાવાની તૈયારી કરી રહ્યો હતો. મજૂરો પણ થાકથી લોથ પોથ થઈ ગયેલા હતા. બધા ઘેર પાછા જવાની આશા સેવી રહ્યા હતા.

પીટરે હિમ્મત કરીને કહ્યુ, ” મુહોત! પાછા ફરવામાં જ ડહાપણ છે. ”

મુહોતે કહ્યું. “મને પણ એમ જ થાય છે.  આપણે ત્રણ દિવસ રાહ જોઈએ. જો આ જ ક્રમ ચાલુ રહે અને તળાવ ન મળે તો પાછા.”

આમ બે મિત્રો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હતી; ત્યાં એક ભોમિયો ભરેલા શ્વાસે દોડતો આવ્યો અને કહ્યું, “હાથીઓએ બનાવેલો એક જૂનો રસ્તો મળ્યો છે, અને તે બરાબર ઉત્તર દિશામાં જ જાય છે.” બન્ને મિત્રોમાં આશાનો સંચાર થયો. કાફલો પણ ઉત્સાહમાં આવી ગયો. બેળે બેળે ભોમિયાએ કહ્યું હતું તે કેડી સુધી તો પહોંચ્યા. કેડી મળ્યા પછી કામ થોડું સરળ બન્યું. ઝાડ કાપવાની નોબત ફરી ન આવી. એ જ દિવસે સાંજે તો આખો કાફલો તળાવના કાંઠે આવી પહોંચ્યો.

તળાવ ઘણું મોટું હતું. આરામ કરી બીજા દિવસની સવારે આગળ પ્રયાણ માટે બાથ ભીડી. સાથે માત્ર બે જ નાનકડી હોડી (canoe) હતી. આથી એમ નક્કી કર્યું કે, કાફલો ત્યાં જ રહી પડાવ નાંખે, અને મુહોત, પીટર, એક ભોમિયો અને એક સશક્ત મજૂર એટલા જ આગળ વધે. સાથે જરૂરી ખોરાક અને ઝાડી ઝાંખરા કાપવાનો સામાન લીધો.

આટલા મોટા તળાવમાં કયા કિનારે ઊતરવું? પણ ભોમિયો હોંશિયાર હતો. તેણે કહ્યું – “જો કોઈ મોટી જગ્યા હશે તો તેના લોકોએ તળાવમાંથી પાણી ત્યાં સુધી લઈ જવાની નીક કે નહેર બનાવી હશે.” મુહોતને આ વાત ઠીક લાગી. આથી તળાવની ઉત્તર દિશાના છેડે પહોંચી, આવી કોઈ નહેરની તપાસ શરૂ કરી. ભાગ્યવશાત્ આવી એક સાંકડી નહેર મળી આવી પણ ખરી. તેમાં બન્ને કનો હંકારી. માંડ એક કનો જાય તેટલી જ પહોળાઈ હતી. કો’ક ઠેકાણે તો તે કચરાથી પૂરાઈ ગયેલી પણ હતી. ત્યાં તો ચાલીને કનો ખેંચવી પણ પડી. ઘણે ઠેકાણે બે ય  કાંઠાં પરનાં ઝાંખરાં ભેગાં થઈ ગયા હતાં. તે કાપવા પણ પડ્યાં.

થોડેક આગળ ગયા અને નહેર તો પૂરી થઈ ગઈ. ત્યાંથી જ પત્થરથી લાદેલો દસેક ફૂટ પહોળો રસ્તો શરૂ થતો હતો. ચારે જણ ઉત્સાહમાં નાચી ઉઠ્યા. પણ એ આનંદ ક્ષણજીવી જ નિવડ્યો. રસ્તાની બન્ને બાજુથી દુર્ગમ ઝાડીઓ કેલાઈ ગયેલી હતી. એ ઝાડીઓ કાપતાં કાપતાં ચારેક કલાક પછી સાંજના સમયે તે લોકો એક મોટા દરવાજાની સામે આવી પહોંચ્યા.

મુસાફરી શરૂ કર્યે એક મહિનો થઈ ગયો હતો. પણ આ શોધે તેમનામાં નવી આશાનો સંચાર કર્યો. દરવાજાની બન્ને બાજુ એક ખાસી મોટી માનવસર્જિત ખાઈ હતી. ૨૦૦ વાર પહોળી તે ખાઈ બન્ને તરફ એક માઈલ સુધી વિસ્તરેલી હતી. પણ તેમને તો દરવાજાની અંદર શું છે? – તે જોવામાં વધારે રસ હતો. ખાઈ ઓળંગીને બધા આગળ વધ્યા, હવે રસ્તો વધારે વ્યવસ્થિત હતો, થોડે આગળ જતાં એક અદ્ભુત દૃશ્ય નજરે પડ્યું. ત્રણ ઊંચા શિખરો વાળા અને અત્યંત ઊંચી દીવાલોથી ઘેરાયેલા એક ભવ્ય મંદિરની સામે તેઓ આવી  પહોંચ્યા હતા. બહારની દીવાલો પર જાતજાતના શિલ્પ કોતરેલા હતા. દીવાલ પર થોડે ઉપર નૃત્યાંગનાઓનાં સુમધુર શિલ્પો દેખાતાં હતા. મંદિરનો દરવાજો ઓળંગી તેઓ અંદર પેઠા.

જગતના સૌથી મોટા મંદિરમાં પાંચસો વર્ષ પછી કોઈ માનવે પગ મૂક્યો હતો. આ અંગકોર વાટનું મહાન મંદિર હતું. બધા ઉત્સાહમાં નાચી ઊઠ્યા. એક મહિનાની મહેનત અને મુશ્કેલીઓ સફળ નિવડી હતી. કમ્બોડિયાના ‘તોન્લે સેપ’ તળાવની નજીક આવેલા આ મહાન મંદિરને ભૂતકાળની કરાળ કંદરામાંથી તેમણે બહાર આણ્યું  હતું.


અર્વાચીન યુગની સાત અજાયબીઓમાંની એક અને ભારતના ભવ્ય ભૂતકાળને ઉજાગર કરતા, આ મંદિર બાંધવાની શરૂઆત રાજા સૂર્યવર્મન બીજાએ કરી હતી. ‘અંગકોર વાટ’ના મંદિર માટે વધુ માહિતી  અહીં –

https://en.wikipedia.org/wiki/Angkor_Wat

જગ્યાનું વિગતે અવલોકન કરતાં તેમને આ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. ફૂટબોલના નવ મેદાન થાય તેટલી મોટી જગ્યામાં આ મંદિર બનાવેલું હતું. ચારે બાજુ એક એક માઈલ લાંબી દીવાલો હતી અને તેની બહાર ચારે બાજુ ખાઈ. મંદિરની દીવાલો પર ઘણાં બધાં લખાણો કોતરેલાં હતાં. મોટા ભાગનાં લખાણો સંસ્કૃત ભાષામાં હતાં. જો કે, કોઈને પણ એ ભાષા આવડતી ન હતી. મુખ્ય ભાગમાં હિન્દુ દેવતાઓની મોટી મૂર્તિઓ હતી. ક્યાંક ક્યાંક તો મૂર્તિઓ પર સોનાના અવશેષો પણ દેખાતા હતા. વચ્ચે એક રાજાની મૂર્તિ પણ સ્થાપેલી હતી. કદાચ તે પણ દેવોની જેમ પૂજાતી હશે તેમ લાગ્યું.

કોઈ પણ ગ્રીક કે રોમન સ્થાપત્યને ઝાંખું પાડી દે તેટલી તેની ભવ્યતા હતી. બુદ્ધ સાધુઓ પણ આ જગ્યાનો  સાધના અને પૂજા માટે તેનો ઉપયોગ કરતા હશે, તેમ જણાયું. મંદિરની પાછળની બાજુએ બીજો વધુ મોટો દરવાજો હતો; અને તેમાંથી આગળ વધારે મોટો રસ્તો જતો હતો. હજુ તેમને માટે વધારે રહસ્યો ખૂલવાનાં બાકી હતાં!

તેમણે ફરી આગળ પ્રયાણ શરૂ કર્યું. હવે આગળનો રસ્તો એટલો કઠણ ન હતો કારણ કે, મંદિરમાંથી પાછળની બાજુનો દરવાજો અને આગળ જતો રસ્તો, બન્ને ઘણા મોટા હતા.  રસ્તો પણ રાજમાર્ગ જેવો લાગતો હતો. આ રસ્તા ઉપર પણ ઝાડીઓ તો છવાયેલી જ હતી. બે જ માઈલ ચાલ્યા બાદ તેઓ એક બીજા મોટા દરવાજાની સામે આવી પહોંચ્યા. દરવાજાની બન્ને બાજુ એક કિલ્લાની મસ મોટી દીવાલ હતી. તેની અંદર એક મોટું શહેર, અતીતના ગર્ભમાં લપાઈને ઘોરતું હતું. તેની આ કુમ્ભકર્ણ નિદ્રાનો પ્રકૃતિએ પૂરો લાભ ઊઠાવ્યો હતો. અહીં સંસ્કૃતિ ઉપર પ્રકૃતિએ આક્રમણ કર્યું હતું! વિષુવવૃત્તીય આબોહવાથી વકરેલી વનસ્પતિ સૃષ્ટ્રિએ માનવ ગેરહાજરીનો પૂરો લાભ ઉઠાવ્યો હતો!

ખ્મેર પ્રજાનું આ  ‘અંગકોર થોમ’ શહેર હતું. ૪૦ ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલું આ શહેર, કદાચ તેના સમયગાળાના વિશ્વમાં સૌથી મોટા શહેરોમાંનું એક હતું. પણ સર્વનાશની સુનામી તેની ઉપર મન મૂકીને ફરી વળેલી હતી. ચારે બાજુ ખંડેરોના ઢગના ઢગ ખડકાયેલા હતા. સેંકડોની સંખ્યામાં મંદિરો, મોટા મહાલયો, અને હજારો નાનાં મોટાં ઘરો – આ બધાંની ઉપર સર્વનાશનું ઘોડાપૂર ફરી વળેલું હતું. પાંચસો વર્ષ સુધી વનરાજી આ બધા ઉપર વકરી અને વિફરી હતી. મકાનોની આખી ને આખી દીવાલો મદમસ્ત વૃક્ષોએ પાડી નાંખી હતી. મસ મોટાં વૃક્ષો ઘરોની છતને તોડી ફોડીને ઉપર વિલસી રહ્યાં હતાં.  અનેક તૂટેલાં શિલ્પો કકડા થઈને બાજુમાં પડ્યાં હતાં.

 અહીં પણ, ધોળે દહાડે વાઘોની ત્રાડો અને જંગલી હાથીઓની ચિંઘાડો તો સંભળાતાં જ હતાં. સ્તબ્ધ બનેલી આ ટુકડી હવે પાછી વળી. ગણતરીના દિવસોમાં જ બધા ગામમાં સહીસલામત પાછા આવી ગયા. ગરીબડી પ્રજાએ તેના ગજા પ્રમાણે મુહોત અને પીટરનું સન્માન કર્યું. મુહોત નોમ પેન્હ પાછો ફર્યો. ત્યાંની ફ્રેન્ચ સરકાર પણ આ શોધને આગળ ધપાવે તેવી સક્ષમ કે દૂરંદેશી વાળી ન હતી. તેમની નજર તો વ્યાપાર, ધર્મ અને શાસનના પ્રસારથી વધારે આગળ જોઈ શકે તેમ ન હતી.

થોડા સમય બાદ મુહોત વતન જવા પાછો ઉપડ્યો. તેણે લાઓસમાંથી પસાર થઈને બર્મા જવાનું હતું. પણ લાઓસના જંગલોમાં જ તેનું મેલેરિયાના કારણે મૃત્યુ થયું. સદ્ભાગ્યે તેનો સામાન તેના સાથીદારોએ સ્થાનિક ફ્રેન્ચ હકૂમતને સુપ્રત કર્યો. છેવટે તેનો બધો સામાન ૧૮૬૧ ની સાલમાં પારિસ પાછો ફર્યો. તેની નોંધપોથીઓ પરથી આ બધી ઘટના પ્રકાશમાં આવી.

ત્રણ જ વર્ષમાં આ નોંધપોથીઓ ફ્રાન્સ અને બ્રિટિશ જર્નલોમાં છપાઈ. ત્યારે પશ્ચિમના જગતને આ ભૂલાયેલા મહાન સ્થાપત્યોની જાણ થઈ. ફ્રેન્ચ સરકાર સફાળી જાગી ઊઠી. આ સ્થળના સંશોધન અને વિકાસ માટે યોજનાઓ ઘડાઈ, અને અમલમાં મૂકાઈ. સો વર્ષ કામ ચાલ્યું અને પુરાણા સ્થાપત્ય અને ઇતિહાસના મહાન વારસા તરીકે, બન્ને સ્થળોનો  થઈ શકે તેટલો સર્વાંગ વિકાસ કરવામાં આવ્યો.

 આજની તારીખમાં ‘અંગકોર વાટ’ અને ‘અંગકોર થોમ‘ કમ્પુચી(કમ્બોડિયા)ના સૌથી વિશિષ્ઠ  સહેલાણી ધામો બની ગયાં છે અને અબજો ડોલરની કમાણી કમ્બોડિયાને કરાવે છે.

કમ્બોડિયાના રાષ્ટૃધ્વજના કેન્દ્રમાં પણ ‘અંગકોર વેટ’નું ચિત્ર સમાવવામાં આવ્યું છે.

ફ્રેન્ચ અને ડચ વિદ્વાનોએ દક્ષિણ ભારતના તજ્જ્ઞોની મદદથી, પ્રાપ્ત બધાં લખાણોનો અભ્યાસ કરી, અંગકોરના સામ્રાજ્યનો વિગતવાર ઇતિહાસ ખંખોળી નાંખ્યો છે; અને તેને તવારીખવાર સંશોધિત કર્યો છે. ટૂંકમાં તેની વિગત નીચે પ્રમાણે છે –

ઈ.સ. પૂર્વે ૮૦૦  –  ભારતના વેપારીઓ અને સાગર ખેડૂઓએ ત્યાંની આદિવાસી પ્રજાને હિન્દુ ધર્મ આપ્યો.

ઈ.સ. ૮૫૦  – ખ્મેર રાજા જયવર્મન બીજાએ ૫૦ વર્શ રાજ્ય કરી અંગકોરના સામ્રાજ્ય અને રાજવંશની સ્થાપના કરી. તેણે પોતાની જાતને ખ્મેર પ્રજાના રાજા અને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપિત કરી. તેના વંશજોએ અંગકોરમાં ૬૦૦ વર્ષ રાજ્ય કર્યું.

ઈ.સ. ૮૯૯  – તેના પુત્ર યશોવર્મને ‘અંગકોર થોમ’ શહેર બનાવવાની શરૂઆત કરી.

ઈ.સ. ૧૦૦૦ –   અંગકોર થોમ શહેરનો પૂર્ણ વિકાસ

ઈ.સ. ૧૨૦૦ – રાજા સુર્યવર્મને ‘અંગકોર વાટ મંદિર’ બનાવવાની શરૂઆત કરી. જયવર્મન સાતમાએ અંગકોર થોમ શહેરને ફરતો કોટ બનાવ્યો.

ઈ.સ. ૧૪૦૦ – ગજા ઉપરાંતના મહાન સ્થાપત્યના ખર્ચા અને સિયામ(અત્યારનું થાઈલેન્ડ)ના આક્ર્મણ સામે અંગકોર ટકી ન શક્યું. ખ્મેર રાજા અને બધી વસ્તી ભાગીને ‘નોમ પેન્હ’ જઈને વસ્યા.

બે વર્ષ બાદ સિયામના આક્રમકો પાછા અંગકોર થોમ આવ્યા, પણ શહેર અને મંદિર બન્ને વેરાન બનેલાં હતાં. જંગલોમાં ઘેરાયેલી બન્ને જગાઓમાં પછીના કોઈ શાસકોને રસ ન હતો.

લગભગ ૧૫૦૦ – પોર્ચુગિઝ લોકોએ પહેલી વાર ખંડેરો જોયાના સમાચાર આપ્યા, પણ આ પ્રદેશ વેપારી દૃષ્ટિએ અગત્યનો ન હોવાથી આ વાત ભુલાઈ ગઈ.

૧૮૫૦  – કમ્બોડિયા, લાઓસ અને વિયેટનામ ફ્રેન્ચ શાસન નીચે આવ્યા.

૧૮૬૦ – મુહોતનું સાહસ અને શોધ.

૧૮૬૩  – અંગકોરના જીર્ણોદ્ધારની શરૂઆત.

૨૦૦૭ – અંગકોર વાટનો વિશ્વની સાત અજાયબીઓમાં સમાવેશ.

e.mail : surpad2017@gmail.com

Loading

6 December 2024 સુરેશ જાની
← સ્ત્રીને ખતમ કરવી હોય તો તેને પરણી જાઓ : ‘ધ વુમન્સ રૂમ’નો આક્રોશ
सम्बल मस्जिद, अजमेर दरगाह – आखिर हम कितने पीछे जाएंगे →

Search by

Opinion

  • પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો
  • ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ
  • મોંઘા ગુલાબના ઉપવનો
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક
  • પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 
  • ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

Poetry

  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…
  • એક ટીપું

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved