બોલાવે કોઈ મને

સંધ્યા ભટ્ટ
27-11-2019

બોલાવે કોઈ મને, સંભારે કોઈ મને, કેમ કરી જાઉં એની પાસ ?
ભીતરના ખેતરમાં ભીનેરા અજવાશે સહેમી ઊઠે છે મારા શ્વાસ

અણજાણી વાટ પર, સમજણના ઘાટ પર, એક દિવસ કેવું રે મળિયાં
રવરવતી લાગણીની, ખળખળતી સરિતાની સુંદરતા સાથે લઈ હળિયાં
આરંભ્યો તે દિનથી શબ્દોના સથવારે સ્મરણોનો સુંદર પ્રવાસ
                                                                         બોલાવે કોઈ મને ...
        
વાગે છે ટ્રીન ટ્રીન ટેલિફોનઘંટડી, લંડનથી આવ્યા છે ક્હેણ
બારડોલી કેમ છે? સ્કૂલ હવે કેમ છે? આરતથી દ્રવતા એ વેણ
વાત મારી સાંભળીને, બાળપણને સાંભરીને, લીલુંછમ કરતા એ હાસ
                                                                          બોલાવે કોઈ મને ...

કોઈ વાર લહેરાતા કાવ્યોના છોડ વળી કોઈ વાર સત્યાગ્રહ નાદ
કોઈ વાર પુરાણા મિત્રોને યાદ કરી કરતા એ રસભર સંવાદ
માણેલા દિવસોની,જાણેલા માણસોની સાથ મારો થાતોતો વાસ
                                                                          બોલાવે કોઈ મને …

Category :- Poetry