‘નાઈનટીન એઈટી ફોર’નો ઉત્તર

પ્રો. જે. ડી. સેઠી
17-03-2019

પ્રૉફેસર જે.ડી. સેઠી − ગઈ પેઢીના જાણીતા અર્થશાસ્ત્રી અને ગાંધીવિચારના પ્રખર વિદ્વાન - દ્વારા ઑલ ઇન્ડિયા રેડિયો પર 1979માં અપાયેલા પટેલ મેમોરિયલ લેકચરના કેટલાક અંશો

એમના મૃત્યના ત્રીસ વર્ષ પછી, અને ‘હિન્દસ્વરાજ’ લખ્યાનાં લગભગ સાઠ વર્ષ પછી, ગાંધી અચાનક માનવીય મૂલ્યોની વૈશ્વિક કટોકટી તથા વૈભવ અને ગરીબાઈ, સામાજિક સંબંધો અને અલગાવપણું જેવા કેટલા ય વણઊકલ્યા વિરોધાભાસોના શક્ય ઉકેલ તરીકે ફરીથી ઊભરી રહ્યા છે.

ઇતિહાસની આ એક મોટી વિડંબના છે કે જ્યારે બાકીની દુનિયા ગાંધીની વિચારધારા અને મૂલ્યોને ગંભીરપણે તપાસી રહી છે, ત્યારે આપણે ભારતમાં હજી એક બાજુ એમનાં ગુણગાન ગાવામાં અને બીજી બાજુ એમના વિચારોની તોડ-મરોડની સ્થપીડક કસરતોમાં રચ્યાપચ્યા રહીએ છીએ. પણ કોઈ પણ પયગંબરના શિરે પોતાના જ અનુયાયીઓ દ્વારા પોતાનું ભળતું જ અર્થઘટન થવાનું જોખમ હોય જ છે, અને ગાંધી સાથે આ જ થયું છે. ઘણા લાંબા વખતથી ગાંધી આપણા માટે એક અસ્પૃશ્ય ભગવાન તરીકે સ્થપાયેલા છે. પરંતુ કોઈ પણ દેશ પોતાના વીરનાયકોને બદલાયેલી પરિસ્થિતિઓ અને નવા પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં ફરીથી તપાસે એથી દરિદ્ર થઈ જતો નથી. સમય આવી ગયો છે કે આપણે પણ આપણા નેતાઓ તરફથી આપણી અર્થહીન ભાવનાભક્તિનો ત્યાગ કરીએ. હું તો એમ પણ સૂચવીશ કે આપણે ગાંધી તરફ એક ટીકાત્મક કે કદાચ થોડું બિનપૂજનીય વલણ દાખવવું જોઈએ. એમની રહસ્યમયતાને ભેદીને એમને સ્પષ્ટ રીતે સમજવા માટે આ જરૂરી છે. આપણા તારણહાર તરીકે એમને પૂરું સન્માન આપવાની સાથે સાથે આપણે હવે એમના વિચારોનું કઠોર, નિષ્પક્ષ અને તાર્કિક વિશ્લેષણ કરવાનું શરૂ કરવું જોઈએ. ગાંધીએ પણ કદાચ આપણે આમ કરીએ એવું ઇચ્છ્યું હોત. ગાંધીને વખાણની જરૂર નથી. એમને દંતકથારૂપ બનવામાંથી બચાવવાના છે. આ સહેલું કામ નથી.

ગાંધી, જીવનને સર્વાંગીપણે જોતા અને વિવિધ શાખાઓના અભ્યાસમાંથી તારવેલાં દૃષ્ટિબિંદુઓને એક જ એકીકૃત કાર્યશૈલીમાં વણતા, જોતરતા. નજીકના સમયમાં કદાચ કાર્લ માર્ક્સના અપવાદ સિવાય કોઈએ પણ આવું ભગીરથ કાર્ય ઉપાડ્યું નથી. ગાંધીને આંશિક અને વિકૃત દૃષ્ટિથી જોતાં વિશેષજ્ઞોને ગાંધીના સર્વાંગી દર્શને હંમેશાં મૂંઝવ્યા છે. એમને અરાજકતાવાદી ફિલસૂફી, પુરાણી કૃષિસંસ્કૃતિમાં માનનાર અને ન્યૂનતમ જીવનધોરણના પ્રચારક, ટેક્‌નોલૉજી વિરોધી અને ધાર્મિક નેતા વગેરે પણ કહેવામાં આવ્યા છે. આમાંનો કોઈ અભિપ્રાય ગાંધીને ન્યાય કરતો નથી, કારણ કે કોઈ ખાનાંબદ્ધ મૂંઝવતી મહાનતમ મુશ્કેલી એ છે કે એમના વિષે કરવામાં આવેલું લગભગ દરેક વિધાન કે અર્ધસત્ય હોય છે અને અર્ધસત્યની મુશ્કેલી બાકીનું અર્ધસત્ય હોય છે. એક વધારાની મુશ્કેલી એ પણ છે કે ગાંધીના પોતાનાં વિધાનો પણ આંશિક સત્યો હોય છે અને એક વધુ મોટા સત્ય તરફ નવું ડગલું ભરવાના ઇરાદાથી કરાયેલાં હોય છે. અર્ધસત્યો ગાંધીવિચારને વિકૃત કરે છે અને આંશિક સત્યો એમને સમજવા માટેનો એક પ્રબળ બૌદ્ધિક પુરુષાર્થ માગી લે છે.

ગાંધીના અભિગમનું સૌથી બળુકું તત્ત્વ સિદ્ધાંત અને કર્મ વચ્ચેની એકતા હતું. એટલે જ, સિદ્ધાંતમાં એમ માનવામાં આવ્યું હોય કે માનસિક અને શારીરિક શ્રમ વચ્ચેનો તફાવત દૂર કરવો જોઈએ કે, કંઈ નહીં તો, ઓછો કરવો જોઈએ, તો ગાંધી ચરખો ચલાવે છે. જો સત્ય અને અહિંસા મૂળભૂત સિદ્ધાંત હોય, તો આ સિદ્ધાંતને ‘સત્યાગ્રહ’ દ્વારા મૂર્ત સ્વરૂપ આપે છે. ભાઈચારો જો જાગતિક મૂલ્ય હોય, તો અંત્યોદયને એ કર્મયોગમાં ઢાળે છે. જો સમાનતા અને સાદાઈ એ ગરીબીના ઉકેલ માટે વખાણવાલાયક સિદ્ધાંતો હોય, તો એ ટૂંકી પોતડીને અપનાવી લે છે.

આપણે આજે આવી રહનસહનનું પુનરાવર્તન કરવાનું નથી. આપણે એ સમજવાનું છે કે ગાંધી કેવી રીતે વિચાર અને આચારને એકબીજાની નજીક લાવ્યા, એટલું જ નહીં પણ એ પણ દર્શાવ્યું કે યોગ્ય આચાર વિના યોગ્ય વિચાર હોઈ જ ન શકે. વીસમી [હવે એકવીસમી] સદીનો દંભ અને બૌદ્ધિક નિરાશાવાદ, જ્યારે વિચારો અને સિદ્ધાંતો સ્પષ્ટ હોય, ત્યારે પણ એક પ્રકારની આચારની લાચારી છતી કરે છે. ગાંધીએ શબ્દ અને કર્મ વચ્ચેનું ક્રાંતિકારી સંશ્લેષણ પૂરું પાડ્યું.

આ વાત અનન્ય અને અભૂતપૂર્વ હતી. અત્યારે જ્યારે મૂડીવાદી અને સામ્યવાદી, બંને પ્રકારના દેશોમાં મોટા પાયે ધર્મ તરફ વાપસી થઈ રહી છે, જે હકીકતમાં માનવનાં દુઃખ અને એકલતાની દ્યોતક છે, ત્યારે ગાંધીવિચારની ધાર્મિક માન્યતાઓનું નૈતિક મૂલ્યોમાં થતું રૂપાંતરણ વધારે પ્રસ્તુત બને છે. જો ધર્મને ફરી એક વાર પ્રત્યાઘાત અને આતંક પાછળના ઈંધણ તરીકે વિકસવા ન દેવો હોય, તો આ અત્યંત જરૂરી છે. ધર્મ તરફ વાપસીનું વધતું આકર્ષણ એ સામ્યવાદી દેશોમાં મહદ્‌ અંશે નૈતિક રાજકીય વ્યવસ્થાના અભાવનો તો મૂડીવાદી દેશોના બીભત્સ ભોગવાદ અથવા કાયમી ગરીબીનો પ્રત્યાઘાત છે.

ગાંધી વિજ્ઞાન, ધર્મ અને સમાજનું, એક પરસ્પર ગુંથાયેલી સમસ્યા તરીકે આકલન કરે છે. સદીઓ જતાં, દરેકનું બીજા સાથેનું અંતર વધ્યું છે, જે ઘણા સરલીકૃત સિદ્ધાંતો અને ફિલસૂફીઓને જન્મ આપે છે. વ્યવહારમાં, માનવ અને સમાજનું વિઘટન આ ત્રણે વિષયો વચ્ચેના વધતા અંતરને કારણે છે, જે કેવળ મનુષ્યની સમજણ અને અનુભવ પર જ પ્રભાવ નથી પાડતું, પણ એના કોઈ પણ કટોકટી કે દબાણ તરફના પ્રતિભાવ પર પણ અસર કરે છે.

આ હાલત સામે, ગાંધીનો જવાબ એ હતો કે આ ત્રણે વિષયને અલાયદા કરી શકાય તેમ છે જ નહીં. અત્યાર સુધી, કેવળ એક પડદાને કારણે જાણે આ ત્રણે અલાયદા દેખાતા હતા, જે હવે તૂટી રહ્યો છે. આ બધા વચ્ચે ઉત્ક્રાંતિ અને સત્યની શોધ એક સામાન્ય ઘટક હતો. વિજ્ઞાને પ્રાકૃતિક ઘટનાઓ સામે માનવને અતિ શક્તિશાળી બનાવ્યો અને એક પ્રકારના સત્યની શોધ કરી. માનવન માનવ સાથેના સંબંધો એ સત્યની શોધનો બીજો માર્ગ હતો, અને ઈશ્વરનો ડર હટાવીને દિવ્યતા માટેની એની પોતાના અંતઃકરણમાં શોધ એને માટે સત્યને પામવાનો ત્રીજો માર્ગ બની રહ્યો.

સત્યને જ ઈશ્વર તરીકે વ્યાખ્યાયિત કરીને ગાંધીએ હકીકતમાં તો ઈશ્વર અને વિજ્ઞાન બંનેને એક ખાનામાં મૂકી દીધા. માનવજાત ધર્મને ફગાવી દઈ શકી નહીં, કારણ કે ભૌતિકવાદ અને ભૌતિકવાદી ફિલસૂફીઓ મૂલ્યો અને આધ્યાત્મિક ખોજને લગતા પ્રશ્નોના ઉત્તર આપવામાં નિષ્ફળ નીવડી. ગાંધીએ માનવામાં રહેલા આ દ્વંદ્વને ઉકેલવાનો પરિશ્રમ આદર્યો અને બધા ધર્મોને એમની સર્વસામાન્ય ચિંતા - માનવ અને એની મૂલ્યવ્યવસ્થાના આધાર પર સ્થાપિત કર્યા. જડ માન્યતાઓ અને કર્મકાંડોનાં આવરણોને હટાવીને જોતાં બધા ધર્મોમાં આ એક જ વાત ઊપસી આવે છે, એ આથી ઉજાગર થયું. મને આગાહી કરવાની લાલચ થાય છે કે આવનારા સમયમાં ગાંધીનો આ અભિગમ માન્યતા પામશે અને વૈશ્વિક સ્વીકાર મેળવશે. કારણ કે ધર્મના બે મોટા વિરોધાભાસો - એક તરફ માનવની લાચારી અને બિનતાર્કિકતાની અભિવ્યક્તિ તરીકે ધર્મ અને બીજી તરફ મૂલ્યોની શોધ અને આધ્યાત્મિક આયામને પ્રતિબિંબિત કરતા ધર્મનું સમાધન કેવળ ગાંધીનો આ અભિગમ જ આપી શકશે.

ગાંધીનું યંત્ર, ટેક્‌નોલૉજી અને વિજ્ઞાન પ્રત્યેનું વલણ ઘણી ગેરસમજૂતીનો ભોગ બનેલું છે. ગરીબોનું નિર્મૂલન એ એમની પ્રથમ ચિંતા હતી. એમણે લખ્યું છે, “જો હિંદુસ્તાનની ગરીબી અને એમાંથી ઉદ્‌ભવતી આળસ દૂર કરી શકાતી હોય, તો હું ગમે તેટલા મોટા મશીન ઉપયોગની પણ તરફેણ કરીશ.” હું ટેક્‌નોલૉજીની તરફેણમાં ગાંધીજી દ્વારા અપાયેલાં કેટલાંક દાખલા અને વિધાનો ટાંકી શકું તેમ છું. એ જોશપૂર્વક જેની વિરુદ્ધ હતા, તે તો દુનિયા ટેક્‌નોલૉજીની જે અનિવાર્યતામાં સરી પડી છે તે હતું. ટેક્‌નોલૉજી અને વિજ્ઞાનના ઉપયોગની દિશાની બાબતમાં કેટલાંક ધોરણો જળવાય એ માટે એમણે ભારપૂર્વક આગ્રહ રાખ્યો. જે ટેક્‌નોલોજી માનવો વચ્ચે અને રાષ્ટ્રો વચ્ચે અસમતુલા પેદા કરે, માનવીને જે અમાનવીય બનાવી દે કે એને એના કામથી કે બીજા સહકર્મીઓથી દૂર કરી દે, અથવા બેકારીને જન્મ આપે એવી ટેક્‌નોલોજી એમને મંજૂર નહોતી. એકથી વધારે વાર ગાંધીએ જાહેર કર્યું છે કે માનવીને માથેથી ભાર દૂર કરે તેવી ટેક્‌નોલૉજી એક સારું આરંભબિંદુ છે, પરંતુ ત્યાં જ અટકી જઈ શકાય નહીં.

ટેક્‌નોલૉજીની વિધાયક ભૂમિકા, ખાસ કરીને છેલ્લી સદીમાં ખરે જ અસામાન્ય રહી છે. માનવને એણે કુદરતનાં વિનાશકારી પરિબળોના ભયમાંથી મુક્તિ અપાવી છે. અને એની બધી જરૂરિયાતોને સંતોષવાનું શક્ય બનાવ્યું છે, અને એ રીતે એનો ગરીબી અને વંચિતતાનો ભય દૂર કર્યો છે. પણ બીજી બાજુ, પસંદગીઓને બહોળી બનાવવાની સાથે ટેક્‌નોલૉજી માનવીને પસંદ કરવાની ક્ષમતા અને મોકળાશ ઘટાડે છે, જેના પાયામાં માનવ અને યંત્ર વચ્ચેની અસમતુલા રહેલી છે. કુદરતને લૂંટીને અને એનો નાશ કરીને ટેક્‌નોલૉજી ફરી એક વાર માનવ અને કુદરત વચ્ચે સંઘર્ષની સ્થિતિ પેદા કરી રહી છે. વિશ્વદર્શનની એક શક્યતા ઊભી કરવાની સાથે તે માનવના તેની જાતના દર્શનને વિકૃત કરી રહી છે. થોડા હાથોમાં એની લગામ હોવી એ હકીકત માનવ-સમસ્યાઓના સમાધાન સામે અવરોધ બને છે. ટેક્‌નોલૉજી કૃત્રિમ સંસ્કૃતિનું સર્જન કરે છે અને અમુક લોકોનું એક જૂથ કેટલાંક મનો-વિશ્લેષણાત્મક સાધનો દ્વારા બીજા ઉપર ભયજનક કાબૂ ધરાવે તેવી શક્યતા પેદા કરે છે. સાથે જ તે માનવીય સ્વાતંત્ર્યનો નાશ કરે, તેવાં સાધનો પણ હાથવગાં કરી આપે છે. ગાંધીના ટેક્‌નોલૉજી બાબતે નકારાત્મક વિચારો કેટલાક ખાસ પ્રશ્નોને કારણે ઉદ્‌ભવેલા છે, જેવા કે મુઠ્ઠીભર દેશો દ્વારા ટેક્‌નોલૉજી પર સંપૂર્ણ કાબૂ ધરાવતો અને એના પાયા ઉપર સામ્રાજ્યવાદ કે મૂડીવાદ કે એવા કોઈ જડબેસલાક તંત્ર દ્વારા એક અનૈતિક અને અન્યાયપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લાગુ કરવી. એમણે એવી બધી ટેક્‌નોલૉજીનો સંપૂર્ણ વિરોધ કર્યો, જે એક ગરીબ દેશોના હયાત ટેક્‌નોલોજીકલ પાયાનો નાશ કરે, પરંતુ બીજા વૈકલ્પિક અંતર્જાત આધારના સર્જનની શક્યતા જ ધૂળભેગી કરી નાખે. સૌથી વધારે તો, ગાંધી એવી ટેક્‌નોલૉજીની વિરુદ્ધ હતા, જે તંત્રજ્ઞો અને વૈજ્ઞાનિકો દ્વારા થઈ રહેલા સ્વાશ્રય, ગૌરવ અને આત્મસન્માનની ભાવનાને નુકસાન કરે તેવાં મૂલ્યોના ફેલાવાને માન્યતા આપે.

લાંબા સમય પહેલાં, જ્યૉર્જ ઑરવેલે એની અવિસ્મરણીય નવલકથા - ૧૯૮૪માં વીસમી સદીના પડકારોને દર્શાવ્યા હતા. ઑરવેલે પાશ્ચાત્ય દુનિયાને એમાં એક ગંભીર કલ્પના રૂપે આપેલી ચેતવણી ખરેખર સચોટ આગાહી બની છે. ઝૂંટવી લેવાની માનસિકતા, રાજકીય ઉન્માદ અને બેકાબૂ આતંકવાદે દુનિયાને ગ્રસી લીધાં છે. ‘૧૯૮૪’માં વર્ણવેલ દુનિયા અને આધુનિક સમાજ વચ્ચે સમાંતરતા સ્પષ્ટ રીતે કળી શકાય છે. નિષ્ણાતોની આખી ટીમ ભવિષ્યનાં યુદ્ધોના સાજ-સરંજામનું આયોજન કરી રહી છે. મારા મતે ‘૧૯૮૪’નો એક માત્ર ઉત્તર ગાંધી છે.

આ ભાષણની શરૂઆતમાં મેં એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે એક જાતની મૂલ્યહીનતા આખી દુનિયામાં ફેલાઈ રહી છે, ખાસ કરીને ભારતમાં મેં એમ પણ કહ્યું હતું કે ભારતમાં સત્તાધીશોના અને ખાસ કરીને બૌદ્ધિકોનાં અગ્રવર્ગ ગાંધીવિચાર, મૂલ્યો અને કાર્યશૈલીનું વિશ્લેષણ કરવાની દરકાર કરી નથી. સાંપ્રત પડકારોના ઉકેલ આપવામાં જ્યારે મોટા ભાગની વિચારધારાઓ અને વ્યવસ્થાઓ નિષ્ફળ ગઈ છે, ત્યારે ગાંધી તરફ ફરી નજર કરવી અતિ આવશ્યક બની ગયું છે. આપણે ગાંધીની વધુ પૂજા નહીં કરીએ તો ચાલશે. જે જરૂરી છે તે એ કે આપણે એમના વિચારનું તલસ્પર્શી અને પ્રામાણિક વિશ્લેષણ કરીએ.

[‘વિચાર વલોણું’ના સદ્‌ભાવથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 08 - 09

Category :- Gandhiana