Opinion Magazine
Number of visits: 9667163
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અશ્રુઘારા

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|13 September 2023

પ્રીતમ લખલાણી

ઉષાની ચિતાને રાહુલે અગ્નિદાહ દીઘો. થોડી જ વારમાં ચિતા ભડભડ બળવા માંડી. આ જોઈ રાહુલે રજનીકુમારને કહ્યું, “પપ્પા, મમ્મી લાકડા પર ચઢીને સૂઈ ગઈ. એટલે આપણે તેને બાળી મૂકી.” ઈશ્વર સમા નિર્દોષ રાહુલનાં વેણ રજનીકુમારના કાને પડતાં છાતીમાં ક્યારનાં ય ધરબાઈને બેઠેલાં બે આંસુ રજનીકુમારની આંખેથી દડી ગાલ પર રેલાણાં. ઘોતિયાના છેડે આંસુ લૂછતાં રજનીકુમારે દીકરા રાહુલને માથે પ્રેમભર્યો હાથ ફેરવી પોતાની નજદીક લઈ જઈ માની ભડભડ બળતી ચિતાને જોઈ કચવાતા મને સ્મશાનમાં ડાઘુનાં ટોળા વચ્ચે ઊભેલા પુત્રને છાતી સરસો ચાંપ્યો.

પપ્પાની આંખમાં આંસુ જોઈ રાહુલથી બોલાઈ જવાયું, “પપ્પા, તમે કેમ રડો છો? શું તમને પિપરમિન્ટ જોઈએ છે? લ્યો આ પિપરમિન્ટ” એમ કહી તેને ખમીશના ઉપલા ખિસ્સામાંથી બે લાલપીળી પિપરમિન્ટ કાઢી, પપ્પાની હથેળીમાં મૂકી. તે ભોળા, નાદાન દીકરાના માથે ફરી વ્હાલ ભર્યો હાથ ફેરવતાં, મનમાં વિચારતા, અરે! દીકરા બિચારાને કયાં ખબર છે કે તેની મમ્મી, મૃત્યુ પામી છે. દુઃખી મને રજનીકુમારે કહ્યું, “બેટા, તું ઘરે જઈને આ પિપરમિન્ટને ખાઈ જજે. હમણાં તું પાછી ખિસ્સામાં મૂકી દે.”

સ્મશાનના એક ખૂણામાં ડાઘુના નાનકડાં ટોળામાં ઊભેલા મનસુખલાલે બીડી સળગાવતાં રતિલાલને કહ્યું, “રતિલાલ, તમે મારી વાત માનો કે ન માનો, પણ આ ઉષા તો ખરેખર ભાગ્યલક્ષ્મી હતી. ઉષાના આગમને જ આ રજનીકુમારના જીવનમાં રંગીન પ્રભાત ઊઘડ્યું હતું. નહીંતર તમને કયાં ખબર નથી? આ રજની મહાભદ્રકાળિ પાસે એક નાનકડી રેંકડીમાં કટલેરીનો પરચૂરણ સામાન લઈને બિચારો ફેરી કરતો હતો. રજનીનો બાપ સાતઆઠ વર્ષના નાના ત્રણ ભાઈઓ અને પરણાવવા જેવડી ચાર કુંવારી બહેનોને રજનીને વારસામાં આપીને પરલોક સિઘાવ્યો હતો. આ રજની દિવસ આખો ફેરી કરીને લોથ થઈ જતો હતો ત્યારે ઘરમાં આઠનવ માણ્સનો ચૂલો સાંજે માંડ સળગતો હતો.”

રતિલાલે મનસુખલાલની વાતમાં ટાપસી પુરાવતાં કહ્યું, “ભાઈ મનસુખલાલ, તમારી વાત બિલકુલ સોળ આના સાચી છે. ખરેખર આ રજનીને શહેરના નામાંકિત રજનીકુમાર કરવામાં દીકરી, ઉષાનો ફાળો ઘણો મોટો છે. આ બાબતમાં આપણે કોઈ કાળે ના ન કહી શકીએ. લ્યો, તમે જ કહો! રજનીકુમારને બે પાંદડે કરવા ભલા ઉષાએ શું નથી કર્યું? આ ગાંડાઘેલા દીકરાને અડોશપડોશમાં મૂકી મિલમાં રાતપાળી કરીને જાતને ઘસી નાખી. તો દીકરાને કેડે તેડી બળબળતી બપોરે રજની સાથે રેંકડી ફેરવી. લોહીપસીનો એક કરી મહાભદ્રકાળી પાસે જ એક નાનો સરખો બાંકડો વસાવ્યો. આ પછીનો રજનીનો ઇતિહાસ કયાં આપણી આંખ સામે નથી? ઉષાની સખત મહેનત અને કરકસર સાથે રજનીની આવડતે એકદોઢ દાયકા જેવા ટૂંકા સમયમાં રજનીને શહેરના ઉઘોગપતિ રજનીકુમાર કરી દીઘા. આજે વર્તમાનમાં રજનીકુમાર જે કંઈ છે તે ખરેખર ઉષાના ભાગ્યને કારણે જ છે. જો એમ આપણે કહીએ તો મારી દૃષ્ટિએ કયાં ય કોઈ અતિશયોકિત નથી.” 

“ભાઈ રતિલાલ, તમારી વાત સાચી છે. જુઓ તો, ઉષાની જિંદગીની જેમ તેની ચિતા કેવી ભડભડ બળી રહી છે. અરે અરે હરિ, હમણાં બિચારી હતી ન હતી થઈ જશે. બાઈ તો ખરેખર દેવી જેવી હતી. મેં તેને આજની તારીખમાં કયારે ય રડતી કે ચિંતાતુર હૈયે જોઈ નથી. બસ સદા એનું એ જ હસતું ફૂલ જેવું મુખડું.” આંખે આવેલાં ઝળઝળિયાં લૂછતાં મનસુખલાલે એક નિસાસો નાખતાં વાતને આગળ ચલાવી. “બિચારીને જિંદગીમાં કોઈ દિવસ કયારે ય બે ઘડી પગ વાળીને નિરાંતે બેસવા ન મળ્યું. રજનીકુમાર અને ઉષાના ઘેર લગભગ એકાદ દાયકા બાદ પારણું બંઘાણું. બંનેએ કેટલાં દેવદેવીની પૂજા-માનતા રાખી હતી. પથ્થર એટલા દેવ પૂજ્યા. આપણે કોઈ કાળે માની ન શકીએ એટલી બાઘઆખડી રાખી ત્યારે ઉષાના ખોળે આ દીકરો રાહુલ જન્મ્યો!”

“અરે, ભલા, ઈશ્વર પણ કેવો છે! રજનીકુમાર અને ઉષાને ત્યાં કેટલાં વરસો પછી ખોળે એક દીકરો દીઘો અને તે પણ આ રિટાર્ડેડ, મંદમુદ્ઘિનો. બિચારો આ છોકરો આજે ત્રીસ-બત્રીસ વર્ષનો થયો પણ બુદ્ઘિમાં તો હજુ પાંચ-છ વર્ષના નાદાન ભોળા બાળક જેવો જ છે.”

“એ બિચારા નાદાનને સ્વપ્ને પણ કયાં ખબર છે મા સ્વર્ગે સિઘાવી છે. બસ એ તો એની મસ્તીમાં. જુઓ તો ખરા રજનીકુમારના ઘોતિયાનો છેડો ઝાલી, બળતી ચિતાને નીરખતો. મોઢામાં મજેથી ખાટીમીઠી પિપરમિન્ટ ચગળી રહ્યો છે.”

મનસુખલાલ, મને તો આ છોકરાની દયા આવે છે. ઉષા વિના બિચારાનું હવે શું થશે? મા, જીવતી હતી તો બિચારાને આજ લગી કંઈ ખબર પડી નથી. રજનીકુમાર તો રાતદિવસ ઘંઘામાં રચ્યાપચ્યા રહે છે. તેને શું ખબર હોય કે ઉષાએ આ મંદબુદ્ઘિના દીકરાને બત્રીસ વર્ષનો કરવા જિંદગીમાં કેટલું સહન કર્યું છે.”

“રતિલાલ, હશે! અરે! એનો પણ ભગવાન હશે ને. ભલા આપણે બીજું તો શું કરી શકીએ? ઈશ્વર ઉષાના આત્માને શાંતિ અર્પે અને રાહુલ તેમ જ રજનીકુમારને માથે પડેલા આ દુઃખને સહન કરવાની શકિત આપે. આપણે તેમને આશ્વાસનના બે બોલથી વિશેષ બીજી તો શું મદદ કરી શકીએ? જો કે રજનીકુમારને પૈસેટકે કોઈ ચિંતા નથી. તેઓ રાહુલની તેનાતમાં બેપાંચ નોકરને ગોઠવી દેશે. પછી તો ભલા ઈશ્વરને ખબર!”

“રતિલાલ, તમારી વાત મને અત્યારના સંજોગોમાં સાચી લાગે છે. હમણાં બેચાર મહિના તો ઉષાના પિયરિયાં અને રજનીકુમારનાં ભાઈબહેનો રાહુલની કાળજી લેશે. ત્યાં લગી તો રજનીકુમાર રાહુલ માટે કંઈ નવો રસ્તો શોઘી કાઢશે. રજનીકુમાર પૈસેટકે સુખી છે એટલે રાહુલને કોઈ દુઃખ પડવા નહીં દે. પણ ભલા દીકરાને માની ખોટ તો આજે નહીં તો કાલે અચૂક લાગશે! આપણામાં પેલી કહેવત છે ને કે, મા તે મા, બાકી બઘા વનવગડાના વા.”

********

હમણાં થોડા વખત પહેલાં જ ઉષાની સાતમી પુણ્યતિથિ આવીને દર વરસની જેમ જતી રહી. દીકર રાહુલને માની ખોટ વરતાય નહીં એટલે છેલ્લા પાંચ-છ વર્ષમાં રજનીકુમારે ઘંઘાની પછેડી સંકેલી લીઘી હતી. પોતાનો મોટા ભાગનો સમય રાહુલની કાળજી લેવામાં વીતાવતા હતા.

આજે ઢળતી સાંજે રજનીકુમાર રોજની માફક ડ્રોઈંગરૂમમાં આરામખુરશી પર આંખે ચશ્માં ચઢાવી નિરાંતે ભીંત પર હારતોરા વચ્ચે ઝૂલતી ઉષાની છબીને નિહાળતા ભૂતકાળના સ્મરણમાં ખોવાઈ ગયા હતા. સાંજના ઝાંખાપાંખા અજવાસમાં આંગણાંમાં એકલા એકલા ભમરડે રમતા રાહુલને કાને થોડે દૂરના શિવાલયના ઘંટનો રણકાર પડયો. ખબર નહીં, એને શું થયું મનમાં? ભલા એ તો ઈશ્વરને ખબર! તેણે હાથના ભમરડા અને દોરીનો એક કોર ઘા કરી, હડી કાઢતો તે ઘરમાં દોડી આવ્યો. ક્યારના આરામખુરશીમાં બેઠા બેઠા ઉષાની છબીમાં અને ભૂતકાળના સ્મરણમાં ડૂબી ગયેલા રજનીકુમારને જગાડતાં કહ્યું, “પપ્પા, પપ્પા ચાલો આપણે પેલા ઘંટ વાગે છે તે મંદિરે આજે જઈએ.” આ પ્રમાણે કહેતાં, તેણે ખુશીમાં આરામખુરશીમાં બેઠેલા રજનીકુમારનો હાથ ઝાલીને સાથે મંદિરે જવા ઊભા કરી દીઘા.

દીકરા સામે હસતા હસતા, આરામખુરશીમાંથી  ઊભા થતા રજનીકુમાર મનોમન બોલ્યા, “અરે! બેટા! હવે મને એ ઈશ્વરમાં કયાં કોઈ શ્ર્દ્ઘા-વિશ્વાસ રહ્યો છે. જો એ ખરેખર ઈશ્વર હોય તો શું તારા જેવા ભોળા, નાદાનને આમ એકલો નિરાઘાર મૂકી, એ તારી માને પહેલાં જ હાર્ટએટેકમાં પોતાની પાસે બોલવી લેત?”

ભોળા, નાદાન દીકરાએ મંદિર જવાની ખુશીમાં થોડેક દૂર દરવાજાના એક ખૂણામાં પડેલા તેમના ચંપલ લાવી પપ્પાના પગમાં પહેરાવી દીઘાં. જલદી જલદી બાજુમાં પડેલ લાકડી લાવી પપ્પાના એક હાથમાં પકડાવી. પપ્પાનો બીજો હાથ પકડી, પપ્પાને કહ્યું, “પપ્પાજી, હવે તમે જલદી કરો. હમણાં મંદિરે જો આરતી પતી જશે તો? પૂજારી બઘાને પ્રસાદ આપી, મંદિર બંઘ કરીને ઘરે જતો રહેશે તો, મને પછી પ્રસાદ નહી મલે!”

કોઈ દિવસ નહીં અને આજે દીકરો આટલા વહાલથી તેમને મંદિરે લઈ જવા આગ્રહ કરી રહ્યો છે તે જોઈને, ઈશ્વરમાંથી શ્રદ્ઘા ખોઈ બેઠેલા રજનીકુમારે રાહુલનો હાથ ઝાલી મંદિર તરફ ચાલવા માંડયું.

********

શિવાલયના આંગણામાં ભકતોની મોટી ભીડ જોઈ રજનીકુમારને એકાએક ખ્યાલ આવી ગયો કે આજે તો મહાશિવરાત્રી છે. રજનીકુમારને ઉષાના મૃત્યુ બાદ જીવનમાં તહેવારનું ખાસ કોઈ મહત્ત્વ રહ્યું ન હતું. તેમને મન શું દિવાળી? અને શું હોળી? બારેમાસ સરખા જ હતા. ઉષા જીવતી હતી ત્યારે જીવનનો પ્રત્યેક દિવસ તેમને મન એક ઉત્સવ હતો.

રાહુલના જન્મ પહેલાં, રોજ સવારે મહાભદ્રકાળીના બાંકડે જતાં પહેલાં ઉષા અને રજનીકુમાર આ એ જ શિવાલય છે જ્યાં તેઓ માથું ટેકવીને શુભ દિવસની શરૂઆત કરતાં હતાં. વરસો બાદ આજે શિવાલયના શિવલિંગની સામે બે હાથ જોડી બંઘ આંખે ઊભેલા રજનીકુમારને ક્ષણ માટે શિવલિંગ પર જળનો અભિષેક કરતી ઉષા નજરે ચઢી. ઉષાનાં સ્મરણમાં ડૂબી ગયેલા રજનીકુમારને શિવલિંગમાં મસ્ત થઈ ગયેલ આંખોને ખોલવાનું મન થતું ન હતું. બરાબર એ જ વખતે શિવાલયના પૂજારીએ ઘંટનાદના રણકાર તેમ જ હરહર મહાદેવના ઘોષનાદ વચ્ચે કપૂરની મહેકતી આરતીને ભકતો સમક્ષ લાવતાં હાક મારીને કહ્યું, “અરે હે શિવભકતો, તમે મારી એક વાત જરા ઘ્યાનથી સાંભળી લ્યો. આજના આ શુભ દિવસે જે કોઈ શ્રદ્ઘા, ભકિતથી શિવલિંગ પર બીલીપત્ર સાથે શીતળ જળનો અભિષેક કરશે તેની મનોકામના આ ભોળાનાથ આશુતોષ જલદીથી પરિપૂર્ણ કરશે! માટે શિવભકતો! જીવનની આ રળિયામણી પળને શિવચરણમાં અર્પિત કરીને તમે ઘન્ય બની જાઓ!”

આંખો બંઘ કરીને શિવભકિતમાં લીન થઈ ગયેલા રજનીકુમારની આંખોથી શ્રાવણ ભાદરવાના વરસતા આભ સમી અશ્રુઘારા વહેવા માંડી. પ્રસાદની રાહ જોઈ, પૂજારી સમક્ષ ક્યારનો હાથ લંબાવીને ઊભેલા રાહુલની નજર એકાએક શિવલિંગ તેમ જ રજનીકુમાર પર પડી. પપ્પાની આંખેથી અનરાઘાર આંસુ દડી જતાં જોઈ, તેણે કચવાતા મને રજનીકુમારને કહ્યું, “પપ્પા, તમે રડો નહી. હમણાં પૂજારી થોડી જ વારમાં મને-તમને પ્રસાદ આપશે. લ્યો, આ મારો રૂમાલ અને તમે તમારાં આસું લૂછી નાંખો.”

ભોળાનાથ સમા ભોળા દીકરાને આશ્વાસન આપતાં રજનીકુમારે કહ્યું, “દીકરા, હું પ્રસાદ માટે નથી રડતો! પ્રાર્થના કરતાં મનમાં, આશુતોષ પાસે માંગેલા વચનથી હૈયું હાથ ન રહ્યું એટલે દીકરા આંખ ઝરી રહી છે.”

“પપ્પા, તમે પ્રસાદ માટે નથી રડતા, તો પછી કેમ રડો છો?”

“અરે! આ ભોળા, નાદાન, મેન્ટલ રિટાર્ડેડ દીકરાને કેવી રીતે સમજાવું કે દીકરા આ આંખોથી આંસુ કેમ દડી રહ્યાં છે?”

હ્રદય પર પથ્થર મૂકી, દીકરાને કપાળે વહાલ ભર્યું ચુંબન કરી, હેત ભર્યો હાથ તેના માથે ફેરવતાં રજનીકુમાર બોલ્યા, “બેટા રાહુલ, આજથી ત્રણ દાયકા પૂર્વે આ જ આશુતોષ, આ કાળેશ્વર મહાદેવ પાસે મેં અને તારી માએ ખોળો પાથરીને તારા જન્મની માંગણી કરી હતી.” આ પ્રમાણે કહેતાં રજનીકુમાર ઘ્રુસકે ઘ્રુસકે રડતાં ફરી બોલ્યા, “દીકરા, આજે મેં આ મહાશિવરાત્રીના શુભ પર્વે આ આશુતોષના ચરણમાં માથું ટેકવી હ્રદયમનથી પ્રાર્થના કરી કે, “હે! ભોળાનાથ, તું મને તારે દ્વારે બોલાવી લે તે પહેલાં તે અમને આપેલાં આ પુત્રને તારી પાસે બોલાવી લેજે!”

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

રાજકારણ કેમ માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 September 2023

રાજ ગોસ્વામી

જાન્યુઆરી 2022માં જેમનું અવસાન થયું હતું તે વિયેતનામી ઝેન ગુરુ તિક ન્યાત હન્હએ, 1987માં, એક પુસ્તક લખ્યું હતું, ‘બીઈંગ પીસ.’ શીર્ષક પરથી સમજાય છે તેમ, આ પુસ્તકમાં આપણી આસપાસમાં ચાલતી ઊથલાપાથલ વચ્ચે શાંતિ અને સ્વસ્થતાથી કેવી રીતે રહી શકાય તેની વાતો છે. વિયેતનામમાં બે દાયકા સુધી (એક બાજુ ચીન અને સોવિયત અને બીજી તરફ અમેરિકાના સમર્થનથી) લોહિયાળ યુદ્ધ ચાલ્યું હતું. તિક ન્યાત હન્હ આ લડાઈના સાક્ષી હતા, અને એ અનુભવના આધારે તેમણે ‘બીઈંગ પીસ’ નામનું આધ્યામિક ક્લાસિક પુસ્તક લખ્યું હતું.

એ યુદ્ધમાં ચારેતરફ હિંસા ચાલતી હતી અને લોકો એકબીજાના દુ:શ્મન થઇ ગયા હતા, ત્યારે તિક ન્યાત હન્હએ સંસારમાં માણસોથી લઈને પશુ-પંખીઓ અને પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલાં છે તે વાત પર ભાર આપવા માટે ધ ઓર્ડર ઓફ ઇન્ટરબીઈંગ નામનો એક સમુદાય સ્થાપ્યો હતો. તેનો ઉલ્લેખ કરીને તેઓ આ પુસ્તકમાં લખે છે;

“બે વૈશ્વિક વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષમાંથી જન્મેલા વિયેતનામ યુદ્ધ દરમિયાન ઓર્ડર ઓફ ઇન્ટરબીઇંગનો જન્મ થયો હતો. વિચારધારાઓ અને સિદ્ધાંતોના નામે લોકો મરી જાય છે અથવા મારી નાખે છે. જો તમારી પાસે બંદૂક હોય, તો તમે એક, બે, ત્રણ, પાંચ લોકોને ગોળી મારી શકો છો; પરંતુ જો તમારી પાસે કોઈ વિચારધારા હોય અને તે જ અંતિમ સત્ય છે તેમ માનીને તેને વળગી રહો, તો તમે લાખો લોકોને મારી શકો છો. માનવજાત દૃષ્ટિકોણો પ્રત્યેની આસક્તિથી પીડાય છે; ‘તમે જો આ શિક્ષાનું પાલન નહીં કરો, તો હું તમારું માથું કાપી નાખીશ.’ સત્યના નામે આપણે એકબીજાને મારીએ છીએ. દુનિયા આ સ્થિતિમાં અટવાઈ ગઈ છે.”

તિક ન્યાત હન્હએ એમાં એક અગત્યની વાત કહી હતી, જે આપણને આજે પણ એટલી જ લાગુ પડે છે; ‘માનવજાત દૃષ્ટિકોણો પ્રત્યેની આસક્તિથી પીડાય છે.’ આસક્તિ માત્ર ખાવા-પીવાની કે ઇન્દ્રિય સુખની જ નથી હોતી, આસક્તિ વિચારો, વિચારધારાઓ, માન્યતાઓ, અભિપ્રાયો, મતો અને દૃષ્ટિકોણોની પણ હોય છે. આપણે આપણા વિચારોને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું મારા વિચારને બીજામાં વિચાર કરતાં સર્વશ્રેષ્ઠ માનું છું. હું એ વિચારને બીજા પર થોપું તો જ તેની શ્રેષ્ઠતા જળવાઈ રહે છે અને એમાંથી જ સંઘર્ષ સર્જાય છે.

એટલા માટે રાજકારણ માણસના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જર્મન વિચારક ફ્રેડરિક નિત્શેનું એક પ્રચલિત સૂત્ર છે; એક રાજકારણી માણસોને બે વર્ગમાં વિભાજીત કરી દે છે : સાધન અને દુ:શ્મનમાં. નિત્શે રાજકીય જનઆંદોલનોની વિરુદ્ધમાં હતો. તે માનતો હતો કે રાજકારણીઓ તેમની સત્તા માટે અમુક લોકોને તેમના સમર્થક (સાધન) બનાવી દે છે, અને અમુક લોકોને દુ:શ્મન બનાવી દે છે. જેથી આંદોલન વ્યાજબી ઠરે. નિત્શેને એકલ વ્યક્તિની ક્ષમતામાં વિશ્વાસ હતો પણ રાજકારણીઓ તેને ટોળામાં ભેળવી દઈ તેને નપુંસક બનાવી દે તે પસંદ નહોતું.

નિત્શે રાજકારણને નફરત કરતો હતો. એ માનતો હતો કે પાર્ટી પોલિટિક્સ વ્યક્તિની વિચારવાની શક્તિને હણી નાખે છે. નિત્શે બ્લેક એન્ડ વ્હાઇટ, ગૂડ એન્ડ બેડ, હોટ એન્ડ કોલ્ડ એવા દ્વૈતમાં માનતો નહોતો. એ કહેતો હતો કે ચીજો મિક્સ એટલે કે ગ્રે હોય છે, તેને આવી રીતે બે જ દૃષ્ટિએ ન જોવાય. એ કહેતો હતો કે તમામ રાજકીય વિચારધારાઓ અંતત: હિંસક જ હોય અને એમાં લોકોનો ભોગ લેવાય છે. એ અર્થમાં નિત્શે એક અરાજકતાવાદી હતો. 

2017માં ડચ સંશોધકોએ રાજકારણના સમાચારો અને માણસોની સુખાકારી વચ્ચે શું સંબંધ છે તે જાણવા માટે એક અભ્યાસ કર્યો હતો. તેમણે શોધી કાઢ્યું હતું કે ટેલિવિઝનમાં જેટલા નકારાત્મક સમાચારો આવતા હતા, તેના દર્શકોમાં સરેરાશ સુખનો ભાવ 6.1 ટકા ઘટતો હતો.

અમેરિકન સાઈકોલોજીકલ એસોસિયેશનના એક અભ્યાસ અનુસાર, રોજે રોજ રાજકીય સમાચારોને ’આરોગવા’નો સ્ટ્રેસ લોકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને નકારાત્મક અસર કરી શકે છે. રાજકારણ લોકોના જીવનમાં ભારે સ્ટ્રેસનું કારણ બની શકે છે. રાજકારણ ચૂંટણીની મોસમ દરમિયાન દર પાંચ વર્ષે લોકોને અસર કરે છે તેવું નથી – તે આપણા રોજ બ રોજના જીવનમાં ઘૂસી ગયું છે, અને આપણને તેની ખબર નથી.

લોકો રાજકરણના સમાચારો પ્રત્યે આટલા આસક્ત હોય છે તેનું કારણ એ છે કે રાજકારણ બુનિયાદી રૂપે તર્ક કે વિવેકબુદ્ધિ આધારિત નહીં, પણ લાગણીઓ આધારિત હોય છે. માણસો લાગણીઓથી પ્રેરિત હોય છે અને પોતાની લાગણીઓને ઉચિત ઠેરવવા માટે બુદ્ધિનો સહારો લે છે. આને વિચારોની આસક્તિ કહે છે. આપણે એવું માનીએ છીએ કે આપણા વિચારો વાસ્તવિક છે અને આપણે તે પ્રમાણે વર્તીએ છીએ, પરંતુ વિચારોની અવરજવર અનંત હોય છે. તે સ્થાયી નથી હોતા, પરંતુ આપણે આપણને ગમતા વિચારો સાથે લગાવ પેદા કરીને તેને કાયમી બનાવીએ છીએ.

બીજી રીતે કહીએ તો, આપણે આપણા વિચારોના કંટ્રોલમાં હોઈએ છીએ અને આપણે કેવી રીતે વિચારીએ છીએ તે અનુસાર આપણે લોકો, પરિસ્થિતિઓ અને ચીજવસ્તુઓ પ્રત્યે લાગણીઓ અને દૃષ્ટિકોણ કેળવીએ છીએ. આ પ્રકારના દૃષ્ટિકોણ વાસ્તવિકતાનું નિરૂપણ નથી કરતા, પણ આપણને અનુકૂળ હોય તે રીતે તેનું અર્થઘટન કરે છે.

જૂઠ અને કલ્પના વચ્ચે એક જ બારીક તફાવત છે. જૂઠ એટલી એવી વાત, જે આપણને ખબર છે કે સાચી નથી, અને છતાં બીજી વ્યક્તિને છેતરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કલ્પના એટલે એવી વાત, જેને આપણે સાચી માનીએ છીએ, અને બીજી વ્યક્તિ પણ એમાં માને, એટલા માટે તેનો પ્રચાર કરીએ છીએ.

દાખલા તરીકે રાજકીય વિચારધારાઓ એક રીતે જૂઠ છે, કારણ કે આપણે તેની સચ્ચાઈને તટસ્થ રીતે પુરવાર ના કરી શકીએ, પરંતુ કરોડો લોકો તેમાં માનતા થઈ જાય, તો પછી તેને જૂઠ કહેવું અઘરું થઈ જાય છે. બીજી રીતે કહીએ તો, જે જૂઠમાં બહુ બધા લોકો સાગમટે માનતા થઈ જાય, પછી તે ‘સત્ય’ બની જાય છે. રાજકીય વિચારો એટલે જ પ્રચલિત હોય છે. એટલા માટે રાજકીય પક્ષો અને સરકારો હંમેશાં ખૂબસૂરત ભવિષ્યની કલ્પનાઓ ઘડીને સમુદાયો પર પ્રભાવ કાયમ કરે છે. માણસ વિચારધારાઓની કલ્પનાઓમાં માને છે, અને એટલે જ એક વિચારધારા બીજી વિચારધારા સામે યુદ્ધ પણ કરે છે.

રાજકારણમાં બહુમતી લોકોને આત્યંતિક, સામા છેવાડાનાં વલણ વધુ પસંદ હોય છે. આપણે કોઈ વિચાર કે વ્યક્તિની અત્યન્ત વાહવાહી કરીએ છીએ અથવા અત્યંત ટીકા કરીએ છીએ. આપણે ભાગ્યે જ આપણને ગમતી કે ન ગમતી વાત અથવા વ્યક્તિ માટે સંતુલિત સ્ટેન્ડ લઇ શકીએ છે.

બુનિયાદીરૂપે આપણે કબીલાઈ વૃત્તિવાળા છીએ. આપણે આ કે તે કબીલામાં આપણું સ્થાન શોધી લઈએ છીએ. આ ઈવોલ્યુશનરી વૃત્તિ છે. આપણી આઇડેન્ટિટી આપણા ગ્રૂપ પર નિર્ભર કરે છે, એટલે આપણે આ કે તે તરફનું સ્ટેન્ડ લઈએ છીએ. એમાં વિચારોની ગુણવત્તા ગૌણ બની જાય છે.

આખી દુનિયા અભિપ્રાયો પર ચાલે છે. પૃથ્વી પર જેટલા લોકો છે તેટલા અભિપ્રાયો છે. દરેકને દરેક વસ્તુઓ અને દરેક વ્યક્તિઓ વિશે અભિપ્રાયો છે. અભિપ્રાયો ધારણાઓ અને પૂર્વગ્રહો પેદા કરે છે અને આપણને એક પરપોટામાં કેદ કરે છે. દરેક વિશે અભિપ્રાયો હોવા અને બધું કેમ ચાલે છે તે જાણવું અનિવાર્ય નથી. બહુ જાણીએ એટલે બહુ સમજણ આવે એવું નથી. ઘણીવાર કશું ન જાણવાનું પણ મહત્ત્વનું હોય છે.

અસલમાં જાણકાર માણસને ખબર છે કે શું જાણવું જરૂરી છે અને શું બિનજરૂરી. ગણિતમાં કહે છે કે વેરિયેબલ્સ (સંખ્યા, તત્ત્વો) જો અનંત હોય, તો પ્રોબ્લેમ સોલ્વ જ ન થાય. જો મર્યાદિત અને સૂચક વેરિયેબલ્સ હોય, તો જ દાખલો સોલ્વ થાય. તેવી રીતે આપણામાં જો અનંત અભિપ્રાયો હોય, તો તે અંતત: નિરર્થક સાબિત થાય છે, કારણ કે તેથી નિર્ણય પર આવવાનું મુશ્કેલ થઈ જાય છે. અભિપ્રાયોમાંથી આઝાદી એ સુપરપાવર છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 સપ્ટેમ્બર 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ક્યાં છે સાર્થક સંવાદ-પહેલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 September 2023

સવારે સવારે મુખપોથીએ ચારેક વરસ પર પ્રકાશિત એક તસવીરની યાદ અપાવી, અને આ લખવાનો ધક્કો વાગ્યો. તસવીર, જો કે, ઘણાં વરસ પહેલાંની, 1955ની, છે અને એમાં ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ ને વિદુષી રોમિલા થાપર લંડનની એક સભામાં મંચ પર જોડાજોડ બેઠેલાં છે. રસેલ વક્તા છે અને અધ્યક્ષતા રોમિલા કરી રહ્યાં છે.

આ જૂની તસવીર 2019માં કેમ એકાએક ફરતી થઈ હશે? એવું બનેલું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કહેતાં જે.એન.યુ.ના સત્તાવાળાઓએ એ દિવસોમાં રોમિલા પર સત્તાવાર પત્ર પાઠવી એમનો સી.વી. માંગ્યો હતો. ત્યારે ખાસાં સિત્યાસી વરસ વટી ગયેલાં રોમિલા જે.એન.યુ.નાં પ્રોફેસર એમરિટસ છે. યુનિવર્સિટીએ એમને આજીવન સન્માનરૂપે આ પદ અર્ઘ્યવત્ એનાયત કરેલું છે. પણ 2016-’17થી ચોક્કસ સંજોગોમાં જે.એન.યુ. અને કેન્દ્રીય સત્તાપ્રતિષ્ઠાન વચ્ચે જે વિશેષ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં એલાને જંગને ધોરણે પ્રોફેસર એમરિટસનો સી.વી. માંગવાની હવાલદાર માનસિકતા પ્રગટ થતી હતી. તે વખતે આ વિદુષીનાં કદ ને કાઠીની એક ઝાંખી રૂપે કોઈકે એ તસવીર ફરતી કરી હશે.

અહીં રોમિલા થાપરનાં ઇતિહાસજ્ઞાન વિશે અને એને પડકારતા મુદ્દા, કશાંયની ખરાઈખોટાઈ કરવાનો આશય નથી. એ સ્વતંત્ર ચર્ચાનો વિષય છે. માત્ર, અધ્યાપકીય અદબના સંદર્ભમાં આટલો ઉલ્લેખ કર્યો છે એટલું જ.

જે.એન.યુ. વિવાદની વિગતોમાં નહીં જતાં અહીં જે વિગતમુદ્દો દર્જ કરવા ઇચ્છું છું તે એ છે કે જ્યારે રાષ્ટ્રવાદ ને દેશદ્રોહ જેવાં ટીકાત્મક અવલોકનો જે.એન.યુ. સામે ઉછળ્યાં ત્યારે ત્યાંના અધ્યાપક સંઘે 2016ના ફેબ્રુઆરી-માર્ચમાં એક સરસ વ્યાખ્યાનમાળા યોજી, રાષ્ટ્રવાદને લગતાં વ્યાખ્યાનોની. આ બધાં વ્યાખ્યાનો યુટ્યૂબ પર છે અને What The Nation Really Needs to Know (Harper Collins) એ શીર્ષકે ગ્રંથસ્થ પણ થયાં છે. એમાં એક વ્યાખ્યાન રોમિલા થાપર અગર મૃદુલા મુખર્જી કે પ્રભાત પટનાયક આદિનાં વિચારવલણોથી જુદું પડતું, બીજા કે કંઈક અંશે ત્રીજા વિચારનુંયે છે. આમેય આ સઘળાં વ્યાખ્યાનો ઢાંચાઢાળ નથી પણ પોતપોતાની રીતેભાતે વિલસે છે. પણ હું વાત બીજા બલકે ત્રીજા પ્રકારનાં વિચારવલણવાળા વ્યાખ્યાનની કરતો હતો. વ્યાખ્યાતા હતા મકરંદ પરાંજપે. જે.એન.યુ.ના સેન્ટર ફૉર ધ ઇંગ્લિશ સ્ટડીઝ સાથે એ સંકળાયેલા છે અને વર્તમાન શાસન દરમ્યાન કેટલોક સમય સિમલાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝના નિયામક પણ હતા. હવે એમનું આ વ્યાખ્યાન એક સ્વતંત્ર પુસ્તકરૂપે વિકસી આપણી સામે આવ્યું છે – JNU, Nationalism and Indias’ Uncivil War.

ભીખુ પારેખે Debating Indiaના પહેલા જ પ્રકરણમાં આપણે ત્યાંની વાદપદ્ધતિનો અચ્છો ખયાલ આપ્યો છે. હકીકતે, એક અર્થમાં તે અમર્ત્ય સેનના The Argumentative Indianની સાથે મૂકીને વાંચવાવિચારવાવાગોળવા જેવું પુસ્તક છે. ભીખુ પારેખે ઠીક જ કહ્યું છે, પ્રાસ્તાવિક વચનોમાં, કે સેનનું પ્રસ્તુત શીર્ષક આપણા જાહેર વિમર્શના એક હિસ્સા રૂપ બની ગયું છે. અલબત્ત, સેને કરેલી ચર્ચા બહુધા આપણી પરંપરામાં બે વિચારકો અગર વિચારશાળાઓ વચ્ચે પ્રવર્તતા મતભેદો ફરતે છે. બીજી બાજુ, આપણે ત્યાં વિશાળ સમુદાય સમક્ષ  ધારાધોરણસર ચાલતી અને અંતે એક નિર્ણય પર ઠરતી જાહેર ચર્ચાનીયે પ્રણાલિ છે. (કેમ કે, પર્યુષણના દિવસોમાં લખી રહ્યો છું, ગણધરવાદનું સહજ સ્મરણ થઈ આવે છે.)

એન.સી.ઈ.આર.ટી. – નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રીસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગે એના લાંબા કાળમાં અભ્યાસક્રમ ને પાઠ્યપુસ્તકલેખન વિશે જે પદ્ધતિ વિકસાવવાની કોશિશ કરી છે એમાં પિયરરીવ્યૂ પ્રકારની જોગવાઇઓથી સહવિચાર અને વિમર્શનો ઠીકઠીક અવકાશ રહેતો આવ્યો છે. હમણાં હમણાં જો કે વિચારધારાકીય પ્રશ્નવશ ઊહાપોહ ચાલે છે. ચાલુ પાઠ્યક્રમને કોરોનાકાળની અનવસ્થાને લઈને તેમ જ કંઈક ટુંકાવવાની ભૂમિકાએ સત્તાવાર રજૂઆત મુજબ ‘રેશનલાઇઝ’ કરવાની કોશિશ થઈ છે. ઇતિહાસ વિશે જરી વિશેષ ઉત્સાહ હશે તોપણ બીજા વિષયોમાંયે કંઈ ને કંઈ વિવાદી મુદ્દા માલૂમ પડે છે. રેશનલાઇઝ કર્યા પછી પણ દાવો તો મૂળ પુસ્તકનો જ હોઈ લેખકોનાં નામ યથાવત્ રાખ્યાં છે. હવે કેટલાક લેખકોએ એમનાં નામ પૂર્વવત્ ચાલુ રાખવા અંગે અસંમતિ અને નારાજગી વ્યક્ત કર્યાના હેવાલો છે. એમનું કહેવું એમ છે કે સમગ્ર ચિત્ર રેશનલાઇઝ કરી ટુંકાવાતાં જે સામે આવે છે એનાથી જાગતો પ્રતિભાવ ટુંપાવાયાંનો છે. એ સંજોગોમાં એની સાથે અમારાં નામ પૂર્વવત સાંકળવામાં કોઈ શિષ્ટાચારનો ખયાલ હોય તોપણ અમને તે અન્યાયકારી વરતાય છે; કેમ કે જે તે ઝોક નવા સંજોગોમાં ઊપસે છે તે અમને અભિમત નથી.

બીજી પાસ, આ અંગે તરેહવાર જાહેર ચર્ચા ચાલે છે જેમાં વિગતવિશદ સહભાગિતા કરતાં વધુ તો વિચારધારાવશ અથવા ખરું પૂછો તો નકરી પક્ષગત સામાસામી વરતાય છે. અમર્ત્ય સેન ને ભીખુ પારેખે નિતાન્ત ભારતીય પરંપરાનો જે ચિતાર પોતપોતાને છેડેથી આપ્યો છે એની સામે આ એક વરવું ચિત્ર ઉપસાવે છે. જે. કૃષ્ણમૂર્તિ જે અર્થમાં અનલર્નિંગ પર ભાર મૂકે છે એ અર્થમાં નહીં તોપણ આપણે કેવળ અનધ્યયનવશ આસપાસના કોલાહલમાંથી જે ખયાલો અધ્ધરપધ્ધર બાંધ્યા હોય એની અફરાતફરીનો માહોલ બને છે એટલા એક સાદા મુદ્દાસર અનલર્નિંગ જરૂરી બને છે.

નમૂના દાખલ, આપણા જાહેર વિમર્શમાં લગભગ પર્યાયી ટીકા બલકે આળરૂપ બની રહેલ ‘ડાબેરી’ સંજ્ઞા જુઓ. બિપનચંદ્રે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળને સમજવાની દૃષ્ટિએ પાયાનું કામ કર્યું છે. એને ડાબેરી કહી ઉતારી પાડવાનું વલણ હાલ જે માનસ બન્યું છે એનું ઉત્તમ નિદર્શન પૂરું પાડે છે. બિપનચંદ્રનું સ્થાપિત સામ્યવાદી પક્ષ સાથે એક સંધાન જરૂર રહ્યું, પણ એમનું એક મોટું અર્પણ રૂઢ કંઠીબંધો સામ્યવાદી મત ગાંધીની ગજભૂમિકાને રજ કરીને જોતો હતો એને વિગતવિશદ ઠમઠોરવાનું ને ગાંધીપ્રદાનની મૂલ્યવત્તા સ્થાપી આપવાનું છે. ભારતમાં સામ્યવાદી હિલચાલના અગ્રપુરુષ લેખે ઇતિહાસપ્રતિષ્ઠ શ્રીપાદ અમૃત ડાંગેની માર્કસવાદ-સામ્યવાદ અંગેની સમજની દામોદર કોસંબી સરખા માર્કસવાદી ઇતિહાસકારે બરાબરની ખબર લીધી છે. ઉમાશંકર અને દર્શકને પોતપોતાની વિચારચર્યામાં માર્ક્સીય કુમક મળેલી છે એનાં ઓસાણ આપણને ભાગ્યે જ હોય છે. ત્રિઉર પૈકીના રામપ્રસાદ શુક્લના માર્ક્સસેવનની આપણને કદાચ ખબર જ નથી. મતલબ, ગાંધીવાદી-માર્કસવાદી જેવા પ્રયોગો ખપના હોય તોપણ આપણી સમજ એક નુઆન્સ્ડ અભિગમ – સૂક્ષ્મ અર્થચ્છાયાવિવેક માગે છે.

પણ જાહેરજીવનમાં ક્યાં છે નુઆન્સ્ડ અને ધોરણસરના સંવાદવિવાદ? જો સરકાર, સત્તાપક્ષ અને એનાં બૌદ્ધિક અગર બૌદ્ધિકવત્ મંડળો સંવાદ વાસ્તે ખુલ્લાં પેશ આવતાં હોત તો કદાચ એવૉર્ડ વાપસીનો આખો અધ્યાય જ લખાયો ન હોત. કમનસીબે, હજી પણ સત્તાવલણ ‘ટૉકિંગ ટુ’ નહીં પણ ‘ટૉકિંગ ઍટ’ તરેહનું છે. બે’ક મહિના પર ઍવૉર્ડ વાપસી મુદ્દે પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ અંગેની સંસદીય ખડી સમિતિનો હેવાલ સદનના પટલ પર મુકાયો તે આ સંદર્ભમાં જોવા જેવો છે. રાજ્યસભાના દસ અને લોકસભાના એકત્રીસ મળી કુલ એકતાલીસમાંથી ઓગણચાલીસ સાંસદોની તોતિંગ બહુમતીએ કહ્યું છે કે એવૉર્ડ વાપસી જેવા ‘અણછાજતા બનાવો’ એવૉર્ડની એકંદર આબરૂ અને મોભાને હાણ પહોંચાડે છે અને એવૉર્ડ-સન્માનિત અન્ય પ્રતિભાઓને ઝાંખી પાડે છે. આનું વારણ શું. તો કહે, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે સન્માનિત પ્રતિભાઓની આગોતરી સંમતિ ઉપરાંત બાંહેધરી પણ મળી રહે કે ભવિષ્યમાં તેઓ તે પરત નહીં કરે. એટલું જ નહીં એ પણ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ‘એવૉર્ડ પરત કરનારને ભવિષ્યમાં આવા કોઈ એવૉર્ડ બાબતે લક્ષમાં લેવામાં નહીં આવે.’

જે બે સાંસદો જુદા પડ્યા એમણે કહ્યું છે કે એવૉર્ડવાપસી એક વિરોધરીતિ છે તે આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત આપણે એક સમિતિ તરીકે ખરેખર તો સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરવી જોઈએ કે એણે વિરોધ પાછળના વાસ્તવિક મુદ્દાને સમજી એના ઉકેલનો પ્રયાસ કરવો જરૂરી છે.

અહીં દેશની વડી સાહિત્ય અકાદેમી સંબંધે થોડીક જિકર જરૂરી બને છે. સંબંધિત સહુને ખયાલ હોવો જોઈએ કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા છે. જવાહરલાલ નેહરુ વડાપ્રધાનના હોદ્દાની રૂએ નહીં પણ લેખક તરીકે એના પહેલા ચુંટાયેલા પ્રમુખ હતા. સરકારે  ત્યારે અકાદેમી સ્થાપવાની પહેલ જરૂર કરી હતી, પણ વાંસોવાંસ વિધિવત્ સ્પષ્ટતા પણ કરી હતી કે 1860ના સોસાઇટી ઍક્ટ મુજબ નોંધાયેલી આ સ્વતંત્ર સંસ્થા હશે. એનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એના પર બેસતા લેખકો રાજ્યના પ્રતિનિધિ નથી. સરસ કહ્યું હતું જવાહરલાલે કે વડા પ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ જુદા પડે તો હું અકાદેમી પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ.

આજે આ એવૉર્ડવાપસી અંગેનો હેવાલ અકાદેમી સમક્ષ એક પડકારતક લઈને આવે છે. તે શું એ હેવાલ સંદર્ભે સ્વતંત્ર સંવાદભૂમિકા લઈ પોતાનું હોવાપણું પુરવાર કરશે? દેશનો જાહેર વિમર્શ એકહથ્થુ એકલઠ્ઠ હંકારાઈ રહ્યો છે, મૅન્યુફૅક્ચર્ડ કન્સેન્ટનો માહોલ બની રહ્યો છે ત્યારે, કાશ, અકાદેમી કશીક સાર્થક સંવાદપહેલ કરી શકે!

પ્રગટ : ‘પ્રમુખીય’, “પરબ”; સપ્ટેમ્બર 2023
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

...102030...995996997998...1,0101,0201,030...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved