Opinion Magazine
Number of visits: 9458136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 2

સુમન શાહ|Opinion - Literature|28 May 2023

સુમન શાહ

મનુષ્યજાતિના વર્તમાનમાં કુદરતી બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચે – નેચરલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વચ્ચે – સંઘર્ષ મંડાયો છે અને તે મહા સંઘર્ષ છે. એટલું જ નહીં, એ બન્ને વચ્ચે સાયુજ્ય ઊભું કરવું એ પણ એક મહા સંકુલ સંઘર્ષમાં ઊતરવા-સમું દુરુહ છે.

એથી વિકસી રહેલી અદ્યતન ટૅક્નોલોજિની મનુષ્યજીવન પર થઈ રહેલી ઘાતક સુખદ અસરો પણ એટલી જ મહા અભૂતપૂર્વ છે.

મને આ મુદ્દો આ લેખમાળામાં મૂકવો અને ક્રમે ક્રમે ચર્ચવો જરૂરી લાગે છે.

હરારી એમની શૈલીના ભવિષ્યવાદમાં આ મુદ્દાને જુદી જુદી રીતે આવરી લે છે. એ વાત પ્રસંગ પડશે ત્યારે કરીશ.

પરન્તુ જરાક ફંટાઈને મારે એ કહેવું છે કે એ અસર હાલ ચાલુ છે ને ક્યારનીયે ચાલુ થઈ ગઈ છે. એટલું જ નહીં, બહુ ઝડપી ગતિએ બધું બદલાઈ ગયું છે, બદલાઈ રહ્યું છે.

જેમ કે, મોટો બદલાવ આ : ઔદ્યોગિક ક્રાન્તિ પછીની પુશબટન ટૅક્નોલૉજિ અને તે પછીની ક્લિક્-બટન ટૅક્નોલૉજિ. એ વિકાસના ફળ રૂપે મનુષ્યને લાધેલો, ભલે નિ:સામાન્ય ભાસતું દૃષ્ટાન્ત છે, સ્માર્ટ ફોન. એણે પેલા કાળિયા ફોનને કાળગ્રસ્ત કરી દીધો. વાતચીતની આપણી રીત લઢણ ગરજ જરૂરિયાત બદલાઈ ગયાં. ઘણાને થાય છે કે લોકો નિરાંતે વાત નથી કરતા, ઘણાને થાય છે કે ફોન પતાવતા જ નથી, બોલ્યા કરે છે. કારણ એ છે કે સ્માર્ટ ફોન એ બન્ને પ્રકારના લોકોની જરૂરિયાતને તોષે છે. લાગે કે મફતમાં તોષે છે. ખરેખર તો માણસ એ માટે શું ચૂકવે છે તેની એને ખબર નથી, પણ ટૅક્નોલૉજિ એનો રજે રજનો પળે પળનો હિસાબ કરતું હોય છે. એને ખબર નથી કે જીવનનો કેટલો સમય એની પાછળ ખરચાઈ રહ્યો છે. અને, કેટલો શક્તિવ્યય? જેનો કશો અંદાજ પણ નથી આવતો.

મારી એક પોસ્ટમાં મેં પુસ્તકાલય અંગેના મારા વ્યાખ્યાન-લેખમાં “ચૅટજીપીટી”ની વાત કરેલી. એના આગમન પછીના બહુ જ ટૂંકા ગાળામાં એના ઍક્ટિવ યુઝર્સની સંખ્યા દિન પ્રતિ દિન વધીને કરોડોએ પ્હૉંચી છે. એના શીર્ષકમાં જ ‘ચૅટ’-નો નિર્દેશ છે. આપણે બે કે વધુ મનુષ્યો વાત કે સંવાદ કરીશું કે તમારી જોડે મશીન સંવાદ કરશે? આપણે અનુવાદ કરશું કે એ કરી દેશે? સવાલો છે? ના, સવાલો નથી, એ થઈ રહ્યું છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ભૂમિકાએ વિકસાવાયેલું એ એક નૂતન મૉડેલ છે. ગૂગલ સર્ચ અને ચૅટજી,પી,ટી,માં ફર્ક એ છે કે ગૂગલ હનુમાનજીની જેમ આખો પર્વત ઉપાડી લાવશે, જ્યારે આ તો સંજીવનીનો માત્ર છોડ જ લાવશે. તમે માગ્યું એ જ આપવું અને એના કેન્દ્રમાં રહીને સંવાદના વર્તુળને વિકસાવવું એ એની વિશેષતા છે.

વ્યાખ્યાનમાં મેં દાખલો આપેલો : હું જો એને પૂછું કે ગુણસુંદરીના ઘરસંસારમાં માનચતુર અને ધર્મલક્ષ્મી એની સાથે કેવોક વર્તાવ રાખે છે, તો એ મને ‘સરસ્વતીચંદ્ર’-માં જોઈને યોગ્ય ઉત્તર આપશે. હું એને કંઈક બીજું પૂછીશ કે ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન કયા કયા વિદ્વાનોએ ચર્ચ્યો છે તો એ મને સુરેશ જોષી સુધી લઈ જશે. અમારી વચ્ચેના એવા સંવાદમાં એની કશીક ભૂલ હશે તો, સુધારશે.

એટલું જ નહીં, ખોટી સ્થાપનાઓને ચૅલેન્જ પણ કરશે. એને હું પૂછું કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉમાશંકર જોશી અને સુરેશ જોષી પછી કોની વિચારસરણી પ્રભાવક નીવડી છે, તો એ કહેશે કે, સુરેશ જોષીની. હું પૂછું કે એ હકીકતને મચડવાનો પ્રયાસ કોણે કર્યો તો એનું નામ અને જેમાં એ મચડાટ છે એ લેખને હાજર કરશે. એવાં એવાં ઉપજાવી કાઢેલાં જેટલાં જૂઠાણાં હશે, ‘પોસ્ટ ટ્રુથ’, એ તમામ વિશે રહસ્યસ્ફોટ કરશે. પરિણામે, હવે ખોટા ઇતિહાસ નહીં લખી શકાય.

સામે, ચૅટજી.પી.ટી. મારી અનુચિત માગણીઓને પણ ફગાવી દેશે.

હું આને એક સુલક્ષણા અને પરિશુદ્ધ વિદ્વાનનું વર્તન ગણું છું. કુદરતી બુદ્ધિવાળો આપણો કહેવાતો વિદ્વાન, બની બેઠેલો મોટાભા, અંગત રાગદ્વેષ ભેળવીને જે પ્રકારની ગરબડ-સરબડ કરે, એ આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની હન્ડ્રેડ પરસૅન્ટ વસ્તુલક્ષીતામાં શક્ય જ નથી.

ચૅટજી.પી.ટી. હાલ ગુજરાતી ભાષા શીખી રહ્યું છે એની નૉંધ લેવી જોઈએ.

પણ આ પ્રકારના આર્ટફિશ્યલ આધારિત અનેક સૉફ્ટવેઅર આવી ગયા છે, આવી રહ્યા છે. એથી મળનારાં ઍલગોરિધમ્સની મદદ વધતી જશે અને એથી સમજાતું જશે એમ કે અમુક કામો માટે મનુષ્યોની જરૂર નથી. એ લોકોને નવરા કરી દેવાશે, કરી દેવાયા છે, કરી દેવાય છે. નવરાશ માટે ‘લેઇશર’ શબ્દ પ્રચલનમાં છે. આમેય આજે આપણે પૂછવું પડે છે, હું તો પૂછું જ છું, આર્યુ ફ્રી, તો ફોન કરું. કહું છું, મને તમારી પાસે પૂરતી લેઇશર હોય ત્યારે ફોન કરજો. આ નવરાશ તમારા સમ્બન્ધની ગાંઠને મજબૂત કરે છે, ઢીલી પણ કરે જ છે. એ અર્થમાં એ ઘાતક સુખદ છે.

પરન્તુ એનો મોટો ઘા તો એ છે કે એથી વ્યક્તિની સર્જનાત્મક શક્તિ, સમીક્ષાત્મક શક્તિ ક્ષીણ થઈ જાય. મને એકડે એકથી ઊઠા સુધીના આંક આવડતા’તા પણ આજે ચાર-પાંચ આંકડાના સરવાળા બાદબાકી કે ભાગાકાર ગુણાકાર માટે મને કૅલ્ક્યુલેટર વિના ચાલતું નથી, દલીલબાજો એમ કહેતા હોય છે કે એથી મળેલા સરળતા-સુખને અંકે કરી લો. મારો સવાલ એ છે કે, એ પછી શું.

જેમ કે, બીજો મોટો બદલાવ આ : ખાસ તો, સોશ્યલ મીડિયાનો આવિષ્કાર, અને તેનો ગુજરાતી સાહિત્ય માટે થઈ રહેલો ઉપયોગ. એણે કેટલા લાભ સંપડાવ્યા અને એણે સાહિત્યકારને તેમ જ એની સાહિત્યિક માનસિકતાને કેટલી બદલી એ વિચારવાને પલાંઠી લગાવીને બેસવું પડે એમ છે.

લાભ એ કે સ્વપ્રકાશન માટે સ્થાન શોધવાની જરૂર ન રહી. કોઈ તન્ત્રીની શેહ ભરવાની કે એને સલામ ભરવાની જરૂર ન રહી. કશી લાગવગ લગાડવાની કે લાલચ આપવાની જરૂરત ન રહી. લેખક તરીકેનો મિજાજ જેવો હોય તેવો સાચવીને ખુશ રહેવાની સગવડ થઈ કેમ કે વિવેચક નામના પ્રાણીની નુક્તેચિનીથી પણ બચી જવાયું.

પણ, સૌથી મોટી હાનિ થઈ છે રુચિની. રુચિ ધોવાઇને નિર્માલ્ય થઈ ગઈ છે. સાદામાં સાદી ઉક્તિ પણ પોતાને સાહિત્યરસિક કહેવડાવતા જનને પણ નથી પ્હૉંચતી.

બીજું, સાહિત્યની આડપેદાશ રૂપે ભાવક / વાચકનું વિચારજગત ખીલતું હોય છે, પણ તે આજે વેરવિખેર છે. સમાજના સામાન્યજનોના વિચારજગતને પ્રેરવા માટે તો વિચારોની અંદર સાહિત્યરસ અને બીજા અનેક રસને બરાબર ભેળવીને મોટિવેશન ટૉક્સનાં આયોજન કરવાં પડે છે. સામાન્ય વાચન પણ અઘરું પડે છે, વિદ્વદ – ભોગ્યને તો કોઈ સૂંઘવાય તૈયાર નથી.

ત્રીજું, નુક્સાન છે નીવડેલી સાહિત્યપરમ્પરાનો અનાદર, ઉત્તમ ગ્રન્થો, ઉચ્ચ આદર્શો ઉપકારક સિદ્ધાન્તો કે શાસ્ત્રો વિશે બેપરવાઈ. અને, તે જ માનસિકતા અનુસાર, અધિકૃત વ્યક્તિઓ વિશે પણ બેફીકરાઇ અથવા તેમનો ખપ પૂરતો ઉપયોગ.

ચૉથું, સ્વસ્થ સમીક્ષા કે મૂલ્યાંકનને સ્થાને વાહ-વાહી અને લાઇક્સની સંખ્યાથી રાજી રહેવાનું વલણ. સ્વસ્થ સમીક્ષાને અભાવે હું મોટો તું નાનો, હું ઍવૉર્ડી તું સામાન્ય, જેવી હૂંસાતૂંસી અને તેમાંથી જનમેલું સાહિત્યપરક રાજકારણ.

પાંચમું, જેને મેઇન સ્ટ્રીમ ગુજરાતી લિટરેચરના મોવડી કહેવાય એ મહાજનોની ગુજરાતી સાહિત્યના આ સોશ્યલ મીડિયા વિશેની ઉદાસીનતા, ક્યારેક સૂગ પણ ખરી.

ગુજરાતી સાહિત્યકારોની આ સોશ્યાલિટી એટલી તો સંકીર્ણ છે કે એને રીયલ સોશ્યલ મીડિયાની ખબર જ નથી. કેમ કે, ટૅક્નોલૉજિને એનાં ઉપકારક-અનુપકારક સતમાં ન પામ્યા હોઈએ તો કૂવામાંનાં દેડકાંના રાજીપાનું કિંચિત્ સુખ મળે છે, સાથોસાથ, લુચ્ચા શિયાળની ચતુરાઈથી ફુલણજી કાગડાને થયેલી હાણ પણ થઈ શકે છે.

આમાં, સાહિત્યિક સંસ્કૃતિ – લિટરરી કલ્ચર – પ્રગટે અને તે સર્વસામાન્ય સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાથરે અથવા તો સાહિત્યકલા શાસન કે ધર્મ જેવાં જીવનનિર્ણાયક પરિબળોને ટકોરે એમ થવું હાલ તો અસંભવિત દીસે છે.

હરારીએ પોતા તરફથી ચાર C આગળ કરેલા છે, બહુ જાણીતા છે. એ છે, critical thinking, creativity, collaboration, communication. હું એને ચાર ‘સ’ કહું છું : સમીક્ષાપરક વિચાર. સર્જકતા. સહયોગ. સંક્રમણ.

જાણી શકીશું કે આ ચારનો વૈયક્તિક અને સાહિત્યિક કારકિર્દીના ઘડતરમાં આજે, વર્તમાનમાં, અને આપણા અચૉક્કસ ભાવિમાં, કેવોક વિનિયોગ કરી શકાય એમ છે.

હાલ આ લેખમાળા મેં વૉર્મિન્ગ-અપની રીતે અથવા નેટ-પ્રૅક્ટિસની રીતે શરૂ કરી છે, ધીમે ધીમે અન્તરાલમાં ઊતરવામાં ડહાપણ છે એમ માન્યું છે.

= = =

(05/27/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કહીં ખુશી કહીં ગમઃ કાશ્મીરમાં G20ના આયોજનમાં કોઇએ જોઇ સફળતા તો કોઇએ ઠેરવ્યું અયોગ્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 May 2023

કાશ્મીરને સ્વર્ગ અમસ્તા જ નથી કહેવાયું, પણ આ પ્રદેશ રાજકારણીઓ માટે એક ‘પિંગપોંગ’ બની ગયો છે. કંઇ ન મળે તો જમ્મુ-કાશ્મીરના મુદ્દાને આગળ ધરવો, તેમાં કંઇક ‘બ્યુટિફિકેશન’ કરી નાખવું કે પછી ક્યારેક કંઇ તેનાથી પણ વરવું.

ચિરંતના ભટ્ટ

ભારતે G20ની અધ્યક્ષતાનું જે બીડું ઝડપ્યું હતું તે કદાચ સારા ચોઘડીએ થયેલી ઘટના હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2023ના માર્ચમાં જ્યારે વૈશ્વિક મુદ્દાઓ માટે કોઇ એક મંચ શોધવાની વાત કરી હતી, ત્યારે એ જ આખા મુદ્દાને આગળ ધપાવવાના આશયથી થર્ડ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપે શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં બેઠક કરી. આ બેઠક રંગેચંગે પૂરી પણ થઇ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ આખા આયોજનની બહુ મોટા પાયે નોંધ લીધી. પાકિસ્તાનને આ અંગે વાંધો ઉઠાવ્યો તો ભારતે એવો અભિપ્રાય રાખ્યો કે ભારતની આંતરિક બાબતોમાં પાકિસ્તાનના ચંચૂપાતને કોઇ સ્થાન નથી.

ગોઆમાં જ્યારે શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક થઇ હતી, ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શ્રીનગરમાં આ સમિટના આયોજન કરવા માટે ભારતને જાણે ધમકી જ આપી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન આ નિર્ણયની ટીકા કરે છે અને અમે આ બેઠક શ્રીનગરમાં થશે ત્યારે એવો જવાબ આપીશું કે લોકો તે યાદ રાખશે. જો કે ત્યાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એવી ચોખવટ કરી હતી કે બિલાવલ ભુટ્ટો ઝરદારી આ પ્રકારનું કંઇ બોલ્યા નહોતા પણ તેમના વિધાનને ફેરવી તોળવવામાં આવ્યું હતું. આપણા વિદેશ મંત્રી  જયશંકરે ભુટ્ટોને આતંકી ઉદ્યોગના પ્રતિનિધિ ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાનને G20 સાથે કંઇ જ લેવાદેવા નથી. આ બધા ઉગ્ર માહોલ વચ્ચે ડાલ સરોવરના કાંઠી શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં 22મી મે-એ બેઠક થઇ અને ટુરિઝમ, ડિજીટલાઇઝેશન, સ્કિલ્સ, એમ.એસ.એમ.ઇ. અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ ચર્ચાયા. સિંગાપોર, સાઉથ કોરિયા, નેધરલેન્ડ, ફ્રાંસ જેવા દેશોના પ્રતિનિધિઓએ ભારતની આ પહેલ અને આયોજનના ભારે વખાણ કર્યા.

કાશ્મીરમાં આ આયોજન થવું શા માટે અગત્યનું ગણાય અને તેને લગતા વિવિધ પ્રતિભાવો શું છે તે સમજવું જરૂરી છે. 2019માં ભારતીય જનતા પાર્ટીની સંઘીય સરકારે મુસલમાન બહુમત ધરાવતા જમ્મુ અને કાશ્મીરના બે મુખ્ય રાજ્યોને સંઘ પ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યા હતા – જમ્મુ અને કાશ્મીર તથા લદાખ. લદાખ સીમા પરનો એવો પ્રદેશ છે જે ભારત અને ચીન વચ્ચેની લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની સમાનાંતર છે – ભારત અને ચીન બન્ને તેની પર દાવો માંડીને બેઠા છે. કાશ્મીરમા થયેલા G20ના કાર્યક્રમને અમુક રાષ્ટ્રો, મીડિયા વગેરેએ ભારે બિરદાવ્યો. આ કાર્યક્રમના આયોજન પહેલાં આકરી સિક્યોરીટી ડ્રિલ્સ પણ થઇ જેથી કોઇ અરાજકતા કાર્યક્રમ દરમિયાન ન ખડી થાય. 1989ની સાલથી વિરોધ પક્ષો, સામાજિક કાર્યકરો, માનવાધિકાર પર કામ કરનારાએ કેન્દ્રમાં આવેલી ભારતીય સરકારો પર માનવાધિકારના હનનના આક્ષેપો મુક્યા છે પણ કેન્દ્રમાં જેની પણ સરકાર હોય તે પક્ષે આવા કોઇ આક્ષેપો સ્વીકાર્યા નથી.

આ કાર્યક્રમના આયોજન માટે થઇને સલામતીના કડક પગલાં લેવાયાં. સ્થાનિક વિરોધ પક્ષો જ નહીં પણ પૂર્વ કાશ્મીરી મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આટલા મોટા પાયે કરાયેલી સલામતી વ્યવસ્થાની ટીકા કરી એમ કહ્યું કે આ બધામાં સામાન્ય જનજીવન વધારે મુશ્કેલ બન્યું છે અને આ પ્રકારની સલામતી વ્યવસ્થા તો અમેરિકાના ગ્વાન્ટાનામો બેના કારાગારની યાદ અપાવે તેવી છે. જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્રએ આ અંગે કોઇ પણ પ્રતિભાવ નથી આપ્યો. સ્થાનિક લોકોએ અમુક મીડિયામાં આ બધી વ્યવસ્થાઓને કારણે પોતે કેટલા હેરાન થાય છે તેવી વાત કરી છે અને આ પ્રદેશમાં કાયમી શાંતિ હશે તો જ વિકાસ શક્ય છે બાકી આવા કાર્યક્રમોના આયોજનથી કંઇ ફેર નથી પડવાનો તેવું ત્યાંના લોકોએ પોતાની અન્ય મીડિયા સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યું છે.

વ્યવસ્થાને મામલે બધું શ્રેષ્ઠ રીતે જ કરાયું હશે તેમાં કોઇ બે મત નથી પણ શું આ પ્રકારના આયોજનથી ભારત સરકાર કાશ્મીર પર પોતાની પકડ અને કબજાને વધુ સ્પષ્ટ અને મજબૂત કરે છે તેવું ચિત્ર નથી ખડું થતું? શ્રીનગરમાં થઇ રહેલું શહેરી વિકાસનું કામ પણ ત્યાંના લોકોને કઠે છે કારણ કે તેમને માટે એ શહેરના એવા હિસ્સાઓને બદલે છે તે તેમને માફક આવે તેમ નથી. આ ખૂબસૂરત પ્રદેશના લોકો એ હદે સંવેદનશીલ છે કે સરકાર જે નામકરણનાં કામ કરે છે તેનાથી તેમને જાણે પોતે એ સ્થળથી અલગ પડી ગયા હોય તેવો અનુભવ થાય છે. ભારતીય શાસન હેઠળ કાશ્મીરીઓને થોડા ટેરિટોરિયલ અને સાંસ્કૃતિક અધિકારો મળ્યા છે અને કાશ્મીર પાસે પોતાનું ભવિષ્ય નક્કી કરાવનો અધિકાર પણ છે. ભા.જ.પા. સરકારે કાશ્મીરના સ્પેશ્યલ સ્ટેટસનો લાંબો સમય સુધી વિરોધ કર્યો અને બાદમાં 2019માં કાશ્મીર સંબંધિત ફેરફાર કરવામાં આવ્યા. વળી કાશ્મીરમાં ટુરિઝમને વેગ આપવા માટે હાલની સરકારે બહુ કામ કર્યું છે, પણ તેનાથી સ્થાનિકો બહુ ખુશ છે એમ પણ નથી. કાશ્મીરની મુલાકાત લેનારાઓએ તેનો ઇતિહાસ સમજવો પણ જરૂરી છે. આ પ્રદેશનો મુદ્દો હજી પણ ચૂકાદાની રાહમાં છે ત્યારે ત્યાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય બેઠક કરવી કાયદા વિરોધી ગણાય તેવું પણ આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સે કહ્યું છે. કાશ્મીરમાં બધું ‘સબ સલામત’ છે એમ બતાડવાનો આશય પણ આ કાર્યક્રમના આયોજન પાછળ છે તેવા અભિપ્રાય પણ છે.

કાશ્મીરમાં આ પહેલાં એંશીના દાયકામાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી તે પછી આ પહેલું આંતરરાષ્ટ્રીય આયોજન થયું. ત્યારે પણ 1983માં થયેલી મેચમાં લંચ બ્રેકમાં કેટલાક તોફાની ટોળાંએ પિચ ખોદી નાખી હતી તો બીજી મેચ વખતે દર્શકોએ ભારતની હારને વધાવીને પાકિસ્તાન તરફી નારેબાજી કરી હતી. આ બન્ને ઘટનાને કારણે કાશ્મીનો મુદ્દો એ વખતે જરા પ્રકાશમાં આવ્યો હતો. આ વખતે ચીન, સાઉદી અરેબિયા, ઇજીપ્ત અને ટર્કી G20ની આ ઇવેન્ટથી દૂર રહ્યા. પણ ચીને તો અરુણાચલ પ્રદેશમાં પણ G20ની ઇવેન્ટમાં ભાગ નહોતો લીધો. ટર્કીના વડાએ ભારતનું કાશ્મીર પ્રત્યેનું વલણ હંમેશાં વખોડ્યું છે કારણ કે તેમનો એજન્ડા મુસ્લિમ વિશ્વના નેતા તરીકે ઓળખ સ્થાપવાનો છે. સંયુક્ત રાષ્ટ્રીય સંઘની જનરલ એસેમ્બલીની બેઠકમાં તેમણે એમ કહ્યું હતું કે ભારતે કાશ્મીરમાં નીતિ બદલી તે પછી સમસ્યાઓ ઓછી થવાને બદલે વધારે જટિલ બની છે.

કાશ્મીરમાં કરાયેલા આ આયોજન અંગે અમેરિકન શિક્ષણવિદ્ નોઆમ ચોમસ્કીએ આ અંગે સવાલ ઉઠાવ્યો. તેમના મતે કાશ્મીરમાં આવી બેઠક યોજનારાઓએ પોતાના અંતરાત્માને સવાલ કરવો જરૂરી છે. ભાગલાનો ભોગ બનેલા કાશ્મીરે જે વેઠ્યું છે તે બહુ આકરું છે અને 2019માં આવેલા પરિવર્તનો પછી કદાચ કાશ્મીર એવો પ્રદેશ છે જ્યાં સૌથી વધારે સૈન્ય તૈનાત છે, ત્યાં લોકોને જેલ ભેગા કરાય છે, તે ગાયબ થાય છે, તેમને મૂળભૂત અધિકારો ભોગવવાનો મોકો પણ નથી મળતો ત્યારે કાશ્મીરમાં બધું ‘નોર્મલ’ છે, એવું બતાડવાનો પ્રયાસ સુધ્ધાં કરવો અયોગ્ય છે.

બાય ધી વેઃ

જગન નાથ આઝાદે કાશ્મીર વિશે લખેલી આ પંક્તિ ઘણું બધું કહી જાય છે, ‘તાસીર વો એક તેરી હાવઓં કો મિલી હૈ, જો ખાક કો તિર્યાક કરે ઝહેર કો અકસીર’. કાશ્મીરને સ્વર્ગ અમસ્તા જ નથી કહેવાયું પણ આ પ્રદેશ રાજકારણીઓ માટે એક ‘પિંગપોંગ’ બની ગયો છે. કંઇ ન મળે તો જમ્મુ-કાશ્મીરના મુદ્દાને આગળ ધરવો, તેમાં કંઇક ‘બ્યુટિફિકેશન’ કરી નાખવું કે પછી ક્યારેક કંઇ તેનાથી પણ વરવું. ત્યાં વસનારાઓ પણ વિચારમાં હશે કે કઇ તરફ જવું, વળી ત્યાં આતંકવાદનો ઓછાયો તો છે જ અને અલગાવવાદીઓ પોતાની શતરંજ રમ્યા કરે છે. 75 વર્ષથી કાશ્મીર નામનું સ્વર્ગ હેરાન થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારના ઇરાદા ચોક્કસ સારા હોઇ શકે પણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે તેને સ્વીકારનારાઓનો આંકડો મોટો થાય તે જરૂરી છે. જે અમુક સ્તરના હકારાત્મક પરિવર્તનો આવ્યા છે તેનો વિસ્તાર વધે, તેની પહોંચ વધે તેવી જ સમજ પર સત્તાધીશો વધુ ધ્યાન આપે એ જ દુઆ કરવી રહી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 મે 2023

Loading

લેભાગુ અને ભાગેડુની ભાગીદારી 

રમેશ ઓઝા|Opinion - Opinion|28 May 2023

રમેશ ઓઝા

ભારતમાં વચલી જ્ઞાતિઓના અનુલોમ-વિલોમ બાબતે આ કૉલમમાં મેં લખેલા લેખ વિષે એક વાચકની પ્રતિક્રિયા આવી કે ખ્રિસ્તી તે વળી આદિવાસી હોતા હશે? તેમની સમજ એવી છે કે ખ્રિસ્તી એટલે ફાડ ફાડ અંગ્રેજી બોલનારા ભદ્ર અને આદિવાસી એટલે આર્થિક-સામાજિક એમ દરેક રીતે પછાત. આદિવાસી ખ્રિસ્તી કેવી રીતે હોઈ શકે?

આ એક એવો દેશ છે જ્યાં દેશપ્રેમી બનવા માટે દેશને સમજવાની જરૂર કોઈને લાગતી નથી. ભારતનાં નકશાની અંદર જેટલી ભૂમિ બતાવી છે એ દેશ અને તેને હું પ્રેમ કરું છું એટલે દેશપ્રેમી એવી ટૂંકી સમજ લોકો ધરાવે છે. જેમ પત્થરની મૂર્તિ કાંઈ માગતી નથી અને તેની પૂજા કરીને પોતાને ધાર્મિક તરીકે ઓળખાવી શકાય છે એમ જળ-થળ પણ કાંઈ માગતાં નથી અને તેને  પ્રેમ કરીને દેશપ્રેમી તરીકે ઓળખાવી શકાય છે. પણ જેમ ધર્મ મૂર્તિમાં સીમિત હોતો નથી એમ દેશ જળ-થળમાં સીમિત હોતો નથી. ધર્મ ચોક્કસ દર્શન અને મૂલ્યોનો બનેલો હોય છે એમ દેશ એ ભૂમિમાં વસતી પ્રજાનો અને પ્રજાના પીંડનો બનેલો હોય છે.

સમસ્યા અહીં આવે છે. સાચા ધાર્મિક બનવું હોય તો પોતાનાં ધર્મનાં દર્શનને સમજવું પડે, તેનાં મૂલ્યોને સમજવાં પડે, તેને અપનાવવાં પડે, આત્મસાત કરવાં પડે, સહધર્મીઓને તે સમજાવવાં પડે, પોતાનાં સંતાનોને વારસામાં આપવાં પડે અને સૌથી મોટી વાત, દર્શન અને મૂલ્યોની બાબતે આપણો ધર્મ અન્ય ધર્મોથી ક્યાં અલગ પડે છે અને બીજા ધર્મો આપણા ધર્મથી ક્યાં અલગ પડે છે એ સમજવું પડે. દર્શન અને મૂલ્યોની બાબતે બીજી ધાર્મિક કોમ આપણાથી ક્યાં અલગ પડે છે અને આપણે બીજાથી ક્યાં અલગ પડીએ છીએ એ સમજવું પડે. એક વાર, માત્ર એક જ વાર આવો એક નાનકડો પ્રયોગ પોતાની જાત સાથે કરી જોશો તો વિવેકના પ્રદેશનો પરિચય થવા લાગશે. ઝાંખી થશે અને એ ઝાંખી અનુપમ હશે.

પણ કહેવાતા ધાર્મિકો આવી ઝાંખીથી ડરી જાય છે. કારણ એ છે કે જીવતો ધર્મ કાંઈક અપનાવવા-છોડવાનો આગ્રહ રાખે. દર્શન અને મૂલ્યોના ત્રાજવે અને સદ્દઅસદ્દના ત્રાજવે સતત તોળાવું પડે છે. નાપાસ થવાનો ડર રહે છે અને પાસ થવા માટે જહેમત કરવી પડે છે. આનાં કરતાં મૂર્તિ અને બાહ્ય ઓળખ આપનારાં કર્મકાંડ સારાં. મૂર્તિ અને માળા આગ્રહી (ડિમાન્ડીંગ) નથી હોતાં. આમાં નાપાસ થવાનો ડર નહીં અને પાસ થવાની પળોજણ નહીં. ધાર્મિક ગણાઈએ, સમૂહનો ભાગ બનીએ, સમૂહની તાકાતમાં આશ્રય મેળવીએ, સમૂહની તાકાતનો દુરુપયોગ કરીએ, બીજાને તુચ્છ ગણીને અને આપણને મહાન ગણાવીને પોરસાઈએ.

જે વાત ધાર્મિકોને લાગુ પડે છે એ વાત દેશપ્રેમીઓને પણ લાગુ પડે છે. ધર્મને મૂર્તિ અને માળામાં સીમિત કરી નાખો એટલે એ કોઈ ચીજ નથી માગતો એમ દેશને જળ અને થળમાં સીમિત કરી નાખો એટલે એ કોઈ ચીજ નથી માગતો. પણ એ જ દેશ જો પ્રજાનો બનેલો હોય તો ઘણું માગે. જે તે પ્રજાની વિવિધતા હોય, કેટલીક પ્રજા આપણાંથી સાવ જુદી હોય, તેના પ્રશ્નો હોય, તેનાં સપનાં હોય, તેમની ફરિયાદો હોય, અપેક્ષાઓ અને એષણાઓ હોય, ચોક્કસ ભૌગોલિક સ્થિતિમાં વિકસેલા રીતિરિવાજ હોય, જીવનશૈલી હોય. જીવતા માણસના બનેલા જીવતા સમાજના જીવાતા જીવનના પ્રશ્નો હોય.

હમણાં ધર્મની બાબતમાં કહ્યું એમ એક વાર, માત્ર એક જ વાર પ્રજાના બનેલા દેશને સમજવાનો એક નાનકડો પ્રયોગ પોતાની જાત સાથે કરી જોશો તો વિવેકના પ્રદેશનો પરિચય થવા લાગશે. દેશની ઝાંખી થશે અને એ ઝાંખી અનુપમ હશે. પણ અગેન ધાર્મિકોની માફક જ દેશપ્રેમીઓ દેશની ઝાંખીથી ડરી જાય છે. બધા કેમ એક સરખા નથી અને બધા કેમ એક સરખી રીતે વિચારતા નથી? જો વૈવિધ્ય પ્રકૃતિદત્ત છે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ કે તેને નકારવું જોઈએ? કોણ કોના પક્ષમાં સ્વીકાર કે અસ્વીકાર કરે? આદિવાસીઓ તો આદિમજાતિઓ છે એમ આપણે કહીએ છીએ અને ખ્રિસ્તી ધર્મ તો બે હજાર વર્ષ જૂનો છે અને એ પણ વિદેશથી આવ્યો છે, તો આપણી ભૂમિના આદિવાસીઓ કેમ ખ્રિસ્તીઓ બન્યા, હિંદુ ધર્મ તેને પોતાની પાંખમાં કેમ ન લઈ શક્યો? પહેલા સવાલના જવાબમાં ધર્માંતરણ કરાવનારા મિશનરીઓ ઉપર ઠીકરું ફોડવા જશો ત્યાં બીજો સવાલ આવી પહોંચશે, હિંદુ ધર્મ કેમ તેમને પોતાની સોડમાં ન રાખી શક્યો કે લઈ શક્યો?

પ્રજાના બનેલા જીવતા દેશને પ્રેમ કરવા જશો તો આવા સેંકડો સતાવનારા સવાલો ઉપસ્થિત થશે અને તમારે તેનાથી ભાગવું છે. જે તે સમાજને સમજવો પડે, તેના પ્રશ્નો અને અરમાનોને સમજવાં પડે, નીરક્ષીર વિવેક કરવો પડે, આપોઆપ સદ્ભાવ અને સંયમ સામે આવીને ઊભા રહે અને પછી માણસ બનવાની લાંબી પળોજણ. દર્શન અને મૂલ્યો આધારિત ધર્મ જેમ ડિમાન્ડીંગ હોય છે એમ પ્રજાનો બનેલો દેશ પણ ડિમાન્ડીગ હોય છે. અંદર રહેલા માણસને જગાડવો એ માણસ માટે સૌથી દુષ્કર કામ છે. ક્ષણે ક્ષણે કસોટી થાય છે અને માટે માણસ અંદર રહેલા માણસને પોઢાડી રાખે છે. માટે જળ અને થળને પ્રેમ કરતાં દેશપ્રેમી બનવું સારું. કોઈ આગ્રહ નહીં, કોઈ કસોટી નહીં કે પાસ-નાપાસની ચિંતા નહીં.

લેભાગુઓને ખબર છે કે સરેરાશ માણસ ભાગેડુ પ્રાણી છે અને માણસ નામના ભાગેડુ પ્રાણીને વાડામાં પૂરીને તેઓ તેનો લાભ લેતા હોય છે. લેભાગુ ધર્મગુરુઓ ધર્મની મહાનતા, કર્મકાંડ, ધાર્મિક અસ્મિતા, મૂર્તિ અને મંદિરોમાં ભાગેડુ ધાર્મિકને આશ્રય આપે છે. લેભાગુ ધર્મગુરુ ધાર્મિકને દર્શન અને મૂલ્યોની નજીક જવા દેતો નથી અને પેલા ભાગેડુને જવું પણ નથી. ધર્મગુરુ ભાગેડુ ધાર્મિકને પોષે છે અને ભાગેડુ ધાર્મિક ધર્મગુરુને પોષે છે. આવું જ દેશપ્રેમનું. ડીટ્ટો. લેભાગુ નેતાઓ દેશપ્રેમીને સ્થૂળ અસ્મિતાઓ અને પ્રતિકોમાં અટવાવી રાખે છે. તેને એક દુ:શ્મન પકડાવી દે છે અને પોતાને તારણહાર તરીકે. લેભાગુ નેતા દેશપ્રેમીને સમાજના બનેલા જીવતા દેશનો પરિચય કરાવતો નથી, કરવા દેતો નથી અને પેલા ભાગેડુ દેશપ્રેમીને કરવો પણ નથી.

મને ખુશી છે કે એક વાચકમિત્રના મનમાં પ્રશ્ન થયો કે આદિવાસી તો પછાત હોય છે અને ખ્રિસ્તી આધુનિક સભ્ય અને ભદ્ર. આદિવાસી ખ્રિસ્તી કેવી રીતે હોઈ શકે? મારી એ મિત્રને સલાહ છે કે પ્રશ્નની પૂંઠ પકડીને પ્રશ્નનો ઉત્તર શોધે. ભાગવાનો જરા ય પ્રયાસ નહીં કરતા. જો કરશો તો લેભાગુઓના વાડે પૂરાઈ જશો.

શંકા કરો, પ્રશ્ન પૂછો અને ઉત્તર શોધો. અંદર રહેલો માણસ જાગી જશે. ગેરંટી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 મે 2023

Loading

...102030...994995996997...1,0001,0101,020...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved