Opinion Magazine
Number of visits: 9458097
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગવા(ન)કરણ 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 May 2023

રવીન્દ્ર પારેખ

રાજકોટની સિવિલ હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં 150 સ્ટ્રેચરને કેસરી રંગે રંગી નાખવાના સમાચાર છે. દર્દીને લઈ જવા વપરાતાં સ્ટ્રેચરને, બે દિવસમાં સફેદ રંગ મારવાને બદલે ભગવો રંગ મારી દેવાયો. કેમ? તો કે, સફેદ કલરનાં સ્ટ્રેચર ગુમ થઈ જતાં હતાં. ગુમ એ રીતે કે દર્દીઓને બીજા વોર્ડમાં લઈ જવાતા હતા, ત્યારે ત્યાંથી સ્ટ્રેચર પાછાં આવતાં ન હતાં. બાકી, હતાં તો હોસ્પિટલમાં જ ! પણ, નર્સિંગ સ્ટાફને એમ લાગ્યું કે સ્ટ્રેચર્સ ગુમ થઈ જાય છે, તો બીજાથી અલગ તરી આવે એટલે, કોઈને પણ પૂછ્યા વગર, કેસરી રંગે રંગી નાખ્યાં ! આમાં બે બાબત રમૂજ પ્રેરે છે. એક તો સ્ટ્રેચરો ગુમ થાય છે એ. દર્દીની દવા ચોરાય કે તેનાં કપડાં ગુમ થાય કે ખોરાક ચોરાય એ સમજાય, પણ સ્ટ્રેચર કોઈ શું કામ લઈ જાય? ને લઈ ગયું છે એટલે? કોઈ ઘરે લઈ ગયું નથી. છે તો હોસ્પિટલમાં જ ! પણ, કોઈ ‘કમલ’નયનીને લાગ્યું હશે કે દેશનું થાય છે તો સ્ટ્રેચર્સનું ભગવાકરણ શું કામ ન થાય? બીજું, કે સફેદ રંગનાં સ્ટ્રેચર ગુમ થાય એટલે કેસરી રંગ લગાવ્યો, તો સવાલ એ થાય કે કેસરી રંગનાં સ્ટ્રેચર ગુમ ન થાય એવું ક્યાંય લખેલું છે? ઓન ધ કોન્ટ્રેરેરી આજના સમયમાં તો કેસરી વધુ ઊપડે એમ બને. ખરેખર તો સફેદ રંગ ગુમ થાય ને કેસરી રંગ ગુમ થતો અટકે એવી મૌલિક શોધ માટે નર્સિંગ સ્ટાફનું સન્માન કરવું જોઇએ.

કોની પ્રેરણાથી ને કોના ખર્ચે તે નથી ખબર, પણ એ કેસરી સ્ટ્રેચરો ફરી સફેદ રંગે રંગાઈ ગયાં. તે એટલે કે લોકોએ વિરોધ કર્યો. કમાલ છેને, કેસરીનોય વિરોધ ! ક્યાંક કોઈ ગુનાહિત ભાવ કેસરિયાં કરવામાં પડેલો હશે કે કેમ, પણ કેસરી સ્ટ્રેચરને ફરી સફેદ કરી દેવાયાં. કાલ ઊઠીને કોઈ કહે કે સ્ટ્રેચર સફેદ નહીં, પણ લીલા રંગે રંગો, તો શું સ્ટ્રેચર્સ લીલાં થઈ જશે? એની વે, અત્યારે તો સ્ટ્રેચર, સ્ટ્રેચર પર હોય તેમ શોકસભાની ગંભીરતા ધારણ કરીને ખૂણો પાળી રહ્યાં છે. જો કે, સ્ટ્રેચરોનો પુન: શ્વેતાવતાર ગળે ન ઊતર્યો. આખો દેશ જ્યારે કેસરિયાં કરી રહ્યો હોય કે શિક્ષણમાં ભગવા ફતવા ફરફરી રહ્યાં હોય ત્યારે, સ્ટ્રેચરને ફરી સફેદ કરવાની જરૂર ન હતી. કદાચ આત્મપ્રેરણાથી કે બીજા કોઈ કારણથી, પણ નર્સિંગ સ્ટાફે સ્ટ્રેચરને કેસરિયાં કરાવી જ દીધાં હતાં, તો એમને પ્રોત્સાહિત કરીને આગળ વધવા દેવા જોઈતા હતા. શક્ય છે કે બીજે દિવસે આખો સ્ટાફ સફેદને બદલે, ભગવા યુનિફોર્મમાં આવ્યો હોત. જરા વિચારો કે આખી હોસ્પિટલ ભગવા રંગી દેખાય તો દર્દીઓમાં પણ કેવો ન જીવવાનો વૈરાગ્ય પ્રગટ થાય ! એમ લાગે છે કે દેશની બધી હોસ્પિટલો ભગવી કરી દેવી જોઈએ, જેથી ભગવાકરણમાં યોગદાન વધે. પેલા નર્સિંગ સ્ટાફને એ સૂઝ્યું નહીં હોય, બાકી, એમણે તો સ્ટ્રેચરની સાથોસાથ જ બધા દર્દીઓને પણ ભગવા રંગે રંગી નાખ્યા હોત. જરા વિચારો કે એ રીતે આખી જનતા જ કેસરિયાં કરતી દેખાય તો વૈરાગ્યનો કેવો ભવ્ય વારસો ભાવિ પેઢી માટે મૂકી જવાય ! એ જ રીતે આઇ.સી.યુ., ઓપરેશન થિયેટર, ઓપરેશન ટેબલ, ઓપરેશનનાં ઓજારો, ડોકટરો, નર્સો, વોર્ડબોય એમ બધાં જ ભગવાં દેખાય તો એ દૃશ્ય કેવું સાત્વિક ને પવિત્ર લાગે ! કોઈને બાટલો ચડાવવાનો હોય તો તે કેસરી, એમાંનું બ્લડ કેસરી, એની નીડલ કેસરી ને એ જેને ચડયો હોય તે દર્દી પણ કેસરી … આ બધું રોમાંચિત કરનારું નથી લાગતું?

– ને હોસ્પિટલ જ શું કામ, આખો દેશ જ ભગવો કરી શકાયને ! ભારત તો વિશ્વગુરુ છે, તે ધારે તો ઘણાં ગુરુ ઘંટાલોને કેસરિયાં કરાવી શકે. તો, તો પૃથ્વી પોતે ‘દિલવાલે’નાં પેલાં ગીતની જેમ ગાઈ શકે, ‘રંગ દે તું મોહે ગેરુઆ …’

આ ભગવાકરણનો તંતુ વિસ્તારવા જેવો છે. આમ તો એ ભગવાનકરણ પણ છે. અલબત્ત ! ‘ભગવાન’માં ‘ન’ સાઇલન્ટ રાખીને જ બધે કેસરી કેસરી થઈ રહ્યું છે. એ પણ છે કે ‘ભગવા’માં ‘ન’કાર જોડીને કેટલાંક ભગવાન થયા છે. જો કે, કોઈ ભગવાન કેસરી નથી. હા, તેના ભક્તો કેસરી ખરા ! સાધુસંતો કેસરી છે, પણ હવે ભગવો રંગ સાધુઓ પૂરતો સીમિત રહ્યો નથી. તે હોસ્પિટલનાં સ્ટ્રેચરથી માંડીને અનેક મંદિરોની ધજાઓ સુધી ચડયો છે. હવે સાધુઓના રંગે રાજકારણ પણ રંગાયું છે એટલે રાજકારણ અને સાધુકારણ લગભગ એક થઈ ગયાં છે. કોઈ રાજકારણી સાધુ થાય એમ નથી, પણ સાધુસાધ્વીઓ તો રાજકારણી થયાં છે ! તે એટલે કે તેમને સમજાઈ ગયું છે કે એકલા ધર્મથી કૈં થતું નથી, તેની સાથે સત્તા હોય તો બુલડોઝર પાસેથી પણ ધાર્યું કામ લઈ શકાય છે. એ ખરું કે સાધુ રહીને સંસારમાં રહી શકાય છે, પણ સંસારી રહીને સાધુ થઈ શકાતું નથી. એવું થઈ શકતું હોત તો ઘણાં સંસારીઓ કેસરિયાં કરીને પરણ્યાં હોત !

કુદરત વિચિત્ર છે એવું કહેવાય છે, પણ એવી વિચિત્ર છે કે તે બધું ભગવું કરવામાં માનતી નથી. કુદરતને હવે દેશ માર્ગદર્શન આપી શકે એમ છે. આમે ય વિશ્વમાં બીજો વિશ્વગુરુ છે જ કોણ? જો કુદરત વિશ્વગુરુને કન્સલ્ટ કરે તો આખું વિશ્વ કેસરી થઈ શકે એમ છે. દેશની, વિશ્વની એકતાનો જે ખ્યાલ વ્યાપેલો છે, તે ભગવા રંગથી કેવો એકાત્મભાવ ઊભો કરી શકે એનો વિચાર કરવા જેવો છે ! કુદરતને સમાનતાનો ખ્યાલ જ ન આવ્યો ને તેણે પર્વતો ઊંચા નીચા રાખ્યા. નદીઓ લાંબીટૂંકી કરી. સમુદ્રો નાના મોટા કર્યા. તેને બદલે એકસરખી ઊંચાઈના પર્વતો, એકસરખી લંબાઇની નદીઓ, એકસરખા કદના સમુદ્રો હોય તો કુદરતી ઐક્ય કેવું ભવ્ય લાગે ! ઉપરથી બધાંનો રંગ પણ કેસરી ! જરા કલ્પના કરો કે નદીનું પાણી કેસરી છે. નળ ચાલુ કરો ને પાણી કેસરી આવે, તો ભાત કેસરી કરવાનો રહે જ નહીં ! દાળ કેસરી. શાક પણ મૂળમાંથી કેસરી જ ઊગે. એટલે કોઈને પણ ગાજર પકડાવી શકાય ! ટૂંકમાં, આખી થાળી જ કેસરી !

આમ તો ફળો કાચાં હોય ત્યારે લીલાં હોય, પણ પાકે તો અંદરથી કેસરી થાય. કેરીનું તો નામ જ કેસર છે, તો એ પણ કેસરી જ હોયને ! પપૈયું કેસરી. નારંગી, નારંગી રંગની. હાફૂસ કેસરી. ફળો પણ સમજે છે કે મોડુંવહેલું કેસરી થયે જ છૂટકો છે. એમાં પ્રોબ્લેમ કેસરનો આવે. બધું જ કેસરી હોય ત્યાં કેસર ઊગીનેય શું કરે? એણે કેસરિયાં જ કરવાં પડે કે બીજું કૈં? સાચું તો એ છે કે કુદરતે બહુ ભૂલો કરી છે. એણે પાન, વૃક્ષ લીલાં રાખ્યાં. કેટલાંક ફૂલો કેસરી કર્યાં, પણ ગુલાબને ગુલાબી રાખ્યું. કરેણ પીળી ને લાલ કરી. એમાં ભારે થાપ ખાધી. બધાં જ ફૂલો ભગવાં હોય તો આખા સંસારમાં એક સાથે સાધુતાનો ને સત્તાનો સાત્ત્વિક અને રાજસી ઠાઠ પ્રવર્તે એવું નથી લાગતું? ખરેખર તો કુદરતે જ બ્રહ્માંડમાં વૈરાગ્યનો ભગવો રંગ પ્રસરાવવો જોઈએ જેથી તેનો વિશ્વમાં અલગથી મહિમા કરવાનો જ ન રહે. આકાશ જ ગેરુઆ રંગે રંગાયેલું હોય તો ભવ્ય લાગે ! ચંદ્ર પણ કેસરિયાળો રંગ લઈને ઊગે તો કેવું રમણીય લાગે ! તેની ચાંદની કેસરી હોય ને તેનાથી નદી, સમુદ્રનાં જળ કેસરી કેસરી ચમકતાં હોય ને રાતનાં વસ્ત્રોમાં કેસરી તારાઓ ટાંકેલા હોય એ દૃશ્ય કલ્પી તો જુઓ ! તમારી આંખો એ કેસરી દૃશ્યને કારણે ગેરૂરંગી હોય કે આંખો ગેરુઆ હોવાને કારણે દૃશ્ય કેસરી થયું એની મૂંઝવણ પણ કેવી કેસરી હોય ! એ કેસરી ગૂંગળામણથી તમારાં આંસુ ટપકે ને તમે પ્રેમીને ખભે માથું મૂકો તો એ, એ વાતે અકળાય કે કેસરી સાબુ ખલાસ થઈ ગયો છે, તો કેસરી વસ્ત્રો એ ધોશે કઇ રીતે? એટલે એ તમારું માથું ઊંચું કરીને તમારાં આંસુ આંગળી પર ઝીલે, તો એને એ ઝીણા બલ્બ જેવા ઝબૂકતાં લાગે એમાં નવાઈ નથી.

– અને સૂર્યને તો કેસરી કરવાની જરૂર જ ક્યાં છે? એ જ તો આખી સૃષ્ટિનું ચાલક બળ છે. એનાં કેસરી કિરણોથી પ્રભાત થાય ને મજા તો એ કે આપણા પડછાયા કેસરી લંબાય. આકાશમાં કેસરી વાદળો ચડી આવે ને કેસરી વીજ વચ્ચે વરસાદ વરસે તો ખુલ્લામાં તેનાં કેસરી છાંટણાં ચામડી કેવી થથરાવે તે કહેવાની જરૂર છે? વૈશ્વિક ભગવાકરણનું સુખ એ હશે કે કોઈના વાળ સફેદ નહીં થાય, એટલે કે કોઈ ઘરડું થાય જ નહીં ! બીજી મજા એ કે આ ભગવાયણ ને કારણે રાખ ચૂલાની હોય કે ચિતાની, કેસરી જ હશે. ચિંતા એક જ રહે કે ચૂલાની રાખ કરતાં ચિતાની રાખ વધે નહીં તો સારું, કારણ જોખમ તો કાયમ લીલુંછમ રહેવાં જ ટેવાયેલું છે ! કેસરી હોય તો પણ, ચિતાની રાખ, આંસુ તો લોહીનાં જ પડાવે છે … ભલેને પછી એ સત્તા પડાવે કે સાધુતા, શો ફરક પડે છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 મે 2023

Loading

અમેરિકાનો પ્રોમેથિયસ: હીરો કે વિલેન?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 May 2023

2002માં મનોવૈજ્ઞાનિક થ્રિલર ‘ઇન્સોમેનિયા,’ 2005થી 12 વચ્ચે સુપરહીરો બેટમેન ટ્રીઓલોજી ‘ધ ડાર્ક નાઈટ,’ 2010માં સાયન્સ ફિક્શન ‘ઇન્સેપ્શન,’ 2014માં સાયન્સ-ફિક્શન ‘ઇન્ટરસ્ટેલર,’ 2017માં યુદ્ધ ફિલ્મ ‘ડનકિર્ક’ અને 2020માં સાયન્સ એક્શન થ્રિલર ‘ટેનેટ’ જેવી એક એકથી ચઢિયાતી ફિલ્મો આપનારા ફિલ્મ નિર્દેશક ક્રિસ્ટોફર નોલન નવી કઈ ફિલ્મ લઈને આવશે, તેનો દુનિયા ભરના ફિલ્મ દર્શકોને ઇન્તજાર હતો. એ પૂરો થયો છે. 21મી જુલાઈના રોજ તેમની 12મી અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘ઓપનહેઈમર’ આવી રહી છે.

આ ફિલ્મ કેમ મહત્ત્વાકાંક્ષી છે? કારણ કે એમાં માનવ જાતના એક એવા ઇતિહાસની વાત છે જેનાં, સારાં કે ખોટાં, ફળ આજે પણ આપણે ભોગવી રહ્યાં છીએ અને જ્યાં સુધી પૃથ્વી પર જીવન છે ત્યાં સુધી તે ભોગવતા રહીશું. તમને ઓપનહેઈમરનું નામ ખબર ન હોય તે શક્ય છે, પણ તમને એટમ બોમ્બની તો ખબર હશે જ. કોને ન હોય? ભારત સહિત વિશ્વના 9 દેશો પાસે માનવ જાતને ભસ્મ કરી નાખવાની તાકાતવાળા એટમ બોમ્બ છે. બીજા અન્ય દેશો પણ તેને બનાવાની મથામણ કરી રહ્યા છે.

આ બોમ્બ પેદા કરવાનું ‘પાપ’ ઓપનહેઈમર નામના વિજ્ઞાનીના નામે દર્જ છે. તેમનું આખું નામ જે. રોબર્ટ ઓપનહેઈમર છે. બીજા વિશ્વયુદ્ધના સમયે, અમેરિકાએ ઇતિહાસનો પહેલો એટમ બોમ્બ બનાવવા માટે જે કાર્યક્રમ ઘડ્યો હતો, જેને મેનહટન પ્રોજેક્ટ કહેવાય છે, તેની આગેવાની આ ઓપનહેઈમરે લીધી હતી.

એટમ બોમ્બને તમે કયા દૃષ્ટિકોણથી જુવો છો તે પ્રમાણે તમે ઓપનહેઈમરને આધુનિક ઇતિહાસના મહાનાયક અથવા ખલનાયક તરીકે જોઈ શકો, પણ એક વાત નિશ્ચિત છે કે માનવ ઇતિહાસની કહાની ઓપનહેઈમરની કહાની વગર અધૂરી છે. ક્રિસ્ટોફર નોલને, હોલિવૂડના પડદા પર તેની આ રોમાંચક અને વિવાદાસ્પદ કહાની કહેવાનું બીડું ઝડપ્યું છે.

ઓપનહેઈમરને કેમ મહાનાયક અથવા ખલનાયક નક્કી કરવાનું મુશ્કેલ છે? આ પ્રશ્ન સમજવા માટે, ગ્રીક પુરાણકથાઓના એક નાયક પ્રોમેથિયસની વાર્તા જાણવી જોઈએ.

ગ્રીક પુરાણમાં, પ્રોમેથિયસ નામનો એક યુવાન દેવ સ્વર્ગમાંથી આગને ચોરીને પૃથ્વી પર લાવ્યો હતો અને મનુષ્યોને તેની ભેટ આપી હતી. સ્વર્ગના દેવોને એવો ડર લાગ્યો કે મનુષ્યો આગમાંથી જ્વાળા બનાવશે, જ્વાળામાંથી બત્તીઓ બનાવશે, બત્તીઓમાંથી તેમને સૂર્યની ઉર્જા એકઠી કરવાની પ્રેરણા મળશે અને સૂર્યની ઉર્જાથી તેઓ એટલા પ્રગતિશીલ બની જશે કે ગ્રીક દેવતાઓને ઉથલાવીને ખુદ દેવ બની જશે. પરિણામે, ઝીયસ નામનો દેવ ગુસ્સે થયો અને પ્રોમેથિયસને તેના આ અપરાધ બદલ એક પર્વત પર સાંકળોથી બાંધી દેવાની સજા ફરમાવી, જ્યાં તેને ગીધો આજીવન ચાંચ મારતાં રહ્યાં.

કંઇક આવું જ ઓપનહેઈમરના કિસ્સામાં બન્યું હતું. એક તરફ તેણે પાર્ટિકલ ફીઝિક્સના વિજ્ઞાનનો આધાર લઈને, યુરેનિયમમાંથી એક એવી ઊર્જા છૂટી પાડવાની ટેકનિક વિકસાવી હતી, જેણે મનુષ્યને અમર્યાદિત તાકાત પ્રદાન કરી હતી, અને બીજી તરફ, એ તાકાતે એવી સંભવાનાને જન્મ આપ્યો હતો કે ઘડીના છઠ્ઠા ભાગમાં માનવ જાત તબાહ થઇ જાય.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, 1938માં, જર્મન રસાયણશાસ્ત્રી ઓટ્ટો હાન અને ફ્રિત્ઝ સ્ટ્રાસમેને સૈદ્ધાંતિક રીતે (કાગળ પર) પુરવાર કર્યું હતું કે અણુને તોડીને તેમાંથી મોટી માત્રામાં ઊર્જા છૂટી પાડી શકાય છે. તેનાં પગલે, અમેરિકા, ગ્રેટ બ્રિટન અને કેનેડામાં આવીને વસેલા નાઝી જર્મની અને અન્ય ફાસિસ્ટ રાષ્ટ્રોના રેફ્યુઝી વૈજ્ઞાનિકોને એવો ડર લાગ્યો હતો કે હિટલરનું જર્મની જો એટમ બોમ્બ બનાવશે તો, યુદ્ધ જીતવાનું તો અસંભવ બની જ જશે, પણ હિટલર પશ્ચિમનાં રાષ્ટ્રોને તબાહ કરી નાખશે.

આ વૈજ્ઞાનિકોએ અમેરિકન સરકારને તેમની ચિંતા પહોંચાડી હતી. વિશેષ તો, ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને (જે યહૂદી હોવાના કારણે નાઝીઓના ત્રાસથી અમેરિકા નાસી આવ્યા હતા) 1939માં, રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટને એક પત્ર લખીને ચેતવણી ઉચ્ચારી હતી કે નાઝીઓ એક એવો બોમ્બ બનાવી રહ્યા છે જે સામૂહિક નરસંહાર નોતરશે. પાછળથી જો કે આઇન્સ્ટાઇને આ પત્ર લખવા બદલ અફસોસ થયો હતો.

જે રોબર્ટ ઓપનહેઈમર

વૈજ્ઞાનિકોની ચિંતાથી પ્રેરાઈને, રૂઝવેલ્ટના વહીવટીતંત્રએ, યુ.એસ. કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના મેજર જનરલ લેસ્લી ગ્રોવ્સની આગેવાનીમાં મેનહટન પ્રોજેક્ટ (કાર્યક્રમ મેનહટ શહેરની એક લેબોરેટરીમાં હાથ ધરવામાં આવ્યો હતો) માટે પરવાનગી આપી હતી. આ પ્રોજેક્ટના વડા તરીકે ન્યુક્લિયર ફીઝિસિસ્ટ રોબર્ટ ઓપનહેઈમરની નિમણૂક કરવામાં આવી હતી. 1942થી 1946 સુધીમાં અહીં ઇતિહાસનો પહેલો એટમિક બોમ્બ બનાવામાં આવ્યો હતો.

ઓપનહેઈમર, 1904માં, ન્યૂયોર્કના યહૂદી પરિવારમાં પેદા થયો હતો. તે રસાયણમાં હાર્વર્ડ કોલજમાંથી ગ્રેજ્યુએટ થયો હતો. કોલજના વખતથી જ તેને કોલાઇટિસની બીમારી હતી. કોલેજના નિયમ મુજબ, રસાયણશાસ્ત્રની સાથે તે સાહિત્ય, ઇતિહાસ, ફિલોસોફી અને ગણિત પણ ભણ્યો હતો. 1924માં તે ભૌતિકશાસ્ત્રનું ભણવા માટે કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ ગયો હતો. 1926માં તે જર્મનીની ગોટિન્જન યુનિવર્સિટીમાં જોડાયો હતો. અહીં તે પાર્ટિકલ ફીઝિક્સમાં માસ્ટર બન્યો હતો. અમેરિકા પાછા આવીને તેણે ઘણાં વર્ષો સુધી કોલેજોમાં ભણાવાનું કામ કર્યું હતું.

ઓપનહેઈમર ઊંચો, પાતળો અને ચેઈન-સ્મોકર હતો. તે ભણતી વખતે, પ્રયોગ કરતી વખતે લાંબા સમય સુધી ખાવાની ઉપેક્ષા કરતો હતો. કેમ્બ્રિજના તેના પરિચિતો અનુસાર, તેનામાં આત્મનાશી (સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ) વૃત્તિ હતી. તેનામાં ઊંડું ડિપ્રેશન હતું. તેના ભાઈને એકવાર તેણે કહ્યું હતું, “મને મિત્રો કરતાં ફીઝિક્સની જરૂરિયાત છે.

ઓપનહેઈમરને વિજ્ઞાન ઉપરાંત આધ્યામિકતામાં રસ પડ્યો હતો. વિશેષ તો તે સંસ્કૃત ભાષા શીખ્યો હતો (એ તેની આઠમી ભાષા હતી). તેના કારણે જ તેને સંસ્કૃતમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદો વાંચવાનું મન થયું હતું. પાછળથી તેણે કહ્યું હતું તેનું જીવનદર્શન ગીતા વાંચીને કેળવાયું છે.

1940માં, નાઝીઓના હાથે ફ્રાન્સનું પતન થયું પછી મિત્ર-રાષ્ટ્રોમાં ચિંતા પેઠી હતી. ઓપનહેઈમરને પણ એવું લાગેલું કે ફાસિવાદને જો રોકવામાં નહીં આવે તો પશ્ચિમી સભ્યતા ખતમ થઇ જશે. એટલે, અમેરિકાએ યુદ્ધના ધોરણે એટમ બોમ્બ બનાવાનું નક્કી કર્યું ત્યારે, ઓપનહેઈમરે એમાં જોડાવા માટે હામ ભરી હતી. 1945ના જુલાઈમાં, ન્યૂ મેક્સિકોના રણમાં પહેલો બોમ્બ ફોડવામાં આવ્યો. બીજા મહિને, હિરોશીમા અને નાગાસાકી પર બે બોમ્બનો અસલી પ્રયોગ કરવામાં આવ્યો. જાપાન તત્કાળ શરણે આવી ગયું.

પહેલા બોમ્બના પ્રયોગનું સાંકેતિક નામ ‘ટ્રિનિટી ટેસ્ટ’ રાખવામાં આવ્યું હતું. આ ટેસ્ટ ઐતિહાસિક હતો. દુનિયાએ પહેલીવાર આવી વિધ્વંશક તાકાત જોઈ હતી. તેની સફળતાથી ઓપનહેઈમરને તત્કાળ બોમ્બની અસલી તાકાતની ખબર પડી ગઈ હતી. આ ટેસ્ટ સંદર્ભમાં, 1961માં એક ઇન્ટરવ્યૂમાં તેની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો, ઓપનહેઈમરે ગીતાનો એક શ્લોકને ટાંકીને કહ્યું હતું :

“મને હિંદુ શાસ્ત્ર ભગવદ્ ગીતાની એ પંક્તિ યાદ આવે છે જ્યારે વિષ્ણુ રાજકુમાર(અર્જુન)ને મનાવાની કોશિશ કરી રહ્યા છે કે એ તેનું કર્તવ્ય નિભાવે, અને તેને પ્રભાવિત કરવા માટે બહુ-સશસ્ત્ર રૂપ ધારણ કરીને કહે છે – ‘હવે હું મૃત્યુ બની ગયો છું, સંસારને નાશ કરવા વાળો.’ મને લાગે છે કે આપણને સૌને કોઈને કોઈ રીતે આ વિચાર આવતો હોય છે.”

જાપાનની તબાહી જોયા પછી ઓપનહેઈમર શાંતિવાદી બની ગયો હતો અને બોમ્બના નિર્માણને નિયંત્રિત કરવાની વકાલત કરવા લાગ્યો હતો. ઓપનહેઈમરને માણસની આ નિર્દયી તાકાતનો અહેસાસ હતો. 1946માં જ તેણે કહ્યું હતું, “મેનહટન પ્રોજેક્ટ પૂરો થયો ત્યારે, અમને પ્રોમેથિયસની દંતકથાનો, માણસે શોધેલી નવી શક્તિના અપરાધબોધનો અહેસાસ થયો હતો.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પડછાયો

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Opinion|28 May 2023

સ્ટેશન આવતાં ટ્રેઇનમાંથી ઊતરીને સૌ પોતપોતાના સ્થાને જવા રવાના થાય છે. હું પણ આ સૌમાંનો એક છું.

બહાર રસ્તા પર આવીને જોઉં છું તો બધું સુમસામ દેખાય છે, ક્યાંય કશી હલચલ નથી, ક્યાંય કોઈ દેખાતું નથી. ટ્રેઇનમાંથી મારી સાથે ઊતરેલા બીજા પ્રવાસીઓ અચાનક ક્યાં અદૃશ્ય થઈ ગયા?

“નહીં કોઈ પ્રાણી ગિરિમહીં હજી જાગ્રત દિસે” એ પંક્તિ અનાયાસે યાદ આવી જાય છે. પણ આ તો શહેર છે, ગિરિ નથી, તેની શું શહેરને જાણ નહીં હોય? 

થોડું આગળ જતાં – અને હજી હું એકલો જ છું – એક રમતગમતનું મેદાન આવે છે. હા, ત્યાં બાળકો રમતા લાગે છે, પણ પાસે જઈને જોઉં છું તો ત્યાં પણ કશી હલચલ નથી; બાળકો તેમની રમતના જે તબક્કામાં હતા તેમાં જ સ્થિર થઈ ગયા છે. આ તે કેવું કૌતુક!

એક બસ ઊભેલી જોઉં છું. તેમાં ડ્રાઈવર, કન્ડક્ટર, પ્રવાસીઓ છે, પણ ચિત્રમાં દોર્યા હોય તેવા, તદ્દન ગતિવિહીન. 

નજીકના એક થિએટરમાં નજર કરું છું. ત્યાં પણ લોકો દેખાયા, પણ જાણે પૂતળા; હલનચલન જ નહીં! એટલું જ નહીં, પડદા પરનું દૃશ્ય પણ freeze frame બનીને જડાઈ ગયું છે. 

મૂંઝાઈને થિએટરમાંથી બહાર નીકળું છું અને ફરી ચાલવા માંડું છું, અને ત્યાં બીજું કૌતુક બને છે: થોડે દૂર કશી હલચલ થતી જણાય છે. એ ઘટનાનો પર પામવા હું મારી ઝડપ વધારું છું, ત્યાં જ ઓચિંતું મારું ધ્યાન પડે છે કે મારો પડછાયો જ મારી સાથે નથી!

હું ચમકું છું, અને આ સુમસામ, વેરાન, છેતરામણા નગરમાં, બીજી બધી વસ્તુઓની ખોળ છોડી દઈને મારા પડછાયાની શોધમાં નીકળી પડું છું.

———————————————— 

e.mail : surendrabhimani@gmail.com

Loading

...102030...993994995996...1,0001,0101,020...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved