Opinion Magazine
Number of visits: 9667092
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે દેખાય છે એ સત્ય નથી હોતું

રમેશ ઓઝા|Opinion - Opinion|17 September 2023

રમેશ ઓઝા

સરકારમાં ઉચ્ચ સ્થાને કામ કરી ચુકેલા અધિકારીઓનાં સંસ્મરણો મજેદાર હોય છે. તેઓ નિવૃત્ત થઈ ગયા હોય અને જેની સાથે તેમણે કામ કર્યું હોય, એ સ્વર્ગવાસી થઈ ગયા હોય એટલે તેઓ ડર્યા વિના જે તે શાસકોની સમજદારી (કે બેવકૂફી), કાર્યશૈલી, તેમનાં વળગણો વગેરે વિષે લખી જતા હોય છે. જેમ કે અટલ બિહારી વાજપેયી વિષે હવે જાણવા મળી રહ્યું છે કે તેમને વાંચવાનો અને વિગતોમાં ઊંડા ઉતરવામાં કંટાળો આવતો હતો. તેમના અંગત મિત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા પર તેમનો ભરોસો હતો. જ્યારે પણ કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય કે દસ્તાવેજ પર સહી કરવાની હોય ત્યારે તેઓ બ્રજેશ મિશ્રાની સલાહ લેતા કે આ બાબતે શું કરવું? સહી કરતા પહેલાં તેઓ બ્રજેશ મિશ્રાને પૂછતા : “પંડિતજી જેલ મેં તો નહીં જાના પડેગા ને?” બ્રજેશ મિશ્રા જ્યારે કહે કે મેં બધી બાબતોનો અભ્યાસ કરી લીધો છે અને સહી કરવામાં કોઈ જોખમ નથી ત્યારે તેઓ સહી કરતા. પણ આ જ કવિહ્રદયી અટલ બિહારી વાજપેયી પક્ષ અંતર્ગત રાજકીય કાવાદાવામાં અને હરીફોને હાંસિયામાં ધકેલવામાં સૌથી વધુ ચતુર અને દક્ષ હતા.

ભારતની વિદેશ સેવામાં કામ કરી ચુકેલા ચિન્મય ઘારેખાનનાં સંસ્મરણોનું પુસ્તક ‘સેન્ટર્સ ઑફ પાવર; માય યર્સ ઇન ધ પ્રાઈમ મિનીસ્ટર્સ ઑફિસ ઍન્ડ સિક્યુરિટી કાઉન્સિલ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે અને તેમણે પી.એમ.ઓ.માં કામ કર્યું હોવાથી દેખીતી રીતે મહત્ત્વનું છે. તેમની પી.એમ.ઓ.માં એ સમયે નિમણૂક થઈ હતી જ્યારે ઇન્દિરા ગાંધીનાં વડાં પ્રધાન તરીકેનાં છેલ્લાં વર્ષો હતાં અને ભારતમાં તેમ જ દુનિયામાં અનેક પ્રકારની નવાજૂની થઈ રહી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને તેમની જગ્યાએ રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ચિન્મય ઘારેખાને તેમની સાથે પણ કામ કર્યું હતું. અહીં એક વાત નોંધવી જોઈએ. તેમને જ્યારે પી.એમ.ઓ.માં ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારે તેઓ થોડા નર્વસ હતા. ઇન્દિરા ગાંધીની ઈમેજ દૃઢ સંકલ્પધારી ટફ વ્યક્તિ તરીકેની હતી. તેમણે એ સમયના વિદેશ સચિવ એસ.કે. સિંહની સલાહ લીધી કે પી.એમ.ઓ.માં મારે મેડમની નારાજગીનો ભોગ ન બનવું પડે અને ટકી રહેવા માટે શું કરવું જોઈએ? તેમણે માત્ર ચાર શબ્દોમાં સલાહ આપી : બી વ્હોટ યુ આર.

બી વ્હોટ યુ આર. ચિન્મય ઘારેખાનનાં પી.એમ.ઓ.માંનાં વર્ષોમાં તેમની બી વ્હોટ યુ આરવાળી ખુદવફાઇ જોવા મળે છે. તેમનામાં પ્રમાણિકતા, પારદર્શકતા અને સત્યનિષ્ઠા નજરે પડે છે. દેશહિતમાં વડા પ્રધાનને પણ જો ચેતવવાના હોય કે આગળ વધતા રોકવાના હોય તો તે કામ તેઓ કરતા. મોટાભાગે સિનિયરોની મદદ લઈને અને વ્યવસ્થિત રીતે દલીલો દ્વારા રજૂઆત કરીને. આમ કરવામાં જેની પણ મદદ લીધી હોય તેનો નામોલ્લેખ કરવામાં અને શ્રેય આપવામાં તેમણે કંજુસાઈ કરી નથી. નિવૃત્તિ પછીના લાભો માટે હામાં હા મેળવતા કે ખુશામત કરતા તેમને આવડતું નથી.

એક ઘટના (એક ઘટના નહીં, આમ તો ઘટનાઓની શ્રુંખલા) અહીં નોધવા જેવી છે. રાજીવ ગાંધી ૧૯૮૪ના અંતમાં ભારતના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન બન્યા પછી તેમણે તેમના પહેલા જ પ્રવચનમાં કહ્યું કે ભારત આધુનિકતાનો માર્ગ અપનાવશે અને વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ૨૧મી સદીમાં વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન બનાવવા પ્રયત્ન કરશે વગેરે. રાજીવ ગાંધીએ આધુનિકતાની, વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવવાની, કોમ્પુટરાઈઝેશનની વાત અનેક પ્રસંગે અનેકવાર દોહરાવી હતી.

રાજીવ ગાંધીનાં વક્તવ્યો પરથી અમેરિકનોને લાગ્યું કે ભારતને રશિયાની પાંખમાંથી બહાર કાઢવાનો અને આપણી પાંખમાં લેવાનો અવસર આવી ગયો છે. રાજીવ ગાંધી યુવાન છે, યુવાનીવશ આધુનિકતાનું આકર્ષણ છે, ઉત્સાહી છે અને રાજકીય રીતે બિનઅનુભવી તેમ જ  અપરિપક્વ છે. ખાસ કરીને કોપ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન માટેની રાજીવ ગાંધીની ઘેલછાનો લાભ ઉઠાવવો જોઈએ. રશિયા આ બાબતે અમેરિકાથી ક્યાં ય પાછળ છે. અને પછી અમેરિકનોનાં ધાડાં દિલ્હી આવવા લાગ્યા. સત્તાવાર અને બિન સત્તાવાર એમ બન્ને પ્રકારનાં. આઇ.બી.એમ. જેવી કંપનીઓ માટે લોબિંગ કરનારા સેનેટરો અને કાઁગ્રેસમેન આવવા લાગ્યા. દરેકનો ઈરાદો રાજીવ ગાંધીને પલાળવાનો હતો. તેઓ રાજીવ ગાંધીનાં વખાણ કરતા થાકતા નહોતા. એક ભાઈએ કહ્યું કે ભારતને આઝાદી ભલે ચાર દાયકા પહેલાં મળી, પણ સૂર્યોદય તો હવે થઇ રહ્યો છે. ભારત આવતીકાલના વિશ્વમાં પ્રવેશી રહ્યું છે. અમેરિકન સેનેટર ચાર્લ્સ પર્સીએ રાજીવ ગાંધીને કહ્યું કે જો વડા પ્રધાન ઈચ્છતા હોય અને અનુમતી હોય તો તેઓ અહીંથી સીધા ઇસ્લામાબાદ જવા તૈયાર છે અને ત્યાં જનરલ ઝિયાને મળીને તેમને મોઢા પર કહી દેશે કે બહુ થયું, હવે ભારતના માર્ગમાં અવરોધ પેદા કરવાના નથી. પાકિસ્તાને નવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. તેમણે રાજીવ ગાંધીને અમેરિકાની મુલાકાતે આવવાનું કહ્યું અને એમ પણ કહ્યું કે તેમનું ત્યાં એવું ભવ્ય સ્વાગત કરવામાં આવશે કે આજ સુધી કોઈનું નહીં થયું હોય. પાકિસ્તાનને અને જગતને એ દ્વારા બતાવી આપવામાં આવશે કે ભારત અને રાજીવ ગાંધી અમેરિકા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.

રાજીવ ગાંધીને થયું કે જો અમેરિકા પાકિસ્તાનને ખખડાવીને સખણા રહેવાની સલાહ આપતું હોય તો અનુમતી આપવામાં શો વાંધો છે. તેમણે ત્યાં હાજર ઘારેખાન સામે જોયું અને ઘારેખાને હિન્દીમાં કહ્યું કે ભારત આ વિષે વિચારશે એમ કહીને પર્સીને રજા આપો. એ પછી ઘારેખાને અને ઘારેખાનના કહેવાથી બીજા અધિકારીઓએ રાજીવ ગાંધીને સલાહ આપી કે આ અમેરિકાની રમત છે અને તેમાં પડવા જેવું નથી. રાજીવ ગાંધીને હજુ પણ એમ લાગતું હતું કે અમેરિકનો ભારત વતી પાકિસ્તાન ઉપર દબાવ લાવતા હોય અને ઠપકો આપતા હોય તો એમાં શું ખોટું છે? તેમણે ઘારેખાન અને બીજા અધિકારીઓને કહ્યું કે આ વિષે પી.વી. નરસિંહરાવ સાથે વાત કરો અને તેમનો શું અભિપ્રાય છે એ મને જણાવો. પી.વી. નરસિંહરાવે પણ સાવધાન રહેવાની સલાહ આપી અને એ વાત ત્યાં પૂરી થઈ. જો કે પૂરી નહોતી, અમેરિકન એલચી કચેરી વારંવાર ચાર્લ્સ પર્સીને ઇસ્લામાબાદ મોકલવાની અનુમતી માગતી હતી.

આના પરથી તમે કલ્પના કરી શકો છો કે દુનિયામાં વિદેશ વહેવાર કઈ રીતે ચાલે છે. જે તે નેતાની કમજોરી કે વળગણ નજરે પડે કે તરત તેનો ઉપયોગ કરવામાં આવે. જેને જે ગમે તે આપવાનું. કોઈને વખાણ ગમતાં હોય તો બેશુમાર વખાણ કરવાનાં, કોઈને આધુનિક ટેકનોલોજીનું વળગણ હોય તો તેનો મારો કરવાનો, જેવો ઘરાક. માટે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે દેખાય છે એ સત્ય નથી હોતું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 સપ્ટેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—214

દીપક મહેતા|Opinion - Opinion|16 September 2023

ચાલીસ વરસ ચીનમાં રહેનાર રતનજી વાછાએ લખ્યો મુંબઈ વિષે ૮00 પાનાંનો ગ્રંથ   

બનાજી લીમજી અગિયારી : મુંબઈની જૂનામાં જૂની અગિયારી

સ્થળ : કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટ પર આવેલી બનાજી લીમજી અગિયારી.

પાત્રો : રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ. 

બનાજી લીમજી અગિયારી

દી.મ. : પધારો વાછાશેઠ. બનાજી લીમજી અગિયારીના ઓટલે આપને આવકારું છું. પણ મને એક સવાલ થાય છે, મળવા માટે આપે આ જગ્યા કેમ પસંદ કરી?

વાછા શેઠ : કારણ એ કે આય બનાજી લીમજી અગિયારી તે મુંબઈ શહેરની જૂનામાં જૂની અગિયારી છે. છેક ઈ.સ. ૧૭૦૯ના ડિસેમ્બરની ૧૫મી તારીખે બનાજી શેઠે પોતે બંધાવેલી આ અગિયારી પોતે જ પરઠાવી હતી. તેની બાજુમાં ૮૪ ઝાડવાળી એક વાડી હુતી. તેની માલેકી કેપ્ટન જોન ટેલરની હુતી. પણ ૧૭૧૦ના ઓક્ટોબરની ૨૪મી તારીખે સરકારે એ જાગો લીલામમાં વેચવા કાઢી હુતી. પોતાના ભાઈ નવરોજજીના નામ પર બનાજીશેઠે ૩૨૮ રૂપિયા, આઠ આના અને આઠ પૈની ગંજાવર રકમ આપી તે ખરીદી લીધી હુતી. પછી તો ધીમે ધીમે એ વાડીની જગોએ પારસીઓનાં મકાન બંધાયાં. રસ્તો બનિયો. આજે બી એ રસ્તો બનાજી સ્ટ્રીટ તરીકે ઓળખાય છે.

દી.મ. : એટલે આપણે જેની બહાર બેઠા છીએ તે ઈમારત ૩૦૦ વરસ કરતાં વધુ જૂની છે?

વાછ શેઠ : હા જી, ૩૧૪ વરસ જૂની. આજે મુંબઈમાં આટલી જૂની ઇમારત બીજી કોઈ ભાગ્યે જ હશે.

દી. મ. : પણ એક વાત નથી સમજાતી. આ અગિયારી બહારથી જોતાં તેની બાંધણી કિલ્લા જેવી કેમ લાગે છે?

વાછા શેઠ : અંગ્રેજોની પહેલાં અહીં કોનું રાજ હુતું? પોર્તુગીઝોનું. અને એ લોક બીજા ધરમનાં થાનકો તોડવા માટે નામીચા હુતા. એટલે કદાચ આવી બાંધણી કરી હોસે.

દી.મ. : વાછા શેઠ! હવે થોડી વાત તમારે વિષે કરીએ. ગુજરાતથી આવીને જે પારસી ખાનદાનો મુંબઈમાં વસ્યાં તેમાંનાં જૂનામાં જૂનાં ખાનદાનોમાંનું એક તે આપનું વાછા ખાનદાન.

વાછા શેઠ : તમારી વાત સાચી છે મહેતા. અમે મૂળે નવસારીના. અમારા વડવાઓના વંશમાં ત્રીજા તે વાછા શેઠ. એવનના નામ પરથી જ અમારું ખાનદાન પછીથી ઓળખાયું. અમારો બાપીકો ધંધો થેપાડું વણવાનો.

દી.મ. : થેપાડું એટલે?

વાછા શેઠ : એટલે જાડું કાપડ. મરદો અને ઓરતો, બંને એ કમરની નીચે પહેરે. એટલે કે ધંધે અમે મૂળ વણકર. વાછા શેઠના બેટા મેહેરજીનો જનમ ઈ.સ. ૧૬૫૧માં, બેહસ્તનશીન થયા ૧૭૧૦માં. તેમનો બી ધંધો તો વણકરનો અને રહેણાક નવસારી, પણ વણેલું કાપડ લઈને એવન એ વેચવા ઈ.સ. ૧૬૭૬માં પહેલી વાર મુંબઈ આવિયા, અને તે પછી બી નવસારીથી મુંબઈના આંટાફેરા કરતા. એટલે કે ૧૬૭૬થી અમારું ખાનદાન આય શહેર સાથે જોડાયું. મેહેરજી શેઠના બેટા માણેકજી, તેમના બેટા જમશેદજી, અને તેમના બેટા જીજીભાઈએ પણ આય રીતે મુંબઈના આંટાફેરા કરવાનું ચાલુ રાખ્યું હુતું. પણ જીજીભાઈના બેટા એદલજી શેઠ જરા જૂદી માટીના નીકળ્યા. ના એવનને ખાનદાની વણકરનો ધંધો કબૂલ હુતો, ના નવસારીમાં રહેવાનું પસંદ હુતું. એટલે જીજીભાઈ અને એદલજી વચ્ચે મોટો ટંટો થિયો. જીજીભાઈએ ઘર છોડ્યું, નવસારી છોડ્યું, અને આવી વસ્યા મુંબઈ. એ વરસ હુતું ઈ.સ. ૧૭૬૩નું. ત્યારથી અમારું ખાનદાન મુંબઈનું બનિયું.

દી.મ. : પણ આપ તો ઘણાં બધાં વરસ મુંબઈથી જ નહિ, હિન્દુસ્તાનથી પણ દૂર રહ્યા.

વાછા શેઠ : હા જી. વેપાર માટે મેં પૂરાં ચાલીસ વરસ ચીનમાં ગુજાર્યાં.

દી.મ. : શાનો વેપાર?

વાછા શેઠ : જુઓ મહેતા! ૧૯મી સદીમાં ચીન સાથેના પારસીઓના વેપારની વાત આવે એટલે સમજવાનું કે અફીણનો વેપાર. ચીન મોકલવા માટે પૂર્વ હિન્દુસ્તાનમાં ખાસ અફીણ ઉગાડવા માટે એ વખતની અંગ્રેજ સરકાર મદદ કરતી. અહીંથી અફીણ ચીન જાય અને ત્યાંથી રેશમી કાપડ, ચા, તેજાના વગેરે હિન્દુસ્તાન આવે. કારણ ચીનના બાદશાહે એવો હુકુમ કરેલો કે જેટલું અફીણ ચીનમાં આવે એટલી રકમનો ચીની માલસામાન ચીનથી પરદેશ જવો જોઈએ. જો કે એમાં બી વેપારીઓ ઘણી વાર દોંગાઈ કરતા. અફીણ ચીન જાય ખરેખર, પણ ચીની માલસામાન આવે ફક્ત કાગળ પર.

દી.મ. : અને સાંભળ્યું છે કે ચીન અને બ્રિટન વચ્ચે ‘ઓપિયમ વોર’ પણ થયેલી.

વાછા શેઠ : સાવ સાચું. અને એ ઓપિયમ વોર મેં નજરોનજર જોયેલી.

દી.મ. : એટલે એ વખતે આપ ચીનમાં હતા?

વાછા શેઠ : હા, બાવા!  અને એક નહિ, બે ઓપિયમ વોર થયેલી.

દી.મ. : પણ કારણ? 

બે અફીણી ચીનાઓ 

ચીનના બાદશાહને અંગ્રેજનો હુકમ: તમારે અફીણ ખરીદવું જ પડશે

વાછા શેઠ : કારણ ચીની બાદશાના ધ્યાનમાં એ વાત વસી ગઈ કે પરદેશથી આવેલું આ ઓપિયમ દેશના લોકોની પાયમાલી કરે છે. એટલે ગોદામો પર છાપા મારી જેટલું અફીણ જ્યાંથી બી મલિયું તે જપ્ત કરી તેનો જાહેરમાં નાશ કીધો. પછી જાહેરાત કીધી કે હવે પછી કોઈની બી પાસેથી અફીણ મલી આવસે તો તેને સજા એ મૌત ફરમાવવામાં આવસે. આથી બ્રિટિશ સરકાર ચોંકી ઊઠી અને કહ્યું કે બ્રિટન અને ચીન વચ્ચે ‘મુક્ત વેપાર’ અંગેનો કરાર છે તેનો ભંગ થાય છે. પણ ચીની બાદશાહ માનિયા નહિ, એટલે પહેલી ઓપિયમ વોર ૧૮૩૯માં શુરુ થઈ અને ૧૮૪૨ સુધી ચાલી. ગ્રેટ બ્રિટને ૧૯ હજાર સૈનિકોની ફોજ ચીન સામે ઉતારી. એમાં પાંચ હજાર સૈનિકો હિન્દુસ્તાની લશ્કરના બી હુતા અને સિલોનના બે હજાર સૈનિક હુતા. ૩૭ વહાણોમાં આ બધો કાફલો પહોંચ્યો ચીન. બ્રિટનની આ જંગી સેના સામે ચીન ટકી શકે એમ હુતું જ નહિ. હાર્યું. બ્રિટિશ સરકારે હારેલા ચીન સાથે ‘ટ્રીટી ઓફ નાનકિંગ’ કરી. તેની જોગવાઈ પ્રમાણે ચીન-બ્રિટન વચ્ચેના ‘મુક્ત વેપાર’ને ચીને બહાલી આપી. જેમના ગોદામોમાંથી અફીણ જપ્ત કરેલું તેમને મોં-બદલો આપવાનું કબૂલ્યું, અને આ બધું ઓછું હોય તેમ હોંગકોંગનો ટાપુ અંગ્રેજોને સુપુર્દ કીધો. 

દી.મ. : ઓહોહો! એટલે કે હોંગકોંગ બ્રિટિશરોના હાથમાં આવ્યું તે આ ઓપિયમ વોરને કારણે!

એચ.એમ.એસ. કોર્નવોલિસ

વાછા શેઠ : હા. અને બીજી એક વાત કેહું. પહેલી ઓપિયમ વોર પછી ચીનના બાદશાહ અને બ્રિટિશ સરકાર વચ્ચેના કરાર પર જે સહી-સિક્કા થિયા તે ૧૮૪૨ના ઓગસ્ટની ૨૯મી તારીખે એચ.એમ.એસ. કોર્નવોલિસ નામના જહાજ પર. અને આ જહાજ બંધાયું હુતું આપણી આ મુંબઈમાં! સુરતથી આવીને મુંબઈમાં વહાણ બાંધકામનો પાયો નાખનાર લવજીભાઈ વાડિયાની કંપનીએ આ જહાજ મુંબઈમાં બાંધ્યું હુંતું અને ૧૮૧૩ના મે મહિનાની ૧૨મી તારીખે તેને તરતું મેલ્યું હુતું. સાગના લાકડાના બનેલા આ જહાજ પર ૭૪ તોપ ગોઠવેલી હુતી. વખત જતાં આ જહાજને લડાઈમાંથી બાકાત કરવામાં આવેલું. પણ બીજી જુદી જુદી રીતે તેનો ઉપયોગ થતો હુતો. છેક ૧૯૫૭માં તેને ભંગાર વાડે મોકલવામાં આવ્યું. 

દી.મ. : ચાલીસ વરસ ચીનમાં રહ્યા પછી આપ માદરે વતન પાછા આવ્યા? કારણ?

વાછા શેઠ : ચીન જવાનું કારણ વેપાર, અને પાછા આવવાનું કારણ બી વેપાર. બલકે વેપારમાં ગયેલી ખોટ. 

દી.મ. : વાછા શેઠ! આપ પોતે તો આ વાત નહિ કહો, પણ સાંભળ્યું છે કે ચીન હતા ત્યારે એક નેક અને પાક ઇન્સાન તરીકે આપની ઘણી આબરૂ હતી. હિસાબ-કિતાબમાં અને વેપારી આંટીઘૂંટીમાં પણ આપ માહેર હતા અને એટલે ઘણી વાર દેશી અને ચીની વેપારીઓ વચ્ચે ઝગડો થાય ત્યારે તેમાં લવાદ તરીકે કામ કરતા. આથી ચીની વેપારીઓ આપને મેન્ડેરિન, એટલે કે ન્યાયાધીશ તરીકે ઓળખતા.

વાછા શેઠ : જુઓ મહેતા. પેલા નરસી મહેતાએ ગાયું છે ને કે : 

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે. 

ખોદાયજીએ જે વખતે જે કામ કરાવિયું તે વખતે તે કામ કીધું. 

દી.મ. : પણ મુંબઈ આવ્યા પછી પણ આપે એક મોટું કામ કર્યું.

વાછા શેઠ : હું ભલે લાંબો વખટ ચીન રહ્યો, પણ મારી આ મુંબઈને હું ચાહતો હુતો. કેટકેટલાં ખાનદાનના કેટલા બધા નબીરાઓએ પસીનો પાડીને આય મુંબઈ શહેરનું ઘડતર કરેલું છે. એવા કેટલાક ખાનદાનોની વાતો, જેટલી મળી, જ્યાંથી બી મળી, તે બધી ભેગી કરીને મેં બનાવી ‘મુંબઈનો બહાર’ નામની ચોપડી. નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈને એ ૧૮૭૪માં બહાર પડી.

દી.મ. : વાછા શેઠ! નમનતાઈને સબબ તમે તેને ચોપડી કહો છો, પણ હકીકતમાં તો એ છે મોટા કદનાં ૮૦૦ જેટલાં પાનાંનો મોટો ગ્રંથ. અને એ પાછો પહેલો ભાગ. પણ મેં જેમને બી પૂછ્યું કે આ ગ્રંથનો બીજો ભાગ ક્યાં? તો કહે છે કે એ છપાયો જ નહોતો! એમ કેમ? 

વાછા શેઠ : એક ભાગ લખાયો અને છપાયો તે ખોદાયજીની મરજીથી. અને બીજો ભાગ લખાયો અને છપાયો નહિ એ બી ખોદાયજીની મરજીથી. તમે પેલો દુહો તો સમજ્યો હોસે :

સાઇઆ સે સબ કુછ હોત હૈ, બંદે સે કછુ નાહી.

રાઈ કો પરબત કરે, પરબત બાગે જ માહી.

દી.મ. : હા જી, સાંભળ્યો છે. અને આ દુહાને આધારે તો રમણભાઈ નીલકંઠે ‘રાઈનો પર્વત’ નામનું નાટક છેક ૧૯૧૩માં લખેલું. પણ આપે પંચાંગ પોથી નામનું એક પુસ્તક ૧૮૭૪માં છપાવેલું તે શું હતું?

વાછા શેઠ : એમાં ૧૨૫ વરસનું પંચાંગ કહેતાં કેલેન્ડર હુતું. સંવત ૧૮૦૧થી સંવત ૧૯૨૭ સુધીના વરસની હિંદુ, ઈસાઈ, પારસી, ઇસ્લામી, તથા ચિનાઈ તારીખો અને મહિનાઓના જુદા જુદા કોઠા એક બીજાને મુકાબલે મેળવીને મૂક્યા હતા. તથા આ બધી કાળગણનાની કેટલીક ખાસ બાબતો બી જણાવી હુતી. આય પુસ્તક છપાયું તે આગમ આપણા બીજા કોઈ પંચાંગમાં ચિનાઈ તારીખો આપેલ હુતી નૈ. 

દી.મ. : તમે તો નહિ બોલો પણ સાંભળ્યું છે કે આ પંચાંગ પોથીનાં હાથે લખેલાં લગભગ એક હજાર પાનાં તમે જાત્તે, પંડે, પોતે લખ્યાં હતાં. અને કહે છ કે આ આખી હસ્તપ્રતમાં ક્યાં ય એક પણ સુધારો કરેલો નહોતો. કે ક્યાં ય નહોતો એક પણ ડાઘ. આ હસ્તપ્રત ૧૯૩૨માં બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ને આપના વારસોએ ભેટ આપી હતી. 

વાછા શેઠ : ફરી મારે તો એ જ કહેવાનું : ખોદાયજીની મહેરબાની.

દી.મ. : વાછા શેઠ. આપના ‘મુંબઈનો બહાર’ ગ્રંથ વિષે ઘણી વાતો કરવાની બાકી રહી ગઈ છે. પણ તે હવે આવતા શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 16 સપ્ટેમ્બર 2023)

Loading

તોડબાજ પત્રકારો / એજેન્ડાધારી પત્રકારોને ‘પત્રકાર’ કહી શકાય?

રમેશ સવાણી|Opinion - Opinion|16 September 2023

રમેશ સવાણી

કોઈ પણ શહેર / તાલુકા મથકો ઉપર જાતજાતના ફરફરિયાં પ્રસિદ્ધ થાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં તે બિલકુલ અપ્રસ્તુત છે, છતાં એવાં ફરફરિયાં શા માટે પ્રસિદ્ધ થતાં હશે? કેટલાંક પત્રકારોએ પત્રકારત્વને તોડ કરવાનો ધંધો બનાવી દીધો છે. કેટલાંક પત્રકારો મહિલાઓના અપમૃત્યુની ઘટનાઓમાં તેમના પરિવારજનો પાસેથી તોડ કરતા હોય છે ! નાના ફરફરિયાના પત્રકારો જ તોડ કરે છે એવું નથી. ઝી ન્યૂઝના પત્રકાર સુધીર ચૌધરી; નવીન જિંદાલ પાસેથી 100 કરોડ રૂપિયાનો તોડ કરતા કેમેરામાં ઝડપાઈ ગયેલ તેથી 30 નવેમ્બર 2012ના રોજ તેને તિહાડ જેલવાસ કરવો પડ્યો હતો ! જો કે પાછળથી સમાધાન થતાં તે જેલમુક્ત બનેલ. નાનકડો કરનારા નાના પત્રકારોને સજા થાય પરંતુ ‘કોર્પોરેટ તોડ’ કરનાર પત્રકારો બચી જાય છે !

પત્રકાર તો ગાંધીજી હતા, ડો. આંબેડકર હતા. પરંતુ તેમનું પત્રકારત્વ સમાજને જાગૃત કરવા માટેનું હતું. હવે પત્રકારત્વ ‘સેવા’ માટેનું નથી રહ્યું, પરંતુ ‘મેવા’ માટેનું છે ! જો કે કેટલાંક સ્વતંત્ર પત્રકારો / સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ એવા છે જે લોકજાગૃતિનું કામ કરે છે. ગુજરાતમાં નવજીવન ન્યૂઝ / ડો. હરિ દેસાઈ લોકોને જગાડવાનું કામ કરે છે. હિન્દીમાં રવિશકુમાર / અશોક વાનખેડે / અજિત અંજુમ / સાક્ષી જોશી / અભિસાર શર્મા / પુણ્યપ્રસૂન બાજપાઈ / આરફા ખાનમ શેરવાની વગેરે સત્તાને સવાલ કરે છે, એટલે ‘સત્તા’ આ પત્રકારોને હેરાન કરવાની તક શોધ્યા કરે છે ! પત્રકાર સિદ્દીક કપ્પન જેવા કેટલાંક સાચા પત્રકારોને ખોટા કેસમાં જેલમાં પૂર્યા છે. મીડિયા હાઉસના માલિકો પર દબાણ લાવી કેટલાક પત્રકારોની નોકરી છીનવી લીધી છે. કેટલાંક સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ પર EDએ રેઈડ કરી છે. તો ગૌરી લંકેશ (5 સપ્ટેમ્બર 2017) / ગોવિંદ પાનસરે (20 ફેબ્રુઆરી 2015) / એમ. એમ.કલબુર્ગી (30 ઓગસ્ટ 2015 )/ નરેન્દ્ર ડાભોલકર (20 ઓગસ્ટ 2013) જેવા નિડર પત્રકારોની હત્યાઓ થઈ છે. રવિશકુમાર સત્તાને સવાલ પૂછતા હતા એટલે NDTVમાંથી તેમને હટાવવા અદાણીએ ન્યૂઝ ચેનલ જ ખરીદી લીધી ! સત્તાપક્ષનું IT Cell સ્વતંત્ર પત્રકારોને કાઁગ્રેસના એજન્ટ કહે છે !

2014 પછી ‘એજેન્ડાધારી પત્રકારત્વ’ ઉદય થયો છે ! સત્તાને સવાલ પૂછે તે ‘દેશદ્રોહી’ પત્રકાર અને વિપક્ષને સવાલ પૂછે તે રાષ્ટ્રવાદી / દેશભક્ત પત્રકાર ! કેટલાંક પત્રકારો ‘સત્તાના દલાલ’ તરીકે કામ કરે છે. તેમને ‘એજેન્ડાધારી પત્રકાર’ કહી શકાય. તેમની ખાસિયત એ છે કે તેઓ સત્તાને ક્યારે ય સવાલ કરતા નથી; માત્ર વિપક્ષને સવાલો કરે છે; ‘સત્તાની વાહવાહી’ કરે છે અને ‘વિપક્ષનું ચરિત્રહનન’ કરે છે. આવા પત્રકારોને ‘ગોદી પત્રકાર’ કહે છે. આવું પત્રકારત્વ ‘યલો જર્નાલિઝમ’નો જ ભાગ છે. વિપક્ષી ગઠબંધન-INDIAએ 14 સપ્ટેમ્બર 2023ના રોજ, ગોદી મીડિયાના 14 એંકરનો બહિષ્કાર કર્યો છે; તેમાં અર્ણબ ગોસ્વામી / સુધીર ચૌધરી / સુશાંત સિન્હા / રુબિકા લિયાકત / નાવિકા કુમાર / ચિત્રા ત્રિપાઠી / અમીશ દેવગણ / અમન ચોપડા / અદિતિ ત્યાગી / આનંદ નરસિમ્હન / અશોક શ્રીવાસ્તવ / ગૌરવ સાવંત / પ્રાચી પારાશર / શિવ અરુરનો સમાવેશ થાય છે. આ પત્રકારો નફરત / ધૃણા ફેલાવતી ડીબેટ કરનારા છે. આ પત્રકારો લોકજાગૃતિના બદલે લોકોને ગેરમાર્ગે દોરતાં હતાં; એટલે વિપક્ષી ગઠબંધને માત્ર આ એંકરોનો બહિષ્કાર કર્યો છે, ન્યૂઝ ચેનલનો બહિષ્કાર કરેલ નથી. સત્તાપક્ષની દલીલ છે કે આ તો અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ છે ! પરંતુ આ દલીલમાં તથ્ય નથી. કેમ કે વિપક્ષ પાસે સત્તા નથી કે તેઓ આવી તરાપ લગાવી શકે. જે નાગરિકોને આ એજન્ડાધારી પત્રકારો ગમતા હોય તે તેમને જોઈ શકે છે. વિપક્ષી ગઠબંધને માત્ર એટલું જ નક્કી કર્યુ છે કે સમાજમાં ધૃણા ફેલાવતી ડીબેટમાં અમે ભાગ નહીં લઈએ. વિપક્ષી ગઠબંધનનું આ પગલું આવકારદાયક છે. અદાણી / અંબાણી / કોર્પોરેટ હાઉસની માલિકીના મીડિયા સત્તાની આરતી ઊતારે છે, સ્તુતિ કરે છે અને વિપક્ષને સવાલ કર્યા કરે છે ! આશ્ચર્યની બાબત એ છે કે આ ગોદી પત્રકારો 2014 પહેલાં સત્તાને સવાલ કરતા હતા; પરંતુ 2014 બાદ સત્તાને સવાલ પૂછવાનું બંધ કરીને વિપક્ષને સવાલ પૂછવાનું તેમણે ચાલુ કરેલ છે ! ગોદી પત્રકારો એક જ ચિંતા કરે છે કે ‘અવતારી વડા પ્રધાન’નો વિકલ્પ કોણ?

સાચા સમાચારને અવગણીને સનસનાટી ફેલાવતા સમાચારને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે, સરક્યુલેશન / TRP (Television Rating Point or Target Rating Point) વધારવાના ઉદ્દેશ સાથે સમાચારો પ્રકાશિત કરવામાં આવે, કે તોડ કરવાના ઈરાદે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે, વાંચકોને-દર્શકોને લોભાવવા જુઠ્ઠા આક્ષેપો / Fake news રજૂ કરે તેને ‘Yellow Journalism-યલો જર્નાલિઝમ’ કહેવાય છે ! પરંતુ યલો જર્નાલિઝમ કરતાં પણ એજેન્ડાધારી પત્રકારત્વ ખતરનાક છે ! ફરફરિયાં વાળા પત્રકારો, અમુક લોકોને નુકસાન કરે છે, જ્યારે એજેન્ડાધારી પત્રકારો સત્તાપક્ષના ભષ્ટાચારને પ્રોત્સાહન આપે છે; લોકશાહીને / દેશને અસહ્ય નુકસાન કરે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...990991992993...1,0001,0101,020...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved