Opinion Magazine
Number of visits: 9457958
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વમાં કોઈ અર્થશાસ્ત્રીએ આર્થિક સંકટનો ઈલાજ બતાવ્યો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|1 June 2023

રમેશ ઓઝા

ચીનના સરમુખત્યાર શી ઝિંગપિંગે યુવાનોને સલાહ આપી છે કે યુવાનોએ અઘરી જિંદગી જીવતાં શીખવું જોઈએ. જિંદગી કયારે ય સરળ હોતી નથી. માર્ગમાં કાંકરા અને કાંટા પથરાયેલા હશે, અનેક અવરોધો અને પડકારો હશે વગેરે વગેરે. જિંદગીની ફિલસૂફી ડહોળ્યા પછી તેમણે છેવટે જે કહ્યું એ મહત્ત્વનું છે. તેમણે કહ્યું હતું કે જિંદગીની આકરી વાસ્તવિકતા સ્વીકારતા શીખવું જોઈએ અને કડવી ગોળી ખાતાં પણ શીખવું જોઈએ.

મુદ્દો આ છે. જિંદગીની ફિલસૂફી અને આજકાલ જેની ફેશન છે એ કહેવાતી પોઝિટિવ થીંકિંગ તો લોકો મૂંગા રહીને સહન કરતાં રહે એ માટેની છેતરપિંડી છે. આજે આટલા બધા બાવાઓ અને મોટીવેશનલ ગુરુ ફૂટી નીકળ્યા છે એનું કારણ છે અન્યાયી પ્રસ્થાપિત વ્યવસ્થા સામે લોકો વિરોધ ન કરે અને એ બને એટલો લાંબો સમય ટકી રહે. તેઓ સ્થાપિત હિતો માટે કામ કરે છે. 

ભારત વિશ્વગુરુ છે. આપણને કહેવામાં આવ્યું અને આપણામાંથી કેટલાકોએ માની પણ લીધું. એ કેટલાકને ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. જો તમે તેમને યાદ અપાવશો કે ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતના કેટલાંક રાજ્યોના વિદ્યાર્થીઓને પોતાને ત્યાંની યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવા સામે પ્રતિબંધ મૂક્યો છે અને તેમાં જેને મોડેલ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું એ ગુજરાતનો પણ સમાવેશ થાય છે તો તેઓ વિચારમાં નહીં પડી જાય, બીજી જ ક્ષણે તમને દેશદ્રોહી તરીકે ઓળખાવશે. આંખ તો નહીં જ ખોલે. તેમને વરવી વાસ્તવિકતાથી ભાગવું છે અને કોઈક પ્રકારની આભાસી દુનિયામાં લપાઈ જવું છે. નેતાઓ, બાવાઓ, મોટીવેશનલ ગુરુઓ, જી હજૂરી કરનારા ગોદી મીડિયા અને પૈસા લઈને કોઇને પણ પ્રમોટ કરવામાં શરમ કે સંકોચ નહીં અનુભવનારા કહેવાતા મહાનુભાવો પોતપોતાની રીતે લોકોને ક્લૉરોફોર્મ આપવાનું કામ કરે છે.

હવે તમે જેમાં ગુરુ છો એમાં ચીન મહાગુરુ છે. હકીકતમાં પ્રજાને પોઢાડી કેમ રખાય એ ચીને જ જગતને શીખવાડ્યું. ચીન મોડેલનાં આટલાં લક્ષણો છે : સૌ પહેલાં તો નાગરિકોનાં અધિકારોની તેમ જ શાસક તરીકેની મર્યાદા સભ્યતા વગેરેની ઐસીતૈસી કરીને તેને દબાવી રાખવાની. દરેક દેશવાસીઓના મનમાં ડર પેદા કરવાનો. નાગરિકના મનમાં આશા પેદા થાય તો એના જેવું રૂડું એકેય નહીં પણ જો કેટલાક બુદ્ધિશાળી નાગરિકોનાં મનમાં આશા પેદા ન થતી હોય તો ડર તો પેદા થવો જ જોઈએ. પ્રજાને મહાનતાનો અમલ પીવડાવવાનો. આપણે મહાન છીએ અને આ જગતમાં એવો કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે આપણી મહાનતાને નકારી શકે એવા હાકલા પડકારા કરવાના. એ પછી દરેકને ઊઘાડી રીતે નજરે પડે એવા મેગા પ્રોજેક્ટ કે ભવ્ય ઉપક્રમો હાથ ધરવાના. બુલેટ ટ્રેન, રિવર ફ્રન્ટ, કોરિડોર, બાહ્ય સુશોભિકરણ, મંદિર, ભવ્ય ઇમારતો વગેરે. લોકોને ચકાચોંધ રાખવાના. આ છે ચીન મોડેલ.

આપણે ત્યાં અને જગતના કેટલાક દેશોમાં જે આજે જોવા મળી રહ્યું છે એ ચીન ત્રણ દાયકાથી કરે છે. આ બાબતે ચીન વિશ્વગુરુ છે. રોલ મોડેલ છે. પણ અહીં એક બીજી વાત પણ સમજી લેવી જોઈએ. ચીને માત્ર આભાસી દુનિયા નથી બનાવી, વાસ્તવિક દુનિયા પણ બનાવી છે. ચીને ઔદ્યોગિક ઉત્પાદનમાં અને નિકાસમાં જગતમાં સહેજે આંબી ન શકાય એવું સ્થાન મેળવ્યું છે. ચીન વાસ્તવમાં જગતની આર્થિક મહાસત્તા છે. ચીને લશ્કરી તાકાત પણ હાંસલ કરી છે. આ વાસ્તવિક તાકાત છે, આભાસી નથી. તો આનો અર્થ એ થયો કે ચીની મોડેલ સાવ પ્રચાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોય એવું ખોખલું નથી. એનું એક નક્કર પાસું પણ છે.

તો વાત એમ છે કે ચીને વાસ્તવિક તાકાત અને આભાસી તાકાતની દુનિયા બનાવી હોવા છતાં અને એ બન્નેમાં ચીન જગતના કોઈ પણ દેશ કરતાં ત્રણ દાયકા આગળ હોવા છતાં શી ઝિંગપિંગે ચીની યુવાનોને કહેવું પડ્યું કે તેમણે આકરી વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ અને કડવી ગોળી ખાતાં પણ શીખવું જોઈએ. શા માટે? ૧૯૭૯માં ચીનમાં આર્થિક સુધારાઓ થયા એ પછી પહેલીવાર ચીનના શાસકે કહ્યું છે કે મુશ્કેલીનો સ્વીકાર કરો અને મુશ્કેલીની સાથે જીવતાં શીખો.

કારણ બહુ સ્પષ્ટ છે. ચીનનાં અર્થતંત્રનું ચરમ બિંદુ (સેચ્યુરેશન પોઈન્ટ) આવી ગયું છે. હવે ચીનનું અર્થતંત્ર નવી રોજગારી પેદા કરી શકે તેમ નથી અને જે છે તે રોબોટાઈઝેશન છીનવી રહી છે. આવું જ જગત આખામાં બની રહ્યું છે. યુવાનોને આપવા માટે કામ નથી. ક્યાં સુધી નકલી ગૌરવ(ફોલ્સ પ્રાઈડ)ના નામે તેમને નશામાં રાખી શકાય? એક દિવસ ધીરજ ખૂટે અને વિસ્ફોટ થાય એ પહેલાં યુવાનોને કહી દેવું જોઈએ કે બેરોજગારીની આકરી વાસ્તવિકતા સ્વીકારતા શીખો અને જે મળે એ કામ કરો. કામ ન મળે તો અભાવમાં જીવતાં શીખો. આમ કહેતા પહેલાં તેમણે યુવાનોને ઝોર કા ઝટકા ધીરે સે લગે એ માટે જિંદગીની ફિલસૂફી ડહોળી હતી.

થોડા દેશોને બાદ કરો તો આખા જગતની સ્થિતિ ચીન જેવી જ છે. ભારતની સ્થિતિ ચીન કરતાં જરા ય સારી નથી. રોજગારી ઉત્પન્ન કરી શકે એવું અર્થતંત્ર નથી અને ઉપરથી ટેકનોલોજીનો માર પડી રહ્યો છે. હાથ નવરા પડી રહ્યા છે અને એ નવરા હાથોમાં ક્યાં સુધી ઇલેક્ટ્રોનિક ગેજેટ પકડાવી રાખીને ધૂણાવતા રહેશો? ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. વિશ્વમાં કોઈ અર્થશાસ્ત્રીએ આજના આર્થિક સંકટનો ઈલાજ બતાવ્યો હોય એવું મારા જોવામાં આવ્યું નથી. ૨૦૧૪માં ૧૮ વરસના યુવાને જિંદગીમાં પહેલીવાર મતદાન કરીને નરેન્દ્ર મોદીએ બતાવેલાં સપનાનાં ભારતનો સ્વીકાર કર્યો હતો, તેને અનુમોદન આપ્યું હતું તેને આજે ૨૭ વરસની ઉંમરે શું હાથમાં આવ્યું એ વિષે વિચારવું જોઈએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 જૂન 2023

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૯) 

સુમન શાહ|Opinion - Literature|31 May 2023

સુમન શાહ

કુન્તકના અધ્યયન દરમ્યાન મને એમણે પ્રયોજેલી કેટલીક સંજ્ઞાઓ ખૂબ ગમી ગઈ : વક્રકવિવ્યાપાર. વૈદગ્ધ્યભંગીભણિતિ. શોભાતિશય. સહૃદયાહ્લાદકારી.

તદ્વિદાહ્લાદકારી.

યથાસ્થાને એ દરેકનું વિવરણ કરીશ.

એમણે પ્રયોજેલી સંજ્ઞા ‘વક્રકવિવ્યાપાર’ સમજીએ :

વ્યાપાર એટલે પ્રક્રિયા, અહીં, કાવ્યસર્જનની પ્રક્રિયા. એ વ્યાપાર વક્ર હોય છે. કુન્તક દર્શાવે છે કે એ વ્યાપારની વક્રતાના મુખ્યત્વે છ ભેદ છે, એટલે કે, પ્રકાર છે. દરેક પ્રકારમાં રહેલા વૈચિત્ર્યથી શોભતા બીજા અનેક પ્રભેદ છે, એટલે કે, પેટા પ્રકારો છે.

૧ : વર્ણવિન્યાસ વક્રતા : 

વર્ણ એટલે અક્ષરો. અક્ષરોનો વિન્યાસ એટલે, ગોઠવણી. આપણે બધા, ‘કાચના કબાટમાંથી કાચી કૅરી કાઢી કચુમ્બર કરો’ ઉક્તિના વર્ણવિન્યાસને જાણીએ છીએ. ‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’ કાવ્યપંક્તિમાં વર્ણવિન્યાસ માત્રચાતુરી નથી પણ કાવ્યવિકાસને ઉપકારક કલ્પન છે, આપણે એને માણીએ છીએ.

૨ : પદપૂર્વાર્ધ વક્રતા :

કુન્તકે દર્શાવેલો આ બીજો પ્રકાર છે. વ્યાકરણમાં ‘વર્ણ’ ‘પ્રકૃતિ’ કહેવાય છે. એને પ્રત્યય લાગે એટલે શબ્દ ‘પદ’ બને છે. પ્રકૃતિ + પ્રત્યય = પદ. સુબન્ત એટલે નામાદિ અને તિડ.ન્ત એટલે ધાતુ રૂપ પદોનો પૂર્વાર્ધ, અને તેની વક્રતા, તેનો બંકિમ વિન્યાસ, તે પદપૂર્વાર્ધ વક્રતા છે.

પદપૂર્વાર્ધ વક્રતા અનેક રીતે પ્રયોજાતી હોય છે,કુન્તકે ‘પર્યાયવક્રતા’   ‘ઉપચારવક્રતા’  ‘વિશેષણવક્તા’ વગેરે ઓછામાં ઓછા ૮-૯ પ્રકાર દર્શાવ્યા છે.

૩ : પ્રત્યયવક્રતા અથવા પ્રત્યયાશ્રિત વક્રતા :

વ્યાકરણમાં વર્ણવાયેલા સુપ્ કે તિડ.ન્ત પ્રત્યયોનો એટલે કે સ્થાનોનો ઉક્તિમાં આધાર લેવાયો હોય ત્યારે પ્રત્યયવક્રતા સંભવે છે. એના પણ કુન્તકે અનેક પ્રકારો દર્શાવ્યા છે, જેવા કે, ‘સંખ્યાવૈચિત્ર્ય-કૃત’, ‘કારકવૈચિત્ર્ય-કૃત’, ‘પુરુષવૈચિત્ર્ય-કૃત’, વગેરે.

૪ : વાક્યવિન્યાસવક્રતા :

આપણે જાણીએ છીએ કે પદપૂર્વાર્ધ = વર્ણ + પ્રત્યયથી સિદ્ધ પદસમુદાયનું એટલે કે શબ્દોનું વાક્ય બને છે. કહો કે, અવ્યય કારક વિશેષણ વગેરેથી યુક્ત ક્રિયા = આખ્યાતને વાક્ય કહેવાશે.

શ્લોક, મુક્તક કે કોઈપણ રૂપ-વાક્યોમાં આપણે આ વક્રોક્તિતત્ત્વ અનુભવતા હોઈએ છીએ. દેખીતી રીતે જ આ વક્રતા વર્ણવિન્યાસાદિથી ભિન્ન છે.

આ વાક્યવક્રતાના તો હજારો પ્રકાર હોઈ શકે છે, જેમાંથી, રૂપક વગેરે અનેકાનેક અર્થાલંકારો પ્રગટી શકે છે.

આ વક્રતાનો અન્તર્ભાવ વાક્યોના સમુદાયથી બનેલાં પ્રકરણોમાં અને પ્રકરણોના સમુદાયથી બનેલા પ્રબન્ધમાં હોય છે, અને તે અનુભવી શકાય છે. તેથી –

૫ : વક્રોક્તિનો પાંચમો પ્રકાર છે, પ્રકરણવક્રતા. અને –

૬ : વક્રોક્તિનો છઠ્ઠો પ્રકાર છે, પ્રબન્ધવક્રતા.

વક્રોક્તિના આ છ પ્રકારોમાં બધા જ અલંકારોનો અન્તર્ભાવ હોય છે, એટલે કે કોઈપણ અલંકારના ઘડતરમાં વક્રોક્તિ તત્ત્વ કે વક્રભાવ હોય છે. વર્ણવિન્યાસવક્રતા આદિથી શબ્દાલંકારો સરજાય છે, વાક્યવિન્યાસ આદિથી અર્થાલંકારો સરજાય છે.

પ્રકરણ કે કાવ્ય નાટક વગેરે પ્રબન્ધમાં રહેલા વક્ર ભાવને કુન્તક સહજ અને આહાર્યસુકુમાર કલ્પે છે. સહજ એટલે સરળ સ્વાભાવિક, અને જેમાં વ્યુત્પત્તિ = વિદ્વત્તાથી ઉપાર્જિત સુકુમારતા પ્રગટી હોય, તે આહાર્ય સુકુમાર.

મહાકવિઓનાં સર્જન, દાખલા તરીકે, “રામાયણ” “મહાભારત” મહાકાવ્યો અને “શાકુન્તલ” વગેરે નાટકોમાં રસિત વક્રભાવમાં તમામ વક્રોક્તિઓ, જરૂરિયાત પ્રમાણે, અનુસ્યૂત હોય છે. એમાં નિરૂપાયેલા મહાપુરુષો રામ રાવણ કૃષ્ણ કે દુષ્યન્તનાં વર્ણન ‘અતિ’ (રાવણ ‘દશાનન’ છે, ભૂજા ‘વીસ’ ધરાવે છે) એટલે કે, બઢાવેલાં-ચડાવેલાં, ઍરિસ્ટોટલે કહેલું એમ અથવા અન્યથા, ‘સમથિન્ગ ઍડેડ ઇન્ટુ રીયલ વન’ હોય છે. પણ તેથી જ એ કલા કહેવાય છે, આર્ટ.

પણ કુન્તક એમ કહે છે કે એ ‘અતિ’ માત્ર ‘અતિ’ નથી હોતાં, ખાલી હોવા ખાતર નથી હોતાં, પણ કવિઓએ એને, આમ કરાય અને આમ ન કરાય, એવા ઉપદેશ માટે, વિધિ-નિષેધ માટે, સરજ્યાં હોય છે. એમનાં પ્રબન્ધન એમ સૂચવે છે કે રામ જેવા થાઓ, રાવણ જેવા નહીં.

ઉપદેશની આ વાત આખરે, અસ્વીકાર્ય લાગે; પક્ષીલ પણ લાગે, કેમ કે, રાવણનું પાત્ર પણ મહાપુરુષનું છે…

પણ કુન્તક સાર એ ધરે છે કે આ સ્વરૂપે-પ્રકારે સંભવેલું કાવ્ય, સર્જન, સહૃદયાહ્લાદકારી શોભાતિશય હોય છે, અને તેનો વિશેષ, વક્રોક્તિ છે.

આ માણસ કુન્તક કોઈ મોટા ડર્મેટોલૉજિસ્ટની જેમ સપાટી પરની દેખીતી ત્વચાથી શરૂ કરીને એનાં પડ પછી પડ લગી અને નીચેના હાડકા સુધી અને જાણે બોનમૅરો લગી જઈ પ્હૉંચે છે. વર્ણથી પ્રબન્ધ લગીનું એમનું એ કૈશિકીવૃત્તિને – હૅઅરસ્પિલિટિન્ગ ઍનાલિસિસને – વરેલું વિશ્લેષણ-કૌશલ એ દરેકના સ્વરૂપને જાણે છે અને તેની સાથેના વક્રકવિવ્યાપારની વ્યાખ્યા કરે છે.

એ કારણે હું એમને કાવ્યદેહ અને તેની અંગાંગપરક રચના-સંરચનાના, ઍનેટૉમિના, જ્ઞાતા કહું છું.

 = = =

(05/31/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મિલ મઝદૂર : સિનેમાનો “પ્રેમ” અને સાહિત્યનો “ચંદ”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 May 2023

રાજ ગોસ્વામી

ધનપત રાય શ્રીવાસ્તવની કઠણાઈ 8 વર્ષની ઉંમરે જ શરૂ થઇ ગઈ હતી. તેણે હજુ ભણવાનું જ શરૂ કર્યું હતું ત્યાં તેની માતા આનંદી દેવી બીમારીમાં અવસાન પામી. તેના પિતા અજબ અલીએ બીજાં લગ્ન કર્યા અને ધનપતને દાદીના સહારે મુક્યો. થોડા વખત પછી દાદી પણ પરધામ સિધાવી ગઈ. ધનપત બાળપણમાં જ માતા-પિતાના પ્રેમથી વંચિત થઇ ગયો. એ 15 વર્ષનો થયો અને તેનાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં. તેને ભણવું હતું, પણ ત્યાં જ પિતાનું અવસાન થઇ ગયું. ધનપત પર સાવકા પરિવારની જવાબદારી આવી પડી. સાવકી માનો ત્રાસ સહન કરવો પડતો હતો તે અલગ જ દુઃખ હતું. તેણે ભણવાનું છોડી દીધું. મહિનાના પાંચ રૂપિયાના પગારે તેને એક ટ્યુશન મળ્યું. ત્રણ વર્ષ પછી, એક સરકારી સ્કૂલમાં મદદનીશ શિક્ષકની નોકરી મળી. 

શિક્ષકની નોકરીમાં પ્રગતિ થતી રહી, પણ ઘરમાં અણગમતી પત્ની અને સાવકી માતા સાથે ઝઘડામાં પણ “વિકાસ” થતો રહ્યો. એકવાર પત્નીએ ગળે ફાંસો લગાવ્યો પણ બચી ગઈ. ધનપતે તેને એટલો ઠપકો આપ્યો કે તે પિતાના ઘરે જતી રહી. ધનપતે તેને ફરી કયારે ય ન બોલાવી. એ પછી ધનપતે એક બાળ વિધવા સાથે લગ્ન કરી લીધાં. ધનપતે જિંદગીની ગાડીને ફરી પાટે ચઢાવા કોશિશ કરી. મામૂલી પગારે નોકરીમાં ટકી રહીને એણે કોલેજનું ભણતર પૂરું કર્યું. સાથે વાર્તાઓ લખવાનો શોખ પોષ્યો. તે પછી સ્કૂલોના ડેપ્યુટી ઇન્સ્પેકટરની નોકરી મળી, પણ ત્યાં સરકારી નોકરીઓના બહિષ્કારનું ગાંધીજીનું આહ્વાન આવી પડ્યું. ધનપત આમે ય નોકરીઓમાં થાક્યો હતો. પત્નીએ સંમતિ આપી એટલે છોડી દીધી.

ધનપતે હવે લખીને જ જીવવાનું નક્કી કર્યું, અને બનારસમાં પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કર્યો. લખીને કમાણી આજે ય થતી નથી, તો 40ના દાયકામાં ક્યાંથી થાય! લખીને ચાર પૈસા કમાવાની ફિરાકમાં ધનપત મુંબઈ આવ્યો. સાંભળ્યું હતું કે મુંબઈમાં ફિલ્મવાળાઓ લખવાના સારા એવા પૈસા આપે છે. વાત તો સાચી હતી. અજંતા સિનેટોન નામની એક ફિલ્મ કંપનીએ મહિને 8,000 રુપિયાના પગારે સ્ક્રીપ્ટ લખવાની નોકરી આપી. બનારસ પાસેના લખમી ગામમાં દારુણ ગરીબીમાં પેદા થયેલા અને મામૂલી નોકરી માટે થઈને કાનપુર, ગોરખપુર અને બનારસ ફરતા રહેલા ધનપત માટે 8 હજાર રૂપિયા શાહી રકમ હતી. ધનપતને સિનેમામાં કોઈ રસ નહોતો, પણ પૈસા એટલા મળતા હતા કે ના પાડી શકાય તેમ નહોતી. તેણે એક વર્ષના કરાર પર અજંતામાં નોકરી લીધી.

હૈદરાબાદ(પાકિસ્તાન)ના એક સિંધી સાહસિક મોહન દયારામ ભવનાનીએ 1933માં અજંતા સિનેટોનની સ્થાપના કરી હતી. આ મોહન 1924માં માન્ચેસ્ટર (ઇંગ્લેન્ડ) જઈને ફોટોગ્રાફીની ટેકનોલોજીનું ભણ્યો હતો અને પછી જર્મનીમાં ફિલ્મ નિર્માણ શીખી આવ્યો હતો. ત્યાંથી પાછા આવીને મોહને દ્વારકાદાસ સંપતના કોહિનૂર સ્ટુડીઓ માટે વીર બાલા” નામની ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. એ ફિલ્મ મારફતે તેણે હિન્દી સિનેમાની પહેલી ‘સેક્સ સિમ્બલ’ સુલોચનાની ભેટ આપી, જેનું અસલી નામ રૂબી માયર્સ હતું, જે યહૂદી એક્ટ્રેસ હતી. અજંતા સિનેટોનના બેનર હેઠળ મોહને ધનપતની ભેટ આપી.

31 મે 1934ના રોજ ધનપત રાય શ્રીવાસ્તવ મુંબઈ આવ્યો અને દાદર વિસ્તારમાં ઘર ભાડે લીધું. ફિલ્મ સ્ક્રીપ રાઈટરની નવી નોકરીમાં તેણે જે પહેલી ફિલ્મ લખી, તેનું નામ હતું “મિલ મઝદૂર.” ફિલ્મનું નિર્દેશન મોહન ભવનાનીએ કર્યું હતું. તેમાં મિલ માલિકની દીકરી પદ્માની ભૂમિકા 30ના દાયકાની સ્ટાર મિસ બિબો નામની એક્ટ્રેસે કરી હતી, જ્યારે તેના ભાઈ વિનોદની ભૂમિકા એસ.બી. નયમપલ્લીએ કરી હતી. મિલ માલિક ભાઈ-બહેનની સામે શિક્ષિત બેરોજગાર કૈલાશની ભૂમિકામાં હેન્ડસમ હિરો પી. જયરાજ હતો.

હિન્દી સિનેમાના ઇતિહાસમાં “મિલ મઝદૂર”નું નોંધપાત્ર સ્થાન છે. આ ફિલ્મ બની ત્યારે ભારતમાં ઉધોગના નામ પર કપડાંની મિલો ધમધમતી હતી. ગરીબ અને તવંગરની વ્યાખ્યા ત્યારે મિલ માલિક અને મિલ મઝદૂર તરીકે થતી હતી. શહેરીકરણની એ શરૂઆત હતી, કારણ કે બ્રિટિશરો તેને રહેવા લાયક બનાવ્યાં હતાં. ભારત એક ગરીબ દેશ હતો અને ગામડાંના લોકો સુખ-સુવિધાની શોધમાં શહેરો તરફ વળી રહ્યા હતા.

ગરીબી અને નિરક્ષરતા એટલી હતી કે મિલ માલિકો તેમનું શોષણ કરવામાં પાછા પડતા નહોતા. માલિકો અને મઝદૂરોના સંઘર્ષના એ દિવસો હતા. મુંબઈની મિલોની આ વાસ્તવિકતાનો આધાર લઈને “મિલ મઝદૂર” ફિલ્મને બનાવામાં આવી હતી. 1934માં આવી ફિલ્મ બનવી એ જ એક ઘટના છે, કારણ કે એ પહેલાં આવી ફિલ્મ બની નહોતી. આજની ભાષામાં, “મિલ મઝદૂર”ને અર્બન નક્સલોની પહેલી ફિલ્મ કહી શકાય.

ફિલ્મનો વિષય મોહન ભવનાનીએ પસંદ કર્યો હતો, અને ધનપત રાયે તેની રસપ્રદ વાર્તા બનાવી હતી.

ધ હંસરાજ મિલના માલિક શેઠ હંસરાજ, મિલની માલિકી તેમના દીકરા અને દીકરીને આપીને મૃત્યુ પામે છે. દીકરો વિનોદ શરાબી અને ઐયાશ છે, જ્યારે દીકરી પદ્મા ઉદાર અને સેવાભાવી છે. મિલના કામદારો વિનોદની જોહુકમીથી પરેશાન થઇ જાય છે. એક દિવસ પદ્માની ગાડી મિલમાં બહાર નીકળી હોય છે, ત્યાં દરવાજા પાસે એક યુવાન બેહોશ મળે છે. તે કૈલાશ છે અને નોકરી માટે ભટકી રહ્યો છે.

પદ્મા તેની સારવાર કરે છે અને મિલમાં નોકરી આપે છે. કૈલાશ મિલના હિંસક કામદારોની આગેવાની લે છે અને તેમને અહિંસક રહેવા મનાવે છે. કૈલાશના એ ગુણથી પદ્મા તેના તરફ આકર્ષાય છે. એક દિવસ કામદારો વિનોદના કારભારથી ત્રાસીને હડતાળ કરે છે. એમાં પદ્મા અંગત રીતે કામદારોને આર્થિક મદદ કરે છે. એમાં એક દિવસ પ્રશ્નો લઈને મળવા આવેલા કામદારો પર વિનોદ ગોળીબાર કરે છે. એમાં કૈલાશ પણ ઘાયલ થાય છે.

પોલીસ વિનોદની ધરપકડ કરે છે. તેને પાંચ વર્ષની જેલની સજા થાય છે. હવે મિલનું સંચાલન પદ્મા પાસે આવે છે. વિનોદની ઐયાશી અને હડતાળના કારણે મિલની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં કૈલાશની આગેવાનીમાં કામદારો ઓછા પગારે કામ કરવા તૈયાર થાય છે. થોડા દિવસ પછી મિલને એક મોટું ટેન્ડર મળે છે અને તે સ્થિતિ સુધારે છે. અંતે કૈલાશ અને પદ્માનાં લગ્ન થાય છે અને કામદારો બંનેને હર્ષથી વધાવી લે છે.

આજે આપણને આ ફિલ્મમાં કશું વાંધાજનક ના લાગે, પરંતુ 1935માં તે સેન્સર બોર્ડની મંજૂરી માટે ગઈ, તો બોર્ડના સભ્યોને ‘આઘાત’ લાગ્યો. મિલ માલિકો વિરોધી આવી ફિલ્મને કેવી રીતે મંજૂરી અપાય? આ તો કામદારો અને વહીવટીતંત્ર વચ્ચે દુ:શ્મની ઊભી કરે તેવી ફિલ્મ છે! બોર્ડના એક પારસી સભ્ય બેરામજી જીજીભોય મુંબઈના મિલ માલિકોના સંગઠનના અધ્યક્ષ હતા અને તેમને આ ફિલ્મ મિલ વિરોધી લાગી હતી.

ફિલ્મ પર મુંબઈમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તેને લાહોર, દિલ્હી અને લખનૌમાં પ્રદર્શિત કરવા દેવાઈ પણ થોડા જ દિવસમાં તેણે કામદારોમાં એવો ઉશ્કેરાટ ઊભો કર્યો કે તેને ત્યાં પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી. વિડંબના કેવી કે ફિલ્મ જોઇને સ્ક્રીન રાઈટર ધનપત રાયના બનારસ પ્રિન્ટીંગ પ્રેસના કામદારોએ પણ બાકી પગાર માટે હડતાળ કરી દીધી! ધનપતના મુંબઈનું સ્વપ્ન ચકનાચૂર થઇ ગયું. એક તો ફિલ્મ રિલીઝ ના થઇ, ઉપરથી પ્રિન્ટીંગ પ્રેસ બંધ થઇ ગયો. તેણે એક મિત્રને કાગળમાં લખ્યું હતું, “સિનેમાનો ધંધો દારુના ધંધા જેવો છે. લોકોને ખબર જ નથી કે સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય. મેં બહુ વિચાર કરીને આ દુનિયા છોડી દેવાનું નક્કી કર્યું છે.”

1935માં તેમણે મુંબઈ છોડીને પાછી બનારસની વાટ પકડી. કદાચ એ સારું જ થયું. તેમના જવાથી હિન્દી સિનેમાનું જે નુકસાન થયું, તેમાં ભારતીય સાહિત્યનો ફાયદો થયો. “મિલ મઝદૂર” ફિલ્મની પ્રિન્ટ તો હવે મળતી નથી, પણ તેના નિષ્ફળ સ્ક્રીન રાઈટર ધનપત રાય શ્રીવાસ્તવને આજે આપણે મુંશી પ્રેમચંદ તરીકે ઓળખીએ છીએ.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 31 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...989990991992...1,0001,0101,020...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved