Opinion Magazine
Number of visits: 9742357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે -34 : શું ‘એ.આઈ.’-ને ગ્રાન્ડ નૅરેટિવ ગણી શકીએ? 

સુમન શાહ|Opinion - Opinion|17 October 2023

ફ્રૅન્ચ ફિલસૂફ ઝાં-ફ્રાન્સ્વા લ્યોતાર એવો દાવો કરે છે કે આધુનિક સમયનાં ઍન્લાઇટન્મૅન્ટ, માર્ક્સિઝમ, અને ક્રિશ્ચ્યાનિટી વગેરે ગ્રાન્ડ નૅરેટિવ્ઝ અથવા મૅટાનૅરેટિવ્ઝ  – મહાવૃત્તાન્તો – આ પોસ્ટમૉડર્નિસ્ટ – અનુઆધુનિક – સમયમાં ઝાઝાં વિશ્વસનીય નથી રહ્યાં. એમનું મન્તવ્ય છે કે એ નૅરેટિવ્ઝ અત્રેતત્રે રજૂ ભલે થાય છે, પણ તે અતિ સરળ અને વિભાજનકારી છે તેમ જ માનવઅનુભવના વૈવિધ્યને લક્ષમાં નથી લઈ શકતાં, નિષ્ફળ જાય છે.

એ નિષ્ફળતામાં લ્યોતાર ટૅક્નોલૉજિકલ પ્રોગ્રેસને, અધિકૃત પરમ્પરાઓના પતનને તેમ જ અનેકવચનીય વિચારધારાઓના ઉદયને કારણભૂત ગણે છે.

મને એમની વિચારધારાના બે મુદ્દા અત્રે પ્રસ્તુત જણાયા છે :

એક મુદ્દો ભાષાનો છે. વૃત્તાન્ત, વાર્તા કે કથા, ભાષા દ્વારા કહેવાતાં હોય છે, એથી વિવિધ ભાષા-લીલા સંભવે છે, લૅન્ગ્વેજ ગેમ્સ. એને કારણે પણ મહાવૃત્તાન્તો સફળ નીવડવાની સંભવિતતા વધી જાય છે. જે તે જ્ઞાનક્ષેત્રમાં પ્રવર્તતાં વિધાનો ભાષાના નિયમોને અનુસરવાથી જનમ્યાં હોય છે. મતલબ, વૃત્તાન્તો ભાષાના નિયમન હેઠળ આવી ગયાં હોય છે. ભાષા પ્રયોજવાની અમુક નવી પદ્ધતિને કારણે જ્ઞાનમાં વૃદ્ધિ કરનારાં નવાં વિધાનો જનમે છે બલકે એ વિધાનોની કે તે વડે સૂચવાતાં સત્યની પ્રમાણભૂતતાનો પ્રશ્ન પણ નથી રહેતો.

લ્યોતારનું મન્તવ્ય છે કે અનુઆધુનિક સ્થિતિ-પરિસ્થિતિમાં આવી અનેકવિધ ભાષાલીલા જોવા મળે છે. એથી બે પરિણામો આવે છે, તમે એક સત્યની બીજા સત્ય જોડે તુલના નથી કરી શકતા, કેમ કે બન્ને સરખેસરખાં પૂર્ણ ભાસે છે, અને કોઇપણ સત્યને સાર્વત્રિક ઠેરવવાનું કે નહીં ઠેરવવાનું તમારા માટે કઠિન થઈ પડે છે.

એક મહત્ત્વનો મુદ્દો લ્યોતાર એ રજૂ કરે છે કે મહાવૃત્તાન્તોને સ્થાને સ્મૉલ કે માઇક્રો નૅરેટિવ્ઝની – લઘુ વૃત્તાન્તોની – રચનાઓ કરી શકાય છે, બહુવચનીય રીતની વિચારધારાઓ સરજી શકાય છે.

લઘુ વૃત્તાન્તની વિશેષતા એ છે કે માણસના જીવનની સુવ્યાપ્ત વાત કરવાને સ્થાને એ અવ્યાપ્ત અને મર્યાદિત વાત કરે છે; વિશ્વમાનવનની નહીં પણ માનવની વાર્તા માંડે છે, એ વાર્તા યુનિવર્સલ નહી પણ લોકલ હોય છે. ટૂંકમાં, એ આપણા વડે કહેવાતાં આપણા વિશેનાં આપણાં વૃત્તાન્ત હોય છે. એથી સીધી હેતુસિદ્ધિ થાય છે, એમાં ભાષિક વ્યાપારો ઝાઝા નથી હોતા. લ્યોતાર લઘુ વૃત્તાન્તોનું જરા જેટલું ય ઓછું મૂલ્ય નથી આંકતા.

“The Postmodern Condition : A Report on Knowledge” (Tr. by Geoff Bennington and Brian Massumi) -માં લ્યોતારે ગ્રાન્ડ નૅરેટિવ વિશે કરેલું આ વિધાન સુવિદિત છે :

A grand narrative is a totalizing narrative that provides a comprehensive and unified view of reality, and explains the meaning and purpose of human life. 

લ્યોતારનો આ ગ્રન્થ ફ્રૅન્ચમાં ૧૯૭૯-માં અને આ અનુવાદ ૧૯૮૪-માં પ્રકાશિત છે. તે દરમ્યાન, અને તે પછી, ‘એ.આઈ.’ નિરનન્તર વિકસતું રહ્યું છે. એ જોતાં, મને સવાલ થયો છે કે શું આપણે ‘એ.આઈ.’-ને ગ્રાન્ડ નૅરેટિવ ગણી શકીએ -?

‘એ.આઈ.’ મારી દૃષ્ટિએ ગ્રાન્ડ નૅરેટિવનાં ઘણાં લક્ષણો ધરાવે છે. ‘એ.આઈ.’ આપણે જોયું છે કે સર્વગ્રાહીતા અને સમ્પૂર્ણતાની દિશામાં ધપી રહ્યું છે. માનવજીવનની દૃશ્યમાન વાસ્તવિકતામાં એ એક અપૂર્વ અને અપ્રતિમ વાસ્તવિકતા રૂપે ઉમેરાઈ ગયું છે, ખાસ તો એ, વર્ચ્યુઅલ અને ઍકચ્યુલ રીયાલિટીઝ વચ્ચેના ભેદ ભૂંસી રહ્યું છે.

પરિણામે, માણસની ખાણીપીણી, પહેરવેશ, એકબીજા સાથેનો સંદેશાવ્યવહાર, વગેરે જીવનશૈલી ઘણી પ્રભાવિત થઈ રહી છે. જીવનના દરેક સંવિભાગમાં અવનવા સંકેતકો અને સંકેતાર્થો સરજાતા જાય છે, અને એ દિશામાં માણસ ખુશી ખુશી જઈ રહ્યો છે.

‘એ.આઈ.’ આજે વિશ્વને જોવાની નૂતન દૃષ્ટિ અર્પી રહ્યું છે. માણસ સહજોપલબ્ધિ અને સ્વાનુભવે વિશ્વને જોતો-પામતો હતો, પણ એની એ રીઢી ટેવને ડેટા અને ઑલ્ગોરીધમ્સથી ઘડાયેલી દૃષ્ટિમતિએ બદલી નાખી છે. ‘એ.આઈ.’ આપણી શારીરિક અને જ્ઞાનવિષયક મર્યાદાઓથી ઊભી થયેલી જીવનવિષયક રૂઢ સમજને પણ બદલી રહ્યું છે. સમાજની પણ નવરચના થઈ રહી છે. ઉદ્યોગો સાથેની પ્રવર્તમાન સિસ્ટમ્સમાં બદલાવ આવી ગયા છે; એને પરિણામે નૈપુણ્ય અને ઉત્પાદનોમાં વૃદ્ધિ થઈ રહી છે.

વધારે ચૉંકાવી મૂકે એવી હકીકત એ છે કે ‘લાર્જ લૅન્ગવેજ મૉડેલ્સ’ વિશ્વની અનેક ભાષાઓના ડેટા વડે તાલીમ પામી રહ્યાં છે. દાખલા તરીકે, GPT-3 ૧૭૫ બિલિયન શબ્દોના ડેટાસૅટથી તાલીમ પામી રહ્યું છે. એમાં ૨૦૦થી વધુ વિશ્વ ભાષાનાં પુસ્તકો, લેખો, કોડ્સ વગેરેનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, LaMDA ૧.૫૬ ટ્રિલિયન શબ્દોના ડેટાસૅટથી તાલીમ પામી રહ્યું છે. એમાં પણ દુનિયાભરની ૨૦૦ ભાષાઓની સામગ્રીનો સમાવેશ થાય છે.

એટલે સંચિત સાહિત્યો, ધર્મપરક વૃત્તાન્તો, પુરાણગાથાઓ, મહાત્માઓ અને મનીષીઓના ગ્રન્થો વગેરે માનવ-સંસ્કૃતિમાં સરજાયેલા તમામ ડેટાના નિર્મર્યાદ જથ્થાથી એ મૉડેલ્સ બળવાન બની રહ્યાં છે, તેના વિવિધ વિનિયોગ માટેનાં વિવિધ ઑલ્ગોરીધમ્સ વિકસી રહ્યા છે.

પરન્તુ, એને પરિણામે, સંસારમાં નવ્ય વિચારધારાઓ નહીં, પણ ટૅક્નોલૉજિઝ અને ટૅક્નોલૉજિઝને કારણે નવ્ય વસ્તુઓનો જ વસ્તુસંસાર વિસ્તરી રહ્યો છે.

વસ્તુઓ પાસે શબ્દાર્થો દેખીતું છે કે ગૌણ ભાસે. અને ‘એ.આઈ.’-ની સત્તાએ કરીને ભાષિક અર્થની ધૂંધળાશ ઘટી રહી છે, મનુષ્યજીવનના અર્થ કે હેતુ વિશેના પ્રશ્નોની તીવ્રતા પણ ઘટી રહી છે; એને સદ્દનસીબ ગણવું કે કમનસીબ એ પ્રશ્ન ઊભો રહે છે, પણ એ જુદી ચર્ચાનો વિષય છે.

આપણે કલ્પના કરીને વિચારવું જોઈશે કે એ સંજોગોમાં સાહિત્ય અને કલાઓનું શું સ્વરૂપ ઘડાયું હશે, ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ કેવુંક ઘડાયું હશે.

આ પછી, ‘ચાલો, હરારી પાસે’ લેખશ્રેણીનો અન્તિમ લેખ રજૂ કરીશ. 

= = =

(10/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મેક્સિકોના પોણિયા ઘઉંની ભારતમાં વિરાટ સિદ્ધિ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 October 2023

રાજ ગોસ્વામી

1965માં ભારતની વસ્તી 50 કરોડ હતી. તે વખતે દેશમાં ઘઉંનું ઉત્પાદન 1 કરોડ ટનની આસપાસ હતું. આજે ભારતની વસ્તી 140 કરોડની છે. દેશમાં આજે ઘઉંનું ઉત્પાદન 11.2 કરોડ ટન છે. આ બે અંતિમો વચ્ચે ભારતની એક એવી ક્રાંતિની વાર્તા છુપાયેલી છે, જે કદાચ ચંદ્ર પર અવતરણ કરવા કરતાં ય વધુ શાનદાર સિદ્ધિ છે. કેવી રીતે?

અંગ્રેજીમાં એક શબ્દ છે: હેન્ડ ટુ માઉથ. અર્થ થાય છે, જેટલું હાથમાં હોય એટલાથી જ પેટ ભરવું. જૂનાં જમાનામાં બ્રિટનમાં દુકાળ પડ્યો હતો, ત્યારે ભૂખ્યા લોકો જે અને જેટલું હાથે ચડ્યું તે સીધું મોઢામાં મૂકી દેતા હતા, ત્યારે તેને હેન્ડ ટુ માઉથ કહેવાતું હતું.

1990ના દાયકામાં, અટલ બિહારી વાજપેઈ અમેરિકામાં પ્રવાસી ભારતીયોના મેળાવડાઓને સંબોધિત કરવા જતા હતા, ત્યારે તેઓ 1965ના સમયને યાદ કરીને કહેતા હતા કે ભારત એક સમયે શીપ ટુ માઉથ પર જીવતું હતું. તે વખતે બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં એટલો ભયાનક દુકાળ પડ્યો હતો કે દેશમાં ધાન્યની ઉપજ ઘટી ગઈ હતી અને ખાધાન્યની કિંમતો વધી જતાં દેશમાં ભૂખમરો અને સ્થળાંતર શરૂ થયું હતું.

તે અછતને પહોંચી વળવા માટે અમેરિકાથી જહાજો ભરીને ઘઉંની મોટે પાયે આયાત કરવામાં આવતી હતી. સ્થિતિ એટલી ગંભીર હતી કે દેશનાં બંદરો પર ઠલવાતો ઘઉંનો એ જથ્થો સીધો જ ગામડાઓ અને શહેરોની વિતરણ વ્યવસ્થામાં જતો હતો, જેથી ભૂખ્યા લોકોને તાબડતોબ ધાન્ય મળે. શીપ ટુ માઉથ.

આપણે જેને ભારતની હરિત ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ, તે ખાદ્ય આત્મનિર્ભરતાની સિદ્ધિનું મૂળ 1965ના સમયમાં છે. વાજપેયી પ્રવાસી ભારતીયો સમક્ષ એ દિવસોને યાદ કરીને ગર્વથી કહેતા હતા કે એક સમયે જે ભારત અમેરિકા પાસે ખાદ્યની “ભીખ” માંગતું હતું તે આજે આત્મનિર્ભર છે એટલું જ નહીં, તે આજે બીજા ગરીબ દેશોની ભૂખ ભાંગવા માટે સૌથી વધુ અનાજ્રની નિકાસ કરે છે.

ભારતની આ અપ્રતિમ હરિત ક્રાંતિનું શ્રેય કૃષિ વિજ્ઞાની મનકોમ્બુ સંબાસિવન સ્વામીનાથન્‌ને જાય છે, જેમનું તાજેતરમાં 28મી સપ્ટેમ્બરના રોજ, 98 વર્ષની વયે અવસાન થયું. એમ.એસ. સ્વામીનાથન્‌ ન હોત, તો ભારત અનાજના સંકટમાંથી ઉભરીને આત્મનિર્ભર બની શક્યું ન હોત, તે કહેવામાં જરા ય અતિરેક નથી.

તમિલનાડુમાં જન્મેલા સ્વામીનાથને આઝાદી પહેલાં 1943-44માં બંગાળનો ભીષણ દુકાળ જોયો હતો અને તેમણે ખાદ્ય સુરક્ષા અને પછી પોષણ સુરક્ષાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવાનું નક્કી કર્યું હતું. 1961માં અપૂરતા વરસાદ અને ચીન સાથે યુદ્ધનાં પગલે દેશમાં અનાજની તંગીના આસાર નજર આવતા હતા.

સ્વામીનાથન્‌ ત્યારે વડા પ્રધાનના સલાહકાર હતા. તેઓ કૃષિ વિજ્ઞાનમાં ભણીને ભારત પરત ફર્યા હતા. તેઓ તે સમયથી જ દેશમાં નવી રીતે ખેતી કરવાની દિશામાં કામ કરી રહ્યા હતા, પરંતુ સરકાર સહિત ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો એ વાતના પક્ષમાં નહોતા. તેઓ 30 વર્ષના હતા, ત્યારે 1955માં તેમણે જાપાનના પ્રસિદ્ધ ઘઉં-વિજ્ઞાની હિતોશી કિહારાએ પ્રયોગ કરીને વિકસાવેલી નોરિન-10 નામની પોણિયા ઘઉંની નવી જાત વિશે અભ્યાસ કર્યો હતો. તેમને વિશ્વાસ હતો કે ભારતને પોણિયા ઘઉંની જરૂર છે, જેનું ઉત્પાદન વધુ થતું હતું.

જાપાન જ્યારે અમેરિકન સૈન્યના તાબા હેઠળ હતું, ત્યારે ઓરવિલે વોગેલ નામના એક અમેરિકન કૃષિ વિજ્ઞાની આ પોણિયા ઘઉંને અમેરિકા લઇ ગયા હતા, જ્યાં તેમણે સ્થાનિક ઘઉં સાથે તેને ક્રોસ કરીને “ગેઈનેસ” નામની વધુ સમૃદ્ધ જાત વિકસાવી હતી. સ્વામીનાથને આ વોગેલને વિનંતી કરી હતી કે તે તેમને ગેઈનેસનાં બીજ આપે. વોગેલે કહ્યું કે આ જાત શિયાળા માટે છે અને ભારતમાં કદાચ તે નહીં ઊગે.

તેમણે સ્વામીનાથનને કહ્યું  કે તમે મેક્સિકોના કૃષિ વિજ્ઞાની નોર્મન બોરલોગનો સંપર્ક કરો, જેમને મેં નોરિન-10નાં બીજ આપ્યાં છે. બોરલોગ તેને સ્થાનિક ઘઉં સાથે ક્રોસ કરીને વસંત ઋતુને માફક આવે તેવી નવી જાત મેક્સિકોમાં ઊગાડી હતી. સ્વામીનાથને બોરલોગને પત્ર લખ્યો અને ભારત સરકારના કૃષિ મંત્રાલયને પણ કહ્યું કે બોરલોગને ભારત બોલાવો અને ઘઉંની નવી જાત અંગે જાણકારી મેળવો. સરકારી બાબુઓએ એમાં જ ત્રણ વર્ષ કાઢી નાખ્યાં.

છેવટે, બોરલોગ 1963માં ભારત આવ્યા અને ઉત્તર ભારતની જમીન અને મોસમનો અભ્યાસ કર્યા પછી, ઉત્તર પ્રદેશમાં પંતનગર, કાનપુર, પંજાબમાં લુધિયાણા અને બિહારમાં પુસા ખાતે ઘઉંની ચાર મેક્સિકન જાતનાં 100 કિલો બીજ વાવવામાં આવ્યાં.

એનું પરિણામ ઉત્સાહજનક આવ્યું એટલે સ્વામીનાથને સરકારને કહ્યું કે હવે આનો પ્રયોગ અસલી ખેતરમાં કરવો જોઈએ. તે વખતે દેશમાં અનાજનું સંકટ ઘેરું થયું હતું અને લોકો શીપ ટુ માઉથ પર જીવતા હતા. પરિણામે, દિલ્હીના જૌન્તી ગામના ખેડૂતોએ પોણિયા ઘઉં વાવ્યા. પરિણામ? પ્રતિ હેક્ટર 4 ટન ઘઉંની લલણી થઇ. એ બે ઘણો પાક હતો. નવી જાતના ઘઉંની એ સફળતામાં, ભારતમાં અનાજના દુકાળનું સમાધાન છુપાયેલું હતું. એ સિઝનમાં, ભારતમાં હરિત ક્રાંતિનાં બીજ વવાયાં હતાં.

પછી તો બોરલોગના ઘઉંની ક્ષમતાને વેગ આપવા માટે, 1967માં પાકિસ્તાને મેક્સિકોમાંથી આશરે 42,000 ટન પોણિયા ઘઉંના બિયારણની આયાત કરી હતી, તુર્કીએ 22,000 ટન અને ભારતે 18,000 ટનની આયાત કરી હતી. તે સમયે કૃષિના ઇતિહાસમાં આ સૌથી મોટી બિયારણની ખરીદી હતી.

વિચાર કરો કે ભારતમાં 1968માં ઘઉંનું ઉત્પાદન વધીને 1.7 કરોડ ટન થયું, તો તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારે તે સિદ્ધિની ખુશીમાં “ઘઉં ક્રાંતિ” નામની વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

પાછળથી, આ સફળતા માટે સ્વામીનાથન્‌ને શ્રેય આપતાં નોર્મન બોરલોગ કહ્યું હતું, “આ કામનું મોટું શ્રેય સ્વામીનાથન્‌ને જાય છે કારણ કે તેમને જ મેક્સિકન પોણિયા ઘઉંનું મૂલ્ય સમજાયું હતું. તેમને જો એ ખ્યાલ ના આવ્યો હોત, એશિયામાં હરિત ક્રાંતિ થઇ ના હોત.”

જ્યારે 2009માં નોર્મન બોરલોગનું અવસાન થયું, ત્યારે એમ.એસ. સ્વામિનાથને શ્રદ્ધાંજલિને આપતાં તેમને “એક મહાન વૈજ્ઞાનિક અને માનવતાવાદી” ગણાવ્યા હતા.

વિશ્વનાં ભૂખ્યા રાષ્ટ્રોનું પેટ ભરવાની ક્રાંતિ બદલ 1970માં બોરલોગને નોબેલ શાંતિ પુરષ્કાર આપવામાં આવ્યો, ત્યારે તેની સ્વીકૃતિના ભાષણમાં તેમણે કહ્યું હતું, “એ વાત સાચી છે કે ભૂખ સામેની લડાઈમાં આપણો હાથ ઉપર છે … પરંતુ આપણે જો આત્મસંતુષ્ઠ થઈને બેસી જઈશું, તો પાસાં પલટાતાં વાર નહીં લાગે. પૂરતા ખાદ્ય પુરવઠા વગર આજની આપણી સંસ્કૃતિ ન તો વિકસી હોત કે ન તો ટકી હોત. સમાજિક ન્યાયની પહેલી શરત એ છે કે સમગ્ર  માનવજાત માટે પૂરતા પ્રમાણમાં ખાદ્ય હોવું જોઈએ.”

એ દિશામાં દુનિયાએ હજુ ઘણું કરવાનું બાકી છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 16 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘અગ્નિવીણા બાજાઓ’ – વિનોબા અને ટાગોર

સોનલ પરીખ|Gandhiana|17 October 2023

વિનોબાજી કહેતા, ‘એવી રીતે જોડાવું કે ક્ષણવારમાં મુક્ત થઈ શકાય.’ સ્થળ, કાળ કે વ્યક્તિનાં બંધનમાં વિનોબાજી બંધાયા નથી. કાર્યકરોને કહેતા કે કામ પણ બંધન ન બનવું જોઈએ અને સાધકોને પણ ચેતવતા કે જોજો, સાધનાનો આનંદ અને ગર્વ ક્યાંક બંધન ન બની જાય. 

ટાગોરે ગાયું છે, ‘અગ્નિવીણા બાજાઓ’ વિનોબાજી અગ્નિને શ્રમિકોની વેદના સુધી લઈ ગયા છે. ટાગોરનો મનોભાવ જુદો હોઈ શકે, પણ વિનોબાજીના અર્થઘટનની પણ એક અપીલ જરૂર છે.   

‘અગ્નિવીણા બાજાઓ તુમિ કેમન કરે, આકાશ કાંપે તારાર આલોર ગાનેર ઘોરે – તમે કેવી રીતે અગ્નિવીણા વગાડી કે આકાશ તારાઓના પ્રકાશગાનના ઘોર રવથી કંપી રહ્યું છે…’ આવી અદ્દભુત પંક્તિ ટાગોર સિવાય કોણ લખી શકે? પણ આચાર્ય વિનોબા ભાવે પોતાની આગવી શૈલીમાં આ કાવ્યનું રસદર્શન કરાવતા હોય એવું બની શકે? હા, એવું બન્યું છે. વિનોબાજી અગ્નિને શ્રમિકોની વેદના સુધી લઈ ગયા છે અને વહેંચીને ખાવાથી ભગવત-સ્પર્શ થશે, પીડા પીડા નહીં રહે એમ કહે છે. ટાગોરનો મનોભાવ જુદો હોઈ શકે, પણ વિનોબાજીના અર્થઘટનની પણ એક અપીલ જરૂર છે.

1962માં વિનોબાજીએ આસામમાં મૈત્રી આશ્રમ સ્થાપ્યો. એમાં કેટલોક વખત રોજ સાંજે કોઈ ટાગોરનું એક ગીત ગાય અને વિનોબાજી એને સમજાવે એવો ઉપક્રમ ચાલ્યો હતો. એ સમય સર્વોદય-ભૂદાન-ગ્રામદાનના જુવાળનો. એટલે વિનોબાજી ટાગોરનાં સૌંદર્યદર્શનમાં સર્વોદય પણ વણી લે.

કેવા હતા વિનોબા? મહાત્મા ગાંધીએ 25 વર્ષના વિનોબાને એક પત્રમાં લખેલું, ‘તમારો પ્રેમ અને ચરિત્ર મને મોહમાં ડુબાડી દે છે. તમારી ભક્તિ અને શ્રદ્ધા આંખમાં ખુશીનાં આંસુ આણે છે. હું એને લાયક હોઉં કે ન હોઉં, પણ તમને તે ફળશે જ. તમે મોટી સેવાનું નિમિત્ત બનશો …’ એની પણ પહેલાં 1917માં 22 વર્ષના વિનોબાને ગાંધીજીએ એમને ‘આશ્રમનાં દુર્લભ રત્નોમાંના એક’ કહીને ઉમેર્યું હતું કે ‘તેઓ આશ્રમને પોતાનાં પુણ્યથી સીંચવા આવ્યા છે. પામવા નથી આવ્યા, આપવા આવ્યા છે.’

દસ વર્ષની વયે બ્રહ્મચર્ય અને દેશસેવાનું વ્રત લેનાર વિનોબાએ 21 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો. એમના મનમાં હિમાલયમાં જઈ બ્રહ્મસાધના કરવી કે બંગાળમાં જઈ ક્રાંતિ કરવી એ મનોમંથન ચાલતું હતું એ વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં અનાસક્ત દેશસેવાના પ્રયોગ કરી રહ્યા હતા. વિનોબા બનારસ આવ્યા એ પહેલા બે મહિને ગાંધીજી એમનું વિખ્યાત ભાષણ કરી ચૂક્યા હતા. એમની નિર્ભય, નિર્વેર, અનાસક્ત, કર્મઠ દેશસેવાએ વિનોબાને આકર્ષ્યા. એમને ગાંધીજીમાં શાંતિ અને ક્રાંતિનો સંગમ મળ્યો અને ગાંધીજીને વિનોબામાં એમના આધ્યાત્મિક વારસ મળી ગયા.

વિનોબાજી કહેતા, ‘એવી રીતે જોડાવું કે ક્ષણવારમાં મુક્ત થઈ શકાય.’ સ્થળ, કાળ કે વ્યક્તિનાં બંધનમાં વિનોબાજી બંધાયા નથી. કાર્યકરોને કહેતા કે કામ પણ બંધન ન બનવું જોઈએ અને સાધકોને પણ ચેતવતા કે જોજો, સાધનાનો આનંદ અને ગર્વ ક્યાંક બંધન ન બની જાય.

વિશ્વના આધ્યાત્મિક સાહિત્યનો અભાસ કરી વિનોબાજી વિજ્ઞાન અને અધ્યાત્મને ‘જોડનારાં’ અને રાજકારણ અને ધર્મને ‘તોડનારાં’ પરિબળો કહે છે. તેમનો ઉદ્દેશ માનવ-માનવ વચ્ચે એકતા સ્થાપવાનો હતો. તેમની ભૂમિકા સમન્વયની હતી. ગાંધીજીના મૃત્યુ પછી વિનોબાજીએ 13 વર્ષ પદયાત્રા કરી અને 47 લાખ એકર જમીન દાનમાં મેળવી. એ દરમ્યાન આસામમાં એમણે ટાગોરનાં કાવ્યો વિશે વાત કરી હતી.

ટાગોર જીવનસૌંદર્યના ઉપાસક અને વિનોબાજી જીવનસત્યના આરાધક. ટાગોર જીવનનું ગીત માણે, વિનોબાજી જીવનને યજ્ઞ સમજે. ટાગોર વિનોબા કરતાં 34 વર્ષ મોટા, પણ બંનેનું ચૈતન્ય આજે પણ તાજગીભર્યું વહે છે. બંને પરમના પ્રેમી અને હકારના માણસ. બંનેના મનોભાવવિશ્વનું કેન્દ્ર માણસ છે. વિનોબાજી ઘણીવાર ચાલતાં ચાલતાં ‘એકલા ચલો રે’ ગાતા. પણ ટાગોરે લખેલા ‘ઓ રે અભાગા’ને બદલે વિનોબાજી ‘ઓ રે ભાગ્યવાન’ ગાતા. આવા વિનોબાજી અને ટાગોરના મિલનની પળ કેવી પાવક હશે! એ પળ સુધી પહોંચાડનાર અને એ પળના સાક્ષી બનનાર બંને પણ એવા જ ધન્ય છે એની પ્રતીતિ આપણને ‘સત્ય-સૌંદર્ય સચરાચરમાં’ પુસ્તકમાંથી પસાર થતાં અચૂક થાય.

ભદ્રા વિક્રમ સવાઈ

આ પુસ્તકનાં અનુવાદક છે ભદ્રા-વિક્રમ સવાઈ. થયું એવું કે વિનોબાજીએ આલેખેલાં વ્યક્તિચિત્રોનો ‘ભૂમિપુત્ર’ માટે અનુવાદ કરતાં ભદ્રાબહેનને ‘દેવર્ષિ રવીન્દ્રનાથ ટાગોર’ શીર્ષક હેઠળ વિનોબાજીએ આપેલો ટાગોરનો પરિચય તો મળ્યો, પણ સાથે મળી પૂજાગીતો અંગેની નોંધ પણ. વિનોબાજીએ આ ગીતો નિમિત્તે સર્વોદયસમાજની, એકાદશવ્રતની, રચનાત્મક કાર્યક્રમની વાત તો કરી છે, સાથે વિશ્વૈક્ય, અહંકાર ઓગાળવો, ચિત્તશુદ્ધિને પણ સાંકળ્યા છે. ટાગોરના સૌંદર્યબોધ સાથે વિનોબાજીના સત્યબોધ અને સર્વહિતબોધનું આ મિલન મજાનું છે. આ ગીતોનું વિનોબાજીએ કરેલું અર્થઘટન ભદ્રાબહેન અને વિક્રમભાઈને એવું અનોખું લાગ્યું, એવું સ્પર્શી ગયું કે ભાષા-કૉપીરાઈટ-પ્રકાશનના કોઠા ઓળંગી તેમણે આ સુંદર પુસ્તક આપણા સુધી પહોંચતું કર્યું જ. સુઘડ-સુંદર પ્રકાશન નવભારતનું છે. 11 સપ્ટેમ્બરે આવતાં વિનોબાજીના જન્મદિન નિમિત્તે આચમન કરીએ આમાંના કેટલાંક કાવ્યોનું.

‘તારાં ગીત ગાતાં ગાતાં ક્યારનો નીકળ્યો છું હું, એ વાત આજની નથી, આજની નથી’ – વિનોબાજી કહે છે, નદી નીકળી પડે છે, વહે છે, ક્યાંક સાગરને મળે છે. પોતાના પ્રવાસની એને ખબર નથી, કોઈ પ્રેરણા એને ચલાવે છે. હું કૉલેજમાં હતો ત્યારે રોજ આઠદસ માઈલ ચાલતો. જો આ ટેવ ન હોત તો ભૂદાનની પદયાત્રા કરી શક્યો ન હોત. એ વખતે સંસારમાં ન પડવાનો સંકલ્પ ન ઊઠ્યો હોત તો પણ ભૂદાનયાત્રા થઈ ન હોત. એ વખતે મને ખબર નહોતી પણ એ સંકલ્પ ‘આજકે નય, આજકે નય’(આજનો નહોતો, આજનો નહોતો). એ બધી પ્રેરણા પરમાત્માની હોય છે અને જ્યાં સુધી પરમાત્મામાં ન ભળી જઈએ, ચાલતા રહેવાનું હોય છે.

‘સ્વચ્છ કરી દો મને પ્રકાશ-નિર્ઝરની ધારાથી … વિશ્વહૃદયમાંથી વહી આવતી પ્રકાશઘેલી હવાથી મારા હૃદયને નમાવી દો’ – વિનોબાજી કહે છે, વિશ્વહૃદય બનાવવું હશે તો પહેલા ગ્રામહૃદય બનાવવું પડશે. ગ્રામસમાજની જડતાના ઘેનને ટાગોર કહે છે તેમ અહિંસાના અરુણતેજના મુલાયમ સ્પર્શથી ઉતારવું પડશે. હવા તૈયાર થઈ રહી છે, આખી દુનિયા જાગશે અને કલ્યાણપંથે ચાલશે.

‘જાતજાતનાં બહાનાં કાઢી તારું નામ લઈશ, મારા મનની છાયા તળે એકલો બેસીને તારું નામ લઈશ’ વિનોબાજી કહે છે, બાળકો ‘મને બોલતાં આવડે છે’ એમ બતાવવાને બોલતાં હોય છે એમ આપણે ભગવાનનું નામ એટલા માટે લઈએ છીએ કે આપણને એમનું નામ લેતાં આવડે છે.

‘અંતર મમ વિકસિત કરો અંતરતર હે’ – વિનોબાજી કહે છે, આ ‘અંતરતર’ શબ્દ રવીન્દ્રનાથે ઉપનિષદમાંથી લીધો છે. અંતર્યામીને કવિ પ્રાર્થના કરે છે કે અમારાં સકલ કર્મોમાં શાંત લયનો સંચાર કરો. આ ગીત ભાવસમાધિ આપે એવું છે. આપણે અંતર્સૃષ્ટિ અને બહિર્સૃષ્ટિના સંગમ પર ઊભા છીએ. શરીરને કારણે બહારનો ને ચિત્તને કારણે અંદરનો સંપર્ક થાય છે. જે કામ કરીએ, એવું કરીએ કે બહાર અને અંદર બંને જગ્યાએ સંતોષ થાય. પ્રેમપૂર્વક ભૂમિહીનોને ભૂમિ આપવાથી આ બંને પ્રકારનો સંતોષ થાય છે. સારાંશ, ભક્તિ દ્વારા નિર્મળતા, જ્ઞાન દ્વારા ઉજ્જવળતા અને સમત્વ દ્વારા સુંદરતા આવે છે.

‘વિરાજો હે સત્ય, હે સુંદર, આનંદલોકમાં, મંગલ આલોકમાં’ – વિનોબાજી કહે છે, આ એક પ્રસિદ્ધ સૂક્તનો અનુવાદ છે. આવાં ગીતો ભારતની લગભગ દરેક ભાષામાં છે. આવાં જ ગીતોનો લોકો પર પ્રભાવ પડે છે. આવાં જ ગીતોએ લોકોની સદ્દભાવના કાયમ રાખી છે. એનો ઉપયોગ સમાજજીવનમાં કરવો જોઈએ. દરેક ગામ આનંદલોક હોવું જોઈએ, માંગલ્યથી પ્રકાશિત હોવું જોઈએ. અને યાદ રાખીએ કે જેટલો ત્યાગ કરીશું તેટલો વધારે આનંદ મળશે.

‘મનના નકામા નિષેધોને દૂર કરનારી આગ ભડકાવો’ – વિનોબાજી કહે છે, જો નવો પુરુષાર્થ કરવાનો મોકો મળે નહીં તો સૃષ્ટિ રસશૂન્ય થઈ જાય.

ટાગોર વિશેના લેખમાં વિનોબાજી ટાગોરને ‘સંકુચિત દેશાભિમાનથી ભારતને મુક્ત રાખનારા’ કહે છે. ટાગોર અને વિનોબા બંનેનાં ચિત્ત તમામ પ્રકારની સંકુચિતતાઓથી ઉપર ઊઠેલાં હતાં. ટાગોરે ‘વિશ્વમાનુષ’ને ગાયો અને વિનોબાએ ‘જય જગત’નો નારો આપ્યો.

દેશને આજે આ બંનેની કેટલી જરૂર છે!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 સપ્ટેમ્બર  2023

Loading

...102030...969970971972...9809901,000...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved