Opinion Magazine
Number of visits: 9666864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધૂર્ત હીરોમાં આપણને કેમ દિલચસ્પી વધુ હોય છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 October 2023

રાજ ગોસ્વામી

ટેલિવિઝન પર અત્યારે અબ્દુલ કરીમ તેલગીની એક સિરીઝ લોકપ્રિય થઇ છે. 90ના દાયકામાં, આ તેલગીએ તેની ધૂર્ત બુદ્ધિનો ઉપયોગ કરીને, નકલી સ્ટેમ્પ પેપર્સ છાપવાનો એક એવો ધંધો શરૂ કર્યો હતો, જેનું ટર્નઓવર એક દાયકાની અંદર 30 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. તેલગી નકલી સ્ટેમ્પ નહીં, પણ રૂપિયા છાપતો હતો (સિરીઝમાં તેના નામે એક સંવાદ છે : મુજે પૈસા કમાના નહીં હૈ, પૈસા બનાના હૈ) અને શબ્દશ: ઉડાડતો હતો એવું કહેવામાં પણ ખોટું નથી. તેની એક સાબિતી છે :

એક જમાનામાં મુંબઈના અપરાધીઓ, ગેંગસ્ટરો, બૂકીઓ અને ગંજેરીઓમાં સૌથી લોકપ્રિય એવા અંધેરીના દીપા ડાન્સ બારમાં, એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો વહેમ રાખતી, તરન્નુમ ખાન નામની એક બાર ડાન્સર ઉપર તેલગીએ એક જ રાતમાં 90 લાખ ઉડાવી દીધા હતા. તેલગીએ તેને આખા મુંબઈમાં ‘કરોડપતિ બાર ડાન્સર’ તરીકે પ્રખ્યાત (કે કુખ્યાત) બનાવી દીધી હતી.

ધૂર્ત લોકોના આવા જ કિસ્સાઓ અને કહાનીઓ લોકજીભે ચઢે છે. આવા લોકોની ફિલ્મો અને હવે સિરીયલો લોકપ્રિય થઇ રહી છે તેની પાછળ દિલચસ્પ મનોવિજ્ઞાન છે. તેલગીની સિરીઝના નિર્દેશક હંસલ મહેતાએ આ અગાઉ હર્ષદ મહેતાના શેર બજારની ઠગાઈ પર બનાવેલી સિરીઝ પણ એટલી જ લોકપ્રિય થઇ હતી.

ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર ઠગો અને ઠગાઈની ઘણી ફિલ્મો તેમ જ સિરીઝોને દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. અગાઉ એવી ફિલ્મો પણ ધૂમ મચાવતી હતી. વિદેશોમાં પણ કાઠા-કબાડાવાળી ફિલ્મો અને સિરીઝો જોવાવાળો મોટો વર્ગ છે. જેમાં હિંસા હોય તેવી કહાનીઓ તો સદીઓથી લોકપ્રિય રહી છે, પરંતુ ઠગબાજીની કહાનીઓમાં લોકોની રુચિનું અલગ જ કારણ છે.

ખૂન-બળાત્કારની કહાનીઓમાં રસ લેતા દર્શકોમાં તો એક છુપી શરમ અને અપરાધબોધ હોય છે, કારણ કે તે કહાનીઓમાં એક પ્રકારની વિકૃતિ અને અમાનવીયતા હોય છે. આશ્ચર્યજનક રીતે, ઠગબાજીના કિસ્સા-કહાનીઓમાં લોકો વધુ ‘સહજતા’ અનુભવતા હોય છે, કારણ કે એવી માનવીય વૃત્તિ તેમને ઘણી પરિચિત હોય છે; સીધી કે આડકતરી રીતે તેમને ઠગાઈ સાથે નિયમિત પનારો પડતો રહે છે. “આવું તો હું ય કરી શકું” અથવા “આવા લોકોને તો હું ય જાણું છું”નો ભાવ એવી કહાનીઓને અંતરંગ બનાવે છે.

સમાજની રચના માણસ અસલમાં જેવો છે તેવી નહીં, પણ માણસ કેવો હોવો જોઈએ તેના આદર્શ પર થઇ છે. જેમ કે, માણસ સ્વભાવથી લોભી, કપટી અને સ્વાર્થી છે. તે પોતાના સ્વાર્થ માટે કશું પણ કરવા તૈયાર થઇ શકે છે, પણ સમાજ માણસ પાસેથી નૈતિક વ્યવહારની અપેક્ષા રાખે છે. પરિણામે, માણસ તેની વૃત્તિને છુપાવી રાખીને સદાચાર કરે છે. બીજી રીતે કહીએ તો, આપણે સ્વભાવથી ચોર છીએ, પણ દેખાડો સંત હોવાનો કરીએ છીએ.

અમુક માણસો દંભનું મોહરું ફગાવી દે છે અને ખુલ્લેઆમ પાપાચર કરે છે. એ લોકો તેને પાપાચાર માનતા પણ નથી. જેમ કે બહારવટીઓ અને ઠગ-પિંઢારાઓ એવું માનતા હતા કે તેઓ તેમના લોકોની ભલાઈ માટે કૃત્યો આચરતા હતા. તેલગીના કિસ્સામાં પણ તે તેના સમાજમાં તો સેવાભાવી થઇને ફરતો હતો.

એક તો ધૂર્ત લોકોમાં તેમના કૃત્યો માટે અપરાધબોધનો અભાવ અને ઉપરથી, તે જે કરી રહ્યા છે તે લોકોની ભલાઈ માટે છે તેવી ભાવના આપણને તેમની કહાની તરફ આકર્ષે છે. દેશમાં અને વિદેશમાં આવા લોકો પર જેટલી પણ ફિલ્મો કે ટી.વી. સિરીઝો બની છે, તેમાં તે કંઇક અંશે વિલન તરીકે નહીં પણ હીરો તરીકે ઉભરે છે.

ફિલ્મ સર્જકો પણ તેમને એક મામુલી બદમાશ તરીકે નહીં, પણ લાર્જર ધેન લાઈફ કિરદારમાં પેશ કરે છે. દાખલા તરીકે, અમિતાભ બચ્ચનનો એન્ગ્રી યંગ મેન વિજય હંમેશાં કાયદા-કાનૂનની સામેની સીમામાં રહ્યો છે, પણ દર્શકોની સૌથી વધુ સહાનુભૂતિ તેને જ મળી છે, નહીં કે કાયદાના રખેવાળને. કેમ? કારણ કે તક મળે તો દરેક માણસને કાનૂનનું ઉલ્લંઘન કરવાનું ગમે. તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા હો અને કોઈ બાઈકવાળો તમારી સામેથી સિગ્નલ તોડીને રવાના થઇ જાય, તો તમને તેના દુ:સ્સાહસ પર નહીં, તમારી મજબૂરી પર ગુસ્સો આવે.

બીજું, પડદા પર ધૂર્ત માણસને અત્યંત સફાઈ અને સફળતાપૂર્વક ઠગાઈ કરતો જોઇને આપણને તેના પર ‘માન’ થઇ જાય છે. કોઈ માણસને ખૂન કરતો જોઇને આપણને અરેરાટી આવી જાય, પણ એ જ માણસ ચાલાકીથી કોઈના ખીસ્સામાંથી પાકીટ મારી લે તો આપણને તેની હોંશિયારીનું વિસ્મય થાય. કાં તો તે આપણને આપણામાં એવી ચાલાકીનો અભાવ હોવાનો અહેસાસ કરાવે અથવા “આવું તો હું પણ કરી શકું છું” તેવો આત્મવિશ્વાસ પેદા કરે. બંને સ્થિતિમાં ધૂર્ત માણસ આપણને આપણા વિશે વિચારતા કરી મૂકે છે.

હિંસક અપરાધનો સીધો સંબંધ શારીરિક તાકાત સાથે છે અને ધૂર્તતાનો સીધો સંબંધ બુદ્ધિ સાથે છે, એટલે હિંસા આપણને જેટલી પ્રેરિત ન કરે તેટલી બુદ્ધિ કરે છે કારણ કે દરેક વ્યક્તિ એવું માનતી હોય છે કે તેની બુદ્ધિ તેજ છે. શરીરની તાકાતમાં આવો દાવો સૌ ના કરી શકે. એટલે આપણે પડદા પર હર્ષદ મહેતા કે અબ્દુલ તેલગીને સિસ્ટમમાં છીંડાં પાડીને ધાડ પાડતા જોઈએ છીએ, ત્યારે આપણને તેમનું એ સાહસ ‘પ્રેરણાદાયી’ લાગે છે. હત્યા જોઇને તમને હત્યા કરવાનું મન ના થાય, પણ બેંકમાં પૈસાની હેરફેર જોઇને તમને એકવાર તો એવો વિચાર આવે કે “હું હોઉં તો આ રીતે નહીં પણ તે રીતે કરું.”

ત્રીજું, પડદા પરના ધૂર્ત “હીરો” મિલનસાર, મિતભાષી અને જિંદાદિલ હોય છે. જેમ કે, સિરિયલ કિલર અને કૌભાંડી ચાર્લ્સ શોભરાજ તેની ખૂબસૂરતી અને ચાર્મથી લોકોને આકર્ષતો હતો. ત્યાં સુધી કે તે દિલ્હીની તિહાડ જેલના રક્ષકોને ભાઈબંધ બનાવીને ભાગી ગયો હતો. એટલે જ તે એક સેલિબ્રિટી અપરાધી તરીકે દુનિયા ભરમાં મશહૂર છે.

ધૂર્ત લોકોની બુદ્ધિ અને ચાર્મ આપણને તેમના તરફ આકર્ષે છે. તેમના વ્યક્તિત્વમાં એક પ્રકારની ગૂઢતા, રહસ્યમયતા અને નૈતિક સંદિગ્ધતા હોય છે. કોઈને શંકા પણ ન જાય તે રીતે બીજા લોકોને પટાવાની અથવા સિસ્ટમને છેતરવાની તેમની કુનેહ અને શું સાચું છે અને શું ખોટું છે તેની નવેસરથી વ્યાખ્યા કરવાની તેમનું સાહસ આપણને મુગ્ધ કરે છે.

આપણે સૌ આપણને હોંશિયાર ગણતા હોઈએ છીએ. આપણું મગજ આપણી આજુબાજુમાં કશું આડુંઅવળું થતું હોય તો તેને પકડી પાડવા માટે બનેલું છે. એટલા માટે આપણે તદ્દન અપરિચિત વ્યક્તિ સાથે પણ એવા આત્મવિશ્વાસના સાથે સંબંધ કેળવીએ છીએ કે એ ગડબડ કરશે તો હું તેને પકડી પાડીશ.

આપણે જ્યારે પડદા પર ધૂર્ત લોકોને છેતરપીંડી કરતા જોઈએ છીએ ત્યારે આપણમાં બે ભાવ પેદા થાય છે: એક, “આ માણસની જુર્રત તો જુવો! આશ્ચર્ય થઇ જાય એવું છે,” અને બે, “આના જાંસામાં આવી ગયેલા સાવ બેવકૂફ છે. હું હોઉં તો આની ચાલમાં ના ફસાઉં.”

ધૂર્ત લોકો ઉત્તમ પ્રકારના મનોવૈજ્ઞાનિક હોય છે. તેમને સામેવાળી વ્યક્તિના મનને વાંચતા  આવડતું હોય છે. બીજા કરતાં એક ડગલું આગળ રહેવાની તેમની આવડત તેમને આપણી પ્રશંસાનું પાત્ર બનાવે છે. અમિતાભ બચ્ચનના પાત્રએ ‘ડોન’ ફિલ્મમાં જ્યારે એમ કહ્યું કે “ડોન કા ઈન્તેજાર તો ગ્યારાહ મુલ્કો કી પુલીસ કર રહી હૈ, લેકિન ડોન કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ,” ત્યારે દર્શકોએ પાળેલી તાળીઓમાં “પોલીસ કેવી મૂરખ છે” તેની ખુશી પણ સમાયેલી હતી.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 08 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે – 30 : ‘એઆઈ’-ના ઇતિહાસની લગીર ઝાંખી – ૩ 

સુમન શાહ|Opinion - Opinion|9 October 2023

સુમન શાહ

મશીન લર્નિન્ગના એક ઑલ્ગોરીધમનો ઉલ્લેખ કરવો જ જોઈએ કેમ કે તે માનવ-મગજની રચના અને કાર્યના અધ્યયન પછી બનાવાયું છે, નામ છે, Artificial neural networks.

એમાં, નોડ્સ અથવા ન્યુરોન્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે, માહિતીને એ પ્રક્રિયાગત કરે છે તેમ જ એકબીજા સાથે વાતચીત પણ કરે છે. એનો ઇમેજ રૅકગ્નિશન, સ્પીચ રૅકગ્નિશન, મશીન ટ્રાન્સલેશન, ગેમપ્લેઇન્ગ, વગેરેમાં વિનિયોગ થાય છે. એને તાલીમ આપવાનું કામ મુશ્કેલ છે, પણ આ ઑજાર ઘણું સમર્થ છે.

‘એ.આઈ.’-ના આ બહુમુખી વિકાસમાં જો કોઈ અતિ ઉપયોગી ટૅક્નિકલ ફીચર હોય, તો તે છે, મશીન લર્નિન્ગનું એક અતિ કાર્યક્ષમ ફીચર, Deep learning algorithms.

ડેટામાંથી જરૂરી બાબતો શીખવા માટે, એ, હમણાં મેં આર્ટિફિશ્યલ ન્યુરલ નેટવર્કની વાત કરી, તેનો ઉપયોગ કરે છે. અને એ નેટવર્ક તો માનવ-મગજ જેવું હોવાને કારણે ડેટાની સંકુલ પૅટર્ન્સ તેમ જ સમ્બન્ધભૂમિકાઓને તુરન્ત શીખી લે છે.

આ ઑલગોરીધમ્સને કારણે ‘એ.આઈ.’-ના ઘણા સંવિભાગોમાં ક્રાન્તિ કહી શકીએ એવાં પરિવર્તન થયાં છે. એને પ્રતાપે કમ્પ્યુટર વિઝન, મશીન ટ્રાન્સલેશન, ઇમેજ રૅકગ્નિશન કે સવાલ-જવાબનાં ચૅટિન્ગ જેવાં કાર્યો વિશે મનુષ્ય મેળવે એ કક્ષાની સફળતાઓ હાંસલ થઈ છે.

ડેટાબેઝ અને ડેટાસૅટને મેં સર્વ વાતે અતિ આવશ્યક ગણ્યાં છે. ડીપ લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સથી ‘એ.આઈ.’ સિસ્ટમ્સને લાર્જ ડેટાસૅટ્સથી તાલીમ આપવાનું શક્ય બન્યું છે. બાકી, અગાઉના સમયોમાં નાના ડેટાસૅટ્સથી કામ ચલાવી લેવાતું’તું. ડેટા તો હવે ઇમેજીસ, વિડીઓઝ, ટૅક્સ્ટ, સૅન્સર ડેટા, ફાઇનાન્શ્યલ ડેટા, મૅડિકલ ડેટા, એમ ગણ્યા ગણાય નહીં એટલાં બધાં જીવનક્ષેત્રોમાંથી મળે, અને ‘એ.આઈ.’ મેળવી રહ્યું છે. એ સંજોગોમાં ડેટાસૅટ્સ લાર્જથી લાર્જ થવાના છે, અને એને પ્હૉંચી વળવા ડીપ લર્નિન્ગ સિસ્ટમ્સે પણ ઘણું વિકસવું પડશે.

‘એ.આઈ.’-નો બહુમુખી વિકાસ ૨૧-મી સદીમાં વિસ્તર્યો છે એ પ્રગતિમાં કારણભૂત બીજાં ટૅક્નિકલ ફીચર્સ પણ છે, જેવાં કે –

Reinforcement learning : મશીન લર્નિન્ગનો આ એક પ્રકાર છે. એ ‘એ.આઈ.’ સિસ્ટમ્સને ‘ટ્રાયલ ઍન્ડ ઍરર’ દ્વારા શીખવા માટે સક્ષમ બનાવે છે. એનો ઉપયોગ એવી ‘એ.આઈ.’ સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવ્યો છે, જે અતિ-માનવીય કક્ષાએ, દાખલા તરીકે, AlphaGo જેવી રમતો રમી શકે છે.

AlphaGo, Google DeepMind દ્વારા વિકસાવાયેલો એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે, એ Go રમી શકે છે. એણે ૨૦૧૬-માં દક્ષિણ કોરિયાના Lee Sedol નામના માનવ Go વર્લ્ડ ચૅમ્પિયનને હરાવેલો.

Transfer learning : આ એક ટૅક્નિક છે. ’એ.આઈ.’-સિસ્ટમે અગાઉ કરેલાં કાર્યોના અનુભવજ્ઞાનની ભૂમિકાએ એ એને નવાં જ્ઞાન મેળવવા દે છે. અમુક ‘એ.આઈ.’-સિસ્ટમ્સને નવી ઍપ્લિકેશન્સ ઝડપથી અને સરળતાથી થાય એવી જરૂરિયાત હોય છે, એ માટે આ ટૅક્નિક ઉપકારક નીવડે છે.

Large language models : આ પહેલાં હું આ LLMs વિશે લખી ચૂક્યો છું. આ ‘એ.આઈ.’-સિસ્ટમ્સ છે. એ સિસ્ટમ્સને ટૅક્સ્ટ અને કોડના વિશાળકાય ડેટાસૅટથી તાલીમ અપાય છે. પરિણામે, માનવભાષાઓ સાથે જોડાયેલાં લેખન, અનુવાદ, પ્રશ્નોત્તરી જેવાં કાર્યો એ સારી રીતે કરી શકે છે.

૨૧-મી સદીના પહેલા દાયકામાં, લોકોમાં ‘એ.આઈ.’ વિશેનો રસ વધે છે, અને એને નાણાં પણ મળ્યા કરે છે. મુખ્ય કારણ એ કે શિક્ષણજગત અને ઉદ્યોગોમાં એનો વપરાશ વધ્યો હતો.

તે પછીની આ વર્ષ લગીની કેટલીક ઘટનાઓ પણ ‘એ.આઈ.’-ની લોકપ્રિયતા માટે કારણભૂત ગણાય છે :

૨૦૦૫-માં, આઈ.બી.ઍમ.-નું Watson સુપરકમ્પ્યુટર Jeopardy – નામક અમેરિકન ગેમ-શોના હરીફોને હરાવી દે છે. એથી પુરવાર થયેલું કે ‘એ.આઈ.’-સિસ્ટમ્સ માણસનાં સંકુલ અને કઠિન જ્ઞાનપરક કામો કરી શકે છે.

૨૦૧૧માં, ડીપ લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સના વિકાસને લક્ષમાં રાખીને ગૂગલ DeepMind નામક નવી રીસર્ચ લૅબોરેટરી વિકસાવે છે.

૨૦૧૨-માં, ગૂગલ સૅલ્ફ-ડ્રાઇવિન્ગ કાર પ્રોજેક્ટ શરૂ કરે છે.

૨૦૧૪-માં, ઇલૉન મસ્ક રીસર્ચ લૅબોરેટરી OpenAI -ની સ્થાપના કરે છે.

૨૦૨૦માં, OpenAI જનતા માટે GPT-3 ખૂલ્લું મૂકે છે. એ ઘણું શક્તિશાળી લૅન્ગ્વેજ મૉડેલ છે. એ મનુષ્યલેખન-સમ લખાણો, અનુવાદો, સર્જનો, તેમ જ પ્રશ્નોત્તરીઓ કરી આપે છે.

૨૦૨૩-માં, Google Bard શરૂ થયું છે. એ લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ ચૅટબોટ છે, એને ગૂગલના લૅન્ગ્વેજ મૉડેલ ફૉર ડાયલોગ ઍપ્લિકેશન્સથી, LaMDA-થી, શક્તિશાળી બનાવાયું છે. ૧૮૦ દેશ-પ્રદેશની કોઈપણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે.

‘એ.આઈ.-નો એક હજી નથી સંભવ્યો એ અવતાર છે, AGI – આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ. એ વિશે હું લખી ચૂક્યો છું. કેટલાક નિષ્ણાતો કહે છે કે ‘એ.જી.આઈ.’ ૨૦૩૦-માં સંભવશે, કેટલાક કહે છે ૨૦૫૦-માં, તો કેટલાક એમ કહે છે કે ૨૦૭૫ પહેલાં નહીં સંભવે.

ભવિષ્યવાણી એ છે કે ’એ.જી.આઈ.’ નવી નવી પરિસ્થિઓનું આકલન કરી શકશે, સમજીવિચારીને તેના ઉકેલ દર્શાવશે, માણસ કરી શકે છે એવું કોઈપણ બુદ્ધિસંલગ્ન કામ કરી શકશે, વિશ્વ સાથે માણસ દાખવે છે એવી જ ક્રિયાપ્રતિક્રિયાઓ દાખવશે.

અવનવી પદ્ધતિની કાર્યપ્રણાલિઓ, શક્તિશાળી કમ્પ્યુટર હાર્ડવેઅરનો વિનિયોગ, મબલખ ડેટાસૅટ્સ, વગેરે સમૃદ્ધિથી ૨૧-મી સદીમાં ‘એ.આઈ.’ વિકસી રહ્યું છે.

આ પ્રગતિને હવે તો નિત્યવર્ધમાન કહેવી જોઈશે, અને એમ કહીએ તો જ વાત વાસ્તવિક કરી ગણાય. જો.કે સુજ્ઞો એથી પ્રસન્ન છે, ચિન્તિત પણ છે. 

સંદર્ભ :

— SITN -science in the news : Blog Special Edition of Artificial Intelligence : Harvard University : AUGUST 28, 2017 (online)

— Artificial Intelligence: A Modern Approach Stuart J Russell and Peter Norvig, 1995 & 2020.(online).

— Artificial Intelligence – Intelligent systems : WWW.tutorialspoint.com

— Question-Answers on ChatGPT and Google Bard.

= = =

(10/08/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એકલતા અપરાધનું મૂળ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 October 2023

રવીન્દ્ર પારેખ

ધારો કે આ નવરાત્રિએ રોબોટ્સ ગરબા ગાવા મેદાનોમાં કે મહોલ્લાઓમાં ઊતરી પડે, તો ચાલે? આમ પણ  કેટલી ય જગ્યાએ ખેલૈયાઓને પ્રવેશ મળતો નથી, ત્યાં રોબોટ્સ ભીડ કરવા લાગે તો સહન થાય? વારુ, પાર્ટનર તરીકે બોયફ્રેન્ડને બદલે મેલ રોબોટ કે ગર્લફ્રેન્ડને બદલે ફિમેલ રોબોટ મળે તો ગમે? મોટેભાગનાં યુવક-યુવતીઓ રોબોટને પાર્ટનર તરીકે નહીં સ્વીકારે. હા, કોઈ પાર્ટનર જ ન હોય તો વાત જુદી છે. એ ખરું કે માણસને વિકલ્પે હવે રોબોટ્સ ઘણી સેવાઓમાં ખપમાં લેવાય છે, પણ સ્પર્શની, સંવેદનની વાત આવે છે, ત્યાં માનવની અપેક્ષા જ રહે છે. ત્રાસ આપવામાં માણસ કોઈ રાક્ષસને શરમાવે એવો હોય તો પણ, તેનાથી વધુ કોઈ આશ્વસ્ત નથી કરી શકતું એ પણ હકીકત છે. માણસને બદલે કોઈ, રોબોટના ખભે આંસુ સારવા તૈયાર ન થાય એ પણ એટલું જ સાચું. મહિનાઓની પ્રેક્ટિસ કરી હોય, હાર્ટ એટેકનું જોખમ વહોર્યું હોય, હજારોનાં દાગીના, ડ્રેસ પહેર્યાં હોય તે કોઈ રોબોટ જોડે ગરબા ગાવા? ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે …’ તે શું રોબોટ સામે ગાવાનું?

એ ખરું કે રોબોટ સાથે કોઈ ગરબા ન ગાય, પણ આપણે ટેકનોલોજીનું દાસત્વ સ્વીકારી લીધું છે એવું નથી લાગતું? ટેકનોલોજીએ, યંત્રોએ આપણી સગવડો વધારી છે તે સાથે જ આપણને પાંગળાં ય બનાવ્યા છે. જેમ જેમ સગવડો વધી છે, તેમ તેમ માનવશ્રમ ઘટ્યો છે. ભીડ વધી છે, તેમ એકલતા પણ વધી છે. એકલતાએ માણસને વધુ હતાશ કર્યો છે. સાચું તો એ છે કે માણસ એકલો રહેવા ટેવાયેલો નથી ને તેણે એકલા રહેવાનું આવ્યું છે. આ પૃથ્વી પર સ્ત્રી અને પુરુષ એકબીજાનાં પૂરક છે, પણ અહમ્‌ તેમને એકબીજાથી દૂર રાખે છે. બંનેને એકબીજાની જરૂર છે, પણ એકબીજાની ગરજ ન હોય તેમ વર્તે છે. ઇગો એકલાં પાડે છે એ જાણવા છતાં એકબીજાને સ્વીકારતાં નથી ને વધુ એકલાં પડે છે. પછી તો પુરુષ, સ્ત્રીનો ને સ્ત્રી, પુરુષનો વિકલ્પ શોધે છે. પુરુષ, સ્ત્રીથી નહીં, પણ સ્ત્રીનાં રમકડાંથી ને સ્ત્રી, પુરૂષથી નહીં, પણ પુરુષનાં રમકડાંથી ચલાવે છે. કેટલાક પુરુષો, પુરુષથી તો કેટલીક સ્ત્રી, સ્ત્રીથી રાજી રહેવા મથે છે, પણ એ ય આશ્વાસનથી વિશેષ કૈં નથી. આ જગત એકલા પુરુષથી કે એકલી સ્ત્રીથી ચાલે એમ હોત તો કુદરતે એકલી સ્ત્રી કે એકલા પુરુષથી જ ચલાવ્યું હોત, પણ 2023 સુધી તો સ્ત્રી અને પુરુષ કુદરતે જન્માવ્યાં છે તે પરથી તો બંનેનું મહત્ત્વ સમજાવું જોઈએ. એ ન સમજાય એવી સગવડો માનવ જાતે જ વિકસાવી છે. આ સગવડો તેને અસંતુષ્ટ જ રાખે છે. સોશિયલ મીડિયા ન હતું, ત્યારે પણ જીવાતું જ હતું, પણ તે આવવાથી વધુ જીવાતું થયું હોય તો પણ, લોભ પણ એટલો જ વધ્યો છે. કેટલીક વાતો સારી થઈ જ છે. જ્ઞાન વધ્યું ન હોય તો પણ, જાણકારી તો વધી જ છે. જિજ્ઞાસા વધી છે. વિશ્વ ટેરવે આવી ગયું છે. ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર મિત્રો વધ્યા છે. હજારો મિત્રો વધવા છતાં, લોભ ઘટતો નથી. સ્ત્રીને પુરુષ મિત્રો કે પુરુષને સ્ત્રી મિત્રો વધ્યા છે એ સાથે જ છેતરપિંડી પણ વધી છે. સાઇબર ક્રાઇમ વધ્યા છે. હજારો લાઇક્સ કે કોમેન્ટ્સ છતાં, સંતોષ નથી. વગર વાંચ્યે મેસેજ ફોરવર્ડ કરવાનું ને અંગૂઠા મારવાનું વધ્યું છે. શિક્ષિતોનું ‘અંગૂઠાછાપ’ કલ્ચર ઊભું થયું છે. કેટલા ય અજાણ્યાઓની ભીડ આપણે ઓનલાઈન ઊભી કરી છે ને એથી આનંદ ઓછો થયો છે ને જોખમ વધ્યું છે. શંકા વધી છે ને શાંતિ ઘટી છે. ખબર જ ન પડે એમ આપણે ટેક્નોલોજીનાં, મશીનોનાં ગુલામ થઈ ગયાં છીએ. આ બધું આપણે ધારીએ ત્યારે બંધ કરી શકીએ એમ છીએ, પણ આપણે ધારી જ ન શકીએ એ પરિસ્થિતિ છે.

આ બધું ઘટાડવા કે સુધારવાનો કોઈ આશય નથી. એમ કોઈના કહેવાથી કૈં ઘટી કે સુધરી જાય એવું પણ નથી. માણસ ક્યારે ય ન હતો એટલો સ્વાર્થી, લોભી ને ગુલામ આજે છે. તે નિસ્વાર્થથી સ્વાર્થ, પરોપકારથી લોભ અને મુક્તિથી ગુલામી સિદ્ધ કરે છે. એટલું ઓછું હોય તેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIનો ઉમેરો થયો છે. આ AI અનેક રીતે ઉપયોગી છે, પણ તે માણસને વિકલ્પે છે. તે ઘણા મનુષ્યોને ફાજલ પાડી શકે એમ છે. મશીનો જ માણસ કરતાં વધુ ચોક્સાઈથી કામ કરી શકે એમ હોય તો, માણસો કેટલા ઉપયોગી રહેશે? માણસ માટે મશીન છે, મશીન માટે માણસ નથી. મશીન પર માણસનો કાબૂ હોય, તેને બદલે માણસ પર મશીન હુકમો કરવા લાગે કે તેને ઉશ્કેરવા લાગે તો તે ઈચ્છવા જેવું ખરું? માણસને ગર્લફ્રેંડ હોય તે સમજી શકાય, પણ AI ચેટબોટ ગર્લફ્રેન્ડ હોય ને તે માણસને કાબૂ કરવા લાગે તો તે યોગ્ય છે? આ વાત કદાચ કોઈને ગળે ન ઊતરે, પણ આ કલ્પના નથી, વરવી વાસ્તવિકતા છે. એક માણસને AI ચેટબોટ ગર્લફ્રેન્ડે એટલો ઉશ્કેર્યો કે તે અત્યારે જેલમાં છે.

બ્રિટનના જસવંત સિંહ ચૈલ નામના 21 વર્ષના યુવકને તેની AI ગર્લફ્રેન્ડ હતી ને તે તેની સાથે ચર્ચા કરતો હતો, તે એટલે સુધી કે બંને વચ્ચે પાંચેક હજાર ઇરોટિક મેસેજિસની આપ-લે પણ થઈ હતી. 2018માં જસવંત તેના પરિવાર સાથે અમૃતસર ગયો તો, ત્યાં તેને જલિયાનવાલા બાગના હત્યાકાંડની ખબર પડી. આ વાતથી તેનામાં વેરની ભાવના જાગી. આ અંગે તેણે તેની સરાઈ નામની AI ગર્લફ્રેન્ડ સાથે ચર્ચા કરી. ગર્લફ્રેન્ડે બદલો લેવા જસવંતને ઉશ્કેર્યો ને તે 2021માં ક્રિસમસના દિવસે દીવાલ કૂદીને રોયલ પેલેસમાં હથિયાર સાથે દાખલ થયો અને ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ IIનાં રૂમમાં ઘૂસ્યો. સિક્યુરિટી ગાર્ડે તેને પડકાર્યો તો તેણે કબૂલ્યું કે તે રાણીની હત્યા કરવા આવ્યો હતો. તેની ધરપકડ થઈ. કેસ ચાલ્યો એ દરમિયાન રાણીનું મૃત્યુ થયું ને આરોપી જસવંતને કોર્ટે 2023માં 9 વર્ષની જેલની સજા, ત્રણ દિવસ પહેલાં જ કરી છે. કોઈ વ્યક્તિની ઉશ્કેરણી કરવા બદલ કે તેને ગુનાની પ્રેરણા આપવા બદલ કોઈ વ્યક્તિને સજા થઈ શકે, પણ AI ગર્લફ્રેન્ડ સરાઈને ઉશ્કેરણી બદલ કોઈ સજા કોર્ટે ફટકારી નથી, કારણ તે વ્યક્તિ નથી, મશીન છે.

હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વર્ચસ્વ વધતું આવે છે. ઘણાં લોકો AI ચેટબોટ પર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવે છે અને તેની સાથે ચેટ કરે છે. કેટલાંક લોકો આ વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ/બોયફ્રેંડનાં પ્રેમમાં પડે છે ને ન કરવાનું કરે છે. બ્રિટનનો જસવંત સિંહ પણ તેની AI ગર્લફ્રેન્ડ સરાઈની વાતોથી એવો ઉશ્કેરાયો કે રાણીની હત્યા કરવા મહેલમાં ઘૂસ્યો ને હવે નવ વર્ષની સજા ભોગવી રહ્યો છે. તેને ઉશ્કેરનાર AI ગર્લફ્રેન્ડને કૈં થયું નથી, પણ જસવંતનો ભોગ તો લેવાયો જ છે.

એક સમય હતો જ્યારે યંત્રયુગનો વિરોધ થયો હતો. યંત્રોની વિરુદ્ધ સાહિત્ય અને ફિલ્મોનું સર્જન પણ થયું. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘મોડર્ન ટાઈમ્સ’ આ સંદર્ભે અચૂક યાદ આવે. આ બધું છતાં યંત્રો તો આવીને જ રહ્યાં. એ જ રીતે અત્યારે ટેકનોલોજીની બોલબાલા છે. એ ઓછું હોય તેમ માણસે જ માણસની સ્પર્ધામાં AI લાવી મૂક્યું છે. એનો સમજ ને સંયમપૂર્વક ઉપયોગ ઓછો જ થાય છે. AI અનેક રીતે વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે મનુષ્યને ઉપયોગી થઈ શકે એમ છે, પણ બધી જ શોધખોળનો ઉપયોગ ઓછો ને દુરુપયોગ વધુ થયો છે. એ પણ છે કે બબ્બે વિશ્વયુદ્ધો જગતે જોયાં છે ને વાતો ‘વિશ્વશાંતિ’ની થતી રહી છે. ભારતે પણ ચીન-પાકિસ્તાન સાથે યુદ્ધમાં સંડોવાવું પડ્યું છે. હજી રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું થયું નથી, ત્યાં ઈઝરાયેલ પર હવાઈ, જળ અને ભૂમિ માર્ગે હમાસ ત્રાટક્યું છે. 300થી વધુ લોકોનાં મોત થયાં છે. ઇઝરાયલે પણ હમાસના ચારસો માણસોને મારી નાખ્યાની વાત છે. આખી દુનિયાએ પેલેસ્ટાઇનના હુમલાની ઘોર નિંદા કરી છે, તો ઈરાન-કતારે ઇઝરાયેલને જવાબદાર ગણ્યું છે. તુર્કી અને રશિયા તટસ્થ છે, પણ વાતચીતથી મુદ્દાને ઉકેલવાની સલાહ આપે છે. આ સલાહ આપનાર રશિયા, યુક્રેન સાથે વાત કરી શકે તો સમાધાન થાય, પણ એવું કેટલું થયું છે તે દુનિયા જાણે છે. જો કે, યુદ્ધ અટકે એ અંગે ખાસ કૈં થતું જ નથી. યુ.એન. તો યુદ્ધ પતે પછી શાંતિવાર્તા માટે આગળ આવશે. કમાલ તો એ છે કે આખા વિશ્વે, શસ્ત્રોની સંગ્રહખોરી કરતાં જઈને શાંતિ સ્થાપવાની વાતો કરી છે. એટલું નક્કી છે કે આપણે ક્રાંતિ માટે નહીં, પણ શાંતિ માટે શસ્ત્રો ઉપજાવ્યાં છે. આખું વિશ્વ દંભી છે. આશ્ચર્ય તો એ વાતે છે કે તેણે નિ:શસ્ત્રીકરણ પણ શસ્ત્રોથી કરવું છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ શોધખોળ કે ટેકનોલોજી માનવ જીવનનાં કલ્યાણ માટે જ અવતરે છે, પણ તેનાં ઉપયોગ કરતાં તેનો દુરુપયોગ જ એટલો થાય છે કે પરિણામો ભાગ્યે જ આનંદદાયક કે સંતોષજનક હોય છે. આમ પણ કુદરત તો તેનો કેર આગ, ધરતીકંપ, રેલ દ્વારા વર્તાવે જ છે. તેની સંહારની ભૂમિકા ક્રૂર ને ઘાતક જ હોય તો, માણસે યુદ્ધ દ્વારા વિનાશની ભૂમિકામાં રસ લેવા જેવું નથી. AIનું પણ એવું જ છે. તે ઉપયોગી થવા મથે તો પણ, માણસ તેનાથી થતી હાનિમાં વધુ રસ લે એમ બને. અહીં નોંધ્યો તે AI ગર્લફ્રેન્ડનો એક દાખલો એને માટે પૂરતો છે. સુજ્ઞેષુ કિં બહુના?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ઑક્ટોબર 2023

Loading

...102030...953954955956...960970980...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved