Opinion Magazine
Number of visits: 9458059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગતની કોઈ પ્રજાનાં ડી.એન.એ.માં કે લોહીમાં લોકતંત્ર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|9 July 2023

રમેશ ઓઝા

વડા પ્રધાને વ્હાઈટ હાઉસમાં ભારતમાં ક્ષય પામી રહેલા લોકતંત્ર વિશેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે એ વાત ખોટી છે. “લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં છે, ભારતીય પ્રજાનાં લોહીમાં છે, ભારતનો આત્મા છે.” આની સામે ફ્રેંચ ફિલસૂફ, સાહિત્યકાર અને રાજપુરુષ આન્દ્રે માલરો(Andre Malraux)ને જવાહરલાલ નેહરુએ જે કહ્યું હતું એ સરખાવો. આઝાદી પછીનાં તરતનાં વર્ષોની વાત છે. માલરોને નેહરુને મળવાનું થયું ત્યારે તેમણે કુતૂહલવશ નેહરુને પૂછ્યું હતું કે ભારત જેવા દેશની ધૂરા સંભાળો છો તો શું અનુભવ કરી રહ્યા છો? નેહરુએ કહ્યું હતું કે પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યોનું આરોપણ કેટલું અઘરું છે એ સમજાઈ રહ્યું છે અને તે કરવાની જદ્દોજહદ કેટલી અઘરી છે એ અનુભવી રહ્યો છું.

વડા પ્રધાન બે, નિવેદન બે અને વચ્ચે લગભગ ૭૦ વરસનો ફાંસલો. જો લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં હોત, લોહીમાં હોત, ભારતનો આત્મા હોત તો જવાહરલાલ નેહરુએ આન્દ્રે માલરોને જે કહ્યું એ કહેવું પડ્યું ન હોત અને જો પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યો રોપાયાં હોત, ઊંડા ગયાં હોત તો ભારતમાં લોકતંત્રનો ક્ષય થયો ન હોત અને અમેરિકન પત્રકારને વડા પ્રધાનને અઘરો પ્રશ્ન પૂછવો ન પડ્યો હોત. શું લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં છે? તમને નથી લાગતું કે જવાહરલાલ નેહરુનું નિવેદન વાસ્તવિક ધરાતલ પર હતું અને નરેન્દ્ર મોદીનું નિવેદન મહાનતાનો વરખ ચડાવીને બગલ દેનારું હતું?

ભારત શું, જગતના કોઈ દેશમાં લોકતંત્ર તેનાં ડી.એન.એ.માં નથી. કોઈ પ્રજાના આત્મામાં એનો વાસ નથી કે નથી કોઈ પ્રજાનાં લોહીમાં. આ શુદ્ધ ખણખણતું જાગતિક સત્ય છે. આનું કારણ એ છે કે લોકતાંત્રિક મૂલ્યો વ્યક્તિ માટે છે અથવા વ્યક્તિ તેનાં કેન્દ્રમાં છે જ્યારે પારંપારિક મૂલ્યો સમાજ માટે છે અથવા તેના કેન્દ્રમાં સમાજના જે તે અંગ છે. રાજા ગોબ્રાહ્મણ પ્રતિપાલક હોવો જોઈએ. ગાય અને બ્રાહ્મણની રક્ષા કરનારો. આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ હત્યા કરે, કોઈની સાથે બળાત્કાર કરે તો પણ તેને સજા કરવામાં નહોતી આવતી. ગઢવી હજુ આજે પણ ગોબ્રાહ્મણ પ્રતિપાલક રાજવીનાં ડાયરાઓમાં ગુણગાન કરે છે. સ્ત્રીની રક્ષા કરવાની પુરુષોની ફરજ છે અને કોઈ કારણે પુરુષ સ્ત્રીની રક્ષા ન કરી શકે તો સ્ત્રીએ જૌહર કરવાનાં હોય. આ સિવાય પુરોહિત વર્ગ પણ સમાજનાં જે તે અંગ પર શાસન કરતો હતો. માત્ર ભારતમાં નહીં બીજા દેશોમાં પણ. ભારતની વાત કરીએ તો અસ્પૃશ્યનો સ્પર્શ વર્જ્ય ગણાય, રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય ગણાય, વગેરે. સમાજનાં ચોક્કસ લોકો માટે મર્યાદાઓ અને બંધનો અને ચોક્કસ  લોકો માટે વિશેષ છૂટછાટો. આ બધું પુરોહિતો ઠરાવતા હતા. એ પછી સમાજનાં મહાજનો અથવા પંચ સમાજનાં અલગ અલગ લોકો ઉપર અલગ અલગ રિવાજ દ્વારા શાસન કરતા હતા અને પંચ હંમેશાં પુરુષોનું જ બનેલું રહેતું. આજે પણ ખાપ પંચાયત પોતાની મરજીથી લગ્ન કરવા ઇચ્છતાં યુગલોને લગ્ન કરવા દેતી નથી.

ટૂંકમાં વ્યવસ્થાનાં કેન્દ્રમાં વ્યક્તિ નહોતી, સમાજ હતો અને તેનાં અલગ અલગ ઘટક હતા અને અલગ અલગ ઘટકો માટે અલગ અલગ કાયદાઓ, રિવાજો, નિયમો હતા. માટે તો અંગ્રેજોને ભારતમાં કૌટુંબિક કાયદાઓમાં હસ્તક્ષેપ કરીને સુધારા કરવા મોંઘા પડી ગયા હતા અને છેવટે તે કરવાનું પડતું મુક્યું હતું. તેમને ખાતરી થઈ ગઈ હતી કે ભારતની પ્રજા આધુનિક મૂલ્યોના સ્વીકાર માટે તૈયાર નથી. માટે અંગ્રેજોએ પરંપરાગત ધાર્મિક આદેશોનું અર્થઘટન કરવા બ્રાહ્મણો અને મૌલવીઓને અદાલતમાં બેસાડવા પડતા હતા. અને આવી સ્થિતિ માત્ર ભારતમાં જ હતી એવું નથી, જગતના દરેક દેશમાં અલગ અલગ સ્વરૂપમાં સમાજનો એક વર્ગ બીજા વર્ગ પર શાસન કરતો હતો. એક સમૂહનું બીજા સમૂહ ઉપર શાસન. વ્યક્તિ તો એ સમૂહનો સભ્ય માત્ર હતી.

યુરોપમાં ચર્ચ (ખ્રિસ્તી ધર્મ – ધર્મગુરુઓ) સૌથી વધુ શક્તિશાળી હતો. તેમની પાસે ભગવાન હતા અને ભગવાનનો ડર તલવારના ડરથી પણ મોટો હતો. ઈશુ, બાયબલ અને સંગઠિત ધર્મ. તેમણે લોકોના જીવન પર જ કબજો નહોતો જમાવ્યો, મસ્તિષ્ક પર પણ કબજો જમાવ્યો હતો. ચર્ચે ભગવાનને નામે જે ગોરખધંધા કર્યા હતાં એનાં ઉપર તો પુસ્તકો લખાયાં છે.

પણ કહેવાય છે ને દરેક ચીજનો અંત હોય છે અને એમાં જો અતિરેક બેશુમાર હોય તો અંત થોડો વહેલો આવતો હોય છે. માનવમસ્તિષ્કમાં વિચાર સ્ફૂરે છે અને વિચાર કરતાં વધુ શક્તિશાળી બીજી કોઈ ચીજ આ દુનિયામાં નથી. માટે તો જગત આખામાં તાનાશાહો વિચારથી અને વિચારકોથી ડરે છે. માટે તેઓ શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો જમાવે છે કે જેથી વિચારવાની પ્રક્રિયાને રૂંધી શકાય. ચર્ચે પણ એવો પ્રયાસ કર્યો હતો. પૃથ્વી ગોળ છે અને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે એમ કહેવા માટે ચર્ચે ખગોળવિજ્ઞાની ગેલેલિયોને સજા કરી હતી અને માફી મગાવી હતી. તેઓ એક વાત ભૂલી જાય છે કે વિચાર શિક્ષણસંસ્થાઓની ચાર દીવાલોનો મોહતાજ નથી. બીજું વિચારનો સ્વભાવ એવો છે કે તે જો સ્વતંત્રતા હોય, મોકળાશ હોય તો વધુ ખીલે અને જો દમન હોય તો હજુ વધુ ખીલે. મોકળાશમાં ખીલેલા વિચાર રોમેન્ટિક હોય છે અને દમનમાંથી જન્મેલો વિચાર પરિવર્તનને જન્મ આપનારો વિદ્રોહી હોય છે. દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ ગાંધીએ દમનનો અનુભવ કર્યો અને એક વિચાર સ્ફૂર્યો જેને સત્યાગ્રહ તરીકે ઓળખાવવામાં આવે છે. સત્યાગ્રહ જેને નિર્બળ સમજવામાં આવે છે એનું સબળ હથિયાર છે.

મધ્યકાલીન યુરોપમાં ચર્ચનું દમન વધવા લાગ્યું ત્યારે વિચાર સ્ફૂર્યો કે માનવી શું પશુઓનાં ધણનો હિસ્સો છે? તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી? સમૂહ અને સમૂહનું નિયમન કરનારી સામાજિક સંસ્થા મોટી કે હું? જો આ જીવન મારું હોય તો મારી રીતે જીવન જીવવાનો અધિકાર પણ મારો હોવો જોઈએ. એ વિચારે ક્રાંતિ સર્જી જેને યુરોપનાં નવજાગરણ તરીકે ઓળખાવવામાં આવે છે. પહેલીવાર માગણી ઊઠી કે કોઈ પણ વ્યવસ્થાના કેન્દ્રમાં વ્યક્તિ હોવી જોઈએ અને વ્યક્તિ પર વ્યક્તિનું જ અનુશાસન હોવું જોઈએ. જે કોઈ વ્યવસ્થા રચવામાં આવે એ વ્યક્તિની સ્વતંત્રતાને રુંધનારી ન હોવી જોઈએ. નવજાગરણનાં આંદોલને સમૂહની જગ્યાએ વ્યક્તિની સ્થાપના કરી, વ્યવસ્થાને વ્યક્તિકેન્દ્રી કરી, દરેક સત્તા(ઓથોરિટીઝ)ને પડકારી અને શ્રદ્ધાની જગ્યાએ શંકા અને પ્રશ્નોનો મહિમા કર્યો.

લોકતંત્ર અને લોકતાંત્રિક મૂલ્યોનો જન્મ આમાંથી થયો છે. ભારતની વાત જવા દો, જગતની કોઈ પ્રજાનાં ડી.એન.એ.માં કે લોહીમાં લોકતંત્ર નથી. માટે તો જગત આખામાં લોકશાહી દેશોમાં સમૂહની સર્વોપરિતા સ્થાપનારાં પરંપરાગત મૂલ્યો અને વ્યક્તિની સ્થાપનાં કરનારાં લોકતાંત્રિક મૂલ્યો વચ્ચે સંઘર્ષ ચાલે છે અને લોકતંત્ર સંપૂર્ણપણે સ્વીકાર પામતું નથી. લોકોને એમ લાગે છે કે અમે બહુમતીમાં છીએ એટલે અમારાં પારંપરિક સાંસ્કૃતિક મૂલ્યોનો અન્ય લોકોએ સ્વીકાર કરવો જોઈએ. સ્ત્રીઓએ મર્યાદાનું પાલન કરવું જોઈએ. વરખ ચડાવેલી મહાન વાતો કરવાથી કેટલાક લોકોની વાહવાહી મળે, વાસ્તવિકતા એની જગ્યાએ કાયમ છે. આની સામે નેહરુનું કથન સરખાવો. કેટલું પ્રામાણિક અને વાસ્તવિક છે! પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યોનું આરોપણ કેટલું અઘરું છે એ સમજાઈ રહ્યું છે અને તે કરવાની જદ્દોજહદ કેટલી અઘરી છે એ અનુભવી રહ્યો છું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 09 જુલાઈ 2023

Loading

અનિલ જોશીના ભરચક અસબાબની ગાંસડી છૂટ્યાની વેળા

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|9 July 2023

પુસ્તક-પરિચય

અનિલ જોશી

‘ગાંસડી ઉપાડી શેઠની’ એ અત્યારે બ્યાંશી વર્ષના કવિ અનિલ જોશીની ભરચક અને નિખાલસ આત્મકથા છે.

‘જિવાઈ ગયેલા જીવનની આ વીતકથા’ના પોણા ત્રણસોથી વધુ પાનાંમાં યાદો, પાત્રો, પ્રસંગો, યોગાનુયોગ ઘટનાઓ, વર્ણનો, કાવ્યપંક્તિઓ, ઉલ્લેખો, સંદર્ભો, ચિંતન-અંશોની વાચનીય ભરમાર છે. મોંઘેરી જૂની મૂડી જેવા ઢગલાબંધ શબ્દો અને તળ કાઠિયાવાડની બોલીનો પાસ આનંદમાં ઉમેરો કરે છે. 

‘કન્યાવિદાય’નામની હૃદયસ્પર્શી કવિતાથી ખાસ જાણીતા અનિલે ઑક્ટોબર 2015માં એમ.એમ. કાલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકર નામના રૅશનાલિસ્ટ કર્મશીલોની હત્યાના વિરોધમાં સાહિત્ય અકાદેમી(દિલ્હી)નો પુરસ્કાર પાછો આપ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં અસાધારણ એવા આ જેશ્ચરની વાત લેખકે કોઈ હિરોઇઝમ વિના, માત્ર એક જ લીટીમાં લખી છે. ત્યાર બાદ,  રોમિલા  થાપર અને એ.જી. નૂરાનીનું, અવૉર્ડ વાપસીને બિરદાવતું  અવતરણ મૂક્યું છે.

જો કે અનિલે 2002ના ગુજરાતના રમખાણો વિશે આક્રોશપૂર્ણ અઢી પાનાં લખ્યા છે. હિંસાચારનો વિરોધ કરતું નિવેદન તેમણે ખાસ દોસ્ત રમેશ પારેખ સાથે બહાર પાડ્યું જેની પર સહી કરવામાં અનેક અગ્રણી ગુજરાતી સાહિત્યકારો પાછા પડ્યા. આખરે અનિલ ‘હુલ્લડ કાવ્યો’ અને રમેશ ‘કરફ્યુ કાવ્યો’ લખીને વ્યક્ત થયા.

જો કે આ જ કવિને શિવસેના સુપ્રીમોની ઓથ પણ મળી છે. મુંબઈ મહાનગરપાલિકામાં લૅન્ગ્વેજ ઑફિસર તરીકેની કાયમી નોકરી માટે ‘ડિગ્રીનો ટેક્નિકલ પ્રશ્ન આવ્યો’ ત્યારે બાળ ઠાકરેના  ‘એ કવિ છે એ જ મોટી ડિગ્રી છે’ એવા પ્રમાણપત્રથી નિમણૂકમાં મદદ થઈ.

‘સ્વભાવે હું નાસ્તિક હતો. ભગવાન-બગવાનમાં માનતો નહીં’ એમ અનિલ યુવાનીના ઉંબરે કહે છે, પંચોતેરની ઉંમરે રૅશનાલિઝમના ટેકામાં અવૉર્ડ વાપસી કરે છે, અને પુસ્તકના પોણા હિસ્સામાં વારંવાર ‘મા’ કહેતાં દેવી જગદમ્બાનો મહિમા કરે છે.

ઉપરોક્ત વિરોધાભાસોનો અનિલે બચાવ કે ઢાંકપિછોડો કર્યો નથી. દ્વિધાઓ-મર્યાદાઓ-ભૂલો-ઠોકરો સચ્ચાઈપૂર્વક બયાન અને આપવડાઈની ગેરહાજરી આત્મકથાને ઊંચું સ્તર આપે છે.

જન્મજાત તોતડાપણું કુમારવયે પ્રયત્નપૂર્વક દૂર કર્યું તે પહેલાંની હાલત, શાળા-કોલેજની પરીક્ષાઓમાં નિષ્ફળતા અને પાસ થવા માટેના નુસખા, મુગ્ધાવસ્થામાં ‘છોકરીને નિર્વસ્ત્ર જોવાનાં કોડ’, બે ટૂંકા ગાળાના પ્રેમપ્રકરણ, બીડી-સિગરેટ-શરાબનાં બંધાણ, વારંવારનું ડિપ્રેશન, આપઘાતની કોશિશો, નબળી કારર્કિર્દી, પૈસા કમાવા માટેની અપાત્રતા, ઘરસંસારની જવાબદારીઓ નિભાવવામાં કચાશ જેવી નબળાઈઓ વિશે કવિ તટસ્થભાવે લખે છે.

‘આત્મકથા લખવી એ મોટું દુ:સાહસ છે’ અને ‘રખડેલની આત્મકથા ન હોય’ એમ શરૂઆતમાં લખનારા કવિ આખર તરફ જતાં કહે છે : ‘મારા આત્મકથનાત્મકના કેન્દ્રમાં હું નથી રહ્યો, પણ જેમણે મને પ્રેમપૂર્વક ખભે તેડીને રમાડ્યો છે એ સર્વ વડીલો કેન્દ્રમાં છે.’

એટલે સંખ્યાબંધ વાલીઓ-વડીલો પ્રગટતા રહે છે. ઉપરાંત, જન્મ અને બાળપણના ગામ ગોંડલના કવિ મકરન્દ દવેના પ્રભાવ-પ્રેરણા અંગે વારંવાર વાંચવા મળે છે. તેમની જેમ નાથાલાલ જોષી પણ ‘મા’ની શક્તિમાં લેખકની શ્રદ્ધા જગવે છે.

બહોળા પરિવારમાં ઢસરડા કરતી ‘બાએ ધાવણ છોડાવવાં માટે એના સ્તન ઉપર કડવાણી ઘસીને મને ધવડાવ્યો … ઘરકામમાં આડો ન આવું એટલે મને અફીણનો ચમચો પાવાનું શરૂ કર્યું’, એમ લેખકને સાંભરે છે.

પિતા શિક્ષક તરીકે નોકરી શરૂ કરીને શિક્ષણાધિકારીના ઊંચા હોદ્દે પહોંચ્યા હતા. ‘ભગવાનમાં માનતો નથી ગાંધીજીમાં માનું છું’ એમ કહેતા રમાનાથ સંતાનોની બાબતમાં કુણા હતા.

પ્રસંગોપાત્ત અનેક પરિવારજનોના સરસ લઘુશબ્દચિત્રો મળતા રહે છે. પિતાની બદલી મોરબી, હિમ્મતનગર, અમરેલી અને ધ્રોળ થઈ. વેકેશન સાબરમતી આશ્રમમાં, કંડલા, ખીજડિયા જેવી જગ્યાએ વીત્યું. મોટી ઉંમરે બ્રિટન અને અમેરિકામાં રહેવાનું થયું.

આ બધી જગ્યાઓ, અને અલબત્ત વતન, ત્યાંના બનાવો, માણસો, માહોલ, ખુદની મન:સ્થિતિનું વિગતે નિરૂપણ કરવાની કોઈ તક લેખક જવા દેતા નથી. સમાજના અનેક સ્તરના કેટલાં ય નોખા-અનોખા મનેખ અને તેમના ક્યારેક કરુણ તો ક્યારેક રમૂજી કિસ્સા અહીં છે.

પુસ્તકનાં અધઝાઝેરાં પાનાં કવિની ઘડતરકથાને રસાળ, બિનસાહિત્યિક બાનીમાં માંડે છે. ઇન્ટરમાં મોરબીની કૉલેજમાં અનિલ ક્રિકેટ રમી ખાતા. ‘કવિતાબવિતામાં બહુ રસ પડતો નહીં’ કહેનાર ગુજરાતીમાં નાપાસ થયા, પણ કવિતા લખતા, છપાતી ય ખરી.

‘કુમાર’માં આવેલી એમની એક કવિતાએ, પછીના વર્ષે યશવંત શુક્લની એચ.કે. આર્ટસ ‘કૉલેજમાં પ્રવેશ અપાવ્યો’. ‘અમદાવાદ શબ્દભૂમિ’ બની તેનું દીર્ઘ મનોહર ચિત્રણ છે. કુમાર કાર્યાલય, બુધસભા, રે-મઠ, યુનિવર્સિટીનું ભાષા-સાહિત્ય ભવન, સાહિત્ય પરિષદનાં અધિવેશનો, ‘હૅવમોર’ હૉટેલમાં નિરંજન ભગતની બેઠક – આ બધામાં કવિ ઓતપ્રોત થતા જાય છે.

જો કે નોકરીઓ તો મુંબઈમાં જ છે; પહેલી કારકૂન જેવી નોકરી ‘કવિતાની લાગવગથી’ મળે છે. પછી પી.આર.ઓ., સહસંપાદક, મ.ન.પા.માં ભાષા સલાહકાર, પાર્ટટાઇમ લેક્ચરર અને આખરે લૅન્ગ્વેજ ઑફિસર.

નજીવી અનિયમિત આવકે પણ રહેઠાણ મળ્યાં, મોટા અકસ્માતમાંથી બહાર આવ્યા, પોતાનું ઘર થયું. ભણતર, નોકરી અને પોતાના ઘર જેવી બહુ પાયાની બાબતોમાં તેમને આકસ્મિક રીતે મળેલી મદદના – સહેલાઈથી ગળે ન ઊતરે, અથવા કંઈ નહીં તો અચંબો પમાડે જ તેવા તેવા યોગાનુયોગોના – કિસ્સા કવિએ નોંધ્યા છે.

ઉપરાંત પગલે મુંબઈના સાહિત્યકારો, સંપાદકો, રસિક શ્રેષ્ઠીઓ, રંગકર્મીઓ, કર્મશીલોનો સક્રિય ટેકો. મુંબઈકરો અને તેમના કલા-સાહિત્યજગત વિશે કવિ દિલથી લખે છે.

કવિનો બીજો દિલી મામલો કવિઓ સાથે દોસ્તી. ખાસ તો રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, આદિલ અને નિદા ફાઝલી. પોતાની અને બીજાની રચનાઓના સર્જનની ભાગ્યે જ વાંચવા મળે એવી એનેકડોટ્સ અહીં છે.

સદભાવી લેખકો- સહૃદયો સાથેના સંખ્યાબંધ સહવાસ-ચિત્રો, પ્રસંગો, યાદો છે. ઉમાશંકર, સુરેશ દલાલ, સુરેશ જોશી, હરીન્દ્ર દવે, સોનલ શુક્લ, મીનળ મહેતા, નામદેવ લહુટે, કાન્તિ મડિયા, મધુ રાય, ભાલચન્દ્ર નેમાડે, ધર્મવીર ભારતી, શરદ જોશી, ગણેશ દેવી – આ યાદી લાંબી થાય.

આખા પુસ્તકમાંથી પસાર થઈએ તો સ્વામી આનંદથી લઈને અત્યારના સિતાંશુ યશશ્ચન્દ્ર સુધીના પચાસથી વધુ લેખકો લાંબી-ટૂંકી જિકર છે, અને અરધી સદીના ગુજરાતી સાહિત્યની તસવીરો છે.

પુસ્તકનું મુખપૃષ્ઠ વિશ્વવિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયાએ સર્જ્યું છે. ગુલામ મોહમ્મદ શેખે લખેલી સુંદર આવકાર નોંધનું શીર્ષક છે ‘પવનની ગાંસડી’.    

ગુલામ મોહમ્મદ લખે છે : ‘…આ સંભારણાં અનિલ જોશીની પaરદર્શી જિંદગીનો ભાતીગળ દસ્તાવેજ છે. આ ગાંસડીમાં ગોંડલની ભગવતપરાની શેરી અગિયારથી માંડીને ભાયખલાની ખોલી લગીના અનુભવોનો ભરચક ભંડાર છે …

‘જોયું, જાણ્યું, માણ્યું, વેઠ્યું તેનો નિતાર આ અંતરંગી સંભારણાંમાં રોજ બ રોજની બાનીમાં તળ કાઠિયાવાડની બોલીની આંગળી ઝાલી નિખર્યો છે.’                     

09 જુલાઈ 2023 
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો મારો લેખ, કેટલાક ઉમેરણ સાથે, 775 શબ્દો ]

પ્રકાશક : નવજીવન સાંપ્રત, પાનાં 280, રૂ.350/- પ્રાપ્તિસ્થાન :

– નવજીવન, ફોન : 079-27540635, 27542634
– ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ફોન : 079- 26587949
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુનાબોમ્બર: માનવ ચેતનાને ક્રૂર રીતે જગાડનાર પાગલ ડાહ્યો!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 July 2023

રાજ ગોસ્વામી

10મી જૂનના રોજ, થિયોડોર કઝિન્સકી નામના 81 વર્ષના એક કેદીનું, અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલી બીમાર કેદીઓ માટેની જેલમાં અવસાન થઇ ગયું. સંભવતઃ તેણે આત્મહત્યા કરી હતી. કઝિન્સકી એવા અપરાધ બદલ આજીવન કારાવાસની સજા ભોગવતો હતો, જેને આધુનિક અમેરિકામાં પહેલો ‘ઘરેલું આતંકવાદ’ તરીકે યાદ રાખવામાં આવે છે. આજે તમે છાસવારે અખબારોમાં સમાચાર વાંચો છો કે અમેરિકાની ફલાણી સ્કૂલમાં એક છોકરાએ બંધૂક ચલાવી અથવા ઢીંકણા મનોરોગીએ સમારોહમાં સામૂહિક શૂટિંગ કર્યું. આવી રીતે આતંક ફેલાવાની શરૂઆત થિયોડોર કઝિન્સકીએ કરી હતી.

1978થી 1995 વચ્ચે, આ માણસે ટપાલ મારફતે અથવા તો હાથોહાથ વીસથી વધુ ‘લેટર બોમ્બ’નું વિતરણ કર્યું હતું. એમાં 3 લોકોનાં મોત થયાં હતાં અને 23 લોકો જખમી થયા હતા. તે લોકો સાથે તેની દુ:શ્મની નહોતી. એ તેની પ્રતિકાત્મક હિંસા હતી. કેમ? તેનો જવાબ થોડીવાર પછી.

1998માં જ્યારે એ પકડાયો, ત્યારે તેણે અદાલતમાં તેનો અપરાધ કબૂલ કર્યો હતો. ત્યારથી તે આઠ આજીવન કારાવાસ ભોગવતો હતો. છેલ્લે, તેની માનસિક હાલત બગડી પછી સ્વાસ્થ્ય ચિકિત્સાની જેલમાં રાખવામાં આવ્યો હતો. એફ.બી.આઈ.એ તેની કેસ-ફાઈલમાં તેનું નામ, યુનિવર્સિટી અને એરલાઈન્સમાં બોમ્બ મોકલનાર પરથી, ‘યુનાબોમ’ (યુ.એન.એ.બી.ઓ.એમ.) રાખ્યું હતું. મીડિયાએ તેના પરથી તેનું નામ ‘યુનાબોમ્બર’ પાડ્યું હતું.

અમેરિકામાં ચિત્ર-વિચિત્ર પ્રકારના હજારો અપરાધીઓ છે. એમાંથી આપણે થિયોડોર કઝિન્સકીની વાત કેમ કરીએ છીએ? ટેડના હુલામણા નામથી જાણીતો થિયોડોર કઝિન્સકી, શિકાગોના ઈમિગ્રેન્ટ પોલિશ શ્રમિક પરિવારમાં પેદા થયો હતો. તેનો એક લઘુ બંધુ ડેવિડ હતો. પ્રાથમિક સ્કૂલમાં બધાં ટેડને એકલવાયો પરંતુ સ્માર્ટ કહેતા હતા.

હાઈસ્કૂલમાં તેની પ્રતિભા રંગ લાવી હતી. તેને ગણિત અને બાયોલોજીમાં એટલી રુચિ હતી કે લોકો તેને ‘હાલતું-ચાલતું બ્રેઈન’ અથવા ‘બ્રિફકેસ બોય’ કહેતા હતા. 15 વર્ષની ઉંમરે પરીક્ષામાં તેનું નામ રાષ્ટ્રીય મેરિટ લિસ્ટમાં આવ્યું હતું. બીજા વર્ષે, તે હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં પાસ થઇ ગયો, ત્યારે તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહોતું. તે ત્યાં ગણિત ભણવાનો હતો. ત્રણ વર્ષ સુધી તેના સહાધ્યાયીઓ તેને ‘ઇન્ટેલિજન્ટ પણ એકલવાયો’ તરીકે ઓળખતા હતા.

હાર્વર્ડમાં હેન્રી મૂરે નામના એક મનોવૈજ્ઞાનિકે, માઈન્ડ-કંટ્રોલના પ્રયોગ માટે, વિધાર્થીઓના એક સમૂહ પર ત્રણ વર્ષ અભ્યાસ કર્યો હતો. એમાં એક ટેડ પણ હતો. આ મૂરે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા માટે કામ કરતો હતો. કહેવાય છે કે આ પ્રયોગ દરમિયાન થયેલા અનુભવોમાંથી ટેડમાં અપરાધિક વૃત્તિ પેદા થઇ ગઈ હતી.

હાર્વર્ડમાંથી નીકળીને તેણે મિશિગન યુનિવર્સિટીમાંથી ગણિતમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી. ત્યાંથી જ તેણે પી.એચડી. પણ કરી હતી. તેને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસરની નોકરી મળી હતી. 1969માં, તેણે રાજીનામું આપી દીધું હતું. થોડા વખત માટે તે શિકાગો નજીક લોબાર્ડ ગામમાં તેનાં પેરન્ટ્સ સાથે રહ્યો અને પછી પશ્ચિમ અમેરિકાના પર્વતીય રાજ્ય મોન્ટાના લિંકન નામના એક ગામની બહાર, વીજળી કે પાણી વગરના કેબિન જેવા ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. તેમાં એક બેડ હતો, બે ખુરશીઓ હતી, સ્ટોરેજની પેટીઓ હતી અને ઘણાં બધાં પુસ્તકો હતાં. તેનો કોઈ પરિવાર નહોતો. તે સાદામાં સાદું જીવન જીવીને આત્મનિર્ભર રહેવા માંગતો હતો. તે જૂની સાઈકલ પર ગામની લાઈબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચતો હતો અને છૂટક કામો કરતો હતો.

જબરદસ્તીની નિવૃત્તિના તેના આ જીવનમાંથી તેની આતંકી ગતિવિધિનો પ્રારંભ થયો હતો. કેવી રીતે? થિયોડોર કઝિન્સકી ટેકનોલોજી અને ઔધોગિકરણ(અને તેમાંથી કેળવાયેલી આધુનિક જીવનશૈલી)નો વિરોધી હતો. એ વિરોધ તેની કેબિન પાસેથી જ શરૂ થયો હતો. તેની આસપાસ જંગલ હતું. એ સુંદર નૈસર્ગિક જગ્યા હતી. ત્યાં પ્રાકૃતિક ઝરણાં અને પાણીના ધોધ હતા. લોકો ત્યાં હરવા-ફરવા આવતા હતા. જાણે એ તેનું સ્વર્ગ હતું. એ ત્યાં રહીને જંગલમાં કેવી રીતે જીવી શકાય તે શીખી રહ્યો હતો.

1975માં, સ્વર્ગમાં ભંગાણ પડ્યું. એ ઉનાળામાં તેણે જોયું કે ત્યાં માણસોની સંખ્યા અચાનક વધી ગઈ છે. એ દૂર સુધી તપાસ કરવા ગયો તો ખબર પડી કે પહાડી મેદાનમાં બરાબર વચ્ચે રોડ બનાવી દેવામાં આવ્યો છે. તેને અકળામણ થઇ. તેને થયું કે તેની શાંતિનો ભંગ કરવામાં આવ્યો છે. તેણે નક્કી કર્યું કે સત્તાવાળાઓને પાઠ ભણાવવો પડશે.

તેણે તેની કેબિન આસપાસની જગ્યામાં આગ લગાવીને અને જમીનમાં વિસ્ફોટક દાટીને લોકોને ભગાડ્યા હતા. સ્વાભાવિક છે કે સ્થાનિક સત્તાવાળાઓ જવાબ પણ વાળ્યો હશે. તેમાં ટેડને ઔર ચાનક ચઢી અને 1978માં તેણે યુનિવર્સિટી ઓફ ઈલીનોઈસ-શિકાગોના કેમ્પસમાં બ્રાઉન રંગની પેપર-બેગ પાર્સલમાં મોકલી હતી. તેની પર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના એક પ્રોફેસરનું રિટર્ન એડ્રેસ હતું. પાર્સલ ત્યાં પહોંચ્યું અને ફાટ્યું. એમાં ક્રૂડ બોમ્બ હતો.

તે પછી ટેડ, મોટાભાગે યુનિવર્સિટીઓ અને એરલાઇન્સની ઓફિસોમાં, લગભગ 20 જેટલા લેટર-બોમ્બ મોકલવાનો હતો. 1995માં તે પકડાયો, તે જ વર્ષે તેણે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ નામનાં માતબર અખબારોને 35,000 શબ્દોનો એક લેખ (એને પુસ્તક જ કહેવું જોઈએ) મોકલ્યો હતો. તેનું શીર્ષક હતું; ઔધોગિક સમાજ અને તેનું ભવિષ્ય. તેમાં તેણે આધુનિક જીવનના વિરોધમાં જે વિચારો લખ્યા હતા, તે ટૂંકમાં આ પ્રમાણે છે :

“ઔધોગિક ક્રાંતિ માનવજાત માટે દુર્ઘટના છે. તેણે સમાજને અસ્થિર કરી નાખ્યો છે અને પ્રકૃતિને તબાહ કરી છે. તેનાથી માણસોમાં શારીરિક અને માનસિક પીડા વધી છે. ભવિષ્યમાં આ પીડા વધવાની છે. ઔધોગિક-ટેકનોલોજીકલ સિસ્ટમ કાં તો તૂટી પડશે અથવા ટકી જશે. ટકી જશે તો માણસો મશીન બનીને રહી જશે અને જો તૂટી પડશે તો તેનાં પણ ગંભીર પરિણામ આવશે. સિસ્ટમ જેટલી મોટી બનશે, એટલાં પરિણામ ગંભીર હશે. એટલા માટે, સિસ્ટમ મોટી થાય તે પહેલાં જ તૂટી પડવી જોઈએ. તેથી, અમે ઔધોગિક સિસ્ટમ સામે ક્રાંતિ કરવાનું આહ્વાન કરીએ છીએ. એ ક્રાંતિ કદાચ હિંસક હશે અથવા કદાચ હિંસક નહીં હોય. તે અચનાક આવશે અથવા ક્રમશ: આવશે. અમે તેનું કોઈ ભવિષ્ય ભાખી શકતા નથી.”

થિયોડોર કઝિન્સકી આધુનિક શહેરી જીવન જીવીને પરેશાન થઇ ગયો હતો અને શાંતિ મેળવવા માટે જંગલમાં રહેવા જતો રહ્યો હતો. જો કે, આધુનિકતાએ ત્યાં પણ તેનો પીછો છોડ્યો નહોતો. તેનાથી ઔર અશાંત અને અસ્વસ્થ થઈને તેણે આધુનિકતાનાં પ્રતિક સમી યુનિવર્સિટીઓ અને એર લાઈન્સને નિશાન બનાવીને દુનિયાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. તેનો રસ્તો અયોગ્ય હતો અને તેની સજા પણ મળી હતી, પરંતુ તેનો જે તર્ક હતો તે ખોટો નહોતો.

આજે થિયોડોર જેવી જ ચિંતા કરનારા ઘણા વધી ગયા છે કારણ કે તેણે અનુમાન કર્યું હતું તેમ ઔધોગિક-ટેકનોલોજીકલ સિસ્ટમ ટકી ગઈ છે એટલું જ નહીં, ઔર મજબૂત થઇ છે. માનવજાતિનો ઇતિહાસ અને ભવિષ્ય લખનારા ઇઝરાયેલી લેખક યુવલ નોઆ હરારી એટલે જ કહે છે, “માણસ સામે પરમાણું યુદ્ધ, પર્યાવરણની તબાહી અને ટેકોનોલોજીનાં ત્રણ સૌથી મોટાં સંકટ છે. બધા દેશો ભેગા મળીને પહેલાં બે સંકટનો તો સામનો કરી રહ્યા છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયો-એન્જીનિયરિંગ આપણી જોબ-માર્કેટ અને મન-મગજને હલાવી દેશે. ટેકનોલોજી માણસના તન-મનને હેક કરી રહી છે. કોમ્પ્યુટર અને એલ્ગોરિધમ્સને આપણા વિશે જેટલી ખબર છે તેટલી આપણને પણ નથી. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો વિકસાવી રહ્યા છીએ, પણ માણસની કોન્સિયસનેસ(ચેતના)ને વિકસાવી શકતા નથી, અને એનાં પરિણામ ગંભીર હશે.”

થિયોડોર કઝિન્સકીએ ક્રૂર રીતે માણસોની એ ચેતનાને જગાડવા પ્રયાસ કર્યો હતો.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ,, “સંદેશ”; 09 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...944945946947...950960970...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved