Opinion Magazine
Number of visits: 9458034
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  2020:  શિક્ષણની વિવિધતામાં એકતા લાવવાની ચાહ ધાર્યા કરતાં વધુ જટિલ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 July 2023

સાંભળવામાં બહુ જ ગમે એવી આ નીતિની વાતો સાથે પ્રશ્નો છે ખાનગીકરણના, સિલેબસમાં કરવા પડશે એ ધરખમ ફેરફારોના, ભાષા નીતિ અને સર્વાંગી સમાવેશના

ચિરંતના ભટ્ટ

34 વર્ષ જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ને જુલાઈની 29 2020ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી બદલવામાં આવી.  છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ નવી નીતિ સતત ચર્ચાતી રહી છે. પરિસંવાદોથી માંડીને શિક્ષણ સંસ્થાનોમાં તેની ચર્ચા ચાલતી રહી છે, કેટલાક રાજ્યો પોતાની આગવી શિક્ષણ નીતિ પર વાત કરી રહ્યા છે તો ગુજરાત જેવા રાજ્યમાં કોમન એક્ટનું ભૂત ફરી ધુણ્યું છે. નવી નીતિ અંગે વડા પ્રધાન મોદીએ જ્યારે વાત કરી ત્યારે તેમણે એમ કહ્યું કે, ’ શિક્ષણ નીતિમાં મોટા ફેરફાર કરવાનો હેતુ છે કે રાષ્ટ્રને બહેતર વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓ અને બહેતર વ્યક્તિ મળે.’ ભારત સર્વાંગી રીતે મહાસત્તા બને એ માટે નૉલેજ સુપરપાવરની દિશામાં આ સરકારનું પગલું છે અને વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક નહીં પણ બિન-શૈક્ષણિક દૃષ્ટિએ પણ વિકસે એ રીતે આ બદલાવો થશે અને થઈ રહ્યા છે એવો કેન્દ્ર સરકારનો દાવો છે. NEP 2020ને શિક્ષણવિદોએ આવકારી છે અને પરીક્ષાલક્ષી ભણતરનો ભાર ઓછો કરવાની સાથે સાથે શિક્ષણના જે ત્રણ મુખ્ય પ્રવાહો છે – સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ – તેની વચ્ચેની ભેદરેખાઓને ઝાંખી કરવાનો પણ તેમાં પ્રયત્ન છે વળી ઇતર-પ્રવૃત્તિઓ, કૌશલ્ય શિક્ષણ વગેરેનું પણ તેમાં સંતુલન મળે એવા ફેરફારો આ નવી નીતિ સાથે લવાશે.

આવતા વર્ષથી એટલે કે 2023-24થી સિલેબસ અપડેટ, ગ્રેડિંગના માળખામાં ફેરફારો વગેરે જે રીતે ચર્ચાઈ રહ્યા છે તે જોતાં કહી શકાય કે આ નીતિ ક્રાંતિકારી સાબિત થવાના બધા લક્ષણ ધરાવે છે તો સાથે સાથે જે ચાલતું આવ્યું છે બધું જ ખળભળી જાય અથવા તો તેની અમુક બાબતો સાવ ખલાસ થઈ જાય એવી પણ શક્યતાઓ છે.

ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ત્રૂટિઓ કે નીતિઓને પગલે પેઢીઓ હેરાન થઇ છે, શીખવાનું ઓછું અને ગોખવાનું વધારે વાળો ખેલ લાંબો સમય ચાલ્યો. વળી એક કરતાં વધારે બોર્ડ્ઝ હોવા, દરેક બોર્ડની શીખવવાની પદ્ધતિઓ, સિલેબસમાં પણ અંતર અને આ કારણે વિદ્યાર્થીઓની જે કેળવણી થાય તેમાં જુદા પ્રકારની આવડતોની ધાર નીકળે પણ છતાં ય વિદ્યાર્થીઓ જે તે બોર્ડમાં ભણતાં હોય તો તેમણે ‘સારા’ કે ‘હોંશિયાર’નું લેબલ જોઈતું હોય તો બધાની માફક – એક સરખી રીતનું – વધારે માર્ક લાવી આપે એવું જ પરિણામ લાવવું પડે. વળી JEET, UPSC, NEET વગેરે પરીક્ષાઓ આપવાની આવે ત્યારે અલગ અલગ બોર્ડમાં ભણેલા વિદ્યાર્થીઓ વચ્ચે સમજણમાં, પરીક્ષા આપવા પ્રત્યેના અભિગમમાં પણ બહુ મોટો ફેર હોય. બધા ભારતીય વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં એકસૂત્રતા લાવવા માટે એક યુનિફોર્મ, એક સરખા, સમાંતર બોર્ડની સ્થાપના થશે. આમ થવાથી એક કેન્દ્રિય – સેન્ટ્રલાઇઝ્ડ બોર્ડ હશે, અત્યારે જે જુદાં જુદાં બોર્ડ છે તે નહીં રહે. વર્તમાન તંત્રમાં ધરમૂળથી ફેરફાર આવશે પણ તેમાં કોઇ એક બોર્ડ સુધી પહોંચવાની ડગર ખાસ્સી લાંબી હશે કારણ કે વિવિધ સ્તરે સંકળાયેલા લોકોએ એકમત થવું પડશે. શીખવવાની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવાના હેતુથી થઈ રહેલાં પરિવર્તનો અત્યારે તો ખૂબ સારાં વર્તાય છે પણ તેનો અર્થ એ પણ કે દરેક પ્રકારની અને દરેક સ્તરની શાળાઓએ પોતે જે વિષયો ભણાવે છે તેમાં બીજા બહુ બધા વિષયો ઉમેરવા પડશે. વળી વિષયો ઉમેરી દેવાથી કંઇ કામ નથી થઇ જવાનું કારણ કે રોબોટિક્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને એસ્ટ્રોનોમી જેવા વિષયો સ્કૂલના સ્તરે ભણાવી શકે એવા શિક્ષકોની પણ જરૂર પડશે. સરકાર ગમે તે રહી હોય શિક્ષકોની જે હાલત હોય છે તે જોતાં આ જરૂરિયાત ચપટીમાં પૂરી થઈ જશે એવું કોઇ રીતે લાગતું નથી. વળી 10+2+3માંથી હવે 5+3+3+4 વાળું માળખું અમલમાં મુકાશે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેમની ક્ષમતા, વિકાસ અને સમજણને આધારે કરાશે એવી વાત પણ આ નવી નીતિમાં છે. જે શિક્ષકો એક ચોક્કસ પ્રકારે જ ‘માર્ક’ કે ‘ગ્રેડ’ આપવા ટેવાયેલા છે એમને માટે આ બદલાવ સ્વીકારીને એ પ્રમાણે કામ કરવું આસાન નહીં હોય એ પણ સમજવું જરૂરી છે. વળી શિક્ષકોને તો પરિવર્તન કરવાનું આવશે જ પણ આ નવી નીતિમાં ભણનારા વિદ્યાર્થીઓ બદલાઈ રહેલા સમય સાથે સારી પેઠે તાલ મેળવી શકશે એવી સરકારને અપેક્ષા છે.

સાંભળવામાં બહુ જ ગમે એવી આ બધી જ વાતો સાથે પ્રશ્નો છે ખાનગીકરણના, સિલેબસમાં કરવા પડશે એ ધરખમ ફેરફારોના, ભાષા નીતિ અને સર્વાંગી સમાવેશના. શાસ્ત્રો અને ગુરુકૂળ જેના પાયામાં છે એવા આપણા દેશમાં જો અચાનક કૌશલ્ય લક્ષી શિક્ષણના પાટે ચઢાવી દેવાશે તો જ્ઞાન અને સર્વાંગી શિક્ષણનો વિચાર બુઠ્ઠો થઇ જશે એવી ભીતિ છે. વળી આધુનિકતાને ધ્યાનમાં રાખીને જે પ્રકારના કોર્સિઝ કરાવવાની વાત છે એ માટે સજ્જ શિક્ષકો, તેમને આપી શકાય એવા સારા પગાર ધોરણો, તેમને ટકાવી શકાય એવું અનુકૂળ વાતાવરણ ખડું કરવું આપણા શિક્ષણ તંત્રમાં શક્ય હશે? શિક્ષણ સંસ્થાનો કૉર્પોરેટ્સ જેવા બન્યાં હોવાની છુટી છવાઇ બૂમો તો પડતી રહે છે ત્યારે આ ફેરફારો ક્યાંક એવા સાબિત ન થાય કે તે માત્રને માત્ર ખાનગી સંસ્થાનો માટે લાગુ કરવાના સહેલા પડે અને જો એવો ઘાટ થશે તો આર્થિક રીતે અમુક જ સ્તરનાં બાળકો સર્વાંગી શિક્ષણ મેળવી શકશે બાકી વૉકેશનલ – કૌશલ્ય આધારિત આવડતો ધરાવનારો વર્ગ વધશે. ખાનગી ક્ષેત્રનો શિક્ષણમાં પગ પેસારો બધાનાં ગજવાને પોસાય એવો નથી જ હોતો એ આપણે સારી પેઠે જાણીએ છીએ. વળી આવું થશે એટલે વ્હાઇટ કૉલર અને બ્લૂ કૉલર જૉબ્ઝમાં માગ અને પુરવઠાની ખાઈ પણ ખડી થશે.

નવી શિક્ષણ નીતિમાં જે ભાગીદારોએ જોડાવું જોઇએ એ બધા કંઈ હોંશે હોંશે હજી જોડાયા નથી કારણ કે તેમને માટે ઘણી બાબતો હજી અસ્પષ્ટ છે. વળી આપણા દેશમાં વિવિધતા એટલી બધી છે કે કશુંને કશું તો આમાં સામેલ થવામાં રહી જાય એવી પૂરી શક્યતા છે એવું વિશેષજ્ઞોનું કહેવું છે. વળી આ અમલીકરણની ઉતાવળમાં બહુ મહત્ત્વની બાબતોમાં ગોટાળા થવાનો ભય પણ છે – પરિવર્તનો માત્ર ઉપરછલ્લા હોય અને હાંસિયામાંના લોકો, શિક્ષકોના યુનિયન્સ, વિદ્યાર્થી સંઘ વગેરેને જો ગણતરીમાં ન લેવાયા તો પછી ત્યાંથી કયા પ્રકારના અને કેવી તિવ્રતાના વિરોધ આવશે તેની તો કલ્પના જ કરવી રહી. વળી શિક્ષણ મોંઘું છે એ તો આપણને ખબર જ છે, ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કેટલા કુટુંબોને પોસાશે? નવી નીતિમાં ભાષાઓનો વિવાદ પણ છેડાયો છે કે હિંદી અને અંગ્રેજી સિવાયની ભાષાઓને બાજુમાં ધકેલી દેવાઈ છે. કેટલા ય લોકો એવા છે જે પ્રાદેશિક ભાષા સાથે વધારે જોડાયેલા હોય છે અને જો તેમની ભાષાને પ્રાધાન્ય નહીં મળે તો તેઓ હિંદી અને અંગ્રેજીમાં અટવાશે પણ કુશળતા નહીં કેળવી શકે.

યુ.એસ.એ.માં જે થાય એ ભારતમાં પણ એને લાગુ કરવાનો મોહ બહુ સારા પરિણામો નહીં લાવે. વળી આપણે સમાજ વ્યવસ્થાને પણ ગણતરીમાં લેવી પડે. કોઇ અમેરિકી યુવાન ભણવાનું પડતું મૂકીને સુથારકામ શીખે તો ત્યાં કોઇ એને ‘જજ’ નથી કરતું જ્યારે આપણે ત્યાં તો આટલો મોટો દેશ હોવા છતાં પણ આવું ચલાવી લે એવા કુટુંબો આંગળીને વેઢે ગણવા પડે એમ છે. અમેરિકન શિક્ષણના મોડલ્સમાંથી પ્રેરણા લેતા પહેલાં આપણે ભારતીય શિક્ષણના માળખાં સાથે તેનો સંદર્ભ બંધ બેસે, તે લોકલ વિચારધારા સાથે કેટલું મેળ ખાઈ શકે છે તે ગણતરી કરવી જરૂરી છે. પશ્ચિમી શૈલીનું આંધળું અનુકરણ શ્રેષ્ઠતાનું તેજ નહીં પણ અસ્પષ્ટ અંધારું પેદા કરે એવી શક્યતાઓ વધારે છે.

NEPનો સૌથી મોટો પડકાર છે સર્વસંમતિ ખડી કરવી અને માટે જ એમ કહી શકાય કે તેની સફળતા સહકારી સંઘવાદ અને રાજ્યો કેટલી હદે સુધારાઓની જવાબદારી સ્વીકારે છે તેની પર રહેલી છે.

બાય ધી વેઃ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે વાત અને વચન છે તે ભવ્ય લાગે છે પણ વાસ્તવિકતા એ છે કે, ‘બહુત કઠિન હૈ ડગર પનઘટ કી…’ 15 લાખ સ્કૂલ્સ, 25 કરોડ વિદ્યાર્થીઓ, 89 લાખ શિક્ષકો સાથે ભારતમાં વિશ્વનું બીજા નંબરે આવનારું શિક્ષણ તંત્ર છે. ઉચ્ચ શિક્ષણનું કદ પણ ગંજાવર છે જેમાં 3.74 કરોડ વિદ્યાર્થીઓ, અંદાજે 1,000 કૉલેજિઝ, 10,725 સંસ્થાનો છે. બ્લોક્સ, તાલુકા, જિલ્લાથી માંડીને રાજ્ય સ્તરે બધું નવેસરથી લાગુ કરવાની કલ્પના માત્ર શીખેલું બધું ભૂલાવી દે એવી છે. આ લાગુ કરવામાં જવાબદારી વહેંચી બધું સમુસૂતરું પાર પડે એ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ અને સુકાનીઓ માટે બહુ મોટું કામ છે. વળી શું બધા જ રાજ્યો આ નીતિ લાગુ કરી શકશે? બધા રાજ્યો પાસે આજે પણ એક સમાન શિક્ષણ ફંડ નથી હોતું તો પછી પરિવર્તનો લાગુ કરવાને મામલે રાજ્યો સાથે આર્થિક સમાનતા રખાશે? કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો તાલમેલ આ નવી નીતિ માટે અનિવાર્ય છે પણ રાજકીય મતભેદો એ કેટલી હદે થવા દેશે? નવી નીતિ લાગુ કરવા માટે અત્યારે જાહેર શિક્ષણ પર જેટલો ખર્ચ થાય છે તેમાં જી.ડી.પી.ના છ ટકા જેટલો વધારો કરવો પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જુલાઈ 2023

Loading

પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|16 July 2023

રમેશ ઓઝા

દિલ્હી શહેર પરેશાન છે અને તેનું કારણ છે યમુનાનું પાણી. યમુનાનું પાણી દિલ્હી શહેરમાં પ્રવેશ્યું છે. યમુનાનું સ્તર અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યું છે અને ઉતરવાનું નામ નથી લેતું. દિલ્હી શહેરમાં કોઈ ધોધમાર વરસાદ નથી વરસી રહ્યો. વરસાદ ઉપરવાસમાં છે અને યમુનાનાં પાણીને સંઘરવા કોઈ રાજ્ય તૈયાર નથી. ખો ખોની રમતની માફક વચ્ચે આવતાં દરેક રાજ્ય યમુનાનાં પાણીને ખો આપે છે. દિલ્હી ખો આપી શકે એમ નથી એટલે પરેશાન છે.

પણ ખરું પૂછો તો પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી? લાખો વરસ દરમ્યાન યમુનામાં લાખો વાર પૂર આવ્યાં હશે અને બે કાંઠે ફેલાઈને એ પાણી પોતાને માર્ગે સમુદ્રમાં સમાયાં હશે. આ જ તો કુદરતનો ક્રમ છે. નદીઓને કાંઠે જ્યારે માનવ સભ્યતાઓ વિકસી તો એણે પણ નદીઓની વહેવાની અને ચોમાસામાં ફેલાવાની જગ્યાને છોડી દીધી હતી. સભ્યતા અને સંસ્કૃતિની વ્યાખ્યા કરવી હોય તો એક વાક્યમાં કહી શકાય કે બીજાની જગ્યાનો સ્વીકાર એ સભ્યતા અથવા સંસ્કૃતિ. એમાં પશુ, પક્ષી, જંગલ, પર્વત, સમુદ્ર અને માનવીનો પણ સમાવેશ થાય છે. અને આ જ રાહે જો વિકૃતિની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે બીજાની જગ્યાનો અસ્વીકાર કે અનાદર એ વિકૃતિ. એમાં પરિવારમાં સ્ત્રીની જગ્યાનો અને સમાજમાં દલિતની જગ્યાનો પણ સમાવેશ થાય છે.

એમાં વળી જળ, જમીન, જંગલ, સમુદ્ર, પશુ, પક્ષી પાસે વાચા નથી અને વિકાસની જે અવધારણા વિકસી છે તેનાં પાયામાં તેનું શોષણ છે. જંગલને કાપો. નદીઓને નાથો અને તેનાં પાત્રોને સંકોરો કે જેથી વધુ જગ્યા મળે. સમુદ્રનાં ખારાં પાણી દૂર સુધી ફેલાય નહીં અને રેતી જમીનને બગાડે નહીં એ માટે ઈશ્વરે સમુદ્રને કિનારે વનસ્પતિ ઉગાડી આપી હતી. અત્યારે એ વનસ્પતિ કાપીને મકાનો બાંધવામાં આવે છે અને વધારે જમીન મેળવવા માટે સમુદ્રને પૂરીને દૂર ધકેલવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને જંગલોમાંથી ભગાડવામાં આવી રહ્યા છે જે રીતે મણિપુરમાં કુકી અને બીજી આદિવાસી પ્રજાને જંગલમાંથી ભગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને હટાવવામાં આવે તો જંગલની જમીન અને જંગલનાં તમામ સંસાધનો પર કબજો કરી શકાય. પશુ-પક્ષીઓની જગ્યા આંચકી લો. ટૂંકમાં બીજાના હકની જગ્યા આંચકી લેવાનો સર્વત્ર પ્રયાસ ચાલી રહ્યો છે, પછી એ જગ્યા લાચાર માનવીની હોય, અન્ય જીવોની હોય કે કુદરતની.

માટે આગળ કહ્યું એમ પરેશાન દિલ્હી અને દિલ્હીવાસીઓ નથી, યમુના નદી છે. તેની પાસે બે કાંઠે વહેવા માટે અને ઉપરથી લાવેલો સોના જેવો કાંપ છોડી જવા માટે જગ્યા નથી એટલે તે ગાંડીતૂર છે. દિલ્હીમાં યમુનામાં પૂર નથી આવ્યાં, દિલ્હીમાં યમુના તરફડી રહી છે. રક્તવાહિની નસોમાં ચરબીને કારણે અવરોધ પેદા થાય અને માનવી શ્વાસ લેવા માટે જે રીતે તરફડે એ રીતે યમુના તરફડી રહી છે. રસ્તામાં પડતાં કોઈ રાજ્ય યમુનાનાં પાણીને સંઘરી શકવાની સ્થિતિમાં નથી એટલે બંધના દરવાજા ખોલીને એક રાજ્ય યમુનાનાં પાણીને બીજાં રાજ્યમાં ધકેલે છે.

વિકાસની અવધારણાનાં પાયામાં શોષણ છે અને હવે શોષણને છૂપાવવા માટે સોંદર્યકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરોમાં નદીઓનાં કિનારે બાંધવામાં આવતા રીવરફ્રન્ટ આનું ઉદાહરણ છે. વિકાસના નામે આ પહેલાં જ નદીઓની હકની જગ્યા છીનવી લીધી છે અને હવે સોંદર્યકરણના નામે નદીઓનાં પાત્રોને ટૂંકાવવામાં આવી રહ્યા છે. ઓછામાં પૂરું કુદરતે તેનાં શોષણ સામે બગાવત કરવાનું શરૂ કર્યું છે. દુકાળ, અતિવૃષ્ટિ, વાવઝોડાં, અતિશય ગરમી અને ઠંડી વગેરે હવે દર વર્ષે કોઈને કોઈ પ્રદેશમાં જોવા મળે છે. હિમશીલાઓ અને હિમાલયની ગ્લેસિયર ઓગળી રહી છે અને સમુદ્રનાં પાણીનાં સ્તર વધી રહ્યાં છે. એમ કહેવાય છે કે આ સદીના અંત સુધીમાં જગતમાં પ્રચંડ માત્રામાં અન્ન અને જળસંકટ પેદા થવાનું છે. જળસંકટ બન્ને પ્રકારનું; ક્યાંક અભાવનું અને ક્યાંક અતિશયતાનું.

દિલ્હીમાં પહેલીવાર મેં યમુનાનાં દર્શન ૧૯૭૮ની સાલમાં કર્યાં હતાં અને ત્યારે યમુના ધોરણસરની નદી હતી. ફેલાયેલી અને બન્ને કિનારે પોતાનાં હકની અનામત જમીન ધરાવનારી. યમુનાને પેલે કાંઠે પણ દિલ્હી વસેલું હતું, પણ યમુનાની અનામત જમીન છોડીને. આજે એ જ યમુના નદીની અનામત જમીન તો છોડો તેની વહેવાની જમીન પણ છીનવી લેવામાં આવી છે. પૈસા કમાવા માટે બિલ્ડરો, રાજકારણીઓ અને પ્રશાસનના અધિકારીઓએ મળીને એ યમુનાને નાળામાં ફેરવી નાખી છે અને તેનાં પાણી કાળા મેશ જેવાં છે. લોકોને બેવકૂફ બનાવવા સોંદર્યકરણના નામે રીવરફ્રન્ટ બાંધવામાં આવેલ છે જેણે નદીને હજુ વધુ સંકોરી છે. ધર્મનો ધંધો કરનારા બાવાઓનાં આશ્રમો દેશભરમાં સર્વત્ર નદીઓને કાંઠે સેંકડો એકર જમીનમાં જોવા મળશે. માટે પરેશાન યમુના છે. યમુના સંતપ્ત છે.

આ તો હજુ શરૂઆત છે. આવી રહેલાં સંકટનો હળવો અહેસાસ કરાવે છે. સંકટ તો હવે આવવાનું છે અને તે સાર્વત્રિક હશે. ચેતવવા માટે કુદરત ટપલી મારી રહી છે, કુદરતની લાત હવે પછી પડવાની છે. આદિ શંકરાચાર્યનું યમુનાષ્ટક ગાવાથી અને ગાતી કે સાંભળતી વખતે ગળગળા થઈ જવાથી સારા માનવી નહીં બની શકાય, સારા માનવી બનવું હોય તો યમુનાની કે બીજી કોઈ પણ નદીની હકની જગ્યાનો સ્વીકાર કરવો રહ્યો. કેટલાક મૂળભૂત પ્રશ્નો કરતાં શીખવું જોઈએ. રીવરફ્રન્ટની વાત આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ શા માટે? આની કોઈ જરૂર છે? બુલેટ ટ્રેનની વાત આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ શા માટે? આની કોઈ જરૂર છે? અંગત જીવનમાં પેન્ટ-શર્ટની દસમી જોડી ખરીદતાં પહેલાં પણ પ્રશ્ન થવો જોઈએ કે આની કોઈ જરૂર છે ખરી? છે એટલાં કપડાં પૂરતા નથી? જો પ્રશ્ન નહીં પૂછો તો કુદરત તો જવાબ આપી જ રહી છે. અને હા, આપણા અકરાંતિયાપણાની તેમ જ કદરૂપા સોંદર્ય પ્રત્યેની મુગ્ધતાની કિંમત આપણા નિર્દોષ સંતાનોએ ચૂકવવી પડશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જુલાઈ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—205

દીપક મહેતા|Opinion - Opinion|15 July 2023

અંગ્રેજ કવિ લોર્ડ ટેનિસન અને કાયદાશાસ્ત્રી દિનશાજી મુલ્લા   

 સ્થળ : ફ્લોરા ફાઉન્ટન ઉર્ફે હુતાત્મા ચોક આગળ આવેલા દાદાભાઈ નવરોજીના પૂતળા પાસે 

સમય : કોઈ પણ દિવસની સવારે ચાર વાગ્યે

પાત્રો : પારસીઓનાં પૂતળાં

(હિંદના દાદા દાદાભાઈ નવરોજી સુખાસન પર બેઠા છે. ચહેરા પર કોઈ અજબ શાંતિ છે. સૌથી પહેલાં શેઠ ભીખા બહેરામ અને રઘલો આવે છે. બંને જણા મહેમાનોની આગતા-સ્વાગતાની તૈયારી કરે છે.)

દાદાભાઈ નવરોજી

રઘલો : ભીખા સેઠ! દર વખતે તું બધાને પૂછ પૂછ કર્યા કરે છે, પણ આજે તો પેલ્લાં હું જ તને પૂછસ. મને એ કહે કે આ જગાનું સાચ્ચું નામ સું છે? ફ્લોરા ફાઉન્ટન કે હુતાત્મા ચોક?

ભીખા સેઠ : બંને સાચ્ચાં.

રઘલો : એ કંઈ ભેજામાં ઊતરે નૈ.

હુતાત્મા સ્મારક

ભીખા સેઠ : ઓહો! તો તુને ભેજું બી છે! તો સમજ. અંગ્રેજોના જમાનામાં આય જગાનું નામ હુતું ફ્લોરા ફાઉન્ટન. અરે! એ પછી બી ૧૯૬૧ સુધી તો એ જ નામ હુતું. સામે જે ફવારો દેખાય છે ને તેના પર જે પૂતળું છે તે રોમન દેવી ફ્લોરાનું છે. એટલે એ ફવારો ફ્લોરા ફાઉન્ટન બન્યો, અને લોકો આ આખ્ખી જગોને ફ્લોરા ફાઉન્ટન કહેવા લાગ્યા. આય ફવ્વારો બનાવવાનો ખરચ ૪૭ હજાર રૂપિયા આવ્યો હૂતો. તેમાંથી ૨૦ હજાર રૂપિયા આપના પારસી નબીરા ખરશેદજી ફરદુનજી પારેખે આપેયા હુતા. આઝાદી મળ્યા પછી ધીમે ધીમે એક ભાષા, એક રાજ્ય એ રીતે રાજ્યો બનતાં ગયાં. પણ અંગ્રેજોના જમાનાથી મુંબઈ રાજ્યમાં બે ભાષા ચાલતી હુતી, મરાઠી અને ગુજરાતી. હવે આ બેઉ ભાષાનાં અલગ રાજ્યો કરવાની માગની ઊભી થઈ. લોકો રસ્તા પર ઊતરી આયા. ‘મુંબઈ સહિતના સંયુક્ત મહારાષ્ટ્ર’ માટેની ચલવળ જોરદાર બનતી ગઈ. તને સું કેઉં રઘલા, હજારો લોકો એક સાથે નારા લગાવતા : ‘મુંબઈ કોણાંચી? મહારાષ્ટ્રાંચી.’ પોલીસે બેફામ ગોલીબાર કીધો. તેમાં ૧૦૬ લડવૈયા શહીદ થયા. શેવટે પહેલી મે ૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ સ્ટેટ બન્યાં. યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્રના પહેલા મુખ્ય મંત્રી બન્યા. એવને પહેલું કામ આય મેમોરિયલ બાંધવાનું કર્યું. શહીદોની યાદ જાળવવા ૧૯૬૧માં આય હુતાત્મા સ્મારક ઊભું થયું. કોઈ એક માણસનું નહિ, પણ ઘણા બધા લોકોનું સાગમટું હોય એવું આ મુંબઈનું પહેલું બાવલું. આ એરિયાનું સત્તાવાર નામ છે હુતાત્મા સ્મારક ચોક, પણ લોકોની જીભ પરથી હજી ફ્લોરા ફાઉન્ટન નામ દૂર થયું નથી. 

રઘલો : પન આજે કાં પેલ્લી મે છે કે તેં આજની મિટિંગ અહીં બોલાવી?

ભીખા શેઠ : અલ્યા! તારું નામ રઘલો નહિ ઘેલો પાડવું જોઈએ. મહાત્મા ગાંધીએ જેમને  ‘હિંદના દાદા’ની પદવી આપેલી તેવા દાદાભાઈ નવરોજી સાહેબનું પૂતળું બી અહીં જ આવેલું છે. એવા મોટ્ટા માણસને કંઈ આપના કૂવા પર બોલાવાય? તેમની ખિદમતમાં આપને હાજર થવાનું હોય. 

(એક પછી એક મહેમાનો આવતા જાય છે. રઘલો નમનતાઈથી પાન-ગુલાબ આપતો જાય છે. દિનશા એદલજી વાચ્છા પધારે છે. તેમની પાછળ એક નોકર પાંચ-છ થોથાં ઉપાડીને ચાલે છે.)

રઘલો : આય સાહેબ તો વકીલ લાગે છે. મને વકીલની તો બૌ બીક લાગે, સેઠ!

ભીખા શેઠ : કેમ વારુ? 

રઘલો : એ લોકો તો સાચ્ચાનું જુઠ્ઠું અને ખોત્તાનું સાચ્ચું કરવામાં નામચીન. 

એદલજી વાચ્છા 

દિનશા વાચ્છા : નૈ રે દીકરા! હું વકીલ બી નહિ, અને સાચ-જૂથની અદલાબદલી કરવાવાળો બી નહિ. પણ તુને એમ કેમ લાગ્યું કે હું વકીલ હોવસ?

રઘલો : થોથાં ઉપાડીને પાછળ પાછળ નોકર ચાલે છે ને એટલે.

ભીખા શેઠ : અરે, એ બધી બુક્સ તો આ વાચ્છા શેઠે લખેલી છે. ૧૮૬૫માં શેર બજાર ભાંગ્યું તેને વિશે લખેલું છે. સર જમશેદજી તાતાની અને સેઠ પ્રેમચંદ રાયચંદની બાયોગ્રાફી લખેલી છે. મુંબઈની મુન્સીપાલ્ટીની તવારીખ લખેલી છે. પણ વાચ્છા સેઠ! મુને સૌથી વધારે ગમે ચ તે તો પેલી કિતાબ, Shells from the sands of Bombay. જૂના મુંબઈ માટે જાણવા માગનારાઓ માટે તો એ સુન્નાની ખાન છે. અને બીજી એક વાત : એક જમાનામાં દાદાભાઈ નવરોજી અને ફિરોઝશાહ મહેતા પછી આય વાચ્છા સેઠ દેશના જાહેર જીવનનાં ત્રીજા મોટા આગેવાન ગણાતા હતા. ગણિત અને વેપાર-વણજના તો એવન ખાં હુતા. લોક કહેતા કે આંકડાઓ તો એવનની આંગલીઓ પર રમે છે. મુંબઈની અને દેશની કેટલીયે સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ કામ કરતા. 

વાચ્છા શેઠ : અરે ભીખા શેઠ! તમે મુને ખજૂરીના ઝાડ પર નિ ચડાઓ. જુઓ, મારી વાત થોડી સમજો. ૧૮૪૪ના ઓગસ્ટની બીજી તારીખે ખોદાયજીએ મુને આય દુનિયામાં મોકલ્યો. એલ્ફિન્સ્ટન સ્કૂલ અને કોલેજમાં ભણ્યો. જો કે ભણવાનું અધૂરું મૂકી મારા બાવાના ધંધામાં જોતરાવું પડ્યું. પછી બેન્કમાં કામ કર્યું, વેપારી પેઢીમાં કામ કર્યું. મુંબઈની મ્યુનિસિપાલિટીનો સભ્ય બન્યો, બહેરામજી મલબારીના ઇન્ડિયન સ્પેક્ટેતર નામના છાપામાં ઘણું ઘણું લખ્યું. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની શરૂઆત થઈ ત્યારથી તેના કામમાં પડ્યો. જે સિત્તેર લોકોની ટોલીએ એ શરૂ કરી તેમાંનો એક હું બી હૂતો. ૧૯૦૧માં કાઁગ્રેસનો પ્રમુખ બન્યો. એલન હ્યુમે કાઁગ્રેસની શરૂઆત કરી ત્યારે હું બી એવનની સાથે હૂતો. પન પછી જ્યારે તેઓ કાઁન્ગેસને પોતાની જાગીર સમજવા લાગ્યા ત્યારે મારે તેમની સામ્ભે બી બોલવું પડ્યું. મેં કહ્યું કે એવન માનતા લાગે ચ કે કાઁગ્રેસ તો મારું બચ્ચું છે એટલે હું કહું તે પરમાણે જ ચાલવું જોઈએ. પણ ખરા માઈ-બાપ તો પોતાનું બચ્ચું મોટું થાય એટલે તેને પોતાના પગ પર ચાલતાં શીખડાવે.

ભીખા શેઠ : મુંબઈની અને હિન્દુસ્તાનની લાંબો વખત સેવા કર્યા પછી વાચ્છા સાહેબ ૧૯૩૬ના ફેબરવારીની ૧૮મી તારીખે બેહસ્તનશીન થઈ ગયા. ફોર્ટ એરિયામાં એવનનું બાવલું છે અને એવનના નામનો એક રોડ બી છે.

રઘલો : શેઠ! આય બીજા દિનશાજી આવિયા, દિનશાજી મુલ્લા. અરે! એવનની સાથે તો ઢગલો ચોપડીઓ ઊંચકીને હમાલ ચાલતો છે.

ભીખા શેઠ : જો રઘલા. આય દિનશાજી તો ખરેખાત મોટ્ટા વકીલ છે. એટલે બોલવામાં સંભાળજે. 

રઘલો : નહિ રે સેઠ, હવે બોલે મારી બલારાત.

ભીખા શેઠ : પધારો મુલ્લા સેઠ, પધારો, અને આઈ સભાને શોભિતી કરો. 

એદલજી મુલ્લા 

મુલ્લા : દાદાભાઈ સાહેબ! આપને મારા પાયલાગણ! અરે વાચ્છા શેઠ, તમે બી હાજર છો! તમુને બી સલામ.

ભીખા શેઠ : આય મુલ્લા શેઠ બહુ મોટ્ટા વકીલ હતા. પછી જજ સાહેબ બન્યા. પોતે પાક્કા જરથોસ્તી, પન હિંદુ, મુસ્લિમ, અને બીજા કાયદાઓ વિષે ચોપડીઓ લખી. સુધારા-વધારા સાથે આજે બી એવનની ચોપડીઓ વેચાય છે. માનવામાં નિ આવતું હોય તો ગૂગલદેવને પૂછી જોજો.

મુલ્લા શેઠ : મોટ્ટો કે નાલ્લો વકીલ હું હૂતો એની તો મુને ખબર નિ, પણ હું વકીલ બનિયો તે લોર્ડ બાયરનને કારણે.

વાચ્છા શેઠ : સું કેઓ ચ? લોર્ડ બાયરન એટલે અંગ્રેજી ભાષાનો પેલો નામીચો કવિ? એવન તમુને ઓળખતા હુતા?

મુલ્લા શેઠ : નૈ રે! પણ હું એવનને ઓળખતો હૂતો એક મોટ્ટા કવિ તરીકે. ઓહોહો! સું સું લખતો હૂતો, કેવું કેવું લખતો હૂતો!

A drop of ink may make a million think 

ફક્ત નવ લફ્ઝમાં કેટલી મોટ્ટી વાત! કવિની કલમનું એક સ્યાહીનું ટીપું, લાખ્ખો-કરોડો લોકોને વિચારતા કરી મૂકે છે. એવનના એક લેટરે મારી આખ્ખી જિંદગાની બદલી નાખી. 

ભીખા શેઠ : એ વલી કઈ રીતે?

મુલ્લા શેઠ : હું કોલેજમાં ભણતો હૂતો ત્યારે મુને અંગ્રેજી સાહિત્યનું ઘેલું લાગેલું. ગાંડી-ઘેલી કવિતાઓ અંગ્રેજીમાં લખતો અને વિચારતો કે હું તો બસ! કવિ જ થાવસ. બીએ બી અંગ્રેજી લિટરેચરમાં કીધું. પન ઘેરના બધા કહે કે કવિતા લખવાથી કાંઈ છોકરાં ચાંદીને ઘૂઘરે રમે નૈ. એના કરતાં લોનું ભણ અને વકીલ થા તો બે પૈસા કમાઈસ. આપને તો હાથમાં લીધા ઈન્ડિપેન ને કાગજ ને લખી નાખ્યો લેટર લોર્ડ બાયરનને. સાથે મારી સોજ્જી પોએમ્સ બી મોકલી. લેટરમાં લખિયું કે મારી ખ્વાઈશ કવિ થવાની છે, પણ ઘેરના લોકો કહે છ કે વકીલ બન. આય સાથે મારી થોડી પોએમ્સ મોકલું છું તે જોઈને સલાહ આપવા મહેરબાની કરજો કે મારે કવિ થવું કે વકીલ.

રઘલો : હે હે હે! એવરા મોટ્ટા માનસે તો જવાબ જ આપ્યો નહિ હોએ. 

મુલ્લા શેઠ : અમારા જમાનામાં હિન્દુસ્તાન-ગ્રેટ બ્રિટન વચ્ચેની ટપાલ સ્ટિમરમાં જતી-આવતી. એક કાગજને પહોંચતા મહિનો-દોઢ મહિનો લાગે. એટલે રાહ જોયા કરું. પન એક દિવસ લોર્ડ સાહેબનો જવાબ આયો.

ભીખા શેઠ : સું લખેલું એવને? 

મુલ્લા શેઠ : જાત્તે, પોત્તે, જવાબ લખેલો : તમે મોકલેલી પોએમ્સ વાંચ્યા પછી મુને લાગે છ કે તમારે કુટુમ્બીઓની સલાહ માનીને વકીલાતનું જ ભણવું જોઈએ.” બસ. અંગ્રેજી લિટરેચરે એક બહુ મોટ્ટો કવિ ગુમાવિયો.

ભીખા શેઠ : અને હિન્દુસ્તાનને મલિયો કાયદાનો ખેરખાં. બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરી, ગવર્ન્મેન્ટ લો કોલેજમાં શીખવાડ્યું, ઇન્ગલંડની પ્રિવિ કાઉન્સિલના મેમ્બર બનિયા, ૧૮૯૫માં મુલ્લા એન્ડ મુલ્લા નામની કંપની વકીલાતના ધંધા માટે સુરુ કીધી અને કાયદાનાં કેટલાંય થોથાં છાપિયાં. ૧૯૩૪ના એપ્રિલની ૨૬મી તારીખે એવન બેહસ્તનશીન થયા. બોમ્બે હાઈ કોર્ટના કંપાઉંડમાં એવનનું સ્ટેચ્યુ આજે બી ઊભેલું છે. 

દાદાભાઈ નવરોજી : આજે કેટલે વખતે આટલી વાતો સાંભળવા મળી. બાકી રોજ તો હજારો લોકો અહીંથી આવન-જાવન કરે છે, પણ કોઈને આંખ ઊંચી કરીને કોઈ પૂતલા તરફ જોવાની વટીક ફુરસદ નથી. હા, બર્થ ડે પહેલાં એક-બે દિવસે થોડી સાફસફાઈ થાય, કોઈ નાનો-મોટો નેતા આવીને હાર પહેરાવી જાય. મોટો નેતા હોય તો વલી બીજે દિવસે એકુ-બે છાપામાં અંદરને પાને ફોટો છપાય. 

ભીખા શેઠ : ચાલો, લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે. આજની આ બેઠક પૂરી કરીએ. ફરી મળીશું આવતા શનિવારે, આ જ જગ્યા, આ જ ટાઈમ. 

Email : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

 (પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 15 જુલાઈ 2023)

Loading

...102030...934935936937...940950960...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved