Opinion Magazine
Number of visits: 9666143
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—222

દીપક મહેતા|Opinion - Opinion|15 November 2023

દિવાળી અંકો: મરાઠી માણૂસની આગવી ઓળખ      

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,

કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

કવિ જગદીશ જોશીના કાવ્યના આ શબ્દો આજે યાદ આવવાનું કારણ? કારણ મરાઠી ભાષા-સાહિત્યમાં દિવાળી અંકોનાં ૧૯૦૯માં રોપાયેલાં બીજમાંથી આજે જે અનેક ડાળ, પાંદડાં, ફૂલ પ્રગટ્યાં છે તેની થોડી વાત આજના સપરમાં દહાડે કરવી છે.

મરાઠી ભાષામાં દર વરસે ૫,૦૦૦થી ૬,૦૦૦ પુસ્તકો પ્રગટ થાય છે. એટલે કે મહિનાનાં ૪૦૦થી ૫૦૦. પણ દિવાળી પછીના દોઢ-બે મહિનામાં બહુ ઓછાં પુસ્તકો પ્રગટ થાય છે. કેમ? કારણ જે લોકોને વાંચવામાં રસ છે તેઓ એ વખતે ‘દિવાળી અંકો’ ખરીદવા મંડી પડ્યા હોય છે. એ વખતે પુસ્તકોની ખરીદી માટે પૈસા ફાળવવાનું મુશ્કેલ. એટલે પુસ્તક પ્રકાશકો દોઢેક મહિનો પોરો ખાય. આવો છે મરાઠી દિવાળી અંકોનો દબદબો.

દરેક પ્રજાને, દરેક પ્રદેશને, પોતાની ખાસિયત હોય છે. આગવી ભાત હોય છે. એ ખાસિયત કે ભાતનું કારણ હોય છે જરૂરિયાત. અને જરૂરિયાતનું કારણ હોય છે પ્રકૃતિ. દિવાળી જેવા તહેવારોમાં પણ પ્રગટ થતી હોય છે આવી ખાસિયત, આવી ભાત, આવી જરૂરિયાત, આવી પ્રકૃતિ. ગુજરાતી કે મારવાડી સમૂહની ખાસ વાત છે ચોપડા પૂજન. કારણ પ્રજા મુખ્યત્વે વેપારી. વ્યાપારે વસતે લક્ષ્મી, એમ માનનારી. તો મરાઠીભાષીઓને સાહિત્ય, સંગીત, નાટક, અને બીજી કલાઓમાં વધારે લગાવ. એટલે તેમની એક ખાસ ઓળખ છે ‘દિવાળી અંક.’

દિવાળી અંક? કેમ? આપણાં ગુજરાતી મેગેઝીનોના દિવાળી અંક નથી પ્રગટ થતા? થાય છે, પણ કેટલા? મરાઠીમાં દર વરસે ચારસો કરતાં વધારે દિવાળી અંક પ્રગટ થાય છે! અને દિવાળી પછી નહિ નહિ તો ય ચાર-પાંચ મહિના એ અંકો વંચાતા રહે છે! એ વળી કઈ રીતે? મુંબઈના ગિરગામ, દાદર, પાર્લા ઇસ્ટ જેવા વિસ્તારોમાં આજે પણ સારી એવી સંખ્યામાં ‘સરક્યુલેટિંગ લાઈબ્રેરી’ જોવા મળે. બને તેટલા દિવાળી અંકો ત્યાંથી લઈને વાંચનારાઓની સંખ્યા ઘણી મોટી. આ રીતે વાંચવાનું સહેજે ત્રણ-ચાર મહિના ચાલે. મહારાષ્ટ્રનાં બીજા શહેરોમાં, ગામોમાં, પણ આવી લાયબ્રેરીઓમાંથી લાવીને લોકો વાંચે. મરાઠી દિવાળી અંકોની શરૂઆત નાનકડા ગૃહ ઉદ્યોગ રૂપે થયેલી. આજે તો વરસે ૩૦-૪૦ કરોડની આવક-જાવક કરતો આ ઉદ્યોગ બની ગયો છે. છેલ્લાં કેટલાંક વરસોમાં આવેલી ઓટ પછી આ વરસે ફરી ભરતી આવવાનાં એંધાણ છે. ગયા વરસ કરતાં આ વરસે માગમાં ત્રીસ ટકા જેટલો વધારો થવાનો અંદાજ જાણકારોએ મૂક્યો છે.

પહેલો દિવાળી અંક અને તેના જનક 

દિવાળી અંકોના પ્રકાશનની શરૂઆત થઈ છેક ૧૯૦૯માં. કાશીનાથ રઘુનાથ આજગાંવકર મૂળ નામ. પણ ઓળખાયા કાશીનાથ મિત્ર તરીકે. કેમ? કારણ એ હતા બંગાળી ભાષાના અચ્છા જાણકાર. બંગાળીમાંથી મરાઠીમાં અનુવાદ પણ કરેલા. તેમણે બંગાળીઓની ‘મિત્ર’ અટક અપનાવીને પોતાના નામ સાથે જોડી દીધી. ૧૮૭૧ના નવેમ્બરની બીજી તારીખે તેમનો જન્મ. ૧૮૯૫માં તેમણે ‘મનોરંજન’ નામનું માસિક શરૂ કર્યું. તેમના એક મિત્ર રાવસાહેબ ગોવિંદ માધવરાવ ડુકલે લંડન રહે. ટાઈમ્સ લિટરરી સપ્લિમેન્ટનો નાતાલ વિશેષાંક પેલા મિત્ર પાસે હતો તે જોયો. તરત મનમાં વિચાર : મરાઠીમાં આ રીતે ‘દિવાળી અંક’ કેમ પ્રગટ ન કરી શકાય?

વળી એ વખતે મુંબઈથી પારસી ગુજરાતીમાં ‘માસિક મજેહ’ નામનું મેગેઝીન નીકળતું. તેનો આધાર પણ લીધેલો. અગાઉ દિવાળી વખતે તહેવારને અનુરૂપ કવિતા કે લેખ કે એવું કશુંક તો છાપતા. પણ આખેઆખો દિવાળી અંક? હા, ૧૯૦૯ની દિવાળી વખતે તેમણે પ્રગટ કર્યો મરાઠી ભાષાનો પહેલવહેલો દિવાળી અંક. એટલું જ નહિ, છેક ૧૯૩૫ સુધી દર વરસે મનોરંજન’ના દિવાળી અંક પ્રગટ થતા રહ્યા. પહેલા અંકમાં ૧૯૨ પાનાં ભરીને લખાણો હતાં જ્યારે ૨૭ પાનાં જાહેર ખબરનાં હતાં. પહેલા અંકના નિવેદનમાંની કેટલીક વાતો આજે આપણને સમજતાં કદાચ થોડી વાર લાગે. તેઓ લખે છે કે ઘણા મોટા મોટા લેખકોના લેખો આવતા રહ્યા, પણ તેમાંના કેટલાક કમ્પોઝ ન થઈ શક્યા. જે કમ્પોઝ થયેલા તેમાંના ઘણા પાનાં ઓછાં પડવાને કારણે સમાવી ન શકાયા. આ અંકનું છાપકામ એક સાથે ત્રણ પ્રેસમાં થયું હતું : નિર્ણય સાગર પ્રેસ, કર્ણાટક પ્રેસ, બોમ્બે વૈભવ પ્રેસ. કારણ કોઈ એક પ્રેસ બધી નકલ છાપી શકે તેમ નહોતું! પણ છેવટે તો ત્રણ-ત્રણ છાપખાનાં પણ બધાં કામને પહોંચી વળી શક્યા નહિ! જો કે આ અંકની કુલ કેટલી નકલો છાપેલી તે જણાવ્યું નથી. ૨૧૯ પાનાંના અંકની કિંમત હતી એક રૂપિયો!

આ અંકમાંના લેખો પણ ખાસ ધ્યાન ખેંચે એવા છે. બાળવિવાહ, વિધવા વિવાહ, જાતિ પ્રથા, સામાજિક અને ધાર્મિક સુધારા, વગેરે એ જમાનાના મહત્ત્વના પ્રશ્નો વિષે લેખો છે. ઘણા લેખોમાં ૧૯મી સદીના છેલ્લા દાયકામાં મુંબઈમાં ફેલાયેલા પ્લેગનો ઉલ્લેખ જોવા મળે છે. એ વખતે ઘણી મોટી સંખ્યામાં યુવાન પુરુષો પ્લેગનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. પરિણામે નાની ઉંમરની ઘણી બધી સ્ત્રીઓ વિધવા બની. તેથી એ વખતે વિધવા વિવાહનો પ્રશ્ન વધુ ઉગ્ર બન્યો હતો. અહીં લખનાર લેખકો એકંદરે વિધવા વિવાહના હિમાયતી હોવાનું જણાય છે.

‘મનોરંજન’ના દિવાળી અંકને મળેલી સફળતા જોઇને બીજાઓએ પણ દિવાળી અંકો પ્રગટ કરવાનું શરૂ કર્યું. મરાઠી માણુસે પણ આ અંકોને અપનાવી લીધા. દિવાળીની રજાઓ, તહેવારની ઉજવણી, સગાંવહાલાંને મળતી વખતે અપાતી-લેવાતી ભેટો – આ બધાંને લીધે દિવાળી અંકોને અનુકૂળ વાતાવરણ સર્જાયું. માત્ર દિવાળીમાં જ પ્રગટ થતા વાર્ષિક અંકો પણ વધતા ગયા. તો બીજી બાજુ પ્રતિષ્ઠિત સામયિકોએ પણ દિવાળી અંકોના પ્રકાશનમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં દિવાળી અંકોની સામગ્રીના કેન્દ્રમાં સાહિત્ય હતું. પણ પછી થોડા જ વખતમાં જૂદાં જૂદાં ક્ષેત્રોને આવરી લેવાનું શરૂ થયું. આર્થિક સધ્ધરતા, શિક્ષણ, પ્રવાસ, વગેરે વધતાં ગયાં તેમ તેમ મધ્યમ વર્ગે દિવાળી અંકોને વધુ ને વધુ અપનાવ્યા.

વાચકોની તાસીર અને પસંદગી પારખી જઈને પ્રકાશકો પણ દિવાળી અંકોમાં સતત ફેરફારો કરતા રહ્યા. બીજી ભાષાની સાહિત્ય કૃતિના અનુવાદ, પરિચય વગેરે છપાતાં થયાં. સ્ત્રીઓ અને બાળકોને ખાસ ધ્યાનમાં રાખીને લેખ સામગ્રી પસંદ થવા લાગી. હા, શરૂઆતમાં એ સામગ્રી પરંપરાગત હતી. જેમ કે ભરત-ગૂંથણ, રંગોળી, પાકકળા, વગેરે. પણ પછી તરત સમજાયું કે મધ્યમ વર્ગની શિક્ષિત સ્ત્રીઓ સુધી પહોચવું હોય તો આ સામગ્રી નહિ ચાલે. તેમનાં વિચાર, જરૂરિયાત, માન્યતા, વગેરેને અનુરૂપ સામગ્રી ધરાવતા અંકો પ્રગટ થવા લાગ્યા.

બીજી બાજુ વયસ્ક વાચકોને અનુરૂપ થાય તેવી સામગ્રી પણ આમેજ થવા લાગી. વૃદ્ધોની શારીરિક અને માનસિક સંભાળ, બીજાં કુટુંબીજનો સાથેના તેમના સંબંધો, તેમના જીવનના આર્થિક પાસાનું આયોજન, જેવા વિષયો દિવાળી અંકોમાં દાખલ થયા. શ્રમજીવીઓ અને પાંઢરપેશીઓને માફક આવે તેવી સામગ્રી ઉમેરાઈ, તો બીજી બાજુ પર્યટન, રાજકારણ, અર્થકારણ, જેવા વિષયોને વરેલા દિવાળી અંકો પણ પ્રગટ થવા લાગ્યા. આવા બધા વિષયો આવે પછી લગ્નજીવન અને કામજીવન કેમ ન આવે? જુદા જુદા વિષયોની ભેળ જેવા અંકોની સાથે જ કોઈ એક ખાસ વિષયને લગતા અંકોને પણ વાચકોએ વધાવી લીધા. 

દિવાળી અંકોની દુનિયા

સાહિત્યિક કૃતિઓ જ સમાવતા અંકોની પણ રૂખ બદલાઈ. લોકપ્રિયતાની ટોચે પહોંચેલા ના.સી. ફડકે, ચંદ્રકાન્ત કાકોડકર, જેવા લેખકોની જ કૃતિઓ ધરાવતા અંકો પ્રગટ થવા લાગ્યા. તો જયવંત દળવી જેવા ખૂબ પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ધરાવતા લેખક દર વરસે ૪૦-૫૦ દિવાળી અંકો માટે લખતા. આવા અંકોને મળતી સફળતા જોઈને કેટલાક અત્યંત લોકપ્રિય લેખકોએ પોતે પોતાની જ કૃતિઓ છાપતા અંકો શરૂ કર્યા. આવા અંકોમાં મોટે ભાગે ત્રણ-ચાર નવલકથા જ છપાતી. અલબત્ત, અંક હોય ૨૦૦-૨૫૦ પાનાંનો, એટલે હકીકતમાં આ કૃતિઓ ‘લઘુનવલ’ હોય. તો બીજી બાજુ એવા લેખકો પણ ખરા, જે દિવાળી અંકો માટે ન જ લખવાની ગાંઠ વાળીને બેસતા. ભાલચંદ્ર નેમાડે, વિંદા કરંદીકર, દિલીપ ચિત્રે, નામદેવ ઢસાળ, વગરેનો આ વર્ગમાં સમાવેશ થતો.

‘મૌજ’કાર શ્રી.પુ. ભાગવત 

દિવાળી અંકોનાં શિખર જેવાં બે પ્રકાશનો તે ‘મૌજ’ અને ‘સત્યકથા’ના દિવાળી અંકો. અને તેની પાછળનું ચાલકબળ તે શ્રી.પુ. ભાગવત. તેમણે એક બાજુથી પ્રતિષ્ઠિત લેખકોની ઉત્તમ કૃતિઓ છાપી. તો બીજી બાજુ કેટલાયે નવાં લેખક-લેખિકાને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અલબત્ત, ૧૯૨૨માં ‘મૌજ’ની શરૂઆત બીજાએ કરેલી. પણ ૧૯૪૫માં ભાગવતે તે ખરીદી લીધું પછી તેની કાયાપલટ થઈ ગઈ. સત્યકથા માસિક બંધ થયા પછી તેના દિવાળી અંકનું પ્રકાશન પણ બંધ થયું. પણ વાર્ષિક મૌજનો દિવાળી અંક આજે પણ પ્રગટ થાય છે.

‘મનોરંજન’ના પહેલા દિવાળી અંકની કિંમત હતી એક રૂપિયો. વધતી વધતી દિવાળી અંકોની કીમત આજે ૨૫૦-૩૦૦ રૂપિયા સુધી પહોંચી છે. આ ઉપરાંત બને તેટલી વધુ જાહેર ખબરો મેળવવાના પ્રયત્ન તો થાય છે જ, પણ હવે જાહેર ખબરો આપનારને માફક આવે એવી સામગ્રી પણ ઘણા અંકોમાં ઉમેરાય છે. તો બીજી બાજુ માત્ર જાહેરખબર આપનારાઓ પૂરતી જ નકલો છાપનારા વિરલાઓ પણ છે. સંબંધોને કારણે આવ લોકો મોટા પ્રમાણમાં જાહેર ખબરો મેળવે છે. બીજી સામગ્રી પણ મેળવે છે. પણ જાહેર ખબર આપનારાઓને મોકલવા માટે જોઈએ તેટલી જ નકલ છપાવે છે. અંકને બજારમાં વેચવા માટે મૂકતા જ નથી! તો બીજી બાજુ પોતાના અંકો મફતમાં વહેંચનારા, કે સાવ મામૂલી કિંમતે વેચનારા પણ છે. અને ક્યારેક દિવાળી અંકનું બ્લેક માર્કેટ પણ થાય છે! હેમંત દીવટે પોતાના દિવાળી અંકોની કીમત દસ રૂપિયા રાખતા. પણ તે બ્લેકમાં સો રૂપિયામાં વેચાતા!

હમણાં પુસ્તકો પાછળ, દિવાળી અંકો આગળ

પણ છેલ્લાં કેટલાંક વરસોમાં દિવાળી અંકોનું અજવાળું થોડું ઝાંખું થવા લાગ્યું. એનું એક કારણ તે બધી ઉંમરના લોકોમાં ઘટતી જતી વાંચવાની ટેવ. બીજું, માહિતી અને મનોરંજન લગભગ મફતમાં પૂરાં પાડતાં સાધનોની બોલબાલા. ત્રીજું, યુવા વર્ગને આકર્ષવામાં રહેલી ઊણપ. ચોથું કારણ વધતી જતી પ્રોડક્ષન કોસ્ટ, અને તેને કારણે રાખવી પડતી ઊંચી વેચાણ કિંમત. અલબત્ત, આ બધી મુશ્કેલીઓનો સામનો કરવાના પ્રયત્નો પણ થઈ જ રહ્યા છે. આવો એક પ્રયત્ન તે ડિજિટલ દિવાળી અંકો. પણ હજી આવા અંકો બહુ મોટા સમુદાય સુધી પહોંચી શક્યા નથી.

૨૦૦૯માં દિવાળી અંકોની શતાબ્દી ઉજવાઈ ત્યારે ‘મનોરંજન’નો પહેલો દિવાળી અંક આખેઆખો ફરી છપાયો હતો. દર વરસે પ્રગટ થયેલા દિવાળી અંકોમાથી ચૂંટેલી સામગ્રી પુસ્તકાકારે પણ પ્રગટ થાય છે. આમ, દિવાળી અંકો એ મરાઠી માણૂસની એક આગવી ઓળખ જેવા બની રહ્યા છે.

ખુલાસો :

નટવર ગાંધી અને પન્ના નાયક આ વિકએન્ડમાં અમેરિકામાં દિવાળીની ઉજવણીમાં રોકાયેલાં છે તેથી આજે અહીં આવી શક્યાં નથી. આવતા શનિવારે ફરી તેમને મળવાનું થશે. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

પ્રગટ થયું : “ગુજરાતી મિડ-ડે”; 11 નવેમ્બર 2023 

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬) : ભરત મુનિ  

સુમન શાહ|Opinion - Opinion|14 November 2023

સુમન શાહ

આજે, ભરત મુનિ વિશે —

એમનો સમય છે, વિક્રમ-પૂર્વ બીજા શતકથી બીજા વિક્રમી શતકનો મધ્ય. એમના ગ્રન્થનું શીર્ષક છે, “નાટ્યશાસ્ત્ર”.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ભરત મુનિનું કેન્દ્રવર્તી સ્થાન છે.

કાવ્યશાસ્ત્રના અધ્યેતા વિદ્વાનો ભરતના વિચારોનો, સવિશેષે એમણે પ્રયોજેલા રસસૂત્રનો, વિમર્શ-પરામર્શ કરે જ કરે, કેમ કે એ વિચારોથી રસ-સમ્પ્રદાયની ભૂમિકા બની છે અને કાવ્યશાસ્ત્રમાં તેમ જ કાવ્યો અને નાટકોનાં સર્જનોમાં રસતત્ત્વ મહિમાવન્ત રહ્યું છે.

રસ તો ભારતીય પરમ્પરામાં પહેલેથી સ્પૃહણીય તત્ત્વ છે. હું “તૈતેરીય ઉપનિષદ”-ના સુખ્યાત સૂત્ર ‘રસો વૈ સ:’-ને રસપ્રદ ગણું છું, કેમ કે સમગ્ર અસ્તિત્વનો સ્રોત ગણાતા અને પરમ વાસ્તવિકતા મનાતા બ્રહ્મને વિશેની સમ્પૂર્ણ દાર્શનિકતાનો એ નીચોડ છે. એને એકપંક્તિ કાવ્ય અથવા કાવ્યશીલ પંક્તિ પણ કહી શકાય.

અને જુઓ, એનો એટલો જ કાવ્યશીલ પ્રસાર ભક્તિ-પરમ્પરા છે. રસ વિના ભક્તિ અસંભવ છે અને ભક્તિ પોતે રસસ્વરૂપ છે; તેમછતાં, એને ઉચ્ચ કોટિની આધ્યાત્મિકતા પણ કહેવી જોઈશે.

ભરત-પ્રણીત એ રસસૂત્રની ચર્ચા આ પછી કરીશું. આજે એમના “નાટ્યશાસ્ત્ર”-ની શાસ્ત્રીયતાનો કંઈક પરિચય મેળવીએ.

મને એમાં જીવવિજ્ઞાનીની શાસ્ત્રીયતા ભળાય છે : 

જીવવિજ્ઞાન એકકોષી જીવોથી માંડીને પ્રાણીઓ અને છોડવાઓનું વિજ્ઞાન છે – સાયન્સ ઑફ ઑલ ઑર્ગેનિઝમ્સ. 

Orgenisms —

Pic courtesy : National Geographic en Español

દરેક ઑર્ગેનિઝમ, જીવ, એક જીવન્તતા છે, એને એક નિશ્ચિત સંરચનાવાળી કાયા મળેલી છે. આપણે રસને પ્રાણ ગણીએ છીએ, તો રસપ્રાણની કાયા કૃતિરૂપે સરજાઈ જ હોય છે. સમજાય એવું છે કે કાયા જીવના જી-વ-ન માટે, એને ટકી રહેવા માટે, અનિવાર્ય છે.

પરન્તુ તે માટે એનાં અંદરનાં રસાયનોની સમતુલા સચવાવી જોઈએ, કેમ કે તો જ જીવોની બધાં કામો સારી રીતે કરવાની ક્ષમતા જળવાય. એ માટે દરેક જીવ એક આન્તરિક પ્રક્રિયા ધરાવે છે, જેને ‘પ્રોસેસ ઑફ હોમીઓસ્ટેસિસ’ કહેવાય છે. રસ પણ આપણે જોઈશું કે વિભાવ, અનુભાવ અને સ્થાયી ભાવનાં સંતુલનને આભારી છે. એથી જ રસની નિષ્પત્તિ થાય છે અને ભાવન-અનુભાવનનાં આનુષંગિક કાર્યો શક્ય બને છે. કાવ્યશાસ્ત્ર પણ એને રસનિષ્પત્તિની પ્રક્રિયાનું ગૌરવ આપે છે.

જીવો પોતાના જેવા જીવોનું પુનરુત્પાદન કરે છે. આપણે જોઈશું કે રસની ઉત્પત્તિ વિશે ભરત જણાવે છે કે કયા રસથી કયા રસ જનમ્યા છે.

પૃથ્વી પર અસંખ્ય જીવો છે તેથી જીવવિજ્ઞાનીઓ હમેશાં જીવોનાં નામોનો ઉલ્લેખ કરે, ન હોય તો નામો પાડે, જૂથો બનાવે, વર્ગો પાડે. પરિણામે, જીવો વિશે તેઓ જે કહેવા માગતા હોય તેનું આયોજન કરી શકે. એથી એમની અભિવ્યક્તિ સ્પષ્ટ બને અને સરવાળે તેઓ સફળ સંક્રમણ સાધી શકે.

આ સંશોધનગુણને ટૅક્સોનૉમિ કહેવાય છે – નામકરણ અને વર્ગીકરણ.

સમજી શકાશે કે કોઇપણ વિજ્ઞાનમાં કે શાસ્ત્રમાં એ ગુણ જરૂરી છે, અનિવાર્ય છે. ખરેખર તો એ, શાસ્ત્રીય દૃષ્ટિમતિનું પરમ લક્ષણ છે.

“નાટ્યશાસ્ત્ર”-માં, શાસ્ત્રગુણરૂપ આ સદ્ગુણ ભરત મુનિએ એક શાસ્ત્ર-રચયિતા તરીકે ભરપૂર દાખવ્યો છે.

એમણે ૮ રસ, ૮ ભાવ, ૩૩ વ્યભિચારી ભાવ, ૮ સાત્ત્વિક ભાવ, નાટકના આશ્રય ગણાતા ૪ પ્રકારના અભિનય, ૨ પ્રકારના ધર્મી, જેમાં ‘નાટ્ય’ સર્વવિદિત છે એ ૪ વૃત્તિઓ, ૫ નાટ્યપ્રવૃત્તિઓ, વગેરે દરેકની એમણે નામોલ્લેખ સહિતની વિશદ વ્યાખ્યાઓ આપી છે. એની વીગતોમાં ઊતરવું અહીં જરૂરી નથી.

પણ એમણે કરેલી કેટલીક વિશિષ્ટ વાતોની નૉંધ લઈએ :

એમણે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એમ ૮ રસ ગણાવ્યા છે. પણ એમણે, 

૧ : રસોની ઉત્પત્તિ : 

૨ : રસોના વર્ણ અથવા રંગ : 

૩ : રસોના દેવતાઓ : 

એમ ત્રણ મહત્ત્વની બાબતોની સરસ વાત કરી છે.

૧ : 

રસોની ઉત્પત્તિ :

તેઓ શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સ એ ચાર રસને બધા જ રસોની ઉત્પત્તિમાં કારણભૂત લેખે છે. કહે છે, શૃંગારથી હાસ્ય રસ જનમ્યો છે, રૌદ્રથી કરુણ જનમ્યો છે, વીરથી અદ્ભુત રસ, અને બીભત્સથી ભયાનક રસ. 

કેમ કે એમ મનાયું છે, ભરત જણાવે છે, કે શૃંગારનું ‘અનુકરણ’ હાસ્ય રસ છે. રૌદ્રનું ‘કાર્ય’ કરુણ રસ છે. વીરનું ‘કર્મ’ અદ્ભુત રસ છે. બીભત્સનું ‘દર્શન’ ભયાનક રસ છે. 

એમણે ‘અનુકરણ’ ‘કાર્ય’ ‘કર્મ’ અને ‘દર્શન’-ને ‘કારણ’ સાથે જોડ્યાં એમાં એમના તર્કવિષયક સામર્થ્યનો પરિચય મળે છે. 

૨ : 

રસોના વર્ણ અથવા રંગ :

જો રૂપે, પરમ તત્ત્વ રસ છે, એ કાયા ધરાવે છે, તો એને રંગ તો હોવો જ જોઈએ. એ અટકળને આધારે દરેક રસના રંગની આ વાત આવકાર્ય લાગશે. 

શૃંગાર રસનો વર્ણ શ્યામ છે. હાસ્ય રસનો શ્વેત, કરુણનો કર્બુર, અને રૌદ્રનો લાલ છે. વીર રસનો વર્ણ ગૌર છે, ભયાનકનો કાળો, બીભત્સનો નીલો અને અદ્ભુતનો પીળો. 

ભરતે ‘પ્રકીર્તિત:’ તેમ જ ‘સ્મૃત:’ કહીને સૂચવી દીધું છે કે રસ અને વર્ણ વચ્ચે કશો કાર્યકારણ સમ્બન્ધ નથી, પણ એમ કે એમ કહેવાતું આવ્યું છે, મનાતું આવ્યું છે. કરુણ કર્બુર હોય, રૌદ્ર લાલ હોય, કે ભયાનક કાળો હોય; એવી સર્વસાધારણ લોકકલ્પના એનો પુરાવો છે.

૩ : 

રસોના દેવતાઓ : 

જો રૂપે, પરમ તત્ત્વ રસ છે, એ દરેકને રંગ છે, એ દરેક કાયા ધરાવે છે, તો એ દરેકના કોઈ ને કોઈ દેવતા પણ હોવા જ જોઈએ. ભરત જણાવે છે કે શૃંગાર રસના દેવતા વિષ્ણુ છે, હાસ્યરસના પ્રમથ (મહાદેવના ગણ) છે. રૌદ્રના રુદ્ર, કરુણના (સમજાય એવું છે કે) યમ. બીભત્સ રસના દેવતા મહાકાલ છે, વીર રસના મહેન્દ્ર, અને અદ્ભુતના બ્રહ્મા.

રસતત્ત્વને વર્ણ અને દેવતા સાથે જોડીને શાસ્ત્રકારે વિચારકેન્દ્રને એના યથાશક્ય પરિઘ લગી વિકસાવ્યું છે, એની નૉંધ લેવી જોઈશે. 

વાત કરવાની ભરતની એક શૈલી છે. કહે કે અમે આ તો વ્યાખ્યાયિત કર્યું – એવમ્ એતેષામ્ ઉત્પત્તિ વર્ણ દેવતાન્યભિવ્યાખ્યાતાનિ. 

હવે, વિભાવાનુભાવવ્યભિચારિ સંયુક્તાનામ્ લક્ષણદર્શનાન્યભિવ્યાખ્યાસ્મ: સ્થાયિભાવાંશ્ચ રસત્વમ્ ઉપનેષ્યામ: એટલે કે, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ સહિત રસોનાં લક્ષણો તેમજ સ્થાયી ભાવોના રસત્વ વિશે કહીશું …

(ક્રમશ:) 

= = =

(11/13/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘જો મારે ધંધો જ કરવો હોત તો આ કૂવો ગાળવો ન પડત !’

રમેશ સવાણી|Opinion - Opinion|14 November 2023

[ભાગ-3]

રમેશ સવાણી

જે કામ ગાંધીજી કરી શકે, સરદાર કરી શકે, મોરારજી દેસાઈ કરી શકે, ઉછરંગરાય નવલશંકર ઢેબર કરી શકે તે કામ કથની અને કરણી સાવ ભિન્ન હોય તે નેતા ન કરી શકે ! ભલે હજારો પ્રયત્ન કરે; મીડિયાને ખરીદી લે; કોર્પોરેટ કથાકારો, મોટિવેશનલ સ્પીકર્સ, સંપ્રદાયના સ્વામીઓ, બાબાઓ વગેરે ગમે તેટલા વખાણ કરે તો પણ નેતાનું ચરિત્ર ઊંચું થઈ શકતું નથી. હા, ખાલી ચણો વાગે ઘણો ! વખાણ કરવાથી ચરિત્ર બનતું નથી, કાર્યથી ચરિત્ર નિર્માણ થાય છે. પ્રામાણિક માણસ સત્યપ્રિય હોય છે, સ્પષ્ટવક્તા હોય છે. પ્રામાણિક માણસ અપ્રામાણિકતા સહન ન કરે અને અપ્રામાણિકતા આચરે પણ નહીં. અન્યાય સહન ન કરે અને કોઈને અન્યાય પણ ન કરે. મૂલ્યનિષ્ઠ ખેડૂત અને મૂલ્યનિષ્ઠ રાજપુરુષ કેવા હોય તે જોવા માટે ધારાસભ્ય છગનભાઈ પટેલનું વ્યક્તિત્વ જોવું પડે.

આઝાદી પહેલા ભાવનગરના મહારાજાએ પ્રજાને જવાબદાર લોકતંત્રની વ્યવસ્થા આપેલી. જેમાં રાજ્ય તરફથી પ્રતિનિધિઓની ધારાસભ્ય નિમણૂક થતી, તેને બદલે ચૂંટણીઓ દ્વારા ધારાસભાની રચના થઈ. જેમાં ‘ભાવનગર પ્રજા પરિષદ’ નામની સંસ્થા કોાઁગ્રેસના નેજા તળે બળવંતભાઈ મહેતાની રાબરી નીચે ચાલતી. પ્રજા પરિષદના ઉમેદવાર તરીકે છગનભાઈએ ચૂંટણી લડવાની થઈ ત્યારે તે વખતના દિવાન અનંતરાય પટ્ટણીએ નિલમબાગ પેલેસમાં છગનભાઈને બોલાવીને રાજ સામે ચૂંટણી નહીં લડવા સામ-દામ દંડ અને ભેદની નીતિ અપનાવી. અડગ રહેલા છગનભાઈને ધનની લાલચ આપી અને કહ્યું કે “ભાવનગર રાજને તમારા જેવા સારા ખેડૂતની ખૂબ જરૂર છે માટે રાજ સામેનું આંદોલન મૂકીને રાજની સાથે આવી જાવ !” છગનભાઈએ નમ્રતાપૂર્વક દિવાનને કહ્યું : “મેં આજીવન અણહકની પાઈ પણ ન લેવાનું વ્રત લીધું છે !”

છગનભાઈની આગેવાની હેઠળ કાશ્મીર પ્રવાસે ગયેલ સૌરાષ્ટ્રના ધારાસભ્યો

છગનભાઈ ચોગઠ ગામના સરપંચ હતા ત્યારે પંચાયત ઓફિસમાં અંગત કાગળ અને પોસ્ટકાર્ડ રાખતા, અલગ શાહીનો ખડિયો રાખતા. કોઈ કહેતું કે નાની વાતમાં આવું ન કરાય. ત્યારે છગનભાઈ કહેતા : “લપસણી તો નાની હોય છે. ત્યાંથી શરૂઆત થયા પછી પાછું ફરવું મુશ્કેલ હોય છે. પારકું લેવું, મફતનું લેવું, બીજાને છેતરવા, આરામનું ખાવું આ વૃત્તિ થઈ જાય છે. સારી અને નરસી વૃત્તિ બંને ચેપી છે. એક હશે તો બીજું નહીં આવે. હકનું ખાવું કે હરામનું ખાવું. એક વખત નક્કી થઈ જાય પછી તેમાં બહુ ઓછો ફેર પડે છે. એક દાખલો આપું. સંત્રી પહેરો ભરનારા બે જણ ભરી બંદૂકે 10 ફૂટના દરવાજામાં સામસામા આવ-જા કર્યા જ કરે છે, કોઈએ અટકવાનું નહીં. આવું શા માટે? બંને સામસામે ફક્ત ઊભા રહે તો પણ ચાલે. ખુરશી ઉપર બંને બેસી રહે તો પણ ચાલે, છતાં આવું ગોઠવ્યું કેમ? તેનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે ચાલવું બંધ કરી ઊભા રહ્યા તેમાંથી બાંધછોડ કરીને એક બેઠો પછી એક ઊભો રહ્યો, પછી બાંધછોડ થઈ અને બંને બેસી રહ્યા. પછી બાંધછોડ થઈ, એક જાગે અને એક ઊંઘ લઈ લ્યે, પછી બાંધછોડ થઈ બંને ઊંઘી ગયા. પરિણામ, ખજાનો લૂંટાઈ ગયો. આમ નીતિ અને સત્યમાં માણસ ઊણો ઉતરે ત્યારે અનર્થ સર્જાય. માટે બાંધછોડ કરવાની જરૂર લાગે ત્યાં જરૂર કરો, પણ જીવન વ્યવહારની નીતિ વિષયક વાત આવે ત્યારે નીતિને વળગી રહે તે જ જીવન જીવી શકે.”

છગનભાઈ ઘરખેડ પ્રવર સમિતિના સભ્ય હતા. એક વખત એક ખેડૂત તેમની પાસે પોતાનો પ્રશ્ન લઈને ચોગઠ આવ્યા. છગનભાઈ ઘરે ન હતા, વાડીએ ગયા હતા. પેલો ખેડૂત વાડીએ પહોંચ્યો. જોયું તો છગનભાઈ કૂવામાં હતા અને કૂવો ગાળતા હતા. છગનભાઈ કૂવા બહાર આવ્યા અને ખેડૂતનો પ્રશ્ન સાંભળ્યો. ખેડૂત કહે : “છગનભાઈ, મારો પ્રશ્ન પતાવી આપો. તમારું સમજી દઈશ.” છગનભાઈએ કહ્યું : “જો મારે ધંધો જ કરવો હોત તો આ કૂવો ગાળવો ન પડત ! આવો તડકો ખમીને ખેતી કરતો ન હોત. મારે ઘેર મોટર સહિત બધું જ હોત. હવે તમે બીજે ગમે ત્યાં જઈ શકો છો. ફરી વખત આવું કરતા નહીં.”

ભાવનગર રાજ્યના સમયમાં રાજ્યના કામે આવતા ગ્રામજનો માટે રાતવાસો કરવા ‘પટેલ ભુવન’ નામનું વિશાળ મકાન ઊભું થયું. આઝાદી બાદ છગનભાઈએ દરેક કોમના ગ્રામજનોના વિસામા માટે આ મકાન વાર્ષિક 12 રૂપિયાના ટોકન ભાડાથી મેળવ્યું. તેના નિભાવ અને વહિવટ માટે કમિટી રચી, ટ્રસ્ટ કરાવ્યું. 25 વરસ સુધી પટેલ ભુવન ટ્રસ્ટના પ્રમુખ રહ્યા. તેઓ પટેલ ભુવનની મીટિંગ માટે આવે ત્યારે પ્રવાસ ભથ્થું લેતા નહીં. એટલું જ નહીં, રૂમ ભાડું પણ પોતાના ખિસ્સામાંથી ચૂકવતા ! ધારાસભાની કામગીરી કરી રાતે ઉમરાળા ઉતરે. ચાલતા ચોગઠ જાય. જીવનભર પોતાનું વાહન ખરીદ્યું નહીં. ઘરનું નળિયું બદલ્યું નહીં. ક્યાં તે સમયના નિષ્ઠાવાન ધારાસભ્યો અને ક્યાં આજના ખર્ચાળ અને મૂલ્યહીન ધારાસભ્યો !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...900901902903...910920930...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved