Opinion Magazine
Number of visits: 9666083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર : ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 December 2023

ચંદુ મહેરિયા

દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે ? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા ? પહેલા (અને કદાચ આજે  પણ) એ ઘરઘાટી, રામલો કે રામલી તરીકે ઓળખાતાં. પછી રામો કે રામુ થયું, નોકર-નોકરાણી બન્યાં, કામવાળાં બહેન અને ભાઈ કહેવાયાં, ક્યાંક દીદી તરીકે બોલાવાયાં, સાધન-સંપન્ન અને અંગ્રેજી જાણતો વર્ગ તેમને ડોમેસ્ટિક વર્કર, હોમ મેનેજર અને હવે હાઉસ હેલ્પર ગણાવે છે. વીસેક વરસથી ગુજરાત સરકારે સરકારી કર્મચારીનું નામકરણ કર્મયોગી અને તમામ પ્રકારના મજૂર કે કામદારનું શ્રમયોગી કર્યું છે. એ જ તર્જ પર ઘરઘાટી કે કામવાળા માટે ગૃહયોગી કર્યાનું જાણ્યું નથી. ગરિમાપૂર્ણ નામ જરૂર હોવું જોઈએ પણ સાથે તેમના પ્રત્યેનું વર્તન  અને મળતર  પણ વાજબી હોવું જોઈએ. પરંતુ હજુ જેને સન્માનસૂચક નામ જ નસીબ નથી થયું તેના માટે આ બહુ દૂરની વાત આજે તો લાગે છે.

શ્રમયોગી કે શ્રમયોગિની દેશનો બહુ મોટો અસંગઠિત શ્રમિક વર્ગ છે. ભારતના કામદાર વર્ગનો તે સૌથી વધુ ઉપેક્ષિત અને શોષિત હિસ્સો છે. તેના કામનું સ્થળ (વર્કપ્લેસ) કોઈક્નું ઘર (પ્રાઈવેટ સ્પેસ) છે. એ કહેવાય તો છે ઘરકામમાં સહાયક પણ તેનો જોબચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઘરના લગભગ સઘળાં કામો તેણે કરવાનાં હોય છે. કચરા-પોતાં, ઠામ વાસણ, લુગડાં ધોવાં, જમવાનું બનાવવું, બાળકો, વૃદ્ધો, અસહાય અને બીમારની દેખભાળ, મેડમ અને સરના ઓફિસના અને ઘરના ટાઈમ સાચવવા, બાળકોને સ્કૂલે કે વાનમાં લેવા-મૂકવા જવાં, ઘરમાં નિયમિત ઝાપટ-ઝૂપટ કરવી, સંડાસ-બાથરૂમ ધોવા, બાબાભાઈ કે બેબીબહેનને ઊંઘાડવા-જગાડવા, તેમને દૂધ પાવું, ઘરની બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવાય ત્યારે સંભાળ માટે સાથે જવું, કપડાંને ઈસ્ત્રી કરવી, ઘરની ચોકીદારી અને બાગકામ …. જેવાં કંઈક કામો તેણે કરવાના હોય છે. આ કામો જોતાં ભારતના ધનાઢ્યથી માંડીને મધ્યમવર્ગીય જીવનમાં ઘરનોકરની પાયાની ભૂમિકા છે. શહેરીકરણમાં વૃદ્ધિ, સંયુક્ત પરિવારોનું તૂટવું અને પતિ-પત્ની બંનેનું કમાવું – જેવાં કારણોથી પણ કામવાળાની અનિવાર્યતા વધી છે.

પહેલાના સમયમાં ઘરના કામો શ્રમદોહનના સામંતી ઢાંચામાં જુદા ગણાતા નહોતા. સામંતી શોષણ સામે સંઘર્ષ પછી તે જુદા પડ્યા. શાયદ એટલે જ ૧૯૩૧માં ૨૭ લાખ કામવાળા (મુખ્યત્વે પુરુષો), ૧૯૭૧માં ઘટીને ૬૭ હજાર થઈ ગયા હતા. જો કે ભારતે નવી અર્થનીતિ અપનાવી એટલે વૈશ્વિકીકરણના વાયરે ૧૯૯૧માં એ ૧૦ લાખ (૭૫ ટકા મહિલાઓ) થયાં હતા. આજે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી પણ લાખો અને કરોડોનો હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાના એક અનુમાન મુજબ ભારતમાં ૪૭ લાખ ઘરનોકરો છે. જેમાં ૩૦ લાખ મહિલા છે. ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર ૮.૫૬ કરોડ નોંધાયેલા અસંગઠિત શ્રમિકો છે, જેના આઠથી દસ ટકા ઘરનોકરો છે. બેંગલૂરુમાં ૭૫ ટકા  કામવાળા દલિત અને માત્ર ૨ ટકા જ કથિત ઉચ્ચ વર્ણના છે. આખા દેશમાં પણ દલિત, આદિવાસી પછાત અને ગરીબ મહિલાઓ જ આ કામ કરે છે.

ભલે સામંતી શોષણ ઘટ્યાનું કહેવાતું હોય દલિતોના લલાટે તો હજુ ય તે લખાયેલું છે. ભારતનાં ગામડાંઓમાં દલિત મહિલાઓને ગામના કથિત ઉચ્ચ વર્ણના લોકોના છાણાંવાસીદાથી માંડીને ઘરનું આંગણું, ઢોરની ગમાણ ચોખ્ખા રાખવાના અને માલ-ઢોરને ચારો-પાણી આપવાનાં કામો છાશ-રોટલાના બદલામાં કરવા પડે છે.

ઘરનાં કામો કરનારાઓમાં મહિલાઓ, સગીરવયની બાળકીઓ તથા પરપ્રાંતિય સ્થળાંતરિત કામદારો હોય છે. ગૃહયોગીઓની દિનચર્યા થકવી નાંખનારી અને ઘણી લાં…બી હોય છે. તેમનાં કામના કલાકો નિશ્ચિત હોતા નથી. ઘરમાલિકોનો તેમના પ્રત્યેનો વર્તાવ નકારાત્મક, શંકાળુ અને અપમાનજનક હોય છે. કામાવાળાઓ પરના અત્યાચારોના સમાચારો ઘણીવાર છાપાંના પાને ચઢે છે. તેમાં શારીરિક હિંસા, માનસિક ત્રાસ અને ભેદભાવ પણ છે. જે સંડાસ-બાથરૂમ તે સાફ કરે છે તેનો ઉપયોગ તે કરી શકતાં નથી. લિફ્ટનો ઉપયોગ પણ પ્રતિબંધિત હોય છે. ખાવાનું વાસી અને વધેલું – ઘટેલું આપવામાં આવે છે. સાજે-માંદે કે તહેવારોમાં જ રજા મળતી નથી એટલે અઠવાડિક રજાનો તો સવાલ જ નથી. લગભગ બધાં જ કામો વાંકા વળીને કે લાંબો સમય ઊભાઊભા કરવાના હોય છે. ઘરમાં તેને ટી.વી. જોવાની કે સોફા-ખુરશી-પલંગ પર બેસવાની મંજૂરી નથી. તેણે હંમેશાં ભોંય પર જ  બેસવું પડે છે. તેના ખાવા-પીવાનાં વાસણો જુદાં રાખવામાં આવે છે.

ઘરકામ કરનારાઓમાં કેટલાક લિવ ઈન (પૂર્ણકાલીન) અને કેટલાકા લિવ આઉટ (અંશકાલીન) છે. ફુલટાઈમ કામાવાળાને દિવસરાત ઘરમાલિક્ના ત્યાં જ રોકાઈને બધાં કામો કરવાના હોય છે. તેને ઘરના ગેરેજ, સ્ટોર રૂમ કે બીજે રહેવાનું મળે છે. જ્યારે પાર્ટટાઈમ કામ કરનારને કામના ચોક્કસ સમયે આવીને કામ નિપટાવવાનું હોય છે. આ પ્રકારનાં કામો તેઓ એક કરતાં વધુ ઘરે કરતાં હોય છે.

કહેવાતી હાઉસ હેલ્પના બદલામાં આ શ્રમિકોને મળતું મહેનતાણું તેમનાં કામના બદલામાં ઘણું ઓછું હોય છે. પાટનગર ગાંધીનગરમાં શ્રમિકોના યુનિયને કોઈ એક કામ(દા.ત. કચરા-પોતું , વાસણ, કપડા)ના માસિક રૂ. ૯૦૦ ઠરાવ્યા છે. એટલે દિવસના રૂ.૩૦ થયા. સવાર-સાંજ વાસણ માંજવાના હોય તો એક ટાઈમના ૧૫ રૂ. જ કહેવાય. દિલ્હી અને જયપુરના કામવાળા બહેનો પરનું એક અધ્યયન જણાવે છે કે ૬૮ ટકા મહિલાઓ મહિને રૂ. ૧૦ હજાર કરતાં ઓછું કમાય છે. ઘરકામ કરીને રૂ. ૨૦,૦૦૦થી વધુ કમાતી મહિલાઓ માત્ર ૧.૯ ટકા જ છે. ૨૦ ટકાને મહિને રૂ. ૫,૦૦૦થી ઓછા, ૪૬ ટકાને ૫ થી ૧૦,૦૦૦ અને ૬.૯ ટકાને ૧૫ થી ૨૦,૦૦૦ મળે છે.

દેશના કાયદામાં ઘરકામને વ્યવસાય ગણવામાં આવ્યું નથી. એટલે કામવાળાને દેશમાં શ્રમિકનો દરજ્જો મળ્યો નથી. તેના અધિકારો, સલામતી અને કલ્યાણ માટે કોઈ કાયદો કે યોજના નથી. તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ નથી. હાલની સરકારે ૨૦૨૧માં દેશના ૭૪૨ જિલ્લામાં સર્વે હાથ ધર્યો હતો. પણ સર્વેના તારણો હજુ જાહેર થયા નથી. મહિલા, દલિત-આદિવાસી-પછાત અને ગરીબ હોવાનું ત્રણ પ્રકારનું શોષણ શ્રમયોગિની સહે છે. સરકાર અને સમાજની સંવેદનશીલતા કે પછી તેમના મજબૂત સંગઠનો અને આંદોલનો જ કદાચ તેમના દુ:ખો નિવારી શકે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

૧૯મી સદીમાં લખાયેલું હાસ્યપ્રધાન પ્રવાસ વર્ણન  

દીપક મહેતા|Opinion - Opinion|30 November 2023

જૂની મૂડી : ૨  

ખાસ નોંધ :- 

૧. જહાંગીરજીનો ફોટો આ પુસ્તકમાં નથી. બીજેથી મેળવીને અહીં મૂક્યો છે. બાકીનાં ચિત્રો લેખકે પોતે દોરેલાં છે અને આ પુસ્તકમાંથી જ લીધેલાં છે.

૨. ‘બુદ્ધિપ્રકાશ’માં લેખ સાથે આ ચિત્રો છપાયાં નથી. અહીં લેખ મૂકતી વખતે ઉમેર્યાં છે.

પારસી ગુજરાતી સાહિત્યના માર્ક ટ્વેન તરીકે ઓળખાતા જહાંગીર બેહરામજી મર્ઝબાન (૧૮૪૮-૧૯૨૮)ની કલમે લખાયેલા પ્રવાસ વર્ણનના પુસ્તક ‘મુંબઈથી કાશ્મીર’ને એક હાસ્યપ્રધાન પ્રવાસ વર્ણન તરીકે ઓળખાવી શકાય. આ હાસ્યપ્રધાનતાને કારણે આ પુસ્તક ૧૯મી સદીનાં જ નહિ, આજ સુધીનાં બધાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોમાં અલાયદી ભાત પાડે છે.

ઓગણીસમી સદીમાં મુંબઈ ઇલાકામાં અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ શરૂ થયું. તેને પરિણામે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યા. તેમાંના કેટલાકે અંગ્રેજી સાહિત્યની કૃતિઓને મોડેલ તરીકે નજર સામે રાખીને ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. ગદ્યમાં આવી પહેલ કરનાર મોટે ભાગે પારસીઓ હતા. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘણાખરા ગદ્ય પ્રકારો અંગ્રેજી સાહિત્યમાંથી પ્રેરણા લઈને ૧૯મી સદીમાં લખાતા થયા. આવો એક પ્રકાર તે પ્રવાસ વર્ણન. આજે જે પ્રવાસમૂલક પુસ્તકો લખાય છે તેના કરતાં ૧૯મી સદીનાં પુસ્તકો થોડાં જૂદાં પડે છે. વીસમી સદીમાં પ્રવાસકથા અને પ્રવાસ નિબંધના પ્રકાર લલિત સાહિત્યના એક પ્રકાર તરીકે વિકસ્યા. પ્રવાસ વર્ણનના જહાજનો આ રીતે મોરો ફેરવવાનું કામ કર્યું કાકાસાહેબ કાલેલકરે.

ઓગણીસમી સદીનાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો વાંચતી વખતે આપણે કેટલીક વાત યાદ રાખવી જોઈએ. ઉજળિયાત હિંદુઓમાં સાગર-ઉલ્લંઘનનો જેવો નિષેધ હતો તેવો પારસીઓમાં નહોતો. એટલે પરદેશની મુસાફરી કરવામાં તેમણે પહેલ કરી, અને તે અંગે લખવામાં પણ તેઓ પહેલા હતા. બીજું, એ વખતે આપણા દેશમાંથી ઘણા ઓછાને પરદેશ જવાની તક મળતી. એટલે ૧૯મી સદીના ઘણાખરા લેખકોનો હેતુ પોતે વિદેશમાં જે જોયું, જાણ્યું, તે અહીંના લોકોને જણાવવાનો હતો. એટલે ઘણી વાર તેઓ અંગ્રેજી પુસ્તકોનો માહિતી માટે આધાર લેતા કે સીધે સીધા તેમાંથી ઉતારા પણ આપતા. લલિત ગદ્યનું લેખન એ તેમનો ઉદ્દેશ જ નહોતો. એટલે આજના ધોરણે તેમનાં પુસ્તકોને મૂલવવાં યોગ્ય ન ગણાય.

કાવસજી સોરાબજી પટેલનું ‘ચીનનો અહેવાલ’ એ આપણી ભાષાનું પ્રવાસ વર્ણનનું પહેલું પુસ્તક. લગભગ ૯૦૦ પાનાંનું આ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયેલું. પહેલો ભાગ ૧૮૪૪માં અને બીજો ભાગ ૧૮૪૮માં. ધ્યાનપાત્ર વાત એ કે નર્મદ અને દલપતરામનાં ગદ્યનાં પુસ્તકો પ્રગટ થયાં તે પહેલાં આ પુસ્તક પ્રગટ થયેલું. આ ઉપરાંત ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં પુસ્તકોમાંનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો : ગરેટ બરીટન ખાતેની મુસાફરી, ડોસાભાઈ ફરામજી કરાકા (૧૮૬૧), અમેરિકાની મુસાફરી, એક પારસી ઘરહસ્થ (૧૮૬૨), ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન, મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૬૪), ઇન્ગ્લન્ડમાં પ્રવાસ, કરસનદાસ મુલજી (૧૮૬૬), દક્ષિણ હિન્દુસ્તાનમાં મુસાફરી, દીનશાહ અરદેશર તાલેયારખાં (૧૮૭૦), ઈરાનમાં મુસાફરી, ફરામજી દીનશાજી પીટીટ (૧૮૮૨), કાશ્મીરનો પ્રવાસ અને સંવાદો, સુરસિંહજી ગોહિલ ‘કલાપી’ (૧૮૯૨), પૃથ્વીની પ્રદક્ષિણા ભાગ ૧, હાજી સુલેમાન શાહમહમ્મદ (૧૮૯૫) અને ભરતખંડનો પ્રવાસ, શેઠ શમ્ભુપ્રસાદ બેચરદાસ લશ્કરીની નોંધ પરથી રચનાર કવિ ગિરધરલાલ હરકિસનદાસ (૧૮૯૭).

જહાંગીર બહેરામજી મર્ઝબાન

આ પુસ્તકના લેખક જહાંગીરજી એટલે ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખનાર ફરદુનજી બહેરામજી મર્ઝબાનના બેટાના બેટા. વ્યવસાયે પત્રકાર. વધુ જાણીતા હાસ્ય લેખક તરીકે. ૧૮૬૯માં મેટ્રિક થયા પછી થોડો વખત મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા. ૨૫ વરસની ઉંમરે ‘રાસ્તગોફતાર’ અઠવાડિકના સબએડિટર. ત્યાર બાદ આઠ વરસ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના મદદનીશ મેનેજર. ૧૮૮૭થી ‘જામે જમશેદ’ અખબારના માલિક અને તંત્રી. તેમણે આ અખબાર ખરીદ્યું ત્યારે તેનો ફેલાવો ૨૦૦ નકલનો હતો. પોતાના અનુભવ અને કુશળતાથી થોડા જ વખતમાં તેમણે એ આંકડો ૧,૫૦૦ નકલ સુધી પહોંચાડ્યો. તેમનાં ૩૦ જેટલાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં મુખ્યત્વે હાસ્ય-રમૂજનાં પુસ્તકોનો અને પારસી કુટુંબજીવનને લગતી હાસ્યપ્રધાન નવલકથાઓનો સમાવેશ થાય છે. 

આ પુસ્તકમાં પણ તેમનો ઈરાદો પ્રવાસ વર્ણનને બને તેટલી હળવી શૈલીમાં રજૂ કરવાનો છે. પ્રસ્તાવનામાં તેઓ લખે છે : (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) “મારી મકસદ આ કીતાબ કાઈ મુસાફરીના અહેવાલ દાખલ લખવાની નથી. કેમ જે એવા અહેવાલના પુસ્તકો તો ઘણા મળે છે. પણ અડધું ખારું, અડધું મીઠું, અડધું ખાટું વગેરે પચરંગ મેળવણી કરી મારા મિત્ર વાચનારને હસાવતાં રમાડતાં કાશ્મીર લઈ જવાની મારી ઇચ્છા છે.” આ પુસ્તક આજે પણ હસતાં-રમતાં વાંચી શકાય એવું છે.

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; નવેમ્બર 2023 

Loading

ઇઝરાયલ-પેલેસ્ટાઇન સમસ્યાનું સ્થાયી સમાધાન કિયે રસ્તે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 November 2023

હાંફતે યુદ્ધવિરામે

બંને મુલક પરસ્પરના રાષ્ટ્રીય અસ્તિત્વનો ખરા દિલથી સ્વીકાર અને પુરસ્કાર કરે અને રાષ્ટ્રવાદના અતિકારણથી કિનારો કરે ત્યારે વાત બને તો બને

પ્રકાશ ન. શાહ

સહેજસાજ લંબાયેલ અને ગમે તે ક્ષણે નકો નકો થઈ શકતા ઇઝરાયલ – હમાસ યુદ્ધવિરામના કલાકોમાં લખી રહ્યો છું, ત્યારે જોઉં છું કે અમેરિકી વિદેશમંત્રી બ્લિન્કન વળી આ દિવસોમાં એમની ત્રીજી પશ્ચિમ એશિયાઈ મુલાકાતે પહોંચવામાં છે. દેખીતી રીતે જ, કશાક ચાલચલાઉ પણ સમાધાન સારુ આ ખેપ હશે. ઇઝરાયલી ગુપ્તચર તંત્ર મોસાદના તેમ અમેરિકી સી.આઈ.એ.ના વડાઓ દોહામાં કતાર સરકારની સત્તાવાર મધ્યસ્થીમાં આ જ મુદ્દે મળી ચૂક્યા છે.

મુદ્દે, ઇઝરાયલ-પેલેસ્ટાઇલ વચ્ચે અત્યાર સુધીમાં જે સમજૂતી કે સમાધાન યદ્દાતદ્દા પણ થયાં છે તે લગભગ કામચલાઉ જેવાં જ રહ્યાં છે, કેમ કે, સુવાંગ અરબ મુલકમાં યહૂદી ઇલાકો કોતરી કઢાયો તે ન્યાય-અન્યાયની એક આંતરરાષ્ટ્રીય રમણા હતી. મહાસત્તાઓને જેમ યહૂદીઓને ન્યાય અપાવવાની ઇચ્છા હશે તેમ એથી સહેજે ઓછી નહીં બલકે કદાચ વધુ જ ગણતરી પશ્ચિમ એશિયામાં રાજકીય ભિલ્લુ ઊભો કરવાની હતી.

ન્યાય-અન્યાયની આ રમણામાં અરબ બહુમતી સાથેનો અન્યાય યહૂદીઓને મળેલ ન્યાયને મુકાબલે મુદ્દલ ઓછો નહોતો. પણ સાધારણપણે પેલેસ્ટાઇને જે રીતે દ્વિરાષ્ટ્રીય વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો જણાય છે એવો સ્વીકાર એકંદર ઇઝરાયલી નેતૃત્વને પક્ષે જણાતો નથી એ દુર્દૈવ વાસ્તવ છે. અમેરિકી પ્રમુખ બાઇડને તાજેતરમાં આ મુદ્દો કર્યો જરૂર છે, પણ ઇઝરાયલી નેતૃત્વ એમને બદે એવાં ચિહ્ન ઓછાં છે.

ઊલટ પક્ષે, બાઇડન જેનું વર્તમાન પ્રતિનિધિત્વ કરે છે તે એકંદર અમેરિકી નેતૃત્વ પણ એક હદથી વધુ આગ્રહ કદાચ કરી શકે તેમ નથી, કેમ કે ઇઝરાયલ જેમ એમના વિદેશવ્યૂહની અનિવાર્યતા છે તેમ ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ (હમાસથી કે અન્યથા) એમના ગૃહકારણની કંઈક ખંધી લાચારી છે. વાત એમ છે કે અમેરિકી અર્થકારણ (ખરું જોતાં જો કે અનર્થકારણ) શસ્ત્રનિર્માણ ને શસ્ત્રસોદાગરી પર હદ સે જ્યાદા નિર્ભર છે. થોડા દિવસ પર અમેરિકાની બે મોટી શસ્ત્રસોદાગરી અને કંત્રાટી પેઢીઓ, કોર્પ અને જનરલ ડાઇનેમિક્સના બડેખાંઓના ખરી દૂંટીના ઓડકાર બહાર આવ્યા હતા કે હાલની ગાઝા ઘટના આપણે સારુ સારા સમાચાર લઈને આવી છે. હમાસની આતંકી કારવાઈ સામે ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં તેરથી ચૌદ હજાર જેટલા લોકોના જીવ લીધા છે અને એ પંથકના લાખો રહેવાસીઓને અમાનવીય યંત્રણામાં મૂકી દીધા છે, પણ કોર્પ-ડાઇનેમિક્સ જુગલબંધી એમાંથી વાજીકરણ શી લિજ્જત લે છે, અને એમના અર્થકારણ પર આધારિત અમેરિકી રાજકારણ વચ્ચે વચ્ચે વિરામખેલ પાડી સરવાળે એક કન્ટ્રોલ્ડ ‘વૉર થિયેટર’ને ધોરણે ચાલે છે એવું લાગ્યા વગર રહેતું નથી.

બે અભિન્નસખા, કેલનબેક અને ગાંધી અહીં સાંભરે છે. જર્મન પૃષ્ઠભૂ ધરાવતા યહૂદી કેલનબેક અને ગાંધી વચ્ચે દક્ષિણ આફ્રિકામાં પાંગરેલી જીવનશોધલક્ષી કર્મબાંધવી એક અનેરું પ્રકરણ છે. કેલનબેકને 1914-15માં જ ગાંધી સાથે હિંદ આવવાની હોંશ હતી. પણ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે એક જર્મન સારુ એ શક્ય નહોતું. દાયકાઓ પછી કેલનબેક હિંદ આવ્યા ત્યારે ઇઝરાયલ માટેની ચળવળનો યે મુદ્દો લેતા આવ્યા હતા. અભિન્નસખાનો અનન્ય મૈત્રીમિલાપ છતાં ગાંધી એમાં સમ્મત થયા નહોતા, કેમ કે, મૂળ વતનના ખયાલે અને ન્યાયના ખયાલે અરબ વસ્તીને જફા પહોંચાડવું એમને દુરસ્ત નહોતું લાગતું. યહૂદીઓને જે પણ વેઠવું પડ્યું એને વિશે એમને સમસંવેદના અવશ્ય હતી. પણ યહૂદીઓને ન્યાય અપાવવા ઇચ્છતાં પશ્ચિમી રાષ્ટ્રોએ, પોતપોતાને ત્યાં વસી ગયેલા યહૂદીઓની સંભાળ લેવી જોઈએ, અને યહૂદીઓએ પણ નવાં વતનોને દિલથી અપનાવવાં જોઈએ એવી એમની લાગણી હતી.

અલબત્ત, આ એક જુદી જ વાત થઈ. અત્યારે તો યુદ્ધવિરામ કાયમી બને એ માટે વહેવારુ સમાધાનનો સવાલ છે, અને બેઉ પક્ષે દ્વિરાષ્ટ્રી વાસ્તવિકતાના તહેદિલ સ્વીકારને ધોરણે જ આવું કોઈ પણ સમાધાન આખરે સ્થાયી બની શકે. બેશક, આ સ્વીકારની પૂંઠે રાષ્ટ્રવાદના ‘અતિ’ નીચે એક ભૂમિકા અનિવાર્યપણે હોવી જોઈશે, અને નૉનસ્ટેટ એક્ટર્સ વિશે ય સાફ ભૂમિકા જોઈશે. 

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 નવેમ્બર 2023

Loading

...102030...881882883884...890900910...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved