Opinion Magazine
Number of visits: 9457640
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રાવણની વિવિધ મહેક

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|5 September 2023

(૧)  

શ્રાવણનો આ સરતો મહિનો ….

શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,

       ગોતીગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો કાંઠો ….

વસુદેવ ને દેવકી લઈને આવે જેલની યાદો,

       નંદ-જશોદા બાંધી બેઠાં ક્યારનો મનમાં માળો, 

શોધી શોધી થાકી આંખો, ના દેખાય ગોકુળની ગાયો….. 

       લાગણીઓ તો લળીલળીને રમવા માંડી રાસો,

ઉજાગરાએ માંડ્યો હવે, લો, રાતનો અહીં વાસો,

       ગોતીગોતી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો ……

ખોટી મટકી, માખણ લઇને, ગોરસ વહેંચુ ઘાટો,

       નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો, 

શોધીશોધી થાકી આંખો, ના દેખાય જશોદાનો જાયો ….. 

       ખૂબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,

છાને પગલે આવીઆવી, સ્પર્શી લે જગનો વાંસો, 

       ખોળીખોળી થાકી આંખો, ના દેખાય વ્રજનો વ્હાલો;

શ્રાવણનો આ સરતો દા’ડો, પણ ક્યાં છે સૌનો કાનો,

       શોધીશોધી થાકી આંખો, ના મળતો છેલછોગાળો ….

•

(૨)  

કૃષ્ણ–રાધાઃ પ્રેમ–સંવાદઃ

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તું શ્યામ?

પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?!!

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તું હોળી?

“અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સઘળું સરજીને  હા, ખેલત હું હોળી!”

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના?

“અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના?”

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર ?

“અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર!!”

પૂછે છે રાધા, પાસે જઈ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું આવ જરા ઓરી,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ, શામ સંગ, આમ દિસત એકાકાર !!!

••

(૩) 

નથી હું મીરાં કે નથી હું રાધા 

શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ, તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઈ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં!
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મણા?
આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઈમેઈલમાં,
વેબકેમ મંદિરનાં ખોલી દઈશ બારણાં,
આરતી ઉતારીને લઈશ ઓવારણાં.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને  ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના …….

•••

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરૂ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્ત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના  કરી છે?

(૪)  

દેવકીનું દર્દ …

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
કાયા તો ઝીલે લઈ ભીતરમાં ભાર,
ના સહેવાતો કેમે એ ક્રૂર કારાવાસ.
આભલું છલકીને હલકું થઈ જાય,
વાદળુંય વરસીને હળવું થઈ જાય,
વદપક્ષની રાતે મન ભારેખમ થાય,
પ્રશ્નોની ઝડીઓથી હૈયું ઝીંકાય …..  શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

સાતસાત નવજાત હોમીને સેવ્યો,
નવનવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
અંતરનો યામી ભલા પરવશ શાને?
કંસ તણા કુવિચાર કાપ્યા ન કા’ને?
ગોવર્ધનધારી કેમ લાચાર થાય? …. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,
જગ તો ના જાણે ઝાઝું, દેવકીને આજ,
વાંક વિણ, વેર વિણ, પીધાં મેં વખ,
ને તોયે થાઉં રાજી, જોઈ યશોદાનું સુખ,
પણ કોઈ ના જાણે આ જનેતાનું દર્દ?!
આઠમની રાતે જીવે ચૂંથારો થાય ….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

••••

(૫) 

ક્યાં?

વાંસળીના સૂર ક્યાં.

લાગણીના પૂર ક્યાં ?

આવી જન્માષ્ટમી પણ,

પ્રીતમાં ચક્ચૂર ક્યાં ?

ગાવડી, ગોકુળ ને

ગોપીનાં નૂપુર ક્યાં ?

શ્યામ શોધે રાધિકા,

માખણ ભરપૂર ક્યાં?

અવતરે તો કૃષ્ણ પણ

લોકને જ જરૂર ક્યાં ?

ઉત્સવો આ યંત્ર સમ

માનવીના નૂર ક્યાં ?

e.mail : Ddhruva1948@yahoo.com

Loading

‘વન નેશન, વન ઇલેક્શન’…નો હેતુ ‘વન નેશન, વન સિલેક્શન’નો તો નથીને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 September 2023

રવીન્દ્ર પારેખ

થોડે થોડે વખતે ‘વન નેશન …’ને લગતાં સૂત્રો આ દેશ, આદેશની રીતે આપતો રહે છે. જેમ કે, ‘વન નેશન, વન રેશનકાર્ડ’, ‘વન નેશન, વન પેન્શન’, ‘વન નેશન, વન લૉ’, ‘વન નેશન, વન ટેક્સ’, ‘વન નેશન, વન કોનસ્ટિટ્યુશન’… જેવાં અનેક સૂત્રો ટોચથી તળિયાં સુધી વહેતાં રહે છે, એમાં કેટલાંક જ અમલમાં આવે છે. એનો ઇરાદો તો સારો જ હોય છે, પણ મોટે ભાગનાં સૂત્રો પ્રચારને લગતાં કે ધાક જમાવવા કે છાપ પાડવા આવે છે ને તે ભાગ્યે જ વ્યવહારુ હોય છે. એમાં ભક્ત મંડળી તો સંકીર્તન કરતી રહે છે, પણ જે સમજે છે એને ‘વન નેશન, વન ટેન્શન’ ન રહેતાં, ટેન્શન અનેકગણાં વધી જાય છે ને સમજુને અનુભૂતિ તો છેતરાયાની જ થાય છે. જ્યારે જી.એસ.ટી. લાગુ થયેલો ત્યારે એક જ ટેક્સ લાગુ થશે એવી જાહેરાતો મોટે ઉપાડે થયેલી, પણ અત્યારે એ એક ટેક્સ તો લાગુ થયો જ છે, ઉપરાંત, બીજા ટેક્સની અસરોમાંથી પણ આ દેશ મુક્ત થઈ શક્યો નથી, પરિણામે ચીજવસ્તુઓ તો મોંઘી થાય જ છે, પણ પેકિંગમાંથી માલમસાલો પણ ઘટતો આવે છે. બિસ્કિટ, તેલ જેવામાં વજન એકસ્ટ્રા પણ મળે છે, પણ સરવાળે તો અનુભવ છેતરાવામાં જ આવે છે. મોટા ઉપાડે સૂત્રોની જાહેરાતો થાય છે, પણ તે લાગુ થાય ત્યારે કે લાગુ ન થાય ત્યારે પણ, જે સમજે છે એને સરકારનો ઇરાદો પ્રમાણિક ઓછો જ લાગે છે. મોટે ભાગનાં સૂત્રો થોડા વખતમાં હવા થવા લાગે છે ને નવું સૂત્ર આવે ત્યારે આગલું સૂત્ર ભૂંસાવા પર હોય છે.

અત્યારે ‘વન નેશન, વન ઇલેશન’નું સૂત્ર વહેતું થયું છે ને તેની સારી એવી ચર્ચા પણ છે, પણ સરકાર તે લાગુ કરવામાં અને વિપક્ષ તે લાગુ ન કરવામાં ‘એડી ચોટીનું જોર’ લગાવે એમ બને. જો કે, તટસ્થતાથી જોનારને આ સૂત્ર વ્યવહારુ ઓછું જ લાગે છે. બધું ‘વન, વન’ કે ‘એક, એક’ કરવાની વાત આકર્ષક છે, પણ લાગે છે એવું કે ‘એક દેશ, એક પક્ષ’ના પ્રભાવને બદલે ‘વન નેશન, વન અપોઝિશન’વધુ પ્રભાવક જણાય છે. છેલ્લે મુંબઈ ખાતે મળેલી વિપક્ષોની બેઠકોએ તથા વિપક્ષી એકતાના પ્રયત્નોને કારણે ભા.જ.પ.ની સરકાર ચિંતામાં પડી છે અને અજંપાને કારણે રોજ જ કૈં ને કૈં ગતકડું કરતી રહે છે. એમાંનું એક તે ‘વન નેશન, વન ઇલેશન’ છે. એને માટે સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે. એમાં જે અન્ય કાર્યો થવાનાં છે તેમાંનું એક ‘વન નેશન, વન ઇલેશન’ છે. એ કઇ હદે શક્ય છે એની શક્યતા તપાસવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કાઁગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સહિત સાત સન્માનનીય સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રના કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ પણ એમાં ખાસ નિમંત્રિત છે. આ સમિતિ જુદા જુદા પક્ષોથી માંડીને સામાન્ય જનતાનો આ અંગે અભિપ્રાય મેળવશે. એ પછી એક ડ્રાફ્ટ, સમિતિ તૈયાર કરશે અને એનો પછી કાયદો ઘડવા સરકાર સંસદમાં બિલ લાવશે. જો કે, અધીર રંજને આ સમિતિમાં રહેવા બાબતે અસંમતિ દર્શાવી છે તે પણ સૂચક છે.

‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે શું એવો પ્રશ્ન ઘણાંને છે, પણ એનો સાદો અર્થ એ છે કે ચૂંટણીઓ દર પાંચ વર્ષે જ થશે, એ પહેલાં નહીં થાય. આ સૂત્ર પોકારવા પાછળનો સરકારનો મુખ્ય તર્ક ખર્ચ બચાવવાનો છે ને એમાં ઘણું તથ્ય પણ છે. એ ય ખરું કે દેશમાં ક્યાંકને ક્યાંક તો ચૂંટણી ચાલ્યા જ કરતી હોય છે. વડા પ્રધાન પોતે ‘વન નેશન, વન ઇલેક્શન’ની હિમાયત કરી ચૂક્યા છે ને ખર્ચ બચાવવાની વાત તેમણે પણ કરી છે. લોકસભાની પહેલી ચૂંટણી 1951-‘52માં યોજાયેલી ત્યારે 11 કરોડનો ખર્ચ થયેલો, જ્યારે 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીનો ખર્ચ 60 હજાર કરોડ થયેલો. સરકારનું માનવું છે કે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો ઘણો સમય અને ખર્ચ બચે. એ રકમ અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાય, વિકાસનાં કામો પર વધુ ધ્યાન આપી શકાય. એ પણ ખરું કે જુદે જુદે સમયે ચૂંટણી આવતાં, આચારસંહિતા પણ અલગ અલગ સમયે લાગુ થાય છે, એટલે પણ ઘણાં કાર્યો અટકી પડે છે. બીજું, ઇલેક્શન જાહેર થતાં જે તે પ્રદેશમાં બહારના અધિકારીઓની નિમણૂક થાય છે, એટલે એ જ્યાંથી આવે છે, તે વિસ્તારનાં કામો પણ ખોરંભે ચડે છે. જો કે, ખર્ચ બચાવવા સરકાર ‘વન નેશન, વન ઇલેક્શન’નો પ્રયત્ન કરે એ ગળે એટલે ઊતરે એમ નથી, કારણ સરકાર પોતે જ જો એકનાં એક મોઢાં બતાવતી જાહેરખબરો બંધ કરે તો પણ વર્ષે અબજો રૂપિયા બચે એમ છે, પણ એનું બજેટ ઘટતું નથી. એ સ્થિતિમાં ખર્ચ બચાવવાની વાત મશ્કરી જેવી લાગે છે. એની સામે વિપક્ષો ભાગ્યે જ ‘વન નેશન, વન ઇલેશન’ માટે તૈયાર થાય એ પણ ખરું.

ઇલેક્શનની આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો એક જ પક્ષને 77 ટકા મત મળે એવું એક તારણ છે. જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે 6 મહિનાનું અંતર રાખવામાં આવે તો 77 ટકાને બદલે 61 ટકા મત એક જ પક્ષમાં પડે. એ જ રીતે જો બે ચૂંટણીઓ વચ્ચેનું અંતર વધે તો એક જ પક્ષમાં મત પડવાની ટકાવારી ઘટતી આવે. આ વાત ભા.જ.પ.ની કેન્દ્ર સરકાર ન વિચારે એવું તો બને નહીં. જો વિપક્ષો આ ગણિત સમજે તો તે એકસાથે ચૂંટણીઓ કરાવવા ભાગ્યે જ તૈયાર થાય. નિયમોમાં ફેરફાર કરીને લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવી તો શકાય, પણ તે લોકતંત્રની વિરુદ્ધ હશે એવો મત વિપક્ષોનો છે. કોઈક સંજોગોમાં કોઈ પક્ષનો બહુમત ખતમ થઈ જાય તો ત્યાં પાંચ વર્ષ પહેલાં પણ ચૂંટણી યોજી શકાય, પણ ‘વન નેશન, વન ઇલેક્શન’ લાગુ થાય તો એમ કરવાનું શક્ય ન રહે. બીજું, એક તબક્કે કેન્દ્ર સરકારે લોકસભા અને હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડની ચૂંટણીઓ સાથે કરાવવાની કોશિશો કરેલી, પણ એ રાજ્યોમાં ભા.જ.પ.ની સરકાર હતી, છતાં કોઈ રાજ્ય સમય પહેલાં પોતાની વિધાનસભા ભંગ કરવા તૈયાર ન હતું. જો આમ વિધાનસભા ભંગ થાય ને નવી ચૂંટણી આવી પડે તો જે નવો ખર્ચ આવી પડે તે, ખર્ચ બચાવવાની વાતનો છેદ ઉરાડે. બંધારણમાં ફેરફાર થાય તો 2024માં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવી તો શકાય, પણ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, ગોવા, જેવાં રાજ્યોમાં મુદ્દતથી ઘણી વહેલી, સરકારો બરખાસ્ત કરવી પડે અને કરેલો ખર્ચ ફરી કરવા જેવું જ થાય. લોકસભાની 543 અને વિધાનસભાની 4,126 બેઠકો માટે ચૂંટણીઓ યોજવાની થાય. એમાં ઘણી વિધાનસભા આવતે વર્ષે મુદ્દત પૂરી કરવાની હોય તો તેને પણ ભંગ કરવી પડે. જે ખર્ચ પાછળથી કરવાનો છે તે વહેલો આવી પડે. તો, કેટલીકનો કાર્યકાળ લંબાવવો પણ પડે. કેટલાંક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદવું પડે, જે સામાન્ય સંજોગોમાં જરૂરી ન ગણાય. જ્યાં હમણાં જ સરકારો બની હોય, જે ભા.જ.પ.ની હોય તો પણ, તરત જ વિદાય થવા તૈયાર નહીં થાય. આવો આફરો વડા પ્રધાનને અનેક રીતે ને અનેક પ્રસંગે વારંવાર ચડે છે, એમાં કોઈકને કોઈક રીતે પ્રજાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો હેતુ મુખ્યત્વે હોય છે, એ સિવાય બીજી વાતો ગૌણ ગણવાની રહે.

ખર્ચ બચાવવાની વાત કહીને મધ્યમવર્ગીય લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકાય એવું લાગતાં વડા પ્રધાને ખર્ચનો મુદ્દો આગળ કર્યો, પણ જે સંજોગો ઊભા થાય એમાં ખર્ચ કેટલો બચે તે વિચારવાનું રહે. 2019ની લોકસભા વખતે 91 કરોડ મતદાતાઓ હતા, જે હવે 101 કરોડ જેટલા હશે. આટલા મતદારો માટે એક સાથે ચૂંટણીની વ્યવસ્થાઓ કરવાનું કેટલું શક્ય છે તેનો પણ વિચાર કરવો પડે. હવે જો ભા.જ.પ.માં જ આ મુદ્દે મતભેદ હોય તો વિપક્ષો એક સાથે ચૂંટણી યોજવા સંમત થાય એવી શક્યતાઓ ઓછી જ રહે.

આમ તો એકસાથે ચૂંટણીઓ યોજવાની વાત 1983થી ચાલે છે. એ પછી 1999માં કાયદાપંચે વળી આ વિચાર વહેતો મૂકેલો, 2015ની સંસદની સ્થાયી સમિતિને પણ આ વિચાર ગમેલો ને 2018માં કાયદાપંચે લોકોનો અભિપ્રાય પણ માંગેલો, પણ સર્વસંમતિના અભાવમાં વાત આગળ ગઈ નથી. એક વાત બહુ સ્પષ્ટ છે કે એક સાથે ચૂંટણી યોજવાનો વિચાર હાલની કેન્દ્ર સરકારને આવ્યો છે, તે પણ વિપક્ષો એક થઈ રહ્યા હોય ત્યારે, તો તે વિપક્ષોના હિતમાં વિચારે એવું તો કેમ બને? ભા.જ.પ. સરકાર લાભ વિના લોટે નહીં ને એમાં વિપક્ષોએ લોટે જવું પડે તો તે અચૂક લોટે એમાં શંકા નહીં. વિપક્ષોએ જો સામનો કરવાનું નક્કી કર્યું જ હોય તો તેમને માટે આ છેલ્લી તક છે. અહીં વિપક્ષની ફેવરની કે શાસકોની ટીકાની કોઈ સ્વપ્ને ય કલ્પના ન કરે, કારણ ચિંતા અહીં લોકશાહીની છે અને એ જે પાણીએ ચડતી હોય એ પાણીએ ચડાવવાની જ વાત મુખ્ય છે, કારણ લોકશાહીને વિકલ્પે પણ, ભારતને તો લોકશાહી જ ખપે છે, એવું ખરું કે કેમ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 સપ્ટેમ્બર 2023

Loading

ગદ્યસ્વામીના પુન:પ્રકાશનનો આનંદોત્સવ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 September 2023

 પુસ્તક પરિચય 

નવજીવન પ્રકાશન દ્વારા સ્વામી આનંદના પાંચ પુસ્તકોની આવૃત્તિ

‘સાધુ એટલે દો રોટી, એક લંગોટીનો હકદાર’ એવા સનાતન સત્ય સમી ચોટડુક વ્યાખ્યા આપનાર ગુજરાતી ભાષાના અજોડ ગદ્યકાર અને નોખા સંન્યાસી તે સ્વામી આનંદ (1887-1976).

ગાંધીજી પાસે ‘માગણી’ કરીને આત્મકથા લખાવનાર આ ગદ્યસ્વામીનાં પાંચ પુસ્તકો ઘણાં વર્ષે તાજેતરમાં ‘નવજીવને’ સમર્પક સમારંભ સાથે ફરીથી પ્રકાશિત કર્યાં તે આપણા સાહિત્યમાં આનંદોત્સવ ગણાય.

સ્વામી આનંદ ‘નવજીવનના પાયાના પથ્થર સમા’ હતા. તેમણે ગાંધીજીની પત્રિકાનું કામ ચીવટ અને નિષ્ઠાપૂર્વક સંભાળ્યું હતું. નવજીવન પ્રકાશન અત્યારે સ્વામીનાં પુસ્તકોનું પુન:પ્રકાશન એમની રુચિ અને એમના આગ્રહને નજર સમક્ષ રાખીને’ કરે તે ઋણની અદાયગી ગણાય.

સ્વામી દાદાનાં પચીસ જેટલાં પુસ્તકોમાંથી સાઠેક વર્ષ પછી, પહેલી વાર, તેના મૂળ ઘાટ-આકારમાં ‘નવજીવને’ પ્રગટ કરેલાં આ પુસ્તકો છે : ‘અનંતકળા’, ‘કુળકથાઓ’, ‘મોતને હંફાવનારા’, ‘ધરતીનું લૂણ’ અને ‘નઘરોળ’.

માત્ર સ્વામી જ સાધી શકે તેવી કેટલી ય ભાષાઓ-બોલીઓના અબિલ-ગુલાલ ઉછળતી શૈલી, જગજુદા વિષયો અને વ્યાપક જીવનદર્શનથી ઝળાહળાં કરી દેનાર આ હિમાલય પરિવ્રાજક સર્જકના સાહિત્યવૈભવની ઘણી  લાક્ષણિકતાઓની ઉપરોક્ત પાંચ પુસ્તકોમાં ઝલક મળે છે.

સ્વામી દાદાનું જીવન પણ અફલાતૂન, હરફનમૌલા. સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે જન્મ, મુંબઈના ગિરગામમાં ઉછેર. બાર વર્ષની ઉંમરે ‘ચાલ બચ્ચા તને ભગવાન દેખાડું’ કહેનાર સાધુની પાછળ ચાલી નીકળ્યા. એકાદ દાયકાથી વધુ સમય ‘સારા-નરસા સાધુબાવાઓ’ની સાથે રખડ્યા’.

પહેલાં રામકૃષ્ણ મિશન અને પછી ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા. ગંધીકાર્યના ભાગરૂપે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ ખાંખતથી ચલાવ્યાં. ચળવળોમાં જોડાયા, રચનાત્મક કાર્યક્રમોમાં કામગીરી બજાવી.

‘ઉંમર આખી કંઈને કંઈ આછુંપાતળું લખ્યું, પણ ગ્રંથસ્થ થવા ન દીધું.’ આખરે ‘મનનું ગાણું ગાવાની સ્ફુરણા’ અને ‘વગર મૂડીના વૅપલા’ સમાં પોતાના લખાણોને, જીવનના છેલ્લા દાયકે મનની કંઈક એકાકી અને વિકળ અવસ્થામાં સન્મિત્રોના આગ્રહથી, મુદ્રણ અને નિર્માણની પોતાની શરતોએ સંમતિ આપી. એ શરતો પુન: પ્રકાશનમાં એકંદરે જળવાઈ છે જે પ્રશંસનીય છે.

‘અનંતકળા(1967)ની સામગ્રીને લેખકે ‘ચિંતન નિરીક્ષણ વિષયક લેખો’ કહ્યા છે. તેમાં ‘કિરતારની કળા’ અર્થાત ઇશ્વરના સર્જનનું ગાન છે. સમાજસેવા, દેશભક્તિ અને શરીશ્રમ ઓવારણાં છે. ડૉ. વ્રજલાલ મેઘાણી અને નાનાભાઈ ભટ્ટનાં પુસ્તકોનો દીર્ઘ પરિચય છે. સ્વામીએ પુસ્તક ‘ગુરુવર્ય નાનાભાઈને’ અર્પણ કર્યું છે. ‘રાત વીતી’માં શંકરાચાર્ય અને ‘હિંદુ સંસ્કૃતિનો પાયો?’માં વેદો વિશેનો ટીકાત્મક, રૅડીકલ દૃષ્ટિકોણ છે. ‘ગુરુસંસ્થા અને ભક્તિ’ને પણ તેઓ જુદા નજરિયાથી મૂલવે છે.

‘કુળકથાઓ’(1966)ઓમાં કચ્છ-કાઠિયાવાડથી મુંબઈમાં વસીને તેના વેપારવણજ દ્વારા શહેરના વિકાસમાં ફાળો આપનાર કર્તૃત્વશાળી ભાટિયા ઘરાણાંનાં સ્ત્રી-પુરુષોના શબ્દચિત્રો છે. તેમાં તેમની બાળપણની સાંભરણોનો કૃતજ્ઞતાપૂર્ણ સમાવેશ છે.

‘રાણી વિક્ટોરિયાની બોન’ સમાં જાજરમાન શ્રેષ્ઠીપત્ની ધનીમા અને ચીનાબાગના તેમના આવાસનો ‘દેવતાઈ ઘોડો મનાતો’ મોરુના શબ્દચિત્રો ગુજરાતી ભાષાનાં ઘરેણાં છે.

એવું જ ‘ધરતીનું લૂણ’ના શબ્દચિત્રોનું છે. અહીં ‘અંજલિઓ’ તરીકે લખાયેલા ચૌદ નાનામોટા ચરિત્રલેખો છે. સંગ્રહનો મોટા હિસ્સામાં લેખકે પુસ્તક જેને અર્પણ કર્યું છે તે ‘મહાદેવથી મોટેરા’ છોટુભાઈ દેસાઈ વ્યાપેલા છે.

ગાંધીજીના સચિવ મહાદેવાભાઈથી થોડા મોટેરા છોટુભાઈ રેલવે અધિકારી અને સમાજસેવક હતા. લેખકે અત્યંત રસાળ શૈલીમાં તેમના નીડર, સેવાપરાયણ, શક્તિશાળી, યુક્તિબાજ વ્યક્તિત્વને આલેખ્યું છે. એમના જ કુળના ‘મૉનજી રુદર’ અને તેમના પત્ની ભીખીબાઈ. તેમણે પોતાની વિધવા દીકરીના પુનર્લગ્ન કરાવ્યા. એટલે નાતીલાઓએ તેમનો સખત બહિષ્કાર કર્યો જેનો દંપતીએ  ગજબના ધૈર્ય અને ધીરજથી સામનો કર્યો.

‘ઝાકળ જેવા અણદીઠ’માં સૂરતના સાધુચરિત સજ્જન નંદલાલ મહેતા છે. બે ભાગના ‘મૂંગુ બળમાં’ ગર્ભશ્રીમંત નબીરા ચંદુભાઈ નાણાવટીના કલ્પનાતીત પ્રામાણિકતાભર્યા વ્ય્કતિગત તેમ જ વ્યાવસાયિક જીવનનો આલેખ મળે છે.

ચિત્રવિચિત્ર માણસો વિશેના પુસ્તક ‘નઘરોળ’ની ‘ઉગમકથા’માં સ્વામી નઘરોળ શબ્દનો અર્થ લખે છે : ‘ફુવાડિયો, ડટ્ઠર, નીંભર, હાડોહાડનો બેપરવા, નઠોર, રીઢો, અઘોરી, ઑઘરાળો, દીર્ઘસૂત્રી’.

પછી તેઓ ઉમેરે છે : ‘આવા આવા તરેહવાર થોડા નમૂના, જાત અનુભવમાંથી તેમ જ હડફટે ચડેલા તે અહીં સંઘર્યા છે.’ આ ઉપરાંત સમાજમાં રહેલા દંભ-પાખંડ, નઠોરતા, ધર્મજડતાને બતાવતા પાત્રો-પ્રસંગો પણ સ્વામી અહીં સમાવે છે. ‘હીરોશીમાનો હત્યારો?’ નામે બે લેખો કુતૂહલપ્રેરક છે.

‘મૉતને હંફાવનારા’ અંગ્રેજ પર્વતારોહી વિલફ્રિડ નૉઇસના They Survived પર આધારિત છે. સ્વામી લખે છે : ‘આ પુસ્તક મૂળ લેખકે આપેલી કથાઓ તેમ મંતવ્યોમાંથી મહત્ત્વના અંશોની મુક્તપણે કરેલી રજૂઆતોનું છે.’

ભયંકર આપત્તિમાંથી ‘શરીરના ગુણો ઉપરાંત ધૈર્ય, શૌર્ય, સંતુલ, શ્રદ્ધા-પ્રાર્થના, હૈયાસૂઝ વગેરે આંતરિક ગુણોના સુમેળથી’ ઉગરી જનારા દેશવિદેશનાં સ્ત્રી-પુરુષોએ મોતને કેવી રીતે હંફાવ્યું તેની કહાણીઓ અહીં બાર પ્રકરણોમાં છે. બીજાં ત્રણ પ્રકરણો સ્વાનુભવ પર આધારિત છે.

‘પ્રકાશકીય’ નોંધે છે : ‘પોતાનાં પુસ્તકોના પ્રકાશનમાં જોડણી, વિરામચિહ્નો, ટાઇપોગ્રાફી તથા મુદ્રણ માટે સ્વામીના કડક નિયમો હતા. અને તેના પાલનના તેઓ ચુસ્ત આગ્રહી હતા.’ નવજીવને તેમના આગ્રહોને યથાતથ રાખીને પ્રકાશન કર્યું છે તેમાં અપૂર્વ આશરની દૃષ્ટિ છે. રાખોડી રંગનાં આવરણ, તેની પર કથ્થઈ રંગના અક્ષરો અને વિશિષ્ટ કદનાં પુન:મુદ્રણોને મૂળ આવૃત્તિઓ સાથે સરખાવવી આનંદદાયક બને છે.

આવરણ પર ઊપરના ડાબા ખૂણા પરની આકૃતિનો ખુદ સ્વામીએ અર્થ આપ્યો છે : ‘આ  ગ્રંથમાળાનાં મુખપૃષ્ઠો પરની પ્રતીક આકૃતિમાં ચાર નાના ચૉરસ અને એને બાંધતી રેખા વડે  બનતો વચલો ચૉરસ, ચોમેરના મુક્ત આકાશમાંથી આવનારાં હવાપ્રકાશને લઈ પચાવી આત્મસાત કરનારી નરવાઈ સૂચવે છે; અને તેની બહારના ચાર દિશા ચીંધતા ચાર ત્રિકોણ ઈશ્વરદત્ત બક્ષીસો દ્વારા જીવનમાં થતી અનુભૂતિનું ફળ ચારે દિશામાં વસી રહેલી જનતાને અને તેના સરજનહારને અર્ઘ્ય રૂપે પાછું અર્પણ કરવાની મનોવૃત્તિ’. ‘અનંતકળા’ અને ‘કુળકથાઓ’ના આવરણચિત્રો વિશે પણ તેમણે નોંધ લખી છે.

સ્વામીએ વિશ્વવિખ્યાત ચિંતક બર્ટ્રાન્ડ રસેલના અણુશસ્ત્રમુક્તિ વિચારો, અને રેચેલ કાર્સનનાં પર્યાવરણ વિષય પરના ક્રાન્તિકારી આદ્ય પુસ્તક ‘ધ સાઇલન્ટ સ્પ્રિન્ગ’નો સાર ‘માનવતાના વેરી’ પુસ્તકમાં સમાવ્યો છે. તેમણે આઠ અનુવાદ/સંપાદનો પણ આપ્યા છે.

ગીતામાંથી તારવેલાં એકસો આઠ શ્લોકમાંથી ‘બને એટલી સહેલી ભાષામાં’ ‘લોકગીતા’ રચી છે. બાઇબલના કેટલાંક અંશોની તેમણે ‘ઈશુ ભાગવત’ નામે તળપદી કાઠિયાવાડી બોલીમાં કરેલી રજૂઆત તો ઝગઝોળી દેનારી છે. એ નજીકના ભવિષ્યમાં વાંચવા મળશે.

પ્રકાશકે ‘આ પહેલાં તબક્કામાં’ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે : ‘અન્ય પુસ્તકો, સંપાદનો અને ગ્રન્થાવલી વગેરે સાહિત્ય હવે પછી ક્રમશ: પ્રગટ થશે.’ વળી ‘નવજીવને’ એ પણ લખ્યું છે કે : ‘એ જીવનમરમી સ્વામીના આશીર્વાદ આ પ્રકાશન પર ઊતરો એવી પ્રાર્થના’. એ આશીર્વાદ ઊતરશે.

‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌———

પ્રાપ્તિસ્થાનો : 

●‘હૃદયકુંજ’ પુસ્તક ભંડાર, નવજીવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. સંપર્ક : 079-27540635 અને 27540635. ઉપરોક્ત દરેક પુસ્તકની કિંમત રૂ. 200/-, અને અહીં 15 સપ્ટેમ્બર 2023 સુધી દરેક પુસ્તક પર 20% વળતર.

● ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ફોન 079-26587949 અને 9898762263  

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...869870871872...880890900...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved