Opinion Magazine
Number of visits: 9457743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાઉદી અરેબિયાના અનુભવો  

બાલુભાઈ શેલડિયા|Opinion - Opinion|6 September 2023

ભારત મારો દેશ છે અને મને તેનું ગૌરવ છે. આવું સ્કૂલમાં બોલતાં અને બોલાવતાં હતાં. અને આમાં કશું જ ખોટું પણ નથી. પડોશમાં રહેલા મહેલને જોઈને ઘરનું ઝૂપડું બાળી થોડું નંખાય છે? મારું ઝૂપડું એ મારું ઝૂપડું છે અને પડોશીનો મહેલ એ પડોશીનો મહેલ છે.

તા. 04-09-2023ના રોજ પુત્ર અને પુત્રવધૂ અમને બન્નેને પૌત્ર સાથે ઓથમ મોલ, જે જ્યુબેલ શહેરથી સો કિલોમિટરને અંતરે આવેલા દમામ શહેરનો મધ્યમ કક્ષાનો મોલ છે. તે જોવા લઈ ગયાં.

આપણે પ્રેરણા લેવા જેવી આ અનુભવને આધારે ત્રણ વાતનો સગૌરવ ઉલ્લેખ કરું છું.

અમે સાંજે પાંચ વાગ્યે જ્યુબેલથી ઓથમ મોલ જવા નીકળ્યા હતા. જ્યુબેલથી દમામનો આઠ ટ્રેક વાળો નેશનલ હાઈ વે છે. જે એકદમ સીધો છે, ક્યાં ય વળાંક કે અન્ય રોડ ક્રોસ થાય નહીં અને થાય તો પણ અન્ડર બ્રીજ કે ઓવર બ્રીજ હોય, ક્યાં ય ગાડી ધીમી પાડવાનો કે ગિયર બદલવાનો આવે જ નહીં અને હવે તો મોટા ભાગની ગાડીઓ ઑટો ગિયરરવાળી છે. એટલે ડ્રાયવરને ગિયર બદલવાની કોઈ ઝંઝટ જ રહેતી નથી. રસ્તામાં વચ્ચે કોઈ રાહદારી, પશુ કે પક્ષી આવવાની સંભાવના નહીંવત. મોટા ભાગની ગાડીઓ 120 કિલોમીટરથી વધારે સ્પીડમાં દોડતી હતી. અમારી ગાડી 135-140 કિલોમીટરની સ્પીડે ચાલતી હતી અને હું ડ્રાયવર સીટની બાજુમાં બેઠો હતો. માઈલો મીટરનો કાંટો સ્પષ્ટ રીતે જોઈ શક્તો હતો અને મારો પુત્ર ડ્રાઈવિંગ કરતાં-કરતાં અને અમે બધાં પોપકૉર્ન –  મકાઈની ધાણી – ખાઈ રહ્યાં હતાં. જો કે મને વ્યક્તિગત રીતે આ વ્યવહાર પસંદ નહોતો. પરંતુ બધાં મુસાફરી દરમિયાન ધાણી ખાતાં હતાં.

પછી સાંજે જ્યારે ભોજન કરતાં હતાં ત્યારે સહેજ ટકોર કરી કે બેટા, આટલી સ્પીડમાં મોટર ચલાવતાં ધાણી ખાવી યોગ્ય નથી. જવાબ મળ્યો, પપ્પા તમે ખોટા ગભરાવ છો. આ અમદાવાદ – બરોડા નેશનલ એક્સપ્રેસ હાઈવે નથી. અહીં અકસ્માત થવાની સંભાવના બહુ જ ઓછી છે. કારણ રોડની ગુણવત્તા અને નાગરિકોની ટ્રાફિક સેન્સ હોય છે. તેથી અકસ્માત થવાની સંભાવના ઓછી છે. મને લાગે છે કે આ વાત આપણે પ્રેરણા લેવા જેવી છે. સો કિલોમીટરનું અંતર પચાસ મીનિટમાં પૂરું કર્યું.

અમે ઓથમ મોલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી. પાર્કિંગ જોઈને જ અભિભૂત થઈ જવાય, એવી અદ્ભુત વ્યવસ્થાવાળું પાર્કિંગ. ત્રણ માળનું પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર અને નીચે ભોય તળિયામાં બે માળ પાર્કિંગના ફાળવેલા. સેંકડો નહીં, પૂરી ત્રણ હજાર ગાડીઓ સરળતાથી પાર્ક થાય એવું પાર્કિંગ. મેં મારા જીવનમાં પ્રથમ વખત આવું પાર્કિંગ જોયું. જો આપણે પાર્કિંગ સેકટર યાદ ન રાખ્યું હોય, તો આપણને આપણી ગાડી શોધવા માટે ફાંફાં મારવાં પડે. આટલું વિશાળ પણ અતિશય વ્યવસ્થિત અને સુવિધાપૂર્ણ.

ચારેય દિશાઓમાં મોટી મોટી લિફ્ટ, એક સાથે વીસ માણસો લીફ્ટ થઈ શકે એવી મોટી લીફ્ટસ્ અને યાંત્રિક સીડીઓ. મારા જેવા એક મધ્યમ વર્ગીય નાગરિક માટે જાદુઈ નગરી લાગતી હતી.

આ મોલ પાંચ માળનો છે. ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ માટે છે, બીજો, ત્રોજો અને ચોથો માળ વિશાળ વિવિધ શો રૂમ છે. અને પાંચમો આખો માળ બાળકોની વિવિધ રાઈડઝ્ અને ખાણીપીણી તેમ જ પ્રાર્થના હોલ છે. પુરુષો અને સ્ત્રીઓના અલગ-અલગ પ્રાર્થના રૂમો છે. હું જ્યારે પાંચમો માળ કહું છું, ત્યારે ગેરસમજ થવાની સંભાવના છે કે મોટા મકાનનો પાંચમો મોટો માળ હશે. સમજો એક મોટું ગ્રાઉન્ડ. જેમાં જાત-જાતની અને ભાત-ભાતની અનેક રાઈડસ્, વિવિધ રમતો, વિવિધ ખાણીપીણીનાં સ્ટોલો, દુનિયાભરના તમામ ભોજનો પ્રાપ્ય. આ વિભાગમાં બાળકો એટલાં ખીલી ઊઠે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. નેવું રિયાલમાં બાળક અનલિમિટેડ રાઈડ્સનો આનંદ લઈ શકે. અમે બધાં પૌત્ર ખીલેલ ફાલ્ગુનને જોતાં ઊભા હતાં અથવા સામેની ખુરશી ઉપર બેઠાં હતાં. સેંકડો બાળકો જોયાં, કોઈ બાળક રડતું હોય કે જીદે ચડેલું જોયું નહીં. એકદમ સ્વચ્છ, તંદુરસ્ત અને પૂર્ણપણે ખીલેલાં બાળપણને આનંદ સાથે જોતો હતો. એક વિચાર આવ્યો, જે દેશનું બાળક પોષણક્ષમ ખોરાકના અભાવે કે ઓવર ખોરાકનાં કારણે બાળક રોગીષ્ટ તે દેશનું ભવિષ્ય પણ રોગીષ્ટ. ચાર- પાંચ કલાક ક્યાં ગયા ખબર ન પડી.

ખરીદી તો કંઈ કરવાની હતી નહીં, પરંતુ પુત્રની સદ્ભાવના હતી કે પિતા કંઈક ખરીદે. પણ મારી પાસે મારી જરૂરિયાત કરતાં વધારે જરૂરી વસ્તુઓ છે. પછી ખરીદી શું કરવાની? પણ વિવિધ વિભાગો જોયા. ચાલતાં થાકી જવાય એટલો મોટો મોલ. કન્ટેનરના કન્ટેનર માલના ઢગલાઓ. ગોલ્ડના શો રૂમ જોયા, અંદર પ્રવેશવાની હિમ્મત તો નહોતી, પણ પુત્રને ખુશ કરવા જોયા. મણના હિસાબે ગોલ્ડ અને પ્લેટિનમની હજારો આઈટમ જોઈ. મેં પુરાણોમાં કુબેર નગરીનું વર્ણન વાંચ્યું હતું, પણ આ તો પ્રત્યક્ષ કુબેરનો ભંડાર જોયો. પણ એક વિચાર સતત મનમાં ઘુમરાતો હતો કે વિક્સિત રાષ્ટ્રોની અવિક્સિત રાષ્ટ્રો માટે કોઈ ઉત્તરદાયિત્વ હોઈ શકે ખરું? મારા મનમાં ગાંધીજી સતત ઘુમરાતા રહ્યા.

રિર્ટન થતાં રસ્તામાં એક પાણીની નવી પાઈપ લાઈન નંખાઈ રહી હતી. એ એટલી મોટી પાણીની પાઈપ લાઈન હતી કે માણસ અંદર મોટર સાઈકલ ચલાવીને સરળતાથી બહાર નીકળી જાય. આપણાં ગુજરાતમાં નર્મદાનું પાણી જેમ સૌરાષ્ટ્ર કે કચ્છમાં પહોંચાડ્યું છે, એવી જ આ પાણીની પાઈપ લાઈન છે.

પાણીની પાઈપ લાઈન એ કોઈ નવી કે આશ્ચર્ય પામવા જેવી બાબત નથી. પણ મને લાગી. કારણ કે વરસાદના પાણીને સંગ્રહિત કરીને પાઈપ લાઈન દ્વારા પાણીવિહીન વિસ્તારમાં લઈ જવી એ પણ એક સિદ્ધિ જરૂર છે.

પણ જ્યાં સરેરાશ એક ઈંચ વરસાદ પડતો નથી, નર્મદા જેવી નદીઓ નથી, મીઠાં પાણીનો કુદરતી કોઈ સ્રોત નથી, ત્યાં દરિયાનાં ખારા પાણીને મીઠું પાણી બનાવીને દેશના નાગરિકોને પહોંચાડવું, એ મહાન સિદ્ધિ છે. અહીંનો નાગરિક છૂટથી ચોવીસ કલાક મીઠું પાણી વાપરે છે. નિસ્યંદિત થયેલું પાણી, ડીસ્ટ્રીલ વોટર, ચોખ્ખું પાણી વાપરે છે. મારી દૃષ્ટિએ આ એક મિરેકલ-ચમત્કાર છે. કુદરતે આપણને કેટલી સંપત્તિ આપી છે! તેમ છતાં પોષણક્ષમ ખોરાકના અભાવમાં રોગીષ્ટ બાળકોમાં બિહાર પછી ગુજરાતનો નંબર આવે છે!

પાછા વળતાં હાઈ વે ઉપરની એક સાદી હોટેલમાં અમે પાંચ જણાએ તંદુરી રોટલા, મગની દાળ ને ચણાની માખણવાળી દાળ, કોબી-ડુંગળી-મરચાંનો સંભારો અને ફળ જ્યુસથી ભોજન કર્યું. અને અમે તેના 62 રિયાલ- રૂપિયા ચૂકવ્યા. ભોજનને અંતે થોડી હોટેલના માણસ સાથે આત્મીયતાનો સેતુ રચાયો અને ખબર પડી કે આ હોટલ પાકિસ્તાનીએ કોઈ સાઉદી નાગરિક સાથે ભાગીદારીમાં કરી છે. પરંતુ તેમનો માનવીય અભિગમ ખૂબ ગમ્યો.

સૌજન્ય : લેખકની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘એ જ એમ.ટી.બી.નો નિત્ય આચાર્ય !’ : શિક્ષકદિને કુંજવિહારી મહેતાને અંજલિ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|6 September 2023

‘પારકી છઠ્ઠીના જાગતલ’ શિક્ષણવિદ કુંજવિહારી મહેતા(1923-1994)નો શતાબ્દિ સ્મૃતિગ્રંથ ‘કેમે ના લોપાય સ્મરણથી’ 14 જુલાઈએ તેમના જન્મદિવસે અને શતાબ્દિવર્ષના સમાપન સમારોહના અવસરે  પ્રસિદ્ધ થયો. આ ગૌરવગ્રંથમાંથી તેમનાં જીવનકાર્યના જે પાસાંની ઉત્કૃષ્ટતા (excellence) ઉજાગર થાય છે તે આ મુજબ છે : સુરતની વિખ્યાત એમ.ટી.બી. કૉલેજના આચાર્ય, કૉલેજની સંચાલક-સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રી, જાગૃત કટારલેખક, પરગજુ માણસ, સુરતના જાહેરજીવનના અગ્રણી અને એક વત્સલ કુટુંબ-પ્રમુખ. પુસ્તકના ખૂબ ભાવપૂર્ણ લેખોમાં મહેતા સાહેબને યાદ કરનારા છત્રીસ લેખકોમાં કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થા-સંચાલકો અને જાણીતા શહેરવાસીઓ તેમ જ પત્રકારો-સાહિત્યકારો અને આપ્તજનોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં અનેક નોંધપાત્ર બાબતો છે. તેમાંથી કેટલુંક તારવી-સારવીને અહીં રજૂ  કરવાની કોશિષ કરી છે.

v  પદ-પ્રતિષ્ઠાની વચ્ચે પણ મહેતા સાહેબ સાવ અદના જનોને મદદ કરતા. અણીને પડખે તેઓ જેમની મદદે ઊભા રહ્યા હોય, જેમને સામે ચાલીને મદદ કરી હોય તેવા લોકોમાં અધ્યાપકો કે વંચિત વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા કેટલાક પણ છે : એક વિધવા મજૂરણનો દીકરો, સારવારના અભાવે તરફડી રહેલું બાળક, તેમને ટેકે શરબતની લારી ઊભી કરી શકતા એક મુસ્લિમ વૃદ્ધ, તેમની પાસે દર મહિને હાથખરચી મેળવતો એક ઘરડા ગરીબ પિતા, કૉલેજમાં દાણા વેચતો એક ડોસો અને એની પત્ની, સ્વજનને અચાનક ગુમાવનારા કૉલેજના કર્મચારીઓના બેબાકળા બનેલા પરિવાર.

v  કૉલેજ અને સંસ્થા મહેતાસાહેબનો આત્મા હતા. એક વખત રાત્રે બે વાગ્યે ફોન આવ્યો કે કૉલેજના પ્રાંગણમાં ખૂન થયું છે. આચાર્યશ્રી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કૅમ્પસ પર પહોંચી ગયા.

v  નવનિર્માણ આંદોલનની ચરમસીમાએ પ્રિન્સિપાલ કુંજવિહારીભાઈએ વિદ્યાર્થીઓને પકડવા આવેલી પોલીસને અનેક દબાણો હોવા છતાં કૉલેજમાં પ્રવેશવા ન જ દીધી. સંચાલકોએ પણ તેમની પર પોલીસને આવવા દેવા દબાણ કર્યું હતું, પણ તેની સામે તેઓ રાજીનામું આપવા તૈયાર થયા. ત્યાર બાદ સરકારના વિરોધમાં વિદ્યાર્થીઓએ કાઢેલા સરઘસને શહેરમાં લાદવામાં આવેલી 144ની કલમનો ભંગ કરીને નેતૃત્વ પૂરું પાડ્યું.

v  એમ.ટી.બી.માં ત્રીસ વર્ષ અંગ્રેજીનું અધ્યાપન કરનાર વી.એસ. નવલકર મહેતા સાહેબના કૉલેજના આચાર્ય તરીકેના વિદાય સમારંભના પ્રસંગનો માહોલ વર્ણવે છે. તેમને એ પ્રસંગ શકુંતલા વિદાય જેવો કરુણ લાગે છે. લેખિકા પશ્ચિમના સાહિત્યના સંદર્ભખચિત અંગ્રેજી લેખમાં મહેતા સાહેબ પર પ્રશંસાનો વર્ષાવ કરે છે. ‘human god’, ‘symbol of love, kindness and generosity’, ‘impetuous and obstinate child’, ‘admiral who steered his ship safely successfully’, ‘a crusader with a mission’, ‘a karmayogi’. 

v  માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મહેતા સાહેબને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પણ ઝીણાભાઈ દરજીને ‘સરકારની નીતિની નિંદા કરે એવી વ્યક્તિ’ ખપે તેમ ન હતી, અને સાહેબ તો ‘ગુજરાત મિત્ર’ની તેમની લોકપ્રિય કૉલમમાં સત્તાવાળાની ટીકા કરવા માટે જાણીતા હતા. આ મતલબની વાત ચન્દ્રકાન્ત પંડ્યા અને રવીન્દ્ર પારેખના લેખોમાં મળે છે. 

v  મહેતા સાહેબ સુરતમાં ચાલતી રૅશનાલિસ્ટ પ્રવૃત્તિનું સમર્થન તેમના લેખોમાં કરતા. તેમણે સુરતમાં સત્યશોધક સભા ચાલુ કરાવી હતી. વૈજ્ઞાનિક અભિગમમાં માનનારા મહેતાસાહેબે સુરતમાં યોજાવામાં આવનારા એક મોટા ખર્ચાળ યજ્ઞની સામે તેમની કૉલમમાં વિરોધ નોંધાવેલો. 

v  રમણ પાઠક અને સરોજબહેનને મહેતા સાહેબે પોતાની સાથે કોઈ નિકટતા ન હોવા છતાં ઘણી મદદ કરી હતી. રમણભાઈ લખે છે : ‘ગેરકાયદેસર જણાતાં કામ કાયદેસર રીતે, કેવી રીતે પાર પાડવા એ મહેતા સાહેબને બરાબર આવડે. ખરેખર તેઓ એવા અતિકુશળ વહીવટકર્તા તો હતા જ.’  

v  મહેતા સાહેબે ‘ગુજરાત મિત્ર’માં દર મંગળવારે ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ નામની કટાર બે-એક દાયકા સુધી લખી. તેની લોકપ્રિયતાનો ઉલ્લેખ કરીને ‘મિત્ર’ના તંત્રી ભગવતીકુમાર શર્મા આ મતલબનું લખે છે : ‘આ કટાર પર મહેતા સાહેબની વિચાર સમૃદ્ધિ ઉપરાંત તેમના વ્યક્તિત્વની દૃઢ મુદ્રા અંકિત થયેલી હતી. શું  હતું તેમના વ્યક્તિત્વમાં ? – સ્પષ્ટભાષિતા, તડફડ વૃત્તિ, સ્ટ્રેઈટફૉર્વર્ડનેસ, પારદર્શિતા. તેઓ સાફસુથરું સંઘેડાઉતાર ગદ્ય લખતા જે તેમના વિચારોનું અસરકારક વાહન બને. જેનો શબ્દશ: ધાક હોય એવી મારા જોવા-વાંચવામાં આવેલી એકમાત્ર કટાર હતી, અને એ એમની.

v  શરીફાબહેન વીજળીવાળાએ એમ.ટી.બી.કોલેજમાં મહેતા સાહેબના સંસ્થા-મંત્રી તરીકેની કાર્યક્ષમતા અને નિસબતના અનુભવો વર્ણવ્યાં છે. કૉલેજમાં મહિલા અધ્યાપકોએ પહેરવાનાં વસ્ત્રો અંગે સાહેબે પ્રગતિશીલ અભિગમ કેવી વ્યૂહરચનાથી જાહેર કર્યો તેનો કિસ્સો પણ તેમણે નોંધ્યો છે. લેખના અંત ભાગ તરફ જતાં શરીફાબહેન લખે છે : ‘એક કુશળ વહીવટકર્તા કેવો હોય એવું કોઈને જાણવું હોય તો એમણે મહેતા સાહેબની કામ કરવાની રીત, એમનું સૌમ્ય અભિજાત વર્તન વગેરે વિશે ઝીણવટથી અભ્યાસ કરવો પડે. કારણ કે હવે આવા માણસો દીવો લઈને શોધીએ તો ય જડતાં નથી. આજે છે કોઈ એવા શિક્ષણવિદ જેનું બધા સાંભળે? જે સરકારને રોકી-ટોકી શકે ? … સાહેબ, તમારા જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસોનો દુષ્કાળ કેમ પડ્યો? એક વાત કહું મહેતા સાહેબ … ગયાં પચીસ વર્ષમાં અનેક વાર મને લાગ્યું છે કે તમે હોત તો સુરત શહેરે મને મોઢા પર ઘર આપવાની ના ન જ પાડી હોત … એટલે તો આદર  હતો  આ શહેરને તમારા પ્રત્યે … પણ …’

v  હિંમાશીબહેન શેલત મહેતા સાહેબના આચાર્યકાળનો વિદ્યાસંસ્કાર વૈભવ અનુભવી ચૂક્યા છે. તેઓ ‘એક પ્રાણવાન, ઊર્જાસભર વ્યક્તિત્વ’ શીર્ષકવાળા સુંદર લેખમાં લખે છે : ‘આટલી સજ્જ અને સક્ષમ વ્યક્તિ અજાતશત્રુ હોય તો આશ્ચર્ય. દ્વેષભાવથી એમની પીઠ પાછળ ઘસાતું બોલનારા અને ખતરનાક રમતો રમનારા નહોતાં એમ નહીં, પણ સ્વચ્છ અને નિર્ભિક ચિત્ત ધરાવનારા મહેતા સાહેબ સામે પ્રવાહે તરનાર હતા, અને એમ કરવામાં કેવી અને કેટલી તાકાત જરૂરી છે એની એમને પૂરી જાણ હતી. એમની સમાજિક પ્રતિબદ્ધતા અને એમના સંસ્થા સમર્પણ ભાવને એમના આલોચકોએ પણ કબૂલવો પડે એવું વાતાવરણ એ સર્જી શકેલા. સ્પષ્ટવક્તા પણ અઢળક સ્નેહાદરને પાત્ર હોઈ શકે એનું જ્વલંત ઉદાહરણ તે મહેતા સાહેબ. કૉલેજ પ્રાંગણમાં જેમનો પગ પડે કે આમન્યા જાળવવાનું આપોઆપ બને એવો કડપ ધરાવતા આ ગુરુને ચાહનારાં ત્યારે અનેક અને આજે ય અનેક.’ 

v  સિતાંશુ યશશ્ચન્દ્ર ‘કુંજવિહારીભાઈની પ્રભાવશાળી,ઊંચી અને શિલ્પસદૃશ છબિ’ને યાદ કરે છે. તેઓ લખે છે : ‘આજે ય એવા મહેતાસાહેબને મળવાનું દિલ થાય. આ અરસપરસના હાસ્યાસ્પદ હડસેલાઓના આ સમયમાં અટપટાવહેણની આરપાર તરી જવું હોય, તો એમની એમ.ટી.બી.ના પરિસરમાં જઈ, કરોડરજ્જુ ટટ્ટાર રાખી, મસ્તક ઉન્નત રાખી થોડી વાર ઊભા રહેવું. ત્યાં જ ક્યાંકથી આવી, એવો જ એક જણ તમને મળવા જરૂર આવશે – એ જ કુંજવિહારી, એ જ મહેતા સાહેબ, એ જ એમ.ટી.બી.નો નિત્ય આચાર્ય !’ 

————————————

●પુસ્તક સૌજન્ય : ડૉ. સ્વાતિ મહેતા 

● પ્રકાશક : આચાર્ય કે.સી. મહેતા શતાબ્દી પર્વ સમિતિ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, એમ.ટી.બી. આર્ટસ કૉલેજ, અઠવા લાઇન્સ, સુરત 395 001

[900 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દદ્દાઓ અને નન્નાઓની નગરીનાં ઇલાબહેન ભટ્ટ અમદાવાદથી વિશ્વમાં પ્રકાશ્યાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 September 2023

અખિલ હિંદ મહિલા પરિષદ તરેહની મધ્યમવર્ગી હિલચાલ પછીના નવા મુકામમાં મહિલા ચળવળને અસંગઠિત શ્રમિકો થકી નવેસર વ્યાખ્યાયિત કરવામાં એ ઇતિહાસનિમિત્ત બન્યાં

ઇલા રમેશ ભટ્ટ, ‘સેવા’નાં ઈલાબહેન સ્તો, આપણી વચ્ચે હોત તો આવતીકાલે નેવું વરસ પૂરાં કરી એકાણુંમે પ્રકાશતાં હોત. એ નેવુંમે ગયાં, નવેમ્બર 2022માં એમનું દીર્ઘાયુ એ જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ભરતી ઘટના હતી. છેલ્લાં થોડાં વરસ એ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ રહ્યાં. એ ગાળામાં એમની હેડીનું ભાગ્યે જ કોઈ ગુજરાતમાં હશે જે આ પદે હોઈ શકે. એક રીતે એમની એ કારુણિકા બની રહી. જો કે, હું આ પ્રયોગ ચીલેચલુ છાપાંગત નહીં કરતાં ગ્રીક ટ્રેજેડીના અર્થમાં, કરુણભવ્ય એ અર્થમાં કરવો ઈચ્છું. ક્યારેક વિદ્યાપીઠ વિશે વાત કરવાની બનશે ત્યારે એની ચર્ચા કરવાની કોશિશ જરૂર કરીશ. પણ હમણાં તો વ્યાપક ફલક પર એક યશસ્વી જીવન નિમિત્તે થોડીએક વાતો કરવા ઈચ્છું છું.

ઇલાબહેન મૂળે સુરતનાં. દદ્દાઓ અને નન્નાઓની નગરીનાં. બને કે ચંદ્રવદન મહેતાએ પંડે જે ઇલાઓનાં નામ પાડ્યાં લેખાય છે તે પૈકીનાં એક એ પણ હોય. ગમે તેમ પણ, ક્યારેક નીલકંઠ ને દિવેટિયા પરિવારોનું સુરત-અમદાવાદ આવવું-જવું, વસવું-સેવવું, ગુજરાતમાં સંસાર સુધારાની હિલચાલનું એક અરુણું પ્રકરણ હતું તેમ વીસમી સદીનું છેલ્લું ચરણ પણ સુરતથી અમદાવાદ આવી સ્થાયી થયેલાં ઇલા ભટ્ટ, ઇલા વર્મા (પાઠક), કીર્તિદેવ દેસાઈ, પ્રવીણ શેઠ-સુરભિ શેઠ વગેરે થકી આપણા નજીકના ઇતિહાસનું એક સલૂણું પ્રકરણ છે. (સુરભિબહેન થોડો વખત નર્મદ સાહિત્ય સભાના સહમંત્રી હતાં એવો ખ્યાલ છે. હમણાં જ એ પુત્ર અમિત-સ્થાપક નિયામક, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના-ને ત્યાં વિદેહ થયાં.)

ઇલાબહેનને મિષે વાત કરતે કરતે ઝીણી-ઝીણી વિગતોમાં નહીં જતાં બેત્રણ બહોળાં નિરીક્ષણો કરું. સંસારસુધારાની અને સ્વરાજની ચળવળો પછીનાં સ્વાતંત્ર્યોત્તર- એમાં પણ કટોકટી આસપાસ અને તે પછીનાં આ વરસો છે. સ્વરાજનિર્માણની પહેલી પચીસી પસાર થઈ ન થઈ અને બીજી પચીસી બેસતે દેશ સ્વરાજની બીજી લડાઈની પરિસ્થિતિમાં મુકાઈ ગયો. નાગરિક સ્વાધીનતા અને મૂળભૂત અધિકારોની પ્રતિષ્ઠાપૂર્વક લોકશાહીના પુન:સંસ્થાપનનો, 1975-77નો એ ગાળો વિશ્વસ્તરે પણ આંતરરાષ્ટ્રીય નારીવરસ સહિતના નોંધપાત્ર ઘટનાક્રમનો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ દિવસ અને રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ ક્રાન્તિ દિવસ (બેઉ પાંચમી જૂને) મનાવા શરૂ થયા તે પણ આ જ અરસામાં.

આ સઘળું નકરો જોગાનુજોગ નહોતો. કટોકરી ઊઠી એ અરસામાં કોઈકે, ઘણું કરીને ડેવિડ સેલ્બોર્ને લખ્યું હતું કે કટોકરી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઈસિસ) જારી છે. લોકશાહીનું પુન: પ્રતિષ્ઠાપન (રિસ્ટોરેશન) થયું એ સાચું, પણ એથી જે સુવિધા મળી એમાં સ્વરાજના વ્યાપક અર્થમાં કેટકેટલાં સ્તરે લડવાનું હતું અને છે. સ્વરાજ સૌને અનુભવાય, જેમ ‘સહિત’ને તેમ રહિત દલિત વંચિત સૌને, જેમ પુરુષને તેમ સ્ત્રીને, માલિકને તેમ શ્રમિકને – આ તો એક સતત ચાલતી પ્રક્રિયા, લડાઈ કહો તો લડાઈ છે.

નીલકંઠ-દિવેટિયા સંક્રાન્તિથી ભટ્ટ-પાઠક સંક્રાન્તિમાં શું બન્યું? જરી સબૂરીથી વિચારીએ. પહેલી સંક્રાન્તિમાં, લિબરલ પરિવારોના મવાળ કાઁગ્રેસકારણમાંથી ગાંધીનું રાજકારણ આવ્યું. અખિલ હિંદ મહિલા પરિષદ પ્રકારની સર્જનાત્મક ને સંસ્થાકીય હિલચાલનો માહોલ બન્યો. એને જરી વધુ સુધારકી વળાંક મળ્યો ત્યારે જ્યોતિસંઘનો જમાનો આવ્યો (જેણે હમણેના દાયકાઓમાં સેક્સ વર્કર ક્ષેત્રે નવોન્મેષ દાખવ્યો છે.) ક્યારેક ‘પુરુષસમોવડી સ્ત્રી’ની રીતે વાત થતી હતી તેમાંથી આપણે જેમ પુરુષ તેમ સ્ત્રી પણ એક વ્યક્તિ છે અને એનું મૂલ્યાંકન પુરુષ સાપેક્ષ ધોરણે સીમિત નહીં રહેતાં, સ્વત:સિદ્ધ વ્યક્તિને નાતે થવું જોઈએ એ સમજે નાંગર્યાં છીએ. નવી નારીનું જે પ્રતિમાન અને પ્રતિરૂપ આપણી સમજ અને સંવેદનાને સંકોરતું સામે આવવા કરે છે તે ધોરણે આગલી મધ્યમવર્ગી હિલચાલ પછીના નવા મુકામમાં મહિલા પ્રવૃત્તિ પણ નવેસર વ્યાખ્યાયિત થઈ રહી છે. સિવણગૂંથણ, વડીપાપડ પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ મધ્યમવર્ગી વંડી ઠેકીને શ્રમિક સુખ-દુ:ખ સાથે જોડાવું અને તેમ કરતે કરતે પૂરા કદની વ્યક્તિ અને પૂરા કદના નાગરિક થવાની મજલ બેઉ પક્ષે હોવી તે યુગપડકાર છે. શરૂ શરૂમાં મજૂર મહાજનના પ્રત્યક્ષ અંગભાગી રૂપે અને આગળ ચાલતાં સ્વતંત્ર રૂપે ઇલાબહેનના નેતૃત્વમાં ને યોજકત્વમાં ‘સેવા’નો ઉદ્દભવ ને વિકાસ આ રીતે જોવા જેવા છે.

‘સેવા’ વિશે ઘણું લખાયું છે એટલે નજીકના ઇતિહાસ ને નજીકનાં વલણોની આટલી પિછવાઈએ અટકી થોડું ઇલાબહેનનાં વ્યક્તિત્વ વિશે કહું? એમની જાહેર કામગીરી અને એના ઉંબર તેમ આરંભ ગાળામાં અમારો નિકટ પરિચય રહ્યો. 1973માં પર્લ બક ગયાં ત્યારે મેં આનંદાશ્ચર્ય જાણ્યું કે હજુ ફેબ્રુઆરી સુધી એમની ને પર્લ બક વચ્ચે પત્રવહેવાર હતો, જે ક્યારેક ‘ગુડ અર્થ’ વાંચ્યા પછી શરૂ થયો હતો. સંઘર્ષ, સ્વાધ્યાય ને સહૃદયતા એમના જીવનમાં સાથેલગાં રહ્યાં. ‘78-’79ના અરસામાં એ હું ધારું છું, નવસારીની ગાર્ડા કોલેજમાં ‘નારીનાં પ્રતિરૂપ’ વિશે યુનિવર્સિટી વ્યાખ્યાન આપવાનાં હતાં ત્યારે થયેલી ચર્ચા સાંભરે છે.

સેવાનો વિકાસ, મેગ્સેસે એવોર્ડ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડ, રાજ્યસભામાં નિયુક્તિ, પદ્મ સન્માન, આ બધી રુટિની હારડાશાઈ વિગતોમાં નહીં જતાં અંતમાં એટલું જ કહીશું – અધૂકડી તો અધૂકડી – આ કટારનોંધમાં, કે એકંદરે બિનપક્ષીય રહ્યાં છતાં પાછલા દાયકાઓમાં એમને શાસન તરફથી જે ભીંસનો અનુભવ થયો એમાં જો શાસકીય અસંસ્કારિતા સાફ છે તો ભલે પક્ષસંધાન વગરનીચે નાગરિક-રાજકીય અભિજ્ઞતા પણ સંમાર્જન માગે છે … હમણાં તો એ વિરલ વ્યક્તિતા ને નેતૃતાને માનવંદના!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 સપ્ટેમ્બર 2023

Loading

...102030...868869870871...880890900...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved