Opinion Magazine
Number of visits: 9457763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી માત્ર સત્તા સુધી પહોંચવા માટેની નિસરણી નથી; પણ જે તે પ્રદેશની પ્રજાની વિશિષ્ટ અપેક્ષા, ફરિયાદ, અસંતોષ, ઊહાપોહ અને ડૉ રામ મનોહર લોહિયા કહેતા એમ નાગરિક શિક્ષણનું સાધન છે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 September 2023

રમેશ ઓઝા

કેન્દ્ર સરકારે લોકસભાનું ખાસ અધિવેશન બોલાવ્યું છે. એ સાથે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરી છે, જેણે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા વિશેની વ્યવહારુતા તપાસીને સરકારને ભલામણ કરવાની છે કે આ કરવા જેવું છે કે નહીં. દેશહિતમાં છે કે નહીં. સમિતિમાં વિરોધ પક્ષમાંથી કાઁગ્રેસના સંસદીય નેતા અધીર રંજન રોયને લેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સમિતિમાં જોડાવાની ના પાડી દીધી છે. નહીં જોડાવાનું કારણ એ છે કે સરકારે તપાસ કરવા માટે જે નિર્દેશન (રેફરન્સ) આપ્યું છે એમાં જ તારણ આવી જાય છે. તમારે આ જ કહેવાનું છે, અભ્યાસ તો એક બહાનું છે. એ સિવાય કાઁગ્રેસના એક સમયના નેતા ગુલામ નબી આઝાદ સમિતિમાં છે. કાઁગ્રેસ છોડ્યા પછી ગુલામ નબી આઝાદની હાલત તો બિચારાની ન ઘરના ન ઘાટના જેવી છે. જમ્મુ અને કાશ્મીરમાં ભોજોભાઈ પણ તેમની સાથે નથી. આરિફ મોહમ્મદ ખાનની જેમ તેમનું જાહેરજીવન બી.જે.પી. આશ્રિત છે.

આવું કે આના જેવું કાંઈક તો થવાનું જ હતું. બીજા તો ઠીક, ભક્તો પણ ખાનગીમાં પૂછતા હતા કે આ વખતે શું થશે? ચૂંટણી માથે છે અને આ વખતની ચૂંટણી જીતવી અઘરી પણ છે. ચાર  મુખ્ય કારણ છે. એક તો દક્ષિણ ભારતમાં કંઈક અંશે કર્ણાટક છોડીને બીજાં રાજ્યોમાં બી.જે.પી.નું કોઈ અસ્તિત્વ નથી. નહીં જેવી હાજરી ધરાવે છે. એટલે બી.જે.પી.ની ઝોળીમાં દક્ષિણ ભારતમાંથી કોઈ બેઠક ઉમેરાવાની નથી, પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઘટી જરૂર શકે છે. કારણ એ છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં લગભગ બધી જ બેઠકો મેળવ્યા પછી વધારાની બેઠકો ક્યાંથી લાવવી! બીજું કારણ એ છે કે મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.નો પરાજય નિશ્ચિત છે. એક પછી એક દરેક સર્વેક્ષણ આમ કહે છે. છેલ્લો પખવાડિયા પહેલાંનો ‘ઇન્ડિયા ટુડે’નો મૂડ ઓફ ધ નેશનમાં પણ આ જ ભય બતાવવામાં આવ્યો છે.

ત્રીજું કારણ વિરોધ પક્ષોનો સંયુક્ત મોરચો છે. I.N.D.I.A. નામનો વિરોધ પક્ષોનો મોરચો ધીરે ધીરે નક્કર આકાર પામી રહ્યો છે અને એટલે તો ગેસના બાટલાનો ભાવ બસો રૂપિયા ઘટાડવો પડ્યો છે. અને ચોથું કારણ નાગરિક સમાજની સક્રિયતા છે. આ વખતી ચૂંટણીમાં નાગરિક સમાજ મોટા પ્રમાણમાં અને ગણતરીપૂર્વકની રણનીતિ ઘડીને મેદાનમાં ઉતરવાનો છે જે રીતે કર્ણાટકમાં બન્યું હતું. તેઓ તેમની કલ્પનાના ભારતને બચાવવા માગે છે અને તેઓ એમ કહે છે કે આ છેલ્લો અવસર છે. દેખીતી રીતે તેઓ વધારે સક્રિય, વધારે બુદ્ધિમાન, વધારે કલ્પનાશક્તિ ધરાવનારા, વધારે મૌલિક હોવાના. તેમનો પોતાનો કોઈ સત્તાકીય સ્વાર્થ નથી એટલે તેમની જહેમતમાં સ્વાર્થરહિત નિષ્ઠા હશે.

ભક્તો અને ગોદી મીડિયા ભલે આને નકારે, બી.જે.પી.ના નેતાઓ આ વસ્તુસ્થિતિ જાણે છે. એક સાથે ચૂંટણી યોજવાની જે તૈયારી ચાલી રહી છે એની પાછળનું કારણ જમીન પરની પ્રતિકૂળતા છે. ખાસ કરીને અમેરિકા, ઇઝરાયેલ અને બ્રાઝીલમાં વિરોધ પક્ષો અને નાગરિક સમાજે મળીને અનુક્રમે ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામીન નેતાન્યાહુ અને જૈર બોલસોનારોને પરાજિત કર્યા હતા. નેતાન્યાહુ વિપક્ષી સરકાર તૂટતા પાછા આવ્યા એ જુદી વાત છે, પણ બહુમતી તો એ પછી પણ મળી નથી.

હવે દેશહિતની વાત. ભારતનું બંધારણ એકલા જવાહરલાલ નેહરુએ ઘડ્યું છે? એમાં સરદાર પટેલ હતા, ડૉ રાજેન્દ્ર પ્રસાદ હતા, ડૉ આંબેડકર હતા, કનૈયાલાલ મુનશી હતા, અલ્લાદી કૃષ્ણાસ્વામી ઐયર હતા, એન. ગોપાલસ્વામી આયંગર હતા, બી.એન. રાવ હતા અને બીજા અનેક લોકો હતા જેમની વિચારધારા નેહરુ કરતાં જે તે બાબતે અલગ પડતી હતી. એમાં ઉપર જે નામ ગણાવ્યાં એ લોકોનો તો બંધારણ ઘડવામાં સિંહફાળો હતો. હકીકતમાં બંધારણસભામાં નેહરુની વિચારધારા ધરાવનારા લોકો લઘુમતીમાં હતા. તો શું એ લોકો અત્યારના શાસકો કરતાં ઓછા દેશપ્રેમી હતા કે ઓછા બુદ્ધિમાન હતા? દેશ માટે સર્વસ્વ હોમી દેનારાઓને દેશહિતનું ભાન નહોતું? તો શા માટે તેમણે દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવાની બંધારણમાં જોગવાઈ નહોતી કરી? ધારત તો તેઓ કરી શક્યા હોત. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આવો કોઈ પ્રસ્તાવ પણ બંધારણસભામાં કોઈએ રજૂ નહોતો કર્યો.

કારણ એ છે કે બંધારણ ઘડનારાઓએ દેશનું બંધારણ ઘડ્યું હતું, કોઈ એક વિચારધારાને વરેલો પક્ષ બિન વિરોધ દાયકાઓ સુધી રાજ કરી શકે અને તેને કોઈ પડકારી જ ન શકે એ માટે ઉપયોગી નીવડે એવું બંધારણ નહોતું ઘડ્યું. એ દેશહિત માટેનું બંધારણ હતું, પક્ષહિત માટેનું નહોતું. કાઁગ્રેસહિત માટેનું નહોતું, પણ એવું બંધારણ હતું જે કાઁગ્રેસને પણ દરવાજો બતાવે અને બતાવ્યો છે એ ઇતિહાસ છે. એ લોકો પોતાની રવાનગીની અને બીજાની પધરામણીની બંધારણમાં વ્યવસ્થા કરીને ગયા હતા. આને કહેવાય સાચો દેશપ્રેમ, આને કહેવાય વિવેક, આને કહેવાય લોકતંત્ર માટેની નિષ્ઠા, આને કહેવાય દૂરંદેશી.

ભારત એક સમવાય સંઘ (ફેડરલ સ્ટેટ) છે, જેનું સત્તાવાર અંગ્રેજી નામ છે યુનિયન ઓફ ઇન્ડિયા. શેનો સંઘ? રાજ્યોનો. કેટલીક બાબતે રાજ્યો કેન્દ્રનાં કબજામાં છે. જેમ કે ભારતથી અલગ થવાની મોકળાશ નથી. આવી બીજી અનેક મર્યાદાઓ છે. કેટલીક બાબતે રાજ્યો સ્વાયત્તતા ધરાવે છે અને કેન્દ્રની તેમાં અનુમતિ લેવાની જરૂર નથી. કેટલીક બાબતો એવી છે જેમાં કેન્દ્ર અને રાજ્ય કે રાજ્યો મળીને નિર્ણય લે છે. કોઇને બારોબાર નિણર્ય લેવાનો અધિકાર નથી.

આવિ વ્યવસ્થા એટલા માટે કરાવામાં આવી છે કે રાજ્ય ભારતીય રાષ્ટ્રનું એક એકમ છે અને ભારતીય સંઘનું ઘટક છે. અહીં રાજ્યપાલની સત્તા વિષે બંધારણસભામાં થયેલી ચર્ચા યાદ આવે છે. દેશનું વિભાજન થયું હતું એટલે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીએ એ ન્યાયે દરેકને એમ લાગતું હતું કે કેન્દ્રના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલ પાસે કેટલીક અબાધિત સત્તા જોવી જોઈએ. કનૈયાલાલ મુનશીએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આને કારણે રાજ્યોમાં સત્તાની સાઠમારી થશે, રાજકીય અસ્થિરતા પેદા થશે અને રાજ્યોની પ્રજા રાષ્ટ્રીય ચેતનાના યજ્ઞમાં સમિધ બનવાની જગ્યાએ તેનાથી દૂર જશે. જે તે રાજ્યોની પ્રજા ભારતીય રાષ્ટ્રને પોતાનો (own-up) ગણે અને પોતાને રાષ્ટ્રનો (belongingness) ગણે એ જરૂરી છે. મુનશી નેહરુવાદી નહોતા, રાષ્ટ્રવાદી હતા, પણ તેમનો રાષ્ટ્રવાદ નરવો હતો. તેમનો એજન્ડા રાષ્ટ્રનિર્માણનો હતો, પણ તેમની કલ્પનાનું રાષ્ટ્ર સંઘપરિવારની કલ્પનાના રાષ્ટ્ર કરતાં જુદું હતું અને છે. એ બાબતે નેહરુ, સરદાર, મુનશી, ડૉ રાજેન્દ્ર પ્રસાદ અને આંબેડકર વચ્ચે કોઈ મતભેદ નહોતા.

શા માટે એક સાથે કેન્દ્ર અને રાજ્યોમાં ચૂંટણીઓ યોજવાની જોગવાઈ નહોતી કરાવામાં આવી? કારણ એ છે કે ચૂંટણી માત્ર સત્તા માટેની નિસરણી નથી; પણ જે તે પ્રદેશની પ્રજાની વિશિષ્ટ એષણા, અપેક્ષા, ફરિયાદ, અસંતોષ, ઊહાપોહ અને ડૉ રામ મનોહર લોહિયા કહેતા એમ નાગરિક શિક્ષણનું સાધન છે. ચૂંટણી લોકોને વાચા આપવાનો અવસર પૂરો પાડે છે. એના દ્વારા લોકોને પ્રશ્નો, પ્રશ્નોની જટિલતા અને વિવિધ ઉપાયો વિશેની સમજ વિકસે છે. ચૂંટણીઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક મંથનનું માધ્યમ છે જેમાંથી અમૃત અને ઝેર બન્ને નીકળે છે અને વિવેકી લોકો ઝેરનું વારણ કરે છે. તે રાજકારણીઓ અને રાજકીય પક્ષોની સત્તાભૂખ સંતોષવાનું સાધન નથી. જો એક સાથે ધરાર ચૂંટણી યોજવામાં આવે તો જે તે પ્રદેશવિષેશનાં અને પ્રજાવિષેશનાં પ્રશ્નો હાંસિયામાં ધકેલાઈ જાય. અને જો એમ બને તો ઓન-અપ અને બિલોંગિંગનેસ ન વિકસે. એવું પણ બને કે પ્રદેશોની પ્રજા કેન્દ્ર સામે વિદ્રોહ કરે.

પણ વર્તમાન શાસકોને સત્તામાં રસ છે. ગમે તે થાય હાથમાંથી સત્તા ન જવી જોઈએ. તેમને પરાજિત થવું નથી, કારણ કે હિંદુરાષ્ટ્રના નિર્માણનો બીજો અવસર ક્યારે મળશે એની ખાતરી નથી. આ રીતે આખું વરસ જે તે પ્રદેશમાં ચૂંટણી લડવાનો થાક અનુભવાય છે. રોજેરોજ કોમી ધ્રુવીકરણ કરવું સહેલું નથી. આનાં કરતાં એક વાર ખરાખરીનો ખેલ રમી લેવો અને પછી પાંચ વરસ નિરાંત.

તો ફરક આ છે. આગલા શાસકો પરાજિત થવા તૈયાર હતા. બીજાને અવસર આપવા તૈયાર હતા.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—213

દીપક મહેતા|Opinion - Opinion|10 September 2023

મુંબઈમાં જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય તે ફૂટપાથ પર રહે

ઝાડ કાપી થાંભલા ખોડ્યા અને તેના પર ફૂલનાં ચિત્રો દોર્યાં!

સ્થળ : એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની લાઈબ્રેરી.

પાત્રો : ડો. અરુણ ટીકેકર (જન્મ : ૧ ફેબ્રુઆરી ૧૯૪૪ – અવસાન:  ૧૯ જાન્યુઆરી ૨૦૧૬) અને  આપનો નાચીઝ દી.મ.

દી.મ. : દોસ્ત, ગયા અઠવાડિયાની વાત આગળ ચલાવીએ. ૧૯મી સદીમાં આપણા મુંબઈમાં બુદ્ધિ અને વિચારપ્રધાન અભિગમ ખીલવવાના પ્રયત્નો થયા. પણ તમારા પુસ્તકનું પેટા મથાળું સૂચવે છે તેમ thinking cultureની પડતી શાથી થઈ, ક્યારે શરૂ થઈ? 

ટીકેકર : એ આખી ઘટના કમનસીબ છે. આપણા પહેલા વડા પ્રધાન નેહરુ પોતે પ્રખર બુદ્ધિવાદી હતા. પણ સાથોસાથ ઉત્કટ લોકશાહીવાદી પણ હતા. લોકશાહીને મજબૂત કરવા માટે લોકશિક્ષણ અનિવાર્ય. એટલે અઝાદી પછી નવી નવી યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ ખૂલતી ગઈ. અને એમાં કશું ખોટું પણ નહોતું. પણ કમનસીબે એ વખતે શિક્ષણની સગવડો વધારવાની લાયમાં શિક્ષણની ગુણવત્તા ઘટતી ગઈ. આપણે શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ કરવાને બદલે તેનો વિસ્તાર કર્યો. એટલું જ નહિ, વિસ્તાર એટલે જ વિકાસ એમ મનાવા લાગ્યું.

દી.મ .: એ વખતના ચિત્રથી તમે આટલા અકળાવ છો, તો આજે શિક્ષણ ક્ષેત્રે જે ચાલી રહ્યું છે …

ટીકેકર : આજની તો વાત જ રહેવા દો. સારું છે કે એ બધું જોવા હું હાજર નથી. અને એવું ય નહોતું કે શિક્ષણને જે લૂણો લાગી રહ્યો હતો તેની એ વખતના સત્તાધારીઓને ખબર નહોતી. એની ખબર હતી, ઉપાયની પણ ખબર હતી. પણ એ ઉપાય અજમાવવાની હિંમત નહોતી. શિક્ષણ ક્ષેત્રે ‘આમૂલ પરિવર્તન’ની વાતો થતી રહી. પણ તમે ગુજરાતીમાં કહો છો ને તેમ એ પોથીમાંયલાં રિંગણાં બની રહી. બીજી વાત એ બની કે શિક્ષણ સંસ્થાઓને સરકાર પુષ્કળ ગ્રાન્ટ આપતી. એટલે પાક્કા રાજકારણીઓએ પોતપોતાના મતવિસ્તારમાં આડેધડ સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી શરૂ કરી દીધી. આપણી વ્યવસ્થા પ્રમાણે દરેક રાજ્યમાંની યુનિવર્સિટીઓના ચાન્સેલર પદે ગવર્નર રહે. એમને જેટલો રાજકારણમાં રસ એટલો શિક્ષણમાં શાનો હોય? એટલે સરકારી બાબુઓ યુનિવર્સિટી ચલાવતા થયા. તેમણે વાઈસ ચાન્સેલરની જગ્યા માટે ‘અરજી’ મગાવવાનું શરૂ કર્યું. અને પછી ‘હા, જી, હા’ કરવાની તૈયારી એ સૌથી મોટી લાયકાત બની રહી. 

દી.મ. : મને એવો ખ્યાલ છે કે એક વખત તમને પણ આ રીતે અરજી કરવા જણાવેલું, પણ તમે ઘસીને ‘ના’ પાડી દીધેલી.

ટીકેકર : ‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની’.

દી.મ. : તમે તો એમ જ કહો, પણ ‘મિલ કર નયી કહાની’ લખવાની શરૂઆત તમને ક્યાં ય દેખાય છે?

ટીકેકર : આજે નહિ તો ભવિષ્યમાં ક્યારેક એવી જરૂરિયાત સમજાશે એમ માનું એટલો આશાવાદી હું હજી છું. એક ગુજરાતી કવિએ જ લખ્યું છે ને કે ‘જે પોષતું તે મારતું, એવો દિસે ક્રમ કુદરતી’.

દી.મ. : હા, એ તો કવિ કલાપીના શબ્દો.

ટીકેકર : મુંબઈની બાબતમાં પણ કૈંક એવું બન્યું છે. આઝાદી પછી – હકીકતમાં બીજા વિશ્વયુદ્ધ પછી – આખા દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો મુંબઈ આવવા લાગ્યા. નોકરી માટે, કામધંધા માટે. કહે છે ને કે મુંબઈમાં રોટલો મળે, પણ ઓટલો નહિ. પણ ઓટલા વગર ચાલે પણ નહિ. એટલે ઉત્તર દિશામાં મુંબઈની સીમા આગળ ને આગળ વધતી ગઈ. જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળે ટોળાં. એક જમાનામાં હવાફેર માટેનાં સ્થળ તરીકે જાણીતાં સાંતાક્રુઝ કે વિલે પાર્લે જેવાં પરાંમાંથી એક પછી એક બંગલા દૂર થયા. તેની જગ્યાએ ફ્લેટ, ચાલી, ઝૂંપડપટ્ટી ઊભાં થયાં. જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય તે ફૂટપાથ પર રહેવા લાગ્યા. જેટલી ઝડપથી વસ્તી વધી તેટલી ઝડપથી સાધન-સગવડ ન વધ્યાં. આઝાદી પછીનાં કેટલાંક વરસ દાણો-પાણી, દૂધ, કપડાં વગેરેની કારમી અછત રહી. જેમની પાસે પૈસા હતા તે સંઘરાખોરી કરતા થયા. જે બહારથી આવેલા તેમાંના બહુ થોડા મુંબઈના થઈને રહ્યા. તેમને માટે તો મુંબઈ એટલે કમાવાની જગ્યા. પછી મુંબઈ માટેની લગન અને લગની ક્યાંથી આવે? હજી ગઈ કાલે કોરોનાની કટોકટી વખતે હજારો-લાખો લોકો રાતોરાત મુંબઈ છોડી ‘વતન’ તરફ ભાગ્યા. 

દી.મ. : હા, એક જમાનામાં મુંબઈગરામાં મુંબઈ માટેની જે દાઝ હતી, જે આપુલકી – પોતાપણું દેખાતાં તે આજે ક્યાં? 

ટીકેકર : છેલ્લાં ૭૫ વરસમાં મુંબઈના વેપાર-વણજ, ઉદ્યોગો વગેરેનો અસાધારણ વિકાસ થયો. દેશની અને વિદેશની મોટી મોટી બેંકો, કંપનીઓ, કારખાનાં – એની હેડ ઓફિસ ક્યાં? મુંબઈમાં. દેશના આર્થિક વિકાસનું એન્જિન બન્યું મુંબઈ. પણ એ એન્જિનને ચલાવવા પાછળ મુંબઈગરાનો એક આખો વર્ગ હોમાઈ ગયો. મુંબઈની વસતી કૂદકે ને ભૂસકે વધતી ગઈ. અસલ તો હતા સાત ટાપુઓ, એટલે મુંબઈની મોટી મુશ્કેલી એ કે એ પાઘડીપને તો વધી ન શકે, કારણ ચારે બાજુ દરિયો. એટલે એ ઉપર ને ઉપર વધતું જાય છે. બીજી બાજુ જમીન મેળવવા લીલોતરી કપાતી ગઈ, દરિયાને આઘો ને આઘો ધકેલવામાં આવ્યો. વાડીઓ, બગીચા, જંગલ, કચડાતાં ગયાં, કપાતાં ગયાં. 

દી.મ. : અરે, મોટા ધોરી માર્ગોની આજુબાજુનાં ઝાડ કાપીને આપણે સિમેન્ટ કોન્ક્રિટના મોટા, ઊંચા થાંભલા ખોડ્યા અને તેના પર ફૂલો અને પંખીઓનાં ચિત્રો દોર્યાં. તાજાં-કૂણાં ઘાસની જગ્યાએ સિમેન્ટની પગથારો બનાવીને આપણે તેને લીલા રંગે રંગી!

ખાસ સગવડો આમ આદમી માટે નથી 

ટીકેકર : મુંબઈથી થોડે દૂર ‘નવી મુંબઈ’ બનાવી તો ત્યાં પણ સિમેન્ટ કોન્ક્રિટનું જ રાજ. શહેરમાં મોટા મોટા ફ્લાઈ ઓવર બન્યા, વરલી બાંદરા સી લિન્ક બની. પણ તમે એક વાત નોંધી છે? આ ફ્લાઈ ઓવર, સી લિન્ક વગેરે પરથી ન સાઈકલ કે સ્કૂટર જઈ શકે, ન રિક્ષા કે બસ. જઈ શકે માત્ર મોટરો. કેમ ભાઈ? મોટરમાં ફરનારા સિવાયના લોકો કરવેરા નથી ભરતા? આ બધું બંધાય છે તેમાં એ લોકોના પૈસા પણ નથી વપરાતા? આઝાદી પહેલાં પણ આખા દેશમાંથી લોકો મુંબઈ આવતા. પણ એ મુંબઈના થઈને રહેતા. એટલે મુંબઈ પચરંગી હતું. આજે અહીં શંભુમેળો જામ્યો છે. 

દી.મ. : એક જમાનામાં માણસના પહેરવેશ પરથી, ટીલાં-ટપકાં પરથી, બોલી પરથી, તહેવારોની ઉજવણીની રીત પરથી, તે કયા પ્રદેશનો છે તે કહી શકાતું. આજે એ વિવિધતા ક્યાં? આજે તો દરેક માણસ બીબાંઢાળ બની ગયો છે. આજના મુંબઈના માણસો એટલે કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે તેમ એક છાપાની છપાયેલી હજારો-લાખો પ્રત જેવા માણસો. 

ટીકેકર : અને હવે તો મુંબઈના સમાજના બહુ મોટા વર્ગે પરિવર્તનની આશા પણ મૂકી દીધી છે. એટલે જે મળે તે લૂંટો-ઝૂંટવો. અંગ્રેજોના જમાનામાં અમુક જાતિઓ ‘ગુનેગાર જાતિઓ’ તરીકે ઓળખાતી. આજે તો કોઈ પણ જાત, જમાત, કે વર્ગના લોકો નાના મોટા ગુના કરતાં સહેજ પણ અચકાતા નથી. સો કરતાં વધુ લોકોએ પોતાનો જાન આપ્યા પછી ૧૯૬૦માં મહારાષ્ટ્રનું રાજ્ય બન્યું અને મુંબઈ બન્યું તેનું પાટનગર. સારે નસીબે એ વખતે યશવંતરાવ ચવાણ જેવા દૂરંદેશીવાળા મુખ્ય પ્રધાન મળ્યા. તેમણે અનેક યોજનાઓ શરૂ કરી. સાહિત્ય, સંગીત, નૃત્ય જેવી કલાઓને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને સંસ્થાઓ શરૂ થઈ. મુંબઈ ધબકતું શહેર બન્યું. ખરા અર્થમાં પચરંગી બન્યું. 

દી.મ. : હા, એ જમાનામાં મહારાષ્ટ્ર સરકાર મરાઠીની સાથોસાથ ગુજરાતી અને સંસ્કૃત નાટ્યસ્પર્ધાઓ યોજતી. મરાઠી સિવાયની ભાષાના સર્જકોને, કલાકારોને, પુરસ્કારોથી પોંખતી. પણ પછી ધીમે ધીમે એ બધું પહેલાં ઓછું અને પછી બંધ થયું. 

ટીકેકર : સાહિત્ય, સંગીત, બીજી કલાઓ, ક્રિકેટ જેવી રમતો – વગેરે અનેક ક્ષેત્રોમાં મુંબઈના લોકોએ આગેવાની લીધી હતી, માત્ર વેપાર-ઉદ્યોગમાં જ નહિ. હું ભૂલતો ન હોઉં તો એક વખતે ગુજરાતી સાહિત્ય, પુસ્તક પ્રકાશન, પત્રકારત્વ, રંગભૂમિ, ફિલ્મ, વગેરે ઘણી બાબતોમાં મુંબઈ મુખ્ય કેન્દ્ર હતું. 

દી.મ. : સાવ સાચી વાત. અને આજે પણ અમદાવાદમાં એક વરસમાં જેટલાં ગુજરાતી નાટક ભજવાય છે એના કરતાં વધારે ગુજરાતી નાટક મુંબઈમાં એક મહિનામાં ભજવાય છે.

ટીકેકર : અને એ વખતે કલાકારો માટે સંગીત કે નાટક એ વ્યવસાય નહિ, એક મિશન હતું. ઘણી વાર તો ગાંઠનાં ગોપીચંદન ઘસીને એ લોકો કામ કરતાં. પણ પછી ધીમે ધીમે વ્યવસાયીકરણ થવા લાગ્યું. વ્યવસાય થાય એટલે ભાવ-તાલ થાય, હરીફાઈ થાય, મારું-તારું થાય. આપણા જમાનામાં પંડિતો, અધ્યાપકો, શિક્ષકો, કલાકારો આદર્શરૂપ મનાતા. એને બદલે ધનવાનો અને સત્તાધારીઓ યુવાનોના આદર્શ બની બેઠા. વૈચારિક પ્રગતિના પાયામાં રહેલું છે જ્ઞાન. અને આજના જમાનામાં જ્ઞાનપ્રાપ્તિનું મુખ્ય સાધન છે શિક્ષણ સંસ્થાઓ. જ્યાં સુધી આપણે આ પાયાને મજબૂત નહિ કરીએ, ત્યાં સુધી ઈમારત બહારથી ગમે તેટલી આકર્ષક લાગે, અંદરથી તો એ ખોખલી રહેવાની. જેમને સમજાવી જોઈએ તેમને આ વાત વહેલી તકે સમજાય એમ ઇચ્છીએ.

દરબાર હોલ, એશિયાટિક સોસાયટી

દી.મ. : દોસ્ત, ઘણી વાતો કરી, પણ હજી ઘણી બાકી છે. પણ છેવટે થોડી અંગત વાત કરું? થોડા દિવસ પહેલાં એક વ્યાખ્યાન સંભાળવા હું એશિયાટિક ગયો હતો. સાથે એક મિત્ર હતાં. કંપાઉંડમાં દાખલ થયા ત્યારથી મારી બોલબોલ ચાલુ : આ ઝાડ નીચે ઊભા રહીને ટીકેકર સાથે કેટલી વાતો કરેલી! સ્પાઈરલ સ્ટેરકેસ ચડીને ઉપર ગયા તો સામે જ તમારા મરાઠી પુસ્તકોનો ડિસ્પ્લે. દરબાર હોલમાં દાખલ થતાં પહેલાં ડાબી બાજુની કેબિન બતાવી કહ્યું કે ટીકેકર અહીં બેસતા. દરબાર હોલમાં દાખલ થયા ત્યારે યાદ આવ્યું કે તેના restoration વખતે તમે કેટલી કાળજીથી બારીકમાં બારીક વિગતોની ચોકસાઈ કરી હતી. મહામૂલાં પુસ્તકો અને સામયિકોની જાળવણી પાછળ તમે જાન રેડતા. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને સોસાયટીને ધમધમતી રાખતા. તો બીજી બાજુ વોશ રૂમ્સ ચોખ્ખા ચણક રહે તે માટે સતત મથતા. 

ટીકેકર : જેટલું થઈ શક્યું એટલું કર્યું. જે ન થઈ શક્યું એનો ઝાઝો વસવસો નથી. અને જે કાંઈ થયું તે મેં એકલાએ તો કર્યું નહોતું. તમારા જેવા મિત્રોનો સાથ હતો એટલે થઈ શક્યું.

દી.મ .: આજે તો હવે છૂટા પડવું પડશે. પણ તમારા બીજા કોઈ પુસ્તક વિષે વાતો કરવા ફરી જરૂર મળશું, ક્યારેક. ચલા, યેતો.

ટીકેકર : આવજો.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 09 સપ્ટેમ્બર 2023

Loading

ગુજરાતના ગ્રંથપાલો અને ગ્રંથાલયોનો પહેલવહેલો વિસ્તૃત માહિતી સંગ્રહ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 September 2023

પુસ્તક પરિચય

‘ગુજરાતનાં ગરવાં ગ્રંથાલયીઓ અને ગ્રંથપાલો’ પુસ્તક ગ્રંથાલય ક્ષેત્રે એના પ્રકારનો પહેલવહેલો માહિતીસંગ્રહ છે. તેમાં એક સદીના સમયગાળાના દિવંગત તેમ જ હયાત એવા  કુલ 91  ગ્રંથપાલ (લાઇબ્રેરિયન્સ)ના ‘જીવનવૃત્ત અને પ્રદાન’ અંગે વાંચવા મળે છે.

ગ્રંથાલયી શબ્દ ગ્રંથપાલ માટેનો શ્રેષ્ઠતાસૂચક સમાનાર્થી છે. આ શબ્દ ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાન(લાઇબ્રેરી સયાન્સ)ના આદ્ય પ્રવર્તક શિયાલી રંગનાથને (1892-1972) ગ્રંથપાલના પાંચ મૂળભૂત કર્તવ્યો જણાવ્યા છે તેને લગતો છે. ગ્રંથપાલના કર્તવ્યોને લગતી ‘પંચસૂત્રી’નું પહેલું ચરણ છે :  ग्रंथालयी सदासेवी पंचसूत्री परायण.

જો કે સંપાદકની માન્યતા મુજબ ‘ગ્રંથપાલના હોદ્દાને ગ્રંથાલયી તરીકે સંબોધવાનો શ્રેય મોહનદાસ પટેલને જાય છે.’ તેઓ એમ પણ લખે છે કે ‘ગ્રંથાલય ક્ષેત્રે જે રીતે ડૉ. રંગનાથનનો એક યુગ હતો, એ રીતે ગુજરાતમાં મોહનદાસ પટેલનો પણ ગ્રંથાલય ક્ષેત્રે યુગ હતો.’

પુસ્તકના એક હિસ્સામાં એવા ગ્રંથાલયો કે ગ્રંથસંગ્રહો વિશેના લેખો છે કે જેમાંથી કેટલાંકમાં હજારેક વર્ષ પ્રાચીન વાચનસામગ્રી છે. અહીં એ પણ જાણવા મળે છે સો વર્ષ કે તેથી વધુ સમયથી ચાલી રહ્યા હોય તેવાં વીસથી વધારે જાહેર ગ્રંથાલયો ગુજરાતમાં છે. તેમાંથી ઘણાં ટ્રસ્ટ કે સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ચાલે છે, અને તેમને સરકારી  સહાય બિલકુલ નથી, અથવા નજીવી છે.

ગુજરાતભરમાં જાણીતા સતત ઉદ્યમશીલ વરિષ્ઠ ગ્રંથાલયી મણિભાઈ પ્રજાપતિ સંપાદિત 688 પાનાંના આ મોટા કદના પુસ્તકનું પેટાશીર્ષક ‘શ્રી કિરણચન્દ્ર એચ. પટેલ અભિવાદન ગ્રંથ’ છે. અત્યારે 70 વર્ષના કિરણચન્દ્ર પાલનપુરની બી.એડ. કૉલેજના 39 વર્ષ સુધી ગ્રંથપાલ હતા. તેમનું ગુણકિર્તન કરતા દસ લેખો પુસ્તકનો પહેલો ભાગ બનાવે છે.

તેના લેખકોએ કિરણચન્દ્રનું ‘વાંચતા વંચાવતા’ ‘સહૃદયી અને પ્રતિબદ્ધ’ ‘સમર્થ ગ્રંથપાલ’ તરીકે ગૌરવ કર્યું છે. અભિવાદન નિમિત્તે, જે ગ્રંથાલયવિદો વિશે અહીં લખાયું છે તેમની પસંદગી પાછળનાં ધોરણો અને પુસ્તકના સ્વરૂપનું વિવરણ સંપાદકીયમાં છે :

‘અહીં સમાવિષ્ટ ગ્રંથાલયવિદોની પસંદગી માટે કોઈ ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ સંપાદકના પરિચયમાં આવેલા ગ્રંથાલય વ્યાવસાયિકો કે જેમની ગ્રંથાલયી તરીકેની માનવીય સંવેદનશીલતા અને મદદરૂપ થવાની ભાવના અસાધારણ રહી હોય, જેમનું ગ્રંથાલયિત્વ સ્પર્શી ગયું હોય, તેમ જ જેમના ગ્રંથાલયિત્વ અને પ્રદાન સંદર્ભે સાંભળવામાં આવ્યું હોય તે પૈકી કેટલાંક વિશે ચરિત્રલેખન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’ સંપાદક એક સ્પષ્ટતા પણ કરે છે : ‘અહીં ફક્ત ગુજરાતના મૂળ નિવાસી ગ્રંથાલય વ્યાવસાયિકોનાં ચરિત્રચિત્રણો સમાવિષ્ટ છે. બીજા શબ્દોમાં કહું તો અન્ય રાજ્યોનાં મૂળ નિવાસી કે જેમની જન્મભૂમિ ગુજરાત રહી છે તેમનો અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી.’

ગ્રંથાલયવિજ્ઞાનના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો કે ચાહકોને આ પુસ્તકમાંથી પસાર થતા આ ક્ષેત્રનાં લગભગ બધાં પરિચિત નામો અને ગ્રંથાલયો અહીં મળે છે, અને અલબત્ત નવાં વિશે પણ જાણકારી પ્રાપ્ત થાય છે. પણ એક વ્યક્તિએ કરેલા કોઈ પણ સંપાદનમાં જે માનવીય મર્યાદા અને આપણા ઉદાસિન વિદ્યાકીય માહોલમાં કેટલુંક ચૂકી જવાનું આવે તે પણ બનાવાનું.

સંપાદકીયમાં સરકાર દ્વારા થઈ રહેલી ગ્રંથાલયોની ઉપેક્ષા ‘સમગ્ર રાષ્ટ્ર માટે વિઘાતક’ હોવાનો પુણ્યપ્રકોપ પણ છે. સંપાદકના તેને લગતા મંતવ્યોને આ શબ્દોમાં સારવી શકાય : ‘સરકાર ગ્રંથપાલોની ભરતી નહીં કરીને શું નિષ્પન્ન કરવા માગતી હશે, તે સમજાતું નથી. પ્રત્યક્ષ રીતે સરકાર આર્થિક ભારણ ઓછું કરી રહી છે. પરંતુ આ ભારણના પ્રમાણમાં થતા નુકસાનનો અંદાજ કલ્પ્નાતીત છે. ગ્રંથપાલ વગરના ગ્રંથાલયને ગ્રંથાલય કહી જ કેમ શકાય ?

‘ગ્રંથાલયોના પ્રશ્ને સરકારી તંત્રનું અને ખાસ તો કેળવણીવિદોનું મૌન પીડાકારક બની રહ્યું છે. શિક્ષણના વ્યાપક હિતને લઈને ગુજરાતની પ્રજાએ જાગવું જ રહ્યું! અને ગ્રંથાલય વ્યાવસયિકોએ પણ આત્મમંથન કરવાની ઘડી આવી છે.’

પુસ્તકમાં  ગ્રંથપાલોના પરિચયનો ક્રમ જન્મવર્ષ મુજબનો છે. શરૂઆત ગુજરાતના સો કરતાં વધુ ગામડાં-કસબામાં ગ્રંથાલયો સ્થાપનાર મૂર્ધન્ય લોકસેવક મોતીભાઈ અમીન (1873-1939) વિશેના લેખથી થાય છે.

સહુથી મોટી ઉંમરના હયાત ગ્રંથપાલ પ્રતાપરાય મહેતા આ શુક્રવારે 95મી વર્ષગાંઠ ઉજવશે. પુસ્તકમાં સમાવવામાં આવેલા આખરી 89મા ગ્રંથપાલ ફક્ત 39 વર્ષનાં છે. પરિચય લેખકો (જૂજ અપવાદ બાદ કરતા) ખુદ ગ્રંથાલય વ્યાવસાયિકો (library professionals) છે.

સંપાદકે 91માંથી 41 ગ્રંથપાલો વિશે પોતે લખ્યું છે. ચાર ગ્રંથપાલોનો પરિચય ‘આત્મવૃત્ત’ તરીકે મળે છે. રંગનાથનના ત્રણ ગુજરાતી શિષ્યો – મોહનદાસ પટેલ, પુરુષોત્તમ પટેલ અને હસમુખ પાઠક -ને લગતા લેખોમાં ગુરુની મહત્તા ઉજાગર થાય છે.

અનેક પ્રકારના ગ્રંથાલયોના વડાઓનો પરિચય મળે છે, જેમાં અનેક વિદ્યાશાખાઓની કૉલેજો -યુનિવર્સિટીઓ છે. તે ઉપરાંત આઈ.આઇ.એમ. અને ઇ.ડી.આઈ. જેવી વ્યાવસાયિક શિક્ષણ માટેની સંસ્થાઓ, પી.આર.એલ. અને અટીરા જેવી સંશોધન સંસ્થાઓ તેમ જ રાજ્યની વિધાનસભા અને વડી અદાલતના ગ્રંથપાલો વિશે પણ વાંચવા મળે છે.

ગ્રંથપાલોની કારકિર્દી તેમ જ તેમનાં સંશોધન-સૂચિકાર્ય-લેખન અંગે અઢળક માહિતી મળે છે. વિદ્યાજગતમાં એકંદરે ઉપેક્ષિત ગણાતા પણ વાસ્તવિક રીતે ખૂબ મહત્ત્વના સૂચિકરણના કામની ઉત્સાહપ્રેરક વિગતો ગ્રંથપાલોના પરિચયોમાંથી સાંપડે છે. સૂચિઓની સંખ્યા અને તેમનું વૈવિધ્ય ઘણાં રસપ્રદ છે. કેટલાક ગ્રંથપાલોએ તેમના ક્ષેત્રના પરિસંવાદો માટે નોંધપાત્ર કમ કર્યું છે, તો કેટલાકે વ્યવસાયના સંગઠન માટે કામગીરી બજાવી છે.

તદુપરાંત ગ્રંથપાલોના અનેક ગૌરવગ્રંથોના ઉલ્લેખો પણ મળે છે. તેની પરથી એવી છાપ બંધાય છે કે કોઈ પણ વિદ્યાશખા કરતાં વધારે ગૌરવગ્રંથો ગ્રંથાલયવિજ્ઞાનમાં પ્રસિદ્ધ થયા છે. એટલે આ શાખા સાથે જોડાયેલી વ્યક્તિઓની સામાજિક કૃતજ્ઞતા ધ્યાનપાત્ર છે, એમ કહી શકાય.

આ પુસ્તકમાં ગ્રંથાલયિત્વનું વ્યક્તિગત ધોરણે ગુણગાન થયું છે. એટલે જાહેર તેમ જ સંસ્થાકીય ગ્રંથાલયોનો ઉપયોગ કરનાર તરીકે નોંધવું રહ્યું કે આપણે ત્યાં અનેક વાચકોના ગ્રંથાલયોના ઉપયોગના અનુભવો – અપવાદો બાદ કરતાં – એકંદરે નિરાશાજનક હોય છે.

એટલે આ સંગ્રહમાં જે કેટલાક ગ્રંથપાલોને પોંખવામાં આવ્યા છે તેમને આધીન થોડાંક ગ્રંથાલયોમાંના ગ્રંથપાલો તેમ જ કર્મચારીઓના વાણી-વર્તન-વ્યવહાર અને કાર્યક્ષમતાના અનુભવો તેમ જ તે ગ્રંથાલયોનો એકંદર માહોલનો આ માહિતી સંગ્રહના કેટલાક વાચકોને અનુભવ હોવાનો. તેમને માટે આ ગુણકિર્તનને વ્યક્તિસાપેક્ષ અને ઓછું પ્રતીતિજનક જણાય એમ પણ બનવાનું.

કેટલાક ગ્રંથપાલોનું પ્રદાન વિશિષ્ટ છે. જેમ કે, અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(પી.આર.એલ.)ના લાઇબ્રેરિયન રોડા ભરૂચાએ 1969માં મિકેનાઇઝડ ઇન્ડેક્સ બનાવીને ‘લાઇબ્રેરી ઑટોમેશનની ભારતમાં સૌ પ્રથમ શરૂઆત કરી.’

પ્રવીણ શાહે અટીરાની લાઇબ્રેરીમાં ટ્ક્સાટાઇલ ડૉક્યુમન્ટસના વર્ગીકરણ માટે ‘માઇક્રો ક્લાસિફિકેશન સ્કીમ તૈયાર કરી. કેટલાંક વર્ષ બાદ એ જ સંસ્થામાં કવિ-ગ્રંથપાલ હસમુખ પાઠકે ટેક્સટાઇલને લગતાં પુસ્તકોના કોલોન વર્ગીકરણને નવેસરથી તૈયાર કર્યું અને તે સ્વીકાર પામ્યું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના એક આધારસ્તંભ ચંપકલાલ શુક્લ મિશિગન યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં પી.એચડી. મેળવનારા પહેલા વિદ્યાર્થી હતા, પણ તેમણે નોકરી માટે પોતાનો દેશ પસંદ કર્યો.

ગ્રંથપાલોની ઉમદાઈ વિશે પણ વાંચવા મળે છે. કચ્છના ભૂકપમાં વર્ષાબહેન મહેતાનું મકાન ધ્વસ્ત થઈ ગયું હતું, તેમ છતાં સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે હાજર રહીને પુસ્તકોને બચાવવાની કામગીરી કરી હતી. એટલું જ નહીં એક અઠવાડિયામાં તો તંબૂ ઊભા કરીને લોકો માટે લાઇબ્રેરી શરૂ કરી દીધી હતી.

વિરલ બુકમૅન જયંત મેઘાણીએ ભાવનગર ગાંધી સ્મૃતિ પુસ્તકાલયમાં જે દીવાલો હતી તે હઠાવી દીધી અને પુસ્તકોનાં કબાટોનાં તાળાં દૂર કરી દીધાં. એન.આઈ.ડી.ના પૂર્વ લાઇબ્રેરિયન સ્વધાબહેન મજમુદારને યાદ કરનારા બૉસ્ટનની સ્ટ્રીટ કે મુંબઈની ગલીમાં મળી આવે.

ગ્રંથાલયોને લગતા ત્રીજા વિભાગમાં શૈક્ષણિક, સાર્વજનિક, સરકારી, સંશોધન સંસ્થાકીય અને બાળ ગ્રંથાલયોના પેટા વિભાગો છે. તે બધામાં ભરપૂર ઐતિહાસિક વિગતો અને લાઇબ્રેરીની સાંપ્રત પ્રવૃત્તિઓની ઉપયોગી માહિતી છે. તેમાં સહુથી રસપ્રદ છે તે કેટલાક ગ્રંથાલયોમાં સચવાયેલા પ્રાચીન કે દુર્લભ પુસ્તકોની યાદીઓ.

ગ્રંથના અવકાશપૂરકો તરીકે ગ્રંથાલય સંસ્કૃતિ અંગેનાં સંખ્યાબંધ અવતરણો પુસ્તકની  મિરાત છે. તે તે સંપાદકની દૃષ્ટિ અને તેમના માહિતી-રાશિમાંથી આવ્યાં છે. તેમાં ય જણસ કહેવાય તેવાં અવતરણો ગ્રંથાલયમાંથી પુસ્તકો પોતાના નામે લેવા માટે વાચકને જે લાઇબ્રેરી કાર્ડ અથવા ગ્રંથાલય ટિકિટ આપવામાં આવે છે તેનું મૂલ્ય ઉજાગર કરતાં ચાર અવતરણો છે. જેમ કે : 

·       When I got my library card, that’s when my life began.’  

·       ‘I find the most valuable thing in wallet is my library card.’ 

·       There is no problem that a library card cannot solve. 

·       Having fun is not hard when you have got a library card. 

‘વિશિષ્ટ ગ્રંથાલયો’ વિભાગમાં જૈન જ્ઞાનભંડારો, જૈનેતર હસ્તપ્રત ભંડારો, ઇસ્લામી ગ્રંથાલયો તેમ જ પ્રમુખ મદરેસાઓના કિતાબઘરો છે. આ વિભાગ બતાવે છે કે તે બતાવે છે કે સંકુચિતતા અને કટ્ટરતાના સાંપ્રત દેશકાળમાં પણ સાચા ગ્રંથાલયી એવા સંપાદકના વિચારો જ્ઞાનના જગતને છાજે તેવા ખુલ્લા, મુક્ત અને વ્યાપક છે.

વળી, અરધી સંખ્યા જેટલા લેખો સંપાદકે ખુદ લખ્યા છે. તેમના યુવા સંતાનો જેટલી ઉંમરના ગ્રંથપાલો વિશે લખવામાં પણ આ નિરાભિમાની અને નમ્ર ગ્રંથપાલે સંકોચ અનુભવ્યો નથી. તેમના માટે તેમના ક્ષેત્રનું દસ્તાવેજીકરણ ખુદની વરિષ્ઠતા કરતાં વધુ  મહત્ત્વનું છે.

અલબત્ત,એમના આ દળદાર સંપાદનને પણ સંપાદનની જરૂર છે તે કહેવું રહ્યું. જો કે સંપાદકનો ઉદ્યમ પાનેપાને દેખાય છે. તેની પાછળ માહિતીની દુનિયામાં ભવિષ્ય માટે નજીકના ભૂતકાળના અને સાંપ્રતના દસ્તાવેજીકરણનો આશય સ્પષ્ટ છે. ગ્રંથાલયી મણિભાઈએ ગ્રંથ માટે દસ વર્ષ સુધી કરેલાં પરિશ્રમ વિદ્યાકીય નિષ્ઠા અને કૃતજ્ઞતા વિના શક્ય ન બને. ગ્રંથાલયીઓના ગૌરવ-પુસ્તકો પ્રસિદ્ધ થતાં રહ્યાં છે. અમૃતવર્ષ પાર કરી  ગયેલા મણિભાઈ પ્રજાપતિનો અભિવાદન ગ્રંથ વિદ્યાજગત કરે તે ઈચ્છનીય છે.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-‌‌‌‌——————-

પ્રકાશક : કિરણચન્દ્ર એચ. પટેલ અભિવાદન સમિતિ, c/o મણિભાઈ પ્રજાપતિ, manibhaiprajapati@gmail.com , મો. 9601273836, પુસ્તકની કિંમત 1600/- 

[1300 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...863864865866...870880890...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved