દુનિયાના ચોથા મોટા અર્થતંત્રમાં ઘટતી અસમાનતાનો દાવો છતાં …
વરવી વાસ્તવિકતા એ છે કે અહીં એક ટકો શ્રીમંત વર્ગ રાષ્ટ્રીય આવકનાં 22-23 ટકા અને રાષ્ટ્રીય સંપત્તિના 40 ટકા પર કબજો ધરાવે છે; અને સરકાર જેનું નામ તે અબજોપતિના વધતા જુમલાને વિકાસમાં ખપાવે છે.

પ્રકાશ ન. શાહ
ગિની કહેતાં સોનાનો સિક્કો સમજાય એ અર્થમાં નહીં પણ ઇટાલિયન અંકશાસ્ત્રી ગિનીએ દેશોમાં આંતરિક સમાનતા અને અસમાનતાનું પ્રમાણ સમજવા માટે નિપજાવેલ સૂચકાંક, તે ગિની ઇન્ડેક્સઃ આજે તે યાદ કરવાનું કારણ, આ સૂચકાંક મુજબ તાજેતરનાં વર્ષોની આપણી પ્રગતિ ચીનથી માંડી અમેરિકા જેવા વિકસિત દેશો કરતાં બહેતર છે. વચ્ચે વિશ્વ બેન્કે કહ્યું કે, હવે હિંદ દુનિયાની ચોથી મોટી સમાનતામંડિત પ્રજા બની રહેલ છે. સત્તાવાર સરકારી દાવો આમે ય આપણે દુનિયાનું ચોથું મોટું અર્થતંત્ર હોવાનો હતો જ, હવે ચોથી સમાનતામંડિત પ્રજા હોવાનાં વિશ્વ બેન્કી વધામણાં આવી પડ્યા. (આ સંજોગોમાં અખો શું કહે? વઢકણી વહુએ દીકરો જણ્યો … દઇ જાણે.)
વાસ્તવ કાર્ય પાછળના ખર્ચ કરતાં તેની જાહેરાત અંગેનો ખર્ચ વખત છે ને વધુ હોય એવા દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે સમાનતાને મુદ્દે આવા દાવાદુવી ઊંડી તપાસનો મુદ્દો બની રહે છે. પગ વગર ચાલી શકતી ભીંતો વિશે સાંભળવાનું ગઝલિસ્તાનમાં બનતું રહ્યું છે, પણ આપણે ત્યાંનો ક્લાસિક કિસ્સો કેટલીયે બાબતોમાં ડેટાનિરપેક્ષ દાવાદુવીનો હમણેના દસકામાં સતત રહ્યો છે.
તેમ છતાં, ઘટતી અસમાનતામાં આપણે અગ્રેસર છીએ એ દાવાને શક્ય વિગતોને આધારે આપણે તપાસીએ તે પહેલાં વિશ્વબેન્કના એ અવલોકનની પણ નોંધ લઈએ કે અત્યધિક ગરીબીનું પ્રમાણ મનમોહન દશક ઊતરતે 28-29 ટકા જેવું હશે. તેની સામે મોદી દશક ઊતરતે તે 2-3 ટકે પહોંચી ગયું છે.
જો મોદી દશક ઊતરતે આવું ઝળહળતું ચિત્ર હોય તો એવું કેમ છે, અમદાવાદ-સ્થિત અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવેએ પૂછ્યું છે, આજકાલ પાંચ વરસથી નાનાં બાળકો પૈકી પાંત્રીસ ટકા જેટલાં ઠીંગરાયેલાં માલૂમ પડે છે, અને 18-19 ટકા જેટલાં વળી ઋણવજનિયાં છે. કદાચ, એ પણ સાથે લગો જ પૂછવા જેવો પ્રશ્ન છે કે સરકારી દાવા પ્રમાણે દેશમાં 80 કરોડ લોકો સારુ મફત અનાજની સોઈ હોવા છતાં વૈશ્વિક ભૂખમરાના સૂચકાંકમાં આપણે લથડિયાં કેમ ખાઈએ છીએ. મુદ્દે, એવું તો નથી ને કે અત્યધિક ગરીબી એટલે શું તેની વ્યાખ્યા જ પુનર્વિચાર માંગે છે?
એ તો સ્થાપિત વિગત છે કે 6-7 ટકા જેટલો જી.ડી.પી. દર છે, પણ આ દરના મુકાબલે લોકોની સ્થિતિમાં સુધારદર નોંધપાત્રપણે નીચો છે, મતલબ, અસમાનતા બલકે વિષમતા વસ્તુતઃ બરકરાર છે.
જેમ અત્યધિક ગરીબીની વ્યાખ્યા પુનર્વિચાર માગે છે તેમ વિશ્વપ્રતિષ્ઠ ગિની સૂચકાંક પણ, એની મર્યાદાઓ સંદર્ભે પુનર્વિચાર અને સમીક્ષા માગે છે, અભ્યાસીઓનું અવલોકન છે કે ગિની સૂચકાંક બહુધા જેની ફરતે રમેભમે છે તે તો જે તે અર્થતંત્ર માંહેલું મધ્યમ આવક જૂથ હોય છે. એકદમ ટોચ પરના કે તળેટી પરના, કદાચ એથીયે નીચેરા તબકા એની તપાસ – રમણામાં નથી આવતા.
આ દૃષ્ટિએ વાસ્તવચિત્ર સમજવા વાસ્તે, વિશ્વપ્રતિષ્ઠ ફ્રેન્ચ અર્થશાસ્ત્રી થોમસ પિકેટી અને સાથીઓનું જે એક શોધપત્ર 2022-23માં આવ્યું છે તે ઉપયોગી (અને આંખ ખોલનારું) થઈ પડે એમ છે. હિંદની વસ્તીનો એક ટકો શ્રીમંત વર્ગ રાષ્ટ્રીય આવકના 22-23 ટકા અને રાષ્ટ્રીય સંપત્તિના 40 ટકા હિસ્સા પર કબજો ધરાવે છે. તળિયાનો પચાસ ટકા વર્ગ રાષ્ટ્રીય આવકના પંદર ટકા અને રાષ્ટ્રીય સંપત્તિના 6-7 ટકા પર જ અધિકાર ધરાવે છે.
અહીં 2023ના જુલાઈમાં પરકાલા પ્રભાકર સાથે થયેલી ચર્ચા સાંભળે છે.
નિર્મલા સીતારામન્ વિત્તમંત્રી બન્યાં, પણ એમના પતિ પ્રભાકરને ધીરે ધીરે મોદીકારણ બાબતે મોહભંગનો અનુભવ થયો. ધોરણસરના ડેટા પર ઢાંકપિછોડા છતાં ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ની લીક મારફતે જણાયું કે 2017-18માં બેરોજગારી દર છેલ્લાં પિસ્તાલીસ વરસમાં સૌથી ઊંચે હતો. જ્યાં સુધી સમાનતા-અસમાનતાનો સવાલ છે, પ્રભાકરે કહ્યું, 2022માં અબજોપતિ 55થી વધીને 146 થઈ ગયા એ વિગત સરકારી વર્તુળો વિકાસના નિદર્શનરૂપે ઉછાળે છે!
વિશ્વનું ચોથું મોટું અર્થતંત્ર, અને ઓસરતી અસમાનતા તે આનું નામ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 જુલાઈ 2025