Opinion Magazine
Number of visits: 9457685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષક જ્ઞાન સહાયક હોય તો શિક્ષણ મંત્રી જ્ઞાન સહાયક કેમ નહીં?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 September 2023

રવીન્દ્ર પારેખ

રવિવારના સમાચાર છે કે શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબને, જ્ઞાન સહાયક યોજના અંગે આવેદનપત્ર આપવા કેટલાક ઉમેદવારો ગયા, તો સાહેબે એવું છાશિયું કર્યું કે નોકરી કરવી હોય તો કરો, નહીં તો ઘરે બેસો. સાહેબ પોતે અધ્યાપન સાથે જોડાયેલા હતા, પણ હવે મંત્રી છે એટલે ભાવિ શિક્ષકો સાથે તો અવિવેક જ વિવેક ગણાય ને તે સાહેબે દાખવ્યો, પણ સાહેબનો ઝોક એવો હતો કે જ્ઞાન સહાયક યોજનામાં જોડાવું એ જ એક માત્ર વિકલ્પ ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે છે. અહીં સવાલ એ થાય કે જ્ઞાન સહાયક યોજના એટલી જ ઉત્તમ છે તો ક્વોલિફાઇડ ઉમેદવારો અમસ્તો જ વિરોધ કરે છે? એનો જવાબ એ કે આ યોજના બદથી બદતર છે. વિદ્યા સહાયક યોજનામાં એ તક હતી કે અમુક વર્ષની (સફળ) નોકરી પછી જે તે શિક્ષક કાયમી થતો. એ યોજના બંધ કરી અને તેને વિકલ્પે જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી. આ યોજનામાં વિદ્યા સહાયક કરતાં પગાર વધારે, પણ તે 11 મહિના પૂરતો જ ! મતલબ કે આ યોજના અંતર્ગત શિક્ષકને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાની વાત હતી. 11 મહિના પછી શિક્ષક છૂટો થાય અને તેણે નોકરી કરવી હોય તો ફરી અરજી કરવાની ને એવું તેણે દર અગિયાર મહિને કરતાં રહેવાનું. એવું કરીને શિક્ષક રિટાયર થવાની ઉંમરે પણ કાયમ ન થાય એ નક્કી. હવે આનો વિરોધ ઉમેદવારો કરે તો તેમાં ખોટું શું છે? આખી યોજના બનાવવામાં જ એટલે આવી કે શિક્ષક કાયમી થાય જ નહીં ને નિવૃત્તિ પછીના લાભો શિક્ષકને આપવા ન પડે. રિટાયર થવાની ઉંમરે, વર્ષોવર્ષ 11 મહિનાની નોકરી પછી પણ, છેલ્લી નોકરી 11 મહિનાની કરીને, કોઈ જ આશા વગર શિક્ષકે ઘર ભેગા થઈ જવાનું.

2017થી ત્રીસેક હજાર કાયમી શિક્ષકોની ઘટ પુરાઈ નથી. સરકારને પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, શિક્ષા સહાયકો, જ્ઞાન સહાયકોની યોજના કરવાનો સમય છે, પણ કાયમી શિક્ષકોની ભરતી કરવાનો સમય નથી. એવી ભરતી કરવાનું સરકારને ન જ સૂઝે, કારણ કાયમી ભરતી કરવાની તેની દાનત જ નથી. દાનત એટલે નથી, કારણ નિવૃત્તિ પછીનાં પેન્શન વગેરેના લાભો સરકાર આપવા તૈયાર નથી, એટલે જ તે કામચલાઉ યોજનાઓનો ખડકલો કરતી રહે છે. સરકાર શિક્ષકોનું પેન્શન બંધ કરવા માંગે તો ભલે, પણ તે પહેલાં તેણે સાંસદોનું પેન્શન બંધ કરવું જોઈએ. એ જ રીતે કોર્પોરેટરો, ધારાસભ્યોનું પેન્શન પણ બંધ કરે ને પછી શિક્ષકોનાં પેન્શનને હાથ લગાડે. એવું જો સરકાર કરે તો કુહાડા પર પગ મારવા જેવું થાય, કારણ સરકારમાં તો એક સાથે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદનું પેન્શન ગજવે ઘાલનારા પણ છે. ત્યાં હાથ નથી મુકાતો ને બધી કસર શિક્ષકને માથે જ રાખી છે. કોઈ પણ સરકારી તંત્રમાં કસર ભાગ્યે જ થાય છે, પણ શિક્ષકને આપવામાં હાથ ટૂંકો જ પડે છે. એ ખરું કે કેટલાક શિક્ષકો પગારને નહીં, પણ દંડને લાયક છે, પણ બધા એવા નથી. એટલે પાડાને વાંકે પખાલીને ડામ ન દેવાય ને નબળાઈ તો અન્ય તંત્રોમાં પણ ક્યાં નથી? જો, ત્યાં પેન્શન બંધ નથી થતું, તો શિક્ષકોનું પણ બંધ ન થવું જોઈએ.

ખરેખર તો શિક્ષણ વિભાગે યોજનાઓ લાગુ કરતાં પહેલાં પોતાના વિભાગમાં તે લાગુ કરવી જોઈએ. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કારકૂનો, અધિકારીઓ, સચિવો, મંત્રીઓ લેવાશે? શિક્ષણ મંત્રીની ને તેમના અધ્યાપકોની જોબ પેન્શનેબલ છે કે તે સૌ એમ જ નિવૃત્ત થવાના છે? શિક્ષણ મંત્રી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાય છે? જો નહીં, તો શિક્ષક કોન્ટ્રાક્ટ પર કેમ? જો શિક્ષણ મંત્રી જ્ઞાન સહાયક નથી, તો શિક્ષક જ્ઞાન સહાયક કેમ? રેલવેમાં, બેન્કોમાં બધી નોકરીઓ કામચલાઉ છે? તો, શિક્ષકો જ કામચલાઉ કેમ? એ સમજી શકાય એવું છે કે કેટલીક જગ્યાઓ કામચલાઉ ધોરણે ભરવી પડે, પણ બધી જ જગ્યાઓ હંગામી તો ન હોયને ! નિવૃત્તિ પછીના લાભો આપવા પડે એટલે 2017થી કાયમી ભરતી થાય જ નહીં, એ કેવું? કેટલી ય શૈક્ષણિક સંસ્થાઓમાં એને કારણે શિક્ષકો નથી. 700 સ્કૂલો એવી છે, જ્યાં એક જ શિક્ષકથી કામ ચાલે છે, ગુજરાતમાં જ એક સંસ્થા એવી છે, જ્યાં  શિક્ષક નથી, તે પણ હાયર સેકંડરીમાં. આ યોગ્ય છે? 2020થી નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે. હવે જો શિક્ષકો જ પૂરતી સંખ્યામાં ન હોય તો નવી શિક્ષણ નીતિ અસરકારક રીતે લાગુ થશે જ એવું સરકારને કઇ રીતે લાગે છે?

લાગે છે એવું કે સરકાર, સરકારી ને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરવા માંગે છે. અઢળક ટેક્સ પ્રજા પાસેથી વસૂલ્યા પછી પણ, મફત શિક્ષણ આપતાં સરકારને ઠંડી ચડે છે. મફત શિક્ષણ બંધ થાય તો સરકારનો ખર્ચ બચે ને ખાનગી સ્કૂલોનું ચલણ વધે. ખાનગીની કોઈ જવાબદારી સરકારની નથી, એટલે ત્યાં શિક્ષકોની ને ફીની શી સ્થિતિ છે, તે સરકારે જોવાનું નથી, પણ, એ ધ્યાનમાં લેવાનું રહે કે જે ગરીબ માબાપો આર્થિક જવાબદારી વહન કરી શકે એમ જ નથી, એમને માટે સરકારે મફત શિક્ષણની યોજના કરી. કન્યાઓ શિક્ષિત થાય એટલે કન્યા કેળવણી મફત કરી, આદિવાસીઓ અને અન્ય પછાત જાતિઓનાં સંતાનો ભણે એટલે પણ પ્રાથમિક શિક્ષણ મફત રાખ્યું. હવે જો ઇરાદો સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાનો હોય તો રાજ્યની ઘણી વસતિ અશિક્ષિત રહેશે. એ થવા દેવાનું છે? એક વાત સ્પષ્ટ છે કે પ્રાથમિક શિક્ષણ અસરકારક રીતે વિનામૂલ્યે ચાલુ નહીં રહે તો ગુજરાતથી પછાત રાજ્ય ભારતમાં બીજું કોઈ નહીં હોય.

એક તરફ ગુજરાતની આ સ્થિતિ છે, તો બીજી તરફ પેરિસની મલ્ટિનેશનલ માર્કેટિંગ રીસર્ચ ફાર્મ ઈપ્સોસનો સર્વે, દેશ અંગે જુદી જ વાત કરે છે. આ સંસ્થાના અહેવાલ મુજબ 50-55 ટકા શહેરી લોકો માને છે કે એજ્યુકેશન સિસ્ટમ સારી છે ને ગુણવત્તા પહેલાં કરતાં સુધરી છે. દેશના 76 ટકા શહેરી ભારતીયો માને છે કે શિક્ષણ માટેનાં સંસાધનો અને સગવડો પૂરતી માત્રામાં છે. સર્વેનાં એક તારણ મુજબ 80 ટકા શહેરીજનો માને છે કે શિક્ષકોને સન્માન આપવામાં ભારત મોખરે છે. હશે, ક્યાંક એવું પણ હશે, પણ ગુજરાતમાં શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબ ટેટ-ટાટ પાસ ઉમેદવારોને કહે કે નોકરી કરવી હોય તો કરો, નહીં તો ઘરે બેસો – એના પરથી શિક્ષકો કેટલા સન્માનનીય છે તે સમજી શકાય એવું છે. 50-55 ટકા શહેરીજનો માને છે કે એજ્યુકેશન સિસ્ટમ સારી છે, ગુણવત્તા સુધરી છે, તો કલ્પી શકાય કે પેરિસની એ સંસ્થા ગુજરાત સુધી નહીં પહોંચી હોય. કાયમી શિક્ષકોની હજારોની સંખ્યામાં ભરતી જ થઈ ન હોય ને કારભાર શિક્ષકો વગર જ ચાલતો હોય, તો સિસ્ટમ ને ગુણવત્તા સારી છે એવું કઇ રીતે માનવું? શિક્ષકોનો, પડતર માંગણીઓ પૂરી ન થવા સંદર્ભે વિરોધ વધતો જતો હોય તો ‘સબ સલામત’નો ઘંટ પેરિસની એક સંસ્થા કઇ રીતે વગાડી શકે?

જો કે, જવાબદાર તો શિક્ષકો પણ છે. કાયમી શિક્ષકોની ઘટ પૂરી કરવાનો સરકારનો ઇરાદો જણાતો જ ન હોય ને તેને લીધે જે શિક્ષકો હાજર હોય તેમના પર કામનું ભારણ વધતું આવતું હોય ને જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થા જ કાયમી થવા જઇ રહી હોય, ત્યાં શૈક્ષિક યુનિયનો ચૂપ રહે તે અક્ષમ્ય છે. મોટે ભાગના યુનિયનોની પડતર માંગણીઓ આર્થિકથી આગળ જતી નથી. એવામાં વિદ્યાર્થીઓ અંગે વિચારવાનું તો ભાગ્યે જ બને છે. શિક્ષકોની ખેંચના સમયમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ વારંવાર ખોરંભે ચડે છે ને પરીક્ષાઓ જ જાણે શિક્ષણ હોય, ત્યાં શિક્ષણ નીતિ ઉત્તમ હોય તો પણ શો અર્થ સરે? શિક્ષણ નીતિને વર્ગ શિક્ષણ સાથે તો લેવાદેવા છેને કે પરીક્ષા જ શિક્ષણ નીતિ છે? આ સ્થિતિ સુધરી શકે, જો યુનિયનો વધુ પારદર્શી રહીને, શિક્ષકો તથા વિદ્યાર્થીઓલક્ષી સક્રિયતા દાખવે. યુનિયનો નથી જાણતાં, તેનાં શિક્ષકો પાસેથી શિક્ષણેતર ફરજ બજાવવાનું દબાણ કરાય છે તે? વસતિ ગણતરી, રસીકરણ, ટીકાકરણ, મતદાન મથકની જવાબદારી જેવી ઘણી ફરજો શિક્ષકો પર વર્ષોથી થોપવામાં આવે છે. એમાં સુધારો નથી થયો, પણ વધારો જરૂર થયો છે. અત્યાર સુધી તો આવી ફરજો દિવસ દરમિયાન બજાવવાની રહેતી હતી, પણ હવે નવી જવાબદારી ફ્લડ કંટ્રોલની ઉમેરાઈ છે ને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગ તરીકે કરવાની કામગીરી ફરજિયાત હોઈ, ગ્રાન્ટેડ શિક્ષકો તેની ના પણ પાડી ન શકે. ના પાડે તો શિક્ષાત્મક પગલાંનો સામનો કરવાનો આવે. ફ્લડ કંટ્રોલની જવાબદારી રાતના બજાવવાની આવે એમ બને. એ કામગીરી શિક્ષકો રાતના બજાવે તો બીજે દિવસે તે ફરજ પર ભાગ્યે જ હાજર રહી શકે. એમ થાય તો વર્ગશિક્ષણ પ્રભાવિત થયાં વગર ન રહે. એટલું છે કે આ સંદર્ભે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યના શિક્ષણ સચિવને ફ્લડ કંટ્રોલની જવાબદારીમાંથી મુક્તિ આપવા પત્ર લખીને રજૂઆત કરી છે. આવી સક્રિયતા અન્ય મંડળો પણ દાખવે તે જરૂરી છે. એવું થશે તો સરકારને થોડે થોડે વખતે જે તુક્કાઓ સૂઝે છે તેનાથી શિક્ષકો બચશે. શિક્ષકોએ પણ સરકારને એ ભાન કરાવવાનું રહે કે તે દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી નથી. શિક્ષક અભિમાની ન હોય, પણ તે સ્વમાની પણ ન હોય તો તે જીવશે તો ખરો, પણ તેને મુક્તિ નહીં હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 સપ્ટેમ્બર 2023

Loading

પત્ની અને બાળકો વગરના ઘરમાં એકલવાયા પુરુષની ‘યાદેં’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 September 2023

રાજ ગોસ્વામી

એક માણસ, વીજળીના કડાકા-ભડાકા વચ્ચે, કામ પરથી ઘરે આવે છે. ઘર ખાલી છે. એ ચોંકી જાય છે. તેની પત્ની અને બાળકો ઘર છોડીને જતાં રહ્યાં છે. તેને તેની ભૂલોનો અહેસાસ થાય છે. તે ઉદાસ થઇ જાય છે અને અપરાધબોધના ભાર હેઠળ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. હિન્દી ફિલ્મોમાં બને છે તેમ, અણીની પળે કર્તવ્ય પરાયણ પત્ની પાછી ફરે છે અને પતિને બચાવી લે છે. પછી, સૌએ ખાધું, પીધું ને રાજ કર્યું.

એ માણસ એટલે અનિલ મહેરા (સુનીલ દત્ત), એ પત્ની એટલે પ્રિયા (નરગિસ) અને એ ફિલ્મ એટલે ‘યાદેં.’ વાર્તાની દૃષ્ટિએ એમાં કશું નવું નહોતું. એક વ્યભિચારી પતિ સુધરી જાય છે, ભારતીય નારીની પ્રતિકસમી પત્ની, તેની સાથે થયેલા અન્યાયને ભૂલી જઈને, પતિને પાછો પ્રેમ કરવા લાગે છે અને ઘર બચાવી લે છે. એક જ નવાઈ હતી; દુનિયાની આ પહેલી ફિલ્મ હતી જેમાં એક જ એક્ટર હતો.

ફિલ્મ 1964માં રિલીઝ થઇ હતી અને તેને એક જ એક્ટરની ફિલ્મ તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. તમને એવો પ્રશ્ન થાય કે હમણાં તો એવું લખ્યું કે ‘અણીની પળે પત્ની ઘરે પાછી આવે છે,’ તો એક એક્ટર કેવી રીતે કહેવાય? નાટકોની દુનિયામાં ‘સોલો એક્ટ’ની પ્રથા જૂની છે. તેમાં રંગમંચ પર એક જ એક્ટર હોય અને તે દર્શકોને સંબોધીને વાર્તા કહે. માનવ ઇતિહાસમાં વ્યાખ્યાનોની પરંપરા રહી છે, જેમાં શ્રોતાઓ સમક્ષ વ્યાખ્યાનકાર વાર્તા માંડે.

‘યાદેં’ ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને એક્ટર સુનીલ દત્તે આ જ ટેકનિકનો ફિલ્મમાં ઉપયોગ કર્યો હતો. તે ફિલ્મના પ્રેક્ષકોને સીધું સંબોધન તો કરી ન શકે એટલે તે દીવાલ પર નાચતા પડછાયાઓ સાથે વાતો કરે છે, ઘરની ચીજ વસ્તુઓ સાથે સંવાદ કરે છે, ફોનમાં કોઈની સાથે વાર્તાલાપ કરે છે. એ રીતે પ્રેક્ષકોને ખબર પડતી જાય છે કે અનિલના જીવનમાં (અને મનમાં) શું ચાલી રહ્યું છે (ફિલ્મના અંતે, પત્ની દીવાલ પર પડછાયા રૂપે આવે છે).

એકલવાયો અનિલ ડ્રિંન્ક બનાવે છે. પત્નીને એની એ કુટેવની પણ ખબર હશે, એટલે તેણે બાર પર ચિઠ્ઠી મૂકી છે કે તે આ લગ્નમાં રહી શકે તેમ નથી એટલે બાળકોને લઈને ચાલી ગઈ છે.

અનિલ તેની પત્નીની ચીજવસ્તુઓને હાથમાં સહેલાવીને અને બાળકોનાં રમકડાં પકડીને તેમની ગેરહાજરીનું દુઃખ વ્યક્ત કરે છે. અનિલ દીવાલ પર, ટેબલ પર માથું ઢાળીને, લલાટને ખોબામાં મૂકીને તેની ઉદાસી જાહેર કરે છે. ‘યાદેં’માં, ફિલ્મ ટેકનિકને લાગે વળગે છે ત્યાં સુધી, સુનીલ દત્તે એક નવા જ પ્રકારની સિનેમાઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો.

એવું કહેવાય છે કે નરગિસ એકવાર ઝેક રિપલ્બિકમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં જજ બનીને ગયાં હતાં. તે સાથે બાળકોને પણ લઇ ગયાં હતાં. સુનિલ દત્ત ઘરે એકલા રહ્યા હતા. એ દરમિયાન તેમને વિચાર આવ્યો હતો કે હીરો ઘરે આવે અને ખબર પડે કે તેની પત્ની અને બાળકો ઘર છોડીને જતાં રહ્યાં છે તો તે શું કરે? 

મસાલા ફિલ્મોના દૌરમાં આવી એક લાઈનની વાર્તા એ સાચે જ સાહસિક પ્રયોગ કહેવાય. સુનીલ દત્તનો સિતારો ત્યારે ચમકતો હતો. એ સ્ટાર-પાવરના કારણે જ તેમને ‘એક એક્ટર’ની ફિલ્મ બનાવવાની હિમ્મત આવી હશે. સુનીલ દત્તે કુલ 100 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો અને 8 ફિલ્મોનું નિર્માણ કર્યું અને 6 ફિલ્મોનું નિર્દેશન કર્યું.

સુનીલ દત્તે તેમની અજંતા આર્ટ કંપની વતી ફિલ્મ બનાવી હતી. અજંતા આર્ટના બેનર નીચે અગાઉ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ અને ‘મુજે જીને દો’ બની ચુકી હતી, પણ નિર્દેશક તરીકે સુનીલ દત્તે ‘યાદેં’ જેવી પ્રયોગશીલ ફિલ્મથી પદાર્પણ કર્યું એ પણ નોંધનીય છે. અઢી કલાક સુધી એક એકલો એક્ટર દર્શકોને પકડી રાખે તે ખાવાના ખેલ નથી, તેની સુનીલ દત્તને ખબર હોવી જ જોઈએ.

મજાની વાત એ છે કે ફિલ્મમાં વાર્તાનું શ્રેય (નરગિસ નહીં) મિસિસ દત્તને આપવામાં આવ્યું છે. એવું બન્યું હોવું જોઈએ કે સુનીલ દત્તને બાંદ્રાના તેમના ઘરમાં એકલતાનો અહેસાસ થયો હોય અને તેમણે પત્ની નરગિસને પરિવારની ગેરહાજરી કેવી સાલે તેની વાત કરી હોય. શક્ય છે કે મિસિસ દત્તે મજાક પણ કરી હોય કે તમારી સાથે તો સાચ્ચે જે એવું કરવા જેવું છે! મોટાભાગની પત્નીઓ તેમના પતિને આમ પણ એવું કહેતી હોય છે કે હું જતી રહીશ ને ત્યારે ખબર પડશે. એ નોંકઝોંકમાંથી ફિલ્મ બનાવાનો વિચાર જન્મ્યો હોય તે શક્ય છે.

સુનીલ દત્તની મોટાભાગની ફિલ્મો, વિશેષ તો ખુદના બેનર હેઠળની ફિલ્મોમાં કોઈને કોઈ સંદેશો હોય છે. ‘યાદેં’ આમ તો એકલવાયા પતિની ઉદાસીની કહાની છે પણ તેમાં ય એક પારિવારિક મૂલ્યની શિખ છે. ફિલ્મની શરૂઆત ‘મનુસ્મૃતિ’ના  શ્લોકથી થાય છે :

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ॥

“જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી, તેમનું સન્માન થતું નથી, ત્યાં કરેલાં બધાં સારાં કાર્યો પણ ફળહીન થઈ જાય છે.”

સુનીલ દત્ત એવું કહેવા માંગતાં હતા પુરુષ ગમે તેટલો તાકાતવર અને આઝાદ હોય, સ્ત્રી વગરનું ઘર અંતત: તને તોડી નાખે છે. ‘યાદેં’ ફિલ્મમાં દત્તે એ ઈમોશનલ બ્રેકડાઉનને બખૂબી પેશ કર્યું હતું. હિન્દી ફિલ્મોમાં ઘણીવાર લાગણીઓ, અસુરક્ષા, ડરને સ્ત્રીની વૃત્તિ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ ‘યાદેં’ ફિલ્મમાં પત્ની અને બાળકોની સ્મૃતિઓથી દુઃખી થતા એક અનિલ મહેરાનું પાત્ર સાબિત કરે છે કે પુરુષો પણ પરિવારને નુકસાન થાય તો દુઃખી થાય છે.

ફિલ્મમાં સૌથી ઉત્તમ સુનીલ દત્તની અભિવ્યક્તિ છે. હસવાથી અને અચાનક કોઈ વાત પર ગુસ્સો કરવાથી માંડીને ચાવીથી ચાલતું રમકડું જોઈને ડરી જવા સુધીની દરેક લાગણી તેમના ચહેરા પર ખીલી ઊઠી હતી. તેમણે દરેક હાવભાવ ખૂબ જ ગંભીરતાથી આપ્યા હતા. સુનીલ દત્તે આ ફિલ્મમાં કાલ્પનિક અભિવ્યક્તિઓનો પ્રયોગ કર્યો હતો.

હિન્દી સિનેમામાં ઘણી પ્રયોગાત્મક ફિલ્મો બની છે, પણ 60 વર્ષ પછી ‘યાદેં’ આજે પણ ‘એક જ એક્ટર’ની ફિલ્મ તરીકે એટલી જ લાડકી છે.

ફારુક શેખના એક જમાનામાં લોકપ્રિય ટી.વી. કાર્યક્રમ ‘જીના ઇસી કા નામ હૈ’માં સુનીલ દત્ત મહેમાન હતા. એમાં દત્ત પરિવારના અને સિનેમાના મિત્રોએ દત્ત વિશે રોચક વાતો કરી હતી. તેમાં ‘યાદેં’ ફિલ્મની વાત પણ નીકળી હતી. દત્તે ફિલ્મનું પ્રીમિયર મુંબઈના મરાઠા મંદિર સિનેમા યોજ્યું હતું ત્યારની ઘણી વાતોને યાદ કરી હતી.

પ્રીમિયરમાં દત્તના સમકાલીન એકટર દિલીપ કુમાર પણ ઉપસ્થિત હતા. દત્તે તેમને યાદ કરીને કહ્યું હતું કે ફિલ્મ જોયા પછી દિલીપ કુમાર અચંભિત થઇ ગયા હતા, “દંગ રહે ગયે થે. ઐસા કૈસે હો સકતા હૈ એક હી એકટર થ્રુઆઉટ? ઉનકો એક એક્ટર કા આઈડિયા બહુત પસંદ આયા થા.”

ફિલ્મની બીજી રસપ્રદ વાત એ છે કે તેમાં માત્ર બે જ ગીતો હતાં, જે લતા મંગેશકરે ગાયાં હતાં. ફિલ્મના સંવાદો અને સંગીત વસંત દેસાઈએ આપ્યું હતું. કાશ, સુનીલ દત્ત આજે જીવતા હોત તો ચોક્કસપણે રોચક અને પ્રયોગાત્મક ફિલ્મો આપી હોત.

અભિનેતા જીવતો હોત, તો ફિલ્મ નિર્માણના આવા પ્રયોગો સાથે એમણે ચોક્કસપણે આપણા ફિલ્મ ઉદ્યોગમાં ઘણી વધુ દિમાગ રોચક ફિલ્મોનું યોગદાન આપ્યું હોત.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 13 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઍનકાઉન્ટર

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|15 September 2023

પ્રીતમ લખલાણી

કાજલે ટી.વી. બંઘ કરી કૉફી ટેબલ પર આજે બપોરે ટપાલમાં આવેલ “ટાઈમ્સ” સામાયિકના એકાદ બે પાનાં પર નજર ફેરવી ન ફેરવી ત્યાં જ કાજલના ઘરનો ફોન રણકી ઊઠ્યો.

તેને મનમાં ઘ્રાસકો પડ્યો, ‘હે ભગવાન, કોઈ ઈમરજન્સી ન હોય તો સારું, નહીંતર હમણાં જ કિલનિક પર દોડવું પડશે. આ વિચાર સાથે તેણે ફોનનું રિસીવર ઉપાડયું, ‘હેલો!’

‘ડૉ. કાજલબહેન, હું પાર્વતીબાઈ બોલું છું. બહેન, હું તમારી પરિસ્થિતિ બહુ જ સારી રીતે સમજી શકું છું. તમે ડૉકટર લોકો કેટલા બઘા કામમાં વ્યસ્ત હો છો, તેની મને કયાં ખબર નથી! કાજલબહેન, હું તમને શું કહું? મારે માથે તો દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે! એટલે જ મારે તમને આટલી મોડી સાંજે અગિયાર વાગ્યે ફોન કરવો પડયો છે!’

‘ખોટા બાનાં બનાવવાને બદલે પાર્વતીબહેન સાચીસાચી વાત કરી દો કે હું કાલે સવારે કામે આવવાની નથી.’

‘બહેન, હું તમારી મજબૂરી બહુ સારી રીતે સમજી શકું છું. પણ મારે તમને ફોન પર મારી વ્યથાની કથા સમજાવવી. મારે તમારું ખાસ એક અગત્યનું કામ પડ્યું છે. અત્યારે, તમે અને ઈશ્વર, ફકત એવી બે જ વ્યકિત છો કે મને મારા દુઃખમાં મદદ કરી શકો તેમ છો.’

‘ચાલો, ખોટાં નખરાં અને બહાનાં બનાવ્યા વગર તમારે મને જે કંઈ કહેવું હોય તે સાફ શબ્દોમાં કહી દો. બસ, કાલે સવારે હું કિલનિક પર જઉં તે પહેલાં ઘરે કામ પર આવી જજો.’

‘કાજલબહેન, હું તમને અ ત્યારે ફોન પાંચાલાલ કરિયાણાવાળાની દુકાનેથી કરી રહી છું. બાજુમાં મારી દીકરી સુશીલા પણ ઊભી છે.’ પછી બહુ જ ઘીમા અવાજે તેના ખુદના કાન પણ ન સાંભળી શકે તેમ તેને ફરી વાતની શરૂઆત કરી. ‘મારી દીકરીની તબિયત છેલ્લા ચાર-પાંચ દિવસથી બહુ જ ખરાબ છે. તેની તબિયત બાબતની બઘી વાત મારાથી તમને ફોન પર કરી શકાય તેમ નથી. તમે આટલામાં સમજી જશો. તમે જો સુશીલાને અત્યારે તપાસીને દવા આપો તો હું હમણાં જ રિક્ષા પકડીને તમારે બંગલે આવી જઉં છું.’

‘બહેન, સુશીલાને પેટમાં સખત દુઃખાવો ઊપડ્યો છે. ઊલટી જેવું પણ આજ સવારથી થાય છે.’

‘પાર્વતીબહેન, મને લાગે છે સુશીલાને કદાચ ખાવામાં કંઈ આવી ગયું હશે! કિલનિક પર ફાર્મસિસ્ટને ફોન કરીને હમણાં જણાવી દઉં છું. તે તમને સુશીલા માટે દવા આપશે. સવાર સુઘીમાં તબિયતમાં ઘણો ફરક પડી જશે. એમ છતાં જો ફરક ન પડે તો તમે મને કિલનિક પર ફોન કરીને જણાવજો.’

‘કાજલબહેન, તમને વઘારે હું શું કહું? ઈશ્વરને ખાતર જો તમે સુશીલાને અત્યારે તપાસીને દવા આપી શકો તો હું તમારી જન્મોજન્મ ઋણી રહીશ.’

‘પાર્વતીબહેન, તમે એમ કરો, આવતીકાલે સવારે સુશીલાને કિલનિક પર લઈ આવજો. હું તેને ઈમરજન્શી કેસમાં તપાસી દઈશ.’

‘કાજલબહેન, સુશીલાને કિલનિક પર લઈને તમારી પાસે બતાવવા આવવામાં મારી હિંમત ચાલતી નથી. તમારા કિલનિક પર બહેન મને કોણ ઓળખતું નથી? બસ, બહેન હવે તમે આટલામાં સમજી જાવ તો તમારો આભાર. જો તમે હા પાડો તો હું હમણાં જ આ ઘડીએ તમારા બંગલે મા-દીકરી રિક્ષા પકડીને આવી જઈએ.’

‘ઠીક છે. તમે હવે ખોટો સમય ન બગાડશો, બસ તમે મારે બંગલે આવી જાવ. હું સખત થાકેલ છું. આંખો પણ ઘેરાણી છે. જો તમે જરાક પણ મોડું કરશો તો હું ગમે તે ઘડીએ નિદ્રાદેવીના ખોળે માથું ઢાળી દઈશ.’

‘હા, બહેન તમે ફોન નહીં મૂકો ત્યાં જ અમે મા-દીકરી તમારે બંગલે આવી પહોંચશું.’

•••

ડૉ. કાજલે પોતાના બેડરૂમમાંથી બહાર આવી સુશીલાને દીવાનખાનામાં પડેલ એક ખાલી ખુરસીમાં નિરાંતે બેસવાનું જણાવી હાથના ગ્લોઝ કચરાની ટોપલીમાં નાખી. સીંકમાં હાથ ઘોઈ પાર્વતીબહેનની બાજુમાં પડેલ ખાલી ખુરસીમાં બેઠક લેતાં જણાવ્યું, ‘પાર્વતીબહેન, મારે તમને બહુ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે તમારી દીકરી સુશીલા મા બનવાની છે. તેના પેટમાં છથી સાત અઠવાડિયાનો ગર્ભ હોય એવું મને જણાય છે. વઘારે વિગતો તો હું તમને લોહી, પેશાબનો  રિપોર્ટ જોયા બાદ જ જણાવી શકું.’ પછી સુશીલા તરફ જોઈને કહ્યું, ‘તું જરા ય ચિંતા ન કરીશ બસ નિરાંતે ભણવામાં ઘ્યાન રાખીને ભણવા માંડ. શાળાનું છેલ્લું વર્ષ જીવનઘડતર માટે બહુ જ મહત્ત્વનું હોય છે. જા, તું મારા બેડરૂમમાં જઈને થોડો આરામ કર. મારે તારી બા સાથે થોડીક અંગત વાતો કરવી છે.’

સુશીલા ડૉ. કાજલના બેડરૂમમાં આરામ માટે ગઈ. એક ડૉકટર તેમ જ પોતાની અંગત કામવાળી હોવાને નાતે જરા ઠપકો આપતાં ડૉ. કાજલે પાર્વતીબહેનને કહ્યું, ‘તમે આખો દહાડો ઘર ઘરના કામો ભલે કર્યે રાખો, પણ જરા થોડો સમય કાઢીને ઘરમાં પણ ઘ્યાન આપતાં જાવ. તમને ખબર પડે છે, તમારી સુશીલાની ઉંમર શું છે? શું આ ઉંમર મા બનવાની છે કે પછી રમવા-કૂદવાની? આ નાદાન છોકરીનો પગ આ કુમળી વયે કેવા કૂંડાળામાં પડી ગયો છે? મને તેનું અત્યંત દુઃખ થાય છે. જો તમારી અને સુશીલાની મરજી હોય તો અને જો તમને કોઈ વાંઘો ન હોય તો આપણે તેને આ નરકમાંથી જેમ બને તેમ વહેલામાં વહેલી તકે મુકત કરી, જાણે તેના જીવનમાં કશું બન્યું જ નથી તેમ હસતાં હસતાં ખુશીના દિવસો કાઢતી, પાછી ભણવા માટે નિશાળે જવા માંડશે! બસ તમે બને તો કામમાંથી થોડો સમય કાઢી હવે પછી ઘરમાં પણ થોડું ઘ્યાન આપતાં રહેજો. આથી વિશેષ વઘારે હું તમને શું ક્હી શકું!’

‘બહેન, ઘરમાં તો ઘ્યાન કયાંથી આપું? તમે મારી જિંદગીથી ક્યાં પરિચિત નથી? મારો વર, દિવસ આખો દારુ પીને મૂવો ગામની ગટરમાં પડયો રહે છે. ઘરે આવે તો ઘરમાં તોડફોડ કરે. મને અને છોકરીને કારણ વગર દારુના પૈસા માટે મારે. કોને કહું? ઈશ્વરે પેટે એક દીકરો દીઘો છે તે પણ બાપને રવાડે ચઢી ગયો છે. દિવસ આખો ગામના ચારપાંચ ઘરમાં ઝાડુપોતાં કરું છું ત્યારે અમારા ઘરનો ચૂલો બે વખત સળગે છે બાકી અમારા દેવીપૂજકમાં આવા દારુડિયાની ગાળો અને લાતો ખાઈએ. હું તો ખાનદાન બાપની દીકરી છું એટલે મૂઆનું ઘર સંભાળીને બેઠી છું અને આ દીકરીને ભણાવીને મોટી કરી રહી છું. બિચારીને કયાંક સારું ઘર મળી જાય તો ભવિષ્યમાં મારી જેમ હેરાન ન થાય.’

‘પાર્વતીબહેન, મને ખબર પડતી નથી તમારી આ હરણી જેવી ભોળીભટાક દીકરી પર આવો જુલ્મ કોણે કર્યો હશે?’

બહેન, કોને વાત કરું? અને કોને દોષ દઉં? આ તો અમારા કરમ ફૂટ્યાં કોના પાપની સજા હું અને મારી આ નાદાન દીકરી ભોગવી રહ્યાં છીએ?’

‘અરે! હોતાં હશે! આમ બે હાથ જોડીને કયાં લગી લાચાર મને અન્યાય સામે ઈશ્વરને વિનંતી કરતા બેઠાં રહીશું? બસ તમે મને એક વાર વિગતવાર બઘી વાત જણાવી દો, પછી આટલી જ વાર છે. તમારી દીકરી પર જે રાક્ષસે આવો ભયંકર જુલમ ગુજાર્યો તેને સીઘે પાટે ચઢાવતાં મને આવડે છે.’

‘બહેન, જો તમારી દવા કે પછી નાનામોટા ઑપરેશનથી વાતનો ફેંસલો આવી જતો હોય તો મારે વાતને ચોળીને ચીકણી નથી કરવી. જ્યાં વાડ જ ચીભડાં ગળી જતી હોય તેની ફરિયાદ આપને કોને જઈને કરીએ?’

‘પાર્વતીબહેન, તમે બિલકુલ ચિંતા ન કરો, તમારી નાદાન દીકરી પર જેણે આવો ભયંકર અત્યાચાર કર્યો છે તે વ્યકિત ગમે તેવી મોટી હોય કે પછી કોઈ મોટી વગવાળી હોય, તે નાયાલાયકને સીઘોદોર કરવો આ ડૉકટર કાજલ મહેતાના ડાબા હાથનો ખેલ છે. તમે સમજયાં? અને જો ન સમજયાં હો તો હું તમને સમજાવી દઉં છું કે મારી સગાઈ જેમની સાથે થઈ છે તે આઈ.એસ.પી. ઑફિસર પોલિસ સુપરિન્ટેડેન્ટ સંજય વર્માની બદલી છેલ્લા આઠેક મહિનાથી આપણા ગામમાં થઈ છે. ભલે આઝાદીના સાત દાયકામાં દેશમાં જોઈએ એટલી પ્રગતિ કયાં ય ન થઈ હોય પણ આપણા ગામમાં ચોરલૂંટારા અને આવાં લફંગાં કામ કરનારાને સંજય વર્માએ પિસ્તોલની ધાકે લાઈન પર લાવી દીઘા છે. પાર્વતીબહેન, સંજયના વખાણ હું તમને વઘારે મારે મોઢે શું કરું? તમે તો ગામનાં છાપાં અને ટી.વી.ના માઘ્યમ દ્વારા જાણ્યું જ હશે કે ગામમાં વરસોથી અડ્ડો જમાવી બેઠેલા ચારપાંચ ‘ભાઈ’ લોકોના તો તેણે ઍનકાઉન્ટર કરાવી નાંખ્યાં છે. બસ તમે બેફીકર રહો અને મને જલદીથી તે સુવ્વરના બચ્ચાનું એક વાર નામ-ઠેકાણું જણાવી દો પછી તમે જોજો બીજી જ ક્ષણે સંજય વર્માની જીપ તેને હાથકડી પહેરાવવા તેના દરવાજે જઈ પહોંચશે! ભલે તે હરામજાદો કેમ કોઈ પ્રધાન કે ઘારાસભ્યનો દીકરો ન હોય?’

‘બહેન, જવા દો ને. મારે કારણ વગર બદનામીને નોતરવી નથી. જો તમારી દવાથી કે પછી કોઈ બીજા ઈલાજથી મારી સુશીલા આ પાપમાંથી મુકત થઈ જતી હોય તો, આપણે જંગ નાહ્યા. શું સમજ્યા! ઈશ્વર, આવા લોહીપીતા વરુને સદ્દબુદ્ધિ આપે. ભવિષ્યમાં મારા જેવી કમનસીબની દીકરીની ફરી આવી દુર્દશા ન કરે. મારે તેની સામે કોઈ સરકારી પગલાં ભરવાં નથી! કારણ વિના અમારે છાપાં કે ટી.વી.ના સમાચારનું મથાળું બનવું નથી. નહીંતર તમને આટલી મોડી રાત્રે હેરાન કરવાને બદલે કાલે સવારે મારી દીકરીને તમારા કિલનિક પર જ ન લઈ આવત!’

‘પાર્વતીબહેન, તમે કારણ વિના ગભરાઓ છો. તમે તમારી ચિંતા બઘી મારા પર છોડી દો. બસ તમે મને એક વાર બઘી હકીકત વિગતવાર જણાવી દો. તમારી સુશીલા તો સગીર છે. તેની ઉંમર ફકત સોળ-સત્તર વર્ષની છે. છાપાં કે ટી.વી.ના સમાચારમાં આ સમાચાર આવવાની કોઈ શકયતા જ નથી. બઘી વાત મારી અને તમારી વચ્ચે જ રહેશે. તમે મહેરબાની કરીને મને એ નાલાયકનું નામ ઠેકાણું જણાવો. મને તો સંજયને કહીને સાલાનું ઍનકાઉન્ટર કરાવી નાંખવાનું મન થાય છે. જેથી કરીને ભવિષ્યમાં શહેરના બીજા હરામીઓ આવું પગલું ભરતાં સો વાર વિચાર કરે.’

‘કાજલબહેન, તમે મને મોઢામાં આંગળા નાંખીને બોલાવો છો. મારે ન છૂટકે તમને કહેવું પડે છે કે, બહેન મારી સગીર દીકરી પર જેણે આ જુલમ કર્યો છે તેનું, તમારે આઈ.એસ.પી. સંજય વર્માને કહીને ઍનકાઉન્ટર કરાવી નાખવું છે. કેમ ખરું ને? પણ બહેન જો આ નાના મોઢે મોટી વાત થઈ જાય તો મને માફ કરી દેશો. લ્યો, ત્યારે સાંભળો હ્રદય પર પથ્થર મૂકીને તમને વાત કરી રહી છું. મારી ગાય જેવી દીકરી પર જુલ્મ કરનાર બીજા કોઈ નહીં પણ તમારા ભાવિ પતિ આઈ.એસ.પી. સંજય વર્માનું પાપ છે. હવે તમે જ કહો મારે આ ફરિયાદ કઈ કચેરીમાં જઈને કરવી.’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...858859860861...870880890...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved