Opinion Magazine
Number of visits: 9457834
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અખોવન 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|23 September 2023

પ્રીતમ લખલાણી

‘શું કહ્યું બા, તમે? મિતાબહેનનો ખોળો કેથરિન ભરશે? અરે સુઘા, તું સાંભળે છે ને, બા શું કહે છે? મિતાબહેનનો ખોળો પેલી કાળી, નિગ્રો, કર્લી વાળવાળી અને જાડા હોઠવાળી હેમેનભાઈની ડોકટર વહુ ભરશે! અને આપણે બંને શોભાનું પૂતળું થઈ એની સાર-સરભરા કરતાં જાણે ફોટો પડાવવા આવ્યાં છીએ. કેમેરા સામે હસતું મોઢું રાખીને તેની બાજુમાં ઊભા રહેવાનું!’

‘સુચિતા ભાભી! જેવી બા તેમ જ નણંદબાની ઈચ્છા! શું કામ આપણે કારણ વગર દુઃખી થવાનું!’ સુઘાએ ઘીમા તાપે સ્ટવ પર ચઢતી દાળમાં ચમચો હલાવતાં પોતાનો સૂર પુરાવ્યો!

ભલે બા અને મિતાબહેન રાજી થાય એમ કરજો. બાકી આ કાળી અમેરિકનનો શું ભરોસો?

ભગવાન જાણે લગ્ન પહેલા કેટલા જોડે રંગ રેલીઓ કરી આવી હશે. અને કોણ જાણે કેટલાં ઍબોર્શન કરાવી નાખ્યાં હશે? કોણ કારણ વગર નરકના દરવાજા ખખડાવે! સુઘા, તને તો ખબર જ હશે? આપણાંમાં તો એ જ સ્ત્રી ખોળો ભરી શકે કે જે અખોવન હોય.

‘અરે! સુચિતા! મેં તને આટલા નાના મનની કયારે ય નહોતી જાણી. મને તો એમ કે તેં અમેરિકાની યુનિવર્સિટીમાંથી એક નહીં પણ બે માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. વળી છેલ્લા બે દાયકાથી અમેરિકામાં છે, એટલે તું તો આ દેશની સંસ્કૃતિમાં ઘણી જ ઓતપ્રોત થઈ ગઈ હોઈશ. ભલે, તારી આ સાસુએ સાતમી ચોપડી પાસ નથી કરી, છતાં મને એક વાતનો હૈયે ગર્વ છે કે અમેરિકામાં આવીને અહીંની રહેણીકરણી સમજ્યા પછી તો જૂનાગઢની  શેરીને તો ક્યારની ભૂલી ગઈ છું અને તું તો હજી અમદાવાદની પોળમાંથી એક ડગલું પણ બહાર નીકળી શકી નથી!’

‘બા! આ તમારી અમેરિકાની રહેણીકરણી નથી બોલતી, પણ અમારા કરતાં તમને નાના પ્રત્યે વઘારે લાગણી છે તેની વરાળ થઈને મનમાંથી બહાર આવે છે.’

અને ત્યાં જ ડ્રાઈવ-વે પર કોઈની કાર આવી એવું કિચનમાં કામ કરતી સુઘાને લાગ્યું …. તે દરવાજા તરફ દોડી … બોલી, ‘અરે બા, લ્યો … હેમેનભાઈ અને કેથરિન પણ આવી ગયાં!’

‘સુચિતા ભાભી! જરા કિચનમાંથી બહાર તો આવો અને કેથરિનને જુઓ તો ખબર પડે. અરે! આપણ બંનેને તો તેણે ક્યારના પાછળ છોડી દીઘાં છે. શું હેર સ્ટાઈલ કરાવી છે? અને ‘તાલ’માં ઐશ્વર્યા રાયે જે સાડી પહેરી છે, એવી આબેહૂબ સાડી કેથરિનને હેમેનભાઈએ અપાવીને તેના રૂપમાં ચાર ચાંદ લગાડી દીઘા છે! કેથરિન! તું તો પ્રિન્સેસ ડાયેના જેવી લાગે છે.’

‘સુઘા, રાજકુંવરી છે તો રાજકુંવરી જ લાગે ને! એમાં વળી તારે અને મારે શું કહેવાનું હોય? વાત રહી બનવા-ઠનવાની તો શું કામ ન બને? આવો અવસર પાછો કયાં જિંદગીમાં ઘડી ઘડી આવવાનો હતો? અરે! હેમેનભાઈ તમને અને કેથરિનને ખબર નહીં હોય તો લ્યો હું તમને સરપ્રાઈઝ આપું. બા અને મિતાબહેનની ઈચ્છા છે કે ખોળો કેથરિન ભરે!’ સુચિતાએ નેણ સહેજ વાંકા કરી મનની વરાળ કાઢતાં કહ્યું.

‘ભાભી! તમારો પ્રેમ અને તમારી વાત સાવ સાચી છે! પણ હું તમને બઘાંને એક મોટી સરપ્રાઈઝ આપું? હું પ્રેગનન્ટ છું!’ કેથરિને કહ્યું.

‘શું વાત છે? કોંગ્રેચ્યુલેશન ! કેથરિન!’

‘ભાભી! હવે મારે આથી વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી! તમે તો મારા કરતાં આપણા રીતરિવાજ વિશે વઘુ જાણતા હશો કે પ્રેગનન્ટ સ્ત્રી ખોળો ભરી ન શકે!’ કેથરિને ખુશી વ્યકત કરતાં જણાવ્યું.

‘બા શું ઈચ્છા છે તમારી?’ સુચિતાએ પૂછ્યું.

‘અરે! ભાભી! એમાં વળી બાને શું પૂછવાનું? બસ, તમે તૈયાર થઈ જાઓ એટલે બઘી સમસ્યાઓ  પર પૂર્ણવિરામ.’

‘સુઘા, તું નાની વહું ઘરમાં બેઠી હો અને હું મિતાબહેનનો ખોળો ભરું તો કંઈ સારું લાગે?’

‘ભાભી! તમે પણ ખરા છો! જે શોભતું હોય એ જ શોભે! બા તમે ભાભીને કહો. એટલે તેઓ તૈયાર થવા જાય!’

‘સુઘા, હું શું કહું? તમે બંને જ નક્કી કરો. મારે તો બેઉં આંખ સરખી.’ કમળા બાએ ઠંડી પડતી ખીરમાં બદામ-પિસ્તા છાંટતાં જણાવ્યું!

********************

બેડરૂમનું બારણું બંઘ થતાં જ હેમેને કેથરિનને આશ્લેષમાં લેતાં પૂછ્યું, ‘અરે! સ્વીટી, તું પ્રેગનન્ટ છો! અને આ વાત તેં મને આજ લગી ન જણાવી? જો તેં મને ખુશીના સમાચાર આ પહેલાં આપ્યા હોત, તો મેં આપણા આખા ઘરને ફૂલોથી શણગારી દીઘું હોત!’ આમ કહી તેણે કેથરિનના બે રતુમડા હોઠ પર એક હળવું ચુંબન દીઘું.

‘હેમેન, તું પણ ખરો છે! જે દિવસે ખરેખર પ્રેગનન્ટ હોઈશ તે દિવસે ખુશીના એ સમાચાર સર્વ પ્રથમ તને નહીં જણાવું, તો બીજા કોને જણાવીશ?’

‘કેથરિન, તું આ શું બકે છે, તેની તને કંઈ ખબર પડે છે? હમણાં તો તેં બા અને બંને ભાભી સમક્ષ તો કહ્યું કે તું પ્રેગનન્ટ છે! અને …. હવે….!!!!’

‘ભલા હેમેન, તને કઈ રીતે સમજાવું? આપણે જ્યારે ઉંબરે પગ મૂકયો ત્યારે તો તે સુચિતા અને સુઘાભાભીના ચહેરાના હાવભાવ જોયા જ હશે! બંને ભાભીઓ, હોઠ મરડતી અને આંખો ઉલાળતી, મારા રૂપરંગ તેમ જ કપડાંની કેવી હલકી મજાક ઉડાવી રહી હતી? તેમના આવા વર્તનથી બાના ચ્હેરાનો રંગ ઊડી ગયેલો જોઈ; હું મનોમન પામી ગઈ કે, દાળમાં કંઈક કાળું છે! કારણ વગર બા અને ભાભી વચ્ચે મારે હોળીનું નાળિયેર નહોતું થવું. બરાબર એ જ વખતે મને મારી સાથે હૉસ્પિટલમાં કામ કરતી ડૉ. રેખાનો કિસ્સો યાદ આવી ગયો. વરસોથી રેખાના મનમાં એક ઈચ્છા હતી કે તેની નાની ભાભી મંજરી જ્યારે પણ પ્રેગનન્ટ થાય ત્યારે તેનો ખોળો તે ભરે. ઈશ્વર ઈચ્છાથી ચાર-પાંચ મહિના પહેલાં રેખાને મંજરીએ સમાચાર આપ્યા કે તે પ્રેગનન્ટ છે. બસ, એ તો દિનરાત આ ખુશીમાં ફૂલી નહોતી સમાતી. કુદરતનું પણ કરવું કેવું અકળ છે? ગયા અઠવાડિયે રેખાએ જાણ્યું, કે તે પોતે પ્રેગનેન્ટ થઈ છે. આ સમાચારથી તેનો ઉતરી ગયેલો ચહેરો જોઈ, મારાથી પૂછાઈ જવાયું, ‘રેખા, તું હમણાં બે-ચાર દિવસથી કેમ મૂડમાં નથી જણાતી?’ તેણે મને બઘી વાત વિગતવાર સમજાવી કે, કેથરિન, ‘અમારા ભારતીય રીતરિવાજ મુજબ એક પ્રેગનન્ટ સ્ત્રી બીજી પ્રેગનન્ટ સ્ત્રીનો ખોળો ન ભરી શકે. બસ હેમેન, મિતાબહેનનો ખોળો ભરવા બાબતે વાતચીત ચાલતી હતી ત્યારે એકાએક મને આ વાત યાદ આવતાં એ ચિત્રમાંથી ખસી જવા માટે બા અને ભાભીને મેં જણાવી દીઘું કે હું …. પ્રેગનન્ટ છું!!!’

‘કેથરિન, તું આ અસત્યને સત્ય કેવી કરી બતાવીશ?’

‘પ્લીઝ હેમેન …. તું આમ અકારણ આવીખોટી ચિંતા કરે છે. બસ, આજનો આ રૂડો અવસર ખુશી-આનંદ સાથે પતી જવા દે, પછી આ વાત તું મારા પર છોડી દે જે! આવતા અઠવાડિયે બાને નહીં, પરંતુ સુચિતાભાભીને જ ફોન કરીને કહી દઈશ કે, ‘ભાભી, મને મિસકેરેજ થઈ ગયું!’ આ એક ખોટા કારણને લીઘે મારે આખી જિંદગી એક સજા ભોગવવી પડશે કે, ભવિષ્યમાં હું કોઈ સ્રીનો ખોળો ક્યારે ય નહીં ભરી શકું. કેમ કે હું અખોવન નહીં કહેવાઉં.’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

ઓળખાણ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|22 September 2023

એકાદ અઠવાડિયું થાય ન થાય ત્યાં હાર્દિક નાના-નાની પાર્કમાં જતો. જાય ત્યારે એના હાથમાં વડાપાઉં, પૂરીભાજી, સમોસાં કે બટેટાવડાં – કંઈ ને કંઈ તો હોય જ. પોતાનાં દાદા-દાદી કે નાના-નાનીને તો એણે જોયાં નહોતાં પણ એ ચોક્કસ એવું માનતો કે, વડીલોની છાયામાં ઊછરેલાં બાળકો નસીબદાર કહેવાય. પાર્કમાં બેઠેલાં વૃદ્ધોને એ આગ્રહ કરી કરીને ખવડાવતો. કેટલાંક વડીલો લેવાની આનાકાની કરતાં પણ એમની નજરનો ખાલીપો હાર્દિકને અણસાર આપી જતો કે, ઘરમાં એમને આવી ચીજો ખાવા નથી મળતી.

હમણાં હમણાં એ જ્યારે પણ પાર્કમાં જતો ત્યારે એક ચોક્કસ બાંકડા પર બેઠેલા સજ્જનને જોતો. એ કશું ન બોલતા. હાર્દિક આપે એ ચીજ લેવાની ના પણ ન પાડતા, પણ એ જોતો કે આજુબાજુમાં રમી રહેલાં બાળકોમાંથી એ કોઈને પણ પોતાની પાસેનું પેકેટ આપી દેતા. આપતી વખતે એમની આંખોમાં છલકાતો પ્રેમ જોઈને હાર્દિક ખુશ થઈ જતો.

એક દિવસ એણે પાર્કના રખેવાળ રાજુને પૂછી જ લીધું, “આ દાદાને તું ઓળખે છે, રામુ? કોણ છે એ?”

“મેરેકુ જાસ્તી તો પતા નઈ પણ વો થોડે દિનસે ઈધરી ચ રેતા. રાતકો પણ ઘર નઈ જાતા.”

“અરે ! ઘરે નથી જતા તો એમનું ખાવા-પીવાનું શું?”

“મેરેકુ વો અપને બાપકે માફિક લગતા, સાયેબ. મુંહસે કુછ નઈ બોલતા, કુચ નઈ માંગતા, પણ મૈં અપને ખાનેમેંસે થોડા બહુત ઉનકો દેતા હું ઔર નલસે પાની લાકે પીલાતા હૂં, બસ! તુમારે જૈસા સબકો ખીલાનેકા તો હમ નઈ કર સકતા.”

ઘડીભર બંને ચુપચાપ એમની તરફ તાકી રહ્યા, પછી પાછો રામુ બોલ્યો, “સા’બ, યે બાબુ જો હૈના, વો કિસી અચ્છે ઘરકા લગતા હૈ. વો પાગલ તો નઈ હૈ પર મુજે લગતા હૈ ઉનકી યાદદાસ્ત ચલી ગઈ હૈ.”

સામે બેઠેલા દાદાના ચહેરાની સૌમ્ય રેખાઓ, એમના વેરવિખેર વાળ અને ઊંડી ઊતરી ગયેલી આંખો હાર્દિક કરુણાપૂર્વક જોઈ રહ્યો. થોડી વાર વિચાર કરીને એ બાંકડા પર એમની બાજુમાં બેઠો.

“દાદા, મારું નામ હાર્દિક. તમારું નામ શું છે?” એનો પ્રશ્ન સાંભળીને એમની આંખોમાં કોઈ ભાવ ન દેખાયો.

“દાદા, તમારું ઘર ક્યાં? હું તમને ઘરે લઈ જાઉં?” અત્યાર સુધીમાં હાર્દિકને ખ્યાલ આવી ગયો હતો કે, એ અલ્ઝાઈમરના દરદી હતા. એમને કંઈક બોલવું તો હતું પણ શબ્દો ગોઠવી નહોતા શકતા. બહુ સમજાવટ અને પ્રયત્નોને અંતે એમણે ખિસામાંથી એક ચિઠ્ઠી કાઢીને હાર્દિકના હાથમાં મૂકી. એમાં લખ્યું હતું, ડોક્ટર ભાર્ગવ મારફતિયા, કૃષ્ણ કુંજ, એમ.જી. રોડ.

ઓહ, આ ઘર તો અહીંથી સાવ નજીક હતું. ઘરનાં લોકો શોધાશોધ કરતાં હશે. કદાચ પેપરમાં પણ આપ્યું હશે ને દાદા બિચારા ભૂલા પડી ગયા છે. એણે રિક્ષા કરી ને ધીમેથી હાથ પકડીને એમને સીટ પર બેસાડ્યા.

ભવ્ય બંગલો હતો. પોર્ચમાં મોંઘી, લેટેસ્ટ મોડેલની કાર ઊભી હતી. નેઈમપ્લેટ પર એણે વાંચ્યું, ડો. સીમા મારફતિયા (ગાયનેકોલોજિસ્ટ), ડો. ભાર્ગવ મારફતિયા (કાર્ડિઓલોજિસ્ટ). હજી તો રિક્ષા ઊભી રહી ન રહી ત્યાં તો લાંબી સાંકળ સાથે બંધાયેલો એક મોટો અલ્શેશિયન કૂતરો જોર જોરથી ભસતો દરવાજા સુધી આવ્યો. એનું ભસવું સાંભળી એક અત્યંત આધુનિક લાગતી સ્ત્રી ઘરમાંથી બહાર આવી ને હાર્દિક તરફ જોઈને બોલી, “યસ?”

“મેડમ, મને પાર્કમાંથી આ દાદા મળ્યા છે. આય થીંક, એ તમારા …” મોઢું બગાડીને સ્ત્રીએ બૂમ પાડી, “ભાર્ગવ, ભાર્ગવ, સી, આ જેંટલમેન કેવી બોગસ વાત કરી રહ્યા છે!”

ભાર્ગવે વાત સાંભળીને હાર્દિકને ઝાટકી નાખતાં કહ્યું, “મિસ્ટર, તમને ભલે સોશિયલ વર્ક કરવાનો શોખ હોય પણ આવી રીતે તપાસ કર્યા વગર કોઈના ઘરમાં ઘૂસી આવતા વિચાર નથી આવતો? અમારા કોઈ રીલેટિવ મીસીંગ નથી. એડ્રેસમાં કંઈ ભૂલ થતી લાગે છે. આય એમ ઈન અ હરી. મારે એક ઑપરેશન છે.”

હાર્દિકે સરનામાની ચિઠ્ઠી બતાવતાં કહ્યું, “જુઓ સર, કંઈ ભૂલ નથી થતી ને દાદા અહીં રિક્ષામાં જ બેઠા છે. જરા આવીને જુઓ તો ખરા કે …”

હવે ભાર્ગવ બરાબરનો અકળાયો હતો. છતાં પણ રિક્ષા પાસે ગયા વિના એનો છૂટકો નહોતો. રિક્ષામાં નીચું ઘાલીને બેઠેલા માણસ તરફ એક નજર નાખીને એણે કહ્યું, “મેં આ માણસને કોઈ દિવસ જોયો પણ નથી. મહેરબાની કરીને આમ ગળે પડવાનું ને બ્લેકમેઈલ કરવાનું બંધ કરો.”

ધુંવાંપૂંવાં થતો એ અંદર ગયો. અકળાયેલી સીમા વરંડામાં જ ઊભી હતી. બંને ધીમે અવાજે ગુસપુસ કરવા લાગ્યાં, “આટલા દિવસથી એ પોતાની મેળે ચાલ્યા ગયા હતા એટલે થયું કે હાશ, પીછો છૂટ્યો. ત્યાં તો આ સ્વયંસેવક કોણ જાણે ક્યાંથી એમને પકડી લાવ્યો!”

“ડાર્લિંગ, હું તે ઘર સંભાળું, હૉસ્પિટલ સંભાળું કે તારા ફાધરને? એમને પાછા જોઈને મને તો ગભરાટ થાય છે.” બંનેએ કંઈક મસલત કરી પછી સીમાએ ટોમીની સાંકળ છોડીને એને છૂટો કર્યો. અલમસ્ત ટોમી ભાઉ ભાઉ કરતો હાર્દિક અને રિક્ષાવાળાની પાછળ પડ્યો. બેઉ ગભરાઈને ગેટની બહાર નીકળી ગયા. સીમા અને ભાર્ગવ પોતાના લાડકવાયા ટોમીનું પરાક્રમ જોઈને ખુશ થઈ ગયાં. બેઉના જીવમાં જીવ આવ્યો. “હાશ! ટોમીએ આબાદ બચાવી લીધા!”

ત્યાં જ ટોમી ખુલ્લા ગેટમાંથી બહાર નીકળીને રિક્ષા પાસે પહોંચ્યો ને પાછલી સીટ પર બેઠેલા દાદાના પગ ચાટતો, ક્યાં જતા રહ્યા હતા એવી ફરિયાદ કરતો, પૂંછડી હલાવીને પોતાની ખુશી વ્યક્ત કરવા લાગ્યો. અત્યાર સુધી કોઈ વાતનો પ્રતિભાવ ન આપતા દાદા વહાલથી ટોમીને પંપાળવા લાગ્યા. હાર્દિકે ખુશ થઈને દાદા સામે જોયું તો એમની આંખમાં આંસુનાં બે બુંદ ચમકતાં દેખાયાં. એણે રિક્ષાવાળાને ખભે હાથ મૂકતાં કહ્યું, “દોસ્ત, આપણો ફેરો સફળ થયો. આપણે સાચે સરનામે આવ્યા છીએ. આ સારા કામમાં મને સાથ આપવા બદલ તારો આભાર, ભાઈ!”

દાદાને રિક્ષામાંથી નીચે ઊતરવામાં મદદ કરતાં રિક્ષાવાળાએ કહ્યું, “ભાઈ, આભાર જ માનવો હોય તો આ અબોલ જીવનો માનો.”

(ધર્મપાલ સાહિલની હિંદી લઘુકથાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2023; પૃ. 24

Loading

ચાલો હરારી પાસે -25 : આપણે કરવાનું કામ

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|22 September 2023

સુમન શાહ

ગુજરાતી ભાષા માટે ડેટાબેઝ ઊભો કરવાનું મુશ્કેલ નથી તેમ એને ચોખ્ખો કરવાનું પણ અસંભવિત નથી.

ડેટા કલેક્ટ ક્યાંથી થાય? ગુજરાતી ટૅક્સ્ટ્સથી. ટૅક્સ્ટ્સનાં સ્થાનો કયાં? સાહિત્યકારોનાં પુસ્તકો, અન્ય વિષયના વિદ્વાનોએ ગુજરાતીમાં લખેલાં પુસ્તકો, ધ્વનિમુદ્રિત થયેલાં વ્યાખ્યાનો કે વાર્તાલાપો, દૃશ્યશ્રાવ્ય વીડિયોઝ, ગુજરાતી નાટકો ફિલ્મો ટી.વી. સીરિયલો વગરે વગેરે અનેક સ્થાનોથી ડેટા કલેક્શન કરી શકાય. એમાં વર્તમાનપત્રો, વેબસાઈટ્સ, અને ફેસબુક વગેરે સોશ્યલ મીડિયાને પણ મહત્ત્વનાં સ્થાનો ગણવાં જોઈશે; એ સ્થાનોનું તો ભૂલો બાબતે પણ મહત્ત્વ વધી જાય છે.

એમ ડેટા કલેક્ટ થઈ જાય તે પછી તેને ચોખ્ખો કે સ્વચ્છ કે શુદ્ધ કરવાનો પ્રસંગ આવે એ સમજાય એવું છે. તે પછીનું કદમ છે, to build a AI model. એ કામ નિષ્ણાતોએ કરવાનું હોય છે. એ થાય પછી ડેટામાં રહેલી પૅટર્ન્સને પામવા માટે તેમ જ નવો ડેટા ઉમેરવા માટે એ મૉડેલનો વિનિયોગ કરી શકાય. એ મૉડેલનો ટેસ્ટ લેવો, ટૅક્નોલૉજિની રીતે એનું મૂલ્યાંકન કરવું કે એ કેટલું કાર્યદક્ષ અને કેટલું ભરોસાપાત્ર છે, વગેરે. તે પછી જ એ મૉડેલને પ્રજાજોગા ઉપયોગો માટે deploy કરી શકાય, એટલે કે, એક સજ્જ સૈનિકની જેમ એને બજાર નામના મેદાનમાં ઉતારી શકાય. વગેરે કામો પણ નિષ્ણાતોનાં છે.

આપણે કરી શકીએ તે કામ આ છે : ધ્યાનપાત્ર વાત એ છે કે આપણે જે જે સ્થાનેથી ડેટા મેળવ્યો અને સાફ દાનતથી ‘એ.આઈ.’-ને તે માટે મદદ કરી, એ ખરું, પણ એ ડેટા ચોખ્ખો તો હોય નહીં ! સ્પષ્ટ છે કે એમાં જોડણી અને વ્યાકરણની ભૂલો તેમ જ બીજી વિસંગતિઓ જેવો કચરો હોય. આપણે એને પારખીને દૂર કરવો પડે. સાહિત્યકારોએ કે અન્ય વિદ્વાનોએ જે અને જ્યાં ચીવટ દાખવી હોય એ અને એટલી જ જગ્યાઓ ચોખ્ખી હોય એ કહેવાની જરૂરત નથી રહેતી.

ગુજરાતી ભાષાનો આપણે કલેક્ટ કરેલો ડેટા પૂર્વગ્રદુષ્ટ ન જ હોવો જોઈએ. એ ડેટામાં ભૂલો કે અવાજો ઘૂસી ગયાં હોય તે ન ચાલે, એ પ્રકારે એને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવવો જોઈશે. ડેટાકલેક્શન માટે જે તે ધણીની સમ્મતિ કૉપિસાઈટની સુરક્ષા માટે મેળવવી રહેશે, પણ એ પછી પણ ડેટા સંદર્ભે જોડાઈ ગયેલી વ્યક્તિઓની અંગતતા જાળવવી જોઈશે, અને એ માટે ડેટાને સલામત પ્રકારે સ્ટોર કરવો જોઈશે.

એ પણ સમજી લેવું પડશે કે ચોખ્ખું કોને ગણીએ છીએ. બહુસમ્મતિ પામેલો કોઇ એક જોડણીકોશ અને એવો જ કોઈ એક વ્યાકરણગ્રન્થ ભાષિક ચોખ્ખાઈના મૂળાધાર ગણાય. પરન્તુ આપણી પાસે કયો જોડણીકોશ અને વ્યાકરણગ્રન્થ આદર્શ મૂળાધાર બની શકે એમ છે એની ચર્ચામાં વિદ્વત્તાનો ખર્ચ કરવાની જરૂર નથી; જરૂર એ છે કે ભાષિક ચોખ્ખાઈ બાબતે જોડણી અને વ્યાકરણ એ બે બાબતે માત્ર બહુસમ્મતિ સાધીએ.

બહુસમ્મતિ ઊભી કરવાના મુદ્દે મને પૂર્વસૂરિઓ યાદ આવે છે : ગુજરાતી જોડણી સરખી કરવા માટેના પુરુષાર્થીઓમાં નર્મદ, ભગવદ્ ગોમંડળ, ગાંધીજી. અને વ્યાકરણ લખવા માટેના પુરુષાર્થીઓમાં “શબ્દચિંતામણિ”-ના કર્તા લગી પાછળ ન જઈએ છતાં એ પછી અનેક વિદ્વાનોએ ગુજરાતી ભાષાના વ્યાકરણનો વિચાર કર્યો છે તે સૌના વિદ્યાકીય ઉદ્યમને ધ્યાનમાં લઈએ, અને અર્વાચીનોમાં કાર્ડોના, હરિવલ્લ્ભ ભાયાણી અને ઊર્મિ દેસાઈએ લખેલાં વ્યાકરણોનો બહુસમ્મતિ માટે કશી શંકા વિના ભરપૂર વિનિયોગ કરીએ.

એવા મૂળાધારની ભૂમિકાએ તૈયાર થયેલો ડેટાસૅટ ‘એ.આઈ.’-નો સંવિભાગ બને એ પહેલાં, આપણા વિદ્વાનોએ એને ચોખ્ખો કરવો પડશે. તેઓ જોડણી, વાક્યરચનાઓ અને વિરામચિહ્નોની ભૂલો સુધારી દેશે, અન્ય વિસંગતિઓ પણ દૂર કરી દેશે. એ પછી જ આપણે એને ’એ.આઈ.’-ને આપીશું કેમ કે ‘એ.આઈ.’ એને જ પ્રોટોટાઇપ ગણીને, પ્રાથમિક પણ આગળના વિકાસ માટે આદર્શ ગણીને, ચાલશે. તાત્પર્ય એ કે તો જ એને ખરાખોટાની તુલના કરવાનું સૂઝે, તો જ એ પોતાને મળેલા ડેટાને સ્વચ્છ કરી શકે.

આમાં મશીન લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સની મદદ મળી શકે. ડેટાને એ આપમેળે સ્વચ્છ કરી શકે, પણ તે માટે ય ઑલ્ગોરીધમને તાલીમ આપવી પડશે, એ તાલીમ માટે ય ઘણા મોટા કદના સ્વચ્છ ડેટાની જરૂર પડશે. એ ડેટા પણ આપણે જ પૂરો પાડવો પડશે.

ડેટાને ચોખ્ખો કર્યા પછી એમાં annotations ઉમેરવાં જરૂરી બને છે. એ પણ આપણે કરવાનું કામ છે. એનોટેશન્સ એટલે ઉપકારક નૉંધો, સ્પષ્ટીકરણો, ખુલાસા કે ડાયાગ્રામ્સ. એટલું જ નહીં, ટૅગ્સ કે લેબલ્સ જેવી સામાન્ય પણ ઉપકારક જોગવાઈઓ ય કરવી પડશે.

અલબત્ત, આપણે વિદ્વાનો શોધી કાઢીએ, તેઓ આ સ્વચ્છતા-અભિયાનમાં જોડાય, વગેરે વ્યવહારુ બાબતોમાં ઘણાં સંકટનો સામનો કરવો પડશે, ધન અને સમયનો ખર્ચ પણ કરવો પડશે. પણ આ કામ ગુજરાતી ભાષા અને તેથી ભવિષ્યમાં રચાનારા તમામ ભાષિક વ્યવહારો માટે, સાહિત્યસર્જન / લેખન માટે અને સાહિત્યઅધ્યયન / સંશોધન તેમ જ સાહિત્યકલાના અધ્યાપન માટે અનિવાર્ય છે.

અન્યથા, આપણે આપણને એ જ ચીલે થઈને એ જ મુકામે લઈ જતી ખખડધજ ઘોડાગાડીના ચાલક અને અસવાર ગણીને મિથ્યાભિમાનમાં રાચવાના દિવસો આવશે. કરુણ મજા તો એ હશે કે આપણા સિવાય કોઈને ય આ ગતિ-દુર્ગતિની જાણ નહીં થઈ હોય, આઈ મીન, આપણને ઉગારી લેનાર કોઈ હશે નહીં.

આ ક્ષણે મને આપણા પક્ષે રહેલું આ કામ કશો જંગ જીતવા જેવું મુશ્કેલ જરૂર લાગે છે પણ અસંભવિત નથી લાગતું. છતાં, એ કામ કોઈ મહા યજ્ઞ કરવા સમું પવિત્ર છે. એ માટે સુજ્ઞજનોએ દાઝથી એકઠા થવું પડશે અને સંસ્થાઓએ એમને એકઠા કરવા જોઈશે, અને એ માટે સંસ્થાઓએ પણ એકઠા થવું જોઈશે.

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર

હું ગુજરાતની પીઢ યુનિવર્સિટીઓના ગુજરાતી વિભાગના અધ્યક્ષોને કહું કે આ ઇસ્યુ વિશે ચિન્તન કરે અને આ યજ્ઞમાં સહભાગી થઈને પોતાના અધીતની આહુતિ આપે.

હું ગુજરાતી સાહિત્ય પરિષદના અને ગુજરાત સાહિત્ય અકાદમી તેમ જ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સૌ પદાધિકારીઓને માન આપીને વિનવું છું કે આ કામ માટે આયોજનો શરૂ કરે અને તે માટેના ઉપક્રમો રચીને કાર્યક્રમો કરવા માંડે.

પ્રકાશ ન. શાહને તેમ જ ભાગ્યેશ જ્હાને, તેઓ મારા મિત્ર છે એ દાવે, વિનન્તી કરું કે આ અતિ આવશ્યક યજ્ઞનો કોઈ ને કોઈ સ્વરૂપે પ્રારમ્ભ કરે.

= = =

(09/21/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...846847848849...860870880...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved