Opinion Magazine
Number of visits: 9665938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૪) : મમ્મટ 

સુમન શાહ|Opinion - Opinion|10 January 2024

સુમન શાહ

આજે, મમ્મટ વિશે —

એમનો સમય છે, અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યપ્રકાશ”. 

કાવ્યાચાર્ય મમ્મટ કાવ્યશાસ્ત્રના એક મુદ્દા માટે પ્રસિદ્ધ છે, અને એ મુદ્દો છે, કાવ્યપ્રયોજનનો. 

તેઓ જણાવે છે : 

કાવ્યમ્ યશસેડઅર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે / 

સદ્ય:પરનિર્વૃતયે કાન્તાસમ્મિતતયોપદેશયુજે.

એટલે કે યશપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન, શિવથી ઇતર એવા રોગ વગેરે અનિષ્ટોનું નિવારણ, સદ્ય આનન્દાનુભવ, અને કાન્તાસમ્મિત ઉપદેશ. એમ એમણે ૬ કાવ્યપ્રયોજનો ગણાવ્યાં છે. તેઓ કહે છે કે આ પ્રયોજનો માટે કાવ્ય-ગ્રન્થ ઉપાદેય છે, પ્રયોજનીય છે. 

એમણે દૃષ્ટાન્તો આપ્યાં છે : કાલિદાસાદિ કવિઓને યશ, શ્રીહર્ષાદિ કવિઓને ધન, રાજાદિ સાથેના વ્યવહારનું જ્ઞાન, મયૂરાદિ કવિઓના રોગાદિ અનિષ્ટોનું નિવારણ (કવિ મયૂરે ‘સૂર્યશતક’ લખેલું, એથી એનો કોઢ મટી ગયેલો), સદ્ય: પરનિર્વૃતિ એટલે કે રસાસ્વાદથી થતો આનન્દનો અનુભવ. કાન્તાસમ્મિત ઉપદેશ પ્રયોજનનો સંકેતાર્થ એ કે કાવ્યથી મળતો ઉપદેશ કાન્તા કહેતાં, પ્રિયાની જેમ કાવ્યમાં અનુરાગ ઉત્પન્ન કરીને લોકોને પોતાના પ્રતિ આકર્ષે છે, અને સૂચવે છે કે રામચન્દ્રાદિ જેવો વ્યવહાર કરજે, રાવણાદિ જેવો નહીં. 

આ ૬ પ્રયોજનોમાં ‘સદ્ય: પરનિર્વૃતિ’-ને એમણે સૌથી શ્રેષ્ઠ ગણ્યું છે – ‘સકલ પ્રયોજનોમાં મૌલિભૂતમ્. કેમ કે રસાસ્વાદથી મળતા આનન્દાનુભવ દરમ્યાન સર્વ જ્ઞેય વસ્તુઓનું જ્ઞાન વિગલિત થઈ જતું હોય છે. પ્રભુ કહેતાં, અધિકારી જને કહેલા શબ્દપ્રધાન વેદો વગેરે શાસ્ત્રોથી એ વિલક્ષણ હોય છે. મિત્રએ કહેલા અર્થપ્રધાન કે તાત્પર્યપરક ઇતિહાસ-પુરાણથી પણ ભિન્ન હોય છે. એ કાવ્ય-જ્ઞાન હોય છે અને તેની પ્રાપ્તિ માટે સૌએ યત્નશીલ રહેવું ઘટે.

આમાં શબ્દ જોડાયો છે, ‘પરનિર્વૃતિ’, નહીં કે ‘પરનિવૃત્તિ’. આ ફર્કને અનેક અધ્યાપકો અને સમીક્ષકો પણ ગળી જતા હોય છે. શૈવ દર્શનમાં ‘પરનિર્વૃતિ’-નો અર્થ છે, મુક્તિ. શાક્ત દર્શનમાં અર્થ છે, માયાથી મુક્તિ. એ દર્શનોના માર્ગે એ મુક્તિ મળે, પણ આ તો સાહિત્યકલા વડે મળે, અને તુર્ત જ મળે, સદ્ય, એવી મુક્તિ છે. સાહિત્યકલામાં ‘મુક્તિ’-નો સંકેત બદલાઈ જાય છે, જેને કાવ્યાચાર્યો ઉચિત રીતે જ ‘ચેતોવિસ્તાર’ અને ‘અ-લૌકિક આનન્દ’ જેવા આગવા સંકેતોથી ઓળખાવે છે. 

++

કાવ્યપ્રયોજન વિશે ચાર નવતર મુદ્દા રજૂ કરું. એથી ચર્ચાલાભ થાય અને સંભવ છે કે સાહિત્ય તેમ જ અન્ય કલાઓનાં પરમ સત્યને પામી શકાય.

૧ :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર હું ભણતો હતો ત્યારે અને તે પછી ભણાવતો હતો ત્યારે પણ, મને આ પ્રયોજનોના સંકેતાર્થોને વિસ્તારવાની જરૂરત લાગેલી :  

જેમ કે, યશ અને ધન તો સ્થૂળ છે, પણ વ્યવહારજ્ઞાન પ્રયોજનને રાજાદિ સાથેના વ્યવહાર સાથે ન જોડી રાખવું જોઇએ. સાહિત્યકલા તો જીવન દરમ્યાન અન્ય મનુષ્યો જોડે તેમ જ અન્ય સજીવો જોડે પણ કેવોક વ્યવહાર કરવો તે સૂચવે છે. સાહિત્યસર્જન દ્વારા મયૂરાદિ કવિઓનાં અનિષ્ટોનું જ નિવારણ નથી થતું પણ સંસારનાં અનેક અનિષ્ટોનું નિવારણ થાય છે. જાણીતું છે કે વૉલ્ટેર અને રૂસોની કે ગાંધીજીની સમર્થ વાણીથી જે તે દેશકાળે અસરકારક પરિવર્તનો પ્રગટેલાં. છેલ્લા બે દાયકા દરમ્યાન, આનન્દના પ્રયોજનને હું જુદી દૃષ્ટિએ જોતો થયો છું, એ કે સાહિત્ય જો આપણને સદ્ય આનન્દ જ આપ્યા કરે અને પરસ્પરને પ્રેમ કરતાં ન શીખવે તો શા કામનું? આપણે સૌને પ્રેમ કરીએ એ જ છે કાન્તાસમ્મિત ઉપદેશનો સર્વસાર.   

૨ :

ત્યારે મને એક પ્રશ્ન એ થયેલો કે કાવ્યનાં આ પ્રયોજનો છે કે પરિણામો -? :

કાલિદાસાદિએ પોતાની સૃષ્ટિ માત્ર યશપ્રયોજનથી થોડી સરજેલી? યશ તો જે સરજ્યું અને ઝીલાયું તેને પરિણામે મળતો હોય છે. પ્રારમ્ભે તો બધા સામાન્ય કવિ હોય છે, પણ પછી નિત્યવર્ધમાન એવા સદ્ યશના પરિણામે કરીને મહાકવિ કહેવાતા હોય છે. ધનપ્રયોજનથી લખનારા લેખકો ભારતમાં ધનવાન ન થઈ શકે. તળાવગાહી દૃષ્ટિએ વિચારીએ તો સમજાશે કે વ્યવહારજ્ઞાન, આનન્દ કે ઉપદેશ પણ પરિણામો હોય છે.  

૩ :

સૂચવાય છે એમ કે પ્રયોજનબુદ્ધિથી થતાં સાહિત્ય કે કલાનાં સર્જનો પ્રયોજનસિદ્ધિ બાબતે જ નિષ્ફળ નીવડે છે :

જેમ કે, કાવ્યનું પ્રયોજન નક્કી કરીને લખવા જઈએ તો પ્રયોજન બીબું બની જાય. સરકારી કવિઓ – ‘ગરીબી હઠાવો’, ‘અમે બે, અમારાં બે’ જેવા સરકારી સંદેશા માટે નાટકો કે કાવ્યનામી જોડકણાં રચી કાઢે એટલે એ પ્રયોજન તો સિદ્ધ થાય, પણ દેખીતું છે કે એને કોઈ સાહિત્યકલા નહીં ગણે. સ્ટાલિનના સમયનું સરકારી સાહિત્ય એવું જ હતું. ત્યારે સાચા લેખકોએ પોતાનાં લેખન ડ્રૉઅર્સમાં સંતાડી રાખેલાં. પાછળના સમયમાં તેઓ ‘ડ્રૉઅર રાઇટર્સ’ રૂપે પ્રગટ થયા. એ સાહિત્યમાં અસલી રશિયા ધબકતું’તું અને કલાનો સાચો પરચો અનુભવાતો હતો. પ્રયોજન સ્વીકારવાથી પ્રયોજનને વળગી રહેવું અનિવાર્ય બની જાય છે અને તેથી કૃતક કલાઓ જનમે છે. 

એટલું જ નહીં, કૃતક કલાઓ દુષ્પ્રયોજનોને કારણે સદ્ કલાઓને હડસેલી મૂકે છે. વર્તમાનમાં એ જ થઈ રહ્યું છે. લોકલાગણીને પંપાળનારાં અને એ માટે ઉપજાવી કાઢેલાં જૂઠાણાં આજે સત્ય ઠરે છે – પોસ્ટ ટ્રુથ. સત્તાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હકીકત રૂપ સત્યોને સ્વાર્થે મચડી નાખે છે. ઇતિહાસમાં નજર કરીએ તો પોસ્ટ ટ્રુથ ઊભાં કરીને નર્મદનાં સત્યોને હણી નંખાયેલાં, આજે સુરેશ જોષીનાં સત્યોને પોસ્ટ ટ્રુથના હથિયારથી હણવાના પ્રયાસ ચાલુ છે. ફ્રાન્સમાં એક જમાનામાં વાઇનને લોહી જેવા લાલ રંગનો કહીને એને અપવિત્ર અને ત્યાજ્ય ગણવાનું વલણ વિકસેલું. વાઇન-કમ્પનીઓએ જાહેરાતો કરવા માંડેલી કે ના, વાઇન તો સ્વાસ્થ્યવર્ધક છે. રોલાં બાર્થે એવી જાહેરાતોને નવા જમાનાની મિથ ગણી છે. 

પ્રયોજન પાર પડે અને વસ્તુ ઉપયોગી નીવડે એવી કારીગરી એક જમાનામાં કલાઓ ગણાતી હતી : જેમ કે, નદીમાં ઝાડનું થડિયું તરતું જોઈને માણસને હોડીનો વિચાર આવ્યો. પણ શિલ્પીએ આરસની હોડી બનાવી. એ હોડીનો ઉપયોગ નથી, નદીમાં મૂકીએ તો ડૂબી જાય. આગળના સમયમાં વાંસની ચીપોની સાદડીઓ હતી, એવા પંખા પણ હતા. અસમના અવનિયતિ સત્રમાં આયોજકોએ મને હાથીદાંતની ચીપોની સાદડી બતાવેલી. એ પર બેસાય થોડું? કાન્ટે કલાઓના ઉપયોગી અને બિનઉપયોગી એવા ભેદ દર્શાવ્યા છે.

૪:

ઉપયોગ કે પ્રયોજન કાઢી નાખો એટલે કલાના પ્રાગટ્યની ભૂમિકા રચાય. એટલું જ નહીં, પ્રયોજનવાદીઓ ઉપયોગપરક સુષ્ઠુ સુષ્ઠુ પ્રયોજનોથી જ પ્રવૃત્ત થવાના :

એટલે એમની સર્જકતાને મનુષ્યજીવનની નકારાત્મક બાજુઓ દેખાવાની જ નહીં. એ અર્થમાં કલા પોલી, પક્ષીલ અને એકાંગી રહી જવાની. બાકી, નક્કી પ્રયોજનને નહીં વરેલી કલાઓ આઘાત આપીને આપણને ટેવોથી નહીં પણ જગતને જુદી જ રીતે જોવાની તાજપભરી રસીલી દૃષ્ટિ આપે છે.

ફ્રૅન્ચ ફિલસૂફ સાર્ત્રે એક ચર્ચામાં (૧૯૦૫-૧૯૮૦) – ‘બટર હૉ’ર્સ-ની વાત કરેલી. બટરનો ઘોડો. એમાં, બટર હતું પણ ખાવા માટે ન્હૉતું. કોઈ જડભરત એને તવા પર મૂકે તો નરી સર્જકતાથી બનાવેલો એ ઘોડો મરી જાય. વળી, એ ઘોડા પર સવારી ન થઈ શકે, ગાડીએ જોડીને ઘોડાગાડી ન બનાવાય. એમાં, એવા સંસારી ઉપયોગનું પ્રયોજન છે જ નહીં.

ફ્રૅન્ચ ચિત્રકાર અને શિલ્પી માર્સલ દુશામ્પે (૧૮૮૭-૧૯૬૮) ૧૯૨૧માં બનાવેલું એક શિલ્પ છે, જેમાં બર્ડકેજ છે, પંખીનું પાંજરું. એમાં, ૧૫૨ સાકરના જેવા સફેદ દાણા છે, પણ આરસના બનાવેલા છે. એમાં એક મૅડિકલ થર્મોમીટર પણ છે, એક કટલબોનફિશ પણ છે, અને પોર્સેલિનની એક નાની ડિશ પણ છે. ઉપયોગી વસ્તુઓના બનેલા એ શિલ્પનો કશો જ ઉપયોગ નથી.

ઇટાલિયન પેઇન્ટર જિઓર્જિઓ મોરાંદીએ (૧૮૯૦-૧૯૬૪) દોરેલાં શીશીઓનાં ચિત્રનું દૃષ્ટાન્ત પણ સમજવા જેવું છે. સ્ટીલ લાઇફ છે. જીવનભર એણે એનાં જ સર્જન કર્યાં. નાનીમોટી, જાતભાતની રંગબેરંગી શીશીઓનાં ચિત્ર. એણે પોતાના સ્ટુડિયોમાં ફ્લાવરવાઝ, ઘડા, ફળફળાદિ માટેની ડિશો, વગેરે રોજિંદા વપરાશની વસ્તુઓ એકઠી મૂકેલી. વસ્તુઓનાં કાયમી સ્થાનો કે તેમનાં ઉપયોગો યાદ જ ન આવે. શો હેતુ? કયું પ્રયોજન?

એ દુશામ્પે લિયોનાર્ડો દ વિન્સીના જગવિખ્યાત ચિત્ર મોના લિસાનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે. મોનાને એણે મૂછો સાથે ચીતરી. આછી દાઢીની ચોટલી પણ ઉમેરી. નામ આપ્યું – L.H.O.O.Q. જેનો ફ્રૅન્ચમાં વિસ્તૃત અર્થ છે, ‘શી હૅઝ હૉટ ઍસ’. મતલબ, જાતીયતાથી ઉશ્કેરાયેલી અને તેથી ઉપલબ્ધ વ્યક્તિની મનોવસ્થા. 

Marcel Duchamp’s L.H.O.O.Q  (1919)

આવી નિષ્પ્રયોજન કલાઓથી પરિચિતથી અપરિચિતની દિશા ખૂલે છે. એક હોય છે, વસ્તુઓનું ચવાઈ ચૂકેલું રૂપ અને બીજું હોય છે, કલાકાર વ્યક્તિએ સરજેલું નવ્ય રૂપ. સામાન્યપણે લોકોને જીવનભર ખબર જ નથી પડતી કે એમની આસપાસની બધી જ ચીજો નિષ્પ્રાણ હતી, કેટલીક વ્યક્તિઓ પણ …

સ્પૅનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલિના (૧૯૦૪-૧૯૮૯) જગવિખ્યાત પેઇન્ટિન્ગનું શીર્ષક છે, ‘ધ પર્સિસ્ટન્સ ઑફ મૅમરિ’ – ‘સ્મૃતિનું દૃઢ સાતત્ય’. 

એ ચિત્ર સર્રીયલ આર્ટનો ઉત્તમ નમૂનો મનાય છે. ડાલિ પણ સર્રીયાલિઝમના મહાન ઉદ્ગાતા કહેવાયા છે. જાતીય વાસના અને અસમ્પ્રજ્ઞાત મનના, અન્કૉન્સિયસના, આવિષ્કારો એમની સૃષ્ટિમાં કલારૂપે પ્રગટ્યા છે. ડાલિ કહેતા કે હું મદીરા-પાન નથી કરતો, પણ હું પોતે જ મદીરા છું, મારી કલાકૃતિઓ જોઈને લોકોનાં દિમાગ ખૂલી જાય છે, કેમ કે એમાં અસમ્પ્રજ્ઞાતને જાગ્રત કરવાની તાકાત છે. 

એ ચિત્રમાં કેટલાંક પૉકેટ વૉચીસ છે – ખિસ્સામાં રાખવાનાં ઘડિયાળ. પણ એ પોચાં છે, પલળેલાં છે, ભીનાં છે, અને કલાકાર ડાલિએ એને ઝાડની ડાળ પર સૂક્વ્યાં છે. એ સંયોજન વિલક્ષણ તો છે જ પણ અ-પૂર્વ છે. સમય અને સ્થળને અમુક જ રીતે જોવા ટેવાયેલી આપણી આંખોને એથી એક નવ્ય અપરિચિત દૃશ્ય નિહાળવા મળે છે. 

કલા પરિચિતથી અ-પરિચિત સૃષ્ટિમાં લઈ જાય છે એ વાતનું આ ચિત્ર ચોખ્ખું નિદર્શન છે. કેમ કે, ઝાડ પર કપડાં સૂકવાય, ઘડિયાળ નહીં. ઘડિયાળ અને ઝાડ પરિચિત પદાર્થો છે. પણ ડાલિનાં એ ઘડિયાળ અને તેનું એ ઝાડ અને તે પરનું એ સૂકવણું અ-ભૂતપૂર્વ છે.

‘ભીનો’ સમય, સમય ‘વહી’ ગયો, પ્રયોગોમાં સમયનું પ્રવાહી રૂપ છે પણ રોજિન્દી ઘટમાળમાં આપણે એને વીસરી ગયા છીએ. ‘ટાઇમ ઇઝ મનિ’ જપ્યા કરીએ છીએ. ચિત્ર આપણી એ જડતા સામે પણ ઇશારો કરે છે.

વિદ્વાનોએ એ ચિત્રમાં સ્થળ-કાળની સાપેક્ષતા જોઈ, તો ડાલિએ કહેલું, ના ના, આ તો, કૅમેમબર્ટ – ગાયના દૂધમાંથી બનાવાયેલી ચીઝની સપાટી – તડકામાં ઑગળી જાય છે એ જાણીતી હકીકતનું મારું સર્રીયાલિસ્ટ દર્શન છે.

મારા મતે, ખરેખર તો ડાલિએ આપણી સ્મૃતિના હઠીલા સાતત્યને, દૃઢ સાતત્યને, પર્સિસ્ટન્સને, સમયના એવા જ સાતત્ય સાથે સરખાવ્યું છે. કોઈની ય તમા રાખ્યા વિના સ્મૃતિ અને સમય વહ્યા જ કરે છે. સ્મૃતિમાં સમય વહે છે કે સમયમાં સ્મૃતિ વહે છે, કહી શકાતું નથી. અને, સ્મૃતિ હમેશાં ભીની હોય છે, મોટે ભાગે આંસુભીની, અને, કદી સૂકાતી નથી, અને, એનાં કશાં ચૉક્કસ ઠેકાણાં પણ હોતાં નથી. એને આપણે ડાલિની જેમ ઝાડ પર કે ઠીક લાગે એ પર સૂકવવા મૂકીએ તો પણ એ કદી ન સૂકાય એવી હઠીલી વસ્તુ છે.

કલાકૃતિ તો એમ પણ પૂછી શકે – તમારી પાસે આવી હઠીલી સ્મૃ્તિ છે ખરી? કે કોરામોરા જ છો?

સાહિત્યસર્જકોએ અને સમીક્ષકોએ આટલા ફર્ક સમજવા જરૂરી છે : ૧ : ઉપયોગી અને બિન-ઉપયોગી કલાઓ : ૨ :  પરિચિતથી અપરિચિત : ૩ : કારીગરી અને કલા : ૪ : સર્જકતા અને જુક્તિઓ : ૫ : જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત ચિત્ત. એમાં, કલાનો અજાગ્રત ચિત્ત સાથેનો સમ્બન્ધ. 

++

લેખનો સાર એ છે કે પ્રયોજન નહીં એ જ પ્રયોજન. કલા સરજવી છે એ જ પ્રયોજન. પણ સવાલ એ છે કે શું સાહિત્યમાં આ હદની નિષ્પ્રયોજનતા શક્ય છે -? અથવા કશા જ પ્રયોજન વિના કલા સરજી શકાય? હું કહીશ કે કાવ્ય કરવું એ જ પ્રયોજન. કેમ કે કલાનું પ્રયોજન, કલાનો હેતુ, સમજવાની જરૂર છે. એમાં, હેતુ નથી પણ હેતુ-તા છે. જર્મન ચિન્તક કાન્ટે (૧૭૨૪-૧૮૦૪) કહેલું, આ તો હેતુ વગરની હેતુ-તા છે – પર્પઝલેસ પર્પઝિવનેસ. 

પરન્તુ આ બધી લલિતકલાઓમાં જોવા મળે છે એ હદની નિષ્પ્રયોજનતા સાહિત્યકલામાં શક્ય નહીં બને, કેમ કે ભાષા માત્રનો કે ગુજરાતી ભાષાનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવ્યો હોય છે, એટલું જ નહીં, એ અર્થ સહિયારો હોય છે, તે ભાષાના ભાષકોનો હોય છે, લોકો વડે પ્રયોજનો, ઉપયોગો, હેતુઓ વડે વપરાઇને વપરાઈને ઘસાઈ ગયો હોય છે. એ એવી સામાજિકતાથી ખરડાયેલો હોય છે. 

સાહિત્યકારે એને સ્વચ્છ કરવાનો હોય છે, તોડીફોડીને નવો કરવાનો હોય છે – જેથી સર્જનના પ્રયોજનને પાર પાડી શકાય.

= = =

(01/09/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શું ન્યાય, પીડિત કે ગુનેગારના ધર્મ / જાતિના આધારે લાગુ થાય તો તે બંધારણની હત્યા નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|9 January 2024

આજીવન કેદની સજા ગોધરા સબજેલમાં ભોગવતા 11 બળાત્કારીઓ / હત્યારાઓને ગુજરાત સરકારે ‘સજામાફીની નીતિ’ હેઠળ 15 ઓગસ્ટ 2023ના રોજ વહેલા મુક્ત કર્યા હતા, તે અંગે દેશભરમાં ઊહાપોહ થયો હતો ! સજામાફીની પેનલે એવો અભિપ્રાય આપેલ કે “ગુનેગારો ‘સંસ્કારી બ્રાહ્મણ’ છે અને તેમણે જેલમાં 14 વર્ષ જેટલો સમય વીતાવ્યો છે તથા તેમનું જેલમાં સારું વર્તન રહ્યું છે.” આ બાબતે સરકારની તીવ્ર આલોચના થઈ હતી ! દોષિતો જસવંતલાલ નાઈ / ગોવિંદ નાઈ / શૈલેશ ભટ્ટ / રાધેશ્યામ શાહ / બિપિનચંદ્ર જોશી / કેસરભાઈ વોહાણિયા / પ્રદીપ મોરઢિયા / બકાભાઈ વોહાણિયા / રાજુભાઈ સોની / મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાને છોડી મૂકાયા હતા. દોષિતો જેલમાંથી બહાર આવતાં જ તેમનું હારતોરાથી સ્વાગત થયું હતું, તિલક કરવામાં આવ્યા હતાં અને મીઠાઈ વહેંચવામાં આવી હતી ! જેથી ભારે વિરોધ થયો હતો ! તેમાંથી ઘણા દોષિતો સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યો સાથે અનેક કાર્યક્રમોમાં સ્ટેજ પર શોભામાં અભિવૃદ્ધિ કરી હતી !

8 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રિમકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ઠરાવેલ છે કે ‘કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો હતો તેથી ગુજરાત સરકાર વહેલી સજામુક્તિ આપી શકે નહીં, માત્ર મહારાષ્ટ્ર સરકાર જ આપી શકે !’ સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કર્યો છે અને બે અઠવાડિયાની અંદર 11 દોષિતોને જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો છે.

વર્ષ 2002માં ગુજરાતના રમખાણો દરમિયાન દોષિતોએ બિલકીસ બાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. તે વેળાએ બિલકીસની ઉંમર 20 વરસની હતી.

બળાત્કારીઓ / હત્યારાઓની સજામાફી સામે ભોગ બનનાર બિલકીસ બાનો, ઉપરાંત સી.પી.આઈ.(એમ)નાં નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારના નિર્ણયને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલો CBI ને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની CBI અદાલતે આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી. બોમ્બે હાઈકોર્ટે સજા યથાવત રાખી હતી. એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસ બાનોને વળતર પેટે રુપિયા 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને બિલકીસ બાનોને સરકારી નોકરી તથા તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. બિલકીસ પર સામૂહિક બળાત્કારની ઘટનામાં પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારીઓને સજા થતાં તેમના પેન્શન વગેરે લાભો સરકારે પરત લઈ લીધાં હતા.

બિલકીસની વેદના છે કે “પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે !”

થોડાં પ્રશ્નો : 

[1] બળાત્કારીઓ / હત્યારાઓને ફરી જેલમાં જવું પડે, તે ગુજરાત સરકાર માટે શરમજનક ઘટના કહેવાય ! સુપ્રિમ કોર્ટનો આ ચૂકાદો સત્તાપક્ષની મહિલાઓ પ્રત્યે ઘોર અવગણના છતી નથી કરતો? હાલ મહારાષ્ટ્રમાં સત્તા પક્ષની સરકાર છે એટલે બે અઠવાડિયામાં આ 11 ‘સંસ્કારી’ ગુનેગારોની જેલમુક્તિને બહાલ કરી પણ આપે ! આ તો મામા નહીં પીરસે, માસી પીરસશે, એવો ખેલ નહીં થાય? શું સુપ્રિમ કોર્ટને આવો અંદાજ નહીં હોય? 

[2] સુપ્રિમકોર્ટનો આ ચૂકાદો, હત્યારાઓ / બળાત્કારીઓને જેમણે હારતોરા પહેરાવ્યાં / તિલક કરી, મીઠાઈ વહેંચી સન્માન કર્યું; તેમના ગાલ પર તમાચો નથી? 

[3] શું ગુનેગારો ‘સંસ્કારી બ્રાહ્મણ’ હોય એટલે માફ કરવાના? દોષિત ગુનેગારોને ‘સંસ્કારી’નું સર્ટિફિકેટ આપવું તે સજા કરનાર કોર્ટનું અપમાન નથી? 

[4] સત્તાપક્ષ બળાત્કારીઓને / હત્યારાઓને શા માટે પોતાના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડતા હશે? શું બહુમતી હિન્દુઓને ખુશ કરી તેમના વોટ મેળવવા? 15 ઓગસ્ટ 2022ના રોજ સજામાફી કરી અને ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષે 182માંથી 156 બેઠકો મેળવી લીધી ! 

[5] સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે “CrPC કલમ-432 મુજબ જ્યાં ગુનો બન્યો, જ્યાં ગુનેગારો જેલમાં છે, તે irrelevant છે; પરંતુ જ્યાં ટ્રાયલ થઈ, જ્યાં સજા થઈ, ત્યાંની સરકાર જ appropriate government છે. સજા મુંબઈની અદાલતે કરી છે તેથી ગુજરાત સરકાર સજામાફીનો નિર્ણય ન કરી શકે. કલમ-432 / 433 મુજબ સજા કરનાર કોર્ટનો અભિપ્રાય લેવો જોઈએ તે પણ ગુજરાત સરકારે લીધેલ નથી. ગુજરાત સરકાર ગુનેગારો સાથે મળી ગઈ હતી. દોષિત રાધેશ્યામ શાહે સુપ્રિમ કોર્ટ સાથે છેતરપિંડી કરી છે, તેણે મહત્ત્વના તથ્યો છૂપાવ્યા હતા. દોષિતો 14 વરસ જેલમાં રહ્યા પરંતુ તેમને બહુ ઉદારતાથી ફર્લો / પેરોલ પર છોડવામાં આવ્યા હતા, તે બાબત ધ્યાને લેવી જોઈએ. ગુજરાત સરકારે પોતાના અધિકારની બહાર કામ કર્યું. સત્તાનો ખોટો ઉપયોગ કર્યો.” શું ગુજરાત સરકાર શરમ અનુભવશે? આજીવન સજાના કેદીઓને કઈ જેલમાં રાખવા તે પણ જેલ મેન્યુઅલમાં છે. સેન્ટ્રલ જેલ સિવાય તેમને રાખી શકાય નહીં. છતાં તેમને ગોધરાની સબ-જેલમાં રાખેલ હતા ! ગુજરાત સરકારની કૃપા જ કહી શકાય ને? 

[6] ઘટના બની 3 માર્ચ 2002ના રોજ અને આરોપીઓની ધરપકડ CBI ને કેસ સોંપ્યા બાદ 2004માં થઈ ! 2002થી 2004 સુધી ગુજરાત પોલીસે આરોપીઓને છાવર્યા, શું ગુજરાત પોલીસ માટે આ શરમજનક નથી? ગુજરાતની કોર્ટ બિલકીસને ન્યાય આપી શકે તેમ નહતી તેથી જ સુપ્રિમકોર્ટે આ કેસ મહારાષ્ટ્રની કોર્ટને સોંપ્યો હતો, શું આ બાબત ગુજરાતના ન્યાયતંત્ર માટે શરમજન ન કહેવાય? ગુજરાત સરકારે 50 લાખનું વળતર એટલે ચૂકવવું પડ્યું કે સરકારે / તંત્રએ બિલકીસને હેરાન-પરેશાન કરી મૂકી હતી; શું સરકાર માટે આ શરમજનક નથી? કોઈ પણ સરકાર આટલી સંવેદનહીન હોઈ શકે? ‘પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે !’ બિલકીસની આ વેદનામાં ભારોભાર સત્ય નથી? યાદ રહે, આ બધી ઘટનાઓ બની ત્યારે હાલના વડા પ્રધાન, એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ! 

[7] શું ન્યાય, પીડિત કે ગુનેગારના ધર્મ / જાતિના આધારે લાગુ થાય તો તે બંધારણની હત્યા નથી?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતનો પહેલો અને છેલ્લો ફિલોસોફર સમ્રાટ : પ્રિયદર્શી અશોક

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 January 2024

રાજ ગોસ્વામી

ગ્રીક વિચારક પ્લેટોએ કહ્યું હતું કે રાજા તત્ત્વજ્ઞાની (ફિલસૂફ) હોવો જોઈએ. ‘રીપબ્લિક’ નામના તેના પુસ્તકમાં તેણે એવા ધર્મજ્ઞાની શાસકની કલ્પના કરી હતી, જેનામાં રાજનૈતિક સત્તા અને ચિંતનાત્મક જ્ઞાન બંનેની ક્ષમતા હોય. પ્લેટોનો તર્ક એવો હતો કે ફિલસૂફો સત્તાનો ગેરઉપયોગ કરવાની વૃતિથી મુક્ત હોય છે, બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ હોય છે અને રાજ્યના કલ્યાણ માટે તેમના જ્ઞાનનો ઉપયોગ કરે છે.

ભારતમાં આવા કોઈ શાસકને જો પ્લેટોના માપદંડ પર મુકવામાં આવે તો, સમ્રાટ અશોક તેમાં ખરા ઉતરે. ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલા મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક(રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨)નાં વિચારો અને ભાવનાઓ તેમના અસંખ્ય શીલાલેખો પરથી ખબર પડે છે.

તેમાં તેમના પાંચ પ્રકારના લેખ તૈયાર કરવામાં આવ્યાં હતા અને તેમના સામ્રાજ્યમાં અલગ અલગ સ્થાનો પર શીલાઓ પર કોતરવામાં આવ્યા હતા. તેમાંથી દ્વિતીય શીલાલેખમાં અશોકનો એ વિચાર લખવામાં આવ્યો હતો, જે પ્લેટોના રાજાની કલ્પનાને મળતો આવે છે. અશોક એમાં લખે છે; “ધમ્મા સારો છે. અને ધમ્મા એટલે શું? તેમાં ઓછા દોષ અને બહુ બહુ બધાં સત્કર્મો, દયા, દાન, સચ્ચાઈ અને શુદ્ધતા છે.” અહીં ધમ્માનો અર્થ ધર્મ નથી, પણ અશોક નૈતિક સંહિતાની વાત કરે છે કે રાજાથી લઈને રંક સુધી સૌને લાગુ પડે છે. 

આ અર્થમાં, શ્રીલંકાના સંસ્કૃતના વિદ્વાન પેટ્રિક ઓલિવેલેએ, તાજેતરમાં સમ્રાટ અશોક પર લખેલા સુંદર જીવનચરિત્ર્યનું શીર્ષક ‘અશોક : પોટ્રેટ ઓફ અ ફિલોસોફર કિંગ’ આપ્યું છે. ઓલિવેલે કહે છે કે, “ઇતિહાસમાં બીજા સમ્રાટો કરતાં અશોક એટલા માટે અનોખા છે કારણ કે માત્ર પ્રાચીન નહીં, આધુનિક ઇતિહાસમાં પણ આપણને એવા રાજકારણી કે સત્તાધારી માણસો જડતા નથી, જેમણે ભૂતકાળમાં તેમણે કરેલાં કામો માટે પ્રશ્ચાતાપ કર્યો હોય. બીજું, નૈતિક ફિલસૂફી અંગે અને લોકોએ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તેના અંગે અશોકનાં લખાણો મળે છે; પણ શાસનને લઈને તેમનું કોઈ લખાણ નથી. તે કરવેરાની વાતો નથી કરતા, તે રાજ્યમાં ધન ક્યાંથી આવે છે તેની વાત નથી કરતા. એ અર્થમાં તે અનોખા છે.”

અશોક માટે “ફિલોસોફર કિંગ” શીર્ષક એટલા માટે ઉચિત છે કારણ કે તે એક ક્રૂર વિજેતા શાસક હતા અને પછી બૌદ્ધ ફિલસૂફી અને સિદ્ધાંતોથી તેમનું હૃદય પરિવર્તન થયું હતું. ખાસ કરીને કલિંગ યુદ્ધમાં હિંસા અને બરબાદી જોઇને શાસન પ્રત્યેના તેમના અભિગમમાં ઊંડો વળાંક આવ્યો હતો. પોતાના વિજયોને કારણે થયેલી અપાર વેદના અને જાનહાનિને જોતા, અશોકે આધ્યાત્મિક અને નૈતિક જાગૃતિનો અહેસાસ કર્યો હતો. આ પરિવર્તન તેમને બૌદ્ધ ધર્મના ઉપદેશોને સ્વીકારવા તરફ દોરી ગયું, જે કરુણા, અહિંસા અને નૈતિક આચરણ પર કેન્દ્રિત ફિલસૂફી હતી.

માત્ર સમ્રાટ અશોક જ નહીં, તમે ઇતિહાસના કોઈ પણ મહાન સમ્રાટોનાં જીવન વાંચો, તેમણે રાજ્યનો વિસ્તાર કરવા માટે અને તેને સમૃદ્ધ કરવા માટે એવાં એવાં કરતૂત કર્યા છે કે લોકો આજે પણ તેમને માફ કરી શકતા નથી. અશોક કદાચ એક માત્ર સમ્રાટ છે જે, જેને ઇતિહાસે માફ કરી દીધા છે એટલું જ નહીં, તેમને જ્ઞાની પુરુષનો દરજ્જો પણ આપ્યો છે. તેનું કારણ એટલું જ છે કે અશોકને ખુદને તેમની ભૂલ બદલ પસ્તાવો થયો હતો. જે જાતે પ્રશ્ચાતાપ કરે છે તેને દુનિયા માફ કરી દે છે.

જેમ કે, ગ્રીસના સમ્રાટ એલેક્ઝાન્ડરને વિશ્વના સૌથી મહાન શૂરવીર તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ તેના નામ પાછળ “ધ ગ્રેટ એલેક્ઝાન્ડર” લાગે છે, પરંતુ સિંહાસન મેળવ્યા પછી તેણે તેના પિતાના પ્રિયજનોને મારી નાખ્યા જેમનાથી તેને સત્તા જતી રહેવાનો ડર હતો. એટલું કે તેણે તેના પિતાની અન્ય પત્નીઓને પણ છોડી ન હતી અને તેમનાં નાના બાળકોને પણ મારી નાખ્યાં હતાં, જેથી મોટા થઈને સિંહાસન માટે દાવો ના કરે ખતરો બની શકે. તે એવો રાજા હતો જેણે એકવાર દારૂના નશામાં આખા શહેરને બાળી નાખવાનો આદેશ આપ્યો હતો.

બીજું ઉદાહરણ અકબરનું છે. જ્યારે પણ મહાન મુઘલ સમ્રાટોનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે સમ્રાટ અકબરનું નામ સૌથી ઉપર આવે છે. આવે જ ને, આપણો અડધો ઇતિહાસ મુઘલોના પુસ્તકોમાંથી આવે છે. અબુલ ફઝલ નામના મુઘલ ઇતિહાસકાર અકબરને પ્રજાલક્ષી રાજા તરીકે વર્ણવે છે, પરંતુ તેની ચતુરાઈ એ હતી કે તેના હરમમાં સોથી વધુ મહિલાઓ હતી.

એવું કહેવાય છે કે રાજધાનીની આસપાસનો કોઈ પણ છોકરો કુંવારી છોકરી સાથે સંબંધ બાંધતા માંગતો હોય તો અકબરની પરવાનગી લેવી પડતી. સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે તેમણે પોતાની પુત્રી કરતાં નાની ઉંમરની રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેમાંથી અડધી રાજકુમારીઓ હરેમમાં રહેતી હતી, જ્યાં સમ્રાટ સહિત અન્ય દરબારીઓ તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ ઇતિહાસે તેમને માફ કરી દીધા કારણ કે તેમણે તેમની તમામ લડાઈઓ જીતી હતી, મુઘલ સામ્રાજ્યને વિશાળ બનાવ્યું હતું અને શાસન વ્યવસ્થામાં કેટલાક સારા ફેરફારો કર્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપિયનો જેમની પૂજા કરતા થયા હતા અને ભારતીયો જેને આધુનિક યુગના મહાન નેતા માને છે તે બ્રિટિશ પ્રધાન મંત્રી વિન્સ્ટન ચર્ચિલે તેમના ઘમંડ અને તુચ્છતાના ભાવના કારણે ભારતના લાખો લોકોને ભૂખમરામાં મરવા દીધા અને બ્રિટિશ ગોદામોને ભારતીય અનાજથી ભર્યા હતાં.

સમ્રાટ અશોક આ બધાથી અલગ પડે છે. તેમનો શાસનકાળ બે ભાગમાં વહેંચાયેલો છે અને એ પ્રમાણે જ તેમનું મૂલ્યાંકન થાય છે. એક, ચાંડાશોક અને બે, બુદ્ધશોક. ચાંડાશોક તેમની ક્રુરતાનો કાળ છે. ચાંડાલ પરથી તેમના માટે ચાંડાશોક થયો હતો તેમ કહેવાય છે.

આ અશોક કલિંગ યુદ્ધ પહેલાનો છે, અને તેના માટે સિંહાસન જ બધું હતું. સિંહાસન પર બેસવા માટે પોતાને યોગ્ય બનાવવા માટે, તેમણે પાટલીપુત્રમાં પોતાની ક્રૂર તાકાત બતાવી અને વિવાદોને  ટાળવા માટે, તેણે સત્તાના અન્ય તમામ દાવેદારોને મારી નાખ્યા હતા. તે માનતો હતો કે આવું ક્રુરતા પાપ નથી, રાજધર્મ છે.

કલિંગના યુદ્ધ પછી અશોક ભગવાન બુદ્ધનો અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવ્યો હતો તે તેમનો બીજો કાળ છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળથી, કલિંગ તેની લશ્કરી શક્તિ, સિલોન અને જાવા જેવા પ્રદેશો સાથેના વેપારી સંબંધો માટે પ્રખ્યાત હતું. કલિંગની સમૃદ્ધિના આ જ કારણોસર અશોક કલિંગ પર વિજય મેળવવા અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે પ્રેરિત થયો હતો. 

ઇતિહાસના આ ભયંકર યુદ્ધમાં, અશોક માત્ર જીત્યો જ નહીં, પરંતુ યુદ્ધમાં 1,00,000 સૈનિકો માર્યા ગયા અને કલિંગના 1,50,000 સૈનિકો મૌર્યોના કેદી બન્યા, જેઓ પાછળથી મૃત્યુ પામ્યા હતા. 

યુદ્ધમાં વિજયી થયા પછી પણ, અશોક કલિંગની બગડતી સ્થિતિ, લોહી, વેદના અને લોકોના આંસુ જોઈને દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયો હતો. આ દુઃખને દૂર કરવા માટે, તે બુદ્ધના ઉપદેશોની નજીક આવ્યો અને છેવટે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. તે પછી હિમાલયથી સિલોન અને ગ્રીસથી બર્મા સુધી બૌદ્ધ ધર્મના પ્રસારમાં સમ્રાટે મહત્વની ભૂમિકા ભજવી હતી. અશોકે પોતાને વચન આપ્યું હતું કે તે ક્યારે ય હિંસાના માર્ગ પર નહીં ચાલે. તેણે સામ્રાજ્યના લશ્કરી વિસ્તરણનો અંત આણ્યો અને આ કારણોસર અશોકના રાજ્યારોહણ પછી કલિંગ યુદ્ધ પ્રથમ અને છેલ્લું યુદ્ધ બન્યું.

એટલા માટે તેને મહાન અશોક કહેવામાં આવે છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...832833834835...840850860...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved