Opinion Magazine
Number of visits: 9665806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—231

દીપક મહેતા|Opinion - Opinion|14 January 2024

અસલ મુંબઈ જોવું હોય તો ફોર્ટની બહાર પગ મૂકવો પડે

પગ ખરડાશે એની પરવા કર્યા વગર                

મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને આજે જઈએ બોમ્બેના ફોર્ટની બહાર. 

ફોર્ટની અંદરનું મુંબઈ એ જ તો મુંબઈ નથી. એ તો છે પોતાનો દેશ છોડીને હિન્દુસ્તાન આવેલા અમારા જેવા અંગ્રેજોનું, અંગ્રેજો માટેનું, અંગ્રેજોએ ઘડેલું મુંબઈ. પણ અસલ મુંબઈ જોવું હોય તો ફોર્ટની બહાર પગ મૂકવો પડે, પગ ખરડાશે એની પરવા કર્યા વગર. કેટલાક અંગ્રેજો એને ‘બ્લેક ટાઉન’ કહે છે. અહીંના લોકો એને ‘બહાર કોટ’ કહે છે. અને અમે ફોર્ટની બહાર પગ મૂકીને અસલ મુંબઈ જોવાનું ઠરાવ્યું. મુંબઈમાં કોઈ એક જ જાત કે પ્રદેશના લોકો રહેતા નથી. હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી આવેલા, જુદા જુદા ધરમ અને જાતિના, જુદા જુદા રીતરિવાજ અને માન્યતા ધરાવતા લોકોનું એક લાંબુ સરઘસ છે મુંબઈ. 

શ્રી મુંબઈ પાંજરાપોળ

હિન્દુસ્તાન આવતા પરદેશીઓને માટે સૌથી મોટું આકર્ષણ હોય છે અહીંની બજારો. પણ અમે અહીંની બજાર જોતાં પહેલાં એક નવી નવાઈ જેવી જગ્યાએ પહોંચી ગયા : ‘પાંજરાપોળ.’ હા, મારો વાચક માથું ખંજવાળતાં પૂછશે કે એટલે શું? ‘એટલે શું’ એ સમજાવવું સહેલું નથી. અહિંસા અને જીવદયા એ જૈન ધર્મના બે મુખ્ય સિદ્ધાંત. હિંદુ અને બૌદ્ધ ધર્મ પણ એ બે આદર્શ સ્વીકારે છે. પારસીઓનો ધર્મ પણ મર્યાદિત અર્થમાં તે સ્વીકારે છે. જો કે જૈન ધર્મ જેટલું આત્યંતિક સ્વરૂપ બીજા ધર્મોમાં કદાચ નથી. અહિંસા અને જીવદયાની ભાવનાથી પ્રેરાઈને ઊભી થયેલી સંસ્થા તે પાંજરાપોળ.

ભૂલેશ્વર કબૂતરખાના, ૧૯મી સદીમાં

અહીંનાં મુખ્ય બજારોમાંનું એક એટલે ભુલેશ્વરનું બજાર. તેને લગભગ છેડે આવેલી છે આ પાંજરાપોળ. માંદા કે મરવાને આરે ઊભેલાં પશુઓને અહીં રાખવામાં આવે છે – એક પૈસો પણ લીધા વગર. આપણે તેને માંદાં પશુઓનું આશ્રયસ્થાન કહી શકીએ. અહીં જુદા જુદા ધરમના લોકો રહે છે ને તેમની વચ્ચે ઝગડા કે ‘હુલ્લડ’ થતાં નથી એવું તો નથી. અને છતાં જ્યારે સમાજને ઉપયોગી થાય એવાં કામ કરવાનાં હોય ત્યારે જુદા જુદા ધરમના લોકો ભેગા મળીને કામ કરે છે. આ પાંજરાપોળ એનો એક દાખલો છે. સર જમશેદજી જીજીભાઈ એટલે મુંબઈના તવંગર અગ્રણી વેપારીઓમાંના એક. જીવદયાના આગ્રહી. 

સર જમશેદજી જીજીભાઈ 

હવે બન્યું એવું કે શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસને કારણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દરેક વર્ષે રખડતા કૂતરાને ભેગા કરીને તેમનો નાશ કરવાનો કાયદો કર્યો. આ માટે ખાસ નોકરોને રખડતા કૂતરા પકડવાની મંજૂરી આપી. પણ મુંબઈના ઘણા લોકોએ આ ‘ઘાતકી’ કાયદાનો વિરોધ કર્યો. તેની વિરુદ્ધમાં હુલ્લડ થયું. ત્યારે સર જમશેદજી જીજીભાઈને વચલો મારગ સૂઝ્યો. કૂતરા રસ્તા પર રખડતા હોય તો સરકાર તેને પકડીને મારી નાખે ને? એના કરતાં આપણે જ આવા કૂતરાને એકઠા કરી એક જગ્યાએ રાખીને તેમનું જતન કરીએ તો? તેમને સાથ મળ્યો જૈન ધર્મ પાળતા અમીચંદ શાહ નામના એક તવંગર વેપારીનો. અને તેમણે બન્નેએ વિચારને તરત અમલમાં મૂક્યો. ૧૮૩૪ના ઓક્ટોબરની ૧૮મી તારીખે તેમણે આ પાંજરાપોળની સ્થાપના કરી.

મુંબઈમાં જેવો રખડતા કૂતરાનો ત્રાસ, એનાથી થોડો ઓછો ત્રાસ રખડતા ભૂંડ કે ડુક્કરનો. એટલે શરૂઆતમાં કૂતરા અને ભૂંડની સંભાળ રાખવા માટેની સગવડ ઊભી કરી. પછી ધીમે ધીમે ગાય, ઘોડા, વગેરે માટેની સગવડો ઉમેરાઈ. પાંજરાપોળનો દરવાજો જોતાં તો એમ જ લાગે કે કોઈ મંદિરમાં દાખલ થઈ રહ્યાં છીએ. અહીંના લોકો જેને ‘હવેલી’ કહે છે તેના દરવાજાને મળતો આવે એવો આ દરવાજો છે. તેની અંદર ત્રણ મોટા વાડા છે. ત્રણે પર છાપરાં બાંધેલાં છે. એક વાડામાં કૂતરા, બીજામાં ગાય, અને ત્રીજામાં ઘોડા રાખવાની સગવડ છે. આ બધાં જ જનાવરોને યોગ્ય અને તેમને માફક આવે એવો ખોરાક આપવામાં આવે છે. ઘોડાઓને દોરડા વડે ખૂંટા સાથે બાંધી રાખવામાં આવે છે અને મોઢે ચોકડું બાંધી રાખે છે. જ્યારે ગાયોને બાંધતા નથી પણ વાડામાં છુટ્ટી ફરવા દે છે. તેમને માટે તાજું લીલું ઘાસ હંમેશાં પાથરેલું હોય છે. જો કે આ પ્રાણીઓ માંદાં પડે ત્યારે તેમની દાક્તરી સારવાર કરતા નથી, પણ સુક્કા ઘાસની નીચે તેમને સુવડાવી દે છે અને શાંતિથી કુદરતી રીતે મરવા દે છે.

જે કોઈ માણસ અહીં રખડતું કૂતરું લાવે તેને આઠ આના (આજના ૫૦ પૈસા) આપે છે. ગાય-ઘોડા જેવાં મોટાં જાનવર માટે વધુ પૈસા આપે છે. આ પાંજરાપોળને અવારનવાર દાન રૂપે મોટી રકમો મળતી રહે છે છતાં તે શરૂ કરનારાઓએ દૂરંદેશી વાપરીને તેના નિભાવ માટે પણ કાયમી વ્યવસ્થા કરી રાખી છે. સર જમશેદજી જીજીભાઈએ અહીં ૨૦૦ દુકાનો અને ૪૫૦ ભાડૂતો રહી શકે તેવાં મકાન (જેને અહીંના લોકો ‘ચાલ’ કહે છે) બાંધી રાખ્યાં છે. તેની ભાડાની બધી જ આવક આ પાંજરાપોળના નિભાવ માટે વપરાય છે.

જો કે આઠ આના કમાવા માટે થઈને કેટલાક લોકો કૂતરાની ચોરી કરે છે એવી ફરિયાદ અવારનવાર સાંભળવા મળે છે. પણ એ તો માનવસ્વભાવનું એક લક્ષણ છે કે ગમે તેવી સારી વસ્તુનો પણ પોતાના લાભ ખાતર દુરુપયોગ કરવો. પણ એટલે કાંઈ એમ તો ન જ કહેવાય કે આવું ઇનામ આપવું જ ન જોઈએ કે આવી પાંજરાપોળ જેવી સંસ્થા હોવી જ ન જોઈએ. મારે મતે તો પાંજરાપોળ એ જૈન ધર્મના જીવદયા અને અહિંસાના સિદ્ધાંતોનું એક ઉમદા પ્રતિક છે.

હા, કલકત્તામાં છે તેવાં ઠાઠમાઠવાળાં સાધન-સગવડ મુંબઈમાં નથી. પણ મુંબઈની આબોહવા કલકત્તા કરતાં ઘણી સારી છે. એટલે અહીં વરસના ઘણા મહિના ઘરમાં ગોંધાઈ રહેવું પડતું નથી. વળી અહીં જે અભાવો છે તેને દૂર કરવા અંગ્રેજ અને પારસી વેપારીઓ સતત મહેનત કરતા રહે છે. છેલ્લાં છ વરસથી હું જોતી આવી છું કે અહીંનાં સાધન-સગવડમાં સતત ફેરફાર અને વધારો થતા રહ્યા છે અને તેને લીધી અહીંની રહેણીકરણી વધુ ને વધુ ‘બિનભારતીય’ (એટલે કે પશ્ચિમી) થતી આવી છે. આનું મુખ્ય કારણ છે યરપના દેશો સાથેનો વધતો જતો સંપર્ક. અહીંના લોકો ભલે ધીરે ધીરે, પણ પશ્ચિમનાં વિચારો અને રહેણીકરણી અપનાવતા થયા છે. અલબત્ત, આમ કરવામાં પારસીઓ મોખરે છે, પણ બીજા લોકો પણ ધીરે ધીરે યરપ તરફ જોતા થયા છે. પુસ્તકો, અખબારો, મેગેઝીન્સ વગેરે યરપમાં જૂનાં-પુરાણાં થઈ જાય તે પહેલાં હવે મુંબઈ પહોંચે છે. અંગ્રેજો ઉપરાંત થોડા ‘દેશી’ઓ પણ તે વાંચીને નવા નવા વિચારો અને સાધન-સગવડથી પહેલાં પરિચિત થાય છે, ને પછી તેને અપનાવે છે.

પહેલાં તો નવા વિચારો કે સાધન-સગવડ અહીં પહોંચે ત્યાં સુધીમાં યરપમાં તો તે વાસી થઈ ગયાં હોય એવું બનતું. હવે કોઈ પણ નવા ઓપેરાનું સંગીત તમે અહીં પણ મેળવી શકો છો – યરપમાં એ ઓપેરા ભજવાતું બંધ થઈ જાય તે પહેલાં. અને અંગ્રેજ બાનુઓ સમી સાંજે એસપ્લનેડ પર ફરવા નીકળે છે ત્યારે તેમના પોશાક પેરિસની સ્ત્રીઓના પોશાક કરતાં જરા ય ઊતરતા હોતા નથી.

આમ થવાનું મુખ્ય કારણ છે યરપ અને હિન્દુસ્તાન વચ્ચે શરૂ થયેલો ઝડપી વાહન-વ્યવહાર અને સંદેશ-વ્યવહાર. તેને પરિણામે નવાં નવાં સાધન-સગવડ તો અહીં મળતાં થયાં જ છે, પણ અહીંના અને યરપના લોકોમાં એકબીજાના જીવન અને વ્યવહાર વિશેનું કુતૂહલ વધતું રહ્યું છે. અગાઉ જ્યારે યરપ અને હિન્દુસ્તાન વચ્ચેની મુસાફરી બહુ લાંબા રસ્તે કરવી પડતી ત્યારે આમ થવું શક્ય નહોતું. હવે યરપ અને હિન્દુસ્તાન વચ્ચેની આપ-લે વધુ ઝડપી અને પરસ્પર લાભકારક બની છે. બ્રિટન અને યરપની કેટલીક અગ્રણી સંસ્થાઓએ હવે મુંબઈમાં પોતાની શાખા શરૂ કરી છે – જેમ કે બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી. બ્રિટનની માતૃ સંસ્થાઓ આવી શાખાઓને સાધન-સામગ્રી ઉપરાંત નવા વિચારો પૂરા પાડે છે. ત્યાંના વિદ્વાનો અહીં આવીને હિન્દુસ્તાનની રહેણીકરણી, ઇતિહાસ, પ્રાણીશાસ્ત્ર, ભૂસ્તર-શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરે છે. તેનાથી બ્રિટનના લોકોને તો ખરો જ, અહીંના લોકોને પણ લાભ થાય છે.

૧૭૮૯માં શરૂ થયેલું મુંબઈનું પહેલું છાપું શરૂ થયું ત્યારે નામ : ‘બોમ્બે હેરાલ્ડ’ ૧૭૯૧થી નામ બદલાયું : ‘બોમ્બે ગેઝેટ’ 

અહીંનાં છાપાંમાં અગાઉ સમાચાર ઓછા અને ગપગોળા વધુ છપાતા. પણ હવે એવું રહ્યું નથી. અહીંના પ્રેસની મથરાવટી હવે મેલી રહી નથી. લોકોમાં નવા વિચારો ફેલાવવામાં આ અખબારોનો પણ મોટો ફાળો છે. બ્રિટનનાં જ્ઞાન-વિજ્ઞાન, અભ્યાસની સગવડો, એ અભ્યાસ પછીની કારકિર્દીની ઊજળી તકો – એ બધાંથી આકર્ષાયેલા ભલે એક નાનકડા વર્ગમાં, પણ બ્રિટન જઈને ત્યાનું શિક્ષણ મેળવવાની આકાંક્ષા જાગી છે. આ વર્ગના લોકો પોતાના દીકરાઓને ભણવા માટે બ્રિટન મોકલતા થયા છે.

હિન્દુસ્તાનમાં નવજાગૃતિ માટેની આકાંક્ષાનો પાયો દૃઢપણે નખાઈ ચૂક્યો છે. અને તેમ કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો છે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો અને કોલેજોએ. આ શિક્ષણ સંસ્થાઓની શરૂઆત ભલે અંગ્રેજોએ કરી હોય, પણ હવે અહીંના સમાજે એ સંસ્થાઓને અપનાવી લીધી છે. એક નાનકડા વર્ગ તરફથી શરૂઆતમાં તેનો વિરોધ થયો હતો ખરો, પણ હવે એવો વિરોધ ભાગ્યે જ ક્યાં ય જોવા મળે છે. આ શિક્ષણ સંસ્થાઓમાં કામ કરતા અંગ્રેજ શિક્ષકો અને અધ્યાપકો પોતપોતાના વિષયનું શિક્ષણ તો આપે જ છે. પણ સાથોસાથ વિદ્યાર્થીઓની દૃષ્ટિ વિશાળ અને સર્વસમાવેશી બને તે માટે પણ સતત મહેનત કરતા રહે છે. હા, હજી સુધી તેના ફાયદા એક નાના અને સમાજના ઉપલા વર્ગ સુધી જ પહોંચી શક્યા છે. પણ જેમ જેમ વરસો વીતતાં જશે તેમ તેમ બ્રિટિશ પદ્ધતિના શિક્ષણનો વ્યાપ વધતો જશે. મુંબઈમાં નવું શિક્ષણ ફેલાયું તે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલો અને એલ્ફિન્સ્ટન કોલેજ થકી. આ શિક્ષણ સંસ્થાઓ વિશેની વાત હવે પછી.

ખુલાસો : લેખિકાનું આ પુસ્તક બ્રિટિશ વાચકોને ધ્યાનમાં રાખીને લખાયું હતું અને પ્રગટ પણ બ્રિટનમાં જ થયું હતું. આ હકીકત ધ્યાનમાં રાખીએ તો તેમનાં વાત કે અભિપ્રાય વધુ સારી રીતે સમજી શકશું.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

 (પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 જાન્યુઆરી 2024)

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (25) : ભામહ, દણ્ડી, ઉદ્ભટ્ટ

સુમન શાહ|Opinion - Opinion|13 January 2024

સુમન શાહ

આજે, ભામહ, દણ્ડી અને ઉદ્ભટ્ટ વિશે —

ભામહનો સમય છે, છઠ્ઠા શતકનો મધ્યકાળ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાલંકાર”. 

દણ્ડીનો સમય છે, સાતમા શતકનો ઉત્તરાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાદર્શ”.

ઉદ્ભટ્ટનો સમય છે, નવમા શતકનો પૂર્વાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાલંકારસારસંગ્રહ”. 

કાવ્યનું માધ્યમ ભાષા છે. ભાષાથી કાવ્યભાષા શી રીતે સંભવે? ભામહ, દણ્ડી કે ઉદ્ભટ્ટનો સહિયારો ઉત્તર એ હોઈ શકે કે અલંકારથી ! અને તેથી તેઓ અલંકારયુક્ત ઉક્તિને લક્ષમાં લે છે. અને તેથી એમનું ધ્યાન ભાષાથી ખસીને વાણી પ્રતિ સવિશેષે જાય છે.

અહીં દરેકના મને ગમી ગયેલાં મન્તવ્યો રજૂ કરું : 

ભામહ —

ભામહે વક્ર વાણીની વાત વિસ્તારથી કરી છે. વક્ર વાણીનો સમ્બન્ધ એમણે અલંકારતત્ત્વ સાથે જોડ્યો છે અને અલંકારનો સમ્બન્ધ એમણે અતિશયોક્તિ અને વક્રોક્તિ સાથે જોડ્યો છે; એમનું એ મન્તવ્ય મને ખૂબ ગમ્યું છે. તેઓ દર્શાવે છે કે લોકવ્યવહારમાં પ્રયોજાતી વાણીનું, એ લોકસીમાનું, કોઈ ઉક્તિમાં અતિક્રમણ થાય ત્યારે તેને અતિશયોક્તિ અલંકાર કહેવો જોઈશે. કહે છે કે તમામ અતિશયોક્તિ વક્રોક્તિ હોય છે; વક્રતાથી અર્થ ચમત્કૃત થાય છે; કવિએ એ માટે યત્ન કરવો ઘટે. ઉમેરે છે કે વક્રોક્તિ વિનાનો અલંકાર તો બતાવો ! 

તેમછતાં, એમણે બધી અતિશયોક્તિઓનો મહિમા નથી કર્યો. કહે છે, ‘નિતાન્ત’ વગેરે શબ્દોથી સરજાતી અતિશયોક્તિથી વાણીનું સૌષ્ઠવ ન સચવાય; વક્રતાયુક્ત શબ્દ અને અર્થની ઉક્તિને જ વાણીનો કામ્ય અલંકાર કહેવાય ! સૂર્યાસ્ત થઇ ગયો છે, ચન્દ્રમા ચમકી રહ્યો છે, પક્ષીગણ નિવાસ ભણી જઈ રહ્યાં છે – ભામહ પૂછે છે, આ પણ ભલા શું કાવ્ય છે -? એ તો વાર્તા છે, સમાચાર ! —ઇત્યેવમાદિ કિમ્ કાવ્યમ્ વાર્ત્તામેનામ્ પ્રચક્ષતે I

વક્ર વાણીના પ્રયોગમાં શું ન કરવું જોઈએ એનો એમણે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. કહે છે, અપ્રયુક્તનો પ્રયોગ ન કરવો જોઈએ, કેમ કે ચિત્તને એ મોહમાં નાખે છે; જેમ કે, ‘હન્’ ધાતુનો ‘ગતિ’ અર્થ દર્શાવાયો છે છતાં તેનો પ્રયોગ કરવો યોગ્ય નથી; જે શબ્દ અન્ય એકદેશી શાસ્ત્રોથી સિદ્ધ હોય તેનો પણ પ્રયોગ ન કરવો જોઈએ; છન્દોવત્ (વેદવત્)-નો પ્રયોગ પણ ન કરવો જોઈએ; અને છાન્દસ્ (વૈદિક) પદોના પ્રયોગ પણ ન કરવા જોઈએ. જે ક્રમે આવ્યા હોય, કર્ણપ્રિય હોય, એ સાર્થક શબ્દો જ પ્રયોજવા જોઈએ. 

ભામહ ૪ પ્રકારના વાણીદોષ વર્ણવે છે : શ્રુતિદુષ્ટ, અર્થદુષ્ટ, કલ્પનાદુષ્ટ અને શ્રુતિકષ્ટ. ચારેયના અર્થ સ્વયંસ્પષ્ટ છે. 

આપણે જાણીએ છીએ કે કેટલાક સાહિત્યકારોની વાણી સાંભળીએ ત્યારે એમાં રહેલા દોષની આપણને તરત પ્રતીતિ થાય છે; કેટલાકની વાણીમાં અર્થનો દોષ પરખાય છે. તો, કેટલાકોએ કલ્પનાને એટલી બધી ચગવી હોય છે કે એ દોષને કારણે એમનું સમગ્ર સર્જન તૂટી પડે છે. અને, કેટલાકને સાંભળીએ પણ આપણને કષ્ટ પડતું હોય છે.  

એક સમર્થ આલંકારિક તરીકે ભામહે શબ્દાલંકારો અને અર્થાલંકારો બન્નેનો સરખે સરખો સ્વીકાર કર્યો છે. કહે છે, કેટલાક વિદ્વાનો રૂપકાદિ અલંકારોને બાહ્ય લેખે છે. તેઓ સુબન્ત અને તિડ્ન્ત પદોના અનુપ્રાસ આદિ શબ્દાલંકારોને ચમત્કારક માને છે અને કહે છે કે શબ્દરચનાનું ચાતુર્ય જેટલું ચિત્તાકર્ષક હોય છે તેટલું અર્થાલંકારોનું નથી હોતું. 

એ લોકોના મન્તવ્ય સંદર્ભે હું દાખલો આપું : તેઓને ‘રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં આ ગુલ્મને આંગણ’-માં, એ અર્થાલંકારમાં, ચમત્કાર નહીં અનુભવાય, પરન્તુ ‘કાચના કબાટમાંથી કાચી કૅરીનું કચુંબર કરો’, એ વર્ણસગાઈ ચિત્તાકર્ષક લાગશે. પરન્તુ, ભામહ કહે છે, અમને તો બન્ને પ્રકારના ભેદોથી વિશિષ્ટ કાવ્ય ચમત્કારક હોવાથી રુચે જ છે.

કવિ અને કાવ્યશાસ્ત્ર બન્નેની પ્રશંસા કરતાં ભામહ કહે છે, ધન વગરની વ્યક્તિ જેમ દાતા ન થઈ શકે, નપુંસક વ્યક્તિમાં જેમ અસ્ત્રચાતુર્ય ન હોઈ શકે, અજ્ઞ જનમાં પણ જેમ ચાતુર્ય ન હોઈ શકે, એમ અ-કવિ કદી શાસ્ત્રજ્ઞાતા ન હોઈ શકે. 

કવિઓનો મહિમા કરતાં કહે છે, ગુરુના ઉપદેશથી જડ બુદ્ધિવાળો પણ શાસ્ત્ર વાંચી શકે છે, પણ કાવ્ય તો કોક પ્રતિભાશાળી જ રચી શકે છે. કહે છે, સારા કાવ્યના રચનાકારોનો સ્વર્ગવાસ થઈ ગયો હોય તો પણ એમનું કાવ્યરૂપી શરીર અક્ષય જ રહે છે. પણ કુકવિઓ માટે કહે છે, કવિ ન હોવું તે અધર્મ કે વ્યાધિના દણ્ડને પાત્ર થવા જેવું છે, પરન્તુ કુકવિત્વને તો પણ્ડિતોએ સાાક્ષાત મૃત્યુ જ ગણ્યું છે. 

દણ્ડી —

અલંકારનું સ્વરૂપ વર્ણવતાં દણ્ડી કહે છે કે કાવ્યના સૌન્દર્યકારી ગુણોને અલંકાર કહેવાય છે. દણ્ડી પણ એ જ કહે છે કે લોકમર્યાદાના ઉલ્લંઘનથી અતિશયોક્તિ અલંકાર જનમે છે, પણ જણાવે છે કે અલંકારોમાં તેને ઉત્તમ ગણવામાં આવ્યો છે – અસાવદતિશયોક્તિ: સ્યાદલંકારોત્તમા યથા I

એમનું એ મન્તવ્ય મને ખૂબ ગમ્યું છે કે અલંકારના એમણે ૩ પ્રકાર દર્શાવ્યા, પ્રેય:, રસવત્, ઉર્જસ્વી; પણ એ પ્રકારોમાંના રસવત્-ને એમણે રસ સાથે પણ જોડ્યો. દરેક પ્રકાર માટે એમણે ઉદાહરણ પણ આપ્યું છે. 

૧ :

દણ્ડી કહે છે, પ્રેય: પ્રિયતરાખ્યાનમ્ – પ્રીતિકર ભાવથી થયેલું કથન પ્રેય: અલંકાર છે. 

ઉદાહરણ : હે ગોવિન્દ ! તારા આજે મારે ઘેર આવવાથી મને જે પ્રસનન્તા થઈ છે, એ તું કોઈ બીજા સમયે આવીશ ત્યારે ફરીથી થશે. વિદુરે આ યોગ્ય જ કહ્યું છે કેમ કે એમનામાં છે એટલું ધૈર્ય બીજાઓમાં તો હોય જ ક્યાંથી? એટલે, વિદુરના આ વચનથી માત્રભક્તિ દ્વારા પૂજનીય હરિ સંતોષ પામ્યા છે. આ ઉદાહરણમાં રજૂ થયેલું કથન હરિ વિશે પ્રીતિકારક છે તેથી અહીં પ્રેય: અલંકાર છે.

૨ :

દણ્ડી કહે છે, રસવદ્ રસપેશલમ્ – રસથી ઉત્પન્ન આનન્દને આપનારા ભાવનું કથન રસવત્ અલંકાર છે. 

ઉદાહરણ : (ચીરહરણ પ્રસંગે) જેણે મારી સામે દ્રૌપદીને વાળથી પકડીને ખૅંચી હતી એ આ પાપાત્મા દુ:શાસન મને મળી ગયો છે, તે શું હવે ક્ષણ માટે ય જીવિત રહેશે ખરો? શત્રુને જોઈને ભીમનો ‘ક્રોધ’ સ્થાયી ભાવ ઉચ્ચ અવસ્થાએ પ્હૉંચીને ‘રૌદ્ર’ રસના રસત્વને પામ્યો છે. તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે. 

દણ્ડીએ રસવત્ અલંકારનાં અન્ય ઉદાહરણ પણ આપ્યાં છે : અનેક સમુદ્ર સહિત પૃથ્વીને નહીં જીતીને, અશ્વમેધ વગેરે યજ્ઞોનું યજન નહીં કરીને, અને યાચકોને ધનનું વિતરણ નહીં કરીને, હું શી રીતે રાજા હોઈ શકું? : અહીં ‘ઉત્સાહ’ સ્થાયી ભાવ ‘વીર’ રસના રસત્વને પામ્યો છે તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે.

જે કોમળાંગીને પુષ્પોની શય્યા પણ કષ્ટદાયક લાગેલી એ તન્વંગી પ્રજ્વલિત ચિતા પર શી રીતે આરોહણ કરી શકે? અહીં ‘શોક’ સ્થાયી ભાવ ‘કરુણ’ રસના રસત્વને પામ્યો છે તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે.

દણ્ડી ઉમેરે છે, આ રીતે બીભત્સ, હાસ્ય, અદ્ભુત, ભયાનકનાં રસવત્ ઉદાહરણો પણ ઉપલબ્ધ છે.

૩ :

દણ્ડી કહે છે, ઉર્જસ્વિ રૂઢારહંકારમ્ – જેમાં અહંકારની સ્પષ્ટ અભિવ્યક્તિ થઈ હોય તે ઉર્જસ્વિ અલંકાર છે.

ઉદાહરણ : હું તારો શત્રુ છું, એ વિચારીને તારા હૃદયમાં મારે કારણે ડર પેદા ન થવો જોઈએ. મારી તલવાર મારાથી વિમુખ થનારાઓ પર કદી પ્રહાર નથી કરતી. કોઈ અહંકારી પુરુષે યુદ્ધમાં પરાજિત શત્રુને આવું કહીને છોડી દીધો. દણ્ડી ઉમેરે છે, આ પ્રકારનાં કથનોમાં ઉર્જસ્વિ અલંકાર હોય છે.

ઉદ્ભટ્ટ —

ઉદ્ભટ્ટ પણ અલંકારના પ્રેય:, રસવત્ અને ઉર્જસ્વિ પ્રકારો વર્ણવે છે. પરન્તુ મને ગમવાનું કારણ એ છે કે એ દરેક પ્રકારને તેઓ રસતત્ત્વ સાથે વિશદ રીતે જોડે છે :

જેમ કે, કહે છે કે, જે કાવ્યમાં શ્રુંગારાદિ રસનો ઉદય ચોખ્ખા રૂપમાં દર્શાવી શકાય એને રસવત્ અલંકાર કહેવાય છે. 

જેમ કે, કહે છે કે, રતિ આદિ સ્થાયીભાવોને સૂચવનારા અનુભાવથી થયેલી રચનામાં પ્રેય: અલંકાર હોય છે.

જેમ કે, કહે છે કે, કામ ક્રોધ વગેરે કારણોથી અનૌચિત્યમાં પ્રવૃત્ત ભાવ અથવા રસ ધરાવતી રચનામાં ઉર્જસ્વિ અલંકાર હોય છે. 

એક ‘સમાહિત’ અલંકાર વિશે ઉદ્ભટ્ટ જણાવે છે કે –

રસભાવત્દાભાસવૃત્તે: પ્રશમબન્ધનમ્ I 

અન્યાનુભાવનિ:શૂન્યરૂપમ્ યત્તત્સમાહિતમ્ II

જે રચનામાં રસ, ભાવ, રસાભાસ કે ભાવાભાસના પ્રશમનું વર્ણન હોય, અને બીજા રસોના અનુભાવ નિ:શૂન્યરૂપ હોય, તેને સમાહિત અલંકાર કહેવાય છે.

ઉદાહરણ : ગિરિસુતાનાં નેત્ર, ભ્રમરોના વિભ્રમપૂર્ણ ભ્રમ અને રોમાંચના સ્વેદથી પ્રસન્ન મુખરાગ જોઈને મહાદેવ સ્મરજ્વરથી પ્રદીપ્ત સર્વ અંગો સાથે સ્વસ્તિપૂર્વક એની નજીક સરકી ગયા.

દણ્ડી અને ઉદ્ભટ્ટની વિશેષતા એ છે કે તેઓએ અલંકારતત્ત્વનો રસતત્ત્વ સાથે સમ્બન્ધ સ્થાપ્યો તેથી અલંકાર બાહ્ય ઘરેણું છે એ માન્યતાનો નિકાલ થઈ ગયો. 

= = =

(01/12/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અભિનંદન અને આવકાર

પ્રકાશ ન. શાહ|Opinion - Literature, Opinion - Opinion|12 January 2024

જતી વેળાએ

પ્રકાશ ન. શાહ

નવનિર્વાચિત પ્રમુખ હર્ષદ ત્રિવેદીનું તેમ જ નવ્ય કાર્યચમૂ સહિત સૌ સાથીઓનું હૃદયપૂર્વક અભિવાદન – અને એમને આવકાર પણ, અક્ષરશઃ બથ ભરીને.

વિદાય લેતા પરિષદપ્રમુખ તરીકે સૌ સાથીઓ પરત્વે આભારલાગણી પ્રગટ કરવા સાથે ઉમેરું કે એકંદર કાર્યકાળમાં એક તબક્કો ખસૂસ વિષમ હતો … કોરોનાવશ અગતિકતા, અને થોડોક સમય તો જાણે કે રેતીમાં વહાણ ચલાવવાની નિયતિ! પણ જેમ મેઘાણી પ્રાંગણ અને એકંદર પરિસર તેમ પ્રવૃત્તિએ પણ આપણે મહોરું મહોરું છીએ એટલું આ ક્ષણે નિઃશંક કહી શકું.

અલબત્ત એ એક સુભગ જોગાનુજોગ છે કે સમીર ભટ્ટ ત્યારે પણ મહામંત્રી હતા અને અત્યારે પણ મહામંત્રી છે. આ જોગસંજોગમાં જેમ સાતત્યની સુવિધા છે તેમ પ્રથમ કાર્યકાળમાં એમને અને અમને સૌ સાથીઓને જે મર્યાદાઓ સમજાઈ હશે એની દુરસ્તીની દૃષ્ટિએ એ સહજ સજ્જ પણ છે. આ વાત ખરું જોતાં વ્યક્તિગત જ નહીં વ્યાપક સંદર્ભમાંયે સાચી છે. અને એ ઠીક જ છે; કેમ કે ઇતિહાસમાં સાતત્યનો મહિમા અંતે તો શોધનગુંજાશ થકી સ્તો છે.

ગુજરાતીભાષી સૌની આ પ્રજાકીય સંસ્થા, આપણી પરિષદ, એનાં બાલઉત્તરીયને રણજિતરામ સરખા વત્સલવિદગ્ધ ધોવૈયા ને વળી સાજસજૈયા મળ્યા. ૧૯૦૫ના સ્થાપના અધિવેશનને પ્રમુખ તરીકે મળતાં મળે એવા ગોવર્ધનરામ મળ્યા. બડો સર્જનાત્મક કાળ હતો એ … સ્વદેશઆંગણે બંગભંગવશ નવસંચાર હતો, પણે દક્ષિણ આફ્રિકે સત્યાગ્રહ નામે નવ્ય શસ્ત્રાંકુર હજુ ફૂટું ફૂટું હશે, અને આઇન્સ્ટાઇનની સાપેક્ષવાદની થિયરીના આરંભિક ભણકારા વાગતા હતા. સરસ સમજાવી હતી ગોમાત્રિએ આ ઇતિહાસપ્રક્રિયાને, એક કવિમનીષી પેઠે, Rhythmic Law લેખે, તાલબંધ રૂપે. એમના આ દર્શનમાં તાલભંગનીયે સકારાત્મક શક્યતાઓનો સમાસ હતો.

તમે જુઓ, પોતાને પેટવડિયે કામ કરતા શિક્ષક અને ખેડૂત ને વણકર તરીકે ઓળખાવતા ગાંધીજીના વિ-વર્ણ અને વિ-વર્ગ અભિગમનું કાવ્ય હજુ પાધરું પમાયું નહોતું ત્યારે એ ચૂંટણી લડ્યા ને હાર્યા હતા. બરાબર એકસો ચાર વરસ પરના, ૧૯૨૦ના, એ છઠ્ઠા અધિવેશનનું સમાચારમૂલ્ય છાપાંને વખતોવખત એ વાતે લાગતું હોય છે કે ગાંધીજીને હરાવીને હરગોવિંદદાસ કાંટાવાળા ચૂંટાયા હતા. પણ અદકપાંસળા અખબારનવીસોને કોણ સંભારી આપે કે કાંટાવાળાએ પ્રમુખીય અભિભાષણમાં ગાંધીજીને કેવા તો પ્રાંજલભાવે અને આદરભેર સંભાર્યા હતા? એમણે કહ્યું હતું : “જેમણે સાધુવૃત્તિ ધારણ કરી રાજકીય અને આર્થિક વિષયોની સાથે ભાષામાં પણ સત્યાગ્રહ ચલાવી મોટમોટી સભાઓમાં દેશી ભાષા વાપરવાની અને દેશી ભાષા દ્વારા ઊંચી કેળવણી આપવાની હિમાયત કરી એવા અનેક મહાત્મા ગાંધીજીઓ ગૂર્જરમૈયાએ ઉત્પન્ન કરવા જોઈએ.” દેખીતા તાલભંગ થકી અને છતાં સધાયેલ આ તાલબંધ લક્ષમાં આવે છે?

૧૯૫૫માં નડિયાદમાં ગોવર્ધન શતાબ્દી એક વિશેષ અધિવેશનરૂપે મુનશીના નેતૃત્વમાં રંગેચંગે ઊજવાઈ ત્યારે ઉમાશંકર જોશી ને જયન્તિ દલાલ આદિએ લીધેલ ઉપાડો દેખીતો તાલભંગ હશે, પણ પરિષદના નવા લોકશાહીરૂપ સાથે એ તાલબંધ રૂપે જ અંતે તો આપણી સામે આવ્યો ને. ૧૯૭૫માં દેશે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય ખોયું તે બેશક તાલભંગ હતો, પણ પરિષદે સરકારી ધોંસ ને ભીંસની ચિંતા છાંડી એની પુનઃપ્રતિષ્ઠા વાસ્તે જે ઠરાવ કર્યો તે તાલભંગથી તાલબંધ ભણી જવાની ઇતિહાસપ્રક્રિયા નહોતી તો શું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેનો આપણો જે સતત આગ્રહ રહ્યો છે તે પણ સહજ સ્વસ્થ તાલબંધ માટેની આરતમાંથી આવેલો છે તે ભાગ્યે જ ઉમેરવાપણું હોય.

એક પ્રજાકીય સંસ્થા તરીકે અક્ષરજીવન અને જાહેર જીવનની સંગમભૂમિએ ઊભી આ ઇતિહાસરમણામાં યોગદાન સારુ સહજ સહયોગની ભૂમિકાએ નવ્ય કાર્યચમૂને આવકાર!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; જાન્યુઆરી 2024

Loading

...102030...829830831832...840850860...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved