Opinion Magazine
Number of visits: 9666074
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

1951-52માં દેશમાં પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષે કાઁગ્રેસની વિરુદ્ધમાં ઝંપલાવ્યું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|4 February 2024

રમેશ ઓઝા

સમાજવાદીઓ ભારત માટે અભિશાપ સાબિત થયા છે. તે આવતીકાલે શું કરશે તેની બીજાની વાત ક્યાં કરો, પોતાને પણ જાણ ન હોય. ૧૯૭૯માં જનતા પાર્ટીનું વિભાજન થયું અને મોરારજી દેસાઈની સરકાર લઘુમતીમાં આવી ગઈ. સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ કાઁગ્રેસે રાખ્યો હતો જેમાં સરકારના ઉદ્યોગ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસે સરકારનો જોરદાર બચાવ કર્યો હતો. દાખલા દલીલો સાથે એવું ઓજસ્વી ભાષણ હતું જેને લોકો આજે પણ યાદ કરે છે. જ્યોર્જના ભાષણની દેશમાં ચર્ચા ચાલી રહી હતી અને લોકો અભિનન્દન આપી રહ્યા હતા ત્યાં ખબર આવી કે જ્યોર્જ ફર્નાડીસે સરકારમાંથી રાજીનામું આપ્યું છે અને પક્ષમાં બળવો કરનાર ચૌધરી ચરણસિંહ સાથે જતા રહ્યા છે. એ ઐતિહાસિક ભાષણને હજુ ચોવીસ કલાક પણ નહોતા થયા.

આ સમાજવાદીઓના કુળલક્ષણ છે. ભારતમાં કાઁગ્રેસ અંતર્ગત સમાજવાદી પક્ષની સ્થાપના ૧૯૩૪માં થઈ હતી. ડૉ. રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની નજીક હતા. આ સિવાય ડૉ. અશોક મહેતા, અચ્યુત પટવર્ધન અને આચાર્ય નરેન્દ્ર દેવ પણ સમાજવાદી પક્ષના આદરણીય નેતાઓ હતા. ખાસ કરીને લોહિયા અને જે.પી.એ હજારીબાગની જેલમાંથી નાસીને જે સાહસ બતાવ્યું હતું એ જોઇને તો દેશ તેમના પર આફરીન હતો. ગાંધીજી અને જે.પી. ઈચ્છતા હતા કે સમાજવાદીઓએ કાઁગ્રેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. સમાજવાદીઓ આધુનિક દૃષ્ટિકોણ ધરાવે છે, ઉદારમતવાદી અને પ્રગતિશીલ છે અને ઉપરથી ગરીબ તરફી પણ છે. જો કે કાઁગ્રેસના જમણેરી નેતાઓને સમાજવાદીઓ દીઠ્યા ગમતા નહોતા એ જુદી વાત છે. માટે સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કાઁગ્રેસમાં જોડાઈ જવાની સલાહ આપી હતી અને ગોલવલકર ગુરુજીને જવાહરલાલ નેહરુ સાથે વાત કરવાની અને તેમને રાજી કરવાની સલાહ આપી હતી. સંઘના સરસંઘચાલક ગોલવલકરે નેહરુને ભારતનું રતન, ગરીબોની આંખોનાં નૂર અને એવાં શું શું વખાણ નહોતા કર્યા! નેહરુને લખેલા પત્રોમાં અને સંઘના ‘ઓર્ગેનાઈઝર’ નામનાં સામયિકમાં નેહરુપ્રશસ્તિનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. નેહરુ તેમની વાતમાં આવ્યા નહીં અને એ પછી સંઘે નેહરુને ગાળો દેવાનું શરું કર્યું. જો નેહરુ તેમની વાતમાં આવી ગયા હોત તો આજે જે સ્થિતિ છે એ પચાસ વરસ પહેલાં પેદા થઈ હોત.

બન્યું એવું કે સમાજવાદીઓને ગાંધી અને નેહરુ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હોવા છતાં સમાજવાદીઓએ કાઁગ્રેસમાંથી છૂટા થઈને કાઁગ્રેસમુક્ત અને કાઁગ્રેસ વિરોધી સમાજવાદી પક્ષ રચવાનો નિર્ણય લીધો. સંઘને કાઁગ્રેસમાં ઘૂસવા મળ્યું નહીં એટલે તેમણે પણ સંસદમાં સંઘનો રાજકીય બચાવ કરે એવા કોઈ રાજકીય પક્ષની આવશ્યકતા લાગી અને તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરી. પક્ષ માટે નેતા જોઈએ એટલે હિંદુ મહાસભાના નેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને ઉછીના લેવામાં આવ્યા. એમ તો હિંદુ મહાસભા નામનો હિન્દુત્વવાદી પક્ષ તેમની સામે હતો, પણ સાવરકર અને સંઘને એકબીજા માટે માન નહોતું એટલે સંઘના નેતાઓએ નવા નક્કોર પક્ષની સ્થાપના કરી હતી.

૧૯૫૧-‘૫૨માં દેશમાં પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ. એ ચૂંટણીમાં સમાજવાદી પક્ષે કાઁગ્રેસની વિરુદ્ધમાં ઝૂકાવ્યું હતું. મારો અભિપ્રાય એવો છે કે સમાજવાદી પક્ષે કાઁગ્રેસમાંથી બહાર પડવાનો જે નિર્ણય લીધો હતો એ દરેક રીતે યોગ્ય હતો. જો કાઁગ્રેસમાં રહ્યા હોત તો તેમને પ્રધાનપદાં પણ મળ્યા હોત, તેની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ સમાજવાદીઓએ કાઁગ્રેસમાંથી બહાર પડીને અલગ પક્ષ રચવાનો નિર્ણય લીધો હતો. અલગ પક્ષ રચવા માટેની ડૉ રામ મનોહર લોહિયાની દલીલ પણ ગળે ઉતરે એવી હતી. કોઈ પણ લોકશાહી દેશ માટે મજબૂત વિરોધ પક્ષ અનિવાર્ય છે. ભારત જેવા વિકાસશીલ (ત્યારે તો અવિકસિત) દેશ માટે વૈકલ્પિક વિરોધ પક્ષ ડાબેરી (લેફ્ટ ઓફ ધ સેન્ટર) હોય એ પણ જરૂરી છે. તેની વિચારનિષ્ઠા હોય ધ્રુવ જેવી અચલ હોય એ જરૂરી છે. કાર્યકર્તામાં ધ્રુવ જેવી અચલ વિચારનિષ્ઠા કેવી રીતે પેદા થઈ શકે? ડૉ લોહિયાએ કહ્યું હતું કે દરેક ચૂંટણીઓ લડીને. ચૂંટણી સત્તા માટેની માત્ર સીડી નથી, વૈચારિક પ્રશિક્ષણનું માધ્યમ પણ છે. એટલે સમાજવાદીઓ ચૂંટણી હારવાનો ડર રાખ્યા વિના પ્રજાનું અને કાર્યકર્તાનું પ્રબોધન કરવા દરેક ચૂંટણી લડશે. પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષે આચાર્ય નરેન્દ્ર દેવને જવાહરલાલ નેહરુ સામે ઊભા રાખ્યા હતા. જીતવા માટે નહીં, પણ પ્રશિક્ષણ માટે. બીજું પક્ષનો દરેક કાર્યકર્તા લોકોના પ્રશ્નો લઈને સંઘર્ષ કરશે અને જેલમાં જશે. પ્રજાના પ્રશ્ને જેલમાં જતો નેતા આપોઆપ પ્રજાનો આદર રળે છે. બીજું, જેલ કાર્યકર્તાની અંદર આત્મવિશ્વાસ પેદા કરે છે અને જેલ પ્રબોધનની સર્વોચ્ચ પાઠશાળા છે. એ પછી ડૉ. લોહિયાએ કહ્યું હતું કે ચૂંટણી લડવાની ન હોય અને સંઘર્ષ માટે કોઈ મુદ્દો ન હોય તો પક્ષના કાર્યકર્તાએ લોકોની વચ્ચે રચનાત્મક કામ કરવું જોઈએ. ડૉ. લોહિયાએ ત્રિસૂત્રી કાર્યક્રમ આપ્યો હતો. મતપેટી, જેલ અને પાવડો.

સમાજવાદીઓ સામે ચાલીને સત્તાથી દૂર ગયા હતા. દેશને રાજકીય વિકલ્પ આપવા. ડૉ. લોહિયાની ઉપર કહી એ પ્રસ્થાનત્રયી જોઇને તમે પણ પ્રભાવિત થયા હશો. કેવો મહાન સંકલ્પ અને કેવી વૈચારિક સ્પષ્ટતા!

૧૯૫૧-૫૨માં દેશમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી યોજાઈ. ૫૧-’૫૨ એટલા માટે કે પહેલી ચૂંટણી યોજવામાં છ મહિના લાગ્યા હતા. દેશમાં રસ્તાઓ નહોતા, નદીઓ પર પૂલ નહોતા, દેશની ૮૦ ટકા પ્રજા ગામડાઓમાં વસતી હતી અને દસથી પંદર ટકા પ્રજા ગાડાવટ પણ ન હોય એવા જંગલ કે અંતરિયાળ પ્રદેશમાં વસતી હતી. ભારતનાં અમૂલ્ય લોકતંત્રનો એ પહેલો ઉત્સવ હતો જેનો અત્યારે કમનસીબે નાભીશ્વાસ ચાલી રહ્યો છે. ૨૦૨૪ પછી ભારતમાં કદાચ લોકતંત્ર નહીં બચે.

ખેર, એ ચૂંટણીમાં કુલ ૫૩ પક્ષોએ ભાગ લીધો હતો જેમાંથી કાઁગ્રેસ અને સમાજવાદી પક્ષ તેમ જ બીજા બે-ચાર પક્ષોને છોડીને બાકીના પક્ષોને ભારતનાં આઝાદીનાં આંદોલન દરમ્યાન વિકસેલી અને દેશના બંધારણમાં આકાર પામેલી ભારતની કલ્પના સ્વીકાર્ય નહોતી. લગભગ ૪૫ જેટલા પક્ષો ભારતની કલ્પનાને નકારનારા હતા, ત્યારે કલ્પના કરો કે કાઁગ્રેસના વિકલ્પે ભારતની કલ્પનાને સ્વીકારનારા સમાજવાદી પક્ષનો કેટલો ખપ હશે! ૧૯૫૧-‘૫૨માં જવાહરલાલ નેહરુની સામે ડૉ. અશોક મહેતા સમાજવાદીઓના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા. “દેશ કા નેતા અશોક મેહતા” એ ત્યારે ઘર ઘર બોલાતું સૂત્ર હતું.

છેવટે છ મહિના લાંબી ચાલેલી ચૂંટણીનાં પરિણામ આવ્યાં. સમાજવાદી પક્ષને લોકસભાની ૧૨ બેઠકો સાથે ૧૦.૫૯ ટકા મત મળ્યા. ભારતીય જનસંઘને માત્ર ૩.૦૬ ટકા મત સાથે ત્રણ બેઠકો મળી. અને એ પછી એક યાત્રા શરૂ થાય છે જેમાં સમાજવાદીઓ ભટકી પડે છે અને પ્રારંભમાં કહ્યું એમ દેશ માટે અભિશાપ સાબિત થાય છે. એ કઈ રીતે એની વાત હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ફેબ્રુઆરી 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—233

દીપક મહેતા|Opinion - Opinion|3 February 2024

ડિક્ષનરી ભલે ગમે તે કહે 

‘બજાર’ અને ‘માર્કેટ’ શબ્દો સરખા, પણ બંનેની તાસીર સાવ જૂદી                 

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી

મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં …

વિનોદ જોશીનું બહુ જાણીતું-માનીતું આ ગીત આજે યાદ આવવાનું કારણ? કારણ આજે આપણે મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને ફરવા જવાના છીએ ૧૯મી સદીના મધ્ય ભાગના મુંબઈનાં બજારોમાં. પંદર દિવસ પહેલાં આપણે તેમની સાથે તેમના જમાનાના મુંબઈની સ્કૂલો અને એક માત્ર કોલેજ જોવા ગયા હતા. આજે જઈએ બજારમાં.

ડિક્ષનરી ખોલીને જોઈએ તો તે કહેશે કે બજાર એટલે માર્કેટ, અને માર્કેટ એટલે બજાર. પણ ના. પશ્ચિમના લોકોની માર્કેટ અને મુંબઈની, બલકે હિન્દુસ્તાનની બજાર એક નથી, બંને જુદાં છે. આપણે માટે માર્કેટ એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી, શણગારાયેલી દુકાનોની હારમાળા. જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા માટે આપણે ત્યાં જઈએ. મુંબઈની, બલકે હિન્દુસ્તાનની બજાર એટલે આડી અવળી, નાની મોટી દુકાનો, દુકાનોની બહાર સાંકડી શેરીઓમાં બેઠેલા ફેરિયાઓ, અને કશું જ ખરીદવાનું ન હોય તો ય લટાર મારતા, ફેરિયા સાથે ભાવતાલ કરતા, અને પછી આગળ વધતા લોકો. 

શાકવાળો

આપણે ત્યાં માર્કેટમાં જવું એટલે બનીઠનીને જવું. કુંવારી છોકરીઓના મનમાં તો એવી આશા ય ખરી કે કોક ફૂટડો જુવાન મળી જાય તો કેવું સારું! પણ અહીંના લોક, જુવાન સ્ત્રીઓ સુધ્ધાં, સાવ સાદાં કપડાંમાં બજારમાં હટાણું કરવા જાય. હાથમાં કપડાની સીવેલી બે-ત્રણ થેલીઓ – જેને કેટલાક ‘ઝોળી’ પણ કહે – તે હોય. એક કરિયાણા માટે, બીજી શાકભાજી માટે, તો બીજી ખરીદી માટે વળી ત્રીજી. શાકભાજી કે ફ્રૂટ ત્રાજવે તોળીને દુકાનદાર નાખે ઘરાકની થેલીમાં. એને ‘પેક’ કરવાની જરૂર ન વેચનારાને લાગે, ન ખરીદનારાને. કરિયાણું વેચતો દુકાનદાર પણ જણસ તોળી તોળીને કાગળના પડીકામાં બાંધીને આપી દે. 

આપણે ત્યાં ઘણુંખરું દુકાનો કાચનાં બારણાંવાળી. બારણું બંધ હોય. હડસેલીને અંદર જવાનું. અહીંની દુકાનો ખુલ્લી, ઘણી તો એટલી નાની કે દુકાનની બહાર ઊભા રહીને જ લેવડ-દેવડ કરવી પડે. દુકાનમાં સજાવેલી વસ્તુઓ પર ધૂળના થર જામે એની ચિંતા ન વેચનારાને, કે ન ખરીદનારાને. અને એક ચોમાસાને બાદ કરતાં બધો વખત ગરમી, પસીનો, ધૂળ, અને – અને ગંદકી. પણ આ બધું તો આપણને અકળાવે. આ શહેરના લોકોને, કે આસપાસનાં ગામોમાંથી મુંબઈ ‘જોવા’ આવેલાઓને માટે તો એની કશી જ વિસાત નહિ. 

અહીંના દુકાનદારો બડા ચાલાક. આવેલો ઘરાક મુંબઈનો છે કે બહારગામથી આવેલો છે, એ આંખના પલકારામાં પારખી કાઢે, અને એ પ્રમાણે માલ બતાવે, ભાવતાલ કરે. અને ગોરી ચામડીવાળા ઘરાક માટેના ભાવ તો વળી જૂદા જ હોય. રકઝક પછી ભાવ થોડો ઘટાડે તો ય એ ‘લોકલ’ ઘરાક માટેના ભાવ કરતાં તો ઊંચો જ હોય! ગોરી ચામડી હોવાનો આ એક ખાસ લાભ!   

૧૯મી સદીના મુંબઈની બજાર 

મુંબઈ એક એવું શહેર છે જ્યાં આખા હિન્દુસ્તાનમાંથી રોજેરોજ લોકો ઠલવાય છે. મુંબઈ જેટલી પચરંગી વસ્તી હિન્દુસ્તાનનાં બીજા કોઈ શહેરમાં નહિ હોય. અને આ જુદા જુદા લોકોની જરૂરિયાતો, પસંદગી, વગેરે એક સરખાં તો ન જ હોય. એટલે અહીં જુદા જુદા લોકોની જરૂરિયાતો સંતોષી શકે એવી દુકાનો જોવા મળે છે. અને આ બજારોમાં માત્ર વસ્તુઓ વેચાય છે એવું જ નથી. લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ તૈયાર કરી આપનારા કારીગરો પણ આ જ બજારમાં હોય છે. કોઈ દુકાનમાં દરજીઓ હાથમાં કાતર લઈને કપડું વેતરતા હોય છે અને બીજા દરજીઓ એ સીવતા હોય છે. નાકની ડાંડી પરનાં ચશ્માંને અવારનવાર સીધાં કરીને એ કારીગરો અંગરખાં અને ચોળી જેવાં કપડાં સીવતા હોય છે. તો બીજી દુકાનમાં રંગરંગના અને ભાતભાતના ફેંટા માટેનાં કપડાં લટકાવેલાં જોવા મળે છે. હિન્દુસ્તાનના લોકો જેટલાં રંગબેરંગી કપડાં યરપ કે અમેરિકામાં ભાગ્યે જ જોવા મળે. કાચની રંગબેરંગી બંગડીઓ વેચતી દુકાનની બાજુમાં હુક્કા વેચતી દુકાન હોય એવું ય બને. અને આ હુક્કા ય પાછા બંગડીઓ જેટલા જ રંગીન અને સુશોભિત! હુક્કા વેચતા દુકાનદારો મોટે ભાગે હોય મુસલમાન. 

તો વળી બીજી દુકાનમાં પાણી ભરવાનાં સાધનોનો પિરામિડ રચેલો જોવા મળે. તેમાં માટીનાં માટલાં અને મોટી કોઠીઓની બાજુમાં જ તાંબા-પિત્તળના ઘડા, બાલદી, વગેરે આકર્ષક રીતે ગોઠવ્યાં હોય. ધનધાન્ય વેચતી દુકાનોમાં બાજરી અને જુદી જુદી દાળો શણના કોથળાઓમાં ભરેલી હોય. અને એ વેચાય વજનથી નહિ, પણ ‘પાલી’ નામના એક માપથી. તવંગર ઘરાકો માટે તાંબા-પિત્તળના મોટા થાળમાં અરબસ્તાનથી આવેલ ખજૂર અને બસરાથી આવેલ હલવાનાં ચોસલાં ગોઠવ્યાં હોય. બસરામાં બનેલો આ હલવો માટીની બનેલી મોટી મોટી તાસકમાં મુંબઈ આવે છે.

 

શ્રી ગોડીજી પાર્શ્વનાથ

મુંબઈના વેપારી બજારોમાં જૈન લોકોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. એટલે અહીંની બજારમાં જૈનોનાં ઘણાં મંદિર જોવા મળે છે. હિંદુ મંદિરો કરતાં આ જૈન મંદિરો જુદાં પડે છે. તેમની બાંધણી ઘણે ભાગે રહેણાંકનાં મકાનો જેવી હોય છે. પણ તેના બહારના ભાગ પરની આગવી કોતરણી તરત જ બીજાં મકાનોથી તેમને જૂદાં પાડે છે. અહીં બારીક કોતરણીકામની સાથોસાથ ભડક રંગમાં રંગાયેલાં ચિત્રો પણ જોવા મળે છે. 

છેલ્લાં કેટલાંક વરસથી રોજ વહેલી સવારે શહેરના મુખ્ય રસ્તાઓ પાણીથી ધોવાય છે એટલું જ નહિ, તેની ધાર પર થાંભલાઓ મૂકી દીવા પણ ગોઠવવામાં આવ્યા છે. એટલે હવે અહીંના રસ્તા પહેલાં જેટલા ધૂળિયા નથી, અને અંધારા પહેલાં બજારો બંધ થતી જાય અને લોકો પોતપોતાના ઘરમાં ઘૂસી જાય એવું પણ બનતું નથી. જો કે અંધારું થયાના બે-ત્રણ કલાક પછી તો ચોર-લૂંટારાનો ભય રહે જ છે. એટલે રસ્તાઓ પર ઘોડા ગાડી કે બીજાં વાહનો તો સવાર પડ્યા પછી ય એક-બે કલાકે જ જોવા મળે. 

હા, અમુક સિઝનમાં મોડી રાતે કે વહેલી સવારે લગ્નના ‘વરઘોડા’ રસ્તાઓ પર ફરતા જોવા મળે ખરા. પણ એમની સાથે બે-ચાર બંદૂકધારી પઠાણો તો હોય જ. આ વરઘોડા કશી રોકટોક વગર ઢોલ-ત્રાંસા અને બીજાં વાજિંત્રો વડે કાનના પડદા ફાટી જાય એવો ઘોંઘાટ કરે, જેને અહીંના લોકો ‘સંગીત’માં ખપાવે છે. વરરાજા ઘોડી પર સવાર થયો હોય. માથા પર ‘કિટ્સન લાઈટ’નો ભાર ઉપાડીને નોકરાણીઓ સાથે ચાલતી હોય, અને છેક ઘોડીના પગ પાસે ફટાકડાની લૂમની લૂમ ફૂટતી હોય! અને આ બધાંની વચ્ચે સજેલીધજેલી સ્ત્રીઓ ગીતો ગાતી હોય! એ ગીતો એમને પોતાને પણ સંભળાતાં હશે કે કેમ એ તો એ સ્ત્રીઓ જ જાણે!

મુંબઈના રસ્તાઓ પર ટહેલવા નીકળવું હોય તો વહેલી સવારે નીકળવું જોઈએ. એ વખતે રસ્તા ચોખ્ખા ચણાક હોય, અવરજવર ઓછી હોય. બજારોમાં કામ કરતા મજૂરો મોડી રાતે સૂએ એટલે હજી પોતાની કામળી ઓઢીને રસ્તાની ધારે ટૂંટિયું વાળીને સૂતા હોય. રસ્તાઓ પર અવરજવર ઓછી હોય એટલે બજારોમાં શાકભાજી અને ફળફળાદિ સહેલાઈથી ઠલવાતાં જાય. માથે મૂકેલા માટીના ઘડામાં ભરેલી તાજી તાડી વેચવા ભંડારીઓ રસ્તા પર ફરતા હોય. દુકાનના ઓટલા પર બેસીને હિંદુ છોકરીઓ રંગબેરંગી ફૂલના હાર ગૂંથતી હોય. આમ, વહેલી સવારે વાતાવરણ શાંત અને તાજગીભર્યું હોય. 

પણ પછી જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ વધતાં જાય ગરમી, ભીડ, અને ઘોંઘાટ. હા, આપણા જેવા જે લોકો ટેવાયેલા ન હોય તેમને માટે ભર બપોરે અહીંની બજારમાં જવું અઘરું. પણ થોડી હિંમત કરીને જવા જેવું. હા, ગરમી, ધૂળ, ઘોંઘાટનો સામનો કરવા તૈયાર રહેવું પડે. છતાં કંઈ નહિ તો આ બજારની શરૂઆત થાય છે એ નાકે જઈને થોડી વાર તો ઊભા રહેવું જોઈએ. તમારી નજર સામે રસ્તો નહિ, જાણે માણસોથી ભરેલી નદી વહી રહી છે એવું લાગે. એ ભીડમાંનો દરેક માણસ બીજા કરતાં આગળ નીકળી જવા મથે છે અને એટલે ધક્કામુક્કી કે બૂમાબૂમ કરતાં અચકાતો નથી. બજારમાં આવેલો દરેક માણસ કાં વેચવા કે કાં ખરીદવા આવ્યો છે. 

મુંબઈ બહારનો માણસ અહીનું ચીંચ બજાર જોઇને તો આભો થઈ જાય. આ બજાર ચીંચ બંદર જતા રસ્તા પર આવેલું છે. નાનાં મોટાં વહાણો અને મછવા જાતજાતનો માલસામાન આ ચીંચ બંદરે ઉતારે છે. એટલે આખો દિવસ આ આખો વિસ્તાર વેપારથી ધમધમતો રહે છે. પૂર્વના અનેક દેશોનાં વહાણ અહીં આવે છે અને પોતાના દેશનો માલ આ બંદરે ઠાલવે છે. અહીં એક બાજુ મરીમસાલા અને તેજાનાની ગુણીઓ ખડકાયેલી છે તો બીજી બાજુ તેલ અને ગુલાબ જળથી ભરેલાં લાકડાનાં પીપડાં ખડકાયેલાં છે. સિલોનથી આવેલ કીમતી હાથી દાંત અને ઝાંઝીબારથી આવેલ ગેંડાનાં ચામડાં બહુ જતનથી એક બાજુ મૂક્યાં છે. હિન્દુતાનના બીજા પ્રદેશો ઉપરાંત આફ્રિકા, પર્શિયા, અરબસ્તાન જેવા દેશોની કંઈ કેટલીયે જણસો અહીં રોજેરોજ ઠલવાય છે. તો કેટલીક દુકાનો જાડાં મજબૂત દોરડાં, લાકડાની મોટી મોટી પાટ, અને લોઢાનાં લંગર વેચતી હોય છે. કારણ અહીં આવતાં-જતાં વહાણોને એ બધી વસ્તુ વગર ચાલે જ નહિ. 

પારસીની પાલખી 

અહીંના રસ્તા પર ચાલતા મજૂરો કપાસની મોટી મોટી ચોરસ ગાંસડીઓ પીઠ પર ઉપાડીને બેવડ વળી ગયા હોય છે. આરબ વેપારીઓ તેમનો આગવો ફેંટો બાંધી, ઢીલો, લાંબો ઝબ્બો પહેરીને નિરાંતવા જીવે ટહેલતા હોય છે. લાલ પાઘડી પહેરેલા વાણિયાઓ હાથમાં કલમ, ખડિયો, અને જાડા કાગળની થપ્પી લઈને ધક્કામુક્કી કરતા આગળ જવા મથતા હોય છે. ભિસ્તીઓ ચામડાની મશકમાં ભરેલું પાણી હિંદુઓ અને જૈનો સિવાયનાને વેચતા હોય છે. દેશના હરેક ભાગમાંથી આવેલા ઓલિયા-ફકીર બે પૈસાના બદલામાં તમારાં બધાં દુઃખ દૂર કરવાની ખાતરી આપતા ફરતા હોય છે. અને આ બધાના ટોળામાં ખ્રિસ્તી પાદરીઓ અને બેને ઈઝરાઈલના યહૂદીઓ પણ ભળી જતા હોય છે. આવા જાતજાતના અને ભાતભાતના લોકોનાં ટોળાં વચ્ચેથી રસ્તો કરીને આગળ જવા કોઈક ગાડાવાળો મથતો હોય છે, પણ કોઈ પારસી શેઠની શણગારેલી પાલખી આવતી હોય તો ભોઈઓની લાકડીઓ પર બાંધેલી ઘંટડીઓનો રણકાર સંભળાતાં જ આગળના લોકો પોતાની મેળે આઘા ખસીને મારગ કરી આપતા હોય છે. અને પાલખીની પાછળ ચાલતા લોકો ડોકી ઊંચી કરી કરીને પાલખીની અંદર ઝાંકવા મથતા હોય છે. 

લેખિકાની પાલખીમાંથી મુંબઈની બજારો જોવાનું આવતે અઠવાડિયે પણ ચાલુ.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 03 ફેબ્રુઆરી 2024)

Loading

કટોકટીભર્યા વિશ્વમાં – ૨

સુમન શાહ|Opinion - Opinion|3 February 2024

સુમન શાહ

કટોકટીભર્યા આ વિશ્વમાં મને એમ થાય છે કે ગઈ સદીના કેટલાક ફિલસૂફો પાસે જઉં. ફિલસૂફો તર્કપૂત વિચારો અને તેથી સંભવતાં દર્શનોને વરેલા હોય છે, તેઓ અંગત ધોરણે કદી કોઈ વ્યક્તિ કે વિચારનો પક્ષ નથી કરતા, હમેશાં વસ્તુલક્ષી રહે છે. તેથી, ફિલસૂફી પાસેથી આપણને વાસ્તવિકતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, અને તેથી, હમેશાં આપણે ફિલસૂફીનું સેવન કરવું જોઈએ.

સૌથી પહેલાં યાદ આવે છે, દેરિદા (1930-2004). આમ તો, ‘ડેરીડાહ્’ ક્હૅવું જોઈએ, પણ વરસોથી હું દેરિદા ક્હૅતો આવ્યો છું, અને એમણે એનો વાંધો નથી લીધો, આઈ મીન, એમના અધ્યેતાઓએ …

મેં અગાઉના લેખમાં એવા મતલબનો મુદ્દો કરેલો કે લોકશાહીમાં ચૂંટણીતન્ત્રથી પ્રાપ્ત થતા મત કરતાં લોકોની સંમિશ્ર લાગણીઓ જોડે રમતો રમીને ઊભા કરેલા લોકમતની સરસાઈ હોય છે. 

વરસો પરના કોઈ લેખમાં અને કોઈ વ્યાખ્યાનમાં મેં એમ પણ કહેલું કે ‘લોકશાહી’ સંજ્ઞાનું ડિકન્સ્ટ્રકશન કરવામાં આવે તો એની નીચે સંતાયેલા રાજાશાહીના કે બાદશાહીના જીવાણુઓ મળી આવશે. મેં રમૂજ ખાતર કહેલું કે ધ્યાનથી જોશો તો દરેક લોકશાહ બાદશાહ લાગશે. 

મારા એ મન્તવ્યને દેરિદાના ડિકન્સ્ટ્રક્શન વિચારની સૈદ્ધાન્તિક ભૂમિકા હતી. પણ આજે એમના એક લોકશાહી-સંગત વિચારની વાત કરવી છે, કહો કે, મારા એ મન્તવ્યમાં ઉમેરવી છે. 

થોડાક સમય પહેલાં, ‘સ્ટેનફર્ડ ઍન્સાયક્લોપીડિયા ઑફ ફિલોસૉફી’-માં Jacues Derrida – લેખમાંથી પસાર થવાનું બનેલું. 2006-માં પ્રકાશિત એ લેખને જરૂરી ઉમેરા સાથે 2021-માં પુન:પ્રકાશિત કરવામાં આવ્યો છે. એમાં, દેરિદાના 2002-માં પ્રકાશિત Rogues પુસ્તકના The Reason of the Strongest-નો ઉલ્લેખ છે. એમાં મને વાંચવા મળેલો વિચાર democracy and sovereignty વિશે, એટલે કે, લોકશાહી અને સાર્વભૌમત્વ વિશે છે. જાણીતું છે કે સાર્વભૌમત્વનો મૂળ સમ્બન્ધ સર્વોચ્ચ સત્તા સાથે છે. 

યુનાઇટેડ નેશન્સની ચર્ચા કરતાં દેરિદા જણાવે છે કે લોકશાહી અને સાર્વભૌમત્વ વિભાવો પશ્ચિમી રાજનીતિ સાથે જોડાયેલા છે, ઉમેરે છે કે, પણ એને ભેગા કરી દેવાયા છે. હકીકત એ છે કે એ બે વિભાવો વચ્ચે ભેદ છે, બન્ને એકબીજાના વિરોધી છે.  

દેરિદા ફિલસૂફ છે, એમની વિચારણા સંકુલ અને અનેક અર્થઘટનોને આવકારે એવી મુક્ત હોય છે. સર્વોચ્ચ સત્તાનું સત્ત્વ – ઇસેન્સ – સમજાવતાં દેરિદા જે કહે છે તેનો સાર, અતિ સરલીકરણ ન કરી બેસું એ સાવધતા સાથે, મારા શબ્દોમાં આપું :

સર્વોચ્ચ સત્તાધીશ થવા ઇચ્છતી વ્યક્તિએ સત્તા હાંસલ કરવી પડે. સત્તાના ઉપયોગની એણે જવાબદારી ઉઠાવવી પડે. સત્તા એણે ચૂપચાપ વાપરી બતાવવાની હોય છે. કયાં કારણોસર વાપરી એ જણાવવા એ બંધાયેલો નથી. બીજા શબ્દોમાં એમ કહેવાય કે સત્તાને એ અવિભાજ્ય રૂપમાં મેળવવા માગતો હોય છે; યત્નશીલ રહે છે કે કોઈને સહભાગી ન બનાવવા પડે, સત્તાની વહેંચણી ન કરવી પડે. પણ વહેંચણી નહીં કરવાથી ચૉકક્સ નિર્ણયો લેવામાં સત્તા વપરાઈ જાય છે. કાર્યોનો નિર્ધાર કરવામાં અને તરત પરિણામો મળે એવાં કાર્યોનાં આયોજન કરવામાં સત્તા ખપી જાય છે. દેરિદા અનુસાર, આ ખાસ સ્વરૂપની સિન્ગ્યુલારિટી છે.

પરન્તુ લોકશાહીમાં અપેક્ષિત એ હોય છે કે સર્વોચ્ચે સત્તાની વહેંચણી કરવી, કારણો પૂરાં પાડવાં, સ્વરૂપે બધું સાર્વત્રિક કરવું, યુનિવર્સાલાઇઝ્ડ કરવું. 

સાર્વભૌમત્વ અને લોકશાહી વચ્ચે ભેદ છે તેમ સામ્ય પણ છે. સામ્ય એ કે, લોકશાહીને પણ બળ, મૉકળાશ, નિશ્ચલતા, અને સર્વોચ્ચ સત્તાની જરૂર પડે છે, એ ભલે ને બધું સાર્વત્રિક કરવા ચાહે ! ભલે ને કારણો પણ પૂરાં પાડે ! 

દેરિદા અનુસાર, લોકશાહીમાં પણ નિર્ણય, એટલે કે સત્તાનો ઉપયોગ, હમેશાં તાકીદનો વિષય હોય છે – અર્જન્ટ. પરન્તુ ભેદ એ છે કે લોકશાહી સમય માગે છે, રાહ જોવરાવે છે. કેમ? એટલા માટે કે સત્તાના ઉપયોગની ચર્ચા કે ચર્ચાઓ થઈ શકે.

લોકશાહી લોકોનું રાજ છે પણ એને ય સર્વોચ્ચ સત્તાની જરૂર તો હોય જ છે. કેમ કે તો જ એ નિર્ણયો લઈ શકે, નિર્ણયો અનુસારનાં કામો પાર પડે એ માટે અમલ બજાવી શકે, અને એ પ્રકારે મુક્તતા પ્રસરાવી જાણે. પણ અહીં જ પેલો વિરોધ ઊભો થાય છે, કેમ કે સર્વોચ્ચ સત્તાનો અર્થ જ છે, કેન્દ્રસ્થ અને એકહથ્થુ સત્તા. અને એ કારણે સમાનતા અને ભાગીદારી જેવા લોકશાહીય આદર્શો સાથે અથડામણ ઊભી થાય છે. એટલે કેટલા ય ચિન્તકો લોકશાહીમાં થતા સત્તાના ઉપયોગને સત્તાનો દુરુપયોગ ગણે છે —In democracy the use of power therefore is always an abuse of power.

ભારત, અમેરિકા કે બીજાં રાષ્ટ્રોમાં પ્રવર્તતી લોકશાહી – એ સંકેતને ડીકન્સ્ટ્રક્ટ કરીએ તો શું જોવા મળે છે? સમાનતા અને ભાગીદારીના લોકશાહીય આદર્શો સાથેની અથડામણનું નિવારણ જોવા મળે છે ખરું? એટલે કે લોકશાહી અને સાર્વભૌમત્વ સંતુલિત હોય છે? કે લોકશાહીના મુખવટા હેઠળ સાર્વભૌમત્વની જ આણ વરતાય છે? એટલે કે, સર્વોચ્ચે સત્તાની વહેંચણી શાસક પક્ષના સભ્યો જોડે કેટલી અને કેવા સ્વરૂપે કરી છે? એમની જોડે પ્રશ્નો અને તેના ઉકેલો માટે વિમર્શપરામર્શ કર્યો છે? એટલે કે, સત્તાની વહેંચણી એના સદર્થે પ્રસરી છે ખરી?

આ સંદર્ભમાં, થોડીક ફિલસૂફીપરક વાત પણ ઉમેરી લઉં : 

એકબીજા સાથે વિચાર કે મન્તવ્યના વિનિમય વિના, એવા સંક્રમણ કે કૉમ્યુનિકેશન વિના, સત્તા કદી પ્રયોજી શકાતી નથી, એ હકીકત છે. દેરિદા કહે છે : હું જેવો બીજા સાથે બોલવા માંડું, મારે કારણો આપવાના કાયદાને અનુસરવું પડે છે, હું એને આભાસી રૂપે સાર્વત્રિક બનાવી શકાય એ માધ્યમનો (મુખ્યત્વે ભાષાનો) સહભાગી બનાવું છું, હું એને મારા અધિકૃત હું-નો, હું-પદનો, સહભાગી બનાવું છું : — As soon as I speak to the other, I submit to the law of giving reason(s), I share a virtually universalizable medium, I divide my authority. 

આ મુદ્દાની દાર્શનિક ભૂમિકા ડિકન્સ્ટ્રક્શન-વિચારમાં છે. Rogues -માં મુકાયેલું આ વિધાન જુઓ :

Derrida’s deconstruction not only of the hearing-oneself-speak auto-affection but also of the auto-affection of the promising-to-oneself to keep a secret. 

એને સમજવાનો અને સજાવવાનો પ્રયત્ન કરું : 

Hearing-oneself-speak : હું બોલું એટલે તુર્ત હું મને સાંભળું છું. એવા સદ્ય અને સમ્પ્રજ્ઞાત આત્મતત્ત્વનો હ્યુસેર્લ વગેરે ફિનોમિનૉલોજીને વરેલા વિદ્વાનો મહિમા કરતા હતા. પણ દેરિદા જુદું કહે છે : બોલાય અને સંભળાય એ વચ્ચે જરાક સમય લાગે છે, ‘gap’ અથવા ‘differAnce’. તેથી, પોતે પોતાને સાંભળે એ સદ્ય અને સાક્ષાત્ અનુભવમાં ખલેલ પડે છે. (gap અને differAnce બન્ને સંજ્ઞાના સંકેતાર્થ દેરિદામાં એમની રીતના છે).

Promising-to-oneself : હું promiss -વચન – પાળું એ એક auto-affection છે, કેમ કે એમાં તો હું જ મારી સાથે બંધાતો હોઉં છું કે કોઈપણ ભવિષ્યમાં એ વચન પાળીશ. પણ દેરિદા જુદું કહે છે : કોઇપણ વચન માટે ભાષા જોઈએ, બહારના સંજોગોનો સંદર્ભ પણ જોઈએ. દેખીતું છે કે હું શૂન્યાવકાશમાં તો વચન ન વદી શકું ! મારા વચનને એક ભવિષ્યની તેમ જ એક એવી શક્યતાની જરૂર પડવાની જેમાં હું બીજાઓ સાથે આદાનપ્રદાન કરી શકું. 

દેરિદા અહીં આત્મરત, સદ્ય અને સુયોજિત ચેતનાના વિભાવને પડકારે છે. કુદરતી દીસતા આ અનુભવને દેરિદા ડિકન્સ્ટ્રક્ટ કરે છે, આત્મતત્ત્વ અને આત્મલક્ષીતા પાછળની પરમ્પરાગત અવધારણાઓને પડકારે છે. એમનું કહેવું એમ છે કે સ્વપ્રમાણિત દીસતો આ અનુભવ આન્તરિક રીતે તો ભેદો અને અન્યતાથી, alterity-થી, રચાયો છે, સમાજ સાથેની ક્રિયાપ્રતિક્રિયા તેમ જ અર્થઘટનની સંદિગ્ધતા સાથે સંકળાયેલો છે. એથી બાહ્ય વિશ્વ સાથેનું એનું ખરું ખુલ્લાપણું સૂચવાય છે. 

લોકશાહી અનુત્તમ શાસનપ્રણાલિ છે, એમાં બેમત નથી. એ લોકાભિમુખ છે, એમાં પણ બેમત નથી. દેરિદા કહે છે એવું બાહ્ય વિશ્વ સાથેનું એનું ખરું ખુલ્લાપણું પણ સ્વયંસ્પષ્ટ છે. એમાં બીજાને, એટલે કે, વિપક્ષ અને મીડિઆ સહિતના સૌને, સાંભળવાની સહિયા પણ છે. તેમછતાં, કેટલીયે વાર સર્વસત્તાધીશના અવાજમાં બીજા બધા અવાજ શમી જાય છે, એવું કેમ? અંદરનાં કે બહારનાં પોલાણથી કદાચ લોકશાહી એક ખોખલી શાસનપ્રણાલિ તો પુરવાર નથી થતી ને? 

= = =

(ક્રમશ:)
(02/03/24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...806807808809...820830840...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved