Opinion Magazine
Number of visits: 9457702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોબેલ પુરસ્કાર: અમેરિકા કેમ ઇમિગ્રન્ટ બૌદ્ધિકો માટે સ્વર્ગ સમાન છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 October 2023

રાજ ગોસ્વામી

2023ના નોબેલ પુરષ્કાર વિજેતાઓ ગયા અઠવાડિયે જાહેર થઇ ગયા છે. સ્વીડિશ એકેડેમી દર વર્ષે કુલ 7 ક્ષેત્રો – કેમેસ્ટ્રી, ફીઝિક્સ, ઇકોનોમિકસ, ફીઝિઓલોજી, મેડિસિન, સાહિત્ય અને અને શાંતિ માટે નોબેલ પુરષ્કાર આપે છે. તેના વિજેતાઓની સૂચિ વિવિધ ક્ષેત્રો અને વિદ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તે બધા માનવતાની પ્રગતિમાં તેમના અસાધારણ યોગદાનથી જોડાયેલા છે. તેમનાં કામથી આપણી આસપાસની દુનિયાની અંગેની આપણી સમજણ અને આપણા સમયના કેટલાક પડકારોને ઉકેલવાની ક્ષમતા પર ઊંડી અસર પડે છે.

નોબેલ પુરસ્કાર એ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જે સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરે છે. સ્વીડિશ ઉદ્યોગપતિ અને શોધક આલ્ફ્રેડ નોબેલની ઇચ્છાના આધારે નોબેલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

આ વખતના પુરસ્કારોમાં, અમેરિકાના કુલ છ વૈજ્ઞાનિકોને મેડિસિન, કેમેસ્ટ્રી ને ફીઝિક્સના ક્ષેત્રમાં નવીન સંશોધન કરવા બદલ નવાજવામાં આવ્યા છે. એ છમાંથી ચાર વૈજ્ઞાનિકો ઇમિગ્રન્ટ છે, મતલબ કે બીજા દેશમાંથી આવીને અમેરિકામાં સ્થાયી થયા છે.

જેમાં કેટલીન કારિકો અને ડ્રૂ વેઇઝમેનને ન્યુક્લિયોસાઇડ બેઝ ફેરફારો સંબંધિત તેમની શોધો માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેણે કોવિડ-19 સામે અસરકારક એમ.આર.એન.એ. રસીના વિકાસને સક્ષમ બનાવ્યો હતો.

કારિકોએ હંગેરીમાં પીએચ. ડી. કર્યું હતું, પણ તે ત્યાંના સામ્યવાદી શાસન હેઠળ કામ કરવા માંગતી નહોતી અને યુનાઇટેડ સ્ટેટ્સ આવીને પોસ્ટડૉક્ટરલ સંશોધક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. મોંગી બી. બાવેંડી (ફ્રાન્સ) અને એલેક્સી આઈ. એકિમોવ (ભૂતપૂર્વ સોવિયત સંઘ) નામના બે ઇમિગ્રન્ટ્સને અમેરિકાના લુઇસ ઇ. બ્રુસ સાથે રસાયણશાસ્ત્રમાં 2023નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

ચોથા વિજેતા, પિયર એગોસ્ટિનીએ ફ્રાન્સથી અમેરિકા સ્થળાંતર કર્યું. તેઓ 2005માં ઓહિયો રાજ્યમાં આવ્યા હતા અને હવે ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર એમેરિટસ છે. એગોસ્ટિનીએ બે ફ્રેન્ચ વૈજ્ઞાનિકો સાથે ભૌતિકશાસ્ત્રમાં 2023નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આ ચાર ઇમિગ્રન્ટ્સની વાર્તા સાબિત કરે છે કે અમેરિકા કેવી રીતે બીજા દેશોની પ્રતિભાઓ માટે શ્રેષ્ઠ જગ્યા છે. 2016માં, અમેરિકાના ફાળે કુલ છ નોબેલ પુરસ્કાર અંકિત થયા હતા અને એ તમામ વિજેતાઓ ઇમિગ્રન્ટ્સ હતા.

કેમેસ્ટ્રીના વિજેતા જે. ફ્રેસર સ્ટોડાર્ટ સ્કોટલેંડમાં જન્યા હતા, ફીઝિક્સના વિજેતાઓ ડંકન એમ. હાલ્ડાને, ડેવિડ થોલેસ અને માઈકલ કોસ્ટેર્લીત્ઝ અનુક્રમે બ્રિટન, સ્કોટલેંડ અને જર્મન મૂળના હતા. અર્થશાસ્ત્રમાં નોબેલ વિજેતા ઓલિવર હાર્ટ જર્મન મૂળના હતા અને બ્રિટનમાં જન્મ્યા હતા.

વાસ્તવમાં, નોબેલ પુરસ્કારોમાં અમેરિકાના ઇમિગ્રન્ટ્સનો કાયમ દબદબો રહ્યો છે. પાછલા વર્ષોના અમેરિકન નોબેલ વિજેતાઓ અંગે કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, અમેરિકાના વૈજ્ઞાનિક ક્ષેત્રે ઇમિગ્રન્ટ વૈજ્ઞાનિકોએ મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું છે. એમાં ય છેલ્લા બે દાયકામાં ઘણો વધારો થયો છે.

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી નામના એક સંગઠને કરેલા વિશ્લેષણ અનુસાર, કેમેસ્ટ્રી, મેડિસિન અને ફીઝિક્સમાં 2000ની સાલથી અત્યાર સુધીમાં અમેરિકાના ફાળે 112 નોબેલ પુરસ્કાર ગયા છે, જેમાંથી 40 પ્રતિશત, એટલે કે 45 વૈજ્ઞાનિકો ઇમિગ્રન્ટ્સ હતા. 1901માં નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત થઇ ત્યારથી 2023 સુધીમાં આ ત્રણે ક્ષેત્રોમાં અમેરિકાના નામે કુલ 319 નોબેલ અંકિત થયાં હતાં અને તેમાં 36 પ્રતિશત, એટલે કે 115 વૈજ્ઞાનિક ઇમિગ્રન્ટ્સ હતા.

2016માં, અમેરિકન પ્રમુખ પદ માટેની ચૂંટણીના પ્રચારમાં રિપલ્બિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જોરશોરથી એવું કહેતા હતા કે તેઓ જો ચૂંટાશે, તો અમેરિકામાં આવતા અને રહેતા ઇમિગ્રન્ટ્સ પર તવાઈ લાવશે, કારણ કે ઇમિગ્રન્ટ્સ અમેરિકાને નબળું પાડી રહ્યા છે.

એ જ વર્ષે અમેરિકાના છએ છ નોબેલ વિજેતા ઇમિગ્રન્ટ્સ નીકળ્યા. તેમાંના એક, કેમેસ્ટ્રી વિજેતા ફ્રેસર સ્ટોડાર્ટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “આ વખતના પુરસ્કારથી આખી દુનિયામાં એક ચોટદાર સંદેશો જવો જોઈએ કે વિજ્ઞાન વૈશ્વિક ક્ષેત્ર છે.”

યુનાઇટેડ સ્ટેટ્સ લાંબા સમયથી સમગ્ર વિશ્વના ઇમિગ્રન્ટ્સ માટે આકર્ષક સ્થાન રહ્યું છે, પણ એ દેશમાં એવું તે શું વિશેષ છે કે બૌદ્ધિકો અને વિદ્વાનો પણ ત્યાં જ જવાનું પસંદ કરે છે એટલું જ નહીં, ત્યાં જઈને શાનદાર પ્રગતિ કરે છે? તેનાં મુખ્ય 5 કારણો છે :

1. શૈક્ષણિક તકોઃ યુ.એસ.માં અસંખ્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે સમૃદ્ધ અને વૈવિધ્યસભર શૈક્ષણિક વાતાવરણ છે. આ સંસ્થાઓ ટોચના વિદ્વાનોને આકર્ષે છે અને શૈક્ષણિક શાખાઓ સંશોધનની તકો પ્રદાન કરે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો આ શૈક્ષણિક વાતાવરણનો લાભ લઈને તેમના સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાનની પ્રગતિમાં ફાળો આપે છે.

2. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ યુ.એસ. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે. તેનાથી ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને તેમના દેશોની જેમ સતાવણી અથવા સેન્સરશીપનો સામનો કરવો પડતો નથી. આ સ્વતંત્રતા બૌદ્ધિક સંવાદ અને નવીન વિચારોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. 

3. સાંસ્કૃતિક વિવિધતાઃ યુ.એસ. સંસ્કૃતિઓ અને વંશીયતાનું મિશ્રણ છે, જે તેને ઇમિગ્રન્ટ બૌદ્ધિકોના વિકાસ માટે આદર્શ બનાવે છે. પરિપ્રેક્ષ્યો અને અનુભવોની વિવિધતા બૌદ્ધિક પ્રવૃત્તિઓને સમૃદ્ધ બનાવે છે અને વૈશ્વિક મુદ્દાઓની વ્યાપક સમજણને પ્રોત્સાહન આપે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો તેમના અનન્ય પરિપ્રેક્ષ્યો અને આંતરદૃષ્ટિમાં યોગદાન આપે છે, જે વિવિધ ક્ષેત્રોમાં નવીન ઉકેલો અને પ્રગતિ તરફ દોરી જાય છે.

4. ઉદ્યોગસાહસિક તકોઃ યુ.એસ. તેની ઉદ્યોગસાહસિક ભાવના અને નવીનતા સંચાલિત અર્થતંત્ર માટે જાણીતું છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો ઘણીવાર જે નવા વિચારો, કુશળતા અને દૃષ્ટિકોણ લાવે છે, તે નવા વ્યવસાયો, તકનીકીઓ અને ઉદ્યોગોના નિર્માણમાં ફાળો આપે છે. અમેરિકા ફંડ, માર્ગદર્શન અને નેટવર્કિંગની તકો સાથે ઉદ્યોગસાહસિકતા માટે સહાયક વાતાવરણ પ્રદાન કરે છે.

5. સંસાધનોની પહોંચઃ યુ.એસ. ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને અત્યાધુનિક સુવિધાઓ, પુસ્તકાલયો, સંશોધન અનુદાન અને ભંડોળની તકો પૂરી પાડે છે. આ સંસાધનો તેમને તેમના સંશોધનોને આગળ વધારવા, પ્રયોગો કરવા અને તેમના તારણો પ્રકાશિત કરવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં, યુ.એસ. સંશોધન અનુદાન, ફેલોશિપ અને શિષ્યવૃત્તિ સહિત એક મજબૂત શૈક્ષણિક સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરે છે, જે ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને તેમના શૈક્ષણિક લક્ષ્યોને આગળ વધારવામાં મદદ કરી શકે છે.

એકંદરે, યુ.એસ. તેની શૈક્ષણિક તકો, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા, ઉદ્યોગસાહસિક ભાવના, સહયોગી સંશોધન વાતાવરણ અને સંસાધનોની પહોંચ સાથે ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો અમેરિકન સંસ્કૃતિ અને સમાજમાં તેમના યોગદાન માટે મૂલ્યવાન છે, અને તેમની હાજરી દેશના બૌદ્ધિક વાતાવરણને સમૃદ્ધ બનાવે છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મધ્યકાલીન ગુજરાતી કાવ્યસરિતામાંથી એક આચમન  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|22 October 2023

પુસ્તક પરિચય

અગ્રણી વિવેચક-સંપાદક રમણ સોની સંપાદિત ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ નામના માતબર સંચયમાં 130 કવિઓના પાચસો કરતાં વધુ પદો, તેમ જ પ્રેમાનંદના ‘ઓખાહરણ’ કે ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો સહિત સાઠ જેટલી પદ્યવાર્તાઓ/લાંબી કૃતિઓના અંશો મળે છે.

રમણભાઈ ‘સંપાદકીય’માં નોંધે છે : ‘આ સંપાદનમાં કાવ્યગુણે વધુ આકર્ષક હોય એવી કૃતિઓ અને એવાં કવિઓ વિશેષ પસંદ કરેલાં છે. પસંદગી અલબત્ત, ચુસ્ત નહીં પણ મોકળાશવાળી રાખી છે, જેથી સમગ્ર મધ્યકાલીન કવિતાનું યોગ્ય પ્રતિનિધિત્વ ઊપસી રહે.’

ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ બારમી સદીમાં થઈ ગયેલા હેમચંદ્રાચાર્યથી 1853માં અવસાન પામેલાં દયારામ સુધીનો ગણાય છે. સાતેક સદીનો આ ગાળો અનેક રાજકીય ઊલથપાથલો, ધર્મપરાયણતા અને ભક્તિભાવથી ઓતપ્રોત હતો.

સાડા સાતસો પાનાંના સુઆયોજિત અને એકંદરે સમાવેશક સંગ્રહમાં બહોળું વૈવિધ્ય છે. નરસિંહ, મીરાં, દયારામ સહિતના ભક્તિકવિતાનાં આઠ-દસ રચયિતાં છે. અખો તો  હોય જ, પણ તેના પૂર્વેના માંડણ-નરહરિ-બુટો સહિતના જ્ઞાનમાર્ગીઓ છે.

આખ્યાનકારોમાં ભાલણ, દેહલ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની તેમ જ અન્ય છે. સ્ત્રીઓનું સ્થાન ગૌણ હતું તે સદીઓમાં ગવરીબાઈ, ગંગાસતી, લોયણ, જાનકીબાઈ, કૃષ્ણાબાઈ, લીરલબાઈ, રતનબાઈ, રૂપાંદેએ સુંદર ભક્તિરચનાઓ આપી છે.

મધ્યયુગ દરમિયાન છએક સદીઓની મુસ્લિમ સત્તા અને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયના ગાળામાં રાજે, નબી મિયાં, મીઠો, હોથી, જેસલપીર, મંહમદશા કાઝી જેવાએ કૃષ્ણકીર્તન, પ્રેમભક્તિ અને તત્ત્વદર્શનની રચનાઓ લખી છે. ત્રિકમ, લખીરાજ અને કરમણ અંત્યજ મનાતા વર્ગના છે.

કબીરસાહેબના પ્રભાવ હેઠળના અઢારમી સદીના પૂર્વાર્ધના રવિભાણ સંપ્રદાયના કવિઓ જેમના નામ પછી ‘સાહેબ’ લખવાની પ્રણાલી છે – ભાણ, ખીમ, રતન, ભીમ, મોરાર, પીર તરીકે પૂજાતા જેસલ અને કતીબશા પીર.

મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આરંભ નરસિંહ પહેલાંના અપભ્રંશ ભાષામાં લખનારા હેમચન્દ્રાચાર્ય અને એમના પછી પંદરમી સદીના પૂર્વાર્ધ સુધી મારુ-ગુર્જર ગુજરાતીમાં લખનારા દસેક જૈન કવિઓથી થાય છે. તેમના અનુગામીઓ પછીની દરેક સદીમાં મળતા રહે છે.

સાધુ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, વેદાન્તી, બ્રાહ્મણ એવી ઓળખ પણ સંપાદક આપે છે. ચારણી પરંપરાની કવિતા નામે અલગ પ્રકરણમાં છ કવિઓની રચનાઓ મળે છે.

સદીઓ મુજબ બનાવવામાં આવેલા અનુક્રમમાં દરેક પ્રકરણની અંદરનો ક્રમ તેમાં સમાવિષ્ટ કવિઓને જન્મના વર્ષ પ્રમાણેનો છે. જેમના જીવનકાળની સ્પષ્ટ વિગતો મળતી નથી એવા અઢાર કવિઓનું અલગ પ્રકરણ છે. કવિઓ કયા પ્રવાહના છે તે સંપાદકે દરેક કવિની રચનાઓ પહેલાં મૂકેલા વિદ્વતાપૂર્ણ છતાં મિતાક્ષરી કર્તાપરિચયમાંથી મળે છે.

શરૂઆતની સદીઓની કવિતાનું ભાષારૂપ કંઈક અપરિચિત છે, એટલે એવી કૃતિઓ સાથે સંપાદકે સહાયક સારઅનુવાદ મૂક્યા છે. જો કે એ નરસિંહ મહેતા પહેલાંના સમયમાં લખાયેલી વસંતવિલાસ (અજ્ઞાત કવિ), હંસાઉલી (અસાઇત), રણમલ્લ છંદ (શ્રીધર વ્યાસ), ત્રિભુવનદીપક પ્રબંધ’ અને હીરાણંદ (વિદ્યાવિલાસ પવાડુ) રચનાઓના અંશો સાથે પણ મૂકવાની જરૂર હતી.

સંપાદકે મધ્યયુગીન સાહિત્યનું સ્વરૂપવૈવિધ્ય પણ સુપેરે બતાવ્યું છે. એટલે અહીં પદ, આખ્યાન, ગરબા, ભજન તો હોય જ; પણ ઓછા જાણીતા કાવ્યપ્રકારો સંચયનો વિશેષ છે.

તેમાં જિનપદ્યસૂરિના ફાગુ છે. તેમના પછીના ઇન્દ્રાવતી, ઉદયરત્ન અને કર્પૂરશેખર જેવા અન્ય જૈન કવિઓ પાસેથી ઋતુકાવ્યોના વર્ગમાં આવતી બારમાસી(સા) મળે છે.

પ્રેમલક્ષણાભક્તિના પદકવિ રત્ના પાસેથી ‘મહિના’ મળે છે. અઢારમી સદીના પ્રીતમે તેના પુરોગામી અખાની જેમ ‘જ્ઞાનમાસ’ આપ્યા છે જેમાં જ્ઞાનનો ઉપદેશ બારમાસીમાં ગૂંથવામાં આવ્યો હોય.

ગીતાકાવ્યના સ્વરૂપમાં ‘ભ્રમરગીત’ (બ્રેહેદેવ), ‘જ્ઞાનગીતા’ (નરહરી) અને ‘અખેગીત’ છે. દુહા અને રાસને સામાન્ય રીતે સૌરાષ્ટ્રના લોકસાહિત્ય સાથે જોડવામાં આવે છે, દુહામાં સહુથી પ્રાચીન રચનાઓ પાટણના હેમચન્દ્રાચાર્યે આપી છે. એમાં તેમના પછી શાલિભદ્રસૂરિ અને હિરાણંદ છે.

પુરીબાઈ પાસેથી વિવાહલઉ, અને ગોપાળદાસ પાસેથી સાખીઓ તેમ જ ચાબખા મળે છે. પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’ના અને એકાધિક આખ્યાન કાવ્યોના હિસ્સા સમાવિષ્ટ છે. વલ્લભ ભટ્ટના ત્રણ લાક્ષણિક ગરબા છે.

કવિતનો એકમાત્ર દાખલો બારમી સદીના પૂર્વાર્ધની, જેસલમેરની પિતાપુત્ર બેલડી અણંદ-કરમાણંદ મિસણની રચનાઓમાં મળે છે.

જો કે કેટલીક વાર કવિઓના પરિચયમાંથી જાણવા મળતું સ્વરૂપ વૈવિધ્ય તેમની રચનાઓમાં દેખાતું નથી, મોટે ભાગે પદો જ મળે છે. ધીરો ભગત, હરિદાસ, નિરાંત અને બાપુસાહેબની રચાઓની પસંદગીમાં આ જોવા મળે છે.

સંચયનો આખરી વિભાગ લોકગીતોનો છે. સંપાદક સ્પષ્ટતા કરે છે : ‘… લોકગીતો અર્વાચીન સમય-સંસ્કૃતિ પૂર્વેનું – મધ્યકાલીન કાવ્યસ્વરૂપ ગણાય એથી એને અહીં સ્થાન આપ્યું છે.’ એટલે અહીં  ‘એક વણઝારી ઝીલણ ઝીલતી’તી’, ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ’, જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’, ‘ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર!’, ‘મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ’, ‘સોનાવાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા’ જેવાં લોકગીતો વાંચવા મળે છે.

અત્યારે નવરાત્રીમાં આ બધાં અને બીજાં ગીતો / આરતીઓ / સ્તવનો સાંભળીએ ત્યારે તે મૂળ પાઠથી કેટલાં જુદાં પડે છે તે જોવું  રસપ્રદ બને છે.

સંપાદકના પોતાની રીતે સૌંદર્યપૂર્ણ પ્રવેશકનો વ્યાપ મધ્યકાલીન સાહિત્યની ઐતિહાસિક રાજકીય-સામાજિક ભૂમિકા જોતા મર્યાદિત લાગે છે. મધ્યયુગ દરમિયાન થયેલા ચાર સત્તાપલટા અને  ધાર્મિક પરિબળોની તેના સાહિત્યની ભાતીગળતાની સાથેનો ઘનિષ્ઠ  સંબંધ ઉપસાવવાની જરૂર હતી.

આ કામ સહુથી નોંધપાત્ર રીતે બે લખાણોમાં જોવા મળે છે : એક, અનંતરાય રાવળનું પુસ્તક ‘મધ્યકાલીન સાહિત્ય’(1976)નું બીજું પ્રકરણ; અને બે, મધ્યયુગીન ભારતીય સાહિત્યના અંગ્રેજી અનુવાદોના સાહિત્ય અકાદમી, દિલ્હીએ Medieval Indian Literature : An Anthology (1997) નામે પ્રસિદ્ધ કરેલા ત્રણ ખંડોના સંપુટમાં ગુજરાતી વિભાગના સંપાદક તરીકે ચીમનલાલ ત્રિવેદીએ પહેલાં ખંડમાં અંગ્રેજીમાં લખેલો સાઠ પાનાંનો પ્રવેશક.

આ બંને પ્રવેશકોમાંથી પસાર થતાં, રમણભાઈના સંપાદન ‘પૂર્વરંગમાં’ અપેક્ષિત મુદ્દા ધ્યાનમાં  આવે છે. તદુપરાંત, ગ્રંથનામ સૂચિ, ઉલ્લેખસૂચી તેમ જ પાનાં પરના કવિઓના નામના ફૂટર (footer) આ સંદર્ભ ગ્રંથને વધુ reader-friendly બની શક્યા હોત.

મધ્યકાલીન સાહિત્યના અનેક સંપાદનોમાં કઠિન શબ્દોની સૂચિ હોતી નથી, જે રમણભાઈના આ સંપાદનમાં પણ નથી. જયંત મેઘાણીએ મેઘાણી-સાહિત્યના દૃષ્ટાંત સમા સંપાદનમાં આ દરકાર રાખી છે. બીજા દાખલા પણ મળી શકે. ખુદ રમણભાઈએ ‘કુંવરબાઇનું મામેરું’ના સંપાદનમાં શબ્દાર્થ આપ્યા છે.

કઠિન શબ્દોની સૂચિ મધ્યકાલીન સાહિત્યના બહુ જ આરંભિક – સંભવત: પહેલાં – સંપાદનમાં છે. ઇ.સ. 1886થી 1912 દરમિયાન આઠ ખંડોમાં પ્રસિદ્ધ થયેલાં એ સંપાદનનું નામ છે ‘બૃહદ કાવ્ય દોહન’. તેના સંપાદક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853-1912) પ્રખર પત્રકાર, પ્રકાશક, અનુવાદક અને અંગ્રેજ સરકાર દ્વારા રાજદ્રોહનો આરોપ વેઠનારા દેશભક્ત હતા.

બૃહદ કાવ્યદોહન તેમણે કરેલું પાયાનું કામ છે, તે ગુજરાતી સાહિત્યના કેટલાક અભ્યાસીઓ / ઇતિહાસલેખકો અચૂક સ્વીકારે છે. પણ મધ્યકાલીન સાહિત્યના કેટલાક સંપાદકો ઇચ્છારામે, ખાસ તો એમના સમયમાં સિદ્ધ કરેલાં અસાધારણ કામની ઉચિત નોંધ લેતા નથી, અથવા તો તેને બિલકુલ ચૂકી જાય છે.

પ્રસ્તુત ગ્રંથમાં રમણ સોનીએ સ્રોત-ગ્રંથો અને સંદર્ભગ્રથોની જે યાદી આપી છે તેમાં બળવંત  જાની અને મનસુખ સલ્લાએ સંકલિત કરેલાં ‘બૃહત કાવ્યદોહન’ (પુનર્વ્યવસ્થા) ખંડ 1થી4’નો ઉલ્લેખ છે. આ સંપુટમાં બંને સંકલનકારોએ ઇચ્છારામ જે સંપાદનની ‘પુનર્વ્યવસ્થા’ કરી છે તેમાં ઇચ્છારામની નહીંવત નોંધ લીધી છે.

કનુ પટેલનું આવરણચિત્ર પરંપરાગત અક્ષરલેખન અને ચિત્રાત્મકતા છતાં સુંદર બન્યું છે. પુસ્તકનાં પાનાં પરની માંડણી આ પ્રકારના પુસ્તકમાં હોવી જોઈએ તેવી એટલે કે શક્ય એટલી મોકળાશભરી છે, અને બાંધણી પણ પૂરતી મજબૂત છે.

આ ગ્રંથ વધુ રમણીય ડિજિટલ સ્વરૂપે એકત્ર ફાઉન્ડેશને ઇન્ટરનેટ પર મૂક્યો છે. છપાયેલા પુસ્તકના કવિચિત્રોમાંથી કેટલાક કલાગુરુ રવિશંકર રાવળે દોરેલાં છે. નમૂનાની હસ્તપ્રતો પણ જોવા મળે છે. આ બંને સંચયની ઇ-આવૃત્તિમાં ઘણાં આકર્ષક લાગે છે.

ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્ય પરના અનેક સંપાદનો અને અભ્યાસો થયાં છે. ઇચ્છારામથી શરૂ થયેલી પરંપરામાં રમણ સોની એક મહત્ત્વની કડી છે એવું તેમની કારકિર્દી અને તેમના પુસ્તકોની યાદી બંને બતાવે છે. એટલે તેમની પાસેથી અપેક્ષા વધુ રહે છે. 

(950 શબ્દો)
[આભાર : નલિનીબહેન દેસાઈ, તોરલબહેન પટેલ, અજય રાવલ]

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌—-‌‌‌———————————–

પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, 2023, રૂ. 1500/- 

પ્રાપ્તિસ્થાન : 

ગૂર્જર, સંપર્ક : 079-26934340, 22144663, 22149660, મો. 9835368759
ગ્રંથવિહાર, 079-26587949, 9898762263
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કથળેલી વૈશ્વિક વ્યવસ્થા અને સશસ્ત્ર રાજ્યોની અસલામતીનું પરિણામ ત્રીજું વિશ્વયુદ્ધ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 October 2023

આતંકવાદી સંગઠન હોય કે પોતાની સત્તા ટોચ પર મૂકવા દોડતા રાષ્ટ્રો હોય, દરેક પોતાના વિરોધી દેશની નબળાઈઓ અને મર્યાદાઓથી વાકેફ છે અને તેનો જ ઉપયોગ કરી તેઓ પોતાના પાયાને મજબૂત કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝંપલાવી ચૂક્યા છે, અથવા તે માટે સાબદાં થઈ રહ્યા છે

ચિરંતના ભટ્ટ

ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની તીવ્રતા ઘટવાનું નામ નથી લઈ રહી અને આ સ્થિતિને કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની શક્યતાઓને વેગ મળી શકે છે. સાવ અણધારી રીતે ભડકેલા આ સંઘર્ષની અસર ઇઝરાયલ અને ગાઝા અથવા તો મિડલ-ઇસ્ટ પUરતી જ સીમિત રહેશે એમ માનવાની ભૂલ ન કરવી જોઈએ. લિબિયા, સિરિયા, ઇરાન અને પેલેસ્ટાઈનમાં અચાનક જ ભડકેલી આગને પગલે વૈશ્વિક યુદ્ધની સંભાવનાઓ ઘેરી કરી દીધી છે. ખાસ કરીને જો યુ.એસ.એ. અને ચીન જો સીધા સંઘર્ષમાં ઉતરે તો પછી ત્રીજું વિશ્વ યુદ્ધ થયું જ સમજો. યુક્રેન અને રશિયા વચ્ચે તો સંઘર્ષ ચાલી જ રહ્યો છે અને તેમા અધૂરામાં પૂરું હમાસ અને ઇઝરાયલ વચ્ચે પણ હિંસક તણાવ પેદા થયો. આ સંજોગોમાં એ સમજવું પણ જરૂરી છે કે આ બન્ને યુદ્ધ કે સંઘર્ષમાં જે ચાર રાષ્ટ્રો સીધે સીધા એકબીજાની સામે છે તે ખરેખર તો જે દેખાય છે તેના કરતાં વધુ મોટા સત્તા સંઘર્ષનો હિસ્સો છે. વિશ્વમાં સત્તાની શતરંજની બાજીને પલટી નાખીને નવી વ્યવસ્થા ખડી કરવાના ઈરાદા ધરાવતા રાષ્ટ્રો એક યા બીજી રીતે રશિયા યુક્રેન તથા હમાસ ઇઝરાયલના સંઘર્ષ સાથે સંકળાયેલા છે.

ટૂંકમાં અત્યારે ચાલી રહેલા બન્ને યુદ્ધની કિંમત ચૂકવવાનો વારો તેમને ટેકો આપતા દેશોનો આવશે અને તે ભારે પડશે. જેમ કે ચીન અને રશિયા બન્નેને યુ.એસ.એ. સામે વાંધો છે અને ઇઝરાયલ – ગાઝા વચ્ચેના સંઘર્ષને મામલે બન્ને દેશોએ સ્પષ્ટ કહી દીધું છે કે સાત દાયકા જૂના વિવાદને ઉકેલવો જોઈએ અને પેલેસ્ટાઇનનું સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થવું જ જોઈએ. એક તરફ યુ.એસ.એ. અને ઇઝરાયલ છે તો બીજી તરફ પેલેસ્ટાઇન તરફી વલણ રાખનાર ચીન છે. ટૂંકમાં ઇઝરાયલમાં ઘટેલી ઘટનાઓએ સાબિત કરી દીધું છે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાયના મામલે વિશ્વ એક તાંતણે નથી બંધાયેલું. અમુકે ઇઝરાયલને ટેકો આપ્યો તે બીજાઓએ હમાસે ઇઝરાયલ પર જે આતંકી હુમલો કર્યો તેને પણ યોગ્ય ઠેરવ્યો. પણ યહૂદીઓ અને આરબો વચ્ચેનો આંતરરાષ્ટ્રીય સંઘર્ષ આપણને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલી જનારું એક માત્ર કારણ નથી. ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઘણાં વર્ષોની અકળામણનું કારણ છે પણ આજે સિરિયા, લેબેનોન અને ઇરાન આ આગમાં ઘી હોમી તેને વધુ ભડકાવવાનું કામ કરી રહ્યા છે. એવું ય બને કે ઇઝરાયલને એક સાથે પાંચ મોરચે યુદ્ધ શરૂ કરવું પડે.

યુ.એસ.એ. અને અન્ય સાથી દેશો યુદ્ધના સંજોગો તીવ્ર ન બને તે માટે હિઝબુલ્લા આતંકીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પરંતુ એ ગણતરી રાખવી પણ જરૂરી છે કે હિઝબુલ્લાને મુખ્યત્વે આર્થિક ટેકો આપવામાં ઇરાનનો હાથ છે અને માટે જ તે ઇઝરાયલ પર હુમલો કરવામાં પાછું વળીને ન જુએ તે સ્વાભાવિક છે. યુ.એ.ઇ.એ ચેતવણી આપી હોવા છતાં સિરિયાએ ઇઝરાયલ પર બોમ્બ શેલિંગ શરૂ કરી જ દીધું છે. ઇઝરાયલી વડા પ્રધાને ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે લાંબા સમયથી ચેતવણી આપી છે અને ઇરાન પર હુમલો કરવાની ધમકી પણ આપી છે. જો કે હમાસે કરેલા હુમલાને પગલે ઇઝરાયલી જે વાત હજી સુધી માત્ર વ્યૂહાત્મક ધમકીમાં આપતું હતું તેની પર હવે વાસ્તવિકતામાં પગલાં લે એવી શક્યતાઓ વધી છે. જો ઇઝરાયલને એક પણ પુરાવો મળ્યો કે હમાસના આતંકી હુમલા પાછળ ઇરાનનો હાથ છે તો પછી ચિંતા માત્ર એક કે બે રાષ્ટ્રની નહીં આખી દુનિયાની વધી જશે. આવામાં ટર્કી જેવા દેશો પણ છે જેમણે ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલાને અકસ્માતમાં ખપાવ્યો અને ઇઝરાયલે સામે જે સત્તાવાર સૈન્યના હુમલાથી જવાબ આપ્યો તેને ઘાતકી અને અન્યાયી ગણાવ્યો.

ઇરાન આડકતરી રીતે અન્ય યુદ્ધ ખડા કરાવે છે અને એ રીતે એ પોતાની સત્તા સાબિત કરવા માગે છે. વિશ્વ વ્યવસ્થા – વર્લ્ડ ઓર્ડરને બદલવા માટે મિડલ-ઇસ્ટના દેશો થનગની રહ્યા છે. પશ્ચિમી દેશો એટલે કે યુ.એસ.એ. અને યુરોપને ટોચ પર રાખતો વર્લ્ડ ઓર્ડર હવે તેમને માફક નથી આવતો. ઇરાનને બેઇજિંગ અને મોસ્કો તરફથી ટેકો મળે છે. પોતાને મળનારા ટેકાના જોર પર જો ઈરાન વધારે ઠેકડા મારવા જશે તો યુ.એસ.એ.ને ના છૂટકે યુદ્ધમાં ઢસડાવું પડશે. ઇઝરાયલને યુ.એસ.નો ટેકો મળશે અને ઇરાનની ન્યુક્લિયર ક્ષમતાઓ પણ છતી થઇ જશે.

રશિયા યુક્રેન વચ્ચેના તંગ સંબધોનાં મૂળિયાં ઊંડાં છે પણ રશિયાએ જે રીતે યુક્રેન પર અચાનક જ ચઢાઈ કરીને યુદ્ધ છેડ્યું તેનુ જોખમ આખા યુરોપ પર છે. રશિયાએ યુક્રેન પર કરેલો હુમલો સરહદો અને સીમા રેખાઓને બળજબરીથી બદલવાનો ઇરાદો ધરાવે છે. યુક્રેનની સરકાર પશ્ચિમી દેશોને સાવધાન રહેવા અપીલ કરે છે કારણ કે યુક્રેન એક માત્ર અવરોધ છે જે રશિયાને બાલ્ટિક રાજ્યો પર હુમલો કરવામાં નડે છે. NATOનો ભાગ હોય એવા દેશો આમ પણ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે હેરાન થયા જ છે. જેમ કે રોમાનિયા અને પોલિશ સરહદના વિસ્તારોમાં થયેલું નુકસાન. હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલામાં ગાઝા, તહેરાન અને મોસ્કો વચ્ચેની કડી જોડવા અને જોવા માટે બહુ ઊંડા અભ્યાસની પણ જરૂર નથી.

તાઇવાનને મામલે ચીન અને યુ.એસ.એ. વચ્ચેનો સંઘર્ષ પણ નવો નથી. વળી 2022માં યુ.એસ. હાઉસ સ્પીકર નેન્સી પોલેસીએ તાઇવાનની મુલાકાત લીધી એમાં ચીન અને યુ.એસ. વચ્ચે પરિસ્થિતિ વધારે તંગ બની. અત્યારે ચીન અને યુ.એસ. સીધા સંઘર્ષમાં ઉતરે એવી શક્યતા પાંખી છે, પણ ચીનને પોતાના સૈન્યનું બજેટ સુરક્ષા સમસ્યાઓનો બહાના હેઠળ સારી પેઠે – લગભગ 7.5 ટકા વધારી દીધું છે.  સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે વિશ્વ માનવ ઇતિહાસના સૌથી ખતરનાક સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં ઓપરેશનલ ન્યુક્લિયર વૉરહેડ્ઝની સંખ્યા ગયા વર્ષ કરતાં વધીને લગભગ 12 હજાર કરતાં પણ વધુ થઇ ગઇ છે. ચીને રશિયા અને ઇરાન સાથે રાખેલી સારાસારી સ્પષ્ટ સંકેત છે કે આ રાષ્ટ્રો પશ્ચિમી મૂલ્યોનો વિરોધમાં એક સાથે છે. ચીન ભલે સીધા સંઘર્ષને ટાળે પણ દક્ષિણ ચીની સમુદ્રમાં જે લશ્કરી હિલચાલ કરી એને કારણે ટેન્શન વધ્યું જ છે. વળી વૈશ્વિક સુપરપાવર તરીકે ચીનનું મહત્ત્વ વધ્યું છે એટલે જો યુદ્ધના સંજોગો આવે તો શસ્ત્રોનો પુરવઠો આપવાથી માંડીને ભારત – મિડલ ઇસ્ટ – યુરોપ ટ્રેડ કોરિડૉરના પ્રસ્તાવને ખારીજ કરવામાં પણ ચીનની અગત્યની ભૂમિકા હશે. ઉત્તર-પૂર્વિય એશિયામાં સલામતના સમીકરણ પણ અસ્થિર છે. ઉત્તર કોરિયા, રશિયાની નજીક આવ્યું છે તો જાપાન અને રશિયા વચ્ચેના સબંધો વણસ્યા છે.

ભૌગોલિક રાજકીય પરિબળોને જોતાં એ સ્પષ્ટ છે કે વિશ્વ પહેલાં કરતાં કંઇ ગણા વધારે અનિશ્ચિત સંજોગોનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોના વિરોધીઓ વચ્ચેના સમાન હિતોનો ટકરાવ દિવસે ને દિવસે વધુ સ્પષ્ટ થઇ રહ્યો છે. યુદ્ધ જેવી અણધારી કટોટકી ત્રાટકવાના ચોકઠા દેખીતી અને ન જોઈ શકાય તેવી સ્થિતિમાં ગોઠવાઈ રહ્યા છે. ત્રીજું વિશ્વ યુદ્ધ છેડાશે તો તેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સાયબર વૉર અને આર્થિક સંઘર્ષ સૌથી વધુ જટિલ અને અણધાર્યા હશે. યુદ્ધ અંતે તો રાજકીય અને આર્થિક સત્તા અને સલામતી માટે જ છેડાતા હોય છે. કોરોનાવાઈરસના રોગચાળા પછી વિશ્વ પર આર્થિક અસ્થિરતાના વાઈરસ પણ ફરી વળ્યો છે. આતંકવાદી સંગઠન હોય કે પોતાની સત્તા ટોચ પર મૂકવા દોડતા રાષ્ટ્રો હોય, દરેક પોતાના વિરોધી દેશની નબળાઈઓ અને મર્યાદાઓથી વાકેફ છે અને તેનો જ ઉપયોગ કરી તેઓ પોતાના પાયાને મજબૂત કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝંપલાવી ચૂક્યા છે અથવા તે માટે સાબદાં થઈ રહ્યા છે. 

બાય ધી વેઃ

ભારતે G20 સમિટ સફળતાથી પાર પાડ્યું છે અને હવે વૈશ્વિક સ્તરે ભારત પાસેથી દેશોને ઘણી અપેક્ષાઓ છે. પડકારો સતત વધી રહ્યા છે અને ભારતે ક્યારે કયા દેશને ટેકો આપવો તે તેના ભવિષ્યના આર્થિક વહેવાર પર ઘેરી અસર કરી શકે છે. આપણે એક દેશ તરીકે ત્રીજા વિશ્વ યુદ્ધ માટે તૈયારી છીએ કે કેમ એ બાજુની વાત છે કારણ કે આપણે એ માટે તૈયાર ન હોઈએ તો પણ જરૂર પડ્યે સાથી રાષ્ટ્રો માટે એ કરવું પણ પડે. રાજદ્વારી સંબંધો અને શાંતપૂર્વકના સંવાદો દ્વારા યુનાઇટેન નેસન્સ જેવા મધ્યસ્થીને પગલે યુદ્ધ ટાળી શકાય એવી થોડી ઘણી શક્યતાઓ તો હજી બચી છે, પણ આ વાત ઝનૂનથી પોતાની સત્તા સાબિત કરવા માગતા રાષ્ટ્રોએ સમજવી પડશે. ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારીએ એક ઇન્ટરવ્યુમાં તાજેતરમાં જ એ વાત કરી છે કે આ જવાબદારીથી વર્તવાનો સમય છે. કોઈની જે પણ ક્ષમતા હોય આ તેના પ્રદર્શનનો નહીં પણ ખોરવાયેલી વ્યવસ્થાને બેઠી કરવાનો વખત છે નહીંતર ત્રીજું વિશ્વ યુદ્ધ થશે અને આજે આપણી પાસે જે પ્રકારના શસ્ત્રો અને ટેક્નોલૉજી છે તેને પગલે માણસજાતનો ખાત્મો બોલાતા વાર નહીં લાગે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023

Loading

...102030...796797798799...810820830...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved